વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 મે પાન ૨૬-૩૧
  • અદૃશ્ય ભેટ માટે કદર બતાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અદૃશ્ય ભેટ માટે કદર બતાવીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા સાથે ગાઢ સંબંધ કેળવવાનો લહાવો
  • પ્રાર્થના કરવાનો લહાવો
  • પવિત્ર શક્તિની મદદ
  • યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો સાથે કામ કરવાનો લહાવો
  • યહોવાએ આપેલા કીમતી ખજાના પર મન લગાડીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • પવિત્ર શક્તિથી આપણને કેવી મદદ મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • ઈસુમાં કેવો ખજાનો રહેલો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • “હું તમને મારા મિત્રો કહું છું”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 મે પાન ૨૬-૩૧

અભ્યાસ લેખ ૨૨

અદૃશ્ય ભેટ માટે કદર બતાવીએ

‘તમારી આંખ જે અદૃશ્ય છે એના પર રાખો. કેમ કે જે દૃશ્ય છે એ તો ઘડી બે ઘડીનું છે, પણ જે અદૃશ્ય છે એ હંમેશાં ટકનારું છે.’—૨ કોરીં. ૪:૧૮.

ગીત ૨૨ યહોવા મારો પાળક

ઝલકa

૧. સ્વર્ગની ધનદોલત વિશે ઈસુએ શું કહ્યું?

બધી ભેટ કંઈ નરી આંખે જોઈ શકાતી નથી. કેટલીક ભેટ તો ઘણી અનમોલ છે તોય આપણે જોઈ શકતા નથી. પહાડ પરના ઉપદેશમાં ઈસુએ સ્વર્ગની ધનદોલત વિશે જણાવ્યું, જેની તોલે કંઈ જ ન આવે. અરે, માલમિલકત પણ નહિ. પછી તેમણે આ સત્ય કહ્યું: “જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે.” (માથ. ૬:૧૯-૨૧) આપણે જે વસ્તુને કીમતી ગણીએ છીએ, એ મેળવવા દિલમાં ઇચ્છા થાય છે. ઈશ્વર આગળ સારું નામ કમાઈને આપણે જાણે “સ્વર્ગમાં ધનદોલત” ભેગી કરીએ છીએ. ઈસુએ જણાવ્યું કે એવી ધનદોલત ક્યારેય ચોરાઈ જશે નહિ કે એનો નાશ થશે નહિ.

૨. (ક) બીજો કોરીંથીઓ ૪:૧૭, ૧૮માં પ્રેરિત પાઊલ આપણને શાના પર ધ્યાન આપવાનું કહે છે? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૨ પ્રેરિત પાઊલે જણાવ્યું કે આપણી ‘આંખો જે અદૃશ્ય છે એના પર રાખીએ.’ (૨ કોરીંથીઓ ૪:૧૭, ૧૮ વાંચો.) એ અદૃશ્ય વસ્તુઓમાં નવી દુનિયામાં ઈશ્વર તરફથી મળનાર આશીર્વાદોનો પણ સમાવેશ થાય છે. આ લેખમાં એવી ચાર ભેટની ચર્ચા કરીશું જે નરી આંખે જોઈ શકાતી નથી. પણ એ ભેટનો આપણે અત્યારે પણ ફાયદો લઈ શકીએ છીએ. એ છે, યહોવા સાથે ગાઢ સંબંધ કેળવવાનો લહાવો; પ્રાર્થના કરવાનો લહાવો; પવિત્ર શક્તિની મદદ; પ્રચારકામમાં યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતોની સાથે કામ કરવાનો લહાવો. આપણે એ પણ શીખીશું કે એવી ભેટ માટે યહોવાની કઈ રીતે કદર કરી શકીએ.

યહોવા સાથે ગાઢ સંબંધ કેળવવાનો લહાવો

૩. જોઈ શકાય નહિ એવી સૌથી અનમોલ ભેટ કઈ છે? શાના આધારે એ ભેટ મેળવવી શક્ય બન્યું છે?

