પ્રચાર પહેલા, તમારી ભાષાના લોકોને શોધો
૧. ઘણી ભાષા બોલાતા વિસ્તારોમાં મંડળનો પ્રચારવિસ્તાર શા માટે ભાષા પ્રમાણે આપવામાં આવે છે?
૧ પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં ઈસુના શિષ્યોને પવિત્ર શક્તિ મળી હતી. જેઓ દૂર દૂરથી આવ્યા હતા તેઓ સાથે શિષ્યો “અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.” (પ્રે.કૃ. ૨:૪) એના લીધે, લગભગ ત્રણ હજાર લોકો બાપ્તિસ્મા પામ્યા. કદાચ એ પરદેશીઓમાંથી મોટા ભાગના હિબ્રૂ અથવા ગ્રીક જાણતા હશે. તોપણ, યહોવાએ એવું પસંદ કર્યું કે તેઓની માતૃભાષામાં રાજ્યની ખુશખબર જણાવવામાં આવે. માતૃભાષામાં ખુશખબર જણાવવામાં આવે ત્યારે, લોકો એનો જલદીથી સ્વીકાર કરે છે એમાં કોઈ શંકા નથી. તેથી, ઘણી ભાષા બોલાતા વિસ્તારોમાં મંડળોને પ્રચારવિસ્તાર ભાષા પ્રમાણે આપવામાં આવે છે. (ઓર્ગેનાઇઝ્ડ પુસ્તકના પાન ૧૦૭, ફકરા ૨-૩) મંડળ જે ભાષાના ગ્રૂપને સાથ સહકાર આપે છે, તેઓને પોતાની ભાષામાં પ્રચાર વિસ્તાર સોંપવામાં આવતો નથી. પણ એ ગ્રૂપ મંડળના પ્રચાર વિસ્તારમાં કામ કરી શકે, સિવાય કે બાજુનાં મંડળો તેઓને અમુક વિસ્તાર આવરવાનું જણાવે.
૨. (ક) લોકોને શોધવાનું કામ કોનું છે? કેવા વિસ્તારોમાં એની જરૂર પડી શકે? (ખ) ઘણી ભાષા બોલતા પ્રચારવિસ્તારમાં મંડળો કઈ રીતે એકબીજાને મદદ કરી શકે? (ગ) બીજી ભાષાની વ્યક્તિ રસ બતાવે તો આપણે શું કરવું જોઈએ?
૨ તમારા મંડળના વિસ્તારમાં બધા એક જ ભાષા બોલતા હોય તો, તમે ઘરે-ઘરે પ્રચાર કરશો. જોકે, તમે એવા શહેરમાં રહેતા હો, જ્યાં અનેક ભાષાઓ બોલાતી હોય, તો પરિસ્થિતિ જુદી હશે. કેમ કે બીજી ભાષાઓના મંડળો પણ એ જ વિસ્તારમાં પ્રચાર કરતા હશે. જો પ્રચાર વિસ્તારમાં બાજુના મંડળોમાં બોલતી ભાષાના વધારે લોકો રહેતા હોય, તો બધા સેવા નિરીક્ષકો ગોઠવણ કરશે કે ક્યારે કયું મંડળ એ વિસ્તારમાં પ્રચાર કરશે. પણ એવું બને કે મંડળ કે ગ્રૂપમાં બોલાતી ભાષાના લોકો ઓછા હોય, તો તેઓએ એ ભાષાના લોકોની શોધ કરવાની ગોઠવણ કરવી જોઈએ. ખરું કે બીજા મંડળો તમારી ભાષા બોલતા વ્યક્તિઓની માહિતી આપશે. પણ તમે પ્રચાર કરી શકો એ માટે, લોકોને શોધવાની પહેલી જવાબદારી તમારા મંડળ કે ગ્રૂપની છે. (“એકબીજાને મદદ કરો” બૉક્સ જુઓ.) એટલે, લોકોને શોધવાના કામમાં તમારે ભાગ લેવો પડશે. તમારી ભાષા બોલતા લોકો ક્યાં રહે છે, એની શોધ કરવી પડશે. તમે એ કામ કઈ રીતે કરી શકો?
૩. મંડળ કે ગ્રૂપ શાના પરથી નક્કી કરી શકે કે લોકોને ક્યાં શોધવા અને એની પાછળ કેટલો સમય આપવો?
૩ શોધવાના કામની ગોઠવણ: ઘણી ભાષા બોલાતા વિસ્તારમાં શોધવાના કામમાં કેટલો સમય આપવો, એ સ્થાનિક સંજોગો પર આધારિત છે. દાખલા તરીકે, એ વિસ્તારમાં કેટલા લોકો તમારી ભાષા બોલે છે? તમારા ગ્રૂપ કે મંડળમાં કેટલા પ્રકાશકો છે? પહેલેથી કેટલા લોકોનાં નામ-સરનામાં પ્રાપ્ય છે? એ જરૂરી નથી કે તમારા આખા વિસ્તારમાં એકસરખી રીતે શોધ કરવામાં આવે. પણ વધારે વસ્તી હોય ત્યાં શોધી શકાય. જોકે, શોધવાની સારી ગોઠવણ કરવી ખૂબ જરૂરી છે, જેથી વધારે લોકો યહોવા ઈશ્વરને ઓળખી શકે.—યોએ. ૨:૩૨; રોમ. ૧૦:૧૪.
૪. (ક) લોકોને શોધવાના કામની કઈ રીતે ગોઠવણ કરવી જોઈએ? (ખ) તમારી ભાષા બોલતા લોકોને શોધવાની અમુક રીતો કઈ છે?
૪ એક પ્રચારવિસ્તારમાં વારંવાર શોધ ન થાય એ માટે વડીલોએ, ખાસ કરીને સેવા નિરીક્ષકે આ કામની ગોઠવણ કરવી જોઈએ અને દેખરેખ રાખવી જોઈએ. (૧ કોરીં. ૯:૨૬) બીજી ભાષા બોલતા ગ્રૂપની સંભાળ રાખતા મંડળના વડીલો યોગ્ય ભાઈને પસંદ કરશે, શક્ય હોય તો વડીલ કે સેવકાઈ ચાકરને આગેવાની લેવા કહેશે. ઘણા મંડળો અને ગ્રૂપ લોકોની શોધ કરવાની શરૂઆત વ્યવસ્થિત રીતે કરે છે. જેમ કે, તેઓ ડિરેક્ટરી કે ઇન્ટરનેટ પરથી પોતાની ભાષાના જાણીતા નામ પરથી લોકોનાં સરનામાં શોધે છે. પછીથી ફોન કરીને અથવા તેઓની રૂબરૂ મુલાકાત લઈને નક્કી કરે છે કે એ નામ-સરનામું પ્રચારવિસ્તારમાં ઉમેરવું કે નહિ. જો શક્ય હોય તો મંડળના વડીલો નક્કી કરશે કે અમુક વાર આખું મંડળ શોધના કામમાં ભાગ લેશે.—“તમારી ભાષા બોલતા લોકોને કઈ રીતે શોધવા” એ બૉક્સ જુઓ.
૫. (ક) શોધવાનું કામ કરનારા પ્રકાશકો માટે કયા સૂચનો છે? (ખ) શોધવાના કામમાં ભાગ લેતી વખતે લોકોને શું કહીશું?
૫ જ્યારે પણ આપણે શોધવાના કામમાં ભાગ લઈએ, ત્યારે મનમાં સ્પષ્ટ હેતુ હોવો જોઈએ. આ કામ પ્રચારકાર્યનો એક ભાગ હોવાથી, આપણો પહેરવેશ યોગ્ય હોવો જોઈએ. જે ભાષાના લોકોને શોધતા હોઈએ, એ ભાષામાં રજૂઆતની તૈયારી કરવાથી અને એનો ઉપયોગ કરવાથી ઘણા પ્રકાશકોનો ઉત્સાહ વધ્યો છે અને તેઓની ભાષા પણ સુધરી છે. પ્રચારવિસ્તારના નકશા-યાદી બનાવવાના કામમાં ગાળેલા સમયને નહિ, પણ શોધવાના કામમાં પસાર કરેલા સમયને રિપોર્ટમાં લખી શકાય. જે ભાષાના લોકો શોધતા હોઈએ તેઓમાંનું કોઈ મળે ત્યારે, બાઇબલની ખુશખબર જણાવીએ. પછી, તેમની જાણ સેવા નિરીક્ષક કે જવાબદાર ભાઈને કરીએ, જેથી તે પ્રચારવિસ્તારના નકશા-યાદીમાં સુધારાવધારા કરી શકે. જો તેમને રસ ન હોય તોપણ તેમના સરનામાની જાણ કરીશું. લોકોને શોધવા એ મહત્ત્વનું કામ છે, તેમ છતાં પ્રચારકાર્યનાં બીજાં પાસાંમાં પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ.—“શોધવાના કામમાં શું કહીશું” બૉક્સ જુઓ.
૬. મૂક બધિર લોકોને શોધવામાં કયાં નડતરો રહેલાં છે?
૬ મૂક બધિર લોકોની શોધ કરવી: તેઓને શોધવા સહેલું નથી. એ માટે વારંવાર પ્રયાસ કરવો પડે છે. મૂક બધિર વ્યક્તિઓને તેઓનાં નામ, દેખાવ કે પહેરવેશ પરથી પારખી શકતા નથી. વધુમાં, કુટુંબીજનો અને મિત્રો તેઓનું રક્ષણ કરતા હોવાથી, પારકાઓને તેઓની માહિતી આપતા અચકાય છે. અહીં આપેલા સૂચનો મૂક બધિર અને બીજી ભાષા બોલતા લોકોની શોધમાં પણ ઉપયોગી નીવડશે.
૭. (ક) મૂક બધિરોને શોધવા રહેવાસી વિસ્તારોમાં કેવી પૂછપરછ કરી શકાય? (ખ) ઘરમાલિકની શંકા કઈ રીતે દૂર કરી શકાય?
૭ રહેવાસી વિસ્તારોમાં પૂછપરછ કરવાથી ઘણાં સાઈન લેંગ્વેજ મંડળો અને ગ્રૂપને સફળતા મળી છે. કદાચ ત્યાં રહેતા લોકોએ સાઈન લેંગ્વેજ વાપરતા વ્યક્તિઓને પડોશમાં, કામ પર કે સ્કૂલમાં જોયા હશે. તેઓએ કદાચ કોઈ રસ્તા ઉપર એવું બોર્ડ જોયું હોઈ શકે, જે જણાવતું હોય કે એ વિસ્તારમાં મૂક બધિર બાળકો રહે છે. કદાચ તેમના સગાંમાં કોઈ મૂક બધિર વ્યક્તિ હોય. એ ધ્યાન રાખો કે તમારી મુલાકાતથી તેઓના મનમાં શંકા જાગી શકે. તોપણ, ઘરમાલિકનો ડર દૂર કરવા તમે ઘણું કરી શકો છો. જેમ કે, તેઓ સાથે પ્રેમ અને માનથી ટૂંકમાં વાત કરો. ઘણા પ્રકાશકોએ ઘરમાલિકને બાઇબલ અથવા સાઈન લેંગ્વેજ ડીવીડી બતાવીને પૂછપરછ કરી છે. એનાથી તેઓને સારાં પરિણામો મળ્યા છે. તેઓ ઘરમાલિકને જણાવે છે કે મૂક બધિર લોકોને બાઇબલની આશા જણાવવા માંગે છે. કદાચ ઘરમાલિક માહિતી આપતા અચકાય. તોપણ, બની શકે કે તમારું સરનામું અથવા સભાની આમંત્રણ પત્રિકા એ સ્વીકારે, જેથી મૂક બધિર મિત્રો કે સગાંને એ આપી શકે.
૮. નજીકનાં મંડળો સાઈન લેંગ્વેજ મંડળને કઈ રીતે મદદ આપી શકે?
૮ સાઈન લેંગ્વેજ મંડળ કદાચ વર્ષમાં એક-બે દિવસ માટે આસપાસના બીજી ભાષાઓના મંડળોની મદદ લઈ શકે, જેથી પોતાના પ્રચારવિસ્તારમાં મૂક બધિર લોકોને શોધી શકે. પ્રચારની સભામાં સાઈન લેંગ્વેજ મંડળ માર્ગદર્શન આપી શકે અને દૃશ્યથી બતાવી શકે કે કઈ રીતે શોધ કરવી. દરેક નાના ગ્રૂપમાં સાઈન લૅંગ્વેજના એક પ્રકાશક રાખવા અને કયા વિસ્તારમાં શોધ કરવી એનો નકશો પણ આપવો.
૯. મૂક બધિર લોકો મનોરંજન માટે ભેગા મળતા હોય ત્યાં અથવા કોઈ સંસ્થા તેઓને સેવા આપતી હોય ત્યાં, શોધવાનું કામ કઈ રીતે કરી શકાય?
૯ મૂક બધિર લોકો મનોરંજન માટે જ્યાં ભેગા મળતા હોય ત્યાંથી અથવા તેઓને સેવા આપતી કોઈ સંસ્થા પાસેથી તેઓની શોધ કરી શકો. પ્રકાશકોએ એવી જગ્યાઓને ધ્યાનમાં રાખીને પહેરવેશ અપનાવવો જોઈએ. આખા ટોળા સાથે વાત કરવાને બદલે એકાદ-બે વ્યક્તિ સાથે વાત કરીએ. જો વ્યક્તિને રસ હોય તો સરનામાની આપલે કરી શકાય.
૧૦. વેપારી વિસ્તારમાં પ્રકાશકો મૂક બધિર લોકોને કઈ રીતે શોધી શકે?
૧૦ આમ પણ કરી શકો: વેપારી વિસ્તારો બતાવતા નકશા બનાવી શકો અને યોગ્ય સમયે એ વિસ્તારોની મુલાકાત લઈ શકો. પેટ્રોલ પંપ, લૉન્ડ્રીવાળા, રેસ્ટોરંટ કે હોટલ કે એના જેવા વેપારી વિસ્તારોના અલગ અલગ નકશા બનાવો. દરેક નકશામાં એકસરખા વેપાર-ધંધા હોય તો, એ માટે એક જેવી રજૂઆત વાપરી શકાય અને વધારે શીખી શકાય. દાખલા તરીકે, ઘણી હોટલોમાં મૂક બધિર લોકો રહેવા જાય છે. તેથી, હોટલના ક્લાર્કને મળીને ટૂંકમાં જણાવી શકો કે તમે શું કરો છો. પહેલેથી તૈયાર કરેલા પૅકેટમાં ડીવીડી અને મંડળની સભાની આમંત્રણ પત્રિકા મૂકી શકો. અમુક વેપાર-ધંધાની જગ્યાએ ત્યાંના લોકોને પૂછી શકો કે કોઈ કામદાર કે ગ્રાહક સાઈન લેંગ્વેજ વાપરે છે કે નહિ. તમારા વિસ્તારમાં મૂક બધિરની શાળા હોય તો, તેઓની લાઇબ્રેરી માટે આપણી ડીવીડી આપી શકો.
૧૧. કેમ લોકોને શોધવાનું કામ એ પ્રચારકાર્યનો મહત્ત્વનો ભાગ છે?
૧૧ મહત્ત્વનું કાર્ય: તમારી ભાષાના લોકોને શોધવામાં ઘણો સમય લાગી શકે. બીજું કે ઘણા લોકો પોતાના રહેવાની જગ્યા વારંવાર બદલતા હોય છે. એના કારણે, પ્રચારવિસ્તારના નકશા અપ-ટુ-ડેટ રાખવા અઘરા બને છે. એ ઉપરાંત, નવા નવા વિસ્તારોમાં પણ શોધકામ કરવું પડે છે, જે પ્રચારકાર્યનો મહત્ત્વનો ભાગ છે. આપણને આ કામ યહોવાએ સોંપ્યું છે, જે કદી ભેદભાવ કરતા નથી. (પ્રે.કૃ. ૧૦:૩૪) તે ચાહે છે કે ‘સઘળાં માણસો તારણ પામે અને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત’ કરે. (૧ તીમો. ૨:૩, ૪) એટલે ચાલો, બધી ભાષાના ‘સાચા અને નિખાલસ દિલના’ લોકોને શોધવા, યહોવા અને એકબીજાને સાથ આપીએ.—લુક ૮:૧૫, કોમન લેંગ્વેજ.
એકબીજાને મદદ કરો
પ્રચાર કરવા જો મંડળ કે ગ્રૂપને પોતાની ભાષા બોલતા લોકોને શોધવામાં મદદ જોઈતી હોય તો શું? સેવા નિરીક્ષકે નજીકનાં બીજી ભાષાનાં મંડળોના વડીલોનો સંપર્ક સાધીને જરૂરી મદદ લેવી જોઈએ. એવાં મંડળોનો સંપર્ક કરવો સારું થશે જેઓ બહુ દૂર ન હોય અથવા એ ભાષા બોલતા ઘણા લોકો રહેતા હોય. પ્રચારમાં બીજી ભાષાની વ્યક્તિ તમને મળે અને લાગે કે તેની ભાષામાં વાત કરવાથી તેને વધારે ફાયદો થશે તો શું કરશો? શક્ય હોય તો તેમનું નામ-સરનામું અને ભાષા લખી લો. પછી તમારા સેવા નિરીક્ષકને અથવા કોઈ જવાબદાર ભાઈને એ આપો. સેવા નિરીક્ષક બીજી ભાષા બોલતા લોકોના લીસ્ટમાં એને ઉમેરશે. જો બીજી ભાષાનું મંડળ કે ગ્રૂપ એ માહિતી માંગે, તો તે તેઓને જણાવશે. જુદા જુદા મંડળના સેવા નિરીક્ષકોએ જરૂરી ગોઠવણ કરવી જોઈએ, જેથી ઘણી ભાષા ધરાવતા વિસ્તારમાં કોઈ રસ બતાવે, તો તેને યોગ્ય મંડળ કે ગ્રૂપ વિશે જણાવી શકે.
જો પ્રકાશકને પોતાના વિસ્તારમાં બીજી ભાષાના (અથવા મૂક બધિર) લોકો મળે અને રસ બતાવે તો, પ્લીઝ ફૉલો અપ (S-43) ફોર્મ તરત ભરીને મંડળના સેક્રેટરીને આપવું જોઈએ. એમ કરવાથી વ્યક્તિને ઈશ્વર વિશે શીખવા જલદીથી મદદ મળશે.—મે ૨૦૧૧ની રાજ્ય સેવાનું પાન ૩ જુઓ.
તમારી ભાષા બોલતા લોકોને કઈ રીતે શોધવા
• બીજાઓને પૂછો. જેમ કે, બાઇબલ વિદ્યાર્થીઓ અને તેઓના કુટુંબના સભ્યોને, તમારી સાથે કામ કરતા લોકોને, વગેરે.
• તમારી ભાષામાં જાણીતા હોય એવા નામ ટેલિફોન ડિરેક્ટરીમાંથી શોધો. ઇન્ટરનેટ અથવા ફોન કંપની પાસે એવી ડિરેક્ટરી હોય છે, જેમાં વ્યક્તિનું નામ એના સરનામા પ્રમાણે શોધી શકાય છે.
• તમારા વિસ્તારની લાઇબ્રેરી, સરકારી ઑફિસો અને કોલેજોમાં પૂછપરછ કરો.
• તમે જે ભાષાના લોકોને શોધો છો, તેઓએ છાપામાં કોઈ પ્રસંગની જાહેરાત આપી હોય તો, એ જુઓ.
• તમે જે ભાષાના લોકોને શોધો છો, એ ભાષાના લોકોની દુકાનો કે વેપાર-ધંધા હોય તો, ત્યાં સંપર્ક કરો.
• વેપાર-ધંધાની જગ્યાઓ, યુનિવર્સિટી સેન્ટર, બસ કે ટ્રેન સ્ટેશન પર પરવાનગી લઈને આપણા સાહિત્યનું ટેબલ ગોઠવો. આવી જગ્યાઓ પર તમારી ભાષાના લોકો વધારે આવજા કરતા હોય શકે.
શોધવાના કામમાં શું કહીશું
પ્રેમથી સીધેસીધી વાત કરીશું તો, તેઓ ગભરાશે નહિ. પહેલેથી જ તેઓની ભાષામાં સાહિત્ય બતાવવું ઉપયોગી સાબિત થશે.
કેમ છો કહ્યા પછી આમ કહી શકો: “અમે ______ ભાષાના લોકોને શોધીએ છીએ. શું તમે એવા કોઈને જાણો છો?”
મૂક બધિર લોકોને શોધતી વખતે તમે ઘરમાલિકને આમ કહી શકો: “કેમ છો! શું હું તમને કંઈક બતાવી શકું? [ડીવીડી પ્લેયર પર ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશનની કલમ બતાવો.] આ અમેરિકન સાઇન લૅંગ્વેજમાં બાઇબલ છે. આ સિવાય અમારી પાસે અનેક વિડીયો છે. એ બધું અમે વિનામૂલ્યે આપીએ છીએ, જેથી મૂક બધિર લોકો ઈશ્વર વિશે શીખી શકે. તમે એવા કોઈ લોકોને જાણો છો, જેઓ સાઇન લેંગ્વેજ વાપરતા હોય અથવા જેઓ ઓછું સાંભળતા હોય?” જો ઘરમાલિકને તરત ખ્યાલ ન આવે, તો તેમને અમુક દાખલા આપીને પૂછો કે ‘શું તમે કામ પર, સ્કૂલમાં કે આડોશપાડોશમાં એવા લોકોને જોયા છે?’