અભ્યાસ લેખ ૨૦
ગીત ૪૭ ખુશખબર જણાવીએ
પ્રેમથી પ્રેરાઈને પ્રચાર કરતા રહો!
“બધા દેશોમાં પહેલા ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.”—માર્ક ૧૩:૧૦.
આપણે શું શીખીશું?
પૂરા ઉત્સાહથી અને પૂરા દિલથી લોકોને ખુશખબર જણાવવા પ્રેમનો ગુણ કઈ રીતે મદદ કરે છે?
૧. ૨૦૨૩ની વાર્ષિક સભામાં આપણે શું શીખ્યા?
૨૦૨૩ની વાર્ષિક સભાa સાચે જ રોમાંચક હતી. આપણી અમુક સમજણમાં ફેરફાર થયો અને પ્રચાર વિશે અમુક જોરદાર જાહેરાતો કરવામાં આવી. જેમ કે, આપણે શીખ્યા કે મહાન બાબેલોનના નાશ પછી પણ અમુક લોકો પાસે યહોવાના માર્ગમાં આવવાનો મોકો હશે. એ પણ સાંભળ્યું કે નવેમ્બર ૨૦૨૩થી પ્રચારકોએ પ્રચારના રિપોર્ટમાં બધી જ માહિતી ભરવાની જરૂર નથી. તો શું આ બધા ફેરફારો એવું બતાવે છે કે પ્રચારકામનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે? ના, જરાય નહિ!
૨. દિવસે ને દિવસે કેમ પ્રચારકામનું મહત્ત્વ વધતું જાય છે? (માર્ક ૧૩:૧૦)
૨ જેમ જેમ દિવસો વીતતા જાય છે, તેમ તેમ પ્રચારકામનું મહત્ત્વ વધતું જાય છે. શા માટે? કેમ કે હવે બહુ ઝાઝો સમય રહ્યો નથી. ધ્યાન આપો કે છેલ્લા દિવસોમાં પ્રચારકામ વિશે ઈસુએ શું કહ્યું હતું. (માર્ક ૧૩:૧૦ વાંચો.) માથ્થીના અહેવાલ પ્રમાણે ઈસુએ કહ્યું હતું કે ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, પછી જ “અંત” આવશે. (માથ. ૨૪:૧૪) એ શબ્દો એ સમયને બતાવે છે, જ્યારે શેતાનની દુષ્ટ દુનિયાનો પૂરેપૂરો નાશ થઈ જશે. એ માટે યહોવાએ “દિવસ અને ઘડી” નક્કી કરી લીધાં છે. (માથ. ૨૪:૩૬; ૨૫:૧૩; પ્રે.કા. ૧:૭) દરરોજ એ સમય વધારે નજીક આવી રહ્યો છે. (રોમ. ૧૩:૧૧) પણ અંત આવે ત્યાં સુધી આપણે પ્રચાર કરતા રહેવાનું છે.
૩. કઈ વાત આપણને ખુશખબર જણાવવા પ્રેરે છે?
૩ આપણા માટે આ સવાલ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે: આપણે કેમ લોકોને ખુશખબર જણાવીએ છીએ? સાદા શબ્દોમાં કહીએ તો, પ્રેમનો ગુણ આપણને ખુશખબર જણાવવા પ્રેરે છે. પ્રચાર કરીએ છીએ ત્યારે ખુશખબર માટેનો, લોકો માટેનો તેમજ સૌથી મહત્ત્વનું યહોવા અને તેમના નામ માટેનો પ્રેમ દેખાઈ આવે છે. ચાલો એક એક કરીને એ વિશે જોઈએ.
ખુશખબર માટેનો પ્રેમ
૪. કોઈ સારી ખબર સાંભળવા મળે ત્યારે આપણને કેવું લાગે છે?
૪ આનો વિચાર કરો: જ્યારે તમારા કુટુંબમાં બાળકનો જન્મ થયો અથવા તમને નોકરી મળી, ત્યારે તમને કેવું લાગ્યું હતું? તમે કદાચ ખુશીથી ઊછળી પડ્યા હશો. ખુશીના એ સમાચાર દોસ્તો અને સગાં-વહાલાંને જણાવવા તમે તલપાપડ હશો. શું પહેલી વાર ઈશ્વરના રાજ્યની ખુશખબર સાંભળી ત્યારે તમને એવું લાગ્યું હતું? ચોક્કસ, તમારી ખુશીનો કોઈ પાર રહ્યો નહિ હોય! આમ પણ, એ તો આખી દુનિયાની સૌથી જોરદાર ખબર છે!
૫. જ્યારે તમે પહેલી વાર બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું, ત્યારે તમને કેવું લાગ્યું? (ચિત્રો પણ જુઓ.)
૫ યાદ કરો કે તમે પહેલી વાર બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે તમને કેવું લાગ્યું હતું. તમે શીખ્યા કે સ્વર્ગમાંના તમારા પિતા યહોવા તમને અનહદ પ્રેમ કરે છે. તે ચાહે છે કે તમે તેમના કુટુંબનો ભાગ બનો. તમે એ પણ શીખ્યા કે તેમણે બધી દુઃખ-તકલીફો મિટાવી દેવાનું વચન આપ્યું છે. તેમ જ, તમારાં ગુજરી ગયેલાં સગા-વહાલાઓને ફરી મળી શકશો એવી આશા આપી છે. એવી તો બીજી ઘણી વાતો તમે શીખ્યા. (માર્ક ૧૦:૨૯, ૩૦; યોહા. ૫:૨૮, ૨૯; રોમ. ૮:૩૮, ૩૯; પ્રકટી. ૨૧:૩, ૪) એ બધું જાણીને તમારું દિલ ગદ્ગદ થઈ ગયું હશે. (લૂક ૨૪:૩૨) તમને એ વાતો એટલી ગમી કે તમે બીજાઓને એ વિશે જણાવવા આતુર હતા.—યર્મિયા ૨૦:૯ સરખાવો.
પહેલી વાર ખુશખબર સાંભળી ત્યારે આપણને ઘણી ખુશી થઈ હતી, આપણે બીજાઓને એ વિશે જણાવવા આતુર હતા (ફકરો ૫ જુઓ)
૬. અર્નેસ્ટભાઈ અને રોઝબહેનના અનુભવમાંથી તમે શું શીખ્યા?
૬ એક અનુભવ પર ધ્યાન આપીએ. અર્નેસ્ટભાઈb ૧૦ વર્ષના હતા ત્યારે તેમના પપ્પા ગુજરી ગયા. એ સમયને યાદ કરતા તે કહે છે: “હું વિચારતો, ‘શું પપ્પા સ્વર્ગમાં ગયા છે, કે પછી તેમનું કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું?’ જ્યારે હું બીજાં બાળકોને તેઓના પપ્પા સાથે જોતો, ત્યારે મને તેઓની ખૂબ ઈર્ષા થતી.” તે મોટા ભાગે રોજ તેમના પપ્પાની કબરે જતા. ત્યાં ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરતા: “ભગવાન, મને જણાવો કે મારા પપ્પા ક્યાં છે.” પપ્પાના મરણના આશરે ૧૭ વર્ષ પછી તે યહોવાના સાક્ષીઓને મળ્યા. તે તરત બાઇબલમાંથી શીખવા રાજી થઈ ગયા. તેમને એ જાણીને રાહત મળી કે ગુજરી ગયેલા લોકો કંઈ જાણતા નથી, તેઓ જાણે ઊંઘમાં છે અને બાઇબલમાં વચન આપ્યું છે કે તેઓને જીવતા કરવામાં આવશે. (સભા. ૯:૫, ૧૦; પ્રે.કા. ૨૪:૧૫) આખરે તેમને એ સવાલોના જવાબ મળી ગયા, જે વર્ષોથી તેમના મનમાં ભમ્યા કરતા હતા. બાઇબલની વાતો તેમના દિલને સ્પર્શી ગઈ. પછીથી તેમનાં પત્ની રોઝ બાઇબલમાંથી શીખવા લાગ્યાં. તેમને પણ બાઇબલની વાતો ખૂબ ગમી. ૧૯૭૮માં તેઓએ બાપ્તિસ્મા લીધું. તેઓએ ખૂબ ઉત્સાહથી પોતાના દોસ્તોને, કુટુંબીજનોને અને બીજા લોકોને બાઇબલની વાતો જણાવી. આમ, અર્નેસ્ટભાઈ અને રોઝબહેને ૭૦ કરતાં વધારે લોકોને બાપ્તિસ્મા લેવા મદદ કરી.
૭. જ્યારે બાઇબલ સત્ય માટેનો પ્રેમ દિલમાં ઊંડો ઊતરે છે, ત્યારે શું કરવાનું મન થાય છે? (લૂક ૬:૪૫)
૭ જ્યારે બાઇબલ સત્ય માટેનો પ્રેમ દિલમાં ઊંડો ઊતરે છે, ત્યારે એ વિશે જણાવ્યા વગર રહી શકતા નથી. (લૂક ૬:૪૫ વાંચો.) આપણને પહેલી સદીના શિષ્યો જેવું લાગે છે, જેઓએ કહ્યું હતું: “અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.” (પ્રે.કા. ૪:૨૦) આપણને બાઇબલનું સત્ય એટલું ગમે છે કે બને એટલા લોકોને એ વિશે જણાવવા માંગીએ છીએ.
લોકો માટેનો પ્રેમ
૮. આપણે કેમ લોકોને ખુશખબર જણાવવા માંગીએ છીએ? (“પ્રેમથી શીખવીએ” બૉક્સ જુઓ.) (ચિત્ર પણ જુઓ.)
૮ યહોવા અને તેમના દીકરા ઈસુની જેમ આપણે લોકોને પ્રેમ કરીએ છીએ. (નીતિ. ૮:૩૧; યોહા. ૩:૧૬) “ઈશ્વર વગરના” અને ‘આશા વગરના’ લોકો માટે આપણું દિલ કરુણાથી ઊભરાઈ જાય છે. (એફે. ૨:૧૨) તેઓ જાણે જીવનની ચિંતાઓ અને મુશ્કેલીઓની ખાઈમાં છે. ઈશ્વરના રાજ્યની ખુશખબર એક દોરડાની જેમ તેઓને એમાંથી બહાર કાઢી લાવે છે. લોકો માટેનાં પ્રેમ અને લાગણીને લીધે આપણે તેઓને ખુશખબર જણાવવા બનતું બધું કરીએ છીએ. એ ખુશખબરથી તેઓને એક આશા મળે છે, હમણાં ખુશ રહેવા મદદ મળે છે અને ભાવિમાં ‘ખરું જીવન,’ એટલે કે કાયમ જીવવાની તક મળે છે.—૧ તિમો. ૬:૧૯.
લોકો માટેનાં પ્રેમ અને લાગણીને લીધે આપણે તેઓને ખુશખબર જણાવવા બનતું બધું કરીએ છીએ (ફકરો ૮ જુઓ)
૯. આપણે ભાવિ વિશે કઈ ચેતવણી આપીએ છીએ અને કેમ? (હઝકિયેલ ૩૩:૭, ૮)
૯ લોકો માટે પ્રેમ હોવાને લીધે આપણે તેઓને આવનાર નાશ વિશે ચેતવણી આપીએ છીએ. (હઝકિયેલ ૩૩:૭, ૮ વાંચો.) આપણાં દિલમાં એવા કુટુંબીજનો અને બીજા લોકો માટે કરુણા છે, જેઓ યહોવાની ભક્તિ કરતા નથી. ઘણા લોકો બેફિકર થઈને જીવન જીવે છે. તેઓને ખબર નથી કે બહુ જલદી એક ‘મોટી વિપત્તિ આવી રહી છે, જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ.’ (માથ. ૨૪:૨૧) આપણે ચાહીએ છીએ કે ન્યાયના એ સમયે શું થશે એ વિશે તેઓ જાણે. એ સમયે સૌથી પહેલા એવા ધર્મોનો નાશ થશે, જેઓ ઈશ્વર વિશે સાચી વાતો શીખવતા નથી. પછી આર્માગેદનના યુદ્ધમાં દુષ્ટ દુનિયાનો નાશ થશે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬; ૧૭:૧૬, ૧૭; ૧૯:૧૧, ૧૯, ૨૦) આપણે પ્રાર્થના કરીએ છીએ કે બને એટલા લોકો આપણી ચેતવણીને કાન ધરે અને આપણી સાથે મળીને યહોવાની શુદ્ધ ભક્તિ કરે. પણ જેઓ ચેતવણીને ધ્યાન આપતા નથી તેઓ વિશે શું? એવા અમુક કુટુંબીજનો વિશે શું?
૧૦. બહુ જલદી જે બનાવો બનવાના છે, એ વિશે કેમ ચેતવણી આપતા રહેવું જોઈએ?
૧૦ ગયા લેખમાં જોયું તેમ મહાન બાબેલોનનો નાશ થશે ત્યારે, જે લોકો યહોવામાં શ્રદ્ધા મૂકવા લાગશે તેઓને યહોવા કદાચ બચાવશે. જો એમ હોય, તો ખૂબ જરૂરી છે કે હમણાં તેઓને ચેતવણી આપતા રહીએ. આનો વિચાર કરો: આજે આપણે તેઓને જે કહીશું, એ તેઓને ભાવિમાં કદાચ યાદ આવે. (હઝકિયેલ ૩૩:૩૩ સરખાવો.) તેઓ કદાચ યાદ કરે કે આવું તો પહેલાં સાંભળ્યું હતું અને મોડું થાય એ પહેલાં આપણી સાથે જોડાઈને યહોવાની ભક્તિ કરે. ફિલિપી શહેરના કેદખાનાના ઉપરી સાથે એવું જ કંઈક થયું હતું. એક “મોટો ધરતીકંપ” જોયા પછી તેણે શ્રદ્ધા મૂકી હતી. એવી જ રીતે, ભલે આજે લોકો આપણું ન સાંભળે, પણ મહાન બાબેલોનનો અચાનક નાશ થશે એ પછી તેઓનું હૃદય યહોવા તરફ ઢળી શકે છે.—પ્રે.કા. ૧૬:૨૫-૩૪.
યહોવા અને તેમના નામ માટેનો પ્રેમ
૧૧. આપણે કઈ રીતે યહોવાને મહિમા, માન અને શક્તિ આપીએ છીએ? (પ્રકટીકરણ ૪:૧૧) (ચિત્રો પણ જુઓ.)
૧૧ લોકોને ખુશખબર જણાવવાનું સૌથી મહત્ત્વનું કારણ છે, યહોવા અને તેમના પવિત્ર નામ માટેનો પ્રેમ. પ્રચાર કરીને આપણે યહોવા ઈશ્વરનો જયજયકાર કરીએ છીએ. (પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.) આપણે પૂરા દિલથી માનીએ છીએ કે યહોવા ઈશ્વર જ મહિમા, માન અને શક્તિ મેળવવા યોગ્ય છે. જ્યારે લોકોને ઠોસ પુરાવા આપીએ છીએ કે યહોવાએ જ “બધી વસ્તુઓ બનાવી” છે, ત્યારે આપણે તેમને મહિમા અને માન આપીએ છીએ. જ્યારે પ્રચારમાં બનતું બધું કરવા પોતાનાં સમય, તાકાત અને ધનસંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેમને શક્તિ આપીએ છીએ. (માથ. ૬:૩૩; લૂક ૧૩:૨૪; કોલો. ૩:૨૩) ટૂંકમાં, આપણે ઈશ્વરને ખૂબ પ્રેમ કરીએ છીએ એટલે તેમના વિશે બીજાઓને જણાવીએ છીએ. તેમના નામ વિશે અને તે કેવા ઈશ્વર છે એ વિશે જણાવવાનું પણ મન થાય છે. શા માટે?
