વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w21 ઑક્ટોબર પાન ૨૯-૩૧
  • ૧૯૨૧—સો વર્ષ પહેલાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૧૯૨૧—સો વર્ષ પહેલાં
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • હિંમતવાન પ્રચારકો
  • અભ્યાસ માટે લેખો
  • એક નવું પુસ્તક
  • ઘણું કામ બાકી છે
  • યહોવાની સોંપણી સ્વીકારવાથી આશીર્વાદો મળે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • ૧૯૨૨—સો વર્ષ પહેલાં
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • ૧૯૨૩​—સો વર્ષ પહેલાં
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
w21 ઑક્ટોબર પાન ૨૯-૩૧

૧૯૨૧ સો વર્ષ પહેલાં

પહેલી જાન્યુઆરી ૧૯૨૧ના વૉચ ટાવરમાં વાચકોને એક સવાલ કરવામાં આવ્યો, “આ વર્ષે આપણે કયું કામ કરવાનું છે?” એના જવાબમાં યશાયા ૬૧:૧, ૨ આપી હતી, ‘યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે. યહોવાની કૃપાનું વર્ષ અને આપણા ઈશ્વરના વેરનો દિવસ જાહેર કરું.’ એ કલમથી યાદ અપાવવામાં આવ્યું કે તેઓએ પ્રચાર કરવાનો હતો.

હિંમતવાન પ્રચારકો

બાઇબલ વિદ્યાર્થીઓએ પ્રચાર કરવા હિંમત બતાવવાની હતી. તેઓએ નમ્ર લોકોને “ખુશખબર” જણાવવાની હતી. સાથે સાથે દુષ્ટ લોકોને ‘ઈશ્વરના વેરના દિવસ’ વિશે જણાવવાનું હતું.

જે. એચ. હોસકીન કેનેડામાં રહેતા હતા. તેમણે વિરોધ હોવા છતાં હિંમતથી પ્રચાર કર્યો. સાલ ૧૯૨૧માં તે એક પાદરીને મળ્યા. વાત શરૂ કરતા પહેલાં ભાઈએ તેમને કહ્યું: “બાઇબલ વિશે વાત કરીએ ત્યારે આપણે દલીલ ન કરવી જોઈએ. આપણે શાંતિથી વાત કરવી જોઈએ. કોઈ વાતમાં આપણે સહમત ન હોઈએ તો વાત ત્યાં જ રોકી દેવી જોઈએ.” પણ એવું ન થયું. ભાઈ આગળ કહે છે, “થોડી જ વારમાં પાદરીએ ગુસ્સામાં જોરથી દરવાજો પછાડ્યો. મને તો લાગ્યું કે હમણાં જ દરવાજાનો કાચ તૂટી જશે.”

પાદરીએ ગુસ્સામાં કહ્યું, “એવા લોકો જોડે વાત કરો જેઓ ખ્રિસ્તી નથી.” હોસકીનભાઈને મનમાં થયું, ‘તમેય ક્યાં ખ્રિસ્તી છો. વ્યવહારથી તો લાગતું નથી.’ પણ તે એવું બોલ્યા નહિ.

બીજા દિવસે એ પાદરીએ ચર્ચમાં ભાષણ આપ્યું અને એમાં ભાઈ વિશે એલફેલ બોલ્યા. ભાઈએ જણાવ્યું, “પાદરીએ મારા વિશે લોકોને કહ્યું કે હું શહેરનો સૌથી જૂઠો વ્યક્તિ છું અને મને મારી નાખવો જોઈએ.” ભાઈ ડરી ન ગયા પણ પ્રચાર કરતા રહ્યા. ઘણા લોકોને તે સંદેશો જણાવી શક્યા. તેમણે કહ્યું, “મને શહેરમાં પ્રચાર કરવાની મજા આવી. અમુક લોકોએ એમ પણ કહ્યું કે ‘અમને ખબર છે કે તમે ઈશ્વરનું કામ કરો છો.’ તેઓ મને જીવન-જરૂરી વસ્તુઓ આપવા પણ તૈયાર હતા.”

અભ્યાસ માટે લેખો

જેઓ બાઇબલ વિશે વધુ જાણવા માંગતા હતા, તેઓને મદદ કરવા બાઇબલ વિદ્યાર્થીઓએ ધ ગોલ્ડન એજa મૅગેઝિનમાં “બાળકો માટે બાઇબલ અભ્યાસ” શૃંખલા બહાર પાડી. એ લેખોમાં સવાલ-જવાબ હતા. માબાપ બાળકોને એ સવાલો પૂછતાં. તેઓ બાળકોને એના જવાબ બાઇબલમાંથી શોધવા મદદ કરતા. અમુક તો બાઇબલ વિશે સાદા સવાલો હતા. જેમ કે “બાઇબલમાં કેટલાં પુસ્તક છે?” બાળકોને હિંમતવાન પ્રચારક બનાવવા પણ અમુક સવાલો હતા. જેમ કે “શું બધા ખ્રિસ્તીઓને સતાવવામાં આવશે?”

જે બાઇબલ વિદ્યાર્થીઓને બાઇબલની વધારે સમજણ હતી તેઓ માટે ધ ગોલ્ડન એજ મૅગેઝિનમાં બીજી એક શૃંખલા બહાર પાડવામાં આવી. એમાં શાસ્ત્રવચનોનો અભ્યાસ (અંગ્રેજી) પુસ્તકના ગ્રંથ ૧ના આધારે સવાલો હતા. એ બંને શૃંખલાથી હજારો લોકોને ફાયદો થયો. પણ ૨૧ ડિસેમ્બર ૧૯૨૧ના ધ ગોલ્ડન એજ મૅગેઝિનમાં જણાવવામાં આવ્યું કે એ શૃંખલાઓ હવે બંધ કરવામાં આવશે. શા માટે?

એક નવું પુસ્તક

ધ હાર્પ ઑફ ગૉડ પુસ્તક

નાનું કાર્ડ જેમાં લખ્યું હતું કેટલાં પાનાં વાંચવાં

સવાલોનું કાર્ડ

સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓને ખ્યાલ આવ્યો કે નવા બાઇબલ વિદ્યાર્થીઓને બાઇબલના એક પછી એક વિષયો શીખવવા જોઈએ. એટલે નવેમ્બર ૧૯૨૧માં ધ હાર્પ ઑફ ગૉડ પુસ્તક બહાર પાડવામાં આવ્યું. જેઓ એ પુસ્તક લેતા, તેઓ એક કોર્સમાં જોડાતા. એનાથી તેઓ પોતે અભ્યાસ કરી શકતા અને સમજી શકતા કે ઈશ્વર આ સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપશે. એ કોર્સમાં શું થતું?

વ્યક્તિને પુસ્તકની સાથે એક નાનું કાર્ડ આપવામાં આવતું. એમાં લખ્યું હતું કે તેણે એ અઠવાડિયે કેટલાં પાનાં વાંચવાના છે. બીજા અઠવાડિયે તેને બીજું કાર્ડ મળતું. તેણે જેટલું વાંચ્યું હોય એના આધારે એમાં સવાલો લખેલા હતા. એમાં એ પણ લખ્યું હતું કે બીજા અઠવાડિયે કેટલાં પાનાં વાંચવાના છે. એવું બાર અઠવાડિયા સુધી ચાલતું.

એ કાર્ડ તેઓને પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવતું. ઘણી વખત એ કાર્ડ એવાં ભાઈ-બહેનો મોકલતાં જેઓ વૃદ્ધ હોય કે ઘર ઘરનું પ્રચાર કરી શકતાં ન હોય. અમેરિકામાં રહેતાં આન્‍ના કે. ગાર્ડનર પોતાની બહેન વિશે જણાવે છે, “મારી બહેન થેલ ચાલી શકતી ન હતી. જ્યારે આ નવું પુસ્તક બહાર પડ્યું ત્યારે તે પ્રચારમાં ઘણું કરી શકી. તે દર અઠવાડિયે સવાલોના કાર્ડ મોકલતી હતી.” આ કોર્સ પત્યા પછી વિદ્યાર્થીને મંડળમાંથી કોઈ મળવા જતું અને તેને બાઇબલ વિશે વધારે શીખવતું.

વ્હિલચૅરમાં થેલ ગાર્ડનર

ઘણું કામ બાકી છે

વર્ષ ૧૯૨૧ પૂરું થવા આવ્યું ત્યારે જે. એફ. રધરફર્ડે બધાં મંડળોને પત્ર લખ્યો. એ પત્રમાં તેમણે લખ્યું: “પાછલા વર્ષ કરતાં આ વર્ષે આપણે વધારે લોકોને ખુશખબર જણાવી છે. પણ હજુ ઘણું કામ બાકી છે. એટલે બીજાઓને ઉત્તેજન આપો કે આ મહત્ત્વના કામમાં ભાગ લે.” બાઇબલ વિદ્યાર્થીઓએ તેમની વાત માની અને ૧૯૨૨માં હિંમતવાન બનીને હજી વધારે લોકોને પ્રચાર કર્યો.

હિંમતવાન દોસ્ત

બાઇબલ વિદ્યાર્થીઓ એકબીજાને દિલથી પ્રેમ કરતા હતા. એટલે તેઓએ હિંમતવાન બનીને એકબીજાને મદદ કરી. ‘મુસીબતના સમયે તેઓ ભાઈ બની ગયા.’ (નીતિ. ૧૭:૧૭) ચાલો જોઈએ કે શું થયું હતું.

મંગળવાર ૩૧ મે, ૧૯૨૧ના રોજ અમેરિકાના એક શહેર ટલસામાં મોટી કત્લેઆમ થઈ. એની શરૂઆત કઈ રીતે થઈ? એક અશ્વેત માણસ પર આરોપ હતો કે તેણે શ્વેત સ્ત્રી પર હુમલો કર્યો છે. એટલે એ અશ્વેત માણસને જેલમાં નાખી દેવામાં આવ્યો. એ પછી આશરે ૧,૦૦૦ શ્વેત પુરુષોની અમુક અશ્વેત પુરુષો સાથે તકરાર થઈ. જોતજોતામાં તો એણે મોટું સ્વરૂપ લઈ લીધું. એ નજીકમાં આવેલા ગ્રીનવુડ વિસ્તારમાં ફેલાઈ ગઈ, જ્યાં અશ્વેત લોકો રહેતા હતા. એ તકરારમાં ૧,૪૦૦ જેટલાં ઘર અને દુકાનો લૂંટીને સળગાવી દેવામાં આવ્યાં. સમાચારમાં હતું કે ૩૬ લોકો માર્યો ગયા, પણ હકીકતમાં ૩૦૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો.

રીચર્ડ. જે. હિલ એક અશ્વેત બાઇબલ વિદ્યાર્થી હતા અને ગ્રીનવુડમાં રહેતા હતા. તેમણે કહ્યું, “એ દિવસે અમારી સભા હતી. સભા પૂરી થયા પછી શહેરમાંથી અમને ગોળીબારનો અવાજ આવ્યો અને એ અવાજ મોડી રાત સુધી સંભળાયો.” બીજા દિવસે સંજોગો વધારે ખરાબ થઈ ગયા. ભાઈએ કહ્યું, “અમુક લોકો મારા ઘરે આવ્યા અને કહ્યું કે જો અમારે બચવું હોય તો એક સરકારી નગરગૃહમાં જવું પડશે.” ભાઈ પોતાની પત્ની અને પાંચ બાળકોને લઈને ત્યાં જતા રહ્યા. ત્યાં આશરે ૩,૦૦૦ અશ્વેત લોકો ભેગા થયા હતા. તેઓના રક્ષણ માટે અને તકરાર રોકવા સરકારે સૈનિકો પણ મોકલ્યા હતા.

આર્થર ક્લોસ એક શ્વેત ભાઈ હતા. એ દિવસે તેમણે બહાદુરીનું કામ કર્યું. તે જણાવે છે, “મેં સાંભળ્યું કે ગ્રીનવુડમાં તકરાર ચાલી રહી છે. લોકો બીજાઓને લૂંટી રહ્યા છે અને તેઓનાં ઘરોને સળગાવી રહ્યા છે. મારો મિત્ર હિલ સહીસલામત છે કે નહિ એ જોવા જવાનું મેં નક્કી કર્યું.”

આર્થર ક્લોસે ધ હાર્પ ઑફ ગૉડ પુસ્તકમાંથી ૧૪ બાળકોને શીખવ્યું

હિલભાઈના ઘરે પહોંચીને આર્થરભાઈએ જોયું કે એક શ્વેત માણસ બંદૂક લઈને ત્યાં ઊભો હતો. તે હિલભાઈનો પડોશી અને મિત્ર હતો. તેને લાગ્યું કે આર્થરભાઈ હુમલો કરવા આવ્યા છે. એ પડોશીએ ગુસ્સામાં પૂછ્યું, “તું અહીં કેમ આવ્યો છે?”

આર્થરભાઈએ કહ્યું: “મેં એ પડોશીને ખાતરી અપાવી કે હું હિલભાઈનો મિત્ર છું અને ઘણી વાર તેમના ઘરે આવ્યો છું. જો તેને મારી વાત પર ભરોસો ન થયો હોત તો તેણે મને ગોળી જ મારી દીધી હોત.” પછી આર્થરભાઈ અને એ પડોશીએ મળીને હિલભાઈના ઘરનું રક્ષણ કર્યું.

આર્થરભાઈને ખબર પડી કે હિલભાઈ અને તેમનું કુટુંબ એક સરકારી નગરગૃહમાં છે. તેમને જાણવા મળ્યું કે અશ્વેત લોકો ત્યાંથી જનરલ બેરેટની પરવાનગી વગર નીકળી શકતા ન હતા. આર્થરભાઈએ કહ્યું, “જનરલને મળવું એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. મેં તેમને જણાવ્યું કે હું હિલભાઈના કુટુંબને ઘરે લઈ જવા માંગું છું. તેમણે મને પૂછ્યું, ‘શું હું હિલભાઈના કુટુંબનું ધ્યાન રાખીશ?’ મેં ખુશી ખુશી હા પાડી.”

જનરલે આર્થરભાઈને મંજૂરી આપી. ભાઈ એ પત્ર લઈને નગરગૃહના અધિકારીને મળ્યા. અધિકારીએ કહ્યું, “ઓહ, આના પર તો જનરલની સહી છે! ખબર છે તમે પહેલા એવા માણસ છો, જે અહીંથી કોઈને લઈ જાય છે.” તેઓ બંનેએ મળીને હિલભાઈ અને તેમના કુટુંબને શોધી કાઢ્યા. પછી હિલભાઈનું કુટુંબ આર્થરભાઈની કારમાં ઘરે પહોંચ્યું.

“ઈશ્વરની નજરે બધા એક સમાન છે”

હિલભાઈનું કુટુંબ સલામત રહે એનું આર્થરભાઈએ ધ્યાન રાખ્યું. આર્થરભાઈએ હિંમત અને પ્રેમ બતાવવામાં સારો દાખલો બેસાડ્યો. આર્થરભાઈ કહે છે, “જે પડોશીએ હિલભાઈના ઘરનું રક્ષણ કર્યું હતું, તે હવે બાઇબલ વિદ્યાર્થીઓને વધુ માનથી જોવા લાગ્યો. ઘણા લોકોએ જોયું કે બાઇબલ વિદ્યાર્થીઓમાં કોઈ રંગભેદ નથી અને તેઓ માને છે કે ઈશ્વરની નજરે બધા એક સમાન છે. એનાથી લોકોમાં પણ સંદેશો જાણવાનો રસ જાગ્યો.”

a ધ ગોલ્ડન એજ મૅગેઝિન પછીથી ૧૯૩૭માં કોન્સોલેશન અને ૧૯૪૬માં સજાગ બનો! નામથી ઓળખાયું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો