વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 ઑગસ્ટ પાન ૨૬-૩૧
  • નેક કામો કરતા રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નેક કામો કરતા રહીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • નેક હોવું એટલે શું?
  • યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય દૃઢ કરીએ
  • ઈશ્વરના ન્યાયીપણાને પૂરા દિલથી ચાહીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ‘ઈશ્વરના ન્યાયીપણાને’ પહેલા શોધતા રહીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • યહોવાહના ન્યાયીપણામાં આનંદ કરવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • ન્યાયીપણું શોધવાથી આપણું રક્ષણ થશે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 ઑગસ્ટ પાન ૨૬-૩૧

અભ્યાસ લેખ ૩૬

નેક કામો કરતા રહીએ

“યહોવા નેક લોકોને ચાહે છે.”—ગીત. ૧૪૬:૮.

ગીત ૪૬ યહોવા જ મહાન રાજા

ઝલકa

૧. યૂસફ સાથે શું બન્યું? તેમણે શું કર્યું?

યૂસફ પોટીફારના ત્યાં કામ કરતા હતા. એક વાર પોટીફાર બહાર ગયો હતો. તેની પત્નીએ યૂસફને કહ્યું: “મારી સાથે સૂઈ જા.” તે જાણતા હતા કે જો તે પોતાની શેઠાણીની વાત નહિ માને, તો તે તેમનું જીવવું હરામ કરી નાખશે. તોપણ યૂસફે તેને ચોખ્ખી ના પાડી દીધી. શેઠાણી હાથ ધોઈને તેમની પાછળ પડી ગઈ, પણ યૂસફ તેને ના પાડતા રહ્યા. તે કેમ એવું કરી શક્યા? તેમણે કહ્યું: “આવું ઘોર પાપ કરીને હું કેમ ઈશ્વરનો ગુનેગાર થાઉં?”—ઉત. ૩૯:૭-૧૨.

૨. યૂસફને કેમની ખબર કે વ્યભિચાર મોટું પાપ છે?

૨ યૂસફને કેમની ખબર કે યહોવા વ્યભિચારને “ઘોર પાપ” ગણે છે? નિયમશાસ્ત્ર તો ૨૦૦ વર્ષ પછી આપવામાં આવ્યું હતું. એમાં આજ્ઞા હતી: “તમે વ્યભિચાર ન કરો.” (નિર્ગ. ૨૦:૧૪) ભલે યૂસફ પાસે નિયમશાસ્ત્ર ન હતું, પણ તે યહોવાને સારી રીતે ઓળખતા હતા. તેમને ખબર હતી કે યહોવાએ શરૂઆતમાં એક સ્ત્રી અને એક પુરુષનું લગ્‍ન કરાવ્યું હતું. એટલે તે જાણતા હતા કે ફક્ત પતિ-પત્ની વચ્ચે જ શારીરિક સંબંધ હોવો જોઈએ. તેમણે સાંભળ્યું હશે કે તેમનાં પરદાદી સારાહ અને દાદી રિબકા સાથે શું બન્યું હતું. સારાહને જોઈને બે વાર બે માણસોની દાનત બગડી હતી. રિબકા સાથે પણ એવું જ કંઈક થયું હતું. એ કિસ્સાઓમાં યહોવાએ સારાહ અને રિબકાનું રક્ષણ કર્યું હતું. (ઉત. ૨:૨૪; ૧૨:૧૪-૨૦; ૨૦:૨-૭; ૨૬:૬-૧૧) એ બધા પર મનન કરવાથી યૂસફને સમજાયું હશે કે યહોવા વ્યભિચારને મોટું પાપ ગણે છે. યૂસફ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની નજરે જે ખરું છે, એ જ કરવા માંગતા હતા. એટલે યૂસફે કોઈ ખોટું કામ ન કર્યું.

૩. આ લેખમાં શું જોઈશું?

૩ તમે પણ યહોવાની નજરે જે ખરું છે, એ કરવા માંગતા હશો. પણ આપણે બધા પાપી છીએ. જો ધ્યાન નહિ રાખીએ તો સહેલાઈથી દુનિયાના લોકો જેવું વિચારવા લાગી શકીએ. ખરું-ખોટું પારખવું અઘરું થઈ શકે. (યશા. ૫:૨૦; રોમ. ૧૨:૨) આ લેખમાં જોઈશું કે નેક હોવું એટલે શું, નેક કામો કરવાથી શું ફાયદો થાય છે. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો આપણો નિર્ણય દૃઢ કરી શકીએ માટે ત્રણ રીતો પણ જોઈશું.

નેક હોવું એટલે શું?

૪. કેવા લોકોને નેક ન કહી શકાય?

૪ અમુક લોકો પોતાને બહુ ધાર્મિક સમજે છે. બહુ સિદ્ધાંતવાદી હોય છે. વાતે વાતે બીજાઓમાં વાંધાવચકા કાઢે છે. તેઓને લાગે છે કે પોતે બહુ નેક છે. પણ શું એવી વ્યક્તિને નેક કહેવાય? યહોવાને એવા લોકો જરાય ગમતા નથી. ઈસુને પણ એવા લોકો ગમતા ન હતા. તે પૃથ્વી પર હતા ત્યારે એવા ધર્મગુરુઓને તેમણે બરાબરના ખખડાવ્યા. કેમ કે તેઓ પોતાને બહુ ધાર્મિક સમજતા હતા. તેઓએ ખરા-ખોટા વિશે પોતાના જ નિયમો ઘડી કાઢ્યા હતા. (સભા. ૭:૧૬; લૂક ૧૬:૧૫) તો પછી નેક હોવું એટલે શું?

૫. (ક) બાઇબલ પ્રમાણે નેક હોવું એટલે શું? (ખ) નેક વ્યક્તિ કેવી હોય છે?

૫ નેક હોવું એટલે યહોવાની નજરે ખરું છે એ કરવું. બાઇબલના મૂળ લખાણમાં “નેક” અથવા “નેકી” માટે જે શબ્દો વપરાયા હતા, એનું અલગ અલગ શબ્દોથી ભાષાંતર થયું છે. પણ એ બધા શબ્દોનો મતલબ એક જ છે. એ કે યહોવાનાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવવું. એ સમજવા એક દાખલો લઈએ. યહોવા ચાહતા હતા કે વેપારીઓ “ખરા” વજનિયાં અને માપ વાપરે. (પુન. ૨૫:૧૫) જે હિબ્રૂ શબ્દ માટે “ખરા” શબ્દ વપરાયો છે, એનો અર્થ “નેક” પણ થઈ શકે. એટલે કહી શકાય કે નેક વ્યક્તિ પ્રમાણિક હોય છે. તે ઈમાનદારીથી વેપાર કરે છે. નેક વ્યક્તિને અન્યાયથી પણ સખત નફરત હોય છે. બીજાઓ સાથે અન્યાય થાય તો એ પણ તેનાથી જોવાતું નથી. તે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારે છે કે યહોવા શું ચાહે છે. કેમ કે તે તેમને “પૂરેપૂરા ખુશ” કરવા માંગે છે.—કોલો. ૧:૧૦.

૬. યહોવાનાં ધોરણો કેમ હંમેશાં ખરાં હોય છે? (યશાયા ૫૫:૮, ૯)

૬ યહોવાનાં બધાં કામો નેક છે. એટલું જ નહિ, બાઇબલમાં જણાવ્યું છે, ‘તેમનામાં નેકી વસે છે.’ (યર્મિ. ૫૦:૭) તેમણે આપણને બનાવ્યા છે. એટલે આપણા માટે સારું શું અને ખરાબ શું એ નક્કી કરવાનો હક ફક્ત તેમને જ છે. આપણે પાપી છીએ, અમુક વાર ખરું-ખોટું પારખી નથી શકતા. પણ યહોવા આપણા જેવા નથી. તેમને હંમેશાં ખબર હોય છે કે ખરું શું અને ખોટું શું. (નીતિ. ૧૪:૧૨; યશાયા ૫૫:૮, ૯ વાંચો.) આપણે તેમનાં ધોરણો પ્રમાણે જીવી શકીએ છીએ. કેમ કે યહોવાએ આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. (ઉત. ૧:૨૭) આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે તેમની જેમ નેક કામો કરવા બનતું બધું જ કરીએ છીએ.—એફે. ૫:૧.

૭. ખરા-ખોટા વિશે ધોરણો હોવાં કેમ જરૂરી છે? દાખલો આપો.

૭ ખરા-ખોટા વિશે યહોવાનાં ધોરણો પાળવાથી આપણું જ ભલું થાય છે. જો દુનિયામાં કોઈ નિયમ કે ધોરણ ન હોત તો શું થાત? જરા વિચારો, દરેક ટ્રાફિક સિગ્‍નલ પર અલગ અલગ રંગની લાઇટો હોય તો કેટલી અફરાતફરી મચી જાય. કેટલાય અકસ્માતો થાય. કોઈ કોન્ટ્રેક્ટર બરાબર માપ વગર આડેધડ બિલ્ડિંગ બનાવી દે તો કદાચ એ ધસી પડે. ઘણા લોકોનો જીવ જાય. આનો વિચાર કરો, દર્દીની સારવાર કરવાની એક રીત હોય છે, અમુક નિયમો હોય છે. પણ ડૉક્ટર પોતાની રીતે જ દર્દીની સારવાર કરવા લાગી જાય તો દર્દીનો જીવ જોખમમાં આવી શકે. એ દાખલાઓથી સમજાય છે કે ખરા-ખોટા અને સારા-નરસા માટે ધોરણો હોવાં ખૂબ જરૂરી છે. એનાથી બધાનું રક્ષણ થાય છે. એવી જ રીતે યહોવાનાં ધોરણો પણ આપણું રક્ષણ કરે છે.

૮. યહોવાનાં ધોરણો પાળવાથી કેવા આશીર્વાદ મળશે?

૮ આપણે યહોવાનાં ધોરણો પાળીશું તો તે અઢળક આશીર્વાદ આપશે. તેમણે વચન આપ્યું છે કે નેક લોકો, એટલે કે “સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે.” (ગીત. ૩૭:૨૯) જરા કલ્પના કરો, બધા લોકો યહોવાનાં ધોરણો પ્રમાણે જીવતા હશે ત્યારે જીવન કેટલું મસ્ત હશે! એ માહોલ કેટલો ખુશનુમા હશે! લોકો શાંતિથી અને સંપીને રહેતા હશે, સુખચેનથી જીવતા હશે. યહોવા ચાહે છે કે તમે પણ એ લોકોમાં હો. એટલે જરૂરી છે કે આપણે નેક કામો કરીએ. યહોવાનાં ધોરણો પાળીએ. પણ યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય કઈ રીતે દૃઢ કરી શકીએ? ચાલો ત્રણ રીતો જોઈએ.

યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય દૃઢ કરીએ

૯. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય કઈ રીતે દૃઢ કરી શકીએ?

૯ પહેલી રીત: યહોવાને પ્રેમ કરીએ. યહોવા ખરા-ખોટા વિશે ધોરણો નક્કી કરે છે. તેમના માટેનો પ્રેમ વધતો જશે તેમ, તેમનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય પણ દૃઢ થતો જશે. એ પ્રેમને લીધે આપણે નેક કામો કરીશું. આદમ અને હવા વિશે જ વિચારો. જો તેઓ યહોવાને પ્રેમ કરતા હોત, તો શું તેઓએ આજ્ઞા તોડી હોત?—ઉત. ૩:૧-૬, ૧૬-૧૯.

૧૦. યહોવાને સારી રીતે ઓળખવા ઇબ્રાહિમે શું કર્યું?

૧૦ આદમ અને હવાએ તો મોટી ભૂલ કરી. પણ જો આપણે એવી કોઈ ભૂલ કરવાથી બચવું હોય તો શું કરવું જોઈએ? યહોવાને સારી રીતે ઓળખીએ. તેમના ગુણો વિશે શીખીએ. તેમના વિચારો જાણવાની કોશિશ કરીએ. એનાથી યહોવા માટેનો આપણો પ્રેમ વધતો જશે. ઇબ્રાહિમે પણ એવું જ કર્યું. તે યહોવાને બહુ પ્રેમ કરતા હતા. પણ અમુક વખતે તે યહોવાનો નિર્ણય સમજી ન શક્યા. એવા સમયે તે યહોવાની સામે ન થયા. પણ તેમણે એ જાણવાની કોશિશ કરી કે યહોવાએ કેમ એવો નિર્ણય લીધો. દાખલા તરીકે, યહોવાએ ઇબ્રાહિમને કીધું કે તે સદોમ અને ગમોરાહનો નાશ કરવાના છે. એ સાંભળીને ઇબ્રાહિમ ડરી ગયા. તેમણે વિચાર્યું કે શું ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ ખરાબ લોકોની સાથે સાથે નેક લોકોનો પણ નાશ કરશે? તેમને થયું, યહોવા તો આવું કરી જ ન શકે. એટલે તેમણે યહોવાને એક પછી એક સવાલો પૂછ્યા. યહોવાએ પણ ધીરજથી તેમના બધા સવાલોના જવાબ આપ્યા. એ બનાવથી ઇબ્રાહિમ યહોવાને વધારે સારી રીતે ઓળખી શક્યા. તે જોઈ શક્યા કે યહોવા લોકોનું દિલ જુએ છે. તે ક્યારેય નિર્દોષ લોકોને સજા નથી કરતા.—ઉત. ૧૮:૨૦-૩૨.

૧૧. ઇબ્રાહિમે કઈ રીતે બતાવ્યું કે તે યહોવાને પ્રેમ કરે છે અને તેમના પર ભરોસો છે?

૧૧ સદોમ અને ગમોરાહના નાશ વિશે ઇબ્રાહિમે યહોવા સાથે વાત કરી હતી. એ વાતચીતથી તેમનો યહોવા માટે પ્રેમ વધ્યો હશે. તેમની નજરમાં યહોવા માટે માન વધ્યું હશે. થોડાં વર્ષો પછી યહોવાએ ઇબ્રાહિમને એક અઘરું કામ સોંપ્યું. તેમણે ઇબ્રાહિમને તેમના વહાલા દીકરા ઇસહાકનું બલિદાન ચઢાવવાનું કીધું. આ વખતે ઇબ્રાહિમે યહોવાને એક પણ સવાલ ન પૂછ્યો. તે યહોવાને સારી રીતે ઓળખતા હતા. એટલે તે એ કામ કરવા તૈયાર થઈ ગયા. જરા વિચારો, બલિદાનની તૈયારી કરતી વખતે ઇબ્રાહિમ પર શું વીત્યું હશે. તેમને કેટલી વેદના થઈ હશે! પણ એ સમયે પોતાના વિશે વિચારવાને બદલે તેમણે યહોવા વિશે વિચાર્યું હશે. તેમને ખબર હતી કે યહોવા પ્રેમાળ ઈશ્વર છે. તે કંઈ ખોટું કરતા નથી. ક્યારેય અન્યાય કરતા નથી. તેમણે યહોવાએ આપેલું વચન યાદ કર્યું હશે કે ઇસહાક દ્વારા એક મોટી પ્રજા આવશે. એ સમયે ઇસહાકને કોઈ બાળક ન હતું. એટલે ઇબ્રાહિમને પૂરો ભરોસો હતો કે યહોવા ઇસહાકને મરણમાંથી પણ જીવતા કરી શકે છે. (હિબ્રૂ. ૧૧:૧૭-૧૯) ઇબ્રાહિમ યહોવાને બહુ પ્રેમ કરતા હતા. તેમને ખાતરી હતી કે યહોવા હંમેશાં જે ખરું હોય એ જ કરશે. એટલે તેમના માટે અઘરું હતું તોપણ તેમણે શ્રદ્ધા રાખી અને યહોવાની આજ્ઞા પાળી.—ઉત. ૨૨:૧-૧૨.

૧૨. ઇબ્રાહિમને અનુસરવા આપણે શું કરી શકીએ? (ગીતશાસ્ત્ર ૭૩:૨૮)

૧૨ ઇબ્રાહિમને અનુસરવા આપણે શું કરી શકીએ? આપણે યહોવા વિશે શીખતા રહીએ. એનાથી આપણે તેમની નજીક જઈ શકીશું. તેમના માટેનો પ્રેમ વધતો જશે. (ગીતશાસ્ત્ર ૭૩:૨૮ વાંચો.) આપણે શીખતા રહીએ કે યહોવા શું વિચારે છે, તેમને શું ગમે છે અને શું નથી ગમતું. એનાથી આપણે તેમના જેવું વિચારવા લાગીશું. (હિબ્રૂ. ૫:૧૪) પછી આપણે એવાં કામોને નફરત કરીશું, જેને યહોવા ધિક્કારે છે. કોઈ આપણને ખરાબ કામ કરવાનું કહે તો ચોખ્ખી ના પાડી દઈશું. કેમ કે આપણે યહોવાને દુઃખી કરવા નથી માંગતા. આપણે નથી ચાહતા કે યહોવા સાથેના સંબંધમાં તિરાડ પડે. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય બીજી કઈ રીતે દૃઢ કરી શકીએ?

૧૩. નેક કામો કરવા શું કરવું જોઈએ? (નીતિવચનો ૨૧:૨૧)

૧૩ બીજી રીત: દરરોજ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાની કોશિશ કરીએ. આપણે દરરોજ કસરત કરીશું તો સ્વાસ્થ્ય સારું રહેશે. એવી જ રીતે, દરરોજ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાની કોશિશ કરીશું, તો એમ કરવાનો નિર્ણય વધારે દૃઢ થશે. યહોવા આપણને એવું કંઈ કરવાનું નથી કહેતા, જે આપણાથી ન થાય. તે જાણે છે કે આપણે તેમનાં ધોરણો પાળી શકીએ છીએ. (ગીત. ૧૦૩:૧૪) બાઇબલમાં યહોવાએ ખાતરી આપી છે કે ‘જે કોઈ ખરું કરવા મહેનત કરે છે, તેને નેકી મળે છે.’ (નીતિવચનો ૨૧:૨૧ વાંચો.) દાખલા તરીકે, યહોવાની ભક્તિમાં વધારે કરવા આપણે ધ્યેય રાખીએ છીએ અને એ પૂરો કરવા મહેનત કરીએ છીએ. એ જ રીતે, નેક કામો કરવા પૂરી મહેનત કરીએ. યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાની પૂરી કોશિશ કરીએ. યહોવા આપણને મદદ કરશે, જેથી વધારે સારી રીતે તેમનાં ધોરણો પ્રમાણે ચાલી શકીએ.—ગીત. ૮૪:૫, ૭.

૧૪. “નેકીનું બખ્તર” શાને રજૂ કરે છે? આપણે કેમ એ પહેરી રાખવું જોઈએ?

૧૪ આપણે એવું ન વિચારીએ કે ‘યહોવાનાં ધોરણો તો બહુ અઘરાં છે. હું એ નઈ પાળી શકું.’ (૧ યોહા. ૫:૩) પણ યાદ રાખીએ કે એ ધોરણો દરરોજ પાળીએ છીએ ત્યારે આપણું રક્ષણ થાય છે. ઈશ્વરે આપેલાં હથિયારો વિશે પ્રેરિત પાઉલે જણાવ્યું હતું. શું એ તમને યાદ છે? (એફે. ૬:૧૪-૧૮) તેમણે ‘નેકીના બખ્તર’ વિશે જણાવ્યું હતું. એ બખ્તર યહોવાનાં ન્યાયી ધોરણોને રજૂ કરે છે. જૂના જમાનામાં સૈનિકો યુદ્ધમાં બખ્તર પહેરીને જતા. દુશ્મનોના હુમલાથી એ બખ્તર તેઓનાં દિલનું રક્ષણ કરતું. એવી જ રીતે, આપણે નેકીનું બખ્તર પહેરીશું, યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલીશું તો શેતાનના હુમલાથી આપણાં દિલનું રક્ષણ થશે. આપણી ઇચ્છાઓ, લાગણીઓ અને વિચારોનું રક્ષણ થશે. એટલે આપણે હંમેશાં નેકીનું બખ્તર પહેરી રાખીએ.—નીતિ. ૪:૨૩.

૧૫. નેકીનું બખ્તર પહેરવા શું કરી શકીએ?

૧૫ નેકીનું બખ્તર પહેરવા શું કરી શકીએ? આપણે દરરોજ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કે કામ કરતા પહેલાં વિચારીએ કે એ વિશે યહોવાનાં ધોરણો શું છે. આપણે કોઈની સાથે વાતચીત કરવાના હોઈએ, કોઈ ગીત સાંભળવાના હોઈએ, મનોરંજન માટે કશું જોવાના હોઈએ કે પછી કોઈ પુસ્તક વાંચવાના હોઈએ, એ પહેલાં વિચારીએ: ‘એની મારા દિલ પર શું અસર થશે? શું એનાથી યહોવા ખુશ થશે? શું એમાં એવું કંઈક છે જેને યહોવા ધિક્કારે છે જેમ કે, વ્યભિચાર કે એના જેવાં ગંદાં કામો, હિંસા, લાલચ અને સ્વાર્થી વલણ?’ (ફિલિ. ૪:૮) જો આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે નિર્ણય લઈશું, તો દિલનું રક્ષણ કરી શકીશું.

એક બહેન દરિયા કિનારે ચાલે છે. સૂરજ આથમી રહ્યો છે. બહેન એક પછી એક આવતાં મોજાં જુએ છે.

તમારી નેકી “દરિયાનાં મોજાં જેવી” થઈ શકે છે (ફકરા ૧૬-૧૭ જુઓ)

૧૬-૧૭. યશાયા ૪૮:૧૮માંથી કઈ રીતે ખાતરી મળે છે કે આપણે હંમેશાં યહોવાનાં ધોરણો પાળી શકીશું?

૧૬ શું તમને ક્યારેય એ વિચારીને ચિંતા થાય છે, ‘હું હંમેશાં યહોવાનાં ધોરણો પાળી શકીશ કે નહિ?’ જો એવું લાગતું હોય તો તમે યશાયા ૪૮:૧૮ના શબ્દો પર ધ્યાન આપી શકો. (વાંચો.) એમાં યહોવાએ વચન આપ્યું છે, “તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!” કલ્પના કરો, તમે દરિયા કિનારે ઊભા છો. ચારે બાજુ શાંતિ છે. તમે જુઓ છો કે એક પછી એક મોજાં આવતાં જ રહે છે. એ જોઈને શું તમને ક્યારેય એવી ચિંતા થાય છે, ‘એક દિવસે આ મોજાં આવવાનું બંધ તો નઈ થઈ જાય ને?’ ના, તમે જાણો છો કે હજારો વર્ષોથી એ મોજાં આવતાં રહ્યાં છે અને હંમેશાં આવતાં રહેશે.

૧૭ તમારી નેકી કે ‘સચ્ચાઈ પણ દરિયાનાં મોજાં જેવી’ થઈ શકે છે. જેમ દરિયાનાં મોજાં હંમેશાં આવતાં જ રહે છે, તેમ તમે પણ હંમેશાં યહોવાનાં ધોરણો પાળી શકો છો. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારો કે યહોવા શું ચાહે છે. પછી એ પ્રમાણે કરો. ભલે તમને અઘરું લાગે તોપણ એ નિર્ણયને વળગી રહો. યાદ રાખો, પિતા યહોવા તમને બહુ પ્રેમ કરે છે. તે હંમેશાં તમને સાથ આપશે. તે તમને હિંમત આપશે, જેથી તમે દરરોજ તેમનાં ધોરણો પાળી શકો.—યશા. ૪૦:૨૯-૩૧.

૧૮. આપણે કેમ પોતાનાં ધોરણો પ્રમાણે બીજાઓનો ન્યાય ન કરવો જોઈએ?

૧૮ ત્રીજી રીત: ન્યાય કરવાનું યહોવાના હાથમાં છોડી દઈએ. આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાની પૂરી કોશિશ કરીએ છીએ. પણ આપણે બીજાઓમાં વાંધાવચકા ન કાઢવા જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે તેઓ બરાબર રીતે યહોવાનાં ધોરણો પાળતા નથી. આપણે પોતાનાં ધોરણો પ્રમાણે તેઓનો ન્યાય કરવા ન બેસી જઈએ. પણ યાદ રાખીએ કે યહોવા ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ છે. (ઉત. ૧૮:૨૫) યહોવાએ આપણને એ અધિકાર નથી આપ્યો કે આપણે પોતાનાં ધોરણો પ્રમાણે બીજાઓનો ન્યાય કરીએ. ઈસુએ પણ આજ્ઞા આપી હતી, “બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરો, જેથી તમારા પર દોષ મૂકવામાં ન આવે.”—માથ. ૭:૧.b

૧૯. શા પરથી કહી શકાય કે યૂસફે ન્યાય કરવાનું યહોવાના હાથમાં છોડી દીધું?

૧૯ ચાલો યૂસફને ફરીથી યાદ કરીએ. તે એક નેક માણસ હતા. પણ તેમના ભાઈઓએ તેમની સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો. તેમને બહુ માર્યા. તેમને ગુલામ તરીકે વેચી દીધા. પિતાને પણ ભરોસો અપાવ્યો કે હવે યૂસફ રહ્યા નથી. વર્ષો પછી યૂસફ ફરીથી ભાઈઓને મળ્યા. એ સમયે તે ઇજિપ્તના મોટા અધિકારી હતા. તેમણે ચાહ્યું હોત તો તે બદલો લઈ શક્યા હોત. ભાઈઓને આકરી સજા કરી શક્યા હોત. તેમના ભાઈઓએ પસ્તાવો કર્યો હતો, તેઓ સુધરી ગયા હતા. તોપણ તેઓને લાગતું હતું કે યૂસફ તેઓને નહિ છોડે. પણ યૂસફે કહ્યું: “ગભરાશો નહિ. શું હું ઈશ્વર છું કે તમારો ન્યાય કરું?” (ઉત. ૩૭:૧૮-૨૦, ૨૭, ૨૮, ૩૧-૩૫; ૫૦:૧૫-૨૧) યૂસફ નમ્ર હતા. એટલે તેમણે ભાઈઓનો ન્યાય ન કર્યો. તેમણે ન્યાય કરવાનું યહોવાના હાથમાં છોડી દીધું.

૨૦-૨૧. આપણે કઈ રીતે વધારે નેક બનવાનું ટાળી શકીએ?

૨૦ યૂસફની જેમ આપણે ન્યાય કરવાનું યહોવાના હાથમાં છોડી દઈએ. ન્યાય કરવો આપણું કામ નથી. આપણે પૂરી રીતે નથી જાણતા કે કોઈ કામ કરવા પાછળ ભાઈ-બહેનોનો ઇરાદો શું હતો. આપણે તેઓનાં દિલમાં ડોકિયું નથી કરી શકતા. ફક્ત ‘યહોવા જ દિલના ઇરાદા તપાસી શકે છે.’ (નીતિ. ૧૬:૨) યહોવા બધાને, દરેક દેશ અને જાતિના લોકોને પ્રેમ કરે છે. તે ચાહે છે કે આપણે પણ ‘દિલના દરવાજા ખોલી નાખીએ.’ (૨ કોરીં. ૬:૧૩) આપણે બધાં ભાઈ-બહેનોને પ્રેમ કરીએ અને પોતાનાં ધોરણો પ્રમાણે કોઈનો ન્યાય ન કરીએ.

૨૧ આપણે બીજા લોકો વિશે પણ પહેલેથી ધારણા બાંધી લેવી ન જોઈએ. (૧ તિમો. ૨:૩, ૪) જેમ કે, આપણે કોઈ સગા વિશે એવું ન વિચારવું જોઈએ કે તે ક્યારેય યહોવાના સાક્ષી નહિ બને. એ તો જાણે તેમનો ન્યાય કરવા બરાબર છે. આજે યહોવા “દરેક જગ્યાએ બધા લોકોને” પસ્તાવો કરવાની તક આપે છે. (પ્રે.કા. ૧૭:૩૦) યાદ રાખીએ, જેઓ પોતાને બીજાઓ કરતાં વધારે નેક ગણે છે, તેઓને યહોવા નેક નથી ગણતા.

૨૨. તમે કેમ નેક કામો કરતા રહેવા માંગો છો?

૨૨ આપણે યહોવાની નજરે જે ખરું છે, એ કરતા રહીએ. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય દૃઢ કરીશું તો ખુશ રહી શકીશું. બીજાઓ આપણી પાસેથી શીખી શકશે. તેઓ આપણી અને યહોવાની નજીક આવી શકશે. યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાની કોશિશ કરીએ છીએ ત્યારે આપણી મહેનત જોઈને યહોવા ખુશ થાય છે. દુનિયાનાં ધોરણો દિવસે ને દિવસે દુષ્ટતાના કાદવમાં ખૂંપી રહ્યાં છે. પણ આપણે નેક કામો કરતા રહીએ. કેમ કે “યહોવા નેક લોકોને ચાહે છે.”—ગીત. ૧૪૬:૮.

તમે કેવો જવાબ આપશો?

  • નેક હોવું એટલે શું?

  • યહોવાનાં ધોરણો પાળવાથી શું ફાયદો થાય છે?

  • યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય કઈ રીતે દૃઢ કરી શકીએ?

ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે

a આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ખરાબ લોકો છે. પણ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ નેક છે અને સારાં કામો કરે છે. તમે પણ તેઓમાંના એક હશો. તમે નેક કામો કરો છો કેમ કે તમે યહોવાને બહુ પ્રેમ કરો છો અને તેમને નેક કામો ગમે છે. આ લેખમાં જોઈશું કે નેક હોવું એટલે શું. નેક કામો કરવાથી શું ફાયદો થાય છે. એ પણ શીખીશું કે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો આપણો નિર્ણય કઈ રીતે દૃઢ કરી શકીએ.

b અમુક કિસ્સામાં મંડળના વડીલોએ ન્યાય કરવો પડે છે. ખાસ કરીને કોઈ ગંભીર પાપ કરે ત્યારે. (૧ કોરીં. ૫:૧૧; ૬:૫; યાકૂ. ૫:૧૪, ૧૫) પણ વડીલો નમ્ર છે. તેઓ યાદ રાખે છે કે તેઓ વ્યક્તિના મનના વિચારો નથી જાણતા અને તેઓ યહોવા તરફથી ન્યાય કરે છે. (૨ કાળવૃત્તાંત ૧૯:૬ સરખાવો.) એટલે બીજાઓનો ન્યાય કરતી વખતે તેઓ યહોવાનાં ધોરણો ધ્યાનમાં રાખે છે અને ખરો નિર્ણય લેવાની કોશિશ કરે છે. તેઓ કોઈની સાથે ભેદભાવ નથી કરતા અને શક્ય હોય ત્યારે દયા બતાવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો