બાઇબલ સ્ટડી ચલાવતી વખતે કલમોનો સારો ઉપયોગ કરો
૧ આપણે ‘શિષ્યો બનાવવા’ બાઇબલ સ્ટડી ચલાવીએ છીએ. સ્ટડી દ્વારા આપણે લોકોને બાઇબલનું જ્ઞાન સમજવા અને એને અપનાવવા મદદ કરીએ છીએ. (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ થેસ્સા. ૨:૧૩) તેથી, સ્ટડીમાં બાઇબલ કલમો ખોલીને એના પર ભાર મૂકવો જોઈએ. સૌથી પહેલાં, વિદ્યાર્થીને પોતાના બાઇબલમાંથી કલમ ખોલતા શીખવવું જોઈએ.
૨ કઈ કલમ વાંચવી એ નક્કી કરો: બાઇબલ સ્ટડી માટે તૈયારી કરતી વખતે જુઓ કે આપેલી દરેક કલમો કેવી રીતે મુખ્ય મુદ્દાને ટેકો આપે છે. એના આધારે નક્કી કરો કે કઈ કલમ ખોલીને ચર્ચા કરવી જોઈએ. જે કલમો આપણી માન્યતાને ટેકો આપે એને વાંચવી જોઈએ. જે કલમોમાં વધારાની માહિતી આપેલી હોય એને વાંચવાની જરૂર નથી. દરેક વિદ્યાર્થીની જરૂરિયાત અને સંજોગો ધ્યાનમાં રાખીને નક્કી કરો કે કઈ કલમો પર વધારે ચર્ચા કરશો.
૩ સવાલો પૂછો: બાઇબલ કલમની સમજ તમે આપો એના કરતાં વિદ્યાર્થીને એ સમજાવવા કહી શકો. તમે અમુક સવાલો પૂછી શકો, જેથી એ કલમ સારી રીતે સમજાવી શકે. જો કલમ સહેલાઈથી સમજી શકાય એવી હોય, તો પૂછી શકો કે એ કલમ કેવી રીતે ફકરાના મુદ્દાને ટેકો આપે છે. બીજા સંજોગોમાં, ખાસ સવાલ કે એક કરતાં વધારે સવાલો પૂછવાથી વિદ્યાર્થી મુખ્ય વિચાર સારી રીતે સમજી શકશે.
૪ સાદી ભાષામાં શીખવો: એક કુશળ તીરંદાજને નિશાન પર તીર તાકવા માટે બસ એક જ તીરની જરૂર પડે છે. એવી રીતે, એક કુશળ શિક્ષકને કોઈ મુદ્દો સમજાવવા ઘણા શબ્દોની જરૂર પડતી નથી. ફકરાની ચર્ચા કરતી વખતે દરેક કલમની પૂરેપૂરી સમજણ આપવાનું ટાળો. ફક્ત મુખ્ય વિચાર પર ભાર મૂકતી માહિતી સમજાવો. કલમને સારી રીતે સમજાવવા અમુક વખતે તમારે સંસ્થાના સાહિત્યમાંથી રિસર્ચ કરીને પછી સમજાવવી પડે.—૨ તીમો. ૨:૧૫.
૫ કલમને લાગુ પાડવા મદદ કરો: જરૂર હોય ત્યારે વિદ્યાર્થીને બાઇબલ કલમને કેવી રીતે લાગુ પાડવી જોઈએ એ સમજાવવા મદદ કરો. દાખલા તરીકે, તમે હેબ્રી ૧૦:૨૪, ૨૫ની ચર્ચા કરતા હોય ત્યારે તેને કોઈ એક મિટિંગ વિષે જણાવી, મિટિંગમાં આવવા કહી શકો. પણ એમને ફોર્સ ના કરતા. ઈશ્વરના શબ્દને કામ કરવા દો. એ તેને યહોવાહની ભક્તિ કરવા માટે પગલાં ભરવા પ્રેરશે.—હેબ્રી ૪:૧૨.
૬ ચાલો, આપણે કલમોનો સારો ઉપયોગ કરીને શિષ્યો બનાવીએ. આમ બીજાઓ પણ ‘ઈશ્વર પર વિશ્વાસ કરે અને તેમની આજ્ઞાઓ પાડવા’ પ્રેરાય.—રોમનો ૧૬:૨૬, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
[અભ્યાસ પ્રશ્નો]
૧. બાઇબલ સ્ટડી ચલાવતી વખતે શા માટે આપણે કલમો પર ભાર મૂકવો જોઈએ?
૨. આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે કઈ કલમ વાંચવી અને ચર્ચા કરવી?
૩. સવાલો પૂછવાનો ફાયદો શું છે? એમ કેવી રીતે કરી શકીએ?
૪. આપણે વાંચેલી કલમની સમજણ કેટલે સુધી આપવી જોઈએ?
૫, ૬. બાઇબલને પોતાના જીવનમાં લાગુ કરવા આપણે વિદ્યાર્થીને કેવી રીતે મદદ કરી શકીએ? આપણે શું ના કરવું જોઈએ?