વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w21 ફેબ્રુઆરી પાન ૨૦-૨૪
  • યહોવાએ મને ‘ખરો માર્ગ બતાવ્યો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાએ મને ‘ખરો માર્ગ બતાવ્યો’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • મારાં માતાપિતાએ મને ખરો માર્ગ બતાવ્યો
  • યહોવા પર ભરોસો રાખ્યો
  • યહોવા પર ભરોસો કરીને મને ક્યારેય અફસોસ નથી થયો
  • એક નવી સોંપણી
  • અમે અલગ અલગ જગ્યાએ ગયા
  • જીવનમાં ઉતાર-ચઢાવ
  • મિશનરિ જેવો ઉત્સાહ જાળવી રાખવાથી મળેલા આશિષ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • પૂરા સમયની સેવા મને ક્યાં લઈ આવી છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • યહોવાહે નાનપણથી જ મને શીખવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યહોવાહની સેવામાં સમૃદ્ધ જીવન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
w21 ફેબ્રુઆરી પાન ૨૦-૨૪
સ્ટીવન હાર્ડી

જીવન સફર

યહોવાએ મને ‘ખરો માર્ગ બતાવ્યો’

સ્ટીવન હાર્ડીના જણાવ્યા પ્રમાણે

એકવાર એક ભાઈએ મને પૂછ્યું, “તમારી મનગમતી કલમ કઈ છે?” મેં ઝટથી કીધું, “નીતિવચન ૩:૫, ૬ જ્યાં લખ્યું છે: ‘તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર અને તે તને ખરો માર્ગ બતાવશે.’” સાચે જ યહોવાએ મને ખરો માર્ગ બતાવ્યો છે. ચાલો કહું કઈ રીતે.

મારાં માતાપિતાએ મને ખરો માર્ગ બતાવ્યો

મારાં માતાપિતાને ૧૯૨૦ પછી સત્ય મળ્યું, એ સમયે તેઓ કુંવારાં હતાં. મારો જન્મ ૧૯૩૯માં ઇંગ્લેન્ડમાં થયો હતો. મારાં માતાપિતા મને નાનપણથી સભાઓમાં લઈ જતાં હતાં. મને દેવશાહી સેવા શાળામાં ખૂબ મજા આવતી હતી. મને આજે પણ યાદ છે કે મેં છ વર્ષની ઉંમરે પહેલો ટૉક આપ્યો હતો. ભાઈઓએ મને એક બૉક્સ ઉપર ઊભો કરી દીધો જેથી હું બધાને જોઈ શકું. એ પછી મેં ડરતા ડરતા ટૉક આપ્યો.

સ્ટીવન હાર્ડી નાના હતા ત્યારે માતાપિતા અને બીજાં ભાઈ-બહેનો સાથે પ્રચાર કરતી વખતે. તેઓના હાથમાં પોસ્ટર છે જેમાં સંમેલનના જાહેર પ્રવચનનો વિષય છે.

માતાપિતા સાથે જાહેરમાં પ્રચાર કરતી વખતે

મારા પિતા મને કાર્ડ પર લખીને આપતા કે પ્રચારમાં મારે લોકોને શું કહેવું. આઠ વર્ષની ઉંમરે મેં પહેલી વાર એક માણસને એકલા સાક્ષી આપી. તેણે એ કાર્ડ વાંચ્યું અને મારી જોડેથી લેટ ગોડ બી ટ્રૂ પુસ્તક લીધું. મને એટલી ખુશી થઈ કે હું દોડીને પિતાને એ કહેવા ગયો. સભાઓમાં જવાથી અને પ્રચાર કરવાથી મને ઘણી ખુશી મળતી હતી. એના લીધે મારા દિલમાં પૂરા સમયની સેવા કરવાની ઇચ્છા જાગી.

મારા પિતા નિયમિત રીતે ચોકીબુરજ મૅગેઝિન મંગાવવા લાગ્યા. એ મૅગેઝિનની હું કાગડોળે રાહ જોતો. એને વાંચીને બાઇબલના સત્ય માટે મારી કદર વધતી ગઈ અને યહોવા પરનો ભરોસો પણ ઘણો વધ્યો. આમ, મેં યહોવાને મારું જીવન સમર્પણ કર્યું.

૧૯૫૦માં મારું આખું કુટુંબ ન્યૂ યૉર્કમાં સંમેલન માટે ગયું હતું. ત્રીજી ઑગસ્ટ, ગુરુવારે સંમેલનના દિવસનો વિષય “મિશનરી દિવસ” હતો. એ સંમેલનમાં હું પણ બાપ્તિસ્મા લેવાનો હતો. કેરી બાર્બરે બાપ્તિસ્માનું પ્રવચન આપ્યું. એ પછી તે નિયામક જૂથના સભ્ય બન્યા હતા. તેમણે બાપ્તિસ્માના બે સવાલો પૂછ્યા ત્યારે મેં ઊભા થઈને મોટેથી “હા” કહ્યું હતું. હું અગિયાર વર્ષનો હતો પણ મને ખબર હતી કે હું બહું મહત્ત્વનું પગલું ભરવાનો છું. મને પાણીનો ઘણો ડર લાગતો હતો કારણ કે મને તરતા નહોતું આવડતું. પણ મારા કાકાએ કહું કે “જરાય ડરીશ નહિ હું તારી સાથે છું.” એ બધું એટલું ફટાફટ પતી ગયું કે મને ખબરેય ન પડી. એક ભાઈએ મને પકડ્યો અને બીજા ભાઈએ મને ડૂબકી મરાવી લીધી. એ દિવસ મારા માટે ખૂબ ખાસ હતો. યહોવા એ દિવસથી મને ખરો માર્ગ બતાવા લાગ્યા.

યહોવા પર ભરોસો રાખ્યો

સ્કૂલનું ભણવાનું પૂરું થયા પછી મારે પાયોનિયર સેવા કરવી હતી. પણ મારા શિક્ષકોએ કહ્યું કે મારે વધારે આગળ ભણવું જોઈએ. હું તેઓની વાતોમાં આવી ગયો અને કૉલેજમાં ભણવાનું શરૂ કર્યું. થોડા સમય પછી મને સમજાઈ ગયું કે હું દૂધમાં અને દહીંમાં પગ નહિ રાખી શકું. જો હું કોલેજ જવાનું ચાલું રાખીશ તો હું યહોવાથી દૂર થઈ જઈશ, એટલે મેં યહોવાને પ્રાર્થના કરી. શિક્ષકોને પત્રમાં લખીને કહ્યું કે હું મારું ભણવાનું છોડી રહ્યો છું અને પહેલાં જ વર્ષે કોલેજ છોડી દીધી. મેં યહોવા પર ભરોસો રાખ્યો અને કોલેજ છોડ્યા પછી તરત જ પાયોનિયર સેવા શરૂ કરી.

જુલાઈ ૧૯૫૭માં લંડન બેથેલે મને વેલિંગબોરો શહેરમાં સેવા કરવા કહ્યું અને ત્યારથી મારા પાયોનિયર સેવાની શરૂઆત થઈ. હું ત્યાં બર્ટ વેઇઝી સાથે પાયોનિયર સેવા કરતો. ભાઈ ખૂબ જોશીલા હતા, તેમની પાસેથી મને શીખવા મળ્યું કે સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. એ સિવાય પણ ભાઈએ મને ઘણું બધું શીખવ્યું, જેનાથી મને પાયોનિયર સેવામાં મદદ મળી. અમારા મંડળમાં અમે બે ભાઈઓ અને મોટી ઉંમરનાં છ બહેનો હતાં. હું સભાની સારી તૈયારી કરતો અને પૂરા જોશથી સભામાં ભાગ લેતો. તૈયારી કરવાથી મારો યહોવા પરનો ભરોસો વધ્યો અને સભામાં જવાબ આપવાથી મારી શ્રદ્ધાને સારી રીતે જાહેર કરવાનું શીખ્યો.

સેનામાં ભરતી થવાની મેં ના પાડી એટલે મારે જેલમાં જવું પડ્યું. જેલમાંથી છૂટ્યા પછી હું બાર્બરાને મળ્યો. તે એક ખાસ પાયોનિયર હતી. ૧૯૫૯માં અમે લગ્‍ન કર્યા. અમે નક્કી કર્યું કે જ્યાં પણ મોકલવામાં આવશે, ત્યાં જઈશું. પછી અમને ઇંગ્લૅન્ડના ઉત્તર-પશ્ચિમમાં લેન્કાશાયર શહેરમાં મોકલવામાં આવ્યા. એ પછી જાન્યુઆરી ૧૯૬૧માં મને રાજ્ય સેવા શાળામાં જવાનો મોકો મળ્યો. એ માટે મારે એક મહિનો લંડન બેથેલ જવું પડ્યું. પછી મને સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી મળી. એ સાંભળીને હું દંગ રહી ગયો, મને થયું કે આ સોંપણી મને કેવી રીતે મળી ગઈ. પણ એ જાણીને મને રાહત મળી કે મને પહેલા બે અઠવાડિયા માટેની તાલીમ મળશે. એ માટે મારે બર્મિંગહમ શહેર જવાનું છે. ત્યાં એક અનુભવી સરકીટ નિરીક્ષક પાસેથી શીખવા મળ્યું કે મારે કઈ રીતે કામ કરવાનું છે. બાર્બરા પણ મારી સાથે હતી. એ પછી અમને લેન્કાશાયર અને ચેશાયર શહેરમાં સરકીટ કામ કરવાનું કહેવામાં આવ્યું.

યહોવા પર ભરોસો કરીને મને ક્યારેય અફસોસ નથી થયો

ઓગસ્ટ ૧૯૬૨ની વાત છે. અમે રજા લીધી હતી અને બેથેલથી અમને એક પત્ર મળ્યો. અમે જોયું કે એમાં ગિલયડ શાળા માટેનું ફોર્મ હતું. અમે ખૂબ પ્રાર્થના કરી અને એ ફોર્મ ભરીને મોકલી આપ્યું. પાંચ મહિના પછી અમને ગિલયડ શાળામાં જવાનું આમંત્રણ મળ્યું. અમને ન્યૂ યૉર્ક બ્રુકલિનમાં ગિલયડ શાળાના ૩૮મા વર્ગમાં જવાનો મોકો મળ્યો. એ શાળા દસ મહિના લાંબી હતી.

ગિલયડ શાળામાં અમને ઘણું બધું શીખવા મળ્યું. મને બાઇબલ અને આપણા સંગઠન વિશે શીખવા મળ્યું. એટલું નહિ, અલગ-અલગ દેશોમાં આપણાં ભાઈ-બહેનો કેવા સંજોગોમાં યહોવાની સેવા કરે છે એ વિશે શીખવા મળ્યું. શાળામાં ગયા ત્યારે અમે બંને ચોવીસેક વર્ષના જ હતા, એકદમ નવા નિશાળિયા. અમને શાળામાં આવેલાં બીજાં ભાઈ-બહેનો પાસેથી ઘણું શીખવા મળ્યું. એ શાળામાં ફ્રેડ રસ્ક અમારા શિક્ષક હતા. મને તેમની સાથે બેથેલના અમુક કામકાજ કરવાનો મોકો મળ્યો. એ ભાઈ પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું. એ ભાઈની સલાહ મને હજી પણ યાદ છે. તેમણે કહ્યું હતું કે આપણે જ્યારે પણ બીજાઓને કોઈ સલાહ આપીએ તો એ બાઇબલમાંથી હોવી જોઈએ. શાળામાં અમને નાથાન નૉર, ફ્રેડરિક ફ્રાન્ઝ અને કાર્લ ક્લેઈન જેવા ભાઈઓનાં પ્રવચન સાંભળવાનો અનેરો આનંદ મળ્યો. એ.એચ. મેકમીલનનું એક પ્રવચન મને હજુ પણ યાદ છે. તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે ૧૯૧૪થી ૧૯૧૯ સુધીમાં યહોવાના લોકોની ઘણી સતાવણી થઈ હતી. એ દરમિયાન યહોવાએ ભાઈ-બહેનોને મદદ કરી, સહારો આપ્યો અને સાચો રસ્તો બતાવ્યો. ભાઈના એ શબ્દો મારા દિલમાં કાયમ માટે છપાઈ ગયા છે. એ નમ્ર ભાઈ પાસેથી પણ મને જીવનમાં ઘણા બોધપાઠ શીખવા મળ્યા.

એક નવી સોંપણી

ગિલયડ શાળા પૂરી થવાના થોડા જ દિવસો જ બાકી હતા અને ભાઈ નોરે અમને કહ્યું કે અમારે આફ્રિકામાં બુરુન્ડી નામની જગ્યાએ જવાનું છે. એ જગ્યા વિશે અમે કશું જ જાણતા ન હતા, એટલે અમે ભાગીને બેથેલ લાઇબ્રેરીમાં ગયા અને યરબુકમાં એ જગ્યા વિશે માહિતી શોધવાની કોશિશ કરી. અમને ખૂબ જ નવાઈ લાગી કે એ જગ્યા વિશે કોઈ જ માહિતી ન હતી. એ જગ્યાએ ક્યારેય પ્રચાર થયો ન હતો. અમને ખુશી થતી હતી પણ ડરના માર્યા અમારા ધબકારા વધી ગયા. પણ જ્યારે યહોવાને પ્રાર્થના કરી, ત્યારે અમારું મન શાંત થઈ ગયું.

બુરુન્ડી તો સાવ અલગ હતું. ત્યાંનો સમાજ, ત્યાંની ભાષા અને ત્યાંનો મોસમ એકદમ અલગ હતા. હવે અમારે ફ્રેંચ ભાષા શીખવાની હતી. ત્યાં રહેવાનું કોઈ ઠેકાણું ન હતું. બે દિવસ પછી હેરી આર્નોટ આવ્યા, જે અમારી સાથે ગિલયડ શાળામાં હતા. તેમણે ઝામ્બિયા પોતાની સોંપણીમાં પાછા જવાનું હતું. પણ પહેલાં તેમણે અમને ઘર શોધવા મદદ કરી. એ અમારું પહેલું મિશનરી ઘર હતું. બુરુન્ડીના લોકોને યહોવાની સાક્ષીઓ વિશે કંઈ ખબર ન હતી એટલે તેઓ વિરોધ કરતા હતા. અમે ખુશખબર જણાવવામાં ઘણી મજા આવતી હતી. પણ એટલામાં અમને પાછા જવાનું કહેવામાં આવ્યું, કારણ કે તેઓએ કહ્યું કે અમારી પાસે કામ કરવાની પરવાનગી નથી, એટલે અમારે પાછા જવું પડશે. બુરુન્ડી છોડવાનું અમને ઘણું દુઃખ થતું હતું, પણ અમારે જવું પડ્યું. હવે અમારે યુગાન્ડા જવાનું હતું.

અમે યુગાન્ડા જતા હતા ત્યારે અમારું મન ચકડોળે ચડ્યું હતું. અમારી પાસે ત્યાંના વિઝા ન હતા, પણ અમે યહોવા પર ભરોસો રાખ્યો. કેનેડાના એક ભાઈએ અમારી ઘણી મદદ કરી. યુગાન્ડામાં વધુ જરૂર છે ત્યાં તે સેવા આપતા હતા. તેમણે ઇમિગ્રેશન ઑફિસરને અમારા વિશે જણાવ્યું. ઑફિસરે વિઝા લેવા માટે અમને અમુક મહિનાનો સમય આપ્યો. આવી મદદથી અમે જોઈ શક્યા કે યહોવા અમારી સાથે છે.

બુરુન્ડી કરતાં યુગાન્ડા થોડું અલગ હતું. અહીંયા પ્રચાર પહેલાંથી થતો હતો. આખા દેશમાં ફક્ત ૨૮ પ્રચારકો હતા. મોટા ભાગના લોકોને અંગ્રેજી ભાષા આવડતી હતી. પણ અમને લાગ્યું કે તેઓની ભાષામાં સત્ય શીખવવામાં આવશે તો ફરક પડશે. કંપાલામાં અમે પ્રચાર કરી રહ્યા હતા ત્યાં મોટાભાગના લોકો લુગાન્ડા ભાષા બોલતા હતા. એ ભાષા અમે શીખ્યા. જોકે એને શીખતા અમને વર્ષો લાગ્યાં, પણ એનાથી અમારા પ્રચારકામમાં ફરક પડ્યો. અમે જોઈ શક્યા કે બાઇબલ વિદ્યાર્થીને સત્યમાં આગળ વધવા કઈ રીતે મદદ કરી શકાય. એટલું જ નહિ તેઓ પણ દિલ ખોલીને જણાવી શક્યા કે તેઓને સત્ય જાણીને કેવું લાગે છે.

અમે અલગ અલગ જગ્યાએ ગયા

ચિત્રો: ૧. આફ્રિકાના નકશામાં એ જગ્યાઓ બતાવી છે જ્યાં સ્ટીવન હાર્ડીએ સેવા કરી હતી. ૨. સ્ટીવન પોતાની ગાડીની બાજુમાં ખુરશી પર બેઠા છે. ૩. સ્ટીવનની પહેલી પત્ની બાર્બરા ટબમાં શાકભાજી ધોઈ રહી છે.

યુગાન્ડામાં પ્રચાર વિસ્તાર શોધતી વખતે

અમને નમ્ર દિલના લોકોને ખુશખબર જણાવીને ખુશી મળતી હતી. પણ જ્યારે અમને સરકીટ કામ સોંપવામાં આવ્યું, ત્યારે અમે રાજીના રેડ થઈ ગયા. અમારે આખા દેશમાં અલગ-અલગ જગ્યાએ મુલાકાત લેવાની હતી. કેન્યાની શાખા કચેરીએ અમને બીજું એક કામ પણ સોંપ્યું. અમારે એવી જગ્યા શોધવાની હતી, જ્યાં ખાસ પાયોનિયરોને પ્રચાર કરવા મોકલી શકાય. એ જગ્યાએ લોકો પહેલી વાર યહોવાના સાક્ષીઓને મળી રહ્યા હતા, તોપણ તેઓએ અમારો આવકાર કર્યો અને અમારું ધ્યાન રાખ્યું. અરે, અમારા માટે ખાવાનું પણ બનાવ્યું.

પછી મને સેશેલ્સ નામના ટાપુ પર બે પ્રચારકોની મદદ કરવાનું કહેવામાં આવ્યું. એ હિંદ મહાસાગરના ટાપુઓમાંનું એક સમૂહ છે. હું ત્યાં જવા કંપાલાથી ટ્રેન લેતો. બે દિવસ ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ મોમ્બાસા પહોંચતો, જે કેન્યાનું બંદર છે. હું ત્યાંથી વહાણમાં સેશેલ્સ પહોંચતો. પછી ૧૯૬૫થી ૧૯૭૨ના સમયગાળામાં બાર્બરા પણ મારી સાથે આવવા લાગી. ત્યાં પ્રચારકોમાં વધારો થયો. બે પ્રચારકોમાંથી એક ગ્રૂપ થયું અને પછી એક મોટું મંડળ. ભાઈઓની હિંમત વધારવા મેં એરિટ્રિયા, ઇથિયોપિયા અને સુદાન જેવા દેશોની મુલાકાત લીધી.

પછી યુગાન્ડામાં મિલિટરી શાસન શરૂ થયું અને સંજોગો વધારે વણસી ગયા. એ મુશ્કેલ સંજોગોમાંથી અમને શીખવા મળ્યું કે, બાઇબલની સલાહ પાળવાથી આપણું ભલું થાય છે. અમે આ સલાહ યાદ રાખી, ‘જે સમ્રાટનું છે એ સમ્રાટને આપો.’ (માર્ક ૧૨:૧૭) એ સલાહ પાળવાથી અમને ફાયદો થયો. એકવાર યુગાન્ડામાં રહેતા બધા રહેવાસીઓને કહેવામાં આવ્યું કે પોતાના ઘરની નજીક આવેલી પોલીસ ચોકીમાં જઈને પોતાનું નામ લખાવે. અમે એવું જ કર્યું અને પોતાનું નામ નજીકની પોલીસ ચોકીમાં લખાવી દીધું. અમુક દિવસો પછી હું અને મારી સાથે એક ભાઈ કંપાલામાંથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે અમે જોયું કે અમુક છૂપી પોલીસ અમારી તરફ આવી રહી છે ત્યારે, અમારા મોતિયા મરી ગયા. તેઓએ અમારા પર ખોટો આરોપ લગાવ્યો કે અમે જાસૂસ છીએ. અમે તેઓને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે, અમે જાસૂસ નહિ પણ મિશનરી છીએ અને શાંતિથી પોતાનું કામ કરીએ છીએ. અમે અમારું નામ નજીકની પોલીસ ચોકીમાં પણ લખાવી દીધું છે, પણ તેઓએ અમારી વાતને આંખ આડા કાન કરી દીધા. તેઓ અમને પકડીને મિશનરી ઘર નજીકની પોલીસ ચોકીએ લઈ આવ્યા. એક પોલીસ અધિકારીને ખબર હતી કે અમે નામ લખાવી દીધું છે, તેણે અમને ઓળખી લીધા. તેણે અમને છોડી દેવાનું તેઓને જણાવ્યું. એ સાંભળીને તો મારા જીવમાં જીવ આવ્યો.

ઘણી વાર એવું બનતું કે સૈનિકો અમને રોકતા અને અમારી પૂછપરછ કરતા. એવું બનતું ત્યારે અમને ખૂબ ડર લાગતો. અમુક વાર સૈનિકો નશામાં ચકચૂર હોય ને અમને રોકે તો અમારો પરસેવો છૂટી જતો. એવા સમયે અમે યહોવાને પ્રાર્થના કરતા અને યહોવા અમારો ડર દૂર કરતા અને અમને રક્ષણ આપતા. એવું પણ બનતું કે સૈનિકો અમને કંઈ હેરાન ન કરતા અને જવા દેતા. પણ દુઃખની વાત છે કે ૧૯૭૩માં બધા મિશનરીઓને યુગાન્ડા છોડીને જતા રહેવાનું કહેવામાં આવ્યું.

સ્ટીવન છાપકામનું મશીન ચલાવી રહ્યા છે.

કોટ ડી આઇવરીના અબીજાન શહેરની શાખા કચેરીમાં આપણી રાજ્ય સેવાની પ્રતો છાપતી વખતે

એ પછી અમને નવી સોંપણી મળી. અમને પશ્ચિમ આફ્રિકામાં કોટ ડી આઇવરીમાં મોકલવામાં આવ્યા. ત્યાંનો માહોલ, લોકો, રીતરિવાજ અને સમાજ બધું અલગ હતું. અમારે ફરીથી ફ્રેન્ચ ભાષામાં લોકોને પ્રચાર કરવાનો હતો.ત્યાં અમે બીજા મિશનરીઓ સાથે રહેતા હતા. અનેક મુશ્કેલીઓ હતી પણ અમે હંમેશાં એ યાદ રાખતા કે, યહોવા અમને કેમ અહીં લાવ્યા છે. યહોવા ચાહે છે કે ત્યાંના નેકદિલ લોકોને અમે સત્ય જણાવીએ અને પ્રચાર કરીએ. મેં અને બાર્બરાએ હંમેશાં મહેસૂસ કર્યું છે કે જો અમે યહોવા પર ભરોસો રાખીએ તો તે અમને સાચો માર્ગ બતાવે છે.

જીવનમાં ઉતાર-ચઢાવ

થોડા સમય પછી અમને ખબર પડી કે બાર્બરાને કેન્સર છે. એની સારવાર માટે અમે ઘણી વાર યુરોપ આવતા. ૧૯૮૩માં અમને અહેસાસ થયો કે હવે અમે આફ્રિકામાં સેવા નહિ કરી શકીએ. એ વિચારીને અમને ઘણું દુઃખ થયું.

સ્ટીવન અને એન હાર્ડી.

હું અને એન બ્રિટન બેથેલની નવી જગ્યાએ ઊભા છીએ

અમે લંડન બેથેલ સેવા કરવા માટે આવ્યાં. અહીં બાર્બરાની સારવાર ચાલતી હતી. પણ તેની હાલત વધારે ને વધારે ખરાબ થતી ગઈ. અમુક સમય બાદ તે ગુજરી ગઈ. બેથેલનાં ભાઈ-બહેનોએ મને ઘણો દિલાસો આપ્યો. ખાસ તો એક યુગલે મારી ઘણી મદદ કરી. તેઓએ મને યહોવા પર ભરોસો રાખવાનું ઉત્તેજન આપ્યું અને અઘરા સંજોગોમાં મારી ઘણી મદદ કરી. અમુક સમય પછી હું એનને મળ્યો. તે અમુક દિવસો બેથેલમાં કામ કરવા આવતી હતી. તેણે અમુક સમય સુધી ખાસ પાયોનિયર તરીકે સેવા પણ આપી હતી. મેં જોયું કે એન યહોવાને ખૂબ પ્રેમ કરે છે. અમે બંનેએ ૧૯૮૯માં લગ્‍ન કર્યા, ત્યારથી અમે લંડન બેથેલમાં સેવા કરી રહ્યા છીએ.

૧૯૯૫થી ૨૦૧૮ના વર્ષો દરમિયાન મને મુખ્યમથક પ્રતિનિધિ તરીકે સેવા કરવાનો લહાવો મળ્યો. અગાઉ એ પ્રતિનિધિઓને ઝોન નિરીક્ષક કહેવામાં આવતા. એ સમયગાળા દરમિયાન અમને ૬૦ જુદા જુદા દેશોમાં ભાઈ-બહેનોને મળવાનો મોકો મળ્યો. અમે ત્યાં જોઈ શક્યા કે યહોવા દરેક સંજોગોમાં પોતાના લોકોની કેટલી સરસ સંભાળ રાખે છે.

૨૦૧૭માં મને આફ્રિકામાં પ્રતિનિધિ તરીકે જવાનો મોકો મળ્યો. એનને પહેલી વાર બુરુન્ડી બતાવવામાં મને ઘણી ખુશી થઈ. એ જગ્યાની પ્રગતિ જોઈને તો મારું દિલ ખુશીથી ઝૂમી ઊઠ્યું. ૧૯૬૪માં હું જે ગલીઓમાં પ્રચાર કરતો હતો, આજે ત્યાં સુંદર બેથેલ છે. એ દેશમાં પ્રકાશકોની સંખ્યા ૧૫,૫૦૦ કરતાં પણ વધારે થઈ ગઈ છે.

૨૦૧૮માં મને અલગ અલગ દેશોનું એક લીસ્ટ આપવામાં આવ્યું જ્યાં મારે મુલાકાત લેવાની હતી. એ લિસ્ટમાં કોટ ડી આઇવરીનું નામ જોયું અને મારી ખુશીનો પાર ન રહ્યો. અમે એ દેશની રાજધાની અબીજાન પહોંચ્યાં. ત્યાં પગ મૂકતા જ મને લાગ્યું જાણે હું મારા ઘરે પાછો આવ્યો છું. બેથેલની ટેલિફોન ડિરેક્ટરી મને સોસુભાઈનું નામ જોવા મળ્યું. એ ભાઈ બેથેલમાં મારી બાજુના રૂમમાં જ રહેતા હતા. પણ એ નામ વાંચીને મને એ ભાઈ યાદ આવ્યા, જેમને હું વર્ષો પહેલાં અબીજાનમાં મળ્યો હતો. એ શહેર નિરીક્ષક તરીકે સેવા આપતા હતા. મને હતું કે કદાચ આ એ જ ભાઈ છે. એટલે હું બાજુના રૂમમાં તેમને મળવા ગયો. પણ એ ભાઈને મળીને ખ્યાલ આવ્યો કે આ એ સોસુભાઈ નથી, જેમને હું વર્ષો અગાઉ મળ્યો હતો. પણ આ તો તેમના દીકરા છે.

મારા જીવન અનુભવ પરથી મને એ જોવા મળ્યું છે કે યહોવા પોતાનું દરેક વચન પૂરું કરે છે. સંજોગો ગમે એટલા મુશ્કેલ હોય, પણ જો આપણે યહોવા ઉપર ભરોસો રાખીએ તો તે આપણને હંમેશાં ખરો માર્ગ બતાવે છે. હું હંમેશાં યહોવાએ બતાવેલા માર્ગ પર ચાલવા માંગું છું. હું એ દિવસની ખૂબ રાહ જોઉં છું, જ્યારે નવી દુનિયામાં યહોવા મને સરસ મજાનું જીવન આપશે.—નીતિ. ૪:૧૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો