વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 ઑક્ટોબર પાન ૬-૧૨
  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૧
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ ચલાવીએ
  • દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ ચલાવતા પહેલાં તૈયારી કરીએ
  • વિદ્યાર્થીને દરરોજ યહોવા સાથે વાત કરવાનું શીખવો
  • વિદ્યાર્થીને યહોવા સાથે સારો સંબંધ કેળવવા મદદ કરો
  • વિદ્યાર્થીને સભામાં આવવાનું ઉત્તેજન આપો
  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૨
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • મંડળ કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીને મદદ કરી શકે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • ‘જાઓ, શિષ્યો બનાવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 ઑક્ટોબર પાન ૬-૧૨

અભ્યાસ લેખ ૪૧

બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૧

“તમે ખ્રિસ્તનો પત્ર છો, જે સેવકો તરીકે અમારા દ્વારા લખાયેલો છે.”—૨ કોરીં. ૩:૩.

ગીત ૪૦ ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા મૂકો

ઝલકa

એક યુવાન સ્ત્રી બાપ્તિસ્મા લઈ રહી છે.

એક વિદ્યાર્થી બાપ્તિસ્મા લે છે ત્યારે મંડળના બધા લોકોનું દિલ ખુશીથી ઊભરાય જાય છે (ફકરો ૧ જુઓ)

૧. બીજો કોરીંથીઓ ૩:૧-૩માંથી શું શીખવા મળે છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

તમારા મંડળમાં કોઈ બાઇબલ વિદ્યાર્થી બાપ્તિસ્મા લે ત્યારે તમને કેવું લાગે છે? તમારું દિલ ખુશીથી ઊભરાય જાય છે. (માથ. ૨૮:૧૯) જો તમારી સાથે અભ્યાસ કરનાર વિદ્યાર્થી બાપ્તિસ્મા લે, તો તમારી આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે, ખરુંને! (૧ થેસ્સા. ૨:૧૯, ૨૦) એક વિદ્યાર્થી માટે તેના શિક્ષક જ નહિ, પણ આખું મંડળ ખૂબ મહેનત કરે છે. એટલે કહી શકાય કે શિક્ષક અને મંડળ માટે એ વિદ્યાર્થી ‘ભલામણપત્રો’ જેવો છે.—૨ કોરીંથીઓ ૩:૧-૩ વાંચો.

૨. (ક) આપણે કયા સવાલનો વિચાર કરવો જોઈએ અને શા માટે? (ખ) બાઇબલ અભ્યાસ એટલે શું? (ફૂટનોટ જુઓ.)

૨ છેલ્લા ચાર વર્ષથી દર મહિને આશરે એક કરોડ જેટલા બાઇબલ અભ્યાસb ચલાવવામાં આવે છે. એ ઘણી ખુશીની વાત છે. એટલું જ નહિ, છેલ્લા ચાર વર્ષોમાં ૨,૮૦,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બને છે. બાકીના લાખો બાઇબલ વિદ્યાર્થીઓને બાપ્તિસ્મા લેવા આપણે કઈ રીતે મદદ કરી શકીએ? એ સવાલનો આપણે વિચાર કરવો જોઈએ. કારણ કે યહોવા હજુ પણ લોકોને તેમના સાક્ષી બનવા તક આપી રહ્યા છે. સમય રેતીની જેમ હાથમાંથી સરી રહ્યો છે. એટલે આપણે પણ લોકોને બાપ્તિસ્મા તરફ આગળ વધવા બનતું બધું કરીએ.—૧ કોરીં. ૭:૨૯ક; ૧ પીત. ૪:૭.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૩ આજે ઝડપથી પ્રચારકામ કરવું ખૂબ જરૂરી છે. એટલે અલગ અલગ શાખા કચેરીને પૂછવામાં આવ્યું કે બાઇબલ વિદ્યાર્થીઓને બાપ્તિસ્મા લેવા કઈ રીતે મદદ કરી શકાય. વિદ્યાર્થી બાઇબલ અભ્યાસમાંથી પૂરો ફાયદો લઈ શકે માટે તે અને તેના શિક્ષક શું કરી શકે, એ વિશે અનુભવી પાયોનિયરો, મિશનરીઓ અને સરકીટ નિરીક્ષકોએ સૂચનો આપ્યાં. આ લેખમાં અને હવે પછીના લેખમાં જોઈશું કે તેઓએ આપેલાં સૂચનોમાંથી આપણે શું શીખી શકીએ.c (નીતિ. ૧૧:૧૪; ૧૫:૨૨) આ લેખમાં પાંચ મુદ્દા જોઈશું જે એક વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરશે. આવતા લેખમાં બાકીના પાંચ મુદ્દા જોઈશું.

દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ ચલાવીએ

ચિત્રો: ૧. એક બહેન દરવાજા પાસે ઊભા રહીને એક સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ કરી રહી છે. ૨. બીજા એક દિવસે બહેન બાઇબલ અભ્યાસ માટે જાય છે ત્યારે, તે સ્ત્રી તેને ઘરની અંદર બોલાવે છે.

વિદ્યાર્થીને પૂછો કે ઘરમાં બેસીને ચર્ચા કરી શકાય કે નહિ (ફકરા ૪-૬ જુઓ)

૪. શું દરવાજે ઊભા રહીને બાઇબલ અભ્યાસ ચલાવવાથી વ્યક્તિ બાપ્તિસ્મા તરફ આગળ વધી શકશે?

૪ ઘણાં ભાઈ-બહેનો ઘરમાલિકના દરવાજે ઊભા રહીને બાઇબલ અભ્યાસ ચલાવે છે. આ રીતે વ્યક્તિના દિલમાં બાઇબલ વિશે જાણવાની ઇચ્છા જગાડી શકાય છે. જોકે એમ કરવાથી તો થોડી જ વાર ચર્ચા કરી શકાય છે અને એ પણ કદાચ દર અઠવાડિયે નહિ. અમુક ભાઈ-બહેનો વ્યક્તિનો ફોન નંબર લે છે, જેથી ફોન કે મૅસેજ કરીને બાઇબલ વિશે વાત કરી શકે. આમ તેઓ અમુક વાર ચર્ચા કરે છે. એવું કદાચ મહિનાઓ સુધી ચાલે છે. પણ વ્યક્તિ આ રીતે અમુક જ વાર બાઇબલ અભ્યાસ કરે અને વધારે સમય ન આપે તો, શું તેd બાપ્તિસ્મા તરફ આગળ વધી શકશે? કદાચ નહિ.

૫. લુક ૧૪:૨૭-૩૩ પ્રમાણે આપણે વિદ્યાર્થીને કઈ વાત સમજાવવી જોઈએ?

૫ ઈસુએ સમજાવ્યું કે તેમના શિષ્ય બનવા વ્યક્તિએ શું કરવું જોઈએ. એ માટે તેમણે બુરજ બનાવનાર વ્યક્તિનો અને યુદ્ધમાં જનાર રાજાનો દાખલો આપ્યો. ઈસુએ જણાવ્યું કે વ્યક્તિએ બુરજ બનાવતા ‘પહેલા બેસીને એનો ખર્ચ ગણવો જોઈએ.’ તેમણે એમ પણ કહ્યું કે પોતાના સૈનિકો યુદ્ધ લડી શકશે કે નહિ, એ વિશે રાજાએ પહેલા ‘બેસીને સલાહ લેવી જોઈએ.’ (લુક ૧૪:૨૭-૩૩ વાંચો.) એ દાખલા આપીને ઈસુ શું કહેવા માંગતા હતા? જેઓ તેમના શિષ્ય બનવા ચાહે છે તેઓએ સમજી-વિચારીને એ નિર્ણય લેવો જોઈએ. આપણે ચાહીએ છીએ કે આપણો વિદ્યાર્થી એ વાત સારી રીતે સમજે. એ માટે આપણે દર અઠવાડિયે તેનો બાઇબલ અભ્યાસ ચલાવવાનો પ્રયત્ન કરીએ. એવું આપણે કઈ રીતે કરી શકીએ?

૬. વિદ્યાર્થી ઝડપથી શીખે માટે આપણે શું કરી શકીએ?

૬ સૌથી પહેલા તો બાઇબલ અભ્યાસનો સમય વધારવાનો પ્રયત્ન કરો. કદાચ તમે એક કલમને બદલે બે કલમ પર ચર્ચા કરી શકો. એ રીતે ઘરમાલિકને વધુ સમય ચર્ચા કરવાનું ગમવા લાગે, પછી તમે ઘરમાં બેસીને ચર્ચા કરવા વિશે પૂછી શકો. જો તે હા પાડે તો એનો અર્થ થાય કે તેના માટે બાઇબલ અભ્યાસ મહત્ત્વનો છે. અમુક સમય પછી તમે પૂછી શકો કે તેને અઠવાડિયામાં બે વાર અભ્યાસ કરવાનું ગમશે કે નહિ. એમ કરવાથી તે ઝડપથી શીખી શકશે. પણ એટલું જ કરવું પૂરતું નથી.

દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ ચલાવતા પહેલાં તૈયારી કરીએ

ચિત્રો: ૧. બહેન અગાઉથી અભ્યાસની તૈયારી કરે છે. ૨. પછી તે વિદ્યાર્થીને શીખવી રહી છે કે તેણે પોતાના પુસ્તકમાં કયા મુખ્ય મુદ્દા પર લીટી દોરવી જોઈએ.

અભ્યાસની સારી તૈયારી કરો અને વિદ્યાર્થીને પણ તૈયારી કરવાનું શીખવો (ફકરા ૭-૯ જુઓ)

૭. શિક્ષકે બાઇબલ અભ્યાસ ચલાવવા કેવી તૈયારી કરવી જોઈએ?

૭ શિક્ષકે દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ ચલાવતા પહેલાં સારી તૈયારી કરવી જોઈએ. જે સાહિત્યમાંથી તમે અભ્યાસ ચલાવવાના હો, એ ભાગ અગાઉથી વાંચી લો અને કલમો જોઈ લો. મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખો. પાઠનો મુખ્ય વિષય, ગૌણમથાળા, સવાલો અને ચિત્રો જોઈ લો. પછી એ વિષયને લગતા વીડિયો જોઈ લો. વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને વિચારો કે માહિતીને સાદા અને સરળ શબ્દોમાં કઈ રીતે સમજાવી શકાય. એમ કરશો તો વિદ્યાર્થી એને સારી રીતે સમજી શકશે અને એ પ્રમાણે પગલાં ભરી શકશે.—નહે. ૮:૮; નીતિ. ૧૫:૨૮ક.

૮. કોલોસીઓ ૧:૯, ૧૦ પ્રમાણે આપણે વિદ્યાર્થી માટે શું કરવું જોઈએ?

૮ તમે તૈયારી કરો ત્યારે વિદ્યાર્થી માટે યહોવાને પ્રાર્થના કરો. તેમની પાસે માંગો કે તેના દિલને અસર કરે એ રીતે તમે બાઇબલમાંથી શીખવી શકો. (કોલોસીઓ ૧:૯, ૧૦ વાંચો.) અગાઉથી વિચારી રાખો કે વિદ્યાર્થીને કઈ વાત સમજવી કે માનવી અઘરી લાગશે. યાદ રાખો કે આપણો હેતુ બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરવાનો છે.

૯. વિદ્યાર્થીને અગાઉથી તૈયારી કરવાનું કઈ રીતે શીખવી શકો?

૯ જો વિદ્યાર્થી દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ કરશે તો શું ફાયદો થશે? યહોવા અને ઈસુએ જે કર્યું છે એની કદર કરવાનું તે શીખશે. એટલું જ નહિ તેના દિલમાં વધુ જાણવાની ઇચ્છા જાગશે. (માથ. ૫:૩, ૬) વિદ્યાર્થી અભ્યાસનો પૂરો ફાયદો ત્યારે જ લઈ શકશે જ્યારે તેનું ધ્યાન ફંટાશે નહિ. એટલે આપણે તેને પહેલેથી અભ્યાસની તૈયારી કરવાનું શીખવીએ. તે અગાઉથી પાઠ વાંચી રાખે અને એ પોતાને કઈ રીતે લાગુ પડે છે એનો વિચાર કરે. અગાઉથી તૈયારી કરવા શિક્ષક તેને કઈ રીતે મદદ કરી શકે? પાઠની તૈયારી કઈ રીતે કરવી એ તમે તેને બતાવી શકો.e વિદ્યાર્થીને સમજાવો કે સવાલનો જવાબ કઈ રીતે શોધી શકાય. તેને એ પણ બતાવો કે ખાસ મુદ્દા નીચે લીટી દોરી રાખવાથી જવાબ યાદ રાખવા મદદ મળશે. પછી તેને પોતાના શબ્દોમાં જવાબ આપવાનું કહો. તેના જવાબથી તમે જાણી શકશો કે તે માહિતી સારી રીતે સમજ્યો છે કે નહિ. તમે વિદ્યાર્થીને બીજું પણ કંઈક શીખવી શકો છો.

વિદ્યાર્થીને દરરોજ યહોવા સાથે વાત કરવાનું શીખવો

ચિત્રો: ૧. વિદ્યાર્થી સાથે અભ્યાસ શરૂ કરતા પહેલાં બહેન પ્રાર્થના કરી રહી છે. ૨. પછી, વિદ્યાર્થી પોતે પ્રાર્થના કરે છે.

યહોવા સાથે વાત કરવાનું અને તેમની વાત સાંભળવાનું વિદ્યાર્થીને શીખવો (ફકરા ૧૦-૧૧ જુઓ)

૧૦. (ક) વિદ્યાર્થીએ બાઇબલ કેમ વાંચવું જોઈએ? (ખ) બાઇબલ વાંચવાની સાથે સાથે તેણે બીજું શું કરવું જોઈએ?

૧૦ વિદ્યાર્થી તમારી જોડે દર અઠવાડિયે અભ્યાસ કરે છે, પણ એટલું જ પૂરતું નથી. તેણે જાતે બીજું કંઈક કરવું જોઈએ. તેણે યહોવા સાથે વાત કરવી જોઈએ અને તેમની વાત પણ સાંભળવી જોઈએ. દરરોજ બાઇબલ વાંચવાથી તે યહોવાની વાત સાંભળી શકશે. (યહો. ૧:૮; ગીત. ૧:૧-૩) jw.org પર “બાઇબલ વાંચન માટેનો કાર્યક્રમ” આપ્યો છે.f એ પ્રમાણે બાઇબલ કઈ રીતે વાંચવું એ તેને બતાવો. તેને એ પણ કહો કે બાઇબલ વાંચવાની સાથે સાથે એના પર મનન કરવાથી ફાયદો થશે. જે કલમો વાંચી એમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે અને પોતાના જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય એ વિશે તે વિચાર કરી શકે.—પ્રે.કા. ૧૭:૧૧; યાકૂ. ૧:૨૫.

૧૧. (ક) વિદ્યાર્થીને પ્રાર્થના કરવાનું કઈ રીતે શીખવી શકીએ? (ખ) તેણે શા માટે દરરોજ યહોવાને પ્રાર્થના કરવી જોઈએ?

૧૧ યહોવા સાથે દરરોજ પ્રાર્થનામાં વાત કરવાનું વિદ્યાર્થીને ઉત્તેજન આપો. દર વખતે અભ્યાસની શરૂઆતમાં અને અંતે દિલથી પ્રાર્થના કરો. એ પ્રાર્થનામાં વિદ્યાર્થી માટે વિનંતી કરો. તમારી પ્રાર્થના સાંભળીને તે દિલથી પ્રાર્થના કરવાનું શીખશે. તે એ પણ શીખશે કે ઈસુના નામે કઈ રીતે યહોવા ઈશ્વરને પ્રાર્થના કરી શકાય. (માથ. ૬:૯; યોહા. ૧૫:૧૬) દરરોજ બાઇબલ વાંચીને (યહોવાની વાત સાંભળીને) અને પ્રાર્થના કરીને (યહોવા સાથે વાત કરીને) વિદ્યાર્થી યહોવાની નજીક આવી શકશે. (યાકૂ. ૪:૮) જો તે દરરોજ એવું કરશે તો સમર્પણ અને બાપ્તિસ્મા તરફ આગળ વધી શકશે. તેને સમર્પણ અને બાપ્તિસ્મા તરફ આગળ વધવા બીજું શું મદદ કરશે?

વિદ્યાર્થીને યહોવા સાથે સારો સંબંધ કેળવવા મદદ કરો

૧૨. વિદ્યાર્થીને યહોવા સાથે નજીકનો સંબંધ કેળવવા તમે કઈ રીતે મદદ કરી શકો?

૧૨ બાઇબલ અભ્યાસમાંથી વિદ્યાર્થી જે કંઈ શીખે એની તેના દિલોદિમાગ પર અસર થવી જોઈએ. શા માટે? કારણ કે એવું થશે ત્યારે જ તે પગલાં ભરવા પ્રેરાશે. લોકોને સમજાય એ રીતે ઈસુ શીખવતા એટલે લોકોને તેમની પાસેથી શીખવું ગમતું હતું. ઈસુની વાતો તેઓનાં દિલને સ્પર્શી જતી એટલે તેઓ ઈસુના શિષ્ય બનતા હતા. (લુક ૨૪:૧૫, ૨૭, ૩૨) વિદ્યાર્થીને એ સમજવા મદદ કરો કે યહોવા સાથે નજીકનો સંબંધ કેળવી શકાય છે. યહોવા તેના ઈશ્વર, પિતા અને મિત્ર બની શકે છે, એ તેને બતાવો. (ગીત. ૨૫:૪, ૫) ભલે ગમે એ વિષય પર ચર્ચા કરતા હો, યહોવાના સુંદર ગુણો તરફ તેનું ધ્યાન દોરો. (નિર્ગ. ૩૪:૫, ૬; ૧ પીત. ૫:૬, ૭) યહોવા કેવા છે એ જાણવા તેને મદદ કરો. યહોવા પ્રેમ અને દયાના સાગર છે, એ માટે તેમની કદર કરવાનું તેને શીખવો. ઈસુએ કહ્યું હતું: ‘તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર. એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે.’ (માથ. ૨૨:૩૭, ૩૮) વિદ્યાર્થીને એ રીતે શીખવો કે તેના દિલમાં યહોવા માટે પ્રેમ જાગે.

૧૩. વિદ્યાર્થીને યહોવાના ગુણો વિશે શીખવવા તમે શું કરી શકો?

૧૩ તમે કયા કારણોને લીધે યહોવાની નજીક જઈ શક્યા એ વિશે વિદ્યાર્થીને જણાવો. એનાથી વિદ્યાર્થીને સમજાશે કે તેણે પણ યહોવા સાથે નજીકનો સંબંધ કેળવવો જોઈએ. (ગીત. ૭૩:૨૮) દાખલા તરીકે, અભ્યાસના સાહિત્યમાં યહોવાના પ્રેમ, બુદ્ધિ, ન્યાય કે શક્તિ જેવા ગુણો વિશે બતાવતું કોઈ વાક્ય કે કલમ તમારા દિલને સ્પર્શી ગઈ હોય, એ વિદ્યાર્થીને બતાવો. તેને જણાવો કે એ એક કારણને લીધે તમે યહોવાની નજીક જઈ શક્યા હતા. બાપ્તિસ્મા તરફ આગળ વધવા વિદ્યાર્થીએ બીજું પણ કંઈક કરવાની જરૂર છે.

વિદ્યાર્થીને સભામાં આવવાનું ઉત્તેજન આપો

ચિત્રો: બહેન એક ‘ચોકીબુરજ,’ એક વીડિયો અને સભા માટેની આમંત્રણ પત્રિકા બતાવીને વિદ્યાર્થીને સમજાવી રહી છે કે આપણી સભા કઈ રીતે ચલાવવામાં આવે છે. ૨. બહેન ‘ચોકીબુરજ’ અભ્યાસ દરમિયાન જવાબ આપી રહી છે અને બાજુમાં બેઠેલી તેની વિદ્યાર્થી તેને ધ્યાનથી જોઈ રહી છે.

બને એટલું જલદી વિદ્યાર્થીને સભામાં આવવાનું ઉત્તેજન આપો (ફકરા ૧૪-૧૫ જુઓ)

૧૪. આગળ વધવા વિદ્યાર્થીએ હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ પ્રમાણે શું કરવું જોઈએ?

