નિયામક જૂથના બે નવા સભ્યો
૫ ઑક્ટોબર, ૨૦૨૪ના રોજ આપણી વાર્ષિક સભામાં એક ખાસ જાહેરાત કરવામાં આવી હતી. એમાં જણાવ્યું હતું કે ભાઈ જોડી જેડલી અને ભાઈ જેકબ રમ્ફને યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી બંને ભાઈઓ વફાદારીથી યહોવાની ભક્તિ કરી રહ્યા છે.
ભાઈ જોડી જેડલી અને તેમના પત્ની દામરિસ
ભાઈ જોડી જેડલીનો જન્મ અમેરિકાના મિઝૂરી રાજ્યમાં થયો હતો. તેમનાં મમ્મી-પપ્પાએ તેમને સત્ય શીખવ્યું હતું. તે જ્યાં રહેતા હતા, એ વિસ્તારમાં બહુ થોડા સાક્ષીઓ હતા. એટલે અલગ અલગ જગ્યાએથી ઘણાં ભાઈ-બહેનો ત્યાં પ્રચાર કરવા આવતાં. તેઓનાં પ્રેમ અને એકતાની ભાઈના દિલ પર ઊંડી અસર થઈ. ૧૫ ઑક્ટોબર, ૧૯૮૩માં તેમણે બાપ્તિસ્મા લીધું. તેમને પ્રચાર કરવો ખૂબ ગમતું હતું. એટલે સ્કૂલનું ભણવાનું પત્યા પછી સપ્ટેમ્બર ૧૯૮૯માં તેમણે નિયમિત પાયોનિયરીંગ શરૂ કરી દીધું.
જોડીભાઈ નાના હતા ત્યારે તેમનાં મમ્મી-પપ્પા તેમને અને તેમની બહેનને બેથેલ જોવા લઈ જતાં. એ મુલાકાતોને લીધે બંને બાળકોએ બેથેલ જવાનો ધ્યેય રાખ્યો. આગળ જતાં તેઓનો એ ધ્યેય પૂરો પણ થયો. સપ્ટેમ્બર ૧૯૯૦માં જોડીભાઈ વૉલકીલ બેથેલ આવ્યા. ત્યાં પહેલા તેમણે સાફ-સફાઈ વિભાગમાં કામ કર્યું અને પછી મેડિકલ સર્વિસીસમાં.
એ સમયગાળામાં બેથેલની નજીક સ્પેનિશ ભાષાનાં મંડળોમાં ઘણો વધારો થયો હતો અને ભાઈઓની જરૂર હતી. એટલે જોડીભાઈ એમાંના એક મંડળમાં જવા લાગ્યા અને સ્પેનિશ શીખવા લાગ્યા. થોડા સમય પછી તે દામરિસબહેનને મળ્યા, જે એ જ સરકીટમાં પાયોનિયરીંગ કરતા હતાં. આગળ જતાં, તેઓએ લગ્ન કર્યું અને બહેન પણ બેથેલમાં સેવા આપવા લાગ્યાં.
૨૦૦૫માં પોતાનાં મમ્મી-પપ્પાની સંભાળ રાખવા તેઓએ બેથેલ છોડવું પડ્યું. એ દરમિયાન તેઓએ પાયોનિયરીંગ કર્યું. જોડીભાઈએ પાયોનિયર સેવા શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. એટલું જ નહિ, તેમણે હૉસ્પિટલ સંપર્ક સમિતિ અને પ્રાદેશિક બાંધકામ સમિતિમાં પણ સેવા આપી.
૨૦૧૩માં તેઓને ફરીથી બેથેલ બોલાવવામાં આવ્યાં, જેથી તેઓ વૉરવિક બાંધકામ પ્રોજેક્ટમાં સેવા આપી શકે. પછી તેઓએ પેટરસન અને વૉલકીલ બેથેલમાં પણ સેવા આપી. જોડીભાઈએ સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ વિભાગમાં તેમજ હૉસ્પિટલ ઇન્ફર્મેશન સર્વિસીસમાં પણ સેવા આપી. માર્ચ ૨૦૨૩માં ભાઈને સેવા સમિતિના મદદનીશ તરીકે સોંપણી મળી. તેમને અત્યાર સુધી ઘણી અલગ અલગ સોંપણીઓ મળી છે. એ વિશે જણાવતા તે કહે છે: “જ્યારે કોઈ નવી સોંપણી મળે, ત્યારે થોડી ગભરામણ તો થાય જ. પણ એ સમયે આપણે યહોવા પર વધારે ભરોસો રાખવાની જરૂર છે, કેમ કે તે આપણને જે ચાહે એ બનાવી શકે છે.”
ભાઈ જેકબ રમ્ફ અને તેમના પત્ની ઇન્ગા
ભાઈ જેકબ રમ્ફનો જન્મ અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં થયો હતો. તેમનાં મમ્મી નિષ્ક્રિય હતાં, તોપણ તેમણે પોતાના દીકરાને નાનપણથી બાઇબલની અમુક વાતો શીખવી હતી. જેકબભાઈ દર વર્ષે પોતાનાં દાદીના ઘરે જતા. તેમનાં દાદી વફાદારીથી યહોવાની ભક્તિ કરતા હતાં. તેમણે જેકબભાઈના દિલમાં બાઇબલમાંથી શીખવાની ઇચ્છા વધારી. પરિણામે, ૧૩ વર્ષની ઉંમરે જેકબભાઈએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તેમણે ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૨ના રોજ બાપ્તિસ્મા લીધું. ખુશીની વાત છે કે તેમનાં મમ્મી ફરીથી પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ કરવા લાગ્યાં. તેમ જ, તેમનાં પપ્પા, નાના ભાઈ અને નાની બહેને સારી પ્રગતિ કરી અને બાપ્તિસ્મા લીધું.
જેકબભાઈ યુવાન હતા ત્યારે તે જોતા કે પાયોનિયર ભાઈ-બહેનો ઘણાં ખુશ રહે છે. એટલે સ્કૂલનું ભણવાનું પત્યા પછી સપ્ટેમ્બર ૧૯૯૫માં ભાઈએ પાયોનિયરીંગ શરૂ કર્યું. પછી ૨૦૦૦ની સાલમાં તે ઇક્વેડોર ગયા, જ્યાં પ્રચારકોની વધારે જરૂર હતી. ત્યાં તે ઇન્ગા નામનાં એક પાયોનિયર બહેનને મળ્યા, જે કેનેડાથી હતાં. આગળ જતાં, બંનેએ લગ્ન કર્યું. લગ્ન પછી તેઓ ઇક્વેડોરના એક નાના શહેરમાં રહેવા લાગ્યાં, જ્યાં બહુ ઓછા પ્રકાશકો હતા. આજે ત્યાં એક મોટું મંડળ છે.
સમય જતાં, તેઓને ખાસ પાયોનિયર તરીકેની સોંપણી મળી અને એ પછી તેઓને સરકીટ કામમાં મોકલવામાં આવ્યાં. ૨૦૧૧માં તેઓને ગિલયડ શાળાના ૧૩૨મા વર્ગમાં બોલાવવામાં આવ્યાં. ગ્રૅજ્યુએટ થયા પછી, તેઓને જુદા જુદા દેશોમાં અલગ અલગ સોંપણી મળી. જેમ કે, બેથેલ સેવા, મિશનરી સેવા અને સરકીટ કામ. જેકબભાઈને રાજ્ય પ્રચારકો માટે શાળામાં શીખવવાનો લહાવો પણ મળ્યો.
કોવિડ-૧૯ મહામારીના લીધે જેકબભાઈ અને ઇન્ગાબહેને પાછા અમેરિકા આવવું પડ્યું. એ પછી તેઓને વૉલકીલ બેથેલ બોલાવવામાં આવ્યાં, જ્યાં ભાઈને સેવા વિભાગમાં કામ કરવાની તાલીમ મળી. થોડા સમય પછી, તેઓને ઇક્વેડોર પાછાં મોકલવામાં આવ્યાં. ભાઈએ ત્યાં શાખા સમિતિમાં સેવા આપી. પછી ૨૦૨૩માં તેઓને વૉરવિક બેથેલ બોલાવવામાં આવ્યાં. જાન્યુઆરી ૨૦૨૪માં ભાઈને સેવા સમિતિના મદદનીશ તરીકે સોંપણી મળી. ભાઈએ અલગ અલગ જગ્યાએ સેવા આપી છે. એને યાદ કરતા તે કહે છે: “કોઈ પણ સોંપણી જગ્યાને લીધે ખાસ બનતી નથી, પણ સાથે કામ કરતા લોકોને લીધે ખાસ બની જાય છે.”
આપણે એ ભાઈઓની સખત મહેનતની ખૂબ કદર કરીએ છીએ અને તેઓ આપણને ખૂબ “વહાલા છે.”—ફિલિ. ૨:૨૯.