ફૂટનોટ
a * નરક, ઉત્ક્રાંતિ અને એના જેવું શિક્ષણ એ માન્યતાને ટેકો આપે છે.—સભાશિક્ષક ૯:૫, ૧૦; ઉત્પત્તિ ૧:૧.
‘તમારું રાજ્ય આવો.’
ઈશ્વરના રાજ્ય વિષે આજે ધર્મગુરુઓ ઘણા ગૂંચવાયેલા છે. પણ ઈસુના સાંભળનારાને એવી કોઈ ગૂંચવણ ન હતી. તેઓ જાણતા હતા કે ઈશ્વરભક્તોની ભવિષ્યવાણી પ્રમાણે મસીહ, એટલે કે ઈશ્વરે પસંદ કરેલા તારનાર આવશે. તે ઈશ્વરના રાજ્યના રાજા બનશે. એ રાજ્ય દ્વારા તે દુનિયામાં મોટા મોટા ફેરફારો લાવશે. (યશાયાહ ૯:૬, ૭; દાનીયેલ ૨:૪૪) એ રાજ્ય શેતાને મૂકેલા આરોપોને જૂઠા પાડશે અને ઈશ્વરનું નામ પવિત્ર મનાવશે. તેમ જ, શેતાન અને તેનાં દુષ્ટ કામોને ખતમ કરી નાખશે. ઈશ્વરના રાજ્યમાં યુદ્ધ નહિ થાય, કોઈ બીમાર નહિ પડે, દુકાળ નહિ પડે. અરે કોઈનું મરણ પણ નહિ થાય! (ગીતશાસ્ત્ર ૪૬:૯; ૭૨:૧૨-૧૬; યશાયાહ ૨૫:૮; ૩૩:૨૪) ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરો ત્યારે, તમે એ બધાં વચનો પણ પૂરાં થાય એવી પ્રાર્થના કરો છો.
‘જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’
ઈસુના શબ્દો જણાવે છે કે યહોવાહની ઇચ્છા સ્વર્ગમાં પૂરી થાય છે, જ્યાં તે રહે છે. કઈ રીતે? ઈસુએ સ્વર્ગમાં શેતાન અને તેના દુષ્ટ દૂતો સાથે લડાઈ કરીને તેઓને હરાવ્યા. તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. સ્વર્ગમાં યહોવાહની ઇચ્છા પૂરી થઈ, એને કોઈ રોકી શક્યું નહિ. (પ્રકટીકરણ ૧૨:૯-૧૨) એ જ રીતે પૃથ્વી પર તેમની ઇચ્છા જરૂર પૂરી થશે. ઈસુએ શીખવેલી આ ત્રીજી અરજ પણ પહેલી બે અરજ જેવી છે. એ આપણને પોતાની નહિ, પણ ઈશ્વરની ઇચ્છા જીવનમાં પહેલી રાખવા મદદ કરે છે. ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાથી જ હંમેશાં બધાનું ભલું થાય છે. અરે, ખુદ ઈસુએ પણ યહોવાહને કહ્યું: “મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઇચ્છા પ્રમાણે થાઓ.”—લુક ૨૨:૪૨.
‘દિવસની અમારી રોટલી આજ અમને આપો.’
ઈસુએ શીખવ્યું કે આપણી જીવન જરૂરિયાત માટે પણ પ્રાર્થના કરીએ, એમાં કંઈ ખોટું નથી. એ માટે પ્રાર્થના કરીને પોતાને યાદ અપાવીએ છીએ કે યહોવાહ ‘સર્વને જીવન, શ્વાસ અને સર્વ વસ્તુઓ આપે છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૫) બાઇબલ જણાવે છે કે યહોવાહ પ્રેમાળ માબાપ જેવાં છે, જે આપણને જરૂરી ચીજો ખુશીથી આપે છે. પણ જે ચીજોથી નુકસાન થાય એ માટેની આપણી પ્રાર્થનાનો જવાબ તે આપતા નથી.
‘અમારાં પાપ અમને માફ કરો.’
શું આપણે ઈશ્વર પાસેથી પાપની માફી મેળવવી જોઈએ? આજે ઘણા લોકો સમજતા નથી કે પાપ શું છે અને એની કેવી અસર થાય છે. પરંતુ, બાઇબલ શીખવે છે કે પાપને લીધે જ આપણા પર બધી જ મુશ્કેલીઓ આવી છે. સર્વ મનુષ્યને પાપનો વારસો મળ્યો હોવાથી, વારંવાર પાપ કરી બેસે છે અને મરણ પામે છે. જો ઈશ્વરની માફી મેળવીશું, તો આપણને અમર જીવનની આશા છે. (રૂમી ૩:૨૩; ૫:૧૨; ૬:૨૩) બાઇબલ કહે છે કે ‘હે પ્રભુ યહોવાહ, તું ઉત્તમ અને માફ કરવાને તૈયાર છે.’ એ જાણીને મનને કેટલી શાંતિ મળે છે!—ગીતશાસ્ત્ર ૮૬:૫.
‘ભૂંડાથી અમને બચાવો.’
શું તમે જાણો છો કે ઈશ્વરના રક્ષણની તમને ઘણી જરૂર છે? અહીં બાઇબલ શેતાનને ‘ભૂંડો’ કહે છે. પણ ઘણા લોકો તો માનતા જ નથી કે શેતાન છે. ઈસુએ શીખવ્યું કે શેતાન ખરેખર છે અને તે ‘આ જગતનો અધિકારી’ છે. (યોહાન ૧૨:૩૧; ૧૬:૧૧) આજે દુનિયામાં શેતાનનું રાજ ચાલે છે અને તેણે એને સાવ બગાડી નાખી છે. શેતાન તો તમને પણ પોતાના જેવા બનાવવા માંગે છે, જેથી ઈશ્વર સાથેનો તમારો નાતો તૂટી જાય. (૧ પીતર ૫:૮) જોકે, યહોવાહ તેના કરતાં વધારે શક્તિશાળી છે અને તે પોતાના ભક્તોનું ખુશીથી રક્ષણ કરે છે.
ઈસુએ શીખવેલી પ્રાર્થનાના આ તો ફક્ત મુખ્ય મુદ્દાઓ હતા. એમાં પ્રાર્થના કરી શકાય એવા બધા જ વિષયો આવી જતા નથી. બાઇબલમાં ઈશ્વર વિષે જણાવ્યું છે કે “જો આપણે તેની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.” (૧ યોહાન ૫:૧૪) એટલે તમે એવું ન વિચારશો કે ‘નાની નાની વાતમાં ક્યાં ઈશ્વરને પ્રાર્થના કરું.’—૧ પીતર ૫:૭.
પણ તમને કદાચ સવાલ થશે કે ક્યાં અને ક્યારે પ્રાર્થના કરવી? શું એનાથી કોઈ ફરક પડે છે? (w10-E 10/01)