પ્રબોધકોનો દાખલો લો—યોએલ
૧. પ્રચારમાં આપણે યોએલની નમ્રતાને કઈ રીતે અનુસરી શકીએ?
૧ યોએલ પ્રબોધક કોણ હતા? યોએલ એટલું જ જણાવે છે કે પોતે “પથૂએલના પુત્ર” હતા. (યોએ. ૧:૧) નમ્ર દિલના આ પ્રબોધકે યહોવાના સંદેશા પર ભાર મૂક્યો, નહિ કે સંદેશો આપનાર તરીકેની પોતાની ભૂમિકા પર. એ જ રીતે, આપણે પ્રચારમાં પોતાના વખાણ કરાવવાને અને લોકોનું ધ્યાન આપણા પર ખેંચવાને બદલે, યહોવા અને બાઇબલ તરફ ખેંચીએ છીએ. (૧ કોરીં. ૯:૧૬; ૨ કોરીં. ૩:૫) વધુમાં, આપણે જે સંદેશો જણાવીએ છીએ એનાથી આપણને પોતાને શક્તિ મળે છે. યોએલની ભવિષ્યવાણીની કઈ બાબતો આજે આપણો ઉત્સાહ વધારી અને આશા આપી શકે છે?
૨. યહોવાનો દિવસ બહુ નજીક છે એ જોતા શું કરવાનું ઉત્તેજન મળે છે?
૨ “યહોવાનો દિવસ નજીક છે.” (યોએ. ૧:૧૫): એ શબ્દો હજારો વર્ષ અગાઉ લખવામાં આવ્યા હતા, પણ આપણે એની પરિપૂર્ણતાના છેલ્લા ભાગમાં જીવી રહ્યા છીએ. દુનિયાની બગડતી હાલત અને આપણા વિસ્તારમાં જોવા મળતી નફરત અને ઠઠ્ઠામશ્કરી સાબિત કરે છે કે દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસો આવી પહોંચ્યા છે. (૨ તીમો. ૩:૧-૫; ૨ પીત. ૩:૩, ૪) અંતના કેટલા નજીક છીએ એનો વિચાર કરીએ તેમ, આપણા જીવનમાં યહોવાની ભક્તિ પહેલી રાખવાનાં ઘણાં કારણો છે.—૨ પીત. ૩:૧૧, ૧૨.
૩. મહાન વિપત્તિની નજીક જઈએ છીએ તેમ પ્રચાર કરવો કેમ બહુ મહત્ત્વનો છે?
૩ “યહોવા પોતાના લોકનો આશ્રય થશે.” (યોએ. ૩:૧૬): આ કલમમાં કાંપવા વિશે જે વાત થાય છે, એ મહાન વિપત્તિ દરમિયાન યહોવાના ન્યાયચુકાદાને જ લાગુ પડી શકે. એ સમયે યહોવા પોતાના વફાદાર લોકોને બચાવશે એ જાણીને આપણને દિલાસો મળે છે. (પ્રકટી. ૭:૯, ૧૪) પ્રચારમાં ભાગ લઈએ અને યહોવા કઈ રીતે આપણને ટકાવી રાખીને હિંમત આપે છે એનો અનુભવ કરીએ. એનાથી, આપણી શ્રદ્ધા અને ધીરજ વધે છે, જે આવનાર મહાન વિપત્તિમાં મદદ કરશે.
૪. આપણે કેમ આનંદ કરી શકીએ અને ભાવિનો પૂરા ભરોસાથી સામનો કરી શકીએ?
૪ યોએલના સંદેશાનું વર્ણન અમુક લોકોએ શોકના સંદેશા તરીકે કર્યું છે. તોપણ, ઈશ્વરના ભક્તો માટે એ છુટકારાની આશા આપે છે. (યોએ. ૨:૩૨) તેથી, ચાલો ભાવિનો પૂરા ભરોસાથી સામનો કરીએ અને ઈશ્વરના રાજ્યના સમાચાર ઉત્સાહથી જણાવીએ. તેમ જ, યોએલ ૨:૨૩ની આ સલાહને પાળીએ: “આનંદ કરો, ને તમારા ઈશ્વર યહોવામાં હરખાઓ.”