૩ સૌથી અનમોલ ભેટ જે જોઈ શકાતી નથી, એ છે કે આપણે યહોવા સાથે ગાઢ સંબંધ કેળવી શકીએ છીએ. (ગીત. ૨૫:૧૪) પાપી માણસો સાથે પવિત્ર ઈશ્વર ગાઢ સંબંધ કેળવે એ કઈ રીતે શક્ય છે? બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ બધા માણસોનું એટલે કે “દુનિયાનું પાપ દૂર કરે છે.” (યોહા. ૧:૨૯) માણસોને બચાવવા ઈસુએ બલિદાન આપ્યું, એ પહેલાંથી યહોવા જાણતા હતા કે ઈસુ મરણ સુધી વફાદાર રહીને માણસોને છોડાવશે. એટલે યહોવા માણસો સાથે ગાઢ સંબંધ કેળવી શક્યા હતા. અરે, ખ્રિસ્ત મરણ પામ્યા એ પહેલાં જેટલા માણસો થઈ ગયા, તેઓ સાથે પણ યહોવા ગાઢ સંબંધ કેળવી શક્યા હતા.—રોમ. ૩:૨૫.

૪. યહોવા સાથે સારો સંબંધ કેળવનાર ઈશ્વરભક્તોના દાખલા આપો.

૪ ખ્રિસ્ત આવ્યા એ પહેલાં જે ઈશ્વરભક્તો થઈ ગયા, ચાલો તેઓના દાખલા જોઈએ. ઈબ્રાહીમે અડગ શ્રદ્ધા બતાવી હતી. એટલે તેમના મરણના ૧,૦૦૦ કરતાં વધુ વર્ષો પછી પણ યહોવાએ તેમને “મારા મિત્ર” કહ્યા. (યશા. ૪૧:૮) એ બતાવે છે કે ભલે લોકો મરણ પામે યહોવાની નજરે તેઓ હજુ પણ તેમના મિત્ર છે. ઈબ્રાહીમ યહોવાની યાદમાં છે. (લુક ૨૦:૩૭, ૩૮) બીજો દાખલો અયૂબનો છે. સ્વર્ગમાં દૂતો ભેગા થયા ત્યારે યહોવાએ પૂરા ભરોસાથી અયૂબ વિશે વાત કરી. તેમણે કહ્યું કે અયૂબ “જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.” (અયૂ. ૧:૬-૮) યહોવા દાનીયેલને કઈ નજરે જોતા હતા? આશરે ૮૦ વર્ષ સુધી દાનીયેલ એવા દેશમાં રહ્યા, જ્યાં લોકો યહોવાની ભક્તિ કરતા ન હતા. તે વૃદ્ધ હતા ત્યારે ત્રણ વખત સ્વર્ગદૂતોએ તેમને ખાતરી અપાવી કે ઈશ્વરને તે “અતિ પ્રિય છે.” (દાની. ૯:૨૩; ૧૦:૧૧, ૧૯) આપણે ખાતરી રાખી શકીએ કે એ વફાદાર ભક્તોને સજીવન કરવા યહોવાનું દિલ તરસી રહ્યું છે.—અયૂ. ૧૪:૧૫.

એક બહેન સાઈકલની સવારી કરીને ટેકરી પર ઊભા છે અને સૃષ્ટિને જોઈ રહ્યા છે, બાજુમાં તળાવ છે.

આપણે કઈ રીતોએ એ બધી ભેટ માટે કદર બતાવી શકીએ? (ફકરા ૫)b

૫. યહોવા સાથે ગાઢ સંબંધ કેળવવા શું કરવું જોઈએ?

૫ શું આજે પાપી માણસો યહોવા સાથે ગાઢ સંબંધ કેળવી શક્યા છે? હા, એવા લાખો લોકો છે. કેટલાય સ્ત્રી-પુરુષો અને બાળકોએ વાણી-વર્તનથી બતાવી આપ્યું છે કે તેઓ યહોવાને વફાદાર રહેવા માંગે છે. યહોવા એવા ‘ન્યાયીઓને મિત્ર બનાવે છે.’ (નીતિ. ૩:૩૨, IBSI) કારણ કે એ વફાદાર લોકોએ ઈસુએ આપેલા બલિદાનમાં શ્રદ્ધા મૂકી છે. ઈસુના બલિદાનના આધારે સમર્પણ કરીને બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે, યહોવા આપણો પ્રેમથી સ્વીકાર કરે છે. એ મહત્ત્વનાં પગલાં ભરીને આપણે બીજા લાખો ઈશ્વરભક્તો સાથે જોડાઈએ છીએ, જેઓને વિશ્વના માલિક યહોવાને નજીકથી ઓળખવાનો લહાવો મળ્યો છે!

