વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 સપ્ટેમ્બર પાન ૧૪-૧૯
  • દરેકને માન આપીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દરેકને માન આપીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • માન આપવું એટલે શું?
  • કુટુંબના સભ્યોને માન આપીએ
  • મંડળનાં ભાઈ-બહેનોને માન આપીએ
  • યહોવાના ભક્ત ન હોય એવા લોકોને માન આપીએ
  • તમે કઈ રીતે આદર-માન બતાવી શકો?
    સજાગ બનો!—૨૦૨૪
  • શું તમે બીજાને માન આપો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • જેઓ પાસે અધિકાર છે તેઓને માન આપો
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • મંડળમાં બધાને માન આપવામાં શું તમે પહેલ કરો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 સપ્ટેમ્બર પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૩૮

ગીત ૨૯ ચાલું તારી સંગે

દરેકને માન આપીએ

“સોના-ચાંદી કરતાં માન વધારે સારું.”—નીતિ. ૨૨:૧.

આપણે શું શીખીશું?

દરેકને કેમ માન આપવું જોઈએ અને અઘરું લાગે ત્યારે પણ કઈ રીતે માન આપી શકીએ?

૧. બીજાઓ માન આપે ત્યારે કેમ સારું લાગે છે? (નીતિવચનો ૨૨:૧)

બીજાઓ માન આપે ત્યારે તમને કેવું લાગે છે? ચોક્કસ તમને ખુશી થતી હશે. આપણે બધા ચાહીએ છીએ કે બીજાઓ આપણને માન આપે. જન્મથી જ આપણા દરેકમાં એવી ઇચ્છા હોય છે. એટલે બીજાઓ માન આપે છે ત્યારે આપણને સારું લાગે છે. આપણે બાઇબલની આ વાત સાથે એકદમ સહમત છીએ: “સોના-ચાંદી કરતાં માન વધારે સારું.”—નીતિવચનો ૨૨:૧ વાંચો.

૨-૩. (ક) અમુક વાર બીજાઓને માન આપવું કેમ અઘરું લાગી શકે? (ખ) આ લેખમાં શું શીખીશું?

૨ પણ અમુક વાર બીજાઓને માન આપવું અઘરું લાગી શકે. એનું એક કારણ છે કે આપણે બીજાઓની ખામીઓ જોઈ શકીએ છીએ. બીજું કારણ એ છે કે આજે મોટા ભાગના લોકો બીજાઓને માન નથી આપતા. તોપણ આપણે અલગ તરી આવવું જોઈએ. કેમ? કેમ કે યહોવા ચાહે છે કે આપણે “દરેક પ્રકારના માણસોને” માન આપીએ.—૧ પિત. ૨:૧૭.

૩ આ લેખમાં શીખીશું કે માન આપવું એટલે શું. એ પણ શીખીશું કે (૧) કુટુંબના સભ્યોને, (૨) મંડળનાં ભાઈ-બહેનોને અને (૩) યહોવાના ભક્ત ન હોય એવા લોકોને કઈ રીતે માન આપી શકીએ. આપણે ખાસ એ વાત પર ધ્યાન આપીશું કે અઘરું લાગે ત્યારે પણ કઈ રીતે માન આપી શકીએ.

માન આપવું એટલે શું?

૪. માન આપવું એટલે શું?

૪ તમને શું લાગે છે, માન આપવું અથવા આદર કરવો એટલે શું? આપણે લોકો વિશે જે વિચારીએ છીએ અને તેઓ સાથે જે રીતે વર્તીએ છીએ, એ બંને વાતોનો માન આપવામાં સમાવેશ થાય છે. જ્યારે આપણે જોઈએ છીએ કે એક વ્યક્તિમાં સારા ગુણો છે, તેણે સારાં કામ કર્યાં છે અથવા તેની પાસે કોઈ અધિકાર છે, ત્યારે તેની સાથે સારી રીતે વર્તીએ છીએ. આમ, તેને માન આપીએ છીએ. પણ મહત્ત્વનું એ છે કે દિલથી માન આપીએ, બસ આપવા ખાતર નહિ.—માથ. ૧૫:૮.