૧૪ આપણો વિદ્યાર્થી બાપ્તિસ્મા તરફ આગળ વધે એવી આપણી ઇચ્છા છે. એ માટે આપણે તેને મદદ કરી શકીએ. આપણે તેને સભામાં આવવાનું ઉત્તેજન આપીએ. અનુભવી ભાઈ-બહેનો કહે છે કે, જે વિદ્યાર્થી તરત સભામાં આવવાનું શરૂ કરે છે તે જલદી આગળ વધે છે. (ગીત. ૧૧૧:૧) અમુક ભાઈ-બહેનો પોતાના વિદ્યાર્થીઓને જણાવે છે કે તે ફક્ત અભ્યાસથી બાઇબલની બધી વાતો શીખી શકશે નહિ. એ માટે તેણે સભામાં પણ આવવું જોઈએ. વિદ્યાર્થી સાથે હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો. પછી તેને એમાંથી સમજાવો કે સભામાં આવવાથી કેવા ફાયદા થાય છે. પ્રાર્થનાઘરમાં શું થાય છે?g એ વીડિયો તેને બતાવો. સભામાં નિયમિત હાજર રહેવાનું વિદ્યાર્થીને સમજાવો, જેથી તે એકપણ સભા ચૂકે નહિ.

૧૫. આપણે વિદ્યાર્થીને સભામાં નિયમિત આવવા કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?

૧૫ તમારો વિદ્યાર્થી કોઈક વાર સભામાં આવ્યો હોય કે પછી ન આવ્યો હોય તો તેને ઉત્તેજન આપવા શું કરશો? હાલમાં તમે સભામાંથી જે શીખ્યા હો એ તેને જણાવો. તમારી વાત સાંભળીને તેને પણ સભામાં આવવાનું મન થશે. સભામાં ચાલી રહેલું ચોકીબુરજ અને સભા પુસ્તિકા તેને આપો. હવે પછી સભામાં જે ચાલવાનું હોય એ વિશે તેને બતાવો. પછી તેને પૂછો કે એમાંથી તેને કયા વિષય પર જાણવાનું ગમશે. તે પહેલી વાર સભામાં આવશે ત્યારે તેને ખૂબ ગમશે. તે જોઈ શકશે કે બીજી ધાર્મિક સભાઓ કરતાં આ સાવ અલગ છે. (૧ કોરીં. ૧૪:૨૪, ૨૫) તે બીજાં ભાઈ-બહેનોને મળી શકશે અને તેઓ પાસેથી પણ ઘણું શીખી શકશે. તેઓ પણ તેને બાપ્તિસ્મા તરફ આગળ વધવા મદદ કરશે.

૧૬. (ક) આપણો વિદ્યાર્થી બાપ્તિસ્મા તરફ આગળ વધે માટે કઈ રીતે મદદ કરી શકીએ? (ખ) આવતા લેખમાં શું જોઈશું?

૧૬ આપણો વિદ્યાર્થી બાપ્તિસ્મા તરફ આગળ વધે માટે કઈ રીતે મદદ કરી શકીએ? દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ કરવાનું અને એની અગાઉથી તૈયારી કરવાનું તેને ઉત્તેજન આપીએ. આમ તેને અભ્યાસ કરવાનું મહત્ત્વ સમજાશે. યહોવા સાથે દરરોજ વાત કરવાનું, તેમની વાત સાંભળવાનું અને તેમની સાથે નજીકનો સંબંધ કેળવવાનું તેને ઉત્તેજન આપીએ. તેને સભામાં આવવાનું પણ ઉત્તેજન આપીએ. (આપેલું આ બૉક્સ જુઓ: “વિદ્યાર્થીએ બાપ્તિસ્મા તરફ આગળ વધવા બીજું શું કરવું જોઈએ?”) વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરવા આપણે બીજી પાંચ બાબતો કરવી જોઈએ. એ વિશે આપણે આવતા લેખમાં જોઈશું.

બહેન બાઇબલ અભ્યાસ કરાવી રહી છે અને તેની વિદ્યાર્થી ખૂબ ખુશ છે.

વિદ્યાર્થીએ બાપ્તિસ્મા તરફ આગળ વધવા બીજું શું કરવું જોઈએ?

  1. ૧. દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ કરવો જોઈએ

    • નિયમિત અભ્યાસ કરવા સમય કાઢવો જોઈએ અને મહેનત કરવી જોઈએ

    • શક્ય હોય તો અઠવાડિયામાં બે વાર અભ્યાસ કરવો જોઈએ

  2. ૨. દર અઠવાડિયે બાઇબલ અભ્યાસની અગાઉથી તૈયારી કરવી જોઈએ

    • પાઠ અગાઉથી વાંચવો જોઈએ

    • સવાલના જવાબ માટે મુખ્ય મુદ્દા નીચે લીટી દોરવી જોઈએ

    • એ માહિતી કઈ રીતે લાગુ પાડી શકાય એનો વિચાર કરવો જોઈએ

  3. ૩. દરરોજ યહોવા સાથે વાત કરવી જોઈએ અને તેમની વાત સાંભળી જોઈએ

    • યહોવાની વાત સાંભળવા દરરોજ બાઇબલ વાંચવું જોઈએ

    • બાઇબલમાંથી યહોવા વિશે શું જાણવા મળે છે એનો વિચાર કરવો જોઈએ

    • દરરોજ પ્રાર્થનામાં યહોવા સાથે વાત કરવી જોઈએ

  4. ૪. યહોવા સાથે નજીકનો સંબંધ કેળવવો જોઈએ

    • યહોવા ખરેખર કેવા છે એ જાણવું જોઈએ

    • યહોવાના સુંદર ગુણો માટે કદર કરવી જોઈએ

    • યહોવાને પ્રેમ કરવાનું શીખવું જોઈએ

  5. ૫. સભામાં જવું જોઈએ

    • બાઇબલ વિશે વધુ શીખવા સભામાં જવું જોઈએ

    • સભામાં જવાથી ફાયદા થાય છે

    • બીજાં ભાઈ-બહેનોને મળવાથી ઘણું શીખી શકાય છે

તમે શું શીખ્યા?

  • દરવાજે ઊભા રહીને બાઇબલ અભ્યાસ કરનાર વ્યક્તિને કઈ રીતે મદદ કરી શકીએ?

  • યહોવા સાથે દરરોજ વાત કરવાનું અને તેમની વાત સાંભળવાનું વિદ્યાર્થીને કઈ રીતે શીખવી શકીએ અને એ કેમ મહત્ત્વનું છે?

  • વિદ્યાર્થીને સભામાં આવવાનું કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?

ગીત ૧૫૩ આપણને ખુશી થાય છે

a વ્યક્તિને શીખવવાનો અર્થ થાય કે તેને નવી રીતે વિચારવા કે કામ કરવા મદદ કરવી. વર્ષ ૨૦૨૦નું વાર્ષિક વચન માથ્થી ૨૮:૧૯ છે. એનાથી આપણને એ યાદ રાખવા મદદ મળે છે કે લોકોને બાઇબલમાંથી શીખવવું કેટલું મહત્ત્વનું છે. એમ કરીશું તો જ તેઓ બાપ્તિસ્મા લઈને ઈસુ ખ્રિસ્તના શિષ્ય બની શકે છે. આ લેખ અને હવે પછીના લેખમાં જોઈશું કે એ કામ વધુ સારી રીતે કરવા આપણે શું કરી શકીએ.

b શબ્દોની સમજ: જો તમે કોઈની સાથે બાઇબલના વિષયો પર નિયમિત ચર્ચા કરો છો તો એનો અર્થ થાય કે તમે તેનો બાઇબલ અભ્યાસ ચલાવો છો. એનો રિપોર્ટ તમે ક્યારે લખી શકો? બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવો એની ઝલક તમે કોઈને બતાવી હોય, પછી બે વાર બાઇબલ અભ્યાસ ચલાવ્યો હોય અને લાગે કે એ અભ્યાસ ચાલુ રહેશે તો એનો રિપોર્ટ લખી શકો છો.

c જુલાઈ ૨૦૦૪થી મે ૨૦૦૫ સુધીમાં આપણી રાજ્ય સેવામાં “સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો” શૃંખલા આવી હતી. એમાંનાં અમુક સૂચનો આ લેખમાં આપ્યાં છે.

d એ માહિતી સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે છે.

e વિદ્યાર્થીને તૈયારી કરતા શીખવીએ ચાર મિનિટનો વીડિયો જુઓ. JW લાઇબ્રેરીમાં મીડિયા > સભાઓ અને સેવાકાર્ય > આપણી આવડત વધારે કેળવીએ પર જાઓ.

f લાઇબ્રેરી > પુસ્તકો અને પુસ્તિકાઓ > બાઇબલ વાંચન માટેનો કાર્યક્રમ પર જાઓ.

g JW લાઇબ્રેરીમાં મીડિયા > સભાઓ અને સેવાકાર્ય > સેવાકાર્ય માટે મદદ પર જાઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો