પૃથ્વી પર શાંતિ કઈ રીતે આવશે?
શાસ્ત્રમાંથી જવાબ
માણસોના પ્રયત્નો પૃથ્વી પર શાંતિ નહિ લાવી શકે પણ ઈશ્વરનું રાજ્ય લાવશે. એ રાજ્ય સ્વર્ગમાં છે અને એના રાજા ખ્રિસ્ત ઈસુ છે. ધ્યાન આપો કે આ અદ્ભુત આશા વિશે બાઇબલમાં શું લખ્યું છે.
૧. ઈશ્વરે આપેલા વચન પ્રમાણે તે “પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત” લાવશે, જેથી “પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને શાંતિ” મળે.—ગીતશાસ્ત્ર ૪૬:૯; લૂક ૨:૧૪.
૨. ઈશ્વરનું રાજ્ય આખી પૃથ્વી પર રાજ કરશે. (દાનિયેલ ૭:૧૪) દુનિયામાં ફક્ત આ એક જ રાજ્ય હશે એટલે એ રાષ્ટ્રવાદ કાઢી નાખશે, જેના લીધે ઘણી લડાઈઓ થાય છે.
૩. ઈસુ જે ઈશ્વરના રાજ્યના રાજા છે, તેમને ‘શાંતિના રાજકુમાર’ પણ કહેવામાં આવ્યા છે. તે ખાતરી કરશે કે તેમના રાજમાં “સદા માટે અપાર શાંતિ” હોય.—યશાયા ૯:૬, ૭.
૪. જેઓ લડાઈ કરવાનું નહિ છોડે, તેઓને ઈશ્વરના રાજ્યમાં નહિ રહેવા દેવામાં આવે, કેમ કે “હિંસા ચાહનારને [ઈશ્વર] નફરત કરે છે.”—ગીતશાસ્ત્ર ૧૧:૫; નીતિવચનો ૨:૨૨.
૫. ઈશ્વર પોતાના લોકોને શીખવે છે કે તેઓ કઈ રીતે શાંતિથી રહી શકે. એ માર્ગદર્શનનું પરિણામ શું છે? બાઇબલમાં લખ્યું છે: “તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો બનાવશે અને પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે. એક પ્રજા બીજી પ્રજા સામે તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.”—યશાયા ૨:૩, ૪.
ઈશ્વર દુનિયાભરના લાખો યહોવાના સાક્ષીઓને હમણાંથી જ શાંતિથી રહેવાનું શીખવી રહ્યા છે. (માથ્થી ૫:૯) ભલે આપણે અલગ અલગ સંસ્કૃતિમાંથી આવતા હોઈએ અને ૨૪૦ જેટલા જુદા જુદા દેશોમાં રહેતા હોઈએ, તોપણ બીજાઓ વિરુદ્ધ હાથ ઉગામતા નથી.
યહોવાના સાક્ષીઓ આજે શાંતિથી રહેવાનું શીખી રહ્યા છે