જીવન સફર
યહોવાએ મને માર્ગ બતાવ્યો
યુવાનીમાં જ મેં નક્કી કરી લીધું હતું કે દુનિયામાં મારી કારકિર્દી બનાવીશ. મને મારું કામ બહુ ગમતું હતું. પછી યહોવાએ મને બીજો રસ્તો બતાવ્યો. તેમણે મને કહ્યું, “હું તને સમજણ આપીશ અને તારે જે માર્ગે ચાલવું જોઈએ એ શીખવીશ.” (ગીત. ૩૨:૮) જ્યારે મેં એ માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું ત્યારે હું અલગ અલગ રીતે યહોવાની સેવા કરી શક્યો. મેં ૫૨ વર્ષ સુધી આફ્રિકામાં સેવા આપી. યહોવાની સેવામાં કારકિર્દી બનાવવાથી મને અઢળક આશીર્વાદ મળ્યા છે!
ઇંગ્લૅન્ડથી આફ્રિકાની સફર
મારો જન્મ ૧૯૩૫માં ઇંગ્લૅન્ડના ડાર્લસ્ટન શહેરમાં થયો હતો. એ આખા વિસ્તારને “કાળો દેશ” પણ કહેવામાં આવતો. કેમ કે ત્યાં એટલી બધી ફૅક્ટરી હતી કે વાત જ ન પૂછો. હંમેશાં હવામાં કાળા ધુમાડા દેખાતા. હું ચારેક વર્ષનો હોઈશ ત્યારે મારાં મમ્મી-પપ્પાએ સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. ૧૪-૧૫ વર્ષે મને પણ ખાતરી થઈ ગઈ કે મને સત્ય મળી ગયું છે. ૧૯૫૨માં ૧૬ વર્ષનો હતો ત્યારે બાપ્તિસ્મા લીધું.
એ જ સમયગાળામાં મને એક મોટી ફૅક્ટરીમાં કામ મળ્યું. ત્યાં મોટાં ઓજારો અને ગાડીના પાર્ટ્સ બનતાં હતાં. ત્યાંની ઑફિસમાં મને મોટી પોસ્ટ માટે ટ્રેનિંગ મળવા લાગી. મને એ કામ ખૂબ ગમતું.
એકવાર સરકીટ નિરીક્ષકે મને વિલનહૉલમાં એટલે કે મારા મંડળમાં, મંડળ પુસ્તક અભ્યાસ લેવા જણાવ્યું. પણ એ કંઈ સહેલું ન હતું. હું ઘરેથી ૩૨ કિલોમીટર દૂર બ્રોમ્સગ્રોવમાં કામ કરતો હતો. એટલે અઠવાડિયા દરમિયાન સભા માટે હું ત્યાંના મંડળમાં જતો હતો. પણ અઠવાડિયાના અંતે હું ઘરે પાછો આવતો અને મારા મંડળની સભામાં જતો.
મનમાં તો યહોવાની સેવા વધારે કરવાની હોંશ હતી. એટલે સરકીટ નિરીક્ષકને ના પાડી શક્યો નહિ. મારું ગમતું કામ છોડવું પડ્યું. પણ એનો જરાય અફસોસ નથી. મેં મનમાં ગાંઠ વાળી કે યહોવા બતાવે એ રસ્તે મારે ચાલવું છે. પછી તો જીવનમાં ખુશીઓનો કોઈ પાર ન રહ્યો.
હું બ્રોમ્સગ્રોવ મંડળમાં જતો હતો ત્યારે એન નામની છોકરીને મળ્યો હતો. તેની સુંદરતાની વાત ન પૂછો. તેને યહોવાની સેવામાં પણ ઘણો જોશ હતો. ૧૯૫૭માં અમે લગ્ન કર્યા. અમે બંનેએ સાથે મળીને યહોવાની સેવામાં ઘણું કર્યું છે. અમે બંનેએ પાયોનિયર તરીકે સેવા આપી. પછી ખાસ પાયોનિયર તરીકે સેવા આપી. સમય જતાં, સરકીટ નિરીક્ષક તરીકે મેં સેવા આપી ત્યારે પણ અમે સાથે હતા અને બેથેલમાં પણ ખભેથી ખભા મિલાવીને સેવા કરી. એન મારી જીવનસાથી જ નથી, પણ મારા જીવનની ખુશીઓનું એક કારણ પણ છે.
૧૯૬૬માં અમને ગિલયડ સ્કૂલના ૪૨મા વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું. અમે બહુ ખુશ થઈ ગયાં. એ શાળા પછી અમને આફ્રિકાના મલાવી દેશમાં મોકલવામાં આવ્યાં. અમે સાંભળ્યું હતું કે એ દેશના લોકો બહુ સારા છે. તેઓ મહેમાનોનું ખૂબ ધ્યાન રાખે છે. પણ અમને શું ખબર હતી કે બહુ જલદી અમારે એ દેશ છોડવો પડશે.
મલાવીમાં તકલીફોનો પહાડ
મલાવીમાં સરકીટના કામમાં આ જીપ વાપરતા
૧ ફેબ્રુઆરી, ૧૯૬૭માં અમે મલાવીમાં પગ મૂક્યો. પહેલો મહિનો તો ભાષા શીખવામાં જ નીકળી ગયો. પછી મેં ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે સેવા આપવાનું શરૂ કર્યું. અમારી પાસે એક જીપ હતી. લોકો કહેતા કે, અમારી જીપ તો ગમે ત્યાં પહોંચી જાય, નદી પણ પાર કરી શકે. સાવ એવું નહોતું, થોડું ઘણું પાણી હોય તો જીપ નીકળી જતી. ક્યારેક ક્યારેક ઝૂંપડાંમાં રહેવાનું થતું. વરસાદની મોસમમાં છાપરા પર પ્લાસ્ટિક નાખી દેતાં, જેથી વરસાદનું પાણી અંદર ન આવે. આવી હતી, મજેદાર શરૂઆત અમારી મિશનરી સેવાની!
પણ એપ્રિલમાં તો સંજોગો બગડવા લાગ્યા. સરકારને યહોવાના સાક્ષીઓ આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. એક દિવસ ત્યાંના રાષ્ટ્રપતિ ડૉ. હેસ્ટિંગ્સ બાંદાનું ભાષણ હું રેડિયો પર સાંભળતો હતો. મેં સાંભળ્યું કે તે યહોવાના સાક્ષીઓ વિશે ખોટી ખોટી વાતો કહી રહ્યા હતા. તે કહી રહ્યા હતા, યહોવાના સાક્ષીઓ ટૅક્સ નથી ભરતા. રાજકીય બાબતોમાં માથું મારે છે. એ તો હળહળતું જૂઠ હતું. સરકારને એ વાતનું પેટમાં દુખતું હતું કે આપણે રાજકીય બાબતોમાં ભાગ નથી લેતા અને રાજકીય પાર્ટીનું કાર્ડ નથી ખરીદતા.
સપ્ટેમ્બરમાં આપણા વિશે એક સમાચાર છપાયા. એમાં રાષ્ટ્રપતિએ આપણા પર આરોપ લગાવ્યો હતો કે યહોવાના સાક્ષીઓ દેશમાં અંધાધૂંધી ફેલાવી રહ્યા છે. એક રાજકીય સંમેલનમાં તેમણે જાહેરાત કરી કે બહુ જલદી સરકાર યહોવાના સાક્ષીઓ પર પ્રતિબંધ લગાવશે. આખરે ૨૦ ઑક્ટોબર, ૧૯૬૭માં આપણા કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હજુ તો થોડો જ સમય થયો હતો ને પોલીસવાળા અને અધિકારીઓ આપણી શાખા કચેરીએ પહોંચી ગયા. તેઓ શાખા બંધ કરાવવા અને મિશનરીઓને દેશમાંથી કાઢી મૂકવા આવ્યા હતા.
૧૯૬૭માં અમારી અને બીજા મિશનરી યુગલ, જેક અને લિંડા યોહાનસનની ધરપકડ થઈ અને મલાવીમાંથી કાઢી મૂક્યાં
અમને ત્રણ દિવસ જેલમાં રાખવામાં આવ્યાં. પછી મોરિશિયસ દેશ મોકલી દેવામાં આવ્યાં. એ સમયે ત્યાં બ્રિટનનું રાજ ચાલતું હતું, તોપણ ત્યાંના અધિકારીઓએ અમને કહ્યું કે એ દેશમાં અમે મિશનરી તરીકે કામ કરી શકતાં નથી. એટલે સંગઠને અમને ઝિમ્બાબ્વે જવાનું કહ્યું. એ સમયે ઝિમ્બાબ્વેનું નામ રોડેશિયા હતું. અમે ત્યાં પહોંચ્યાં તો એક માથાભારે અધિકારી ભટકાયો. તેણે અમને દેશમાં જતા રોક્યાં. તેણે કહ્યું, “મલાવીએ તો તમને કાઢી મૂક્યાં. મોરિશિયસમાં પણ ઘૂસવા ન દીધાં. એટલે અહીં આવી ગયાં?” એ સાંભળીને એનની આંખોમાં પાણી આવી ગયું. એવું લાગ્યું કે કોઈ દેશ અમને રાખવા માંગતો નથી. એક વાર તો વિચાર આવી ગયો કે બધું છોડીને ઇંગ્લૅન્ડ જતાં રહીએ. પણ પછી અધિકારીઓ માની ગયા અને એક રાત શાખા કચેરીમાં રોકાવાની છૂટ આપી. પણ અમને બીજા દિવસે તેઓની ઑફિસમાં હાજર થવાનું કહ્યું. થાક તો એટલો લાગ્યો હતો કે વાત ન પૂછો. પણ અમને યહોવા પર પાકો ભરોસો હતો. એટલે બધું તેમના પર છોડી દીધું. બીજા દિવસે બપોરે એવું કંઈક બન્યું જે અમે વિચાર્યું પણ ન હતું. અધિકારીઓએ અમને કહ્યું કે અમે ઝિમ્બાબ્વેમાં રહી શકીએ છીએ. એ દિવસ હું ક્યારેય નહિ ભૂલું. મને પાકી ખાતરી થઈ ગઈ કે યહોવા અમને માર્ગ બતાવી રહ્યા છે.
ઝિમ્બાબ્વેથી મલાવીનું કામ
૧૯૬૮માં એન સાથે ઝિમ્બાબ્વે બેથેલમાં
ઝિમ્બાબ્વે શાખા કચેરીમાં મને સેવા વિભાગમાં કામ મળ્યું. હું મલાવી અને મોઝામ્બિકમાં થતા કામની દેખરેખ રાખતો. એ સમય મલાવીના ભાઈઓ માટે કપરો હતો. તેઓ પર બહુ જુલમ થતો હતો. ત્યાંના સરકીટ નિરીક્ષક જે રિપોર્ટ મોકલતા, એ હું ભાષાંતર પણ કરતો. એક વાર હું મોડી રાત સુધી એવો જ એક રિપોર્ટ તૈયાર કરી રહ્યો હતો. મારા વાંચવામાં આવ્યું કે મલાવીનાં ભાઈ-બહેનો પર ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે હું મારા આંસુ રોકી ન શક્યો.a જોકે ભાઈ-બહેનોને એવી હાલતમાં પણ યહોવા પર પૂરો ભરોસો હતો અને તેમને વફાદાર હતાં. એ વાત મારા દિલને સ્પર્શી ગઈ.—૨ કોરીં. ૬:૪, ૫.
એ જુલમથી બચવા ઘણાં ભાઈ-બહેનો મોઝામ્બિક ભાગી ગયાં. અમે પૂરો પ્રયત્ન કરતા કે તેઓ સુધી અને મલાવીમાં રહેતાં ભાઈ-બહેનો સુધી સાહિત્ય પહોંચાડીએ. ચીચેવા ભાષા મલાવીમાં સૌથી વધારે બોલાતી ભાષા છે. એટલે એ ભાષામાં સાહિત્ય મળી રહે માટે ભાષાંતર કરતા ભાઈ-બહેનોને ઝિમ્બાબ્વે બોલાવી લીધાં. ત્યાં એક ભાઈ પાસે મોટું ખેતર હતું. તેમણે એ ખેતરમાં જ ભાષાંતર માટે ઑફિસ અને ઘર બનાવ્યાં. આમ, ચીચેવા ભાષામાં સાહિત્ય મળતાં રહ્યાં.
દર વર્ષે અમે ગોઠવણ કરતા કે મલાવીના સરકીટ નિરીક્ષકો ઝિમ્બાબ્વે આવે અને ચીચેવા ભાષાના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં હાજર રહે. તેઓને પ્રવચનની આઉટલાઈન આપવામાં આવતી, જેથી તેઓ પાછા મલાવી જઈને ભાઈ-બહેનોને સંમેલનની વાતો શીખવી શકે. એક વાર તેઓ ડિસ્ટ્રીક્ટ સંમેલન માટે ઝિમ્બાબ્વે આવ્યા હતા ત્યારે તેઓની હિંમત મજબૂત કરવા અમે રાજ્ય સેવા શાળાની પણ ગોઠવણ કરી હતી.
ઝિમ્બાબ્વેમાં ચીચેવા અને શોના ભાષાના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં ચીચેવા ભાષામાં પ્રવચન આપતી વખતે
ફેબ્રુઆરી ૧૯૭૫માં હું મોઝામ્બિક ગયો. ત્યાં મલાવીથી આવેલાં ભાઈ-બહેનોને મળ્યો. તેઓ સંગઠન તરફથી મળતી સૂચનાઓ બરાબર પાળતાં હતાં. થોડા સમય પહેલાં સૂચના આપવામાં આવી હતી કે વડીલોનું જૂથ બનાવવામાં આવે. તેઓએ એવું જ કર્યું હતું. અમુક ભાઈઓ થોડા સમય પહેલાં જ વડીલ બન્યા હતા. તોપણ તેઓ ભાઈ-બહેનોનું ખૂબ સરસ ધ્યાન રાખતા. તેઓ જાહેર પ્રવચન આપતા. રોજની કલમ પર ચર્ચા કરતા. ચોકીબુરજનો અભ્યાસ ચલાવતા. સંમેલન પણ ગોઠવતા. ભાઈ-બહેનો શરણાર્થી છાવણીમાં રહેતાં હતાં તોપણ તેઓએ સારી ગોઠવણો કરી હતી. જેમ સંમેલનોમાં સાફ-સફાઈ માટે, ખોરાક માટે, સલામતી માટે અલગ અલગ વિભાગ હોય છે, તેમ તેઓએ પણ વિભાગો બનાવ્યા હતા. હું જોઈ શક્યો કે યહોવા આ વફાદાર ભાઈ-બહેનોને કેટલો આશીર્વાદ આપે છે. તેઓને મળીને મારી શ્રદ્ધા કેટલી પાકી થઈ, એ જણાવવા બેસું તો શબ્દો ખૂટી જાય.
૧૯૭૯ની આસપાસ, મલાવીનું કામ ઝામ્બિયા શાખા જોવા લાગી. તોપણ હું મલાવીનાં ભાઈ-બહેનોને યાદ કરતો અને તેઓ માટે પ્રાર્થના કરતો. બીજાં ભાઈ-બહેનો પણ એવું કરતા. હું ઝિમ્બાબ્વેની શાખા સમિતિનો સભ્ય હતો. એટલે ઘણી વાર જગત મુખ્યમથકના પ્રતિનિધિ આવે ત્યારે મલાવી, દક્ષિણ આફ્રિકા અને ઝામ્બિયાની દેખરેખ રાખતા ભાઈઓ સાથે મળવાનું થતું. દર વખતે અમે એ વાત ચોક્કસ કરતા કે મલાવીનાં ભાઈ-બહેનોને હજુ કેવી રીતે મદદ કરી શકાય.
સમયની સાથે સાથે મલાવીનાં ભાઈ-બહેનો પરનો જુલમ ઓછો થતો ગયો. જેઓ દેશ છોડીને ભાગી ગયાં હતાં, તેઓ પાછાં આવવા લાગ્યાં. આજુબાજુના ઘણા દેશોએ આપણા કામને કાનૂની માન્યતા આપી અને આપણા પરનો પ્રતિબંધ હટાવી દીધો. ૧૯૯૧માં મોઝામ્બિકમાં પણ આપણને ભક્તિ કરવાની છૂટ મળી. પણ અમે હંમેશાં વિચારતા કે ‘મલાવીમાં લાગેલો પ્રતિબંધ ક્યારે હટાવવામાં આવશે?’
મલાવીમાં પાછા જવાનો મોકો મળ્યો
થોડા સમય પછી મલાવીમાં સંજોગો બદલાયા. ૧૯૯૩માં ત્યાંની સરકારે યહોવાના સાક્ષીઓ પરનો પ્રતિબંધ હટાવી દીધો. હું એક દિવસ મિશનરી ભાઈ સાથે વાત કરી રહ્યો હતો. તેમણે પૂછ્યું, “તો તમે હવે મલાવી જતા રહેશો?” ત્યારે હું ૫૯ વર્ષનો હતો. મેં કહ્યું, “હવે ક્યાં જવાય અમારાથી, હવે તો ઉંમર થઈ ગઈ!” પણ એ દિવસે જ એક ફૅક્સ આવ્યો. એ નિયામક જૂથ તરફથી હતો. એમાં લખ્યું હતું કે અમે મલાવી પાછા જઈ શકીએ છીએ.
ઝિમ્બાબ્વે છોડવાનો નિર્ણય લેવો બહુ અઘરું હતું. આખરે તો અમે ત્યાં આટલાં વર્ષો સેવા કરી હતી. અમારા ઘણા બધા મિત્રો પણ ત્યાં હતા. ત્યાં અમે ખુશ હતાં. નિયામક જૂથે જણાવ્યું હતું કે અમે ચાહીએ તો ઝિમ્બાબ્વેમાં સેવા આપી શકીએ છીએ. એટલે અમે ચાહ્યું હોત તો ત્યાં રોકાઈ શક્યાં હોત. પોતાનો માર્ગ પોતે નક્કી કરી શક્યાં હોત. પણ અમે ઇબ્રાહિમ અને સારાહ વિશે વિચાર્યું. તેઓએ યહોવાની વાત માની હતી. ઘડપણમાં પણ ઘરબાર છોડી દીધાં હતાં.—ઉત. ૧૨:૧-૫.
અમે યહોવાના સંગઠનના માર્ગદર્શન પ્રમાણે કર્યું. ૧ ફેબ્રુઆરી, ૧૯૯૫માં પાછાં મલાવી પહોંચી ગયાં. બન્યું એવું કે એ જ તારીખે, ૨૮ વર્ષ પહેલાં અમે પહેલી વાર મલાવી આવ્યાં હતાં. શાખા સમિતિ બનાવવામાં આવી. મારી સાથે બીજા બે ભાઈઓ પણ એમાં હતા. યહોવાની ભક્તિનું કામ પાછું શરૂ કરવા અમે કમર કસી.
યહોવાનો આશીર્વાદ, પ્રગતિનો વરસાદ
યહોવાના આશીર્વાદથી મલાવીમાં પ્રકાશકોની સંખ્યા ઝડપથી વધવા લાગી. ૧૯૯૩માં આશરે ૩૦,૦૦૦ પ્રકાશકો હતા. પણ ૧૯૯૮માં ૪૨,૦૦૦થી વધારે પ્રકાશકો થઈ ગયા.b એટલે નિયામક જૂથે નવી શાખા કચેરી બાંધવા જણાવ્યું. અમે લિલોંગ્વે શહેરમાં ૩૦ એકર (૧૨ હેક્ટર) જમીન ખરીદી. મને બાંધકામ સમિતિ સાથે કામ કરવાનું જણાવવામાં આવ્યું.
જોતજોતામાં નવી શાખા કચેરી બની ગઈ. મે ૨૦૦૧માં નિયામક જૂથના ભાઈ ગાઈ પીઅર્સ સમર્પણ ભાષણ આપવા મલાવી આવ્યા. ત્યારે ૨,૦૦૦થી વધારે ભાઈ-બહેનો હાજર હતાં. તેઓમાંથી મોટા ભાગનાં તો ૪૦થી પણ વધારે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હતાં. આ એ જ ભાઈ-બહેનો હતાં, જેઓએ પાછલાં વર્ષોમાં જુલમ સહન કર્યો હતો. તેઓનાં ખિસ્સાં ખાલી હતાં પણ આશીર્વાદ ઓછા ન હતા! યહોવા સાથેનો સંબંધ એકદમ પાકો હતો. તેઓને નવું બેથેલ જોઈને ખૂબ ખુશી થઈ રહી હતી. તેઓ રાજ્યગીતો ગાઈ રહ્યાં હતાં, હા, આફ્રિકાના લોકોની સ્ટાઇલમાં. બેથેલના ખૂણે ખૂણે એ અવાજ ગુંજી રહ્યો હતો. એવું મેં પહેલાં ક્યારેય જોયું ન હતું. કેટલી સાચી વાત કે યહોવાને વફાદાર રહેનારાઓને તે અઢળક આશીર્વાદ આપે છે.
શાખા કચેરીનું બાંધકામ પૂરું થયું એ પછી ઘણાં પ્રાર્થનાઘર બાંધવામાં આવ્યાં. હું ખુશ હતો કે મને અમુક પ્રાર્થનાઘરના સમર્પણની ગોઠવણ કરવાની સોંપણી મળી. સંગઠનની ગોઠવણ છે કે જે દેશોમાં ભાઈ-બહેનો પાસે બહુ પૈસા નથી, ત્યાં ઓછાં સાધનો અને ઓછા સમયમાં પ્રાર્થનાઘર બનાવી શકાય. મલાવીમાં એવાં જ પ્રાર્થનાઘર બનાવવામાં આવ્યાં. પહેલાં નિલગિરીનાં ઝાડથી પ્રાર્થનાઘર બનાવવામાં આવતાં. છાપરાં પર ઘાસ લગાડવામાં આવતું અને માટીના બાંકડા તૈયાર કરવામાં આવતા. સમય જતાં, ભાઈઓ ભઠ્ઠીમાં ઈંટો બનાવવા લાગ્યા. તેઓ ખૂબ મહેનત કરીને સુંદર પ્રાર્થનાઘર બનાવતા. પણ બેસવા માટે હજી બાંકડા જ બનાવતા, તેઓ કહેતા, “બાંકડામાં તો ગમે તેટલા લોકો સમાય જાય!”
મને એ જોઈને ઘણી ખુશી થતી કે ભાઈ-બહેનો યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખતા હતા. યહોવા પણ તેઓને મદદ કરતા હતા. ખાસ કરીને યુવાનોને જોઈને, જેઓ યહોવાની ભક્તિમાં વધારે કરવા આગળ આવતા હતા. સંગઠન તરફથી મળતી તાલીમ તેઓ તરત સ્વીકારતા હતા. એટલે જ તેઓ બેથેલમાં અને મંડળમાં વધારે જવાબદારી ઉપાડવા લાયક બની શક્યા. મંડળોને મદદ કરવા ઘણા ભાઈઓને સરકીટ નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા. એમાંથી મોટા ભાગના પરણેલા હતા. કુટુંબ અને સમાજના લોકો તેઓને દબાણ કરતા કે કુટુંબ વધારે, બાળકો પેદા કરે. પણ યહોવાની ભક્તિમાં વધારે કરવા માંગતા હોવાથી તેઓએ એવું ન કરવાનો નિર્ણય લીધો.
સાચો માર્ગ પસંદ કરવાથી ખુશી મળી
એન સાથે બ્રિટન બેથેલમાં
અમે આફ્રિકામાં ૫૨ વર્ષ સેવા આપી. પછી મારી તબિયત બગડવા લાગી. એટલે શાખા સમિતિએ નિયામક જૂથને પૂછ્યું કે શું અમે બ્રિટન પાછા જઈ શકીએ. નિયામક જૂથે મંજૂરી આપી. હવે અમે બ્રિટનમાં છીએ. આફ્રિકા છોડતા બહુ દુઃખ થયું હતું. એ જગ્યા અને ત્યાંના લોકો જોડે લાગણી બંધાઈ ગઈ હતી. પણ બ્રિટન બેથેલનાં ભાઈ-બહેનો અમારું બહુ ધ્યાન રાખે છે.
યહોવાએ મને માર્ગ બતાવ્યો અને હું એના પર ચાલ્યો. મને જીવનમાં કોઈ અફસોસ નથી. પોતાના પર ભરોસો રાખ્યો હોત, દુનિયામાં કારકિર્દી બનાવી હોત તો ખબર નહિ મારું શું થાત. યહોવા જાણતા હતા કે મારે કયા રસ્તે ચાલવું જોઈએ એટલે તેમણે ‘ખરો માર્ગ બતાવ્યો.’ (નીતિ. ૩:૫, ૬) યુવાન હતો ત્યારે મને એક મોટી કંપનીમાં તાલીમ મળતી હતી અને ખૂબ મઝા આવતી હતી. પણ આપણું સંગઠન એનાથીયે મોટું છે. યહોવાની સેવામાં કારકિર્દી બનાવવાથી મને અઢળક ખુશી મળી. યહોવાના માર્ગ પર ચાલવાથી ડગલે ને પગલે તેમણે આશીર્વાદ વરસાવ્યા.
a મલાવીમાં યહોવાના સાક્ષીઓના ઇતિહાસ વિશે જાણવા ૧૯૯૯ યરબુક ઑફ જેહોવાઝ વિટનેસીસ પાન ૧૪૮-૨૨૩ જુઓ.
b આજે મલાવીમાં ૧ લાખથી વધારે પ્રકાશકો છે.