વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 ફેબ્રુઆરી પાન ૮-૧૩
  • આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાની નજીક રહીએ
  • આજ્ઞા પાળીને પ્રેમ બતાવીએ
  • બીજાઓ યહોવાને પ્રેમ કરી શકે માટે મદદ કરીએ
  • આપણા પિતાને પ્રેમ કરીએ અને ખુશ રહીએ
  • યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • યહોવા અને ભાઈ-બહેનો માટે ગાઢ પ્રેમ રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • યહોવા માટેનાં પ્રેમ અને કદર તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ‘યહોવા તારા ઈશ્વર પર પ્રેમ કર’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 ફેબ્રુઆરી પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૭

આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ

‘આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.’—૧ યોહા. ૪:૧૯.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

ઝલકa

૧-૨. યહોવાએ કેમ આપણને તેમના કુટુંબનો ભાગ બનવાની તક આપી છે? એ માટે તેમણે કેવી ગોઠવણ કરી?

યહોવાએ આપણને તેમના કુટુંબનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે. આપણને કેટલો મોટો લહાવો મળ્યો છે! એ કુટુંબના લોકોએ યહોવાને પોતાનું સમર્પણ કર્યું છે અને તેમના દીકરાના બલિદાનમાં શ્રદ્ધા રાખી છે. એ કુટુંબનો ભાગ હોવાથી આપણે કેટલા ખુશ છીએ! આપણે હમણાં સારું જીવન જીવીએ છીએ અને ભાવિમાં કાયમ માટે જીવવાની આપણને આશા છે, પછી ભલે એ આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની.

૨ યહોવા આપણને પ્રેમ કરે છે, એટલે આપણને આ કુટુંબનો ભાગ બનવાની તક આપી છે. એ માટે યહોવાએ મોટી કિંમત ચૂકવી છે. (યોહા. ૩:૧૬) બાઇબલમાં જણાવ્યું છે કે આપણને ‘કિંમત ચૂકવીને ખરીદવામાં આવ્યા’ છે. (૧ કોરીં. ૬:૨૦) યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે, એટલે આપણે તેમની સાથે નજીકનો સંબંધ રાખી શકીએ છીએ. યહોવા આખા વિશ્વમાં સૌથી મહાન છે. તેમને પિતા કહેવાનો આપણને લહાવો મળ્યો છે. આપણે અગાઉના લેખમાં જોયું તેમ, યહોવા સૌથી સારા પિતા છે.

૩. આપણને કયા સવાલો થઈ શકે? (“શું યહોવા મારા પર ધ્યાન આપે છે?” બૉક્સ પણ જુઓ.)

૩ બાઇબલના એક લેખકની જેમ આપણે કદાચ કહીએ, ‘યહોવાએ મારા પર કરેલા ઉપકારોનો હું તેમને શો બદલો આપું?’ (ગીત. ૧૧૬:૧૨) યહોવાએ આપણા માટે જે કર્યું છે, એનો આપણે ક્યારેય બદલો વાળી શકતા નથી. પણ બદલામાં તેમને પ્રેમ તો કરી જ શકીએ છીએ. પ્રેરિત યોહાને લખ્યું હતું: “આપણે પ્રેમ કરીએ છીએ, કેમ કે ઈશ્વરે પહેલા આપણને પ્રેમ કર્યો.” (૧ યોહા. ૪:૧૯) આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ એ કઈ રીતોએ બતાવી શકીએ?

શું યહોવા મારા પર ધ્યાન આપે છે?

એક સ્ત્રી રસ્તા પર ઊભી છે અને આજુબાજુથી લોકો જઈ રહ્યા છે. તે ઉપર જોઈને જાણે કહી રહી છે, ‘શું ઈશ્વર મારા પર ધ્યાન આપે છે?’

તમે કદાચ વિચારતા હશો કે, ‘દુનિયામાં લાખો-કરોડો લોકો છે તો પછી યહોવા શા માટે મારા પર ધ્યાન આપશે?’ ઘણા લોકોને આવા સવાલો થાય છે. દાઊદ રાજાએ લખ્યું, ‘હે યહોવા, માણસ કોણ કે તમે તેની ઓળખાણ રાખો? માણસ કોણ કે તમે તેને ધ્યાનમાં રાખો?’ (ગીત. ૧૪૪:૩) પણ દાઊદને ખાતરી હતી કે યહોવા તેમને સારી રીતે ઓળખે છે. (૧ કાળ. ૧૭:૧૬-૧૮) તમે યહોવાને જે પ્રેમ બતાવો છો એને તે ધ્યાનમાં લે છે. બાઇબલ અને તેમના સંગઠન દ્વારા યહોવા આપણને એની ખાતરી આપે છે. એ વાત પર વધારે ખાતરી કરવા ચાલો બાઇબલમાં આપેલા અમુક વિચારો તપાસીએ.

  • તમારા જન્મ પહેલાંથી જ યહોવાનું ધ્યાન તમારા પર છે.—ગીત. ૧૩૯:૧૬.

  • તમારા દિલમાં શું છે અને તમે શું વિચારો છો, એ યહોવા જાણે છે.—૧ કાળ. ૨૮:૯.

  • યહોવા તમારી દરેક પ્રાર્થનાઓ સાંભળે છે.—ગીત. ૬૫:૨.

  • તમે સારું કામ કરશો તો યહોવા ખુશ થશે.પણ તમે ખરાબ કામ કરશો તો યહોવાને દુઃખ થશે.—નીતિ. ૨૭:૧૧.

  • યહોવા તમને તેમની પાસે દોરી લાવ્યા છે.—યોહા. ૬:૪૪.

  • યહોવા તમને બહુ સારી રીતે ઓળખે છે. એટલે જો તમે ગુજરી જાઓ તો તે તમને ફરી જીવતા કરી શકે છે. યહોવા તમને નવું શરીર અને મન આપશે, જે અમુક હદે હમણાંના જેવું હશે. તમારી યાદો અને સ્વભાવ હાલનાં જેવાં હશે.—યોહા. ૧૧:૨૧-૨૬, ૩૯-૪૪; પ્રે.કા. ૨૪:૧૫.

યહોવાની નજીક રહીએ

ચિત્રો: ૧. એક બહેન ટેબલ પાસે બેસીને પ્રાર્થના કરે છે અને ટેબલ પર બાઇબલ ખુલ્લું છે. ૨. સાથે ભણતો એક છોકરો યુવાન ભાઈને સિગારેટ પીવાનું કહે છે પણ તે સાફ ના પાડે છે. ૩. ખાવાની લારી ચલાવતા એક માણસને ભાઈ પત્રિકા બતાવે છે.

યહોવાને નિયમિત પ્રાર્થના કરીએ, તેમની આજ્ઞા પાળીએ અને યહોવાને પ્રેમ કરવાનું બીજાઓને શીખવીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ (ફકરા ૪-૧૪ જુઓ)

૪. યાકૂબ ૪:૮ પ્રમાણે આપણે શા માટે યહોવા પાસે જવું જોઈએ?

૪ યહોવા ચાહે છે કે આપણે તેમની પાસે જઈએ અને તેમની સાથે વાત કરીએ. (યાકૂબ ૪:૮ વાંચો.) તે આપણને “પ્રાર્થનામાં લાગુ” રહેવા ઉત્તેજન આપે છે. આપણી પ્રાર્થના સાંભળવા તે હંમેશાં તૈયાર હોય છે. (રોમ. ૧૨:૧૨) તે આપણી પ્રાર્થનાથી ક્યારેય કંટાળતા નથી. આપણે પણ યહોવાની વાત સાંભળવી જોઈએ. કઈ રીતે? બાઇબલ વાંચીને અને એને સમજવા સાહિત્યનો ઉપયોગ કરીને એમ કરી શકીએ છીએ. એટલું જ નહિ, સભાઓમાં ધ્યાન આપીને આપણે તેમની વાત સાંભળી શકીએ છીએ. માતાપિતા સાથે દરરોજ વાત કરવાથી બાળક તેઓની નજીક રહે છે. એવી જ રીતે, યહોવા સાથે દરરોજ વાત કરવાથી આપણે તેમની નજીક રહી શકીએ છીએ.

એક બહેન ટેબલ પાસે બેસીને પ્રાર્થના કરે છે અને ટેબલ પર બાઇબલ ખુલ્લું છે.

ફકરા ૫ જુઓ

૫. આપણે પોતાની પ્રાર્થનામાં કેવી રીતે સુધારો કરી શકીએ?

૫ તમે યહોવાને જે રીતે પ્રાર્થના કરો છો એનો વિચાર કરો. યહોવા ચાહે છે કે પ્રાર્થનામાં આપણું દિલ ઠાલવીએ. (ગીત. ૬૨:૮) આપણે પોતાને આ સવાલો પૂછવા જોઈએ: ‘મારી પ્રાર્થનાઓ કેવી હોય છે? વારંવાર આવતા એક મૅસેજ જેવી કે પછી હાથથી લખેલા એક સુંદર પત્ર જેવી, જેમાં હું મારી લાગણીઓ લખું છું?’ આપણે યહોવાને પૂરા દિલથી ચાહીએ છીએ અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરવા માંગીએ છીએ. પણ એ માટે તેમની સાથે દરરોજ વાત કરીએ. પોતાના દિલની લાગણીઓ જણાવીએ. આપણા સુખ-દુઃખની વાતો તેમને જણાવીએ. પૂરા ભરોસા સાથે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગીએ.

૬. યહોવાની નજીક જવા આપણે શું કરવું જોઈએ?

૬ આપણે હંમેશાં યહોવાનો આભાર માનવો જોઈએ. એમ કરીશું તો આપણે તેમની નજીક રહી શકીશું. આપણને એક ગીતના લેખક જેવું લાગી શકે: ‘હે યહોવા મારા ઈશ્વર, તમારાં અદ્‍ભુત કાર્યો તથા અમારા વિશે તમારા વિચારો એટલાં બધાં છે કે તેઓને તમારી આગળ ગણી શકાય નહિ. જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું, તો તેઓ અસંખ્ય છે.’ (ગીત. ૪૦:૫) આપણે દિલથી યહોવાનો આભાર માનીએ એટલું જ પૂરતું નથી. આપણાં વાણી-વર્તનથી બતાવી આપીએ કે આપણે યહોવાના કેટલા આભારી છીએ. એનાથી આપણે દુનિયાના લોકોથી અલગ તરી આવીએ છીએ. આજે લોકો ઈશ્વરે કરેલાં કામોની જરાય કદર કરતા નથી. એ તો ‘છેલ્લા દિવસોની’ નિશાની છે. (૨ તિમો. ૩:૧, ૨) આપણે એવું ક્યારેય નહિ કરીએ!

૭. યહોવા આપણી પાસેથી શું ચાહે છે? શા માટે?

૭ માતાપિતા ચાહે છે કે તેઓનાં બાળકો એકબીજા સાથે લડે નહિ પણ હળીમળીને રહે. એવી જ રીતે, યહોવા ચાહે છે કે તેમનાં બાળકો એકબીજા સાથે સંપીને રહે. સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. (યોહા. ૧૩:૩૫) આપણે પણ આ ગીતના લેખકની જેમ માનીએ છીએ: “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!” (ગીત. ૧૩૩:૧) ભાઈ-બહેનોને પ્રેમ કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ. (૧ યોહા. ૪:૨૦) આપણે એવા કુટુંબનો ભાગ છીએ, જ્યાં ભાઈ-બહેનો “એકબીજા પ્રત્યે માયાળુ અને કૃપાળુ” છે. એ જાણીને આપણને કેટલી ખુશી થાય છે!—એફે. ૪:૩૨.

આજ્ઞા પાળીને પ્રેમ બતાવીએ

સાથે ભણતો એક છોકરો યુવાન ભાઈને સિગારેટ પીવાનું કહે છે પણ તે સાફ ના પાડે છે.

ફકરા ૮ જુઓ

૮. પહેલો યોહાન ૫:૩ પ્રમાણે યહોવાની આજ્ઞા પાળવાનું મુખ્ય કારણ કયું છે?

૮ યહોવા ઇચ્છે છે કે બાળકો તેઓનાં માતાપિતાનું કહેવું માને. તે એ પણ ઇચ્છે છે કે આપણે તેમની આજ્ઞા પાળીએ. (એફે. ૬:૧) યહોવા આપણા સર્જનહાર છે. જીવન જીવવા તે આપણને બધું પૂરું પાડે છે. તે સૌથી બુદ્ધિશાળી પિતા છે, તેમના જેવું બીજું કોઈ નથી. એટલે આપણે તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ. પણ યહોવાની આજ્ઞા પાળવાનું મુખ્ય કારણ છે કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. (૧ યોહાન ૫:૩ વાંચો.) યહોવાને પ્રેમ કરવાનાં ઘણાં કારણો છે, પણ તે આપણને તેમની આજ્ઞા પાળવા ક્યારેય દબાણ કરતા નથી. તેમણે આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. એટલે પ્રેમથી પ્રેરાઈને તેમની આજ્ઞા પાળીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે.

૯-૧૦. યહોવાનાં ધોરણો જાણવા અને એ પ્રમાણે ચાલવું શા માટે જરૂરી છે?

૯ માતાપિતા ઇચ્છે છે કે તેઓનાં બાળકો પર કોઈ મુશ્કેલી ન આવે. એટલે તેઓ બાળકોના રક્ષણ માટે કેટલાક નિયમો બનાવે છે. બાળકો એ નિયમો પાળીને બતાવે છે કે તેઓને માતાપિતા પર ભરોસો છે અને તેઓ માટે માન છે. યહોવાનાં પણ કેટલાંક ધોરણો છે, જે આપણે જાણવાં જોઈએ. એ ધોરણો પ્રમાણે ચાલવું ખૂબ જરૂરી છે. એમ કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને માન આપીએ છીએ. એનાથી આપણને પણ ફાયદો થાય છે. (યશા. ૪૮:૧૭, ૧૮) પણ જેઓ યહોવાને અને તેમનાં ધોરણોને ગણકારતા નથી તેઓને નુકસાન થાય છે.—ગલા. ૬:૭, ૮.

૧૦ યહોવા ચાહે છે એ રીતે જીવીશું તો, તન-મનને નુકસાન પહોંચાડતી બાબતોથી બચીશું. એટલું જ નહિ, યહોવા સાથેના આપણા સંબંધનું પણ રક્ષણ થશે. યહોવા જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. અમેરિકામાં રહેતી અરોરાબેન કહે છે, ‘આપણે યહોવાની આજ્ઞા પાળીએ છીએ ત્યારે આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.’ યહોવાની આજ્ઞા પાળવાથી તમને પણ ફાયદો થયો હશે, ખરું ને?

૧૧. પ્રાર્થનાથી આપણને કઈ રીતે મદદ મળે છે?

૧૧ પ્રાર્થનાથી આપણને આજ્ઞા પાળવા મદદ મળે છે. અરે, અઘરા સંજોગોમાં પણ આજ્ઞા પાળી શકીએ છીએ. કેટલીક વાર યહોવાની આજ્ઞા પાળવી અઘરી લાગે, કારણ કે આપણે બધા પાપી છીએ. પણ આપણે તેમની આજ્ઞા પાળવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. ગીતના એક લેખકે યહોવા પાસે મદદ માંગી: ‘મને સમજણ આપો, એટલે હું તમારો નિયમ પાળીશ. હા, મારા ખરા હૃદયથી એને માનીશ.’ (ગીત. ૧૧૯:૩૪) ડેનીસબેન એક નિયમિત પાયોનિયર છે, તે કહે છે, ‘જો મને યહોવાની કોઈ આજ્ઞા પાળવી અઘરું લાગે, તો મદદ માટે પ્રાર્થના કરું છું. એનાથી મને ખરા માર્ગે ચાલવાની હિંમત મળે છે.’ જો એ રીતે પ્રાર્થના કરીશું, તો આપણે ભરોસો રાખી શકીએ કે યહોવા એ પ્રાર્થનાનો ચોક્કસ જવાબ આપશે.—લુક ૧૧:૯-૧૩.

બીજાઓ યહોવાને પ્રેમ કરી શકે માટે મદદ કરીએ

૧૨. એફેસીઓ ૫:૧ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?

૧૨ એફેસીઓ ૫:૧ વાંચો. આપણે યહોવાનાં “વહાલાં બાળકો” છીએ અને તેમને અનુસરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. આપણે બીજાઓને પ્રેમ અને દયા બતાવીએ છીએ અને તેઓની ભૂલો માફ કરીએ છીએ. એમ કરીને આપણે યહોવાના જેવા ગુણો બતાવીએ છીએ. જેઓ યહોવાને ઓળખતા નથી, તેઓ પર આપણા સારા વલણની અસર થઈ શકે છે. તેઓ કદાચ યહોવા વિશે શીખવા તૈયાર થાય. (૧ પીત. ૨:૧૨) યહોવા જે રીતે આપણી સાથે વર્તે છે, એવી જ રીતે માબાપે બાળકો સાથે વર્તવું જોઈએ. માબાપને એમ કરતા જોઈને બાળકો પણ યહોવાની નજીક જવાનો પ્રયત્ન કરશે.

ખાવાની લારી ચલાવતા એક માણસને ભાઈ પત્રિકા બતાવે છે.

ફકરા ૧૩ જુઓ

૧૩. શરમાળ સ્વભાવ હોય તો ક્યાંથી હિંમત મળી શકે?

૧૩ બાળકને તેના પિતા માટે ખૂબ ગર્વ હોય છે, તેમના વિશે તે ખુશીથી બીજાઓને જણાવે છે. એવી જ રીતે, આપણને પણ પિતા યહોવા માટે ગર્વ છે. આપણે ચાહીએ છીએ કે બીજાઓ પણ તેમના વિશે જાણે. આપણે પણ દાઊદ રાજાની જેમ કહીશું, ‘યહોવાને લીધે હું ગર્વ કરીશ.’ (ગીત. ૩૪:૨) પણ જો આપણો સ્વભાવ શરમાળ હોય, તો ક્યાંથી હિંમત મળી શકે? આપણે આનો વિચાર કરીશું તો હિંમત મળશે: બીજાઓને યહોવા વિશે જણાવીએ ત્યારે તે કેટલા ખુશ થાય છે; બીજાઓ પણ યહોવા વિશે શીખે ત્યારે તેઓને ફાયદો થાય છે. યહોવા આપણને જરૂરી હિંમત આપશે. યહોવાએ પહેલી સદીનાં ભાઈ-બહેનોને હિંમત આપી હતી, તે આપણને પણ હિંમત આપશે.—૧ થેસ્સા. ૨:૨.

૧૪. શા માટે બીજાઓને ખુશખબર જણાવવી જોઈએ?

૧૪ આપણે અલગ અલગ સમાજના લોકોને પ્રેમ બતાવીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. કારણ કે તે કોઈની સાથે ભેદભાવ કરતા નથી. (પ્રે.કા. ૧૦:૩૪, ૩૫) બીજાઓને પ્રેમ બતાવવાની સૌથી સારી રીત છે, તેઓને ખુશખબર જણાવીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) એમ કરવાથી શું ફાયદો થાય છે? જેઓ આપણો સંદેશો સ્વીકારે છે તેઓ સુધારો કરીને સારું જીવન જીવી શકે છે. તેઓને ભાવિમાં હંમેશ માટે જીવવાની આશા મળે છે.—૧ તિમો. ૪:૧૬.

આપણા પિતાને પ્રેમ કરીએ અને ખુશ રહીએ

૧૫-૧૬. આપણી પાસે ખુશ રહેવાનાં કયા કારણો છે?

૧૫ યહોવા પ્રેમાળ પિતા છે. એટલે તે ચાહે છે કે તેમનું કુટુંબ ખુશ રહે. (યશા. ૬૫:૧૪) ભલે તકલીફોનો સામનો કરી રહ્યા હોઈએ, પણ આપણી પાસે ખુશ રહેવાનાં ઘણાં કારણો છે. દાખલા તરીકે, આપણને પૂરો ભરોસો છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. આપણી પાસે બાઇબલની સાચી સમજણ છે. (યિર્મે. ૧૫:૧૬) આપણે એવા સુંદર કુટુંબનો ભાગ છીએ, જેઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમનાં ઉચ્ચ ધોરણો પ્રમાણે ચાલે છે. એટલું જ નહિ તેઓ એકબીજાને પણ પ્રેમ કરે છે.—ગીત. ૧૦૬:૪, ૫.

૧૬ આપણે અત્યારે પણ ખુશ રહી શકીએ છીએ. કારણ કે, આપણને પાકો ભરોસો છે કે હાલના કરતાં ભાવિનું જીવન ઘણું સારું હશે. યહોવા જલદી જ દુષ્ટ લોકોનો નાશ કરશે. તેમના રાજમાં પૃથ્વી ફરી બાગ જેવી સુંદર બની જશે. આપણી પાસે બીજી પણ એક આશા છે. જેઓ મરણની ઊંઘમાં છે તેઓને ફરી ઉઠાડવામાં આવશે. આપણે તેઓને ફરી મળી શકીશું. (યોહા. ૫:૨૮, ૨૯) એ સમયે બધા કેટલા ખુશ હશે! અને હા, એવો સમય પણ આવશે જ્યારે સ્વર્ગ અને પૃથ્વી પર બધા લોકો યહોવાને માન અને મહિમા આપશે અને તેમની સ્તુતિ કરશે, જેના તે હકદાર છે.

આપણે કેમ . . .

  • પ્રાર્થના કરવી જોઈએ?

  • યહોવાની આજ્ઞા પાળવી જોઈએ?

  • બીજાઓને યહોવા વિશે જણાવવું જોઈએ?

ગીત ૨ યહોવા તારો આભાર

a આપણે જાણીએ છીએ કે પિતા યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. યહોવાનું કુટુંબ તેમના ભક્તોનું બનેલું છે, એનો ભાગ બનવાનો આપણને લહાવો મળ્યો છે. એટલે આપણે તેમને ખૂબ પ્રેમ કરીએ છીએ. એ પ્રેમ કઈ રીતે બતાવી શકીએ? એ માટે આપણે અમુક મહત્ત્વની બાબતો કરી શકીએ, જેના વિશે આ લેખમાં ચર્ચા કરીશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો