શું યહોવાના સાક્ષીઓએ પોતાની માન્યતાને ટેકો આપવા બાઇબલમાં ફેરફારો કર્યા છે?
ના, અમે યહોવાના સાક્ષીઓએ એવું નથી કર્યું. એના બદલે, અમારી જે માન્યતા બાઇબલ પ્રમાણે ન હતી, એમાં ફેરફાર કર્યો અને એને બાઇબલ પ્રમાણે કરી.
ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ બાઇબલ ૧૯૫૦માં છાપવામાં આવ્યું હતું. જોકે એના વરસો પહેલાં, જે બાઇબલ પ્રાપ્ય હતાં એમાંથી યહોવાના સાક્ષીઓએ ઊંડો અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું હતું. એમાંથી જ સંશોધન કરીને અમે અમારી માન્યતા ઘડી હતી. અમે વર્ષોથી જે માનીએ છીએ, એના અમુક દાખલા પર ધ્યાન આપો. પછી તમે પોતે જ નક્કી કરો કે અમારી માન્યતા બાઇબલ પ્રમાણે છે કે નહિ.
૧. અમારી માન્યતા: ઈશ્વર ત્રિએકનો ભાગ નથી. ૧૮૮૨ના ઝાયન્સ વૉચ ટાવરના જુલાઈના અંકમાં લખ્યું હતું: “અમારા વાચકો માને છે કે યહોવા, ઈસુ અને પવિત્ર શક્તિ ખરેખર છે. જેમાં આપણે માનીએ છીએ. પણ, અમુક લોકો માને છે કે ત્રણેવ ઈશ્વર છે અથવા ત્રણેવ મળીને એક જ ઈશ્વર છે. પણ હકીકતમાં તો એ શિક્ષણ બાઇબલની વિરુદ્ધ છે.”
● પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “યહોવા આપણો ઈશ્વર તે એકલો જ યહોવા છે.” (પુનર્નિયમ ૬:૪, ઓ.વી. બાઇબલ) “આપણા માટે તો ફક્ત એક જ દેવ છે. તે આપણો પિતા છે. દરેક વસ્તુઓનું સર્જન તેનાથી થયું છે અને આપણે તેના માટે જ જીવિત છીએ. અને પ્રભુ તો ફક્ત એક જ છે. તે ઈસુ ખ્રિસ્ત છે. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે, અને તેના દ્વારા જ આપણને પણ જીવન પ્રાપ્ત થયું છે.” (૧ કોરિંથીઓ ૮:૬, ઈઝી-ટુ-રીડ વર્ઝન) “પિતા મારા કરતાં મોટા છે.”—યોહાન ૧૪:૨૮, સંપૂર્ણ બાઇબલ.
૨. અમારી માન્યતા: નરક જેવી કોઈ જગ્યા જ નથી, જ્યાં હંમેશાં માટે રિબાવવામાં આવે છે. ૧૮૮૨ના ઝાયન્સ વૉચ ટાવરના જૂનના અંકનો વિષય હતો, “પાપની મજૂરી મરણ છે.” આ વિષય કિંગ જેમ્સ વર્ઝનના રોમનો ૬:૨૩માંથી લેવામાં આવ્યો હતો. એ મૅગેઝિનમાં જણાવ્યું હતું કે “બાઇબલની આ વાત એકદમ સ્પષ્ટ અને સહેલાઈથી સમજાય એવી છે. જોકે જે લોકો પાસે બાઇબલ છે અને દાવો કરે છે કે આ ઈશ્વરનું વચન છે, તોય તેઓને આવી સાદી વાત ગળે ઊતરતી નથી. અરે, તેઓ તો પાછા એવું કહે છે કે અમે તો બાઇબલમાં માનીએ છીએ. તેઓ એવું શીખવે છે કે બાઇબલમાં લખ્યું છે: પાપની મજૂરી છે, હંમેશાં માટે નરકની આગમાં રિબાવું. કેવી ધડ માથા વગરની વાતો!”
● પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “જે જીવ પાપ કરશે તે માર્યો જશે.” (હઝકિયેલ ૧૮:૪, ૨૦, ઓ.વી. બાઇબલ) જે લોકો ઈશ્વરનો વિરોધ કરે છે તેઓને હંમેશ માટે નરકની આગમાં રિબાવવાની સજા થશે નહિ. પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે એ લોકોને ‘અનંતકાળના નાશની’ સજા થશે.—૨ થેસ્સાલોનિકિઓ ૧:૯, ઓ.વી. બાઇબલ.
૩. અમારી માન્યતા: ઈશ્વરનું રાજ્ય હકીકતમાં એક સરકાર છે. ઈશ્વરના રાજ્ય વિશે ૧૮૮૧ના ઝાયન્સ વૉચ ટાવરના ડિસેમ્બરના અંકમાં જણાવ્યું હતું, “આ રાજ્યની સ્થાપના થતાં જ દુનિયાનાં બધાં રાજ્યોને કાઢી નાખવામાં આવે.”
● પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાનિયેલ ૨:૪૪, ઓ.વી. બાઇબલ.
જો યહોવાના સાક્ષીઓ પાસે નવી દુનિયા ભાષાંતર બાઇબલ ના હોય, તોપણ શું તેઓ પોતાની માન્યતાને ખરી સાબિત કરી શકે છે?
હા. અમે આજે પણ પ્રચારમાં અલગ અલગ બાઇબલ ભાષાંતરનો ઉપયોગ કરીએ છીએ. જો કોઈ વ્યક્તિ અમારી પાસેથી બાઇબલ શીખવા માંગે, તો અમે નવી દુનિયા ભાષાંતર બાઇબલ ફ્રીમાં આપીએ છીએ. પણ જો કોઈ વ્યક્તિ પોતાનું જ બાઇબલ વાપરવા માંગતી હોય, તો એમાં પણ અમને કોઈ વાંધો હોતો નથી.