‘તમારું અજવાળું પ્રકાશવા દો’
૧. આજે આપણી પાસે શું કરવાનો મોકો રહેલો છે?
૧ સવારથી સાંજ સુધી અજવાળું ઈશ્વરને અલગ અલગ રીતે મહિમા આપે છે. પણ, ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને “જીવનનું અજવાળું” મેળવવા ઉત્તેજન આપ્યું. (યોહા. ૮:૧૨) એ અજવાળું ઈશ્વરનું જ્ઞાન છે. એ મેળવવું ઈશ્વરનો આશીર્વાદ છે. તેમ જ, એનાથી મોટી જવાબદારી પણ આવે છે. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: ‘તમારું અજવાળું લોકોની આગળ પ્રકાશવા દો.’ (માથ. ૫:૧૬) આજે દુનિયાને ઈશ્વરનું જ્ઞાન ન હોવાથી ઘોર અંધકારમાં છે. તેથી આપણે ઈશ્વરનું સત્ય લોકોને જણાવવું જોઈએ. એમ કરવાની આજે સૌથી વધારે જરૂર છે. ઈસુની જેમ આપણે કઈ રીતે લોકોને ઈશ્વરનું સત્ય જણાવી શકીએ?
૨. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે સત્યનો પ્રકાશ ફેલાવવો મહત્ત્વનું છે?
૨ પ્રચારથી: સત્યનો પ્રકાશ ફેલાવવા ઈસુએ પોતાનો સમય, શક્તિ અને બધું જ ખર્ચી નાખ્યું. તેમણે ઘરે-ઘરે, ચોકમાં, પહાડો પર અને જ્યાં પણ લોકો મળે ત્યાં બધે જ પ્રચાર કર્યો. તે જાણતા હતા કે યહોવાહનું સત્ય લોકોને જણાવવાથી તેઓને કાયમ માટે ફાયદો થશે. (યોહા. ૧૨:૪૬) ખૂણે ખૂણે પ્રકાશ ફેલાવવા ઈસુએ પોતાના શિષ્યોને “જગતનું અજવાળું” બનવા તૈયાર કર્યા છે. (માથ. ૫:૧૪) તેઓ લોકોનું ભલું કરીને અને ઈશ્વરનું સત્ય જણાવીને પ્રકાશ ફેલાવે છે.
૩. સત્યના પ્રકાશની કેવી રીતે કદર બતાવી શકીએ?
૩ ઈશ્વરના ભક્તો “પ્રકાશનાં સંતાનો” તરીકેની જવાબદારી દિલથી ઉપાડે છે. એ માટે તેઓ જ્યાં પણ લોકો મળે ત્યાં ઈશ્વરનો સંદેશો જણાવે છે. (એફે. ૫:૮) કામે કે સ્કૂલે રિસેસમાં બાઇબલ અથવા આપણું સાહિત્ય વાંચવાથી સત્ય વિષે વાત કરવાનો માર્ગ ખુલે છે. આ રીતે એક યુવાન બહેને પોતાની સાથે ભણતા ૧૨ વિદ્યાર્થીઓને પુસ્તક આપ્યા અને એક બાઇબલ અભ્યાસ શરૂ કર્યો.
૪. ‘અજવાળું પ્રકાશવા દેવામાં’ સારાં વાણી-વર્તન હોવા કેમ મહત્ત્વનું છે?
૪ સારાં વાણી-વર્તનથી: આપણે સારાં વાણી-વર્તનથી અજવાળું ફેલાવી શકીએ છીએ. (એફે. ૫:૯) સારાં વાણી-વર્તન કામ પર, સ્કૂલે કે બધે જ લોકોના ધ્યાનમાં આવશે. એનાથી બાઇબલનું સત્ય જણાવવાની તક મળશે. (૧ પીત. ૨:૧૨) પાંચ વર્ષના એક બાળકનો અનુભવ જોઈએ. તેની સારી વર્તણૂકને લીધે ટીચરે તેના માબાપને બોલાવ્યા. તેમણે કહ્યું: “મેં આવું સારું બાળક ક્યાંય નથી જોયું. તમારા બાળકના વાણી-વર્તન હંમેશા સારાં હોય છે.” આપણા પ્રચાર અને સારાં વાણી-વર્તનથી લોકો ‘જીવનનાં અજવાળા’ તરફ આવશે અને યહોવાહની સ્તુતિ કરશે.