૫. કઈ વાત બીજાઓને માન આપવા મદદ કરે છે?

૫ યહોવા ચાહે છે કે આપણે લોકોને માન આપીએ. દાખલા તરીકે, તેમણે “ઉચ્ચ અધિકારીઓને” માન આપવાની આજ્ઞા આપી છે. (રોમ. ૧૩:૧, ૭) પણ અમુક કદાચ કહે, “હું લોકોને માન તો આપીશ, પણ જો તેઓ સારી રીતે વર્તશે તો જ!” શું એવું વિચારવું બરાબર છે? ના. એવું નથી કે આપણે લોકોને ફક્ત તેઓનાં કામોને આધારે જ માન આપીએ છીએ. આપણે લોકોને માન આપીએ છીએ, કેમ કે યહોવા એવું ચાહે છે અને આપણે તેમને ખુશ કરવા માંગીએ છીએ.—યહો. ૪:૧૪; ૧ પિત. ૩:૧૫.

૬. જો કોઈ વ્યક્તિ તમને માન ન આપે તો શું તેને માન આપવું શક્ય છે? સમજાવો. (ચિત્ર પણ જુઓ.)

૬ અમુક લોકો કદાચ વિચારે, ‘જો કોઈ મને માન ન આપે, તો હું તેને કઈ રીતે માન આપી શકું? શું એવું શક્ય છે?’ હા! ચાલો અમુક દાખલા પર ધ્યાન આપીએ. રાજા શાઉલે બધાની વચ્ચે પોતાના દીકરા યોનાથાનને ઉતારી પાડ્યો. (૧ શમુ. ૨૦:૩૦-૩૪) તોપણ યોનાથાને પોતાના પિતા શાઉલને માન આપ્યું અને યુદ્ધમાં તેમના મરણ સુધી સાથ આપ્યો. (નિર્ગ. ૨૦:૧૨; ૨ શમુ. ૧:૨૩) પ્રમુખ યાજક એલીએ હાન્‍ના પર આરોપ મૂક્યો કે તે પીધેલી છે. (૧ શમુ. ૧:૧૨-૧૪) આખા ઇઝરાયેલને ખબર હતી કે એલીએ પોતાના દીકરાઓને સુધાર્યા ન હતા. આમ, તે પિતા અને પ્રમુખ યાજક તરીકે નિષ્ફળ ગયા હતા. તોપણ હાન્‍નાએ એલી સાથે માનથી વાત કરી. (૧ શમુ. ૧:૧૫-૧૮; ૨:૨૨-૨૪) એથેન્સના માણસોએ પ્રેરિત પાઉલનું અપમાન કરતા કહ્યું કે તે “લવારો કરનાર” છે. (પ્રે.કા. ૧૭:૧૮) તેમ છતાં પાઉલે તેઓની સાથે માનથી વાત કરી. (પ્રે.કા. ૧૭:૨૨) આપણે શું શીખી શકીએ? સાફ દેખાઈ આવવું જોઈએ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમને દુઃખી કરવા નથી માંગતા, એટલે અઘરું લાગે તોપણ બીજાઓને માન આપીએ છીએ. ચાલો જોઈએ કે આપણે કોને અને કેમ માન આપવું જોઈએ.

યોનાથાન, શાઉલ અને ઇઝરાયેલી સૈનિકો પોતાની તલવાર, ભાલા અને ઢાલ સાથે યુદ્ધ લડી રહ્યા છે.

શાઉલે બધાની વચ્ચે યોનાથાનને ઉતારી પાડ્યા, તોપણ તેમણે પોતાના પિતાને માન આપ્યું, જે રાજા હતા. એટલું જ નહિ, તે યુદ્ધમાં શાઉલની પડખે રહીને લડ્યા (ફકરો ૬ જુઓ)


કુટુંબના સભ્યોને માન આપીએ

૭. કઈ મુશ્કેલીઓને લીધે કુટુંબમાં એકબીજાને માન આપવું અઘરું લાગી શકે?

૭ મુશ્કેલી. આપણે કુટુંબ સાથે ઘણો સમય વિતાવીએ છીએ. એટલે એકબીજાના સારા ગુણો અને ખામીઓ સારી રીતે જાણીએ છીએ. અમુક વાર એવું બને કે બીમારીને લીધે અથવા હંમેશાં બેચેન કે ચિંતામાં રહેવાને લીધે અમુક સભ્યો આપણી સાથે ખરાબ રીતે વર્તે અને આપણા માટે તેઓની સંભાળ રાખવી મુશ્કેલ થઈ જાય. અમુક સભ્યો કદાચ પોતાના શબ્દોથી કે કામોથી આપણને માઠું લગાડે. આપણે કુટુંબ સાથે હોઈએ ત્યારે પ્રેમ અને હૂંફનો અનુભવ થવો જોઈએ. પણ કુટુંબીજનો એકબીજાને માન નથી આપતાં ત્યારે, માહોલ બગડી શકે છે અને તેઓ એકબીજા પર સહેલાઈથી ગુસ્સે થઈ શકે છે. આમ, કુટુંબમાં સંપ નથી રહેતો. આ દાખલા પર ધ્યાન આપો: વાની બીમારી થાય છે ત્યારે શરીરનાં અંગો બરાબર કામ નથી કરતા અને દુખાવો થાય છે. એવી જ રીતે, જો કુટુંબમાં એકબીજાને માન નહિ આપીએ, તો હળી-મળીને નહિ રહી શકીએ. જોકે વાની બીમારીમાંથી કદાચ સાજા ન થવાય, પણ કુટુંબ વિશે એવું નથી. જો કુટુંબમાં માન આપતા શીખીશું, તો એકબીજા સાથેનો સંબંધ સાચવી શકીશું.

૮. કુટુંબના સભ્યોને માન આપવું કેમ જરૂરી છે? (૧ તિમોથી ૫:૪, ૮)

૮ આપણે કેમ માન આપવું જોઈએ? (૧ તિમોથી ૫:૪, ૮ વાંચો.) પાઉલે તિમોથીને લખેલા પહેલા પત્રમાં જણાવ્યું કે કુટુંબીજનોએ કઈ રીતે એકબીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે સમજાવ્યું કે આપણે ફરજને લીધે નહિ, પણ ‘ભક્તિભાવને’ લીધે કુટુંબીજનોને માન આપવું જોઈએ. એનો અર્થ થાય કે યહોવાને પ્રેમ કરીએ છીએ અને માન આપવાને ભક્તિનો ભાગ ગણીએ છીએ, એટલે તેઓને માન આપીએ છીએ. વધુમાં યહોવાએ કુટુંબની શરૂઆત કરી હતી. (એફે. ૩:૧૪, ૧૫) એટલે કુટુંબીજનોને માન આપીએ છીએ ત્યારે હકીકતમાં કુટુંબની રચના કરનાર યહોવાને માન આપીએ છીએ. (૧ તિમો. ૫:૪) કુટુંબમાં એકબીજાને માન આપવાનું કેટલું જોરદાર કારણ!

૯. પતિ-પત્ની કઈ રીતે એકબીજાને માન આપી શકે? (ચિત્રો પણ જુઓ.)

૯ આપણે કઈ રીતે માન આપી શકીએ? શાનાથી ખબર પડે કે એક પતિ પોતાની પત્નીને માન આપે છે? તે જાહેરમાં અને ખાનગીમાં બતાવી આપે છે કે તેની પત્ની બહુ અનમોલ છે. (નીતિ. ૩૧:૨૮; ૧ પિત. ૩:૭) તે ક્યારેય તેના પર હાથ ઉપાડતો નથી, તેને ઉતારી પાડતો નથી અથવા એવું કંઈ કરતો નથી જેનાથી પત્નીને લાગે કે તે કંઈ કામની નથી. આરિએલભાઈa આર્જેન્ટિનામાં રહે છે. તે કહે છે: “બીમારીને લીધે મારી પત્ની અમુક વાર એવું કંઈક કહી દે છે, જેનાથી મને દુઃખ થાય છે. એવું થાય ત્યારે હું મારી જાતને યાદ અપાવું છું કે તે હકીકતમાં એવું કહેવા માંગતી ન હતી. ૧ કોરીંથીઓ ૧૩:૫ના શબ્દો યાદ કરવાથી પણ મને ગુસ્સે થયા વગર માનથી વાત કરવા મદદ મળે છે.” (નીતિ. ૧૯:૧૧) શાનાથી ખબર પડે કે એક પત્ની પોતાના પતિને માન આપે છે? તે બીજાઓ આગળ પોતાના પતિ વિશે સારી વાતો કરે છે. (એફે. ૫:૩૩) તે કટાક્ષ કરતી નથી, પતિની મજાક ઉડાવતી નથી અને તેનું અપમાન કરતી નથી. તે સમજે છે કે એવું કરવાથી તેઓના લગ્‍નજીવનમાં તિરાડ પડશે. (નીતિ. ૧૪:૧) ઇટાલીમાં રહેતાં એક બહેનના પતિને અતિશય ચિંતા થાય છે. બહેન કહે છે: “અમુક વાર મને એવું લાગે છે કે મારા પતિ કંઈ વધારે પડતી જ ચિંતા કરે છે. અગાઉ મારા શબ્દોથી અને હાવભાવથી દેખાઈ આવતું કે હું મારા પતિને માન નથી આપી રહી. પણ મેં જોયું છે કે જ્યારે હું એવા દોસ્તો સાથે સમય વિતાવું છું જેઓ બીજાઓ વિશે માનથી વાત કરે છે, ત્યારે મને ઘણી મદદ મળે છે. મને પણ મન થાય છે કે હું હંમેશાં મારા પતિ સાથે માનથી વાત કરું.”

ચિત્રો: પતિ-પત્ની એકબીજા સાથે માનથી વર્તે છે. ૧. તેઓ રસોડામાં ખાવાનું બનાવી રહ્યાં છે ત્યારે પતિ પ્રેમથી પોતાની પત્ની સાથે વાત કરે છે. ૨. પતિ એક વૃદ્ધ ભાઈને જમવાનું આપી રહ્યા છે. પત્ની ઘરે આવેલા મહેમાનો આગળ પોતાના પતિના વખાણ કરે છે.

કુટુંબના સભ્યોને માન આપીએ છીએ ત્યારે કુટુંબની રચના કરનાર યહોવાને માન આપીએ છીએ (ફકરો ૯ જુઓ)


૧૦. બાળકો અને યુવાનો કઈ રીતે મમ્મી-પપ્પાને માન આપી શકે?

૧૦ યુવાનો, મમ્મી-પપ્પા તમારા માટે જે નિયમો બનાવે એને પાળો. (એફે. ૬:૧-૩) મમ્મી-પપ્પા સાથે માનથી વાત કરો. (નિર્ગ. ૨૧:૧૭) તેઓની ઉંમર વધશે તેમ તેઓને તમારી મદદની વધારે જરૂર પડશે. એ સમયે તેઓને મદદ કરીને માન બતાવો. તેઓની સંભાળ રાખવા પોતાનાથી બનતું બધું કરો. મારિયાના અનુભવ પર વિચાર કરો. તેના પપ્પા યહોવાના સાક્ષી નથી. એક વખત તેના પપ્પા બીમાર પડ્યા. પણ તેમના ઝેર જેવા શબ્દોને લીધે તેમની સંભાળ રાખવી બહુ અઘરું થઈ ગયું. મારિયા કહે છે: “મેં પ્રાર્થનામાં મદદ માંગી કે હું પપ્પાને ફક્ત મનથી જ નહિ, મારાં વાણી-વર્તનથી પણ માન બતાવું. મને સમજાયું કે જો યહોવાએ મને મમ્મી-પપ્પાને માન આપવાની આજ્ઞા આપી હોય, તો તે મને એમ કરવાની તાકાત પણ આપશે. સમય જતાં મને ખ્યાલ આવ્યો કે હું પપ્પાને માન આપી શકું એ માટે તેમણે પોતાનાં વાણી-વર્તનમાં ફેરફાર કરવાની જરૂર નથી.” અઘરું લાગે તોપણ કુટુંબના સભ્યોને માન આપીએ છીએ ત્યારે, કુટુંબની શરૂઆત કરનાર યહોવાને માન આપીએ છીએ.

મંડળનાં ભાઈ-બહેનોને માન આપીએ

૧૧. ભાઈ-બહેનોને માન આપવું કેમ અઘરું લાગી શકે?

૧૧ મુશ્કેલી. આપણાં ભાઈ-બહેનો બાઇબલ શિક્ષણ પ્રમાણે જીવે છે. તોપણ અમુક વાર તેઓ કદાચ આપણી સાથે ખરાબ રીતે વર્તે, આપણા વિશે ખોટી ધારણાઓ બાંધી લે અથવા કોઈ રીતે આપણને ચીડ ચઢાવે. જો કોઈ ભાઈ કે બહેન આપણને “ફરિયાદ કરવાનું કારણ” આપે, તો તેમને માન આપવું અઘરું લાગી શકે. (કોલો. ૩:૧૩) એવામાં માન આપવા શાનાથી મદદ મળી શકે?

૧૨. ભાઈ-બહેનોને માન આપવું કેમ જરૂરી છે? (૨ પિતર ૨:૯-૧૨)

૧૨ આપણે કેમ માન આપવું જોઈએ? (૨ પિતર ૨:૯-૧૨ વાંચો.) પિતરે પોતાના બીજા પત્રમાં જણાવ્યું કે મંડળના અમુક ઘમંડી લોકો વડીલોનું અપમાન કરતા હતા, “જેઓને ઈશ્વરે મહિમા આપ્યો” હતો. દૂતો એ બધું જોઈ રહ્યા હતા. તેઓએ શું કર્યું? “યહોવા માટે માન હોવાથી” દૂતો ઘમંડી લોકો વિરુદ્ધ એક શબ્દ પણ ન બોલ્યા. કેટલું જોરદાર કહેવાય! દૂતો પાપી માણસો કરતાં ઘણા ચઢિયાતા છે, તોપણ તેઓએ વિરોધીઓની નિંદા ન કરી. એના બદલે, ઠપકો આપવાનું અને ન્યાય કરવાનું કામ યહોવા પર છોડી દીધું. (રોમ. ૧૪:૧૦-૧૨; યહૂદા ૯ સરખાવો.) દૂતો પાસેથી શું શીખી શકીએ? ધ્યાન આપો કે દૂતોએ તો વિરોધીઓનું પણ અપમાન ન કર્યું, તો શું યહોવાને પ્રેમ કરતા ભાઈ-બહેનોને માન ન આપવાનું આપણી પાસે કોઈ કારણ છે? આપણે તો તેઓને માન આપવામાં “પહેલ” કરવી જોઈએ. (રોમ. ૧૨:૧૦) એમ કરીને બતાવી આપીશું કે આપણે યહોવાને માન આપીએ છીએ.

૧૩-૧૪. આપણે કઈ અલગ અલગ રીતે મંડળમાં એકબીજાને માન આપી શકીએ? (ચિત્રો પણ જુઓ.)

૧૩ આપણે કઈ રીતે માન આપી શકીએ? વડીલો, બીજાઓને પ્રેમથી શીખવો. (ફિલે. ૮, ૯) જો કોઈને સલાહ આપવાની થાય, તો પ્રેમથી આપો. ગુસ્સામાં હો ત્યારે સલાહ આપવાનું ટાળો. બહેનો, મંડળમાં એકબીજા માટેનું માન જળવાય એ માટે તમે પણ મદદ કરી શકો છો. એકબીજા વિશે ઘસાતું બોલવાનું કે નિંદા કરવાનું ટાળો. (તિત. ૨:૩-૫) આપણે બધા મંડળના વડીલોને સાથ-સહકાર આપીને તેઓને માન આપી શકીએ છીએ. વડીલો મંડળની સભા ચલાવવામાં, પ્રચારની ગોઠવણ કરવામાં અને જેઓ “ખોટા માર્ગે” ગયા છે, તેઓને મદદ કરવામાં ઘણી મહેનત કરે છે. (ગલા. ૬:૧) તેઓની મહેનત માટે કદર બતાવીને આપણે તેઓને માન આપી શકીએ છીએ.—૧ તિમો. ૫:૧૭.

૧૪ રોસિયોબહેનનો દાખલો લો. એક વડીલે તેમને સલાહ આપી. એ પછી ભાઈને માન આપવું બહેન માટે અઘરું થઈ ગયું. તે જણાવે છે: “મને લાગ્યું કે તેમણે મારી સાથે સારી રીતે વાત ન કરી. ઘરે હું તેમના વિશે ખરાબ બોલવા લાગી. બહારથી મેં એવું બતાવવાની પૂરી કોશિશ કરી કે બધું ઠીક છે, પણ મનમાં થતું કે શું ભાઈ ખરેખર મને મદદ કરવા માંગતા હતા. મેં તેમની સલાહ જરાય ગણકારી નહિ.” બહેનને શાનાથી મદદ મળી? તે કહે છે: “એકવાર બાઇબલ વાંચતી વખતે મેં ૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૨, ૧૩ કલમ વાંચી. મને સમજાયું કે હું એ ભાઈને માન નથી આપી રહી. એટલે મારું મન કચવાયું. મેં યહોવાને પ્રાર્થના કરી. મારું વલણ સુધારવા મેં સાહિત્યમાં સંશોધન કર્યું. છેવટે મને સમજાયું કે વાંક એ ભાઈનો નથી, મારો છે. મને ખ્યાલ આવ્યો કે જો હું નમ્ર નહિ હોઉં, તો બીજાઓને માન નહિ આપી શકું. મારે હજુ પણ બીજાઓને માન આપવા મહેનત કરવાની જરૂર છે. હવે મને લાગે છે કે મારી મહેનત જોઈને યહોવા સાચે જ ખુશ છે.”

ચિત્રો: એક વૃદ્ધ બહેન બાઇબલ વાંચે છે અને વિચારે છે કે વડીલો કઈ અલગ અલગ રીતોએ મહેનત કરે છે. ૧. મંડળની સભામાં એક વડીલ પ્રવચન આપે છે. ૨. તે એક એવા ભાઈને મદદ કરે છે, જે વ્હિલચૅર પર છે. ૩. તે પ્રાર્થનાઘરની બહાર બરફ ખસેડે છે.

મંડળના વડીલોને સાથ આપીને અને તેઓની મહેનત માટે કદર બતાવીને આપણે બધા તેઓને માન આપી શકીએ છીએ (ફકરા ૧૩-૧૪ જુઓ)


યહોવાના ભક્ત ન હોય એવા લોકોને માન આપીએ

૧૫. યહોવાના સાક્ષી ન હોય એવા લોકોને માન આપવું કેમ અઘરું લાગી શકે?

૧૫ મુશ્કેલી. ઘણી વાર આપણે પ્રચારમાં એવા લોકોને મળીએ છીએ, જેઓને ઈશ્વરની કે બાઇબલની કંઈ પડી નથી. (એફે. ૪:૧૮) અમુક લોકો નાનપણથી શીખેલી માન્યતાને લીધે આપણો સંદેશો સાંભળવા નથી માંગતા. કદાચ કામ પર કે સ્કૂલમાં લોકો આપણી સાથે ખરાબ રીતે વર્તે. બૉસ કે શિક્ષક આપણા કોઈ કામથી કદી ખુશ ન થાય. સમય જતાં કદાચ એવા લોકો માટે માન ઘટતું જાય અને આપણે તેઓ સાથે પ્રેમથી વર્તવાનું ચૂકી જઈએ.

૧૬. યહોવાની ભક્તિ કરતા ન હોય એવા લોકોને માન આપવું કેમ જરૂરી છે? (૧ પિતર ૨:૧૨; ૩:૧૫)

૧૬ આપણે કેમ માન આપવું જોઈએ? યહોવાની ભક્તિ કરતા ન હોય એવા લોકો સાથે આપણે જે રીતે વર્તીએ છીએ, એના પર યહોવા ધ્યાન આપે છે. પ્રેરિત પિતરે ભાઈ-બહેનોને યાદ અપાવ્યું કે તેઓનાં સારાં વાણી-વર્તનથી લોકોને કદાચ ‘ઈશ્વરને મહિમા’ આપવાનું મન થશે. એ કારણે તેમણે તેઓને સલાહ આપી કે જો કોઈ શ્રદ્ધાનો ખુલાસો માંગે, તો “નરમાશથી અને પૂરા આદર સાથે” જવાબ આપવો જોઈએ. (૧ પિતર ૨:૧૨; ૩:૧૫ વાંચો.) ભલે કોઈ અધિકારી અથવા બીજા કોઈ સામે પોતાની માન્યતા સમજાવવાની થાય, આપણે હંમેશાં માનથી વર્તવું જોઈએ. કેમ કે આપણે લોકોને જે કહીએ છીએ એ યહોવા સાંભળે છે અને જે રીતે કહીએ છીએ એ યહોવા જુએ છે. લોકો સાથે માનથી વર્તવાનું કેટલું જોરદાર કારણ!

૧૭. જેઓ હજી યહોવાની ભક્તિ નથી કરતા, તેઓને કઈ રીતે માન આપી શકીએ?

૧૭ આપણે કઈ રીતે માન આપી શકીએ? આપણે કદાચ પ્રચારમાં એવા લોકોને મળીએ, જેઓને બાઇબલ વિશે ખાસ કંઈ ખબર ન હોય. આપણે એવું ન લાગવા દેવું જોઈએ કે તેઓ કંઈ જાણતા નથી. એના બદલે તેઓને ચઢિયાતા ગણવા જોઈએ અને યાદ રાખવું જોઈએ કે તેઓ ઈશ્વર માટે અનમોલ છે. (હાગ્ગા. ૨:૭; ફિલિ. ૨:૩) જો કોઈ આપણી માન્યતાને લીધે ખરું-ખોટું સંભળાવી જાય, તો સામો જવાબ આપવાનું ટાળીએ. અરે, કટાક્ષ કરવાનું પણ ટાળીએ. (૧ પિત. ૨:૨૩) જો આપણાથી એવું કંઈ બોલાઈ જાય, તો તરત માફી માંગી લઈએ. કામની જગ્યાએ માન આપવા શું કરી શકીએ? મન લગાડીને કામ કરીએ. જેઓની સાથે કામ કરીએ છીએ અથવા જેઓના હાથ નીચે કામ કરીએ છીએ, તેઓના સારા ગુણો પર ધ્યાન આપવાની કોશિશ કરીએ. (તિત. ૨:૯, ૧૦) ભલે આપણી મહેનત અને પ્રમાણિકતાથી માણસો ખુશ થાય કે ન થાય, ઈશ્વર ચોક્કસ ખુશ થશે.—કોલો. ૩:૨૨, ૨૩.

૧૮. બીજાઓને માન આપવું કેમ મહત્ત્વનું છે?

૧૮ બીજાઓને માન આપવાનાં આપણે કેટલાં જોરદાર કારણો જોયાં! આપણે જોયું કે કુટુંબના સભ્યોને માન આપીએ છીએ ત્યારે, કુટુંબની રચના કરનાર યહોવાને માન આપીએ છીએ. એવી જ રીતે, મંડળનાં ભાઈ-બહેનોને માન આપીએ છીએ ત્યારે, સ્વર્ગમાંના પિતાને માન આપીએ છીએ. તેમ જ, યહોવાની ભક્તિ કરતા ન હોય એવા લોકોને માન આપીએ છીએ ત્યારે, તેઓને આપણા મહાન ઈશ્વરને મહિમા આપવાની તક આપીએ છીએ. ભલે માણસો આપણને માન આપે કે ન આપે, મહત્ત્વનું એ છે કે આપણે તેઓને માન આપીએ. શા માટે? કેમ કે એમ કરવાથી યહોવા આપણને આશીર્વાદ આપશે. તે વચન આપે છે: “જેઓ મને માન આપે છે, તેઓને હું માન આપીશ.”—૧ શમુ. ૨:૩૦.

તમે શું કહેશો?

  • કુટુંબના સભ્યોને કઈ રીતે માન આપી શકીએ?

  • મંડળનાં ભાઈ-બહેનોને કઈ રીતે માન આપી શકીએ?

  • યહોવાના ભક્ત ન હોય એવા લોકોને કઈ રીતે માન આપી શકીએ?

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

a અમુક નામ બદલ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો