ilbusca/E+ via Getty Images
જુઓ, શું બની રહ્યું છે!
આજે માણસો વચ્ચે કેમ શાંતિ નથી?—બાઇબલ શું કહે છે?
દુનિયાના આગેવાનો અને સંગઠનો માણસજાત વચ્ચે શાંતિ લાવી શક્યા નથી. બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં ક્યારેય એટલી હિંસા થઈ નથી, જેટલી આજે જોવા મળે છે. લગભગ ૨૦૦ કરોડ લોકો, એટલે કે દુનિયાની વસ્તીનો ચોથો ભાગ એવા વિસ્તારમાં રહે છે, જ્યાં અવાર-નવાર હિંસા ફાટી નીકળે છે.
માણસો કેમ દુનિયામાં શાંતિ લાવી શક્યા નથી? બાઇબલ શું કહે છે?
માણસો શાંતિ લાવી શક્યા નથી એનાં ત્રણ કારણો
૧. આજે લોકોનો સ્વભાવ જ એવો થઈ ગયો છે કે તેઓ શાંતિથી રહેવાનો પ્રયત્ન પણ નથી કરતા. બાઇબલમાં પહેલેથી જણાવવામાં આવ્યું છે કે આપણા સમયમાં ‘લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, વિશ્વાસઘાતી, જિદ્દી, સંયમ ન રાખનારા, ક્રૂર, હઠીલા, અભિમાનથી ફુલાઈ જનારા હશે.’—૨ તિમોથી ૩:૨-૪.
૨. આપણા સર્જનહાર યહોવાનીa મદદ વગર માણસો એકલા હાથે કે ભેગા મળીને પોતાની મુશ્કેલીઓનો હલ લાવી શકતા નથી. બાઇબલમાં જણાવ્યું છે કે માણસ “પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી.”—યર્મિયા ૧૦:૨૩.
૩. આ દુનિયા પર એક શક્તિશાળી અને દુષ્ટ શાસક રાજ કરે છે. એ છે શેતાન, “જે આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) જ્યાં સુધી “આખી દુનિયા શેતાનના કાબૂમાં છે,” ત્યાં સુધી યુદ્ધો અને હિંસા ચાલતાં જ રહેશે.—૧ યોહાન ૫:૧૯.
શાંતિ કોણ લાવશે?
બાઇબલમાંથી ખાતરી મળે છે કે આ દુનિયામાં શાંતિ જરૂર આવશે. એ શાંતિ માણસો નહિ પણ ઈશ્વર લાવશે.
“યહોવા કહે છે, ‘મને ખબર છે કે હું તમારા માટે શું કરવાનો છું. હું તમારા પર આફતો નહિ લાવું, પણ તમને શાંતિ આપીશ. હું તમને ઉજ્જવળ ભાવિ અને આશા આપીશ.’”—યર્મિયા ૨૯:૧૧.
ઈશ્વર કઈ રીતે એવું કરશે? ‘શાંતિ આપનાર ઈશ્વર શેતાનને કચડી નાખશે.’ (રોમનો ૧૬:૨૦) ઈશ્વર પોતાની સરકાર દ્વારા આખી દુનિયામાં શાંતિ લાવશે. એ સરકારને બાઇબલમાં ‘ઈશ્વરનું રાજ્ય’ કહેવામાં આવે છે. (લૂક ૪:૪૩) એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત લોકોને શીખવશે કે કઈ રીતે તેઓ એકબીજા સાથે શાંતિથી રહી શકે.—યશાયા ૯:૬, ૭.
વધુ જાણવા આ લેખ વાંચો: “ઈશ્વરનું રાજ્ય શું કરશે?”
a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.