જ્યારે પ્રચારમાં બનતું બધું કરવા પોતાનાં સમય, તાકાત અને ધનસંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે યહોવાને શક્તિ આપીએ છીએ (ફકરો ૧૧ જુઓ)
૧૨. ખુશખબર જણાવીએ છીએ ત્યારે કઈ રીતે યહોવાનું નામ પવિત્ર મનાવીએ છીએ?
૧૨ આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, એટલે તેમનું નામ પવિત્ર મનાવવા માંગીએ છીએ. (માથ. ૬:૯) આપણે બધાને જણાવવા માંગીએ છીએ કે શેતાને યહોવા વિશે જે જૂઠાણાં ફેલાવ્યાં છે, એ સાવ જૂઠાં છે. (ઉત. ૩:૧-૫; અયૂ. ૨:૪; યોહા. ૮:૪૪) આમ, યહોવાના નામ પર લાગેલું કલંક દૂર કરવા મદદ કરીએ છીએ. પ્રચારમાં જેઓ આપણું સાંભળે છે, તેઓને એ જણાવવા આતુર હોઈએ છીએ કે યહોવા કોણ છે અને તે કેવા ઈશ્વર છે. આપણે તો બધાને જણાવવા માંગીએ છીએ કે યહોવાનો મુખ્ય ગુણ પ્રેમ છે, તેમની રાજ કરવાની રીત એકદમ યોગ્ય છે, તે ક્યારેય અન્યાય કરતા નથી, બહુ જલદી તેમનું રાજ્ય બધી જ દુઃખ-તકલીફો મિટાવી દેશે અને બધા લોકો સુખ-શાંતિનો આનંદ માણશે. (ગીત. ૩૭:૧૦, ૧૧, ૨૯; ૧ યોહા. ૪:૮) જ્યારે લોકોને પ્રચારમાં એ વિશે જણાવીએ છીએ, ત્યારે યહોવાનું નામ પવિત્ર મનાવીએ છીએ. વધુમાં, આપણને મળેલા નામ પર ખરા ઊતરીએ છીએ. કઈ રીતે?
૧૩. યહોવાના સાક્ષી તરીકે ઓળખાવું એ કેમ મોટો લહાવો છે? (યશાયા ૪૩:૧૦-૧૨)
૧૩ યહોવાએ આપણને તેમના “સાક્ષી” તરીકે પસંદ કર્યા છે. (યશાયા ૪૩:૧૦-૧૨ વાંચો.) અમુક વર્ષો પહેલાં નિયામક જૂથ તરફથી પત્રમાં આમ જણાવ્યું હતું: “યહોવાના સાક્ષી તરીકે ઓળખાવું એ આપણા માટે ગર્વ લેવાની વાત છે.”c શા માટે? ચાલો એક દાખલો લઈએ. ધારો કે કોઈએ તમારા પર કંઈ ખોટું કરવાનો આરોપ મૂક્યો છે. હવે તમને એક એવા સાક્ષીની જરૂર છે, જે બીજાઓને જણાવે કે એ આરોપ જૂઠો છે, તમે એક સારી વ્યક્તિ છો અને એવું ક્યારેય કરી ન શકો. એ માટે તમે કોને પસંદ કરશો? એવી વ્યક્તિને, જેને તમે સારી રીતે ઓળખતા હો અને જેના પર તમને ભરોસો હોય. વધુમાં, તમે એ પણ જોશો કે તેની શાખ સારી હોય, જેથી લોકો તેના પર વિશ્વાસ મૂકી શકે. યહોવાએ આપણને તેમના સાક્ષી તરીકે પસંદ કર્યા છે. એ બતાવે છે કે તે આપણને સારી રીતે ઓળખે છે. તેમને ભરોસો છે કે આપણે લોકોને ખાતરીથી જણાવીશું કે તે જ સાચા ઈશ્વર છે. યહોવાના સાક્ષી તરીકે ઓળખાવું એ મોટો લહાવો છે. એટલે લોકોને યહોવાના નામ વિશે જણાવવાની અને તેમના વિશે ફેલાયેલાં જૂઠાણાંને ખોટાં સાબિત કરવાની દરેક તક ઝડપી લઈએ છીએ. આમ, આપણે યહોવાના સાક્ષીઓ નામ પર ખરા ઊતરીએ છીએ.—ગીત. ૮૩:૧૮; રોમ. ૧૦:૧૩-૧૫.
અંત સુધી ખુશખબર જણાવતા રહીએ
૧૪. ભાવિમાં કેવા રોમાંચક બનાવો બનશે?
૧૪ ભાવિમાં જે બનવાનું છે એ સાચે જ રોમાંચક હશે. આપણને આશા છે કે યહોવાના આશીર્વાદથી ઘણા લોકો માટી વિપત્તિ શરૂ થાય એ પહેલાં આપણી સાથે યહોવાની ભક્તિ કરશે. મોટી વિપત્તિનો સમય આખા માનવ ઇતિહાસમાં સૌથી અઘરો સમય હશે. પણ એ જાણીને ઘણી ખુશી થાય છે કે એ સમયે પણ કદાચ ઘણા લોકો શેતાનની દુનિયા છોડી દેશે અને આપણી સાથે યહોવાનો જયજયકાર કરશે.—પ્રે.કા. ૧૩:૪૮.
૧૫-૧૬. આપણે કયું કામ કરતા રહીશું અને ક્યાં સુધી?
૧૫ પણ એ સમય આવે ત્યાં સુધી આપણી પાસે એક એવું મહત્ત્વનું કામ કરવાનો લહાવો છે, જે ફરી કદી નહિ થાય. એ છે આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવી. સાથે સાથે આપણે ભાવિના બનાવો વિશે લોકોને ચેતવણી આપવાની છે. લોકોએ જાણવાની જરૂર છે કે આ દુષ્ટ દુનિયાનો અંત હવે ઝડપથી આવી રહ્યો છે. ન્યાયનો એ સમય શરૂ થશે ત્યારે લોકોને ખબર પડશે કે આપણે જે સંદેશો જણાવી રહ્યા હતા, એ યહોવા ઈશ્વર તરફથી હતો.—હઝકિ. ૩૮:૨૩.
૧૬ આપણે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે? ખુશખબર, લોકો, યહોવા અને તેમના નામ માટેના પ્રેમના લીધે આપણે લોકોને પૂરા ઉત્સાહથી ખુશખબર જણાવતા રહીશું. એમ કરવામાં જરાય ઢીલ નહિ કરીએ. તો ચાલો જ્યાં સુધી યહોવા એવું ન કહે કે “એ કામ પૂરું થયું!” ત્યાં સુધી તન-મનથી એ કામ કરતા રહીએ.
ગીત ૩૨ અડગ રહીએ
a આ વાર્ષિક સભા ઑક્ટોબર ૭, ૨૦૨૩ના રોજ અમેરિકાના ન્યૂ યૉર્કમાં યહોવાના સાક્ષીઓના ન્યૂબર્ગ સંમેલનગૃહમાં યોજાઈ હતી. પછીથી આખો કાર્યક્રમ JW બ્રૉડકાસ્ટિંગ પર આવ્યો હતો. એનો પહેલો ભાગ નવેમ્બર ૨૦૨૩ અને બીજો ભાગ જાન્યુઆરી ૨૦૨૪ના બ્રૉડકાસ્ટિંગમાં આવ્યો હતો.
b અર્નેસ્ટભાઈનો અનુભવ વાંચવા jw.org/gu પર જાઓ અને શોધો બૉક્સમાં “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે—બાઇબલના સરળ અને સ્પષ્ટ જવાબો મારા દિલને સ્પર્શી ગયા” લખો.