ભવિષ્યવાણી એટલે શું?
શાસ્ત્રમાંથી જવાબ
ભવિષ્યવાણી એટલે કે ઈશ્વરની પ્રેરણાથી મળેલો સંદેશો. બાઇબલમાં લખ્યું છે કે પ્રબોધકો “પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.” (૨ પિતર ૧:૨૦, ૨૧) એટલે પ્રબોધક એવી વ્યક્તિ છે, જેને ઈશ્વરનો સંદેશો મળે અને એ બીજાઓને જણાવે.—પ્રેરિતોનાં કાર્યો ૩:૧૮.
પ્રબોધકોને કઈ રીતે ઈશ્વર પાસેથી સંદેશો મળતો હતો?
પ્રબોધકોને સંદેશો જણાવવા ઈશ્વરે અલગ અલગ રીતો વાપરી:
લખાણ દ્વારા. ઈશ્વરે આ રીતે સંદેશો જણાવ્યો હોય એનો એક દાખલો છે કે, તેમણે મૂસાને સીધેસીધી રીતે દસ આજ્ઞાઓ લખીને આપી હતી.—નિર્ગમન ૩૧:૧૮.
દૂતો દ્વારા. જેમ કે, ઈશ્વરે એક દૂતનો ઉપયોગ કર્યો અને મૂસાને સંદેશો આપ્યો. એ સંદેશો મૂસાએ જઈને ઇજિપ્તના રાજાને જણાવવાનો હતો. (નિર્ગમન ૩:૨-૪, ૧૦) જ્યારે શબ્દો મહત્ત્વના હોય, ત્યારે ઈશ્વરે દૂતોને આજ્ઞા આપી કે તેઓ જઈને એ જ શબ્દો જણાવે. જેમ મૂસાના કિસ્સામાં જોવા મળે છે. મૂસાને કહેવામાં આવ્યું: “તું એ શબ્દો લખી લે, કેમ કે એ શબ્દો પ્રમાણે હું તારી સાથે અને ઇઝરાયેલીઓ સાથે કરાર કરું છું.”—નિર્ગમન ૩૪:૨૭.a
દર્શન દ્વારા. અમુક વાર પ્રબોધક પૂરેપૂરા સજાગ હોય ત્યારે તેમને દર્શન બતાવવામાં આવતાં હતાં. (યશાયા ૧:૧; હબાક્કૂક ૧:૧) અરે, અમુક દર્શનો તો એવાં લાગતાં હતાં જાણે એ બધું વ્યક્તિની આંખો સામે બની રહ્યું હોય અને તે પોતે એનો ભાગ હોય. (લૂક ૯:૨૮-૩૬; પ્રકટીકરણ ૧:૧૦-૧૭) અમુક કિસ્સાઓમાં વ્યક્તિ મનથી કશાકમાં ડૂબેલી હોય ત્યારે તેને દર્શન બતાવવામાં આવતાં હતાં.b (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૧૦, ૧૧; ૨૨:૧૭-૨૧) કોઈક વાર પ્રબોધક ભરઊંઘમાં હોય ત્યારે ઈશ્વર સપનામાં સંદેશો જણાવતા હતા.—દાનિયેલ ૭:૧; પ્રેરિતોનાં કાર્યો ૧૬:૯, ૧૦.
વિચારો દ્વારા. પ્રબોધકો ઈશ્વરનો સંદેશો જણાવી શકે એ માટે ઈશ્વરે તેઓને વિચારવા માર્ગદર્શન આપ્યું, તેઓને પ્રેરણા આપી. એટલે બાઇબલમાં લખ્યું છે: “આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.” (૨ તિમોથી ૩:૧૬) ઈશ્વરે પવિત્ર શક્તિનો ઉપયોગ કરીને પોતાના વિચારો ઈશ્વરભક્તોનાં મનમાં મૂક્યા. એટલે કહી શકાય કે સંદેશો ઈશ્વરનો હતો, પણ શબ્દો ઈશ્વરભક્તોના હતા.—૨ શમુએલ ૨૩:૧, ૨.
શું ભવિષ્યવાણી હંમેશાં ભાવિમાં બનનાર બનાવો વિશે જ હોય છે?
ના, બાઇબલ ભવિષ્યવાણી ફક્ત ભવિષ્ય વિશે હોય એવું જરૂરી નથી. પણ મોટા ભાગના કિસ્સાઓમાં ઈશ્વર પાસેથી મળતો સંદેશો બતાવે છે કે આગળ જતાં લોકો સાથે શું બનશે. દાખલા તરીકે, પ્રબોધકોએ બાઇબલ સમયના ઇઝરાયેલીઓને તેઓના ખોટા માર્ગો વિશે વારંવાર ચેતવણી આપી હતી. એ ચેતવણીઓ બતાવતી હતી કે જો તેઓ એના પર ધ્યાન આપશે, તો તેઓને ભાવિમાં આશીર્વાદો મળશે. પણ જો તેઓ એ ચેતવણીઓ પર ધ્યાન નહિ આપે, તો ભાવિમાં તેઓ પર આફતો આવશે. (યર્મિયા ૨૫:૪-૬) ઇઝરાયેલીઓ જે રીતે વર્ત્યા એના આધારે તેઓએ પરિણામો ભોગવવા પડ્યા.—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦.
ભાવિના બનાવો વિશે ન હોય એવી ભવિષ્યવાણીઓના દાખલા
એક સમયે ઇઝરાયેલીઓએ ઈશ્વર આગળ મદદનો હાથ ફેલાવ્યો. પણ ઈશ્વરે એક પ્રબોધકને મોકલ્યા અને સમજાવ્યું કે તેઓએ ઈશ્વરની આજ્ઞાઓ પાળી ન હોવાથી ઈશ્વરે તેઓને મદદ કરી નથી.—ન્યાયાધીશો ૬:૬-૧૦.
ઈસુએ સમરૂની સ્ત્રીને એવી વાતો જણાવી જે તેના જીવનમાં અગાઉ બની હતી. આ કદાચ એવી વાતો હતી જે ઈસુ ફક્ત ઈશ્વરની મદદથી જ જાણી શક્યા હતા. ઈસુએ ભવિષ્ય વિશે કંઈ ભાખ્યું ન હતું, તોપણ એ સ્ત્રી સમજી ગઈ કે ઈસુ પ્રબોધક છે.—યોહાન ૪:૧૭-૧૯.
ઈસુનો મુકદ્દમો ચાલતો હતો ત્યારે દુશ્મનોએ તેમનો ચહેરો ઢાંકી દીધો અને મારવા લાગ્યા. તેઓએ કહ્યું: “જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?” તેઓ ઈસુને કંઈ પ્રબોધક તરીકે ભવિષ્યવાણી કરવાનું કહી રહ્યા ન હતા, પણ તેઓ ઈસુને ઉશ્કેરી રહ્યા હતા કે ઈશ્વરની શક્તિથી કહી બતાવે કે કોણે તેમને માર્યું.—લૂક ૨૨:૬૩, ૬૪.
a આ કિસ્સાને જોતા કદાચ શરૂઆતમાં લાગી શકે કે ઈશ્વરે સીધેસીધી રીતે મૂસા સાથે વાત કરી હતી. પણ બાઇબલમાં બતાવ્યું છે કે ઈશ્વરે દૂતો દ્વારા મૂસાને નિયમ કરાર આપ્યો હતો.—પ્રેરિતોનાં કાર્યો ૭:૫૩; ગલાતીઓ ૩:૧૯.
b મૂળ ગ્રીક પ્રમાણે આ કલમોમાં જેઓને દર્શન થયું તેઓનું મન કશાકમાં લાગેલું હતું અથવા તેઓ ઊંઘ જેવી હાલતમાં હતા.