સત્યમાં નથી એવા જીવનસાથીને કેવી રીતે મદદ કરી શકીએ?
૧ શું તમારા મંડળમાં એવા કોઈ ભાઈ કે બહેન છે, જેમના જીવનસાથી સત્યમાં નથી? જો હોય, તો એવા ભાઈ-બહેનો ચાહશે કે તેમના સાથી પણ સત્યમાં આવે. આપણે પણ એવું જ ચાહીશું. ઈશ્વર પણ ચાહે છે કે, “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમો. ૨:૪) જો મંડળમાં એવી વ્યક્તિઓ હોય તો, આપણે તેઓને કેવી રીતે મદદ કરી શકીએ?
૨ સૌથી પહેલા, આપણે સત્યમાં ન માનતા જીવનસાથીના વિચારો જાણવા જોઈએ. આવા ઘણા સાથીઓ પોતાના કુટુંબની પ્રેમથી કાળજી રાખે છે. એક સારા સાથી અને પિતા બનવાનો પ્રયાસ કરે છે. જોકે તેઓની માન્યતા આપણાથી જુદી હોય છે. કદાચ સાક્ષીઓ વિષે કોઈએ તેઓના કાન ભંભેર્યા હોય શકે. પોતાના જીવનસાથી, કુટુંબને બદલે ભક્તિમાં વધારે સમય ગાળે છે એનાથી તેના પર નારાજ હોય શકે. આપણે તેમની લાગણીઓ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એમ કરવાથી આપણે નમ્રતા અને માનથી વર્તી શકીશું. આમ આપણે તેમની સાથે મૂંઝાયા વગર વાત કરી શકીશું.—નીતિ. ૧૬:૨૦-૨૩.
૩ વ્યક્તિમાં રસ લો: સત્યમાં નથી એવા જીવનસાથીને મંડળમાં લાવવા આપણે શું કરી શકીએ? પહેલેથી જ બાઇબલમાંથી ચર્ચા કરવાને બદલે તેની સાથે સારી રીતે વાતચીત કરવાથી ફાયદો થશે. (૧ પીત. ૩:૧, ૨) આપણે એવી વ્યક્તિમાં રસ લેવો જોઈએ. મંડળની બહેનો એવી પત્નીમાં રસ લઈ શકે. તો ભાઈઓ, એવા પતિમાં. કઈ રીતે?
૪ પહેલા આપણા ભાઈ કે બહેનને મળો અને પૂછી શકો કે તેમના સાથીને મળી શકાય કે કેમ. જો તેમના સાથીને મળો અને તે બહુ રસ ન બતાવે તો નિરાશ ન થશો. જો આપણે એક ફ્રેન્ડની જેમ તેમનામાં રસ લઈશું તો કદાચ એનાથી તે યહોવાહના સાક્ષીઓને માનથી જોશે. (રૂમી ૧૨:૨૦) અમુક ભાઈ-બહેનોએ એવા સાથીને કુટુંબ સાથે જમવા બોલાવ્યા છે, જેથી તેઓ એકબીજાને સારી રીતે ઓળખી શકે. આપણા વિષે કોઈ ગેરસમજ હોય તો એને દૂર કરી શકે. બાઇબલ વિષય પર ચર્ચા શરૂ કરવાને બદલે તેમને જેમાં રસ છે એ વિષય પર વાત કરો. વાતચીત પરથી તેઓને લાગે તો કદાચ સત્ય વિષે થોડી ચર્ચા કરો. અથવા તેમને મિટિંગ માટે આમંત્રણ આપી શકો. જો તેઓ કોઈ ભાઈ-બહેનને પહેલેથી ઓળખતા હશે તો કદાચ તેમને મિટિંગમાં આવવાનું મન થશે. ત્યાં જઈને તે જોઈ શકશે કે તેમના સાથી શું શીખે છે. પણ જો તેમને સત્ય વિષે જાણવું ના હોય તો શું કરી શકીએ? તે પોતાના લગ્નસાથીને ટેકો આપી રહ્યા છે એ માટે તેમના વખાણ કરો.
૫ ખાસ કરીને વડીલોએ એવી વ્યક્તિઓ સાથે દોસ્તી કરવા પહેલ કરવી જોઈએ. તક મળે ત્યારે સાક્ષી આપવા તૈયાર રહેવું જોઈએ. બની શકે કે તે હૉસ્પિટલમાં હોય કે ગંભીર રીતે બીમાર હોય ત્યારે સત્ય વિષે વાત કરવા તૈયાર થાય. કુટુંબમાં કોઈનું મરણ થયું હોય અથવા ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવી પડી હોય ત્યારે વડીલોને તેમને મળવાનો મોકો મળશે. જ્યારે વડીલો દિલાસો આપતા હોય ત્યારે સત્યમાં ન હોય એવા સાથીને પણ હાજર રહેવા કહી શકે.
૬ એવા ભાઈ કે બહેન કેટલા ખુશ થશે, જ્યારે તેમના સાથી સત્યમાં આવે! અરે યહોવાહ, સ્વર્ગદૂતો અને ભાઈ-બહેનો પણ હરખાશે! (લુક ૧૫:૭, ૧૦) પણ જો એ વ્યક્તિ હાલમાં સત્યમાં રસ ન બતાવે તોપણ આપણે ખુશ રહી શકીએ. કેમ કે આપણે જે પ્રયત્નો કરી રહ્યા છીએ એ જોઈને યહોવાહ બહુ ખુશ થાય છે. તે ચાહે છે કે “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે.”—૨ પીત. ૩:૯.
[અભ્યાસ પ્રશ્નો]
૧. જેમના જીવનસાથી સત્યમાં નથી, તેઓને શા માટે મદદ કરવી જોઈએ?
૨. સત્યમાં ન માનતા જીવનસાથીના વિચારો જાણીશું તો આપણને શું ફાયદો થશે?
૩. સત્યમાં નથી એવા જીવનસાથીને મંડળમાં લાવવા આપણે શું કરી શકીએ?
૪. કેવી રીતે સત્યમાં નથી એવી વ્યક્તિમાં રસ લઈ શકીએ?
૫. સત્યમાં નથી એવી વ્યક્તિને મદદ કરવા વડીલો શું કરી શકે?
૬. સત્યમાં નથી એવી વ્યક્તિઓને કેમ મદદ કરતા રહેવું જોઈએ?
[પાન ૬ પર ચિત્રનું મથાળું]
સત્યમાં નથી એવા જીવનસાથીને મંડળમાં લાવવા શું કરી શકીએ? પહેલેથી જ બાઇબલમાંથી ચર્ચા કરવાને બદલે તેની સાથે સારી રીતે વાતચીત કરી શકીએ