વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 મે પાન ૨૬-૩૧
  • તમે તમારા ધ્યેયો પૂરા કરી શકો છો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે તમારા ધ્યેયો પૂરા કરી શકો છો!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઇરાદો પાકો હોવો જરૂરી છે
  • ઇરાદો નબળો પડવા લાગે ત્યારે
  • ધ્યેય પૂરો કરવામાં મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત ન હારો
  • ધ્યેય રાખીએ અને એ પૂરો કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યુવાનો—શું તમે પરમેશ્વરની સેવામાં પ્રગતિ કરો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • જીવનમાં તમને શું કરવું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • મારા ધ્યેયો પૂરા કરવા હું શું કરું?
    સજાગ બનો!—૨૦૧૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 મે પાન ૨૬-૩૧

અભ્યાસ લેખ ૨૪

તમે તમારા ધ્યેયો પૂરા કરી શકો છો!

“તેથી સારું કરવાનું પડતું ન મૂકીએ, કેમ કે જો આપણે થાકીએ નહિ, તો નક્કી કરેલા સમયે લણીશું.”—ગલા. ૬:૯.

ગીત ૧૫૦ દિલ રેડી દઈએ

ઝલકa

૧. આપણામાંથી ઘણાએ કઈ મુશ્કેલીનો સામનો કર્યો છે?

આપણે બધા યહોવાને ખુશ કરવા અને તેમની સેવામાં બનતું બધું કરવા ચાહીએ છીએ. એટલે આપણે કદાચ અમુક ધ્યેયો રાખીએ. જેમ કે, કોઈ ગુણ કેળવવો, રોજ બાઇબલ વાંચવું, સારી રીતે જાતે અભ્યાસ કરવો અથવા પ્રચારમાં પોતાની આવડત નિખારવી. બની શકે કે તમે પણ આવો કોઈ ધ્યેય રાખ્યો હોય, પણ એને પૂરો કરવો હવે અઘરું લાગતું હોય. જો એમ હોય તો તમે એકલા નથી. ચાલો અમુક ભાઈ-બહેનોના દાખલા પર ધ્યાન આપીએ. ફિલિપભાઈએ પ્રાર્થના વિશે ધ્યેય રાખ્યો હતો. તે વધારે વાર અને વધારે સારી રીતે પ્રાર્થના કરવા માંગતા હતા. પણ પ્રાર્થના માટે તેમની પાસે સમય જ બચતો ન હતો. એરિકાબહેને ધ્યેય રાખ્યો હતો કે તે પ્રચાર માટેની દરેક સભામાં સમયસર પહોંચશે. પણ લગભગ બધી જ સભામાં તેમને મોડું થઈ જતું હતું. તોમાસભાઈએ આખું બાઇબલ વાંચવાનો ધ્યેય રાખ્યો હતો. પણ ભાઈ જણાવે છે: “મને બાઇબલ વાંચવામાં મજા જ આવતી ન હતી. મેં ત્રણ વાર બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. પણ દરેક વખતે હું લેવીયના પુસ્તકથી આગળ વધી જ ન શક્યો.”

૨. તમે હમણાં સુધી ધ્યેય પૂરો કરી શક્યા ન હો તો, કેમ નિરાશ ન થવું જોઈએ?

૨ જો તમે કોઈ ધ્યેય રાખ્યો હોય અને એ પૂરો ન કરી શક્યા હો, તો એવું ન વિચારશો કે તમે કંઈ નહિ કરી શકો. નાના ધ્યેયો પૂરા કરવા પણ ઘણી મહેનત અને સમય લાગે છે. તોપણ તમે તમારો ધ્યેય પૂરો કરવા પ્રયત્ન કરો છો, એ બતાવે છે કે તમે યહોવા સાથેના તમારા સંબંધને કીમતી ગણો છો. એનાથી એ પણ દેખાઈ આવે છે કે તમે યહોવાની સેવામાં બનતું બધું કરવા માંગો છો. યહોવા તમારી મહેનતની ઘણી કદર કરે છે. તે તમારી પાસે એવા કોઈ કામની આશા નથી રાખતા, જેને તમે કરી ન શકો. (ગીત. ૧૦૩:૧૪; મીખા. ૬:૮) એટલે પોતાના સંજોગોને ધ્યાનમાં રાખીને એવા ધ્યેયો રાખો, જે તમે પૂરા કરી શકો. ચાલો અમુક સૂચનો જોઈએ, જે તમને તમારા ધ્યેય પૂરા કરવા મદદ કરશે.

ઇરાદો પાકો હોવો જરૂરી છે

એક માણસ નાની હોડીમાં છે, જેના સઢ ખુલ્લા છે.

ઇરાદો પાકો કરવા પ્રાર્થના કરો (ફકરા ૩-૪ જુઓ)

૩. ઇરાદો પાકો હોવો કેમ જરૂરી છે?

૩ કોઈ ધ્યેય પૂરો કરવા પાકો ઇરાદો હોવો ખૂબ જરૂરી છે. જ્યારે એક વ્યક્તિનો ધ્યેય પૂરો કરવાનો ઇરાદો પાકો હોય છે, ત્યારે તે ખૂબ મહેનત કરે છે. આપણા ઇરાદાને પવન સાથે સરખાવી શકીએ. પવનની મદદથી હોડી પોતાની મંજિલે પહોંચી શકે છે. પવન વહેતો રહેશે તો નાવિક પોતાની મંજિલ સુધી ચોક્કસ પહોંચી શકશે. પણ જો પવન વધારે જોરથી ફૂંકાય, તો તે કદાચ જલદી પહોંચી જશે. એવી જ રીતે, ઇરાદો પાકો હશે તો, પોતાનો ધ્યેય જલદી પૂરો કરી શકીશું. અલ સાલ્વાડોરમાં રહેતા ડેવિડભાઈ કહે છે: “જ્યારે તમારામાં કંઈક કરવાનો પાકો ઇરાદો હોય છે, ત્યારે તમે એના માટે તનતોડ મહેનત કરો છો. તમે કોઈ પણ વસ્તુને એની આડે આવવા દેતા નથી.” ઇરાદો વધારે પાકો કરવા તમે શું કરી શકો?

૪. આપણે શાના માટે પ્રાર્થના કરી શકીએ? (ફિલિપીઓ ૨:૧૩) (ચિત્ર પણ જુઓ.)

૪ તમારો ઇરાદો વધારે પાકો થાય એ માટે પ્રાર્થના કરો. તમે યહોવાને પ્રાર્થના કરશો ત્યારે તે તમને પવિત્ર શક્તિ આપશે. એનાથી ધ્યેય પૂરો કરવાનો તમારો ઇરાદો વધારે પાકો થશે. (ફિલિપીઓ ૨:૧૩ વાંચો.) ક્યારેક આપણને થાય, ‘મારે આ કામ તો કરવું જ જોઈએ.’ એટલે એને પૂરું કરવા આપણે એક ધ્યેય બાંધીએ છીએ. એમ કરવું કંઈ ખોટું નથી. પણ બની શકે કે એ ધ્યેય પૂરો કરવાની આપણી ઇચ્છા જ ન હોય. યુગાન્ડામાં રહેતાં નોરીનબહેન સાથે પણ એવું જ થયું. તેમણે બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો ધ્યેય રાખ્યો હતો. પણ તેમને એમ કરવાની ઇચ્છા જ થતી ન હતી. તેમને લાગતું હતું કે તે સારી રીતે શીખવી નહિ શકે. પણ તેમને શાનાથી મદદ મળી? તે કહે છે: “હું દરરોજ યહોવાને પ્રાર્થના કરતી કે તે મારા દિલમાં કોઈનો બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઇચ્છા જગાડે. હું શીખવવાની કળા નિખારવા મહેનત પણ કરવા લાગી. થોડા મહિનાઓ પછી મેં જોયું કે બાઇબલ અભ્યાસ શરૂ કરવાની મારી ઇચ્છા વધી છે. એ જ વર્ષે મેં બે અભ્યાસ શરૂ કર્યા.”

૫. શાના પર મનન કરવાથી ઇરાદો વધારે પાકો કરી શકીએ?

૫ યહોવાએ અત્યાર સુધી તમારા માટે જે કર્યું, એના પર મનન કરો. (ગીત. ૧૪૩:૫) પ્રેરિત પાઉલે વિચાર્યું કે યહોવાએ કઈ રીતે તેમને અપાર કૃપા બતાવી. એનાથી યહોવાની ભક્તિમાં બનતું બધું કરવાનો તેમનો ઇરાદા પાકો થયો. (૧ કોરીં. ૧૫:૯, ૧૦; ૧ તિમો. ૧:૧૨-૧૪) એવી જ રીતે, યહોવાએ તમારા માટે જે કર્યું છે એના પર જેટલું વધારે મનન કરશો, તો ધ્યેય પૂરો કરવાનો તમારો ઇરાદો પણ એટલો જ પાકો થશે. (ગીત. ૧૧૬:૧૨) ધ્યાન આપો, હૉંડ્યુરસમાં રહેતાં એક બહેનને કઈ વાતથી મદદ મળી. તેમણે પાયોનિયરીંગ કરવાનો ધ્યેય રાખ્યો હતો. તે કહે છે: “મેં વિચાર્યું કે યહોવા મને કેટલો પ્રેમ કરે છે. તેમણે મને પોતાના કુટુંબનો ભાગ બનાવી છે. તેમને મારી ચિંતા છે અને તે મારું રક્ષણ કરે છે. એ બધા પર મનન કરવાથી યહોવા માટેનો મારો પ્રેમ વધ્યો અને ધ્યેય પૂરો કરવાનો ઇરાદો વધારે પાકો થયો.”

૬. ધ્યેય પૂરો કરવાનો ઇરાદો પાકો કરવા બીજું શું કરી શકીએ?

૬ ધ્યેય પૂરો કરવાથી કેવા ફાયદા થશે, એનો વિચાર કરો. આપણે એરિકાબહેન વિશે અગાઉ જોઈ ગયા. તેમણે ધ્યેય રાખ્યો હતો કે તે સમયસર પ્રચાર માટેની સભામાં પહોંચશે. તે કહે છે: “મેં વિચાર્યું કે મોડા પહોંચવાથી હું કેટલું બધું ગુમાવું છું. જો હું વહેલી પહોંચું, તો ભાઈ-બહેનોને મળી શકીશ અને તેઓ સાથે સમય વિતાવી શકીશ. પ્રચારમાં મારી ખુશી વધારવા અને આવડત કેળવવા જે સરસ સલાહ-સૂચનો મળે છે, એને સાંભળી શકીશ.” સમયસર પહોંચવાના ફાયદા પર વિચાર કરવાથી બહેનને ધ્યેય પૂરો કરવા મદદ મળી. તમે કયા ફાયદા વિશે વિચારી શકો? જો તમે બાઇબલ વાંચવા વિશે અથવા પ્રાર્થના વિશે ધ્યેય રાખ્યો હોય, તો વિચારી શકો કે એનાથી યહોવા સાથેનો તમારો સંબંધ કેટલો મજબૂત થશે. (ગીત. ૧૪૫:૧૮, ૧૯) જો તમે કોઈ સારો ગુણ કેળવવાનો ધ્યેય રાખ્યો હોય, તો વિચારો કે એનાથી ભાઈ-બહેનો સાથેનો તમારો સંબંધ કેટલો મજબૂત થશે. (કોલો. ૩:૧૪) તમે જે કારણોને લીધે ધ્યેય રાખ્યો છે, એનું એક લિસ્ટ બનાવી શકો. પછી એ લિસ્ટને વારંવાર જોતા રહો. આપણે તોમાસભાઈ વિશે અગાઉ જોઈ ગયા. તે કહે છે: “ધ્યેય પૂરો કરવાના જેટલાં વધારે કારણો હોય છે, હું એટલી વધારે મહેનત કરું છું.”

૭. હુલિયોભાઈ અને તેમનાં પત્નીને ધ્યેય પૂરો કરવા શાનાથી મદદ મળી?

૭ ધ્યેય પૂરો કરવા મદદ કરે એવા લોકો સાથે સમય વિતાવો. (નીતિ. ૧૩:૨૦) હુલિયોભાઈ અને તેમનાં પત્નીએ જ્યાં વધારે જરૂર છે ત્યાં જઈને સેવા આપવાનો ધ્યેય રાખ્યો હતો. તેઓને ક્યાંથી મદદ મળી? ભાઈ કહે છે: “અમે એવા દોસ્તો બનાવ્યા, જેઓ અમને ધ્યેય પૂરો કરવા ઉત્તેજન આપતા. અમે તેઓ સાથે અમારા ધ્યેય વિશે દિલ ખોલીને વાત કરતા. એમાંના ઘણા દોસ્તોએ અમારા જેવો જ ધ્યેય રાખ્યો હતો અને એને પૂરો કર્યો હતો. એટલે તેઓ અમને સારી સલાહ આપી શક્યા. તેઓ અમને થોડા થોડા સમયે પૂછતા કે બધું કેવું ચાલી રહ્યું છે. અમને જરૂરી ઉત્તેજન પણ આપતા.”

ઇરાદો નબળો પડવા લાગે ત્યારે

પહેલા ચિત્રમાં બતાવેલો માણસ હલેસાંથી હોડી ચલાવી રહ્યો છે.

ધ્યેય પૂરો કરવા મહેનત કરો (ફકરો ૮ જુઓ)

૮. મન થાય ત્યારે જ ધ્યેય પૂરો કરવા મહેનત કરીશું તો શું થઈ શકે? (ચિત્ર પણ જુઓ.)

૮ આપણાં બધાનાં જીવનમાં એવા દિવસો આવે છે, જ્યારે આપણને ધ્યેય પૂરો કરવાનું મન ન થાય. શું એનો એવો અર્થ થાય કે એ સમયે ધ્યેય પૂરો કરવા આપણે કંઈ નથી કરી શકતા? ના, એવું નથી. ચાલો પવનના દાખલા પર ફરી વિચાર કરીએ. પવનમાં જોરદાર શક્તિ હોય છે. એની મદદથી હોડી પોતાની મંજિલે પહોંચી શકે છે. પણ અમુક વાર પવન બહુ જોરથી ફૂંકાય છે, તો અમુક વાર પવન હોતો જ નથી. શું એનો એવો અર્થ થાય કે નાવિક આગળ વધી જ ન શકે? ના! અમુક હોડીમાં મોટર હોય છે, તો અમુક હોડીમાં હલેસાં હોય છે. એની મદદથી નાવિક પોતાની મંજિલ તરફ આગળ વધી શકે છે. આપણા ઇરાદાને પવન સાથે સરખાવી શકીએ. અમુક વાર આપણને ઘણું બધું કરવાનું મન થાય, તો અમુક વાર આપણને કંઈ જ કરવાનું મન ન થાય. જો આપણે વિચારીશું કે મન થશે ત્યારે મહેનત કરીશું, તો કદાચ પોતાનો ધ્યેય ક્યારેય પૂરો નહિ કરી શકીએ. ભલે કંઈ કરવાનું મન ન થાય, પણ નાવિકનો વિચાર કરો. નાવિક મંજિલે પહોંચવા અલગ અલગ સાધનો વાપરે છે, તેમ આપણે પણ ધ્યેય પૂરો કરવા અલગ અલગ રીતો અપનાવી શકીએ. બની શકે કે આપણે પોતાના પર કડક નજર રાખવી પડે. એમ કરવું કદાચ સહેલું ન હોય, પણ એનાથી આપણે ધ્યેય પૂરો કરી શકીશું. પણ ચાલો અમુક રીતો જોતાં પહેલાં, એક મહત્ત્વના સવાલ પર વિચાર કરીએ.

૯. ધ્યેય પૂરો કરવાની ઇચ્છા ન થાય તોપણ શું મહેનત કરતા રહેવું જોઈએ? સમજાવો.

૯ યહોવા ચાહે છે કે આપણે રાજીખુશીથી અને દિલથી તેમની સેવા કરીએ. (ગીત. ૧૦૦:૨; ૨ કોરીં. ૯:૭) તો પછી ધ્યેય પૂરો કરવાની ઇચ્છા ન થાય તોપણ શું મહેનત કરતા રહેવું જોઈએ? ચાલો, પ્રેરિત પાઉલનો દાખલો જોઈએ. તેમણે કહ્યું: “હું મારા શરીરને કડક શિસ્ત આપું છું. અને એને ગુલામ બનાવીને કાબૂમાં રાખું છું.” (૧ કોરીં. ૯:૨૫-૨૭) પાઉલને જ્યારે યહોવાની ઇચ્છા પ્રમાણે કરવાનું મન ન થતું, ત્યારે તે પોતાના પર કાબૂ રાખતા અને ખરું હોય એ કરતા હતા. શું યહોવા તેમનાથી ખુશ થયા? હા, ચોક્કસ! યહોવાએ તેમની મહેનતનું ઇનામ આપ્યું.—૨ તિમો. ૪:૭, ૮.

૧૦. ધ્યેય પૂરો કરવાનું મન ન થાય તોપણ મહેનત કરવાથી કેવા ફાયદા થાય છે?

૧૦ ભલે ધ્યેય પૂરો કરવાનું મન ન થાય, તોપણ ધ્યેય પાછળ મહેનત કરીએ છીએ ત્યારે, યહોવા ખૂબ ખુશ થાય છે. આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ એટલે મન લગાડીને કામ કરીએ છીએ, પછી ભલે આપણને હંમેશાં એ કામ કરવું ગમતું ન હોય. યહોવા પણ એ વાત સારી રીતે જાણે છે. એટલે આપણને મહેનત કરતા જોઈને તે ખુશ થાય છે. (ગીત. ૧૨૬:૫) જ્યારે આપણે અનુભવીએ છીએ કે યહોવા આપણી મહેનત પર આશીર્વાદ આપી રહ્યા છે, ત્યારે આપણો ઇરાદો વધારે પાકો થાય છે. પોલૅન્ડમાં રહેતાં લુસિનાબહેન જણાવે છે: “અમુક વાર મને પ્રચારમાં જવાનું મન નથી થતું, ખાસ કરીને હું થાકેલી હોઉં ત્યારે. પણ પ્રચારમાં ગયા પછી મને એવી ખુશી મળે છે, જેને હું શબ્દોમાં કહી નથી શકતી.” ચાલો, હવે જોઈએ કે ધ્યેય પૂરો કરવાનો ઇરાદો નબળો પડવા લાગે ત્યારે શું કરી શકીએ.

૧૧. યહોવા કઈ રીતે સંયમનો ગુણ કેળવવા મદદ કરી શકે?

૧૧ સંયમ કેળવવા પ્રાર્થના કરો. સંયમનો અર્થ થાય પોતાની લાગણીઓ અને કામો પર કાબૂ રાખવો. સામાન્ય રીતે, એક વ્યક્તિ પોતાને કંઈક ખોટું કરતા અટકાવે ત્યારે કહી શકીએ કે તેણે સંયમ રાખ્યો છે. જોકે સારા કામ કરવા પણ સંયમ જરૂરી છે. ખાસ કરીને, આપણને કંઈ કરવાનું મન ન થતું હોય અથવા કોઈ કામ કરવું અઘરું લાગતું હોય ત્યારે, સંયમની જરૂર પડે છે. યાદ રાખો, સંયમ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતો ગુણ છે. એટલે પ્રાર્થનામાં યહોવા પાસે પવિત્ર શક્તિ માંગો, જેથી આ મહત્ત્વનો ગુણ કેળવી શકો. (લૂક ૧૧:૧૩; ગલા. ૫:૨૨, ૨૩) આપણે ડેવિડભાઈ વિશે અગાઉ જોઈ ગયા. તે નિયમિત રીતે જાતે અભ્યાસ કરવા માંગતા હતા. તે જણાવે છે કે તેમને પ્રાર્થનાથી કઈ રીતે મદદ મળી. તે કહે છે: “હું યહોવાને પ્રાર્થના કરતો કે મને સંયમનો ગુણ કેળવવા મદદ કરે. યહોવાની મદદથી હું અભ્યાસનું સારું શેડ્યુલ બનાવી શક્યો અને એ પ્રમાણે કરી શક્યો.”

૧૨. સભાશિક્ષક ૪:૧૧માં આપેલો સિદ્ધાંત આપણને ધ્યેય પૂરો કરવા કઈ રીતે મદદ કરે છે?

૧૨ એવું ન વિચારો કે બધું સારું હશે ત્યારે કંઈક કરીશું. સંજોગો દરેક રીતે સારા હોય, એવું કદાચ આજની દુનિયામાં ન થાય. એટલે સારા સંજોગોની રાહ જોતા રહીશું તો, કદાચ ધ્યેય પૂરો નહિ કરી શકીએ. (સભાશિક્ષક ૧૧:૪ વાંચો.) ડેનિયલભાઈ કહે છે: “એકદમ સારા સંજોગો ક્યારેય નથી આવવાના. એટલે આપણે રાહ જોવાને બદલે, કામ શરૂ કરી દેવું જોઈએ.” આપણે શા માટે કામમાં ઢીલ ન કરવી જોઈએ, એના બીજાં એક કારણ પર ધ્યાન આપો. એ વિશે યુગાન્ડામાં રહેતા પૉલભાઈ કહે છે: “મુશ્કેલીઓ હોવા છતાં કામ શરૂ કરવાથી, આપણે યહોવાને મોકો આપીએ છીએ કે તે આપણને આશીર્વાદ આપે.”—માલા. ૩:૧૦.

૧૩. નાના નાના ધ્યેયો રાખવાથી કેવા ફાયદા થઈ શકે?

૧૩ નાના નાના ધ્યેય રાખો. બની શકે કે આપણે જે ધ્યેય રાખ્યો હોય એને પૂરો કરવો બહુ અઘરું લાગે. એના લીધે મહેનત કરવાનું મન જ ન થાય. જો તમને પણ એવું લાગતું હોય તો શું કરી શકો? તમે તમારા ધ્યેયને નાનાં નાનાં કામોમાં વહેંચી શકો. દાખલા તરીકે, જો તમે કોઈ ગુણ કેળવવાનો ધ્યેય રાખ્યો હોય, તો શરૂઆતમાં નાની નાની બાબતોમાં એ ગુણ બતાવી શકો. જો તમે આખું બાઇબલ વાંચવાનો ધ્યેય રાખ્યો હોય, તો શરૂઆતમાં થોડી થોડી કલમો વાંચવાનું શેડ્યુલ બનાવી શકો. અગાઉ તોમાસભાઈ વિશે જોઈ ગયા. તેમણે એક વર્ષમાં આખું બાઇબલ વાંચવાનો ધ્યેય રાખ્યો હતો. પણ તે એને પૂરો કરી શકતા ન હતા. તે કહે છે: “મને અહેસાસ થયો કે મેં એક સાથે ઘણું બધું વાંચવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે મેં ફરી વાંચવાનું શરૂ કર્યું. આ વખતે મેં દરરોજ થોડી થોડી કલમો વાંચવાનું અને એના પર મનન કરવાનું વિચાર્યું. આમ, બાઇબલ વાંચવામાં મને મજા આવવા લાગી.” જેમ જેમ તોમાસભાઈની ખુશી વધતી ગઈ, તેમ તેમ તે વધારે સમય બાઇબલ વાંચવા લાગ્યા. આખરે, તેમણે બાઇબલ પૂરું કર્યું.b

ધ્યેય પૂરો કરવામાં મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત ન હારો

૧૪. આપણી સામે કઈ મુશ્કેલીઓ આવી શકે?

૧૪ ભલે આપણો ઇરાદો એકદમ પાકો હોય અથવા આપણે પોતાના પર કડક નજર રાખીએ, પણ મુશ્કેલીઓ ગમે ત્યારે આવી શકે છે. દાખલા તરીકે, અમુક ‘અણધાર્યા સંજોગોનો’ સામનો કરવો પડે, જે આપણો વધારે પડતો સમય માંગી લે. પછી કદાચ ધ્યેય પૂરો કરવા આપણી પાસે થોડો જ સમય બચે. (સભા. ૯:૧૧) કદાચ એવી તકલીફોનો સામનો કરવો પડે, જે આપણને નિરાશ કરી દે. એના લીધે કદાચ કંઈ કરવાની તાકાત જ ન બચે. (નીતિ. ૨૪:૧૦) વધુમાં, આપણે પાપી છીએ એટલે કદાચ ભૂલ કરી બેસીએ અને પોતાના ધ્યેયથી વધારે દૂર થઈ જઈએ. (રોમ. ૭:૨૩) બની શકે કે આપણે બહુ થાકી જઈએ. (માથ. ૨૬:૪૩) જો આપણી સામે આવી મુશ્કેલીઓ આવે તો શું કરી શકીએ?

૧૫. મુશ્કેલીઓ આવે તો શું એનો એવો અર્થ થાય કે આપણે નિષ્ફળ ગયા છીએ? સમજાવો. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪)

૧૫ મુશ્કેલીઓ આવે તો એનો અર્થ એ નથી કે આપણે નિષ્ફળ ગયા છીએ. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે અનેક વાર પડી શકીએ છીએ, એટલે કે આપણી સામે મુશ્કેલીઓ આવી શકે છે. જોકે, એમાં એમ પણ જણાવ્યું છે કે આપણે પાછા ઊભા થઈ શકીએ છીએ, ખાસ કરીને યહોવા આપણને મદદ કરશે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪ વાંચો.) આપણે અગાઉ ફિલિપભાઈ વિશે જોઈ ગયા. તે કહે છે: “હું એના પર ધ્યાન નથી આપતો કે હું કેટલી વાર પડી ગયો. પણ હું એ વાત પર ધ્યાન આપું છું કે મેં કેટલી વાર પાછા ઊભા થઈને એ ધ્યેય પૂરો કરવા મહેનત કરી.” ડેવિડભાઈ વિશે અગાઉ જોઈ ગયા. તે કહે છે: “મારી સામે મુશ્કેલીઓ આવે તો હું એવું નથી વિચારતો કે હવે આગળ નહિ વધી શકું. પણ હું એ મુશ્કેલીઓને યહોવા માટે પ્રેમ બતાવવાની તક ગણું છું.” સાચે જ, મુશ્કેલીઓમાં ધ્યેય તરફ આગળ વધીએ છીએ ત્યારે, બતાવીએ છીએ કે આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. આપણી મહેનત જોઈને યહોવા કેટલા ખુશ થતા હશે!

૧૬. મુશ્કેલીઓથી શું શીખવા મળે છે?

૧૬ મુશ્કેલીઓમાંથી શીખીએ. વિચારો કે એ મુશ્કેલી કેમ આવી. પછી પોતાને પૂછો, ‘ફરી એવું ન થાય માટે હું શું કરી શકું?’ (નીતિ. ૨૭:૧૨) અમુક વાર મુશ્કેલીઓ આવે ત્યારે સાફ જોઈ શકીએ કે આપણા સંજોગો એવા છે જ નહિ કે ધ્યેયને પૂરો કરી શકીએ. જો તમને પણ એવું લાગતું હોય, તો તમારા ધ્યેય વિશે ફરી વિચાર કરો અને જુઓ કે તમે એને પૂરો કરી શકો છો કે નહિ.c તમારા માટે કોઈ ધ્યેય પૂરો કરવો શક્ય જ ન હોય તો, યાદ રાખો કે યહોવા ક્યારેય એવું નહિ વિચારે કે તમે નિષ્ફળ ગયા છો.—૨ કોરીં. ૮:૧૨.

૧૭. આપણે અત્યાર સુધી જે ધ્યેયો પૂરા કર્યા છે, એને કેમ યાદ રાખવા જોઈએ?

૧૭ તમે અત્યાર સુધી જે કર્યું છે એને યાદ રાખો. બાઇબલમાં લખ્યું છે, ‘ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને ભૂલી જાય.’ (હિબ્રૂ. ૬:૧૦) એટલે તમે પણ તમારાં કામોને ભૂલશો નહિ. જરા વિચારો, અત્યાર સુધી તમે કયા ધ્યેયો પૂરા કર્યા છે. જેમ કે, તમે યહોવાના દોસ્ત બન્યા છો, તેમના વિશે બીજાઓને જણાવો છો અને બાપ્તિસ્મા લીધું છે. જેમ તમે અત્યાર સુધી પ્રગતિ કરી છે અને ધ્યેયો પૂરા કર્યા છે, તેમ આગળ પણ પ્રગતિ કરી શકશો અને ધ્યેયો પૂરા કરી શકશો.—ફિલિ. ૩:૧૬.

સૂરજ આથમી રહ્યો છે અને એ જ માણસ હોડીમાં ઊભો રહીને પાણીમાં કૂદકા મારતી ડૉલ્ફિનને જોઈ રહ્યો છે.

મુસાફરીનો આનંદ માણો (ફકરો ૧૮ જુઓ)

૧૮. ધ્યેયો પૂરા કરવા મહેનત કરીએ ત્યારે શું યાદ રાખવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૮ એક નાવિક પોતાની મંજિલે પહોંચીને ખુશ થાય છે. એવી જ રીતે તમે યહોવાની મદદથી ધ્યેયો પૂરા કરી શકો છો અને ખુશી મેળવી શકો છો. યાદ રાખો કે ઘણા નાવિકો પોતાની મુસાફરીનો પણ આનંદ માણે છે. એવી જ રીતે, તમે તમારા ધ્યેયો પૂરા કરવા મહેનત કરો ત્યારે, જુઓ કે યહોવા તમને કઈ રીતે મદદ કરે છે અને આશીર્વાદ આપે છે. એનાથી તમે પણ ખુશી મેળવી શકશો. (૨ કોરીં. ૪:૭) જો તમે હિંમત નહિ હારો, તો તમને અઢળક આશીર્વાદો મળશે.—ગલા. ૬:૯.

ધ્યેય પૂરો કરતી વખતે . . .

  • ઇરાદો વધારે પાકો કરવા શું કરી શકીએ?

  • ઇરાદો નબળો પડવા લાગે ત્યારે શું કરી શકીએ?

  • ધ્યેય પૂરો કરવામાં મુશ્કેલીઓ આવે ત્યારે શું કરવું જોઈએ?

ગીત ૪૩ જાગતા રહીએ

a આપણને નિયમિત રીતે ઉત્તેજન આપવામાં આવે છે કે યહોવાની ભક્તિમાં અલગ અલગ ધ્યેયો રાખીએ. બની શકે કે આપણે કોઈ ધ્યેય નક્કી કર્યો હોય, પણ એને પૂરો કરવો આપણને અઘરું લાગતું હોય. એવામાં શું કરી શકીએ? આ લેખમાં આપેલાં સૂચનો પાળવાથી તમને તમારો ધ્યેય પૂરો કરવા મદદ મળશે.

b પરમેશ્વર કી સેવા સ્કૂલ સે ફાયદા ઉઠાઈએ પુસ્તકના પાન ૧૦-૧૧, ફકરો ૫ જુઓ.

c વધુ માહિતી માટે જુલાઈ ૧, ૨૦૦૮ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “સંજોગો પ્રમાણે નિર્ણય લો, જિંદગીની મજા લો.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો