વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 ફેબ્રુઆરી પાન ૨૬-૩૦
  • હું સારા દાખલાઓમાંથી શીખ્યો એટલે યહોવાએ મને ઘણા આશીર્વાદો આપ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું સારા દાખલાઓમાંથી શીખ્યો એટલે યહોવાએ મને ઘણા આશીર્વાદો આપ્યા
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખુશખબર ફેલાવવાના કામમાં મજા આવવા લાગી
  • ખાસ પાયોનિયર તરીકે ક્વિબેક શહેરમાં પાછા આવ્યા
  • સરકીટ નિરીક્ષક તરીકે સોંપણી મળી
  • એ વર્ષ હંમેશાં યાદ રહેશે!
  • બીજા વિસ્તારમાં સોંપણી મળી
  • “યુદ્ધ તમારું નહિ પરંતુ પરમેશ્વરનું છે”
    સજાગ બનો!—૨૦૦૦
  • બીજાઓમાં રસ લેવાથી અઢળક આશીર્વાદો મળે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • ક્વિબેકમાં પ્રચારકામને મળી કાનૂની માન્યતા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • યહોવાહ મારો આશરો અને બળ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 ફેબ્રુઆરી પાન ૨૬-૩૦

જીવન સફર

હું સારા દાખલાઓમાંથી શીખ્યો એટલે યહોવાએ મને ઘણા આશીર્વાદો આપ્યા

લીઓન્સ ક્રેપાલ્ટના જણાવ્યા પ્રમાણે

લીઓન્સ ક્રેપાલ્ટ યુવાનીમાં.

હું નાનો હતો ત્યારે પ્રચારકામ મને લોઢાના ચણા ચાવવા જેવું લાગતું. મોટા થયા પછી મને અલગ અલગ સોંપણી મળી. મને લાગતું કે હું એ ક્યારેય પૂરી નહિ કરી શકું. પણ અમુક ભાઈ-બહેનોના સારા દાખલાથી મને ડર પર જીત મેળવવા ઘણી મદદ મળી. ૫૮ વર્ષની પૂરા સમયની સેવામાં અઢળક આશીર્વાદો પણ મળ્યા. ચાલો એના વિશે તમને જણાવું.

મારો જન્મ કેનેડાના ક્વિબેક પ્રાંતમાં થયો હતો, જ્યાં ફ્રેંચ ભાષા બોલાતી હતી. મારા પિતાનું નામ લુઈસ અને માતાનું નામ ઝેલિયા હતું. તેઓએ ખૂબ પ્રેમથી મારો ઉછેર કર્યો હતો. મારા પિતા શરમાળ હતા અને તેમને વાંચવાનું બહુ ગમતું હતું. મને લખવાનો શોખ હતો અને હું મોટો થઈને પત્રકાર બનવા માંગતો હતો.

હું ૧૨ વર્ષનો હતો ત્યારે, મારા પિતા જોડે કામ કરતા રોડોલ્ફી સાઉસી અમારા ઘરે આવ્યા હતા. તેમની સાથે તેમના મિત્ર પણ હતા. તેઓ યહોવાના સાક્ષી હતા. હું સાક્ષીઓ વિશે કંઈ ખાસ જાણતો ન હતો. તેઓના ધર્મમાં મને રસ પણ ન હતો. છતાં, તેઓ જે રીતે બાઇબલમાંથી સમજી-વિચારીને જવાબ આપતા એ મને ગમતું. મારાં માતાપિતાને પણ એ ગમતું. એટલે અમે બાઇબલ અભ્યાસ કરવા તૈયાર થયા.

એ સમયે હું કૅથલિક સ્કૂલમાં ભણતો હતો. હું બાઇબલમાંથી જે શીખતો હતો, એ વિશે મારી સાથે ભણતા વિદ્યાર્થીઓને જણાવતો. પછીથી એ વિશે શિક્ષકોને જાણવા મળ્યું. એ શિક્ષકો પાદરી હતા. મારી વાતોને ખોટી સાબિત કરવા બાઇબલનો ઉપયોગ કરવાને બદલે, તેઓએ તો આખા ક્લાસની સામે મારા પર ખોટો આરોપ મૂક્યો કે હું બળવો કરી રહ્યો છું. મારા માટે એ સમય અઘરો હતો, પણ એનું સારું પરિણામ આવ્યું. હું સમજી શક્યો કે સ્કૂલમાં ધર્મનું જે શિક્ષણ આપવામાં આવે છે, એ બાઇબલના આધારે નથી. મને લાગ્યું કે મારે એ સ્કૂલ છોડી દેવી જોઈએ. એના વિશે મેં માતાપિતા સાથે વાત કરી અને હું બીજી સ્કૂલમાં ભણવા ગયો.

ખુશખબર ફેલાવવાના કામમાં મજા આવવા લાગી

મેં બાઇબલ અભ્યાસ ચાલુ રાખ્યો. પણ ઘર-ઘરના પ્રચારમાં ડર લાગતો હોવાથી હું વધારે પ્રગતિ કરી શકતો ન હતો. કૅથલિક ચર્ચનું બહુ જોર હતું. તેઓ આપણા પ્રચારકામનો સખત વિરોધ કરતા હતા. મોરીસ ડુપ્લેસીસ ક્વિબેકના પ્રધાનમંત્રી હતા અને ચર્ચ સાથે જોડાયેલા હતા. ટોળાઓ સાક્ષીઓની સતાવણી કરતા અને હુમલો કરતા. એ બધા પાછળ મોરીસનો હાથ હતો. એ સમયે પ્રચાર કરવા ઘણી હિંમતની જરૂર પડતી.

જોન રે ગિલયડ સ્કૂલના નવમા વર્ગમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તેમણે મારા ડર પર કાબૂ મેળવવા મદદ કરી. તે ઘણા અનુભવી, નમ્ર અને મળતાવડા હતા. તેમણે મને સીધેસીધી સલાહ આપી ન હતી, પણ તેમના સારા દાખલાથી મને ઘણું શીખવા મળ્યું. ફ્રેંચ ભાષામાં વાત કરવી જોનભાઈને અઘરું લાગતું. એટલે હું ઘણી વાર પ્રચારમાં તેમની સાથે જતો અને તેમને મદદ કરતો. જોનભાઈ સાથે સમય પસાર કરવાથી યહોવાના સાક્ષી બનવાનો હું નિર્ણય લઈ શક્યો. યહોવાના સાક્ષીઓને મળ્યો એનાં દસ વર્ષ પછી, મે ૨૬, ૧૯૫૧ના રોજ મેં બાપ્તિસ્મા લીધું.

લીઓન્સ ક્રેપાલ્ટ અને જોન રે બીજા અમુક મિત્રો સાથે.

ઘર-ઘરના પ્રચારમાં લાગતા ડર પર જીત મેળવવા જોન રેના (૧) દાખલાથી મને (૨) મદદ મળી

ક્વિબેકના અમારા નાના મંડળમાં ઘણાં ભાઈ-બહેનો પાયોનિયર હતાં. તેઓના સારા દાખલાથી મને પાયોનિયર સેવા કરવાનું ઉત્તેજન મળ્યું. એ સમયે અમે ઘર-ઘરના પ્રચારમાં ફક્ત બાઇબલનો ઉપયોગ કરતા. પ્રચારમાં સાહિત્ય વાપરવાનું ન હતું. ફક્ત બાઇબલની કલમોનો ઉપયોગ કરવાનો હતો. એટલે મેં કલમો યાદ રાખવાનો પ્રયત્ન કર્યો, જેથી હું સારી રીતે પ્રચાર કરી શકું. તેમ છતાં, ઘણા લોકો કૅથલિક ચર્ચના બાઇબલ સિવાય બીજા કોઈ પણ બાઇબલમાંથી વાંચવાની સાફ ના પાડી દેતા.

૧૯૫૨માં અમારા જ મંડળની સીમોન પેટ્રી સાથે મારા લગ્‍ન થયા. અમે મૉંટ્રિઑલ રહેવા ગયા. એક વર્ષમાં અમારી દીકરી લીઝાનો જન્મ થયો. લગ્‍નના થોડા સમય પહેલાં મેં પાયોનિયરીંગ બંધ કરી દીધું હતું. છતાં, મેં અને સીમોને જીવન સાદું રાખ્યું, જેથી અમે કુટુંબ તરીકે મંડળની પ્રવૃત્તિઓમાં વધારે ભાગ લઈ શકીએ.

૧૦ વર્ષ પછી મેં ફરીથી પાયોનિયરીંગ કરવાનું વિચાર્યું. એ વિચાર મારા મનમાં કઈ રીતે આવ્યો, ચાલો એના વિશે જણાવું. ૧૯૬૨માં કેનેડા બેથેલમાં એક મહિનાની વડીલો માટેની રાજ્ય સેવા શાળા હતી. હું એ શાળામાં ગયો ત્યારે મારા રહેવાની ગોઠવણ ભાઈ કમિલ ઉલેટ સાથે કરવામાં આવી હતી. કમિલભાઈ પરણેલા હતા અને તેમને બાળકો હતા છતાં પ્રચાર માટે તેમનો ઉત્સાહ જોરદાર હતો. એની મારા પર ઊંડી અસર થઈ. એ વખતે ક્વિબેકમાં એવા પાયોનિયરો બહુ ઓછા હતા, જેઓને બાળકો હોય. તેમ છતાં કમિલભાઈ પાયોનિયર હતા. કમિલભાઈએ મને મારા સંજોગો પર વિચાર કરવાનું ઉત્તેજન આપ્યું. થોડા જ મહિનાઓમાં મને અહેસાસ થયો કે હું ફરી પાયોનિયરીંગ શરૂ કરી શકું છું. પણ અમુક લોકોને મારો એ નિર્ણય ન ગમ્યો. તોપણ મેં પાયોનિયરીંગ શરૂ કર્યું, કેમ કે મને પૂરો ભરોસો હતો કે પ્રચારમાં બનતું બધું કરવા યહોવા મને મદદ કરશે.

ખાસ પાયોનિયર તરીકે ક્વિબેક શહેરમાં પાછા આવ્યા

૧૯૬૪માં મને અને સીમોનને અમારા વતન ક્વિબેકમાં ખાસ પાયોનિયર તરીકેની સોંપણી મળી. અમુક વર્ષો અમે ત્યાં સેવા કરી. પહેલાં કરતાં પ્રચારમાં વિરોધ ઓછો હતો. પણ અમુક લોકો હજીયે આપણા કામનો વિરોધ કરતા.

એક શનિવારે બપોરના સમયે સેન્ટ-મરીમાં મારી ધરપકડ થઈ. એ નાનકડું શહેર ક્વિબેકથી નજીક હતું. હું પરવાનગી વગર ઘરે-ઘરે પ્રચાર કરી રહ્યો હતો, એટલે એક પોલીસ અધિકારી મને પોલીસ સ્ટેશન લઈ ગયા અને જેલમાં પૂરી દીધો. પછી મને જજ પાસે લઈ જવામાં આવ્યો, જેનું નામ બેલાર્જિયન હતું. તે બીજાઓને બહુ ધમકાવતો હતો. તેણે મને પૂછ્યું, ‘તારો વકીલ કોણ છે?’ મેં તેમને કહ્યું, ‘ગ્લેન હાઉ.’a યહોવાના સાક્ષીઓના તે જાણીતા વકીલ હતા. એટલે જજ ગભરાઈને બોલી ઊઠ્યો: ‘અરે, ના. એ ન હોવા જોઈએ!’ કારણ કે ગ્લેન હાઉ ઘણી વખત યહોવાના સાક્ષીઓ તરફથી કેસ લડ્યા હતા અને જીત્યા હતા. થોડા જ સમયમાં, મારા પર મૂકવામાં આવેલા આરોપો કોર્ટે રદ કર્યા.

ક્વિબેકમાં આપણા કામ પર વિરોધ હોવાને લીધે સભા માટેની જગ્યા ભાડેથી મળવી પણ મુશ્કેલ હતી. અમારા નાના મંડળને સભા માટે એક જૂનું ગૅરેજ મળ્યું, જેમાં હીટર ન હોવાથી ઠંડીથી રક્ષણ મેળવવું અઘરું હતું. એટલે કડકડતી ઠંડીમાં ગરમાવો મળે માટે ભાઈઓ હીટર લઈ આવતા. સભા પહેલાં અમે ઘણી વાર હીટરની આજુબાજુ ભેગા મળીને એકબીજાને ઉત્તેજન આપે એવા અનુભવો જણાવતા.

વર્ષો વીતતાં ગયાં તેમ પ્રચારમાં સારાં પરિણામો મળવાં લાગ્યાં. એ જોઈને અમને ઘણી ખુશી થતી. ૧૯૬૦માં ક્વિબેક, કોટ-નોર્ડ અને ગેસ્પી વિસ્તારમાં બહુ ઓછાં અને નાનાં મંડળો હતાં. હાલમાં એ જગ્યાઓએ ઘણી સરકીટ છે અને ભાઈ-બહેનો સુંદર પ્રાર્થનાઘરોમાં ભેગાં મળે છે.

સરકીટ નિરીક્ષક તરીકે સોંપણી મળી

લીઓન્સ ક્રેપાલ્ટ બીજા પ્રવાસી નિરિક્ષકો સાથે ૧૯૭૭માં ટોરોંટો, કેનેડામાં એક સભામાં.

૧૯૭૭માં ટોરોંટો, કેનેડામાં પ્રવાસી નિરીક્ષક માટેની સભામાં

૧૯૭૦માં અમને સરકીટ કામની સોંપણી મળી. પછી ૧૯૭૩માં ડિસ્ટ્રીક્ટ કામની સોંપણી મળી. એ વર્ષો દરમિયાન મને લોરયે સોમયરb અને ડેવિડ સ્પ્લેનc પાસેથી ઘણું શીખવા મળ્યું. તેઓ પાસે સરકીટ કામનો ઘણો અનુભવ હતો. શીખવવાની કળામાં સુધારો કરવા વિશે દરેક સંમેલન પછી હું અને ડેવિડભાઈ ચર્ચા કરતા અને એકબીજાને સૂચનો આપતા. મને યાદ છે, એક વખત ડેવિડભાઈએ મને કહ્યું હતું: ‘લીઓન્સ, તારી છેલ્લી ટૉક મને ગમી, સરસ હતી. પણ એ ટૉકમાં એટલી બધી માહિતી હતી કે એમાંથી હું ત્રણ ટૉક બનાવી શકું!’ હું મારી ટૉકમાં વધારે માહિતી વાપરતો હતો. એટલે મારે શીખવાનું હતું કે જરૂર હોય એટલી જ માહિતી વાપરવી જોઈએ.

કેનેડાના અમુક શહેરોનો નકશો જેમાં લીઓન્સ ક્રેપાલ્ટે સેવા આપી હતી:સેન્ટ-મરી, ક્વિબેક,મૉંટ્રિઑલ ટોરોંટો.

મેં કેનેડાના પૂર્વ ભાગના અલગ અલગ શહેરોમાં સેવા આપી

ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકોની જવાબદારી હતી કે તેઓ સરકીટ નિરીક્ષકોને ઉત્તેજન આપે. ક્વિબેકમાં ઘણા પ્રકાશકો મને સારી રીતે ઓળખતા હતા. ત્યાંનાં ભાઈ-બહેનો એવી ઇચ્છા રાખતાં કે જ્યારે સરકીટની મુલાકાતે જાઉં ત્યારે હું પ્રચારમાં તેઓ સાથે કામ કરું. મને પણ તેઓની સાથે પ્રચાર કરવાનું ગમતું. પણ મારે સરકીટ નિરીક્ષકને જે સમય આપવો જોઈએ, એ હું આપતો ન હતો. એક સરકીટ નિરીક્ષકે એકવાર પ્રેમથી મને કહ્યું: ‘તમે ભાઈ-બહેનો માટે સમય કાઢો છો એ સારું કહેવાય. પણ આ અઠવાડિયે તમે મારી મુલાકાત લેવા આવ્યા છો એ ભૂલશો નહિ. મને પણ ઉત્તેજનની જરૂર છે.’ એ પ્રેમાળ સલાહથી મને ઘણું શીખવા મળ્યું.

૧૯૭૬માં અચાનક મારી વહાલી પત્ની સીમોનને ગંભીર બીમારી થઈ અને તે ગુજરી ગઈ. એ સમયે તો જાણે મારા પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો. તે મારાં સુખ-દુ:ખની સાથી હતી. તે હંમેશાં બીજાઓ માટે જતું કરવા તૈયાર રહેતી અને તેને યહોવા માટે ખૂબ પ્રેમ હતો. પ્રચારમાં વ્યસ્ત રહેવાથી હું તેના મરણનું દુ:ખ સહન કરી શક્યો. હું યહોવાનો ખૂબ આભાર માનું છું કે તેમણે એ કપરા સંજોગોમાં મને મદદ કરી. પછી મેં કેરોલીન એલીયટ સાથે લગ્‍ન કર્યા. તેની ભાષા અંગ્રેજી છે. તે ઉત્સાહી પાયોનિયર હતી અને વધુ જરૂર હતી ત્યાં સેવા આપવા તે ક્વિબેક આવી હતી. તે મળતાવડા સ્વભાવની છે. જેઓ શરમાળ અને એકલા છે, તેઓમાં તે રસ લે છે અને મદદ કરે છે. સરકીટ કામમાં તેણે મને ખૂબ સાથ આપ્યો છે.

એ વર્ષ હંમેશાં યાદ રહેશે!

જાન્યુઆરી ૧૯૭૮માં મને ક્વિબેકમાં એક સોંપણી મળી. મને પહેલી પાયોનિયર સેવા સ્કૂલમાં શીખવવાનું કહેવામાં આવ્યું. મને ખૂબ ચિંતા થવા લાગી કેમ કે હું એ સ્કૂલમાં કદી ગયો ન હતો. અરે, એ સ્કૂલનું પુસ્તક પણ જોયું ન હતું. એ બધું મારા માટે નવું હતું, હું તો જાણે નવો નિશાળિયો હતો! એ તો સારું થયું કે પહેલા વર્ગમાં એવાં ભાઈ-બહેનોને મારે શીખવવાનું હતું, જેમાંથી ઘણાં અનુભવી પાયોનિયરો હતાં. હું શિક્ષક હતો તોપણ વિદ્યાર્થીઓ પાસેથી ઘણું શીખ્યો!

૧૯૭૮માં “વિજયી વિશ્વાસ” નામનું આંતરરાષ્ટ્રીય સંમેલન મૉંટ્રિઑલના ઑલિમ્પિક સ્ટેડિયમમાં રાખવામાં આવ્યું હતું. એમાં ૮૦,૦૦૦થી વધારે લોકો હાજર રહ્યા હતા. ક્વિબેકમાં પહેલાં ક્યારેય એટલું મોટું સંમેલન થયું ન હતું. મને મહાસંમેલનના સમાચાર સેવા વિભાગમાં સોંપણી મળી. મેં ઘણા પત્રકારો સાથે વાત કરી. તેઓએ આપણા વિશે ઘણી સારી બાબતો લખી હતી, એ જોઈને મને ઘણી ખુશી થઈ. તેઓએ વીસેક કલાક સુધી ટીવી અને રેડિયો પર ઇન્ટરવ્યૂનું પ્રસારણ કર્યું અને તેઓએ ઘણા બધા લેખો છાપ્યા. એનાથી લોકોને જોરદાર સાક્ષી મળી!

બીજા વિસ્તારમાં સોંપણી મળી

૧૯૯૬માં મારા જીવનમાં એક મોટો ફેરફાર આવ્યો. બાપ્તિસ્મા લીધું ત્યારથી હું ક્વિબેકમાં ફ્રેંચ ભાષામાં સેવા કરતો હતો. પણ પછી મને ટોરોંટોમાં અંગ્રેજી ભાષા બોલતા વિસ્તારમાં સોંપણી મળી. મને લાગતું કે હું એ સોંપણી કેવી રીતે પૂરી કરી શકીશ. ટૉક આપવાની પણ મને બીક લાગતી, કેમ કે હું અંગ્રેજી ભાષા કડકડાટ બોલી શકતો ન હતો. મારે વારંવાર પ્રાર્થના કરવાની અને યહોવા પર પૂરો આધાર રાખવાની જરૂર હતી.

શરૂઆતમાં મને ઘણી ચિંતા થતી. પણ સાચું કહું, ટોરોંટોમાં બે વર્ષ સેવા કરવાની મને ખૂબ મજા આવી. સારી રીતે અંગ્રેજી બોલવા કેરોલીને મને ખૂબ મદદ કરી. ત્યાંના ભાઈઓએ મને ઘણો સાથ અને ઉત્તેજન આપ્યાં. અમને બહુ જલદી નવા નવા મિત્રો મળ્યા.

મારે શનિ-રવિના સંમેલન માટે તૈયારી અને બીજાં કામો કરવાનાં હતાં. તોપણ હું ઘણી વાર શુક્રવારે સાંજે એકાદ કલાક ઘર-ઘરના પ્રચારમાં જતો. ઘણા એવું વિચારતા કે, ‘સંમેલનનું ઘણું કામ હોવા છતાં હું શા માટે પ્રચારમાં જાઉં છું?’ પણ પ્રચારમાં લોકો સાથે વાતચીત કરવાથી મને તાજગી મળતી હતી. આજે પણ પ્રચારમાં જવાથી મને ઘણી ખુશી થાય છે.

૧૯૯૮માં અમને ફરી મૉંટ્રિઑલમાં ખાસ પાયોનિયર તરીકેની સોંપણી મળી. ઘણાં વર્ષો સુધી મારી આ સોંપણીઓ હતી: જાહેરમાં પ્રચારની ખાસ ગોઠવણ કરવી; યહોવાના સાક્ષીઓ વિશે લોકોના મનમાં જે ખોટા વિચારો હતા, એ દૂર કરવા ન્યૂઝ મીડિયા સાથે કામ કરવું. હવે અમે એવા પરદેશીઓને ખુશખબર ફેલાવવાનું કામ કરીએ છીએ, જેઓ હાલમાં જ કેનેડા આવ્યા છે અને જેઓ બાઇબલમાંથી શીખવા આતુર છે.

લીઓન્સ ક્રેપાલ્ટ પત્ની કેરોલીન સાથે.

મારી પત્ની કેરોલીન સાથે

યહોવાની સેવામાં વિતાવેલાં ૬૮ વર્ષ વિશે વિચારું છું ત્યારે, મને લાગે છે કે યહોવાએ મારા પર કેટલા બધા આશીર્વાદો વરસાવ્યા છે! હું પ્રચારમાં ખુશી મેળવવાનું શીખ્યો અને મેં ઘણા લોકોને સત્ય જાણવા મદદ કરી એટલે હું ઘણો ખુશ છું. મારી દીકરી લીઝાને બાળકો છે. બાળકો મોટાં થયાં પછી તેણે અને તેના પતિએ નિયમિત પાયોનિયર સેવા શરૂ કરી. પ્રચારમાં લીઝાનો ઉત્સાહ જોઈને મારા દિલને ઘણી ખુશી થાય છે. હું એ બધાં ભાઈ-બહેનોનો આભાર માનું છું, જેઓનાં સારાં દાખલા અને સલાહથી મને મદદ મળી. એનાથી હું યહોવા સાથેનો સંબંધ મજબૂત કરી શક્યો અને અલગ અલગ રીતે તેમની ભક્તિ કરી શક્યો. મને અહેસાસ થયો કે યહોવાની પવિત્ર શક્તિ પર આધાર રાખવાથી જ આપણે તેમના સંગઠનના માર્ગદર્શન પ્રમાણે કરી શકીએ છીએ. (ગીત. ૫૧:૧૧) હું હંમેશાં યહોવાનો આભાર માનીશ, કારણ કે તેમના નામને મહિમા આપવાનો કીમતી લહાવો તેમણે મને આપ્યો છે!—ગીત. ૫૪:૬.

a ડબલ્યૂ. ગ્લેન હાઉની જીવન સફર વાંચવા જુલાઈ ૮, ૨૦૦૦, સજાગ બનો!માં આપેલો આ લેખ જુઓ: “યુદ્ધ તમારું નહિ પરંતુ પરમેશ્વરનું છે.”

b લોરયે સોમયરની જીવન સફર વાંચવા નવેમ્બર ૧૫, ૧૯૭૬, ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “આઈ ફાઉન્ડ સમથીંગ વર્થ ફાઇટીંગ ફોર.”

c ડેવિડ સ્પ્લેન યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો