‘કરુણા’ બતાવતા રહીએ
૧. આજે લોકોને ખાસ શાની જરૂર છે?
૧ પહેલાં કરતા આજે લોકો વધારે દુઃખી હાલતમાં જીવી રહ્યાં છે. એટલે લોકોને વધારે હમદર્દી બતાવવાની જરૂર છે. દુનિયાની હાલત બગડી રહી હોવાથી ઘણાં લોકો ઉદાસ, નિરાશ અને લાચાર બની ગયા છે. લાખોને મદદની જરૂર છે. આપણે યહોવાના ભક્તો હોવાથી આપણા વિસ્તારના લોકોને ખરી મદદ આપી શકીએ છીએ. (માથ. ૨૨:૩૯; ગલા. ૬:૧૦) કેવી રીતે?
૨. હમદર્દી બતાવવાની સૌથી સારી રીત કઈ છે?
૨ હમદર્દી બતાવતું કાર્ય: યહોવાહ પાસેથી કાયમ માટેનો દિલાસો મળે છે. (૨ કોરીં. ૧:૩, ૪) યહોવાહ આપણને ‘કરુણા’ બતાવવાનું અને તેમના રાજ્યની ખુશખબર જણાવવાનું ઉત્તેજન આપે છે. (૧ પીત. ૩:૮) તેમનું રાજ્ય સર્વ દુઃખી લોકો માટે એક માત્ર આશા છે. એ રાજ્યની ખુશખબર જણાવવા આપણાથી બનતું બધું કરીએ. “ભગ્ન હૃદયવાળાઓને” હમદર્દી બતાવવાની એ જ સૌથી સારી રીત છે. (યશા. ૬૧:૧) યહોવાહને પોતાના ભક્તો માટે દયા હોવાથી તે જલદી જ દુષ્ટ લોકોનો નાશ કરશે અને ન્યાયી નવી દુનિયા લાવશે.—૨ પીત. ૩:૧૩.
૩. આપણે કેમ લોકોને ઈસુની જેમ જોવા જોઈએ?
૩ ઈસુની જેમ લોકો સાથે વર્તીએ: ટોળાને પ્રચાર કરતી વખતે પણ ઈસુએ એમાંની દરેક વ્યક્તિનો વિચાર કર્યો. તે પારખી શક્યા કે તેઓ દરેકને ઈશ્વર સાથે સંબંધ બાંધવા મદદની જરૂર છે. તેઓ પાળક વગરના ઘેટાં જેવા હતા, જેઓને જીવનનો ખરો માર્ગ બતાવનાર કોઈ ન હતું. તેઓની હાલત જોઈને ઈસુનું દિલ વીંધાઈ ગયું, એટલે તે ધીરજથી લોકોને શીખવવા લાગ્યાં. (માર્ક ૬:૩૪) જો આપણે પણ ઈસુની જેમ લોકોને જોઈશું, તો દરેકને દયા બતાવવાનું મન થશે. એ આપણી બોલવાની રીત અને ચહેરા પરથી દેખાઈ આવશે. પ્રચારકાર્ય આપણા જીવનમાં પ્રથમ રાખીએ અને દરેકની જરૂરિયાત પ્રમાણે સમજી-વિચારીને દિલાસો આપીએ.—૧ કોરીં. ૯:૧૯-૨૩.
૪. આપણે કેમ દયા બતાવવી જોઈએ?
૪ આખી દુનિયામાં લોકો ખુશખબર સ્વીકારી રહ્યાં છે. તેમ જ, તેઓને જે રીતે મદદ આપવામાં આવે છે એનાથી તાજગી અનુભવે છે. ચાલો, આપણે બધાને દયા બતાવતા રહીએ. એનાથી યહોવાહને ખૂબ જ આનંદ થશે.—કોલો. ૩:૧૨.