‘પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી રાખો’
પ્રેરિત પાઉલે એફેસસના ખ્રિસ્તીઓને અરજ કરી: “પ્રેમથી એકબીજાનું સહન કરો. પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી રાખવા પૂરેપૂરો પ્રયત્ન કરો અને એકબીજા સાથે શાંતિથી રહો.”—એફે. ૪:૨, ૩.
આપણા બધા વચ્ચે જોવા મળતી ‘એકતા’ ઈશ્વરની “પવિત્ર શક્તિ દ્વારા” જ મળે છે. પણ પાઉલે સમજાવ્યું કે એવી એકતા જાળવી રાખવા મહેનત કરવાની છે. પણ કોણે? ખરેખર તો, દરેક ખ્રિસ્તીએ “પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી રાખવા” પ્રયત્ન કરવાનો છે.
ચાલો એક દાખલો લઈએ. ધારો કે કોઈ તમને એક નવી કાર ભેટમાં આપે છે. એની સંભાળ રાખવાની જવાબદારી કોની છે? તમારી! પણ જો તમે એની સંભાળ ન રાખો અને એ બગડી જાય, તો શું ભેટ આપનારનો વાંક કાઢવો યોગ્ય કહેવાશે?
એવી જ રીતે, આપણી વચ્ચે જોવા મળતી એકતા ઈશ્વર તરફથી એક ભેટ છે. પણ એને જાળવી રાખવાની જવાબદારી આપણામાંથી દરેકની છે. જો કોઈ ભાઈ કે બહેન સાથે આપણા સંબંધો ખાટા થઈ ગયા હોય, તો પોતાને પૂછીએ: ‘શું મંડળની એકતા જાળવી રાખવા હું પોતાનાથી બનતું બધું કરું છું?’
એકતા જાળવી રાખવા “પૂરેપૂરો પ્રયત્ન કરો”
પાઉલના શબ્દોથી જોવા મળે છે કે એકતા જાળવી રાખવી કદાચ હંમેશાં સહેલું ન હોય. ખાસ કરીને કોઈ ભાઈ કે બહેન આપણને માઠું લગાડે ત્યારે એમ કરવું વધારે અઘરું બની શકે છે. તો શું દરેકેદરેક વખત આપણે માઠું લગાડનાર ભાઈ કે બહેનને પોતાની લાગણીઓ જણાવવી જોઈએ? ના, એવું જરૂરી નથી. પોતાને પૂછીએ: ‘શું એમ કરવાથી સંજોગો વધારે બગડશે કે સુધરશે?’ અમુક વાર સારું રહેશે કે આપણે એ ભાઈ કે બહેનની ભૂલને નજરઅંદાજ કરીએ અને તેમને માફ કરી દઈએ.—નીતિ. ૧૯:૧૧; માર્ક ૧૧:૨૫.
પોતાને પૂછીએ: ‘શું એમ કરવાથી સંજોગો વધારે બગડશે કે સુધરશે?’
પાઉલે લખ્યું તેમ, ચાલો “પ્રેમથી એકબીજાનું સહન” કરતા રહીએ. (એફે. ૪:૨) એક પુસ્તકમાં જણાવ્યું છે કે એ શબ્દોનો આવો પણ અર્થ થઈ શકે છે: “તેઓ જેવા છે, એવા જ આવકારીએ.” એટલે કે, આપણે એ સ્વીકારવાની જરૂર છે કે આપણાં ભાઈ-બહેનો આપણી જેમ જ ભૂલો કરે છે. ખરું કે આપણે બધા “નવો સ્વભાવ” પહેરવાની કોશિશ કરીએ છીએ. (એફે. ૪:૨૩, ૨૪) જોકે, આપણામાંથી કોઈ પણ એવું નથી, જે પૂરેપૂરી રીતે નવો સ્વભાવ પહેરી શકે છે. (રોમ. ૩:૨૩) એ હકીકત સ્વીકારવાથી આપણા માટે એકબીજાનું સહન કરવું, માફી આપવી અને “પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી” રાખવી સહેલું બની જશે.
બીજાઓ માઠું લગાડે ત્યારે તેઓને માફ કરવાથી અને એને ભૂલી જવાથી મંડળમાં “એકબીજા સાથે શાંતિથી” રહી શકીશું અથવા “એકતાના બંધનમાં” રહી શકીશું. એફેસીઓ ૪:૩ની ફૂટનોટમાં ‘એકતાના બંધન’ માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એ જ શબ્દનું ભાષાંતર કોલોસીઓ ૨:૧૯માં ‘સ્નાયુઓ’ અથવા અસ્થિબંધન થયું છે. અસ્થિબંધન (લિગામેન્ટ) એટલે કે એવા મજબૂત સ્નાયુઓ, જે બે હાડકાંને એકબીજા સાથે જોડે છે. એવી જ રીતે, શાંતિ અને ભાઈ-બહેનો માટેનો પ્રેમ આપણને તેઓની નજીક રહેવા મદદ કરે છે, પછી ભલે અમુક વાર તેઓ એવું કંઈક કરે જેનાથી આપણે ચિડાઈ જઈએ.
એટલે જ્યારે કોઈ ભાઈ કે બહેન આપણને દુઃખ પહોંચાડે અથવા તેમની કોઈ વાત આપણને ન ગમે, ત્યારે ભૂલો શોધવાને બદલે તેમને સમજવાની કોશિશ કરીએ, કરુણાનો ગુણ બતાવીએ. (કોલો. ૩:૧૨) આપણા બધાથી ભૂલો થાય છે, એટલે ક્યારેક ને ક્યારેક આપણે બીજાઓને માઠું લગાડ્યું હશે. એ વાત યાદ રાખવાથી આપણે બધા “પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી રાખવા” પોતાનાથી બનતું બધું કરી શકીશું.