અંધ વ્યક્તિને યહોવા વિશે શીખવા મદદ કરીએ
૧. ઈસુએ કઈ રીતે અંધ વ્યક્તિ પર દયા બતાવી?
૧ ઈસુના મરણને થોડાક જ દિવસો બાકી હતા. તે યરીખો શહેરમાંથી નીકળતા હતા ત્યારે, બે અંધ વ્યક્તિએ તેમને પોકારીને કહ્યું: ‘પ્રભુ, અમારા પર દયા કરો!’ એ વખતે ઈસુના મનમાં પોતે સખત સતાવણી સહન કરવાના હતા એના વિચારો ચાલતા હતા. તેમ છતાં, તે ઊભા રહ્યા, તેઓને પોતાની પાસે બોલાવ્યા અને દેખતા કર્યા. (માથ. ૨૦:૨૯-૩૪) ઈસુએ અંધ વ્યક્તિને દયા બતાવી એમાંથી આપણે શું શીખી શકીએ?
૨. જાહેર જગ્યાએ અંધ વ્યક્તિને મળીએ ત્યારે, આપણે તેને કઈ રીતે મદદ કરી શકીએ?
૨ મદદ કરો: તમે કોઈ અંધ વ્યક્તિને કદાચ જાહેર જગ્યાએ મળો ત્યારે, પોતાની ઓળખ આપો. તેમ જ, જણાવો કે તમે તેને મદદ કરવા ચાહો છો. જોકે, આવા લોકોનો વારંવાર ગેરલાભ ઉઠાવવામાં આવતો હોવાથી તે કદાચ તમારા પર શંકા કરે. પણ, તમે મળતાવડા છો અને તેનામાં દિલથી રસ લઈ રહ્યા છો એ જોઈને તે કદાચ હળવાશ અનુભવે. અમુક અંધ વ્યક્તિઓ બિલકુલ જોઈ શકતી નથી જ્યારે કે, અમુક થોડુંક જોઈ શકે છે. એ વાત ધ્યાનમાં રાખવાથી આપણે નક્કી કરી શકીશું કે તેને કેટલી મદદની જરૂર છે. કોઈ મદદ કર્યા પછી, તમે કદાચ કહી શકો કે તમે લોકોને બાઇબલમાંથી શીખવો છો. શાસ્ત્રમાંથી કલમ વાંચી આપો. જેમ કે, ગીતશાસ્ત્ર ૧૪૬:૮ અથવા યશાયા ૩૫:૫, ૬. જો તે બ્રેઈલ લિપિ વાંચી શકતી હોય, તો પૂછો કે બાઇબલ વિશે વધારે શીખવા શું તેને એ લિપિમાં કોઈ સાહિત્ય વાંચવું ગમશે. તમે તેને jw.org પરથી ઑડિયો રેકોર્ડિંગ મેળવવા મદદ કરી શકો. જો તેના કૉમ્પ્યુટર કે ટેબ્લેટમાં સ્ક્રીન પરનું લખાણ સાંભળી શકે એવો પ્રોગ્રામ (સ્ક્રીન રીડર પ્રોગ્રામ) હોય, તો તેને jw.org પરના આપણા લેખ કદાચ ગમે. તેમ જ, તે અમુક લેખને આરટીએફમાં (રીચ ટેક્સ્ટ ફોર્મેટ) ડાઉનલોડ કરી શકે છે.—“અંધ વ્યક્તિને મદદ કરીએ ત્યારે . . . ” બૉક્સ જુઓ.
૩. આપણા વિસ્તારમાં અંધ વ્યક્તિને કઈ રીતે શોધી શકીએ?
૩ અંધ વ્યક્તિની શોધ કરો: ઘર-ઘરના પ્રચારમાં આપણને ક્યારેક જ અંધ વ્યક્તિ મળે છે. કારણ કે, મોટા ભાગે તેઓ ઘરે આવેલી અજાણી વ્યક્તિ સાથે વાત કરતા અચકાય છે. તેથી, ઈશ્વરનો સંદેશો જણાવવા આવા લોકોની ‘શોધ કરવી’ ખૂબ પ્રયત્નો માંગી લે છે. (માથ. ૧૦:૧૧) શું તમારી સાથે કામ કરનાર કે ભણનાર કોઈ વ્યક્તિ અંધ છે? જો હોય, તો તેની સાથે વાત કરવા પહેલ કરો. જો તમારા વિસ્તારમાં અંધ લોકો માટે શાળા હોય, તો સ્કૂલની લાઇબ્રેરી માટે અમુક બ્રેઈલ સાહિત્ય આપો. શું તમે કોઈને ઓળખો છો જેમના કુટુંબનું સભ્ય અંધ હોય? શું તમારા વિસ્તારમાં એવી કોઈ સંસ્થા છે જે અંધ લોકોને જરૂરી સેવા પૂરી પાડતી હોય? અથવા જ્યાં અંધ લોકો રહેતા હોય? કુટુંબના સભ્ય, રિસેપ્શનીસ્ટ અથવા ડાયરેક્ટરને સમજાવો કે યહોવાના સાક્ષીઓ અંધ વ્યક્તિને મદદ કરવા ચાહે છે. તેમ જ, તેઓને બ્રેઈલ લિપિમાં સાહિત્ય કે ઑડિયો રેકોર્ડિંગ આપવા ચાહો છો એ જણાવો. તેઓને બાઇબલનું વચન બતાવો કે, ઈશ્વર જલદી જ અંધાપાને કાયમ માટે કાઢી નાંખશે. તમે કદાચ jw.org પરથી “વિધાઉટ ઈટ, આઈ વુડ ફીલ લોસ્ટ” વીડિયો બતાવી શકો. એમાં એક અંધ વ્યક્તિનો અનુભવ છે, જેને બ્રેઈલમાં બાઇબલ મળવાથી ફાયદો થયો. તમારો આવવાનો હેતુ જણાવવાથી તમને અંધ વ્યક્તિને મળવાની પરવાનગી મળી શકે છે.
૪. જેનેટના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૪ અંધ લોકો રહેતા હોય એવા બિલ્ડિંગની મુલાકાત જેનેટ નામના અંધ બહેને લીધી. તેમણે એક યુવાન બહેન સાથે વાત શરૂ કરી. જેનેટે તેને જણાવ્યું કે, ‘ઈસુએ અંધ વ્યક્તિઓને દેખતા કર્યા હતા. એ બતાવતું હતું કે ભાવિમાં તે દરેક અંધ વ્યક્તિને દેખતા કરશે.’ તેઓએ સાથે મળીને પ્રકટીકરણ ૨૧:૩, ૪ની ચર્ચા કરી. એ વચન ઈશ્વરના રાજ્યમાં કઈ રીતે પૂરું થશે એ જેનેટે તેને સમજાવ્યું. તે યુવાન વિચારમાં પડી ગઈ અને પછી કહ્યું: “એક અંધ વ્યક્તિના મોંઢેથી આવી વાત મેં પહેલાં ક્યારેય સાંભળી ન હતી. કારણ કે, જોઈ શકે છે તેઓમાંના મોટા ભાગના લોકો માને છે કે પોતાની કે પૂર્વજોની ભૂલને લીધે વ્યક્તિ અંધ થાય છે.” પછી, જેનેટે તેને ઈ-મેલ દ્વારા બાઇબલ શીખવે છે પુસ્તકની લિન્ક મોકલી. હવે તેઓ અઠવાડિયામાં બે વાર બાઇબલમાંથી અભ્યાસ કરે છે.
૫. અંધ વ્યક્તિમાં રસ બતાવીશું તો, આપણને કયા આશીર્વાદો મળશે?
૫ ઈસુની જેમ આપણે અંધ લોકોને દેખતા કરી શકતા નથી. પણ, આ જગતના ઈશ્વરે જેઓના મન આંધળા કર્યા છે અને જેઓ ખરેખર અંધ છે, તેઓને બાઇબલ સત્ય શીખવીને આપણે મદદ કરી શકીએ છીએ. (૨ કોરીં. ૪:૪) યરીખો શહેરની નજીક ઈસુએ બે અંધ વ્યક્તિને સાજા કર્યા. કારણ કે, તેમને તેઓ પર “દયા આવી.” (માથ. ૨૦:૩૪) જો આપણે પણ અંધ વ્યક્તિમાં એવો જ રસ બતાવીશું, તો તેઓને યહોવા વિશે શીખવવાનો આનંદ માણીશું. અંધાપાને યહોવા કાયમ માટે કાઢી નાંખશે.