વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 જુલાઈ પાન ૨૬-૩૦
  • “યુદ્ધમાં જીત તો યહોવાની જ છે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “યુદ્ધમાં જીત તો યહોવાની જ છે”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • મમ્મી-પપ્પાના ઉત્સાહે મને ઘડ્યો
  • જગત મુખ્યમથકે સોંપણી
  • કાનૂની વિભાગમાં સોંપણી
  • ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા મહેનત કરી
  • યહોવા, તમારો આભાર!
  • મારે જે કરવું જોઈએ, એ જ મેં કર્યું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 જુલાઈ પાન ૨૬-૩૦
ફિલિપ બ્રમલી.

જીવન સફર

“યુદ્ધમાં જીત તો યહોવાની જ છે”

ફિલિપ બ્રમલીના જણાવ્યા પ્રમાણે

૨૮ જાન્યુઆરી, ૨૦૧૦નો દિવસ હતો. કડકડતી ઠંડી હતી. હું ફ્રાન્સના એક સુંદર શહેર સ્ટ્રાસબુર્ગમાં હતો. પણ હું ફરવા ગયો ન હતો. હું ત્યાં કાનૂની વિભાગના અમુક ભાઈઓ સાથે યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઈટ્‌સમાં (ઈસીએચઆર) યહોવાના સાક્ષીઓના હક માટે એક મુકદ્દમો લડવા ગયો હતો. મુદ્દો એ હતો કે ફ્રાન્સની સરકારે આપણા ભાઈઓ પાસેથી આશરે ૬ કરોડ, ૪૦ લાખ યુરો (આશરે ૫૭૭ કરોડ રૂપિયા) ટૅક્સ તરીકે માંગ્યા હતા. અમારે સાબિત કરવાનું હતું કે એ માંગણી ગેરકાયદેસર હતી. રકમ તો મોટી હતી જ, પણ અમારી પાસે મુકદ્દમો જીતવાનું એક વધારે મહત્ત્વનું કારણ હતું. યહોવાનું નામ, તેમના લોકોની શાખ અને છૂટથી ભક્તિ કરવાનો હક દાવ પર લાગેલાં હતાં. પણ સુનાવણી વખતે જે બન્યું એનાથી સાબિત થઈ ગયું કે “યુદ્ધમાં જીત તો યહોવાની જ છે.” (૧ શમુ. ૧૭:૪૭) ચાલો માંડીને વાત કરું.

૧૯૯૯માં ફ્રાન્સની સરકારે ફ્રાન્સની શાખા કચેરીને કહ્યું કે તેઓએ ૧૯૯૩થી ૧૯૯૬ વચ્ચે મળેલા દાન માટે ટૅક્સ ભરવો પડશે. પણ એ માંગણી ગેરકાયદેસર હતી. અમે ફ્રાન્સની ઘણી અદાલતોમાં ગયા, પણ કોઈ નિવેડો ન આવ્યો. અમે એ નિર્ણય સામે અદાલતમાં અપીલ કરી, પણ હારી ગયા. પછી ફ્રાન્સની સરકારે શાખા કચેરીના ખાતામાંથી ૪૫ લાખ યુરો (આશરે ૪૧ કરોડ રૂપિયા) કરતાં વધારે રકમ જપ્ત કરી લીધી. હવે અમારી પાસે ઈસીએચઆરનો દરવાજો ખખડાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. પણ એ અદાલતે કહ્યું કે અમે સુનાવણી પહેલાં ફ્રાન્સના સરકારી વકીલો અને અદાલતના અધિકારીઓ સાથે એક મુલાકાત કરીએ, જેથી શક્ય હોય તો બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ શકે.

અમને લાગતું હતું કે અદાલતના અધિકારીઓ અમારા પર દબાણ લાવશે કે અમે પૂરેપૂરી નહિ, પણ થોડી-ઘણી રકમ ફ્રાન્સની સરકારને ચૂકવીએ. પણ અમે જાણતા હતા કે એક યુરો પણ આપવો બાઇબલના સિદ્ધાંતોની વિરુદ્ધ હશે. એ દાન ભાઈ-બહેનોએ રાજ્યનાં કામ માટે આપ્યું હતું, એટલે એના પર સરકારનો કોઈ અધિકાર ન હતો. (માથ. ૨૨:૨૧) તોપણ અદાલતના નિયમોને માન આપવા અમે તેઓને મળવા ગયા.

