લોકોને જોરદાર સાક્ષી મળશે
૧. સ્મરણપ્રસંગમાં પ્રવચન સિવાય બીજા શેનાથી વ્યક્તિ પ્રભાવિત થશે?
૧ ક્યારે? સ્મરણપ્રસંગની સાંજે. લોકોને આ પ્રસંગમાં આમંત્રણ આપવા ખૂબ મહેનત કરવામાં આવી છે. શું તેઓ જે પ્રવચન સાંભળશે ફક્ત એનાથી જ પ્રભાવિત થશે? ના, સ્મરણપ્રસંગમાં આવેલી એક સ્ત્રીએ જે જોયું એ વિષે આમ જણાવ્યું: ‘ત્યાં બધા ખૂબ જ મળતાવડા હતા. તેઓએ બાંધેલો હૉલ સુંદર હતો અને તેઓ એને ચોખ્ખો રાખે છે.’ એટલે વર્ષના સૌથી મહત્ત્વના પ્રસંગે ફક્ત વક્તાએ જ નહિ પણ આપણે બધાએ સાક્ષી આપવા ભાગ ભજવવો જોઈએ.—એફે. ૪:૧૬.
૨. નવા લોકોને આપણે કઈ રીતે સાક્ષી આપી શકીએ?
૨ નવા લોકોને પ્રેમથી મળીએ: પ્રેમથી આવકાર અને સ્મિત આપવાથી નવા લોકોને સાક્ષી મળશે. (યોહા. ૧૩:૩૫) જો તમે બધાને મળી શકતા ન હોવ, તો તમારી આજુબાજુના લોકો સાથે પ્રેમથી ઓળખાણ કરી શકો. (હેબ્રી ૧૩:૧, ૨) કોઈને ઓળખતા નથી એવા લોકોને આપણે ખાસ મળવું જોઈએ. તેઓને ઝુંબેશ દરમિયાન આમંત્રણ મળ્યું હોઈ શકે. તેઓને તમે આમ પૂછી શકો, “શું તમે પહેલી વાર આ પ્રસંગમાં આવ્યા છો?” તમે તેમની સાથે બેસી શકો અને કોઈ સવાલ હોય તો એનો જવાબ આપી શકો. જો બીજા મંડળ માટે જગ્યા જલદીથી ખાલી કરવાની હોય, તો તમે કદાચ કહી શકો: ‘તમને આ પ્રસંગ વિષે કેવું લાગ્યું એ મને જાણવું ગમશે. હું તમને ફરી મળી શકું?’
૩. ઠંડા પડી ગયેલા પ્રકાશકોને આપણે કઈ રીતે આવકારી શકીએ?
૩ ઠંડા પડી ગયેલા પ્રકાશકને આવકારીએ: આપણે જાણીએ છીએ કે સ્મરણપ્રસંગમાં ઠંડા પડી ગયેલા પ્રકાશકો આવશે. તેઓમાંથી અમુક એવા પણ છે જેઓ ફક્ત આ પ્રસંગે જ જોવા મળે છે. તેઓને દિલથી આવકાર આપીએ અને અહેસાસ કરાવીએ કે તેઓને જોઈને આપણે ખરેખર ખુશ છીએ. (રૂમી ૧૫:૭) પછીથી બની શકે તેમ વડીલો જલદીથી તેમની મુલાકાત લઈને મંડળ સાથે સંગત ચાલુ રાખવા ઉત્તેજન આપી શકે. આપણી પ્રાર્થના છે કે સ્મરણપ્રસંગમાં આવશે તેઓમાંથી ઘણા યહોવાહની ભક્તિ કરવા પ્રેરાશે. તેઓ ફક્ત જે સાંભળશે એનાથી જ નહિ, આપણા ‘રૂડાં કામ જોઈને’ પણ એમ કરવા પ્રેરાશે.—૧ પીત. ૨:૧૨.