વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 માર્ચ પાન ૮-૧૩
  • બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલીઓ અને કસોટીઓ આવે તોપણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’
  • ઈસુની પાછળ ચાલતા રહો—કઈ રીતે?
  • ‘પરખ કરતા રહો, ખાતરી કરતા રહો’
  • શું તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 માર્ચ પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૧૦

ગીત ૫ ઈસુને પગલે ચાલું

બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’

“જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.” —લૂક ૯:૨૩.

આપણે શું શીખીશું?

આ લેખથી આપણને બધાને એ જોવા મદદ મળશે કે સમર્પણનું વચન આપણાં જીવનને કઈ રીતે અસર કરે છે. આ લેખથી ખાસ કરીને એ ભાઈ-બહેનોને યહોવાને વફાદાર રહેવા મદદ મળશે, જેઓએ હમણાં જ બાપ્તિસ્મા લીધું છે.

૧-૨. બાપ્તિસ્મા પછી કયા આશીર્વાદો મળે છે?

બાપ્તિસ્મા લઈએ છીએ અને યહોવાના કુટુંબનો ભાગ બનીએ છીએ ત્યારે, આપણને બહુ ખુશી થાય છે. યહોવા સાથે ગાઢ સંબંધ હોવો એ મોટા સન્માનની વાત છે. આપણને પણ દાઉદ જેવું લાગે છે, જેમણે એક ગીતમાં કહ્યું હતું: “સુખી છે એ માણસ, જેને તમે [યહોવા] પસંદ કરો છો અને તમારી નજીક લાવો છો, જેથી તે તમારાં આંગણાઓમાં રહે.”—ગીત. ૬૫:૪.

૨ યહોવા કેવા લોકોને પોતાનાં આંગણાઓમાં આવવા દે છે? ગયા લેખમાં જોયું તેમ તે ફક્ત એવા લોકોની નજીક જાય છે, જેઓ પૂરા દિલથી તેમની પાસે આવવા માંગે છે. (યાકૂ. ૪:૮) જ્યારે તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરો છો અને બાપ્તિસ્મા લો છો, ત્યારે તેમની સાથે તમારો એક ખાસ સંબંધ બંધાય છે. તમે ખાતરી રાખી શકો કે બાપ્તિસ્મા પછી યહોવા ‘તમારા પર એટલો બધો આશીર્વાદ વરસાવશે કે તમને કશાની ખોટ નહિ પડે.’—માલા. ૩:૧૦; યર્મિ. ૧૭:૭, ૮.

૩. બાપ્તિસ્મા પછી શું કરવું જોઈએ? (સભાશિક્ષક ૫:૪, ૫)

૩ બાપ્તિસ્મા બસ એક શરૂઆત છે. પણ એ પછી શું? સમર્પણના વચન પ્રમાણે જીવવા બનતું બધું કરો. ભલે લાખ મુશ્કેલીઓ કે કસોટીઓ આવે, પોતાના વચનમાં અડગ રહો. (સભાશિક્ષક ૫:૪, ૫ વાંચો.) તમે ઈસુના શિષ્ય છો, એટલે ઈસુના પગલે ચાલવા અને તેમની આજ્ઞાઓ પાળવા પૂરી કોશિશ કરો. (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ પિત. ૨:૨૧) આ લેખની મદદથી તમને એમ કરવા મદદ મળશે.

મુશ્કેલીઓ અને કસોટીઓ આવે તોપણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’

૪. ઈસુના શિષ્યોએ “વધસ્તંભ” ઊંચકીને ચાલવાનું છે, એનો અર્થ શું થાય? (લૂક ૯:૨૩)

૪ એવું ન વિચારતા કે બાપ્તિસ્મા લઈ લીધું, એટલે કોઈ મુશ્કેલી નહિ આવે. ઈસુએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમના શિષ્યોએ પોતાનો “વધસ્તંભ” ઊંચકીને ચાલવું પડશે. એવું તેઓએ “દરરોજ” કરવું પડશે. (લૂક ૯:૨૩ વાંચો.) શું ઈસુ એવું કહેતા હતા કે તેમના શિષ્યોએ હંમેશાં દુઃખો સહેવાં પડશે? ના, એવું જરાય ન હતું. ઈસુ તો એ વાત પર ભાર આપવા માંગતા હતા કે આશીર્વાદો તો મળશે, સાથે સાથે મુશ્કેલીઓ પણ સહેવી પડશે. જોકે, અમુક મુશ્કેલીઓ સહેવી કદાચ વધારે અઘરી બની શકે છે.—૨ તિમો. ૩:૧૨.

૫. જેઓ ત્યાગ કરે છે, તેઓને ઈસુના વચન પ્રમાણે કયા આશીર્વાદો મળશે?

૫ કદાચ કુટુંબીજનોએ તમારો વિરોધ કર્યો છે. ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખવા કદાચ તમે વધારે પૈસા કમાવાની તક જવા દીધી છે. (માથ. ૬:૩૩) એ બધું સહેલું નથી. પણ ખાતરી રાખજો કે યહોવા માટે તમે જે કંઈ ત્યાગ કર્યા છે, એને તે ભૂલશે નહિ. (હિબ્રૂ. ૬:૧૦) કદાચ તમે ઈસુના આ શબ્દો સાચા પડતા જોયા છે. તેમણે કહ્યું હતું: “જે કોઈએ મારે લીધે અને ખુશખબરને લીધે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે, તેને હમણાં ૧૦૦ ગણાં વધારે ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરો મળશે. પણ તેણે સતાવણી સહેવી પડશે અને આવનાર દુનિયામાં તેને હંમેશ માટેનું જીવન મળશે.” (માર્ક ૧૦:૨૯, ૩૦) સાચે, ત્યાગની સરખામણીમાં તમને મળેલા આશીર્વાદો અનેક ગણાં છે.—ગીત. ૩૭:૪.

૬. બાપ્તિસ્મા પછી પણ તમારે કેમ “શરીરની ખોટી ઇચ્છા” સામે લડત આપતા રહેવું પડશે?

૬ બાપ્તિસ્મા પછી પણ તમારે “શરીરની ખોટી ઇચ્છા” સામે લડત આપતા રહેવું પડશે. (૧ યોહા. ૨:૧૬) કેમ કે બાપ્તિસ્મા લેવાથી વારસામાં મળેલું પાપ દૂર થઈ જતું નથી. અમુક વાર તમને પ્રેરિત પાઉલ જેવું લાગી શકે. તેમણે લખ્યું હતું: “હું પૂરા દિલથી ઈશ્વરના નિયમને ચાહું છું. પણ મારા શરીરમાં હું બીજો એક નિયમ જોઉં છું. એ મારા મનના નિયમ સામે લડે છે અને મારા શરીરમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે.” (રોમ. ૭:૨૨, ૨૩) શરીરની ખોટી ઇચ્છાઓ સામે લડતાં લડતાં તમે કદાચ નિરાશ થઈ જાઓ. પણ સમર્પણનું વચન યાદ રાખવાથી લાલચનો સામનો કરવાનો તમારો ઇરાદો વધારે મક્કમ થશે, લાલચ સામે લડવું સહેલું થઈ જશે. કઈ રીતે?

૭. સમર્પણ કરવાથી તમને કઈ રીતે યહોવાને વફાદાર રહેવા મદદ મળશે?

૭ સમર્પણ કરો છો ત્યારે, તમે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરો છો. તમે યહોવાને નારાજ કરવા નથી માંગતા, એટલે જીવનમાં કંઈક કરી છૂટવાના પોતાનાં સપનાઓનો પણ ત્યાગ કરો છો. (માથ. ૧૬:૨૪) આમ, કોઈ લાલચ કે કસોટી આવે ત્યારે તમારે એ વિચારવું નહિ પડે કે હવે તમે શું કરશો. તમે પહેલેથી જ નક્કી કરી દીધું છે કે તમે યહોવાને વફાદાર રહેશો. તમે મનમાં ગાંઠ વાળી છે કે હંમેશાં યહોવાને ખુશ કરશો. આમ એક રીતે તમે ઈશ્વરભક્ત અયૂબ જેવા બનશો. તેમના પર મોટી મોટી મુશ્કેલીઓ આવી હતી. તોપણ તેમણે પૂરી દૃઢતા સાથે કહ્યું: “હું મારી પ્રમાણિકતાને વળગી રહીશ!”—અયૂ. ૨૭:૫.

૮. સમર્પણના વચન પર વિચાર કરવાથી તમને કઈ રીતે લાલચનો સામનો કરવા મદદ મળશે?

૮ સમર્પણના વચન પર વિચાર કરવાથી તમને લાલચનો સામનો કરવા હિંમત મળશે. દાખલા તરીકે, શું તમે કોઈના જીવનસાથી સાથે ફ્લર્ટ કરશો? ના. તમે યહોવાને પહેલેથી વચન આપ્યું છે કે તમે એવું નહિ કરો. તમે ખોટી ઇચ્છાઓને તરત ઉખેડીને ફેંકી દેશો. આમ તમે એનાં મૂળ ઊંડાં ઊતરવા નહિ દો અને પછીથી એને કાઢી નાખવાની માથાકૂટમાંથી બચી જશો. તમે ‘દુષ્ટોના માર્ગમાં નહિ જાઓ.’—નીતિ. ૪:૧૪, ૧૫.

૯. સમર્પણનું વચન યાદ રાખવાથી તમને કઈ રીતે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા મદદ મળશે?

૯ ધારો કે, તમને એક નોકરીની ઑફર આવી છે. પણ એના લીધે તમારી ઘણી સભાઓ છૂટી જશે. શું તમે એ નોકરી સ્વીકારશો? એનો જવાબ તમે પોતે જાણો છો. એ ઑફર આવી એના લાંબા સમય પહેલાં તમે નક્કી કરી લીધું હતું કે તમે એવી કોઈ નોકરી નહિ સ્વીકારો, જે સભાને આડે આવે. એટલે એવી નોકરી સ્વીકારવા તમે લલચાશો નહિ. તમે એવું પણ નહિ વિચારો કે ‘એક વાર નોકરી લઈ લઉં, પછી યહોવાના રાજ્યને પહેલા રાખવાનો કોઈ રસ્તો શોધી કાઢીશ.’ મક્કમ પગલાં ભરવા શાનાથી મદદ મળી શકે? ઈસુના દાખલાનો વિચાર કરો. તેમણે પાકો નિર્ણય કર્યો હતો કે તે તેમના પિતાને ખુશ કરશે. તમે પણ તમારું જીવન યહોવાને સમર્પિત કર્યું છે. એટલે ઈસુની જેમ એવી દરેક બાબતને તરત જ ના પાડી દો, જેનાથી તમારા પિતા યહોવા નારાજ થાય છે.—માથ. ૪:૧૦; યોહા. ૮:૨૯.

૧૦. બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહેવા’ યહોવા તમને કઈ રીતે મદદ કરશે?

૧૦ મુશ્કેલીઓ અને કસોટીઓ આવે ત્યારે એ બતાવવાનો મોકો મળે છે કે તમે દરેક સંજોગમાં ઈસુની ‘પાછળ ચાલતા રહેવા’ માંગો છો. એમ કરો ત્યારે ખાતરી રાખજો કે યહોવા તમને મદદ કરશે. બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વર વિશ્વાસુ છે. તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે તમારા પર આવવા દેશે નહિ. તમારા પર કસોટી આવે ત્યારે, તે એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવશે, જેથી તમે એ સહન કરી શકો.”—૧ કોરીં. ૧૦:૧૩.

ઈસુની પાછળ ચાલતા રહો—કઈ રીતે?

૧૧. ઈસુની પાછળ ચાલતા રહેવાની એક રીત કઈ છે? (ચિત્ર પણ જુઓ.)

૧૧ ઈસુ પૂરા દિલથી અને ઉત્સાહથી યહોવાની સેવા કરતા હતા. તે નિયમિત રીતે તેમને પ્રાર્થના કરતા હતા. (લૂક ૬:૧૨) એ કારણે યહોવા સાથેનો તેમનો સંબંધ એકદમ ગાઢ હતો. તો બાપ્તિસ્મા પછી પણ ઈસુની પાછળ ચાલતા રહેવાની એક રીત કઈ છે? યહોવાની નજીક લઈ જાય એવાં કામો કરતા રહો. બાઇબલમાં લખ્યું છે: “આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.” (ફિલિ. ૩:૧૬) સમયે સમયે તમને એવાં ભાઈ-બહેનોના અનુભવો સાંભળવા મળશે, જેઓ યહોવાની સેવામાં વધારે કરવા આગળ આવ્યાં છે. કદાચ તેઓ રાજ્ય પ્રચારકોની શાળામાં ગયાં છે અથવા જ્યાં વધારે જરૂર હોય ત્યાં સેવા આપવા ગયાં છે. જો તમારા સંજોગો સારા હોય, તો શું તમે એવો કોઈ ધ્યેય રાખી શકો? યહોવાના સેવકો તેમની સેવામાં વધારે કરવાની દરેક તક ઝડપી લેવા આતુર હોય છે. (પ્રે.કા. ૧૬:૯) જો તમે હમણાં એ ધ્યેયો પૂરા કરી શકતા ન હો તો શું? એવું ન વિચારશો કે એ ભાઈ-બહેનોની સરખામણીમાં તમે કંઈ કરતા નથી. જીવનની દોડમાં ઊભા રહી જવાને બદલે દોડતા રહો, એ વધારે મહત્ત્વનું છે. (માથ. ૧૦:૨૨) તમારા સંજોગો પ્રમાણે તમે જે કંઈ કરી શકો છો, એને ઓછું ન આંકો. પૂરી પ્રમાણિકતાથી તમે યહોવાની સેવામાં જે કંઈ કરો છો એને તે કીમતી ગણે છે. એ પણ ઈસુની પાછળ ચાલતા રહેવાની એક રીત છે.—ગીત. ૨૬:૧, ફૂટનોટ.

એક યુવાન બહેનનું હમણાં જ સ્વિમિંગ પૂલમાં બાપ્તિસ્મા થયું છે અને તે બહુ ખુશ છે. નાનાં ચિત્રો: ૧. તે પ્રચાર કરે છે. ૨. તે રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જાય છે. ૩. તે બાંધકામમાં ભાગ લે છે અને વાયરિંગ કરે છે.

બાપ્તિસ્મા પછી પણ એવાં કામો કરતા રહો, જે તમને યહોવાની નજીક લઈ જાય (ફકરો ૧૧ જુઓ)


૧૨-૧૩. જો તમારો ઉત્સાહ ઠંડો પડી રહ્યો હોય, તો શું કરી શકો? (૧ કોરીંથીઓ ૯:૧૬, ૧૭) (“દોડતા રહો” બૉક્સ પણ જુઓ.)

૧૨ જો તમને લાગતું હોય કે હવે તમે દિલથી પ્રાર્થના કરતા નથી, પ્રચારમાં પહેલાં જેટલી મજા આવતી નથી અથવા બાઇબલ વાંચવામાં કંટાળો આવે છે, તો તમે શું કરી શકો? એવું વિચારી ન લેતા કે હવે તમારા માથે યહોવાનો હાથ રહ્યો નથી. પાપની અસર હોવાને લીધે લાગણીઓમાં ફેરફાર થતો રહે છે. જો તમારો ઉત્સાહ ઠંડો પડી રહ્યો હોય, તો પ્રેરિત પાઉલના દાખલાનો વિચાર કરજો. ઈસુના પગલે ચાલવા પાઉલ પૂરેપૂરી કોશિશ કરતા હતા. તોપણ તે જાણતા હતા કે અમુક સમયે તેમને જે ખરું છે એ કરવાનું મન નહિ થાય. (૧ કોરીંથીઓ ૯:૧૬, ૧૭ વાંચો.) તેમણે કહ્યું: “જો હું આ રાજીખુશીથી ન કરું, તોપણ મને સોંપેલી કારભારીની જવાબદારી મારી પાસે રહેશે.” બીજા શબ્દોમાં કહીએ તો પાઉલે પાકો નિર્ણય લીધો હતો કે ઇચ્છા ન હોય તોપણ તે પોતાનું સેવાકાર્ય પૂરું કરીને જ રહેશે.

૧૩ એવી જ રીતે, લાગણીઓને તમારા પર કાબૂ કરવા ન દો. મનમાં નક્કી કરી લો કે ઇચ્છા ન હોય તોપણ તમે જે ખરું છે એ જ કરશો. એમ કરતા રહેશો તો સમય જતાં તમારી લાગણીઓ બદલાશે. પછી તમે મન મારીને નહિ, પણ પૂરા દિલથી જે ખરું છે એ કરશો. પણ એમ થાય ત્યાં સુધી બાઇબલનો અભ્યાસ કરતા રહો, પ્રાર્થના કરતા રહો, સભાઓમાં જાઓ અને પ્રચારમાં લાગુ રહો. એનાથી તમને બાપ્તિસ્મા પછી પણ ઈસુની પાછળ ચાલતા રહેવા મદદ મળશે. જ્યારે ભાઈ-બહેનો જોશે કે તમે ધીરજ રાખો છો અને યહોવાની સેવામાં લાગુ રહો છો, ત્યારે તેઓને પણ ઉત્તેજન મળશે.—૧ થેસ્સા. ૫:૧૧.

દોડતા રહો

ચિત્રો: ૧. એક દોડવીર પૌષ્ટિક ખોરાક ખાય છે; નાના ચિત્રમાં બતાવ્યું છે કે એક ભાઈ બાઇબલ વાંચે છે. ૨. દોડવીર કસરત કરે છે. નાના ચિત્રમાં બતાવ્યું છે કે ભાઈ સભામાં જવાબ આપે છે ૩. દોડવીર દોડે છે. નાના ચિત્રમાં બતાવ્યું છે કે ભાઈ ટ્રૉલી દ્વારા પ્રચાર કરે છે.

જો એક દોડવીર હરીફાઈમાં દોડતો રહેવા માંગતો હોય, તો તેણે પોતાને તંદુરસ્ત રાખવાની જરૂર છે. એવી જ રીતે, જો તમે બાપ્તિસ્મા પછી પણ યહોવાની સેવામાં લાગુ રહેવા માંગો છો, તો તમારે યહોવા સાથેનો સંબંધ ગાઢ કરતા રહેવાની જરૂર છે.

‘પરખ કરતા રહો, ખાતરી કરતા રહો’

૧૪. તમારે નિયમિત રીતે શાની પરખ કરવી જોઈએ અને શા માટે? (૨ કોરીંથીઓ ૧૩:૫)

૧૪ બાપ્તિસ્મા પછી પોતાની પરખ કરતા રહેવું જરૂરી છે. (૨ કોરીંથીઓ ૧૩:૫ વાંચો.) અમુક સમયે એ વિચારવું સારું છે કે આપણે આવું કરીએ છીએ કે નહિ: દરરોજ પ્રાર્થના કરવી, બાઇબલ વાંચવું અને એનો અભ્યાસ કરવો, સભાઓ અને પ્રચારમાં ભાગ લેવો. એ બધાને મજેદાર બનાવવાની અને એમાંથી કંઈક શીખતા રહેવાની રીતો શોધતા રહો. દાખલા તરીકે, પોતાને પૂછો: ‘શું હું બીજાઓને બાઇબલનું સાદું શિક્ષણ સમજાવી શકું છું? પ્રચારકામમાં મજા આવે એ માટે હું બીજું શું કરી શકું? શું હું પ્રાર્થનામાં યહોવાને સાફ સાફ જણાવું છું કે મારે શું જોઈએ છે અને મને કઈ ચિંતા છે? શું હું નિયમિત રીતે સભાઓમાં જઉં છું? સભાઓમાં ધ્યાન આપવા અને એમાં ભાગ લેવા હું વધારે શું કરી શકું?’

૧૫-૧૬. લાલચનો સામનો કરવા વિશે તમે રૉબર્ટભાઈ પાસેથી શું શીખ્યા?

૧૫ પોતાની નબળાઈઓ પારખવી પણ જરૂરી છે. એ મુદ્દો સમજવા રૉબર્ટભાઈનો દાખલો લો. તે કહે છે: “હું વીસેક વર્ષનો હતો ત્યારે પાર્ટ-ટાઇમ નોકરી કરતો હતો. એક દિવસે મારી સાથે કામ કરતી સ્ત્રીએ મને તેના ઘરે આવવા કહ્યું. તેણે કહ્યું, ‘આપણે એકલાં હોઈશું અને બહુ મજા કરીશું.’ પહેલા તો હું ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો. પણ પછીથી મેં ના પાડી દીધી અને એનું કારણ જણાવ્યું.” કેટલું સારું કહેવાય કે રૉબર્ટભાઈ એ સ્ત્રીની વાતોમાં આવી ન ગયા! પણ પછીથી તેમણે એ બનાવ પર વિચાર કર્યો. તેમને ખ્યાલ આવ્યો કે તે એ સંજોગને વધારે સારી રીતે હાથ ધરી શક્યા હોત. તે કહે છે: “યૂસફે પોટીફારની પત્નીને મોં પર ના પાડી દીધી હતી. પણ એવું કરવામાં હું મોડો પડ્યો. (ઉત. ૩૯:૭-૯) મને તો એ જાણીને નવાઈ લાગી કે ના પાડવી મારા માટે કેટલું અઘરું હતું. પણ એ બનાવથી મને સમજાયું કે મારે યહોવા સાથેનો સંબંધ વધારે મજબૂત કરવાની જરૂર હતી.”

૧૬ રૉબર્ટભાઈની જેમ તમે પણ પોતાની તપાસ કરો. એમ કરવાથી તમને ફાયદો થશે. જો તમે કોઈ લાલચ સામે જીત મેળવી હોય, તોપણ પોતાને પૂછો, ‘ના પાડવામાં કેટલી વાર લાગી?’ જો ફેરફાર કરવાની જરૂર હોય, તો મન નાનું ન કરશો. હવે તમને તમારી નબળાઈ ખબર છે, એ વાતથી ખુશ થાઓ. તમારી નબળાઈ વિશે યહોવાને પ્રાર્થના કરો. જરૂરી પગલાં ભરો, જેથી યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો તમારો ઇરાદો વધારે પાકો થાય.—ગીત. ૧૩૯:૨૩, ૨૪.

૧૭. રૉબર્ટભાઈએ કેવી રીતે યહોવાનું નામ રોશન કર્યું?

૧૭ રૉબર્ટભાઈનો અનુભવ હજી પૂરો નથી થયો. આગળ તે કહે છે: “મેં એ સ્ત્રીને ના પાડી એ પછી તેણે કહ્યું: ‘તું કસોટીમાં પાસ થઈ ગયો!’ મેં પૂછ્યું: ‘તું શું કહેવા માંગે છે?’ તેણે કહ્યું કે તેનો એક દોસ્ત છે, જે અગાઉ યહોવાનો સાક્ષી હતો. એ દોસ્તે તેને કહ્યું હતું કે બધા યુવાન સાક્ષીઓ બેવડું જીવન જીવે છે. તેઓ કરે છે કંઈક અને દેખાડે છે કંઈક. તક મળતા જ તેઓ ખોટું કામ કરવા કૂદી પડશે. એટલે એ સ્ત્રીએ તેના દોસ્તને કહ્યું હતું કે તે મારી કસોટી કરશે અને જોશે કે હું એવો છું કે નહિ. એ સ્ત્રીની વાત સાંભળીને મને ખ્યાલ આવ્યો કે મેં યહોવાનું નામ રોશન કર્યું હતું અને મારા માટે એ બહુ ખુશીની વાત છે.”

૧૮. બાપ્તિસ્મા પછી પણ તમે શું કરતા રહેવાનો પાકો નિર્ણય લીધો છે? (“આ બે લેખ તમને બહુ ગમશે” બૉક્સ પણ જુઓ.)

૧૮ સમર્પણ કરીને અને બાપ્તિસ્મા લઈને તમે બતાવી આપો છો કે દરેક સંજોગમાં તમે યહોવાનું નામ પવિત્ર મનાવવા માંગો છો. ખાતરી રાખજો, તમે જે મુશ્કેલીઓ અને કસોટીઓનો સામનો કરો છો, એ યહોવાની નજર બહાર નથી. તેમને વફાદાર રહેવા તમે જે મહેનત કરો છો, એના પર તે આશીર્વાદ આપશે. તે તમને પવિત્ર શક્તિ પણ આપશે, જેથી વફાદાર રહેવા તમને હિંમત મળે. (લૂક ૧૧:૧૧-૧૩) યહોવાની મદદથી તમે બાપ્તિસ્મા પછી પણ ઈસુની પાછળ ચાલતા રહી શકશો.

આ બે લેખ તમને બહુ ગમશે

બાળકો અને યુવાનો, jw.org પર આપેલા આ બે લેખથી તમને ઘણી મદદ મળશે: “નૌજવાનોં કે સવાલ . . . બપતિસ્મે કે બાદ મુજે ક્યા કરના હૈ?” અને “યુવાનો, યહોવાની ભક્તિમાં આગળ વધતા રહો.” એ લેખથી તમને ભક્તિનાં કામો કરતા રહેવા અને મુશ્કેલીઓ કે કસોટીઓ આવે ત્યારે યહોવાને વફાદાર રહેવા મદદ મળશે.

તમે શું કહેશો?

  • ઈસુના શિષ્યોએ “વધસ્તંભ” ઊંચકીને ચાલવાનું છે, એનો અર્થ શું થાય?

  • બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહેવા’ તમે શું કરી શકો?

  • સમર્પણના વચન પર વિચાર કરવાથી તમને કઈ રીતે વફાદાર રહેવા મદદ મળશે?

ગીત ૬ અમારી પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો