સેવાકાર્યમાં ધીરજ રાખીએ
૧. યહોવાહે મનુષ્યને કઈ રીતે ધીરજ બતાવી છે?
૧ યહોવાહ જે રીતે મનુષ્ય સાથે વર્ત્યા છે એમાં તેમની અજોડ ધીરજ દેખાઈ આવે છે. (નિર્ગ. ૩૪:૬; ગીત. ૧૦૬:૪૧-૪૫; ૨ પીત. ૩:૯) એનો એક પુરાવો છે કે આખી દુનિયામાં તે પોતાના રાજ્યની ખુશખબર ફેલાવવા માર્ગદર્શન આપી રહ્યા છે. યહોવાહ લગભગ ૨,૦૦૦ વર્ષથી અને આજે પણ નમ્ર લોકોને પોતાની તરફ ખેંચી રહ્યાં છે. (યોહા. ૬:૪૪) યહોવાહની જેમ સેવાકાર્યમાં આપણે કઈ રીતે ધીરજ બતાવી શકીએ?
૨. શું કરવાથી પોતાના પ્રચાર વિસ્તારના લોકોને ધીરજ બતાવી શકીએ?
૨ ઘર-ઘરનું પ્રચારકાર્ય: સત્યમાં રસ નથી તેઓને પણ પ્રચાર કરવાનું ‘છોડીએ નહિ.’ એમ કરવાથી યહોવાહની જેમ આપણે ધીરજ બતાવીએ છીએ. (પ્રે.કૃ. ૫:૪૨) ભલેને લોકોને રસ ન હોય, ઠેકડી ઉડાવે અને વિરોધ કરે તોય એ બધું સહીને ધીરજથી પ્રચાર કરતા રહીએ. (માર્ક ૧૩:૧૨, ૧૩) સત્યમાં રસ બતાવ્યા પછી ઘરે મળતી ન હોય એવી વ્યક્તિને ફરી મળીને રસ જગાડવા પ્રયત્ન કરીએ, એનાથી આપણે ધીરજ બતાવીએ છીએ.
૩. ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ કરતી વખતે કેમ ધીરજ રાખવી જોઈએ?
૩ બાઇબલ અભ્યાસ: કોઈ છોડ રાતોરાત મોટો થઈ જતો નથી. આપણે એની સંભાળ રાખી શકીએ, પણ ઉતાવળે એને મોટો કરી શકતા નથી. (યાકૂ. ૫:૭) એવી જ રીતે યહોવાહમાં વ્યક્તિની શ્રદ્ધા પણ ધીમે ધીમે વધે છે. (માર્ક ૪:૨૮) જેઓની સાથે આપણે અભ્યાસ કરીએ છીએ તેઓને કદાચ માણસોએ બનાવેલા ધર્મ કે પોતાના રીત-રિવાજો છોડવા અઘરા લાગતા હોઈ શકે. તેઓ એ બધું છોડીને ઝડપથી પ્રગતિ કરે એ માટે દબાણ ન કરવું જોઈએ. એના બદલે પૂરતો સમય આપવો જોઈએ, જેથી તેઓના દિલ પર યહોવાહની શક્તિની અસર થાય. એમ કરીને આપણે ધીરજ રાખીએ છીએ.—૧ કોરીં. ૩:૬, ૭.
૪. આપણાં સગા-વહાલાંને સત્ય જણાવવા ધીરજ કઈ રીતે મદદ કરી શકે?
૪ સત્યમાં નથી એવા સગા-વહાલા: ખરું કે આપણા દરેકની તમન્ના છે કે સગાં-વહાલાં પણ સત્યમાં આવે. તોપણ સંજોગો ધ્યાનમાં રાખીને તેઓને સત્ય જણાવવું જોઈએ. થોડા સમયમાં બધું જ જણાવવું ન જોઈએ, પણ ધીરજ રાખવી જોઈએ. (સભા. ૩:૧, ૭) એ દરમિયાન આપણે હંમેશા સારાં વાણી-વર્તન બતાવીએ. તેમ જ, પ્રેમ અને માનથી તેઓને સત્ય જણાવવા તૈયાર રહીએ. (૧ પીત. ૩:૧, ૧૫) આપણે સેવાકાર્યમાં ધીરજ રાખીશું તો, લોકોને સારી રીતે શીખવી શકીશું. એનાથી યહોવાહને ખૂબ જ આનંદ થશે.