૬. ઈશ્વરને નજીકથી ઓળખવાનો લહાવો મળ્યો છે એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ?

૬ ઈશ્વરને નજીકથી ઓળખવાનો લહાવો મળ્યો છે એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? ઈબ્રાહીમ અને અયૂબ વર્ષો સુધી યહોવા સાથે વફાદારીથી ચાલ્યા હતા. આ દુષ્ટ દુનિયામાં આપણે પણ વર્ષોથી યહોવાની ભક્તિ કરીએ છીએ. આપણે પણ તેમની સાથે વફાદારીથી ચાલતા રહેવું જોઈએ. દાનીયેલની જેમ, આપણે પણ ઈશ્વર સાથેના સંબંધને જીવથીયે વહાલો ગણવો જોઈએ. (દાની. ૬:૭, ૧૦, ૧૬, ૨૨) ભલે ગમે એ કસોટી આવે યહોવાના સાથથી આપણે એનો સામનો કરી શકીશું. આમ, તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત થશે.—ફિલિ. ૪:૧૩.

પ્રાર્થના કરવાનો લહાવો

૭. (ક) નીતિવચનો ૧૫:૮ પ્રમાણે આપણી પ્રાર્થનાઓ યહોવાને કેવી લાગે છે? (ખ) યહોવા આપણી પ્રાર્થનાઓનો કઈ રીતે જવાબ આપે છે?

૭ બીજી એક ભેટ છે પ્રાર્થના. પાકા મિત્રો એકબીજાને પોતાના વિચારો જણાવે છે, એકબીજા આગળ પોતાના દિલની લાગણીઓ ઠાલવે છે. યહોવા સાથે પણ આપણો સંબંધ એવો જ છે. યહોવા આપણી સાથે બાઇબલ દ્વારા વાત કરે છે. એમાંથી આપણને તેમનાં વિચારો અને લાગણીઓ વિશે જાણવા મળે છે. આપણે તેમની સાથે પ્રાર્થના દ્વારા વાત કરી શકીએ છીએ. એમાં આપણે મનના વિચારો અને દિલની લાગણીઓ જણાવી શકીએ છીએ. યહોવાને આપણી પ્રાર્થના સાંભળવાનું ગમે છે. (નીતિવચનો ૧૫:૮ વાંચો.) એટલું જ નહિ, તે આપણી પ્રાર્થનાઓનો જવાબ પણ આપે છે. અમુક વાર આપણી પ્રાર્થનાઓનો જવાબ વહેલો મળે, તો અમુક વાર આપણે પ્રાર્થના કરતા રહેવું પડે. પણ ખાતરી રાખી શકીએ કે આપણી પ્રાર્થનાનો જવાબ યોગ્ય સમયે અને યોગ્ય રીતે મળશે. જોકે, આપણે વિચાર્યું હોય એ રીતે કદાચ એનો જવાબ ન મળે. દાખલા તરીકે, આપણા પર આવેલી કસોટી દૂર કરવાને બદલે યહોવા આપણને બુદ્ધિ અને તાકાત આપશે. એની મદદથી આપણે એ કસોટી ‘સહન કરી શકીએ છીએ.’—૧ કોરીં. ૧૦:૧૩.

એ બહેન કૉફીશોપમાં બેસીને પ્રાર્થના કરી રહ્યા છે. બાજુમાં એક સ્ત્રી પોતાના છોકરા સાથે બેઠી છે.

(ફકરા ૮ જુઓ)c

૮. પ્રાર્થનાની ભેટ માટે કઈ રીતે કદર બતાવી શકીએ?

૮ પ્રાર્થનાની ભેટને આપણે કીમતી ગણીએ છીએ, એ કઈ રીતે બતાવી શકીએ? એક રીત છે, બાઇબલમાં આપેલી આ સલાહ પાળીએ: “સતત પ્રાર્થના કરતા રહો.” (૧ થેસ્સા. ૫:૧૭) યહોવા આપણને પ્રાર્થના કરવા ક્યારેય દબાણ કરતા નથી. તે તો ચાહે છે કે આપણે પોતાની ઇચ્છાથી બધું કરીએ. એટલે તે આપણને કહે છે, “પ્રાર્થનામાં લાગુ રહો.” (રોમ. ૧૨:૧૨) દરરોજ પ્રાર્થના કરીને આપણે કદર બતાવી શકીએ. એટલું જ નહિ, પ્રાર્થનામાં તેમનો આભાર માનવાનું અને તેમનો જયજયકાર કરવાનું ભૂલીએ નહિ.—ગીત. ૧૪૫:૨, ૩.

૯. પ્રાર્થના વિશે એક ભાઈ શું કહે છે? પ્રાર્થના વિશે તમને કેવું લાગે છે?

૯ જો આપણે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, તો જોયું હશે કે યહોવા કઈ રીતે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે. એના લીધે પ્રાર્થના માટે આપણી કદર વધતી જાય છે. દાખલા તરીકે, ક્રીસભાઈ છેલ્લા ૪૭ વર્ષોથી પૂરા સમયની સેવા કરે છે. તે કહે છે: ‘વહેલી સવારે ઊઠીને યહોવાને પ્રાર્થના કરવાનું મને ગમે છે. જરા વિચારો, સૂર્યના પહેલા કિરણો ઝાકળ પર ચમકી રહ્યા છે અને તમે યહોવા સાથે વાત કરી રહ્યા છો. એ સમયે કેટલી મજા આવે! યહોવાએ પ્રાર્થનાની સાથે સાથે બીજી ઘણી ભેટ આપી છે. એ બધા માટે તેમનો આભાર માનવા મારા દિલમાં ઇચ્છા જાગે છે. દિવસના અંતે પણ પ્રાર્થના કરવાથી દિલનો બોજ હળવો થઈ જાય છે અને પથારીમાં પડતા જ સારી ઊંઘ આવી જાય છે.’

પવિત્ર શક્તિની મદદ

૧૦. શા માટે આપણે પવિત્ર શક્તિની ભેટને કીમતી ગણવી જોઈએ?

૧૦ ત્રીજી ભેટ છે પવિત્ર શક્તિ. ઈસુએ જણાવ્યું છે કે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માગતા રહીએ. (લુક ૧૧:૯, ૧૩) પવિત્ર શક્તિ દ્વારા યહોવા આપણને એવી તાકાત આપે છે, જે “માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી છે.” (૨ કોરીં. ૪:૭; પ્રે.કા. ૧:૮) આપણા પર આવતી કસોટીઓને ઈશ્વરની પવિત્ર શક્તિથી સહી શકીએ છીએ.

એ બહેન પોતાના મોબાઇલમાંથી બતાવીને એ સ્ત્રી અને તેમના છોકરાને સાક્ષી આપી રહ્યા છે.

(ફકરા ૧૧ જુઓ)d

૧૧. પવિત્ર શક્તિ કઈ રીતે આપણને મદદ કરી શકે?

૧૧ પવિત્ર શક્તિની મદદથી ઈશ્વરની સેવામાં મળેલી સોંપણીને સારી રીતે પૂરી કરી શકીએ છીએ. ઈશ્વરની શક્તિથી આપણી આવડતો સુધારી શકીએ છીએ. ભક્તિમાં આપણે કરેલી મહેનત રંગ લાવે ત્યારે પોતે વાહવાહ ન લઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે એ બધું ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી શક્ય બન્યું છે.

૧૨. ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪ પ્રમાણે આપણે યહોવા પાસે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ?

૧૨ આપણે પવિત્ર શક્તિને કીમતી ગણીએ છીએ એ બીજી કઈ રીતે બતાવી શકીએ? આપણા મનમાં ખોટા વિચારો અથવા ખોટી ઇચ્છાઓ આવી ગયા છે કે નહિ, એ તપાસવા પવિત્ર શક્તિ મદદ કરે એવી પ્રાર્થના કરીએ. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪ વાંચો.) યહોવા આપણી પ્રાર્થના સાંભળીને આપણને ખોટા વિચારો કે ઇચ્છાઓ પારખવા મદદ કરશે. પછી આપણે એ ખોટા વિચારો કે ઇચ્છાઓને દૂર કરવા ઈશ્વર પાસે પવિત્ર શક્તિ માંગીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણે એવું કંઈ કરવા માંગતા નથી, જેથી યહોવા દુઃખી થાય અને પવિત્ર શક્તિ આપવાનું છોડી દે.—એફે. ૪:૩૦.

૧૩. પવિત્ર શક્તિ માટે આપણી કદર કઈ રીતે વધારી શકીએ?

૧૩ પવિત્ર શક્તિથી આજે કેવાં કામ થઈ રહ્યાં છે, એનો વિચાર કરીએ. એમ કરીશું તો પવિત્ર શક્તિ માટે આપણી કદર વધશે. ઈસુએ સ્વર્ગમાં જતા પહેલા શિષ્યોને કહ્યું હતું, “પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે; અને તમે . . . પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.” (પ્રે.કા. ૧:૮) એ શબ્દો આજે અદ્‍ભુત રીતે પૂરા થઈ રહ્યા છે. પવિત્ર શક્તિની મદદથી દુનિયાભરમાં આશરે ૮૫ લાખ જેટલા લોકો યહોવાના સાક્ષી બન્યા છે. દુનિયા ફરતે આપણાં ભાઈ-બહેનો વચ્ચે સંપ અને શાંતિ જોવા મળે છે. કારણ કે ઈશ્વરની શક્તિ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, શ્રદ્ધા, નમ્રતા અને સંયમ જેવા ગુણ કેળવવા મદદ કરે છે. એ બધા “પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ” છે. (ગલા. ૫:૨૨, ૨૩) સાચે જ પવિત્ર શક્તિની ભેટ અનમોલ છે!

યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો સાથે કામ કરવાનો લહાવો

૧૪. ખુશખબર ફેલાવતી વખતે આપણને કોનો સાથ મળે છે?

૧૪ યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો ‘સાથે કામ કરવાનો’ આપણને લહાવો મળ્યો છે. (૨ કોરીં. ૬:૧) ખુશખબર ફેલાવીએ છીએ ત્યારે, આપણે તેઓ સાથે કામ કરીએ છીએ. પ્રેરિત પાઊલે પોતાના વિશે અને તેમની સાથે ખુશખબર ફેલાવનારાઓ વિશે જણાવ્યું, “અમે ઈશ્વરના સાથી કામદારો છીએ.” (૧ કોરીં. ૩:૯) ખુશખબર ફેલાવીને આપણે ઈસુના સાથી કામદારો બનીએ છીએ. ઈસુએ શિષ્યોને આ આજ્ઞા આપી હતી: “સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.” એ સમયે તેમણે શિષ્યોને કહ્યું હતું કે ‘હું તમારી સાથે છું.‏’ (માથ. ૨૮:૧૯, ૨૦) ‘હંમેશાં ટકનારી ખુશખબર પૃથ્વી પર રહેનારાઓને’ જણાવીએ છીએ ત્યારે, દૂતો આપણને માર્ગદર્શન આપે છે. દૂતો પાસેથી માર્ગદર્શન લેવાનો એ કેટલો સરસ લહાવો!—પ્રકટી. ૧૪:૬.

૧૫. ખુશખબર ફેલાવવાના કામમાં યહોવા મહત્ત્વની ભૂમિકા નિભાવે છે એનો બાઇબલમાંથી દાખલો આપો.

૧૫ આપણે સંદેશાનું બી વાવીએ છીએ ત્યારે, અમુક બી સારી જમીન પર પડે છે. સારી જમીન એવા લોકોને બતાવે છે, જેઓ સંદેશો સાંભળે છે અને સમજે છે. (માથ. ૧૩:૧૮, ૨૩) કોની મદદથી સત્યનું બી વધે છે અને ફળ આપે છે? એ વિશે ઈસુએ સમજાવ્યું હતું કે “પિતા કોઈ માણસને દોરી ન લાવે ત્યાં સુધી” એ માણસ ઈસુનો શિષ્ય બની શકતો નથી. (યોહા. ૬:૪૪) એ વિશે બાઇબલમાં એક દાખલો આપ્યો છે. ફિલિપી શહેરમાં પાઊલ સ્ત્રીઓના ટોળાને સાક્ષી આપતા હતા ત્યારે શું બન્યું હતું? બાઇબલમાં લખ્યું છે, ‘યહોવાએ લૂદિયાનું દિલ પૂરેપૂરું ખોલ્યું, જેથી પાઊલની વાતો પર તે ધ્યાન આપી શકે.’ (પ્રે.કા. ૧૬:૧૩-૧૫) લૂદિયાની જેમ, આજે લાખો લોકોને યહોવા દોરી લાવ્યા છે.

૧૬. ખુશખબર ફેલાવવાના કામમાં સારાં પરિણામ આવે તો એનો મહિમા કોને મળવો જોઈએ?

૧૬ ખુશખબર ફેલાવવાના કામમાં સારાં પરિણામ આવે તો એનો મહિમા કોને મળવો જોઈએ? એનો જવાબ પાઊલે કોરીંથ મંડળને પત્ર લખ્યો ત્યારે આપ્યો. તેમણે કહ્યું: “મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ ઈશ્વર એને વૃદ્ધિ આપતા રહે છે. એટલે, રોપનાર કંઈ નથી અને પાણી પાનાર પણ કંઈ નથી; પરંતુ, એને વૃદ્ધિ આપનાર ઈશ્વર જ બધું છે.” (૧ કોરીં. ૩:૬, ૭) ખુશખબર ફેલાવવાના કામમાં સારાં પરિણામ મળે ત્યારે, આપણે પાઊલની જેમ યહોવાને મહિમા આપવો જોઈએ.

૧૭. યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો ‘સાથે કામ કરવાનો’ જે લહાવો મળ્યો છે, એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ?

૧૭ યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો ‘સાથે કામ કરવાનો’ આપણને લહાવો મળ્યો છે. એ માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ? બીજાઓને ખુશખબર જણાવવાની તક ઝડપી લઈએ. ખુશખબર ફેલાવવાની ઘણી રીતો છે જેમ કે, “જાહેરમાં તથા ઘરે ઘરે” સાક્ષી આપી શકીએ છીએ. (પ્રે.કા. ૨૦:૨૦) તક મળે ત્યારે ખુશખબર ફેલાવવાનું ઘણાં ભાઈ-બહેનોને ગમે છે. કોઈ અજાણી વ્યક્તિ મળે તો તેઓ હસીને “કેમ છો” કહે છે અને વાત શરૂ કરે છે. જો વ્યક્તિ વાત સાંભળે તો તેઓ સમજી-વિચારીને ખુશખબર જણાવે છે.

ચિત્રો: ૧. બહેન કૉફીશોપમાં જેમને સાક્ષી આપી હતી તેમની સાથે બાઇબલ અભ્યાસ ચલાવી રહ્યા છે. ૨. બાઇબલ અભ્યાસ ચાલતો જોઈને સ્વર્ગદૂતો ખુશ થાય છે.

(ફકરા ૧૮ જુઓ)e

૧૮-૧૯. (ક) આપણે કઈ રીતે સત્યના બીને પાણી પીવડાવીએ છીએ? (ખ) યહોવાએ કઈ રીતે એક વ્યક્તિને મદદ કરી?

૧૮ “ઈશ્વરના સાથી કામદારો” તરીકે આપણે ફક્ત બી રોપવાનું જ નથી પણ પાણી પીવડાવવાનું છે. વ્યક્તિ વાત સાંભળે તો એને ફરી મળવા આપણે બનતું બધું કરીએ. જો આપણે ન જઈ શકીએ તો એ વ્યક્તિને મળવા બીજું કોઈ જઈ શકે એવી ગોઠવણ કરીએ, જેથી તેનો બાઇબલ અભ્યાસ શરૂ થઈ શકે. વ્યક્તિ બાઇબલ અભ્યાસમાં આગળ વધે ત્યારે આપણને ખુશી થાય છે. કારણ કે યહોવા એ વ્યક્તિને પોતાનાં વાણી-વર્તનમાં સુધારો કરવા મદદ કરે છે, એ જોઈને આપણું દિલ ખુશીથી ઉભરાઈ જાય છે.

૧૯ દક્ષિણ આફ્રિકામાં રહેતા રાફલલાનેનો દાખલો જોઈએ. તે એક તાંત્રિક હતા. પણ તેમણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે તેમને બહુ ગમ્યું. મરણ પામેલા પૂર્વજો સાથે વાત કરવા વિશે બાઇબલમાં શું લખ્યું છે, એ જાણ્યા પછી તેમને એક મોટી મુશ્કેલી આવી. (પુન. ૧૮:૧૦-૧૨) પણ સમય જતાં, ઈશ્વરની મદદથી તેમણે પોતાના વિચારો બદલ્યા. એ કામથી તેમનું ગુજરાન ચાલતું હતું. છતાં થોડા સમય પછી તેમણે એ કામ છોડી દીધું. હવે તે ૬૦ વર્ષના છે અને કહે છે: ‘હું યહોવાના સાક્ષીઓનો આભાર માનું છે કે તેઓએ મને ઘણો સાથ આપ્યો. તેઓએ મને નોકરીધંધો શોધવા મદદ કરી. સૌથી વધારે તો હું યહોવાનો આભાર માનું છું કે તેમણે મને મારું જીવન સુધારવા મદદ કરી. હવે હું એક યહોવાનો સાક્ષી છું અને બીજાઓને ખુશખબર જણાવું છું.’

૨૦. તમે શું કરવાનું નક્કી કર્યું છે?

૨૦ આ લેખમાં આપણે ચાર ભેટની ચર્ચા કરી જેને આપણે જોઈ શકતા નથી. એમાંની સૌથી મહત્ત્વની છે, કે યહોવા સાથે ગાઢ સંબંધ કેળવવાનો આપણને લહાવો મળ્યો છે. એની મદદથી આપણને બીજી ભેટ મળે છે. જેમ કે, પ્રાર્થનામાં યહોવા પાસે જઈ શકીએ છીએ, તેમની પવિત્ર શક્તિ મેળવી શકીએ છીએ તેમજ યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો સાથે પ્રચારકામ કરવાનો લહાવો મેળવી શકીએ છીએ. આપણને મળેલી એ ભેટ માટે કદર બતાવવાનું મનમાં નક્કી કરીએ. યહોવા સાથે ગાઢ સંબંધ કેળવી શક્યા છીએ માટે તેમનો આભાર માનવાનું ચૂકીએ નહિ.

નીચે બતાવેલી ભેટ માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ?

  • પ્રાર્થના કરવાના લહાવા માટે

  • પવિત્ર શક્તિની મદદ માટે

  • યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતોની મદદ માટે

ગીત ૧૯ નવી દુનિયાનું વચન

a અગાઉના લેખમાં ચર્ચા કરી કે ઈશ્વરે આપણને અમુક કીમતી ભેટ આપી છે, જે આપણે જોઈ શકીએ છીએ. આ લેખમાં જોઈશું કે એવી ભેટ પણ છે, જે નરી આંખે જોઈ શકાતી નથી. એ બધી ભેટને આપણે કીમતી ગણવી જોઈએ. એમ કરવાથી એ ભેટ આપનાર યહોવા ઈશ્વર માટે વધુ કદર બતાવી શકીશું.

b ચિત્રની સમજ: (૧) એક બહેન યહોવાએ બનાવેલી સુંદર સૃષ્ટિ જોઈ રહ્યા છે અને યહોવા સાથેના પોતાના સંબંધ વિશે મનન કરી રહ્યા છે.

c ચિત્રની સમજ: (૨) એ બહેન પોતે સારી રીતે સાક્ષી આપી શકે માટે યહોવાને પ્રાર્થના કરી રહ્યા છે.

d ચિત્રની સમજ: (૩) પવિત્ર શક્તિ તેમને હિંમત આપે છે એટલે તે તક મળે ત્યારે સાક્ષી આપી શકે છે.

e ચિત્રની સમજ: (૪) જેમને સાક્ષી આપી હતી તેમની સાથે એ બહેન બાઇબલ અભ્યાસ ચલાવી રહ્યા છે. તે સ્વર્ગદૂતની મદદથી પ્રચાર કરી રહી છે અને શિષ્યો બનાવવાનું કામ કરી રહી છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો