વાચકો તરફથી પ્રશ્નો
ગીતશાસ્ત્ર ૬૧:૮માં દાઉદે કીધું કે તે ઈશ્વરના નામનો “હંમેશ માટે” જયજયકાર કરશે. એટલે શું તેમને એવું લાગતું હતું કે તે ક્યારેય મરશે નહિ?
ના એવું ન હતું. દાઉદે એ શબ્દો આમ જ લખી દીધા ન હતા. તેમણે જે લખ્યું એ એકદમ સાચું હતું.
ગીતશાસ્ત્ર ૬૧:૮માં લખ્યું છે: “હું દરરોજ મારી માનતાઓ પૂરી કરીશ અને તમારા નામનો હંમેશ માટે જયજયકાર કરીશ.” દાઉદે બીજાં ગીતોમાં પણ એવું જ કંઈક લખ્યું: “હે યહોવા મારા ઈશ્વર, હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ. હું સદા તમારા નામનો મહિમા ગાઈશ.” “હું સદાને માટે તમારા નામની સ્તુતિ કરીશ.”—ગીત. ૮૬:૧૨; ૧૪૫:૧, ૨.
દાઉદે લખ્યું કે તે હંમેશ માટે યહોવાના નામનો જયજયકાર કરવા માંગે છે. તેમને એવું લાગતું ન હતું કે તે ક્યારેય મરશે નહિ. દાઉદ જાણતા હતા કે યહોવાએ જણાવ્યું હતું કે પાપ કરવાને લીધે માણસોનું મરણ થશે. દાઉદે પણ લખ્યું હતું કે તેમણે પોતે પાપ કર્યું છે. (ઉત. ૩:૩, ૧૭-૧૯; ગીત. ૫૧:૪, ૫) એટલે તે જાણતા હતા કે એક દિવસે તેમનું પણ મરણ થશે. તેમને ખબર હતી કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ જેવા વફાદાર ભક્તોનું પણ મરણ થયું હતું. તેમને ખ્યાલ હતો કે તેમનું જીવન પણ પળ-બે-પળનું છે. (ગીત. ૩૭:૨૫; ૩૯:૪) એટલે જ્યારે તેમણે ગીતશાસ્ત્ર ૬૧:૮ના શબ્દો લખ્યા ત્યારે તે કહેવા માંગતા હતા કે સદા માટે યહોવાની સ્તુતિ કરશે. તેમણે નક્કી કર્યું હતું કે છેલ્લા શ્વાસ સુધી તે એમ કરશે.—૨ શમુ. ૭:૧૨.
દાઉદે અમુક ગીતોમાં પોતાના જીવન વિશે લખ્યું. એ આપણને ગીતશાસ્ત્ર અધ્યાય ૧૮, ૫૧ અને ૫૨નાં ઉપરનાં લખાણોમાં જોવા મળે છે. ગીતશાસ્ત્ર અધ્યાય ૨૩માં તેમણે લખ્યું કે યહોવા એક ઘેટાંપાળક છે. તે પોતાના લોકોને સાચો માર્ગ બતાવે છે, તાજગી આપે છે અને તેઓનું રક્ષણ કરે છે. દાઉદ પોતે એક ઘેટાંપાળક હતા. એટલે તે સાફ જોઈ શક્યા કે કઈ રીતે યહોવા પોતાના લોકોને સંભાળે છે. દાઉદ “જીવનભર” તેમની ભક્તિ કરવા માંગતા હતા.—ગીત. ૨૩:૬.
ધ્યાન આપો કે દાઉદે જે લખ્યું, એ ઈશ્વરની પ્રેરણાથી લખ્યું હતું. તેમણે લખેલી ઘણી વાતો ભવિષ્યવાણીના રૂપમાં હતી. જેમ કે, ગીતશાસ્ત્ર ૧૧૦માં દાઉદે લખ્યું કે એવો સમય આવશે જ્યારે તેમના માલિક સ્વર્ગમાં ઈશ્વરના ‘જમણા હાથે બેસશે.’ તેમને ઘણો અધિકાર આપવામાં આવશે. દાઉદે એ પણ લખ્યું કે તેમના માલિક ઈશ્વરના દુશ્મનો પર જીત મેળવશે અને પૃથ્વીની બધી “પ્રજાઓનો ન્યાય કરીને સજા કરશે.” હકીકતમાં એ ભવિષ્યવાણી મસીહ વિશે હતી. મસીહ દાઉદના કુટુંબમાંથી આવવાના હતા. તે સ્વર્ગમાંથી રાજ કરવાના હતા અને “હંમેશ માટે યાજક” બનવાના હતા. (ગીત. ૧૧૦:૧-૬) ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ગીતશાસ્ત્ર ૧૧૦ની ભવિષ્યવાણી તેમના વિશે છે અને એ ભાવિમાં પૂરી થશે.—માથ. ૨૨:૪૧-૪૫.
એનો મતલબ એ કે દાઉદે યહોવાની પ્રેરણાથી પોતાના જમાના વિશે લખ્યું. તેમને ભાવિમાં ફરી જીવતા કરવામાં આવશે અને તે યહોવાના નામનો હંમેશ માટે જયજયકાર કરી શકશે, એ સમય વિશે પણ તેમણે લખ્યું. ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯ના શબ્દો વિશે પણ એવું જ કહી શકાય. એ શબ્દો જૂના જમાનામાં પૂરા થયા અને ભાવિમાં પણ પૂરા થશે. એ કલમોમાં જે માહોલ વિશે જણાવ્યું છે, એવો માહોલ એક સમયે ઇઝરાયેલમાં હતો. યહોવા ભાવિમાં પોતાનાં વચનો પૂરાં કરશે ત્યારે પણ આખી ધરતી પર એવો જ માહોલ હશે.—આ અંકમાં આપેલા આ લેખનો ફકરો ૮ જુઓ: “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.”
આમ ગીતશાસ્ત્ર ૬૧:૮ અને બીજી કલમોથી આપણે કહી શકીએ કે દાઉદ છેલ્લા શ્વાસ સુધી યહોવાના નામનો જયજયકાર કરવા માંગતા હતા. ભાવિમાં પણ તે એવું કરી શકશે. તેમને નવી દુનિયામાં ફરી જીવતા કરવામાં આવશે ત્યારે તે હંમેશ માટે યહોવાના નામનો જયજયકાર કરી શકશે.