૨૦૧૦, ઈસીએચઆર આગળ આપણા કાનૂની વિભાગની ટીમ

મુલાકાત માટે અમે અદાલતના એક ભવ્ય કૉન્ફરન્સ હૉલમાં મળ્યા. ચર્ચા શરૂ જ થઈ હતી અને અદાલતની એક અધિકારીએ કહ્યું કે અમારે ફ્રાન્સની સરકારને થોડી-ઘણી રકમ આપવી પડશે. પણ અચાનક પવિત્ર શક્તિએ અમને આ સવાલ પૂછવા દોર્યા: “શું તમને ખબર છે કે સરકારે પહેલેથી જ અમારા ખાતામાંથી ૪૫ લાખ યુરો કરતાં વધારે રકમ જપ્ત કરી લીધી છે?”

જ્યારે એ અધિકારીને ખબર પડી કે ફ્રાન્સની સરકારે આવું કર્યું છે, ત્યારે તેમના હાવભાવ એકદમ જ બદલાઈ ગયા. સાફ દેખાઈ આવ્યું કે તેમને એ વાતની ખબર ન હતી અને તે ગુસ્સે પણ થઈ ગયાં હતાં. તેમણે સરકારી વકીલોને ખખડાવ્યા અને તરત જ સભા પૂરી કરી દીધી. મને ખ્યાલ આવ્યો કે ધાર્યું પણ ન હતું એ રીતે યહોવાએ આખી બાજી પલટી નાખી. અમે ઘણા ખુશ હતા. થોડી પળોમાં જે બની ગયું, એનાથી અમારી નવાઈનો પાર ન રહ્યો.

૩૦ જૂન, ૨૦૧૧ના રોજ ઈસીએચઆરે એકમતે આપણી તરફેણમાં ચુકાદો સંભળાવ્યો. અદાલતે જણાવ્યું કે એ ટૅક્સ ગેરકાયદેસર હતો. તેણે ફ્રાન્સની સરકારને હુકમ આપ્યો કે યહોવાના સાક્ષીઓ પાસેથી ટૅક્સના નામે જે પૈસા જપ્ત કર્યા હતા, એ પાછા આપે અને એ પણ વ્યાજ સાથે. એ બહુ મોટો ચુકાદો હતો. એના લીધે આજે પણ ફ્રાન્સનાં ભાઈ-બહેનો કોઈ રોકટોક વગર યહોવાની ભક્તિ કરી રહ્યાં છે. જે સવાલ પૂછવાનો અમે વિચાર પણ કર્યો ન હતો, એ ગોલ્યાથનો જીવ લેનાર પથ્થર જેવો હતો. એ સવાલે આખી બાજી પલટી નાખી. અમે કેમ એ મુકદ્દમો જીતી શક્યા? કેમ કે દાઉદે ગોલ્યાથને કહ્યું હતું તેમ, “યુદ્ધમાં જીત તો યહોવાની જ છે.”—૧ શમુ. ૧૭:૪૫-૪૭.

આપણે મુકદ્દમો જીત્યા હોઈએ એવું આ કંઈ એક જ વાર નથી બન્યું. શક્તિશાળી સરકારો અને ધર્મોના વિરોધ છતાં આપણે અત્યાર સુધી ૭૦ દેશોની ઉચ્ચ અદાલતો અને ઘણી આંતરરાષ્ટ્રીય અદાલતોમાં ૧,૨૨૫ મુકદ્દમા જીત્યા છીએ. એના લીધે આપણા ઘણા અધિકારોનું રક્ષણ થાય છે. જેમ કે, આપણને એક ધર્મ તરીકે કાનૂની માન્યતા મળે છે, આપણે છૂટથી પ્રચાર કરી શકીએ છીએ તેમજ દેશભક્તિને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવાની અને લોહી લેવાની ના પાડી શકીએ છીએ.

તમને થતું હશે કે હું તો અમેરિકાના ન્યૂ યૉર્કમાં આવેલા યહોવાના સાક્ષીઓના જગત મુખ્યમથકમાં સેવા આપતો હતો. તો પછી એક મુકદ્દમો લડવા મારે યુરોપ કેમનું આવવાનું થયું?

મમ્મી-પપ્પાના ઉત્સાહે મને ઘડ્યો

મારાં મમ્મી-પપ્પાનું નામ જ્યોર્જ અને લ્યુસિલ છે. તેઓ ગિલયડના ૧૨મા વર્ગમાંથી ગ્રેજ્યુએટ થયાં હતાં. ૧૯૫૬માં મારો જન્મ થયો ત્યારે તેઓ ઇથિયોપિયામાં સેવા આપતાં હતાં. તેઓએ પહેલી સદીના પ્રચારક ફિલિપના નામ પરથી મારું નામ પાડ્યું હતું. (પ્રે.કા. ૨૧:૮) પછીના વર્ષે સરકારે આપણાં કામ પર પ્રતિબંધ મૂકી દીધો. એ સમયે હું ભાખોડિયા ભરતો હતો, પણ મને બરાબર યાદ છે કે અમારું કુટુંબ છાનીછૂપી રીતે ભક્તિ કરતું હતું. મારા જેવા ટાબરિયાને તો બહુ મજા આવતી! દુઃખની વાત છે કે ૧૯૬૦માં સરકારી અધિકારીઓએ અમને દેશમાંથી કાઢી મૂક્યાં.

૧૯૫૯, ઇથિયોપિયાના ઍડિસ અબાબામાં ભાઈ નાથાન એચ. નૉર (એકદમ ડાબી બાજુ) અમારા કુટુંબની મુલાકાતે આવ્યા હતા

પછી અમારું કુટુંબ અમેરિકાના કૅન્ઝસ રાજ્યમાં આવેલા વિચિટા શહેરમાં વસ્યું. ભલે મારાં મમ્મી-પપ્પા હવે મિશનરી ન હતાં, પણ તેઓનો ઉત્સાહ એવો ને એવો જ હતો. તેઓ પોતાનું આખું જીવન બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવ્યાં. તેઓએ મારો, મારી મોટી બહેન જૂડીનો અને મારા નાના ભાઈ લેઝલીનો સરસ ઉછેર કર્યો. એ બંનેનો જન્મ પણ ઇથિયોપિયામાં થયો હતો. ૧૩ વર્ષની ઉંમરે મેં બાપ્તિસ્મા લીધું. ત્રણ વર્ષ પછી અમારું કુટુંબ પેરુના આરેકિપા શહેરમાં રહેવા ગયું. ત્યાં પ્રચારકોની વધારે જરૂર હતી.

૧૯૭૪માં પેરુની શાખા કચેરીએ મને અને બીજા ચાર ભાઈઓને ખાસ પાયોનિયર બનાવ્યા. એ વખતે હું બસ ૧૮ વર્ષનો હતો. અમને ઍન્ડીઝ પર્વતમાળાના વિસ્તારોમાં મોકલવામાં આવ્યા. ત્યાં હજી સુધી પ્રચાર થયો ન હતો. અમે કેચુઆ અને આયમરા ભાષા બોલતા સ્થાનિક લોકોને પણ પ્રચાર કર્યો. અમે પૈડાંવાળા એક હરતા-ફરતા ઘરમાં રહેતા હતા. એનો આકાર મોટી પેટી જેવો હતો, એટલે અમે એને “નૂહનું વહાણ” કહેતા. મેં ત્યાંના સ્થાનિક લોકોને બાઇબલમાંથી શીખવ્યું હતું કે યહોવા બહુ જલદી ગરીબી, બીમારી અને મરણને મિટાવી દેશે. (પ્રકટી. ૨૧:૩, ૪) એ દિવસોને યાદ કરીને આજે પણ મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. ખુશીની વાત છે કે ઘણા લોકો યહોવાના ભક્ત બન્યા છે.

પાણીના ઊંચા સ્તરમાં ચાલતું હરતું-ફરતું ઘર.

૧૯૭૪, અમારું “નૂહનું વહાણ”

જગત મુખ્યમથકે સોંપણી

૧૯૭૭માં નિયામક જૂથના સભ્ય ભાઈ આલ્બર્ટ શ્રોડર પેરુ આવ્યા. તેમણે મને જગત મુખ્યમથકે સેવા આપવા માટે અરજી ભરવાનું ઉત્તેજન આપ્યું. મેં એવું જ કર્યું. થોડા જ સમય પછી ૧૭ જૂન, ૧૯૭૭ના રોજ મેં બ્રુકલિન બેથેલમાં સેવા આપવાનું શરૂ કર્યું. ચાર વર્ષ સુધી મેં સાફ-સફાઈ અને સમારકામ વિભાગમાં કામ કર્યું.

૧૯૭૯, અમારા લગ્‍નના દિવસે

જૂન ૧૯૭૮માં લુઇઝિઍના રાજ્યના ન્યૂ ઑર્લિઅન્ઝમાં આંતરરાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું હતું. ત્યાં હું એલિઝાબેથ એવેલોનને મળ્યો. મારી જેમ તેનો ઉછેર પણ યહોવાની દિલથી ભક્તિ કરતા મમ્મી-પપ્પાએ કર્યો હતો. એલિઝાબેથ ચાર વર્ષથી નિયમિત પાયોનિયરીંગ કરતી હતી. તે આખું જીવન પૂરા સમયની સેવા કરવા માંગતી હતી. જેમ જેમ અમે એકબીજાને ઓળખવા લાગ્યાં, તેમ તેમ અમે લાગણીના તાંતણે બંધાવા લાગ્યાં. અમે પ્રેમમાં પડી ગયાં. ૨૦ ઑક્ટોબર, ૧૯૭૯ના રોજ અમે લગ્‍ન કર્યું. પછી અમે સાથે મળીને બેથેલમાં સેવા આપવા લાગ્યાં.

સૌથી પહેલા અમે બ્રુકલિન સ્પેનિશ નામના મંડળમાં હતાં. ત્યાંનાં ભાઈ-બહેનોએ અમને ઘણો પ્રેમ બતાવ્યો. અમને બીજાં ત્રણ મંડળોમાં પણ સેવા આપવાનો મોકો મળ્યો. ત્યાંનાં ભાઈ-બહેનો પણ ખૂબ પ્રેમાળ હતાં. તેઓએ અમને બેથેલ સેવા ચાલુ રાખવા મદદ કરી. અમે તેઓનો ખૂબ આભાર માનીએ છીએ. અમે એ દોસ્તો અને કુટુંબીજનોનો પણ આભાર માનીએ છીએ, જેઓએ અમારાં ઘરડાં માબાપની સંભાળ રાખવા અમને મદદ કરી છે.

મંડળની સભામાં ફિલિપભાઈ અને બેથેલનાં બીજાં ભાઈ-બહેનો.

૧૯૮૬, બ્રુકલિન સ્પેનિશ મંડળનાં એ ભાઈ-બહેનો સાથે, જેઓ બેથેલમાં સેવા આપતાં હતાં

કાનૂની વિભાગમાં સોંપણી

જાન્યુઆરી ૧૯૮૨માં મને બેથેલના કાનૂની વિભાગમાં સોંપણી મળી ત્યારે હું દંગ રહી ગયો. ત્રણ વર્ષ પછી મને કહેવામાં આવ્યું કે હું યુનિવર્સિટીમાં કાયદા-કાનૂન વિશે ભણવા જઉં અને વકીલ બનું. અભ્યાસ દરમિયાન મને એક નવાઈની વાત જાણવા મળી. અમેરિકા અને બીજા દેશોના લોકો ઘણાં કામ છૂટથી કરી શકે છે અને એ આઝાદીને મોટા ભાગના લોકો મામૂલી ગણી લે છે. પણ એ જાણીને ખુશી થઈ કે એવી આઝાદી યહોવાના સાક્ષીઓએ જીતેલા મહત્ત્વના મુકદ્દમાને લીધે મળી છે. એ બધા મુકદ્દમા વિશે ક્લાસમાં ઘણી વાર ચર્ચા કરવામાં આવતી.

૧૯૮૬માં મને કાનૂની વિભાગનો નિરીક્ષક બનાવવામાં આવ્યો. એ વખતે હું ૩૦ વર્ષનો હતો. હું ખુશ હતો કે આટલી નાની ઉંમર હોવા છતાં સંગઠને મારા પર ભરોસો મૂક્યો હતો. જોકે, મને ડર પણ લાગતો હતો. કેમ કે હું ઘણી બાબતો જાણતો ન હતો અને મને ખબર હતી કે આ સોંપણી સહેલી નહિ હોય.

૧૯૮૮માં હું વકીલ બન્યો. પણ મને ખ્યાલ ન હતો કે એ ભણતરની મારા પર અને યહોવા સાથેના મારા સંબંધ પર કેવી અસર થઈ હતી. ઉચ્ચ શિક્ષણ વ્યક્તિને ઘમંડી બનાવી દે છે. તેને લાગે છે કે તે બીજાઓ કરતાં ચઢિયાતી છે. એવામાં એલિઝાબેથ મારી મદદે આવી. હું કાયદા-કાનૂનનું ભણવા ગયો એ પહેલાં યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા જે કરતો હતો, એ ફરીથી કરવા તેણે મને મદદ કરી. થોડો સમય લાગ્યો, પણ હું ફરીથી યહોવાની નજીક આવ્યો. હું મારા અનુભવથી કહી શકું છું કે આ દુનિયાનું બહુ બધું શિક્ષણ લેવું એ વધારે મહત્ત્વનું નથી. પણ જો સાચી ખુશી જોઈતી હોય, તો યહોવા સાથે પાકો સંબંધ તેમજ તેમના માટેનો અને તેમના લોકો માટેનો પ્રેમ હોવો ખૂબ જરૂરી છે.

ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા મહેનત કરી

કાયદા-કાનૂનનું ભણતર પૂરું કર્યા પછી મેં બેથેલના કાનૂની વિભાગનાં અલગ અલગ કામોમાં અને ખુશખબર જણાવવાના આપણા અધિકારનું રક્ષણ કરવામાં મન પરોવ્યું. મારું કામ મજાનું હતું. જોકે પડકારો પણ ઓછા ન હતા, કેમ કે સંગઠનમાં ઝડપથી ફેરફારો થઈ રહ્યા હતા. જેમ કે, ઘણાં વર્ષોથી આપણે સાહિત્ય માટે પૈસા માંગતા હતા. પણ ૧૯૯૦માં નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી આપણે સાહિત્ય માટે પૈસા નહિ માંગીએ. કાનૂની વિભાગને જણાવવામાં આવ્યું કે તે આ ફેરફાર લાગુ પાડવા મદદ કરે. પછી યહોવાના સાક્ષીઓ વિના મૂલ્યે સાહિત્ય આપવા લાગ્યા. એના લીધે બેથેલમાં અને પ્રચારમાં આપણું કામ સહેલું થઈ ગયું. એટલું જ નહિ, આ ફેરફારથી આપણે વગર કામનો ટૅક્સ ભરવાથી બચી જઈએ છીએ. અમુક લોકોને લાગ્યું કે આ ફેરફારને લીધે સંગઠને ઘણું નુકસાન વેઠવું પડશે અને પ્રચારકામ ધીમું પડી જશે. પણ એનાથી ઊંધું જ થયું. ૧૯૯૦થી લઈને અત્યાર સુધી યહોવાના સાક્ષીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. તેમ જ, લોકો વિના મૂલ્યે બાઇબલની માહિતી મેળવી શકે છે. મેં જોયું છે કે ફક્ત યહોવાની મદદથી તેમજ વિશ્વાસુ અને સમજુ ચાકરના માર્ગદર્શનથી સંગઠનમાં ફેરફારો કરવા સફળતા મળી છે.—નિર્ગ. ૧૫:૨; માથ. ૨૪:૪૫.

એવું નથી કે ફક્ત સારા વકીલોને લીધે જ આપણે મુકદ્દમા જીતીએ છીએ. પણ ઘણી વાર અધિકારીઓ યહોવાના સાક્ષીઓના સારાં વાણી-વર્તન જોઈને તેઓના પક્ષમાં ચુકાદો આપે છે. ચાલો એનો એક દાખલો આપું. ૧૯૯૮માં ક્યૂબામાં મહાસંમેલનો યોજાયાં હતાં. એ બહુ ખાસ હતાં. એમાં નિયામક જૂથના ત્રણ સભ્યો અને તેઓની પત્નીઓ આવ્યાં હતાં. તેઓ બધા સાથે પ્રેમથી અને માનથી વર્તતાં હતાં. ક્યૂબાના અધિકારીઓએ એ પોતાની આંખે જોયું હતું. અમે પહેલેથી તેઓને જણાવ્યું હતું કે અમે રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી. પણ અમે તેઓને જે કહ્યું હતું, એના કરતાં તેઓએ જે જોયું એની તેઓ પર વધારે અસર થઈ.

પણ અન્યાય દૂર કરવાનો કોઈ રસ્તો ન હોય ત્યારે “ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા” આપણે અદાલતમાં જવું પડે છે. (ફિલિ. ૧:૭) દાખલા તરીકે, આપણને લશ્કરી સેવા માટે ના પાડવાનો હક મળવો જોઈએ. પણ યુરોપ અને દક્ષિણ કોરિયાના અધિકારીઓએ દાયકાઓ સુધી આપણને એ હક આપ્યો ન હતો. એના લીધે, યુરોપમાં આશરે ૧૮,૦૦૦ ભાઈઓ અને દક્ષિણ કોરિયામાં ૧૯,૦૦૦ કરતાં વધારે ભાઈઓ જેલમાં ગયા હતા, કેમ કે તેઓએ સેનામાં ભરતી થવાની ના પાડી હતી.

આખરે ૭ જુલાઈ, ૨૦૧૧ના દિવસે ઈસીએચઆરે બયાત્યાન વિ. આર્મેનિયાના કિસ્સામાં પોતાનો નિર્ણય જણાવ્યો. એ સાચે જ ઐતિહાસિક નિર્ણય હતો. એ ચુકાદાને આધારે આખા યુરોપમાં દરેકને લશ્કર સિવાયની લોકસેવા કરવાનો અધિકાર મળ્યો. ૨૮ જૂન, ૨૦૧૮ના દિવસે દક્ષિણ કોરિયાની બંધારણીય અદાલતે એવો જ નિર્ણય લીધો. મને થાય છે કે જો થોડાક ભાઈઓએ પણ નમતું જોખ્યું હોત, તો આપણને આટલી મોટી જીત મળી ન હોત.

જગત મુખ્યમથક અને બધી શાખા કચેરીઓના કાનૂની વિભાગ સખત મહેનત કરે છે. તેઓ છૂટથી ભક્તિ અને પ્રચાર કરવાના હકનું રક્ષણ કરવા બનતું બધું કરે છે. જ્યારે સરકારો આપણાં ભાઈ-બહેનોનો વિરોધ કરે છે, ત્યારે ભાઈ-બહેનો માટે લડવું અમારા માટે લહાવો છે. ભલે આપણને જીત મળે કે હાર, પણ રાજ્યપાલો, રાજાઓ અને દેશોને જોરદાર સાક્ષી મળે છે. (માથ. ૧૦:૧૮) અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે અને દસ્તાવેજો આપતી વખતે અમે બાઇબલની કલમોનો ઉલ્લેખ કરીએ છીએ. એટલે ન્યાયાધીશો, સરકારી વકીલો, મીડિયાના લોકો અને દેશના બાકીના લોકો પાસે બાઇબલની કલમો પર વિચાર કર્યા સિવાય કોઈ છૂટકો હોતો નથી. આમ, નમ્ર દિલના લોકો જાણી શકે છે કે યહોવાના સાક્ષીઓ કોણ છે અને તેઓ જોઈ શકે છે કે આપણું શિક્ષણ બાઇબલને આધારે છે. એવા અમુક નમ્ર દિલના લોકો યહોવાના ભક્ત પણ બન્યા છે.

યહોવા, તમારો આભાર!

છેલ્લાં ૪૦ વર્ષોમાં મને કાયદાકીય બાબતને લઈને અલગ અલગ શાખા કચેરીઓના કાનૂની વિભાગ સાથે કામ કરવાનું સન્માન મળ્યું છે. મને અનેક ઉચ્ચ અદાલતોમાં હાજર રહેવાનો અને મોટા મોટા અધિકારીઓ સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો છે. આપણા જગત મુખ્યમથકના કાનૂની વિભાગમાં અને બધી શાખા કચેરીઓના કાનૂની વિભાગમાં કામ કરતા ભાઈ-બહેનોને હું ખૂબ પ્રેમ કરું છું અને તેઓની કદર કરું છું. મારા આખા જીવન દરમિયાન યહોવાએ મને ઘણા આશીર્વાદો આપ્યા છે અને તેમનું કામ કરવાથી મને ખુશી મળી છે.

ફિલિપ અને એલિઝાબેથ બ્રમલી.

છેલ્લાં ૪૫ વર્ષોમાં મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. પણ એલિઝાબેથ હંમેશાં મારી પડખે ઊભી રહી છે. તે પોતે એક એવી બીમારી સામે લડી રહી છે, જેના લીધે તેને બહુ અશક્તિ રહે છે. તોપણ તે હંમેશાં મને સાથ આપે છે. એ માટે હું તેની જેટલી પ્રશંસા કરું, એટલી ઓછી છે.

અમે પોતે અનુભવ્યું છે કે આપણને તાકાત અને જીત પોતાની આવડતના જોરે નથી મળતી. કેમ કે દાઉદે કહ્યું હતું તેમ, “યહોવા પોતાના લોકોની તાકાત છે.” (ગીત. ૨૮:૮) સાચે, “યુદ્ધમાં જીત તો યહોવાની જ છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો