અભ્યાસ માટે સૂચન
બાઇબલના અહેવાલોની કલ્પના કરો
બાઇબલમાં એવા ઘણા બનાવો છે, જેમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. જો આપણે એ બનાવો અથવા અહેવાલોની મનમાં કલ્પના કરીશું, તો એને સારી રીતે સમજી શકીશું અને એમાંથી પૂરેપૂરો ફાયદો મેળવી શકીશું. એ માટે આપણે શું કરી શકીએ?
મોટેથી વાંચો. મોટેથી બાઇબલ વાંચશો તો તમે સારી રીતે દૃશ્યોની કલ્પના કરી શકશો. કુટુંબ તરીકે બાઇબલ વાંચો ત્યારે દરેક સભ્ય કોઈ એક પાત્રએ કહેલી વાતો વાંચી શકે. એવું કરવાથી લાગશે કે જાણે એ બનાવ તમારી આંખો સામે બની રહ્યો છે.
કલ્પના કરો. કલ્પના કરવાની કોશિશ કરો કે બાઇબલના એ પાત્રના સંજોગો કેવા છે અને તે કેવી લાગણીઓ અનુભવે છે. આવા સવાલો પર વિચાર કરો: ‘હમણાં વ્યક્તિએ કેમ આવું કહ્યું અથવા કર્યું? જો હું તેની જગ્યાએ હોત, તો મારા મનમાં કેવા વિચારો આવ્યા હોત અને મને કેવું લાગ્યું હોત?’
ચિત્ર દોરો. બાઇબલના અહેવાલોનું ચિત્ર દોરશો તો તમે સારી રીતે એની કલ્પના કરી શકશો અને યાદ રાખી શકશો. જરૂરી નથી કે તમે એકદમ સુંદર ચિત્ર બનાવો, એક સાદું ચિત્ર બનાવવાથી પણ તમને ફાયદો થશે.