અભ્યાસ લેખ ૭
બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવીએ
“નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? એ વાંચીને તને શું સમજણ પડી?”—લૂક ૧૦:૨૬.
ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ
ઝલકa
૧. કેમ કહી શકાય કે ઈસુ માટે શાસ્ત્ર ઘણું મહત્ત્વનું હતું?
જરા વિચારો, લોકોને ઈસુ પાસેથી શીખવાની કેટલી મજા આવતી હશે! તે અવાર-નવાર લોકોને શાસ્ત્રની વાતો જણાવતા, જે તેમને મોઢે હતી. અરે, બાપ્તિસ્મા પછી તેમણે કહેલા સૌ પ્રથમ શબ્દો અને મરણ અગાઉ કહેલા અમુક શબ્દો સીધેસીધા શાસ્ત્રમાંથી હતા.b (પુન. ૮:૩; ગીત. ૩૧:૫; લૂક ૪:૪; ૨૩:૪૬) એટલું જ નહિ, સાડા ત્રણ વર્ષના સેવાકાર્યમાં ઈસુએ લોકોને ઘણી વાર શાસ્ત્રના શબ્દો ટાંક્યા, એમાંથી વાંચી આપ્યું અને એનો અર્થ સમજાવ્યો.—માથ. ૫:૧૭, ૧૮, ૨૧, ૨૨, ૨૭, ૨૮; લૂક ૪:૧૬-૨૦.
ઈસુએ પોતાના જીવન દરમિયાન બતાવી આપ્યું કે શાસ્ત્રની વાતો માટે તેમના દિલમાં ઊંડો પ્રેમ હતો. તેમણે એ વાતોને જીવનમાં લાગુ પણ પાડી (ફકરો ૨ જુઓ)
૨. ઈસુ મોટા થતા ગયા તેમ શાસ્ત્રની વાતો સમજવા તેમને શાનાથી મદદ મળી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૨ ઈસુએ સેવાકાર્ય શરૂ કર્યું એનાં ઘણાં વર્ષો પહેલાંથી ઈસુ વારંવાર શાસ્ત્રવચનો વાંચતા અને એની વાતો સાંભળતા. નાનપણમાં તેમણે મમ્મી-પપ્પા યૂસફ અને મરિયમને ઘણી વાર શાસ્ત્રની વાતો કહેતા સાંભળ્યાં હશે.c (પુન. ૬:૬, ૭) આપણે પૂરી ખાતરીથી કહી શકીએ કે ઈસુ દર સાબ્બાથે કુટુંબ સાથે સભાસ્થાનમાં જતા હતા. (લૂક ૪:૧૬) જ્યારે સભાસ્થાનમાં શાસ્ત્રની વાતો વાંચી સંભળાવવામાં આવતી હશે, ત્યારે તે એને ધ્યાનથી સાંભળતા હશે. સમય જતાં, તે પોતે શાસ્ત્રવચનો વાંચવાનું શીખ્યા. એટલે તે શાસ્ત્રની વાતો વધારે સારી રીતે સમજી શક્યા, શાસ્ત્ર માટે પ્રેમ કેળવી શક્યા અને જીવનમાં લાગુ પાડી શક્યા. દાખલા તરીકે, ઈસુ ૧૨ વર્ષના હતા અને ધર્મગુરુઓની વચ્ચે મંદિરમાં બેઠા હતા એ બનાવ યાદ કરો. એ ધર્મગુરુઓ મૂસાના નિયમશાસ્ત્રના સારા જાણકાર હતા. પણ ‘ઈસુની સમજણ અને તેમના જવાબોને લીધે, ધર્મગુરુઓની નવાઈનો પાર ન રહ્યો.’—લૂક ૨:૪૬, ૪૭, ૫૨.
૩. આ લેખમાં શું જોઈશું?
૩ જો રોજ બાઇબલ વાંચીશું, તો આપણે પણ એને સારી રીતે સમજી શકીશું અને આપણાં દિલમાં એના માટે પ્રેમ વધારી શકીશું. પણ બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા શું કરી શકીએ? એનો જવાબ આપણને ઈસુએ નિયમશાસ્ત્રના જાણકાર લોકોને કહેલા શબ્દોથી મળે છે. તેઓમાં શાસ્ત્રીઓ, ફરોશીઓ અને સાદુકીઓ પણ હતા. તેઓ શાસ્ત્રમાંથી વારંવાર વાંચતા હતા, પણ એમાંથી ફાયદો મેળવી શકતા ન હતા. ઈસુએ તેઓને જે કહ્યું એનાથી એવી ત્રણ વાતો જાણવા મળે છે, જે તેઓએ કરવાની જરૂર હતી. જો આપણે પણ ઈસુની એ વાતો પર ધ્યાન આપીશું, તો (૧) જે વાંચીએ છીએ એ સમજી શકીશું, (૨) એમાંથી કીમતી રત્નો શોધી શકીશું અને (૩) વાંચેલી બાબતોને જીવનમાં લાગુ પાડી શકીશું. ચાલો એ વિશે વધારે જોઈએ.
બાઇબલ વાંચીએ અને એને સમજીએ
૪. લૂક ૧૦:૨૫-૨૯ના અહેવાલથી બાઇબલ વાંચવા વિશે શું શીખવા મળે છે?
૪ આપણે બાઇબલમાંથી જે વાંચીએ છીએ, એને સમજવા માંગીએ છીએ. એમ નહિ કરીએ તો પૂરેપૂરો ફાયદો નહિ થાય. ધ્યાન આપો, “નિયમશાસ્ત્રનો એક પંડિત” ઈસુ પાસે આવ્યો ત્યારે, તેઓ વચ્ચે કઈ વાતચીત થઈ. (લૂક ૧૦:૨૫-૨૯ વાંચો.) પેલા માણસે ઈસુને પૂછ્યું કે હંમેશ માટેનું જીવન મેળવવા તેણે શું કરવું જોઈએ. ઈસુએ શાસ્ત્ર તરફ ધ્યાન દોરતા તેને પૂછ્યું: “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? એ વાંચીને તને શું સમજણ પડી?” એ માણસે શાસ્ત્રમાંથી એકદમ સાચો જવાબ આપ્યો. તેણે કહ્યું કે ઈશ્વરને અને પડોશીને પ્રેમ કરવો જોઈએ. (લેવી. ૧૯:૧૮; પુન. ૬:૫) પણ પછી તેણે પૂછ્યું, “મારો પડોશી ખરેખર કોણ છે?” એ સવાલથી ખબર પડે છે કે તે શાસ્ત્ર વાંચતો તો હતો, પણ એનો અર્થ સમજતો ન હતો. એ કારણે તે શાસ્ત્રની વાતો લાગુ પાડી શક્યો નહિ.
જે વાંચીએ એને સમજવું એક કળા છે, એને કેળવીએ
૫. પ્રાર્થના કરવાથી અને ધીરે ધીરે વાંચવાથી કેવા ફાયદા થશે?
૫ જો અમુક સારી આદતો કેળવીશું, તો બાઇબલની વાતો વધારે સારી રીતે સમજી શકીશું. આપણે કેવી આદતો કેળવી શકીએ? બાઇબલ વાંચતા પહેલાં પ્રાર્થના કરીએ. યહોવા જ આપણને બાઇબલની વાતો સમજવા મદદ કરી શકે છે. એટલે પૂરા ધ્યાનથી બાઇબલ વાંચવા યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીએ. પછી જલદી જલદી નહિ, પણ ધીરે ધીરે વાંચીએ. એનાથી વાંચેલી માહિતી સમજવા મદદ મળશે. આપણે કદાચ થોડુંક મોટેથી વાંચી શકીએ અથવા બાઇબલનો ઑડિયો સાંભળવાની સાથે સાથે કલમો જોતા જઈ શકીએ. એમ કરીશું તો બાઇબલમાં લખેલી વાતો આપણાં દિલોદિમાગ પર છપાઈ જશે. (યહો. ૧:૮) બાઇબલ વાંચ્યા પછી ફરીથી પ્રાર્થના કરીએ. યહોવાએ બાઇબલની અનમોલ ભેટ આપી છે, એ માટે તેમનો આભાર માનીએ અને વાંચેલી વાતો જીવનમાં લાગુ પાડવા મદદ માંગીએ.
જે વાંચીએ એને સમજવા અને યાદ રાખવા કેમ નાની નાની નોંધ લેવી જોઈએ? (ફકરો ૬ જુઓ)
૬. પોતાને સવાલ પૂછવાથી અને નાની નાની નોંધ લેવાથી કેવા ફાયદા થશે? (ચિત્ર પણ જુઓ.)
૬ બાઇબલની વાતો સારી રીતે સમજવા આપણે બીજી બે બાબતો પણ કરી શકીએ. કોઈ અહેવાલ વાંચતી વખતે પોતાને અમુક સવાલો પૂછીએ. જેમ કે, આમાં મુખ્ય પાત્રો કોણ કોણ છે? કોણ વાત કરે છે? કોની સાથે વાત કરે છે? તે કેમ એવું કહે છે? એ બનાવ ક્યાં અને ક્યારે બની રહ્યો છે? આવા સવાલો પૂછવાથી મુખ્ય મુદ્દા પર વિચાર કરી શકીશું અને એને સારી રીતે સમજી શકીશું. આપણે બીજું શું કરી શકીએ? વાંચતી વખતે નાની નાની નોંધ લઈએ. કંઈક લખવા માટે વિચારવું પડે છે અને એનાથી વિચારો સારી રીતે સમજવા મદદ મળે છે. તેમ જ, એ લાંબા સમય સુધી યાદ પણ રહે છે. આપણે શું લખી શકીએ? આપણે અમુક સવાલો, જે સંશોધન કર્યું હોય એ અથવા અહેવાલમાંથી કોઈ ખાસ મુદ્દો જાણવા મળ્યો હોય તો એ લખી શકીએ. કોઈ કલમને ક્યાં અને કેવી રીતે વાપરીશું અથવા અહેવાલ વાંચીને કેવું લાગ્યું એ પણ લખી શકીએ. આ રીતે નોંધ લેવાથી બાઇબલની વાતો દિલને અસર કરશે અને આપણને લાગશે કે ‘યહોવા બાઇબલ દ્વારા મારી સાથે વાત કરે છે.’
૭. બાઇબલ વાંચનમાંથી ફાયદો મેળવવા આપણે શું કેળવવું જોઈએ અને કેમ? (હિબ્રૂઓ ૫:૧૪)
૭ બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા સમજશક્તિ કેળવવાની જરૂર છે. (હિબ્રૂઓ ૫:૧૪ વાંચો.) એમ કરીશું તો એક કલમના વિચારો કઈ રીતે બીજી કલમો સાથે જોડાયેલા છે અને એ કઈ રીતે અલગ છે એ પારખી શકીશું. તેમ જ, બાઇબલમાં જે સીધેસીધું નથી જણાવ્યું એ પણ પારખી શકીશું. વધુમાં કયા બનાવો બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરે છે, એ પારખવા પણ સમજશક્તિની જરૂર છે. આમ, સમજશક્તિ કેળવીશું તો બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવી શકીશું.
૮. કઈ રીતે સમજશક્તિ વાપરીને બાઇબલ વાંચી શકીએ?
૮ યહોવા પોતાના ભક્તોને સમજશક્તિ આપે છે. એટલે આપણે પણ યહોવા પાસે પ્રાર્થનામાં સમજશક્તિ માંગીએ. (નીતિ. ૨:૬) પ્રાર્થના કર્યા પછી એ પ્રમાણે પગલાં ભરીએ. બાઇબલ વાંચીએ ત્યારે એની માહિતી પર ધ્યાન આપીએ. વિચારીએ કે આપણે પહેલેથી જે જાણીએ છીએ એની સાથે આ માહિતી કઈ રીતે સંકળાયેલી છે. એ માટે યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા જેવાં સાહિત્યમાંથી સંશોધન કરી શકીએ. એમ કરીશું તો બાઇબલના અહેવાલો સારી રીતે સમજી શકીશું. તેમ જ, વાંચેલી માહિતીને કઈ રીતે લાગુ પાડવી એ પણ સમજી શકીશું. (હિબ્રૂ. ૫:૧૪) બાઇબલ વાંચતી વખતે સમજશક્તિ વાપરીશું તો આપણી સમજણ વધતી ને વધતી જશે.
બાઇબલ વાંચીએ અને એમાંથી કીમતી રત્નો શોધીએ
૯. સાદુકીઓએ શાસ્ત્રનું કયું મહત્ત્વનું શિક્ષણ નજરઅંદાજ કર્યું હતું?
૯ ઈસુના સમયના સાદુકીઓ હિબ્રૂ શાસ્ત્રવચનોનાં પહેલા પાંચ પુસ્તકોના સારા જાણકાર હતા. તોપણ એમાં આપેલાં અમુક મહત્ત્વના શિક્ષણને તેઓ માનતા ન હતા. એક દાખલો જોઈએ. ધ્યાન આપો કે, ગુજરી ગયેલા લોકોને જીવતા કરવા વિશે સાદુકીઓએ ઈસુને સવાલ પૂછ્યો ત્યારે ઈસુએ શું કહ્યું: “શું તમે મૂસાના પુસ્તકમાં નથી વાંચ્યું? ઈશ્વરે ઝાડવા પાસે તેમને આમ કહ્યું હતું: ‘હું ઇબ્રાહિમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું.’” (માર્ક ૧૨:૧૮, ૨૬) સાદુકીઓએ ચોક્કસ ઘણી વાર એ અહેવાલ વાંચ્યો હશે. પણ ઈસુએ પૂછેલા સવાલથી ખબર પડે છે કે તેઓએ શાસ્ત્રનું એક મહત્ત્વનું શિક્ષણ નજરઅંદાજ કર્યું હતું. એ હતું કે ગુજરી ગયેલા લોકોને ઈશ્વર જીવતા કરશે.—માર્ક ૧૨:૨૭; લૂક ૨૦:૩૮.d
૧૦. બાઇબલ વાંચતી વખતે આપણે શાના પર ધ્યાન આપવું જોઈએ?
૧૦ આપણે એ બનાવથી શું શીખી શકીએ? બાઇબલ વાંચીએ ત્યારે કોઈ કલમ કે અહેવાલમાંથી કેટલું બધું શીખી શકીએ છીએ એનો વિચાર કરીએ. આપણે બાઇબલના મૂળ શિક્ષણની સાથે સાથે બાઇબલની ઊંડી વાતો અને સિદ્ધાંતો પર ધ્યાન આપવું જોઈએ. એ વાતો તો જાણે શાસ્ત્રના ઊંડાણમાં છુપાયેલા રત્નો અને ખજાના જેવી છે.
૧૧. બાઇબલમાંથી કીમતી રત્નો શોધવા ૨ તિમોથી ૩:૧૬, ૧૭ કઈ રીતે મદદ કરે છે?
૧૧ બાઇબલમાંથી કીમતી રત્નો શોધવા શું કરી શકીએ? ધ્યાન આપો ૨ તિમોથી ૩:૧૬, ૧૭માં શું જણાવ્યું છે. (વાંચો.) ત્યાં લખ્યું છે: ‘આખું પવિત્ર શાસ્ત્ર શીખવવા, ઠપકો આપવા, સુધારવા અને શિસ્ત આપવા માટે ઉપયોગી છે.’ બાઇબલનો કોઈ અહેવાલ વાંચીએ ત્યારે આનો વિચાર કરીએ: એનાથી યહોવા વિશે કે તેમના હેતુ વિશે શું શીખવા મળે છે? બીજા કયા સિદ્ધાંતો શીખવા મળે છે? એ પણ જોવાની કોશિશ કરીએ કે યહોવા આપણને કઈ સલાહ કે ઠપકો આપે છે. પોતાને પૂછીએ: ‘શું મારામાં કોઈ ખોટી ઇચ્છા કે કોઈ ખોટું વલણ છે? એને દૂર કરવા હું શું કરી શકું અને કઈ રીતે યહોવાને વફાદાર રહી શકું?’ એના પર પણ ધ્યાન આપીએ કે એ અહેવાલ કઈ રીતે વિચારો સુધારવા મદદ કરે છે. જેમ કે પ્રચારમાં કોઈ વ્યક્તિએ ખોટો વિચાર રજૂ કર્યો હોય તો કઈ રીતે એને સુધારી શકીએ. એનો પણ વિચાર કરીએ કે શું આ અહેવાલમાંથી એવી કોઈ શિસ્ત મળે છે, જેનાથી આપણે પોતાના વિચારોમાં ફેરફાર કરીને યહોવા જેવા વિચારો કેળવી શકીએ. આમ, બાઇબલ વાંચતી વખતે આ ચાર મુદ્દાઓ પર ધ્યાન આપીશું તો ઘણાં કીમતી રત્નો શોધી શકીશું. કીમતી રત્નો એવા પુસ્તકોમાંથી પણ મળશે, જેનો આપણે ઓછો ઉપયોગ કરતા હોઈએ. બાઇબલ વાંચવાની આ રીતથી તમને ઘણો ફાયદો થશે.
બાઇબલ વાંચીએ અને જીવનમાં લાગુ પાડીએ
૧૨. ઈસુએ ફરોશીઓને કેમ આ સવાલ પૂછ્યો, “શું તમે નથી વાંચ્યું?”
૧૨ એકવાર ઈસુએ ફરોશીઓને પણ સવાલ પૂછ્યો: “શું તમે નથી વાંચ્યું?” (માથ. ૧૨:૧-૭)e તેઓ શાસ્ત્રનો ખોટો અર્થ કાઢતા હતા, એટલે ઈસુએ આ સવાલ પૂછ્યો. એ વખતે ફરોશીઓએ ઈસુના શિષ્યો પર આરોપ મૂક્યો હતો કે તેઓ સાબ્બાથનો નિયમ પાળતા નથી. ઈસુએ તેઓને શાસ્ત્રમાંથી બે દાખલા આપ્યા અને હોશિયાના પુસ્તકમાં લખેલી એક વાત પણ જણાવી. આમ, તેમણે બતાવ્યું કે તેઓ દયા બતાવતા ન હતા અને સાબ્બાથનો નિયમ કેમ આપવામાં આવ્યો હતો એ સમજતા ન હતા. ફરોશીઓ કેમ શાસ્ત્રની વાતો પોતાના જીવનમાં લાગુ પાડી ન શક્યા? કેમ કે તેઓ ઘમંડી હતા અને બીજાઓમાં ભૂલો શોધવા શાસ્ત્ર વાંચતા હતા. એના લીધે તેઓ જે વાંચતા હતા એનો ખરો અર્થ સમજી શકતા ન હતા.—માથ. ૨૩:૨૩; યોહા. ૫:૩૯, ૪૦.
૧૩. આપણે કેવા ઇરાદાથી બાઇબલ વાંચવું જોઈએ અને કેમ?
૧૩ ઈસુએ ફરોશીઓને જે કહ્યું એનાથી શીખવા મળે છે કે આપણે સારા ઇરાદાથી બાઇબલ વાંચવું જોઈએ. આપણે ફરોશીઓ જેવા નહિ, પણ નમ્ર બનવું જોઈએ અને શીખવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. ‘ઈશ્વર આપણાં દિલમાં સંદેશો રોપે ત્યારે નમ્રતાથી એને સ્વીકારવો જોઈએ.’ (યાકૂ. ૧:૨૧) નમ્ર હોઈશું તો બાઇબલની વાતો આપણાં દિલને અસર કરશે. આપણે ઘમંડી ન બનીએ અથવા બીજાઓની ભૂલો શોધવા બાઇબલ ન વાંચીએ. એમ કરીશું તો જ બીજાઓને દયા, કરુણા અને પ્રેમ બતાવી શકીશું.
કઈ રીતે પારખી શકીએ કે આપણે બાઇબલની વાતો જીવનમાં લાગુ પાડીએ છીએ કે નહિ? (ફકરો ૧૪ જુઓ)f
૧૪. બાઇબલની વાતો જીવનમાં લાગુ પાડીએ છીએ કે નહિ એ કઈ રીતે પારખી શકીએ? (ચિત્રો પણ જુઓ.)
૧૪ બીજાઓ સાથે કઈ રીતે વર્તીએ છીએ, એનાથી પણ ખબર પડશે કે બાઇબલની વાતોને જીવનમાં લાગુ પાડીએ છીએ કે નહિ. ઈશ્વરે શાસ્ત્રમાં લખાવેલી વાતોને ફરોશીઓએ જીવનમાં લાગુ ન પાડી. એટલે તેઓએ “નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા.” (માથ. ૧૨:૭) આપણે બીજાઓ વિશે શું વિચારીએ છીએ અથવા તેઓ સાથે કઈ રીતે વર્તીએ છીએ, એનાથી જાણી શકીશું કે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે પોતાને ઢાળ્યા છે કે નહિ. પોતાને પૂછી શકીએ: ‘શું હું બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપું છું? શું હું તેઓના વખાણ કરું છું, કે પછી તરત તેઓની ભૂલો જણાવવા બેસી જાઉં છું? જો બીજાઓથી ભૂલ થઈ જાય, તો શું હું દયા બતાવું છું અને માફ કરવા તૈયાર રહું છું, કે પછી તેઓના વાંક કાઢું છું અને મનમાં ખાર ભરી રાખું છું?’ આવા સવાલોથી પારખી શકીશું કે આપણાં વિચારો, લાગણીઓ અને કાર્યોમાં બાઇબલની વાતો લાગુ પાડીએ છીએ કે નહિ.—૧ તિમો. ૪:૧૨, ૧૫; હિબ્રૂ. ૪:૧૨.
બાઇબલ વાંચીને ખુશી મેળવીએ
૧૫. ઈસુને પવિત્ર શાસ્ત્ર વિશે કેવું લાગતું હતું?
૧૫ ઈસુ પવિત્ર શાસ્ત્રના શિક્ષણને ખૂબ વહાલું ગણતા હતા. ગીતશાસ્ત્ર ૪૦:૮માં એ વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ત્યાં લખ્યું છે: “હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવામાં જ મારી ખુશી છે. તમારો નિયમ મારા દિલમાં છે.” એ કારણે ઈસુ ખુશ રહી શક્યા, વફાદારીથી યહોવાની ભક્તિ કરી શક્યા અને દરેક કામમાં સફળ થઈ શક્યા. જો આપણે પણ ઈશ્વરના શબ્દ બાઇબલને વાંચીશું અને એને વહાલું ગણીશું તો ખુશ રહી શકીશું અને દરેક કામમાં સફળ થઈ શકીશું.—ગીત. ૧:૧-૩.
૧૬. બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા તમે કયાં સૂચનો લાગુ પાડશો? (“જે વાંચીએ એને સમજવા ઈસુના શબ્દો પર ધ્યાન આપીએ” બૉક્સ જુઓ.)
૧૬ આ લેખમાં આપણે ઈસુના દાખલા પર અને તેમણે કહેલી વાતો પર ધ્યાન આપ્યું. ચાલો એને યાદ રાખીએ અને બાઇબલને વધારે સારી રીતે વાંચવાની કોશિશ કરીએ. બાઇબલનો કોઈ અહેવાલ સમજવા પ્રાર્થના કરીએ, ધીરે ધીરે વાંચીએ, સવાલો પૂછીએ અને નાની નાની નોંધ લઈએ. બાઇબલ વાંચીએ ત્યારે સમજશક્તિ વાપરીએ અને જે વાંચીએ એના પર ઊંડો વિચાર કરીએ. એ માટે સાહિત્યમાં સંશોધન કરી શકીએ. બાઇબલ ઉપરછલ્લું વાંચી જવાને બદલે કીમતી રત્નો શોધવાની કોશિશ કરીએ. જે અહેવાલો વિશે આપણે વધારે જાણતા ન હોઈએ, એમાંથી પણ રત્નો શોધીએ. આમ, આપણને ઘણું શીખવા મળશે. તેમ જ, સારા ઇરાદાથી બાઇબલ વાંચીશું તો એની વાતોને જીવનમાં લાગુ પાડી શકીશું. આ બધું ધ્યાનમાં રાખીશું તો બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવી શકીશું અને યહોવાની નજીક જઈ શકીશું.—ગીત. ૧૧૯:૧૭, ૧૮; યાકૂ. ૪:૮.
ગીત ૪૩ જાગતા રહીએ
a યહોવાના બધા ભક્તો રોજ બાઇબલ વાંચવાની પૂરી કોશિશ કરે છે. બીજા ઘણા લોકો પણ બાઇબલ વાંચે છે, પણ તેઓ જે વાંચે છે એ સમજતા નથી. ઈસુના સમયમાં પણ એવા લોકો હતા. ચાલો જોઈએ કે ઈસુએ તેઓને શું કહ્યું. એનાથી શીખવા મળશે કે બાઇબલ વાંચનમાંથી કઈ રીતે પૂરેપૂરો ફાયદો મેળવી શકીએ.
b ઈસુના બાપ્તિસ્મા વખતે તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા. એ સમયે યહોવાએ એવું કંઈક કર્યું, જેનાથી ઈસુને સ્વર્ગની બધી વાતો યાદ આવી ગઈ.—માથ. ૩:૧૬.
c મરિયમ શાસ્ત્રના સારાં જાણકાર હતાં, એટલે તે અવાર-નવાર શાસ્ત્રનો ઉલ્લેખ કરતા હતાં. (લૂક ૧:૪૬-૫૫) કદાચ યૂસફ અને મરિયમ પાસે એટલા પૈસા ન હતા કે તેઓ શાસ્ત્રના વીંટાઓ ખરીદી શકે. એટલે સભાસ્થાનમાં શાસ્ત્રમાંથી વાંચવામાં આવતું હશે ત્યારે તેઓ ધ્યાનથી સાંભળતા હશે, જેથી એને યાદ રાખી શકે.
d એપ્રિલ-જૂન, ૨૦૧૩ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “ઈશ્વરની પાસે આવો—‘તે જીવતાંઓના ઈશ્વર છે.’”
e માથ્થી ૧૯:૪-૬ પણ જુઓ. અહીં ઈસુએ ફરોશીઓને એ જ સવાલ પૂછ્યો: “શું તમે નથી વાંચ્યું?” ફરોશીઓએ શાસ્ત્રમાંથી સૃષ્ટિની રચનાનો અહેવાલ ઘણી વાર વાંચ્યો હશે, પણ તેઓ એ સમજી ન શક્યા કે ઈશ્વર લગ્નને કેવું ગણે છે.
f ચિત્રની સમજ: પ્રાર્થનાઘરમાં સભા વખતે ઑડિયો-વીડિયો સંભાળતા એક ભાઈથી ઘણી ભૂલો થાય છે. સભા પછી બીજા ભાઈઓ તેમની ભૂલ બતાવવાને બદલે તેમની મહેનતના વખાણ કરે છે.