વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • બાઇબલ—શું “ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે”?
    સજાગ બનો!—૨૦૧૭
    • ઉદ્યોગપતિ પોતાના સેક્રેટરી પાસે પત્ર લખાવે છે

      મુખ્ય વિષય | શું બાઇબલ ઈશ્વર તરફથી છે?

      બાઇબલ—શું “ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે”?

      શું તમે માનો છો કે બાઇબલ ઈશ્વર તરફથી છે? કે પછી તમને એવું લાગે છે કે એ પુસ્તકમાં ફક્ત માણસોના વિચારો છે?

      જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે, તેઓમાં પણ આ ચર્ચાનો વિષય છે. દાખલા તરીકે, ૨૦૧૪માં અમેરિકાનાં ગૅલપ નામના એક સર્વેમાં ઘણા ખ્રિસ્તીઓએ કબૂલ કર્યું કે, “કોઈક રીતે બાઇબલ ઈશ્વર સાથે સંકળાયેલું છે.” બીજી તર્ફે, પાંચમાંથી એક વ્યક્તિને લાગે છે કે બાઇબલ તો “માણસોએ જ લખ્યું છે, જેમાં વાર્તા, દંતકથા, ઇતિહાસ અને બોધપાઠ છે.” આ વિરોધાભાસથી સવાલ ઊભો થાય કે, બાઇબલ ઈશ્વરની “પ્રેરણાથી” લખાયું છે એનો ખરો અર્થ શો થાય?—૨ તિમોથી ૩:૧૬.

      “પ્રેરણાથી લખાયું”—એનો અર્થ શો થાય?

      બાઇબલમાં ૬૬ નાનાં પુસ્તકો છે. આશરે ૪૦ લેખકોએ ૧૬૦૦ જેટલાં વર્ષોમાં એને લખ્યું છે. પણ જો માણસોએ બાઇબલ લખ્યું હોય, તો એ “ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે” એમ કઈ રીતે કહી શકાય? “ઈશ્વરની પ્રેરણાથી લખાયું,” એનો અર્થ થાય કે એ લખાણો ઈશ્વર તરફથી છે. બાઇબલ જણાવે છે: “માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.” (૨ પીતર ૧:૨૧) બીજા શબ્દોમાં, ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ એટલે કે અદૃશ્ય શક્તિશાળી બળ દ્વારા પોતાનો સંદેશો બાઇબલના લેખકો સુધી પહોંચાડ્યો. એ સમજવા એક ઉદ્યોગપતિનો દાખલો જોઈએ. તે પોતાના સેક્રેટરી પાસે પત્ર લખાવે છે. તેથી, એ પત્રના લેખક, એને લખનાર સેક્રેટરી નહિ પણ લખાવનાર ઉદ્યોગપતિ છે.

      બાઇબલનાં અમુક લેખકોને ઈશ્વરનો સંદેશો દૂતો દ્વારા કહેવામાં આવ્યો. બીજા અમુકને ઈશ્વરે સંદર્શન દેખાડ્યું. અમુક કિસ્સામાં ઈશ્વરે સ્વપ્ન દ્વારા સંદેશો આપ્યો. અમુક વાર, ઈશ્વરે લેખકોને છૂટ આપી કે તેઓ ઈશ્વરનો સંદેશો પોતાના શબ્દોમાં લખે અને બીજા કેટલાકને તેમણે શબ્દેશબ્દ લખાવ્યો. દરેક કિસ્સામાં, બાઇબલના લેખકોએ પોતાના નહિ, પણ ઈશ્વરના વિચારો લખ્યા.

      ઈશ્વરે બાઇબલ લેખકોને પ્રેરણા આપી, એવી ખાતરી કઈ રીતે રાખી શકીએ? ચાલો એવા ત્રણ પુરાવા જોઈએ, જેનાથી આપણને ભરોસો થશે કે બાઇબલ ઈશ્વર તરફથી છે.

  • બાઇબલ—દરેક રીતે સચોટ
    સજાગ બનો!—૨૦૧૭
    • બાઇબલ વાંચીને માણસ મનન કરી રહ્યો છે

      મુખ્ય વિષય | શું બાઇબલ ઈશ્વર તરફથી છે?

      બાઇબલ—દરેક રીતે સચોટ

      વિજ્ઞાનની દૃષ્ટિએ સચોટ

      ભલે બાઇબલ વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક નથી, પણ સૃષ્ટિ વિશે એ એકદમ સચોટ માહિતી આપે છે. ચાલો, હવામાનશાસ્ત્ર અને આનુવંશિકવિદ્યા (જિનેટિક્સ) વિશે અમુક દાખલાઓ તપાસીએ.

      હવામાનશાસ્ત્ર—વરસાદ

      જળચક્રમાં બાષ્પીભવન, ઘનીકરણ અને કરા બનવાનો સમાવેશ થાય છે

      હવામાનશાસ્ત્ર

      બાઇબલ જણાવે છે: ‘પાણીનાં ટીપાંને ઈશ્વર ઉપર ખેંચી લે છે, એની વરાળ થઈને એ વરસાદરૂપે વરસે છે. એને તે વાદળાંમાંથી નીચે મોકલે છે.’—અયૂબ ૩૬:૨૭, ૨૮.

      અહીં, બાઇબલ જળચક્રના ત્રણ મહત્ત્વનાં પગલાં વિશે જણાવે છે. સૂર્યના રચનાર ઈશ્વર છે. સૂર્યની ગરમી એટલે કે (૧) બાષ્પીભવન દ્વારા ઈશ્વર “પાણીનાં ટીપાં ઉપર ખેંચી લે છે.” પછી, (૨) ઘનીકરણ દ્વારા વરાળ ઊંચે જઈને વાદળ બને છે અને એ વાદળ વરસાદ તરીકે કે પછી, (૩) બરફ કે કરા તરીકે વરસે છે. હજી સુધી, હવામાનશાસ્ત્રીઓ પૂરી રીતે જાણી શક્યા નથી કે વરસાદ કઈ રીતે પડે છે. એક ઈશ્વરભક્તે આ સવાલ પૂછ્યો હતો: ‘અરે, વાદળોનો વિસ્તાર કેટલો છે, તે કોણ સમજી શકે?’ (અયૂબ ૩૬:૨૯) જોકે, સર્જનહાર વરસાદના એ ચક્ર વિશે સારી રીતે જાણે છે. તેથી, તેમણે બાઇબલના લેખકો દ્વારા એ સચોટ માહિતી લખાવી દીધી. માણસોએ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા વિશે જાણ્યું, એનાં વર્ષો અગાઉ ઈશ્વરે એ માહિતી લખાવી હતી.

      આનુવંશિકવિદ્યા—માનવ ગર્ભનો વિકાસ

      માણસના ગર્ભનો આનુવંશિક વિકાસ

      આનુવંશિક

      બાઇબલના એક લેખક રાજા દાઊદે ઈશ્વરને કહ્યું: “મારો ગર્ભ તારી આંખોએ જોયો છે, અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તારા પુસ્તકમાં લખેલા હતા.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬) અહીં દાઊદ શાની વાત કરી રહ્યા હતા? તે કાવ્યાત્મક ભાષામાં ગર્ભના વિકાસ વિશે કહી રહ્યા હતા, જે જાણે યોજના પ્રમાણે વિકાસ પામે છે. નવાઈ પમાડનારી બાબત એ છે કે, લગભગ ૩,૦૦૦ વર્ષો પહેલાં એ શબ્દો લખવામાં આવ્યા હતા.

      લગભગ ૧૮૬૦માં ઑસ્ટ્રિયાના વનસ્પતિશાસ્ત્રી ગ્રેગોર મેન્ડેલે આનુવંશિકતાના મૂળભૂત સિદ્ધાંતો શોધી કાઢ્યા. એ પહેલાં લોકો એ વિશે કંઈ જાણતા ન હતા. પછી, એપ્રિલ ૨૦૦૩માં સંશોધકોએ માનવ વંશસૂત્રની (જિનોમી) ક્રમાનુસાર ગોઠવણ પૂરી કરી. એ વંશસૂત્રમાં માનવ શરીર બનવા માટે જરૂરી બધી માહિતી સમાયેલી હોય છે. જેમ શબ્દકોશમાં ક્રમાનુસાર શબ્દો ગોઠવાયેલા હોય છે, તેમ આપણા જનીનમાં (જીન્સ) રહેલી માહિતી પણ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે. એ માહિતીને આધારે ચોક્કસ ક્રમ અને ચોક્કસ સમયે ગર્ભમાં અંગો બને છે. જેમ કે, મગજ, હૃદય, ફેફસાં અને હાથ-પગ. આમ, વૈજ્ઞાનિકો એ વંશસૂત્રને ‘જીવનની પુસ્તિકા’ કહે છે, એ યોગ્ય જ છે. બાઇબલના લેખક દાઊદ કઈ રીતે એ સચોટ માહિતી લખી શક્યા? તેમણે નમ્રતાથી કબૂલ કર્યું: ‘યહોવાની પવિત્ર શક્તિ મારી મારફતે બોલી, અને તેમનું વચન મારી જીભ પર હતું.’a—૨ શમૂએલ ૨૩:૨.

      ભવિષ્યવાણીની રીતે સચોટ

      રાજ્યો અને શહેરોનો ક્યારે, કઈ રીતે અને કેટલી હદે ઉદય કે પતન થશે, એ જણાવવું મુશ્કેલ છે. તેમ છતાં, બાઇબલે શક્તિશાળી રાજ્યો અને શહેરોના પતન વિશે વિસ્તારથી માહિતી આપી છે. ચાલો બે દાખલા જોઈએ.

      બાબેલોનનું પતન અને વિનાશ

      પ્રાચીન બાબેલોન શક્તિશાળી સામ્રાજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. સદીઓ સુધી એશિયાના પશ્ચિમ ભાગો પર એનું પ્રભુત્વ હતું. એક સમયે એ દુનિયાનું સૌથી મોટું શહેર ગણાતું. તેમ છતાં, બાબેલોનનો વિનાશ થયો. એ વિનાશના આશરે ૨૦૦ વર્ષ અગાઉ એ વિશે ભાખવામાં આવ્યું હતું. ઈશ્વરે બાઇબલ લેખક યશાયા દ્વારા ભાખ્યું હતું કે, કોરેશ નામનો રાજા બાબેલોનને ઉથલાવી પાડશે અને એ હંમેશ માટે ઉજ્જડ થઈ જશે. (યશાયા ૧૩:૧૭-૨૦; ૪૪:૨૭, ૨૮; ૪૫:૧, ૨) શું ખરેખર એવું થયું?

      પ્રાચીન બાબેલોનના ખંડેરો

      ઇતિહાસ

      ઈસવીસન પૂર્વે ૫૩૯ના ઑક્ટોબરની એક રાતે મહાન કોરેશે બાબેલોનને જીતી લીધું. સમય જતાં, બાબેલોનના આસપાસના વિસ્તારોને ફળદ્રુપ રાખતી નદીઓ બેદરકારીને લીધે સુકાઈ ગઈ. ઈ.સ. ૨૦૦ સુધીમાં તો કહેવાતું કે, એ વેરાન બની ગયું છે. બાબેલોન આજે પણ ખંડિયેર હાલતમાં છે. બાઇબલમાં જણાવ્યું હતું એમ જ બાબેલોન સાવ “ઉજ્જડ” થઈ ગયું.—યિર્મેયા ૫૦:૧૩.

      બાઇબલ લેખકે આટલી સચોટ ભવિષ્યવાણી કઈ રીતે ભાખી? એ વિશે બાઇબલ જણાવે છે: “બાબેલ વિશેની ઈશ્વરવાણી, જે આમોસના પુત્ર યશાયાને સંદર્શનમાં પ્રાપ્ત થઈ તે.”—યશાયા ૧૩:૧.

      નિનવેહ—“અરણ્યના જેવું ઉજ્જડ”

      નિનવેહ આશ્શૂરી સામ્રાજ્યનું પાટનગર હતું અને બાંધકામનો ઉત્તમ નમૂનો ગણાતું. એ શહેર મોટા રસ્તાઓ, જાહેર બગીચાઓ, મંદિરો અને વિશાળ મહેલો માટે પ્રસિદ્ધ હતું. જોકે, પ્રબોધક સફાન્યાએ ભાખ્યું હતું કે આ ભવ્ય શહેર “અરણ્યના જેવું ઉજ્જડ” કરી મૂકાશે.—સફાન્યા ૨:૧૩-૧૫.

      લગભગ ઈ.સ. પૂર્વે ૬૩૦માં બાબેલોન અને માદાયના સૈન્યે નિનવેહને પૂરેપૂરું ખેદાનમેદાન કરી નાખ્યું. એક અહેવાલ પ્રમાણે એ હારેલું શહેર પછી “૨,૫૦૦ વર્ષ સુધી ભૂલાઈ ગયું.” અમુક સમય સુધી લોકોને શંકા થતી કે, નિનવેહનું અસ્તિત્વ હતું કે કેમ. લગભગ ૧૮૫૦માં પુરાત્ત્વશાસ્ત્રીઓએ એના અવશેષો શોધી કાઢ્યા. આજે એના અવશેષો નષ્ટ થઈ રહ્યા છે અને લોકો પણ એને નુકસાન પહોંચાડી રહ્યા છે. એટલે, ગ્લોબલ હેરીટેજ ફંડ નામની સંસ્થાએ ચેતવણી આપી છે કે, “નિનવેહના અવશેષો ફરીથી દટાઈ જશે અને એ પણ કાયમ માટે.”

      સફાન્યાને અગાઉથી આવી માહિતી ક્યાંથી મળી? તેમણે કબૂલ્યું હતું કે, તેમને ‘યહોવાનું વચન પ્રાપ્ત થયું.’—સફાન્યા ૧:૧.

      બાઇબલમાં જીવનના મહત્ત્વના સવાલોના જવાબ

      બાઇબલ વાંચીને માણસ છેલ્લા દિવસો વિશે વિચારે છે

      બાઇબલમાં જીવનના મહત્ત્વના સવાલોના સંતોષકારક જવાબો આપેલા છે. ચાલો એવા અમુક સવાલો પર વિચાર કરીએ.

      દુનિયામાં શા માટે આટલી દુષ્ટતા અને દુઃખ-તકલીફો છે?

      એનાં કારણો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ જણાવવામાં આવ્યાં છે. બાઇબલ જણાવે છે:

      1. ૧. “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભાશિક્ષક ૮:૯.

        માણસોના રાજને કારણે યુદ્ધ, હિંસા અને ખોરાકની તંગી

        અસમર્થ અને ભ્રષ્ટ માનવીય સરકારોને લીધે લોકોએ ઘણું સહન કરવું પડે છે.

      2. ૨. ‘સમય અને સંજોગોની’ અસર સૌને થાય છે.—સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ.

        હોસ્પિટલમાં એક માણસ

        ગંભીર બીમારી, અકસ્માતો અથવા દુર્ઘટના જેવી અણધારી આફતો ગમે ત્યાં અને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ પર ત્રાટકી શકે છે.

      3. ૩. “એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ.”—રોમનો ૫:૧૨.

        પ્રથમ સ્ત્રી-પુરુષને બનાવવામાં આવ્યા ત્યારે, અપૂર્ણતા અને મરણનું નામનિશાન ન હતું. પણ, તેઓએ જાણી જોઈને સર્જનહારની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે, “દુનિયામાં પાપ આવ્યું.”

      બાઇબલમાં જણાવ્યું કે, લોકો પર શા માટે દુઃખ-તકલીફો આવે છે. એટલું જ નહિ, એમાં વચન આપેલું છે કે, ઈશ્વર બધી દુષ્ટતાને કાઢી નાખશે અને તે લોકોની “આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

      મરણ પછી શું થાય છે?

      સ્મશાનમાં રડતા લોકો

      બેભાન અવસ્થામાં રહેલી વ્યક્તિ કંઈ કરી શકતી નથી. એવી જ રીતે, મરણ પામેલી વ્યક્તિ કંઈ કરી શકતી નથી એવું બાઇબલ જણાવે છે. સભાશિક્ષક ૯:૫ જણાવે છે: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.” મરણ પછી વ્યક્તિની બધી “ધારણાઓનો નાશ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૪) આમ, વ્યક્તિ મરણ પામે ત્યારે તેનું મગજ બંધ પડે છે અને તેની ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય છે. તેથી, મરણ પછી તે કામ કરી શકતી નથી, કશું અનુભવી શકતી નથી કે વિચારી શકતી નથી.

      જોકે, બાઇબલમાં ફક્ત મૂએલાઓની સ્થિતિ વિશે જ નહિ, એક સુંદર આશા વિશે પણ જણાવવામાં આવ્યું છે. એ જણાવે છે કે, જેઓ મરણની ઊંઘમાં છે, તેઓને પાછા ઉઠાડવામાં આવશે.—હોશીઆ ૧૩:૧૪; યોહાન ૧૧:૧૧-૧૪.

      જીવનનો હેતુ શો છે?

      બાઇબલ પ્રમાણે, યહોવા ઈશ્વરે પ્રથમ સ્ત્રી અને પુરુષને બનાવ્યા હતા. (ઉત્પત્તિ ૧:૨૭) તેથી, પ્રથમ પુરુષ આદમને “ઈશ્વરનો દીકરો” કહેવામાં આવ્યો. (લુક ૩:૩૮) માણસને એક ખાસ હેતુ માટે બનાવવામાં આવ્યો હતો. સ્વર્ગમાં રહેતા આપણા પિતા ચાહતા હતા કે, માણસો તેમની સાથે મિત્રતા બાંધે તેમજ તેઓ અને તેઓનાં બાળકો સુંદર પૃથ્વી પર કાયમ માટે જીવે. આપણને દરેકને ભક્તિની ભૂખ સાથે બનાવવામાં આવ્યા છે. એટલે, આપણે ઈશ્વર વિશે શીખવા ચાહીએ છીએ. તેથી, બાઇબલ કહે છે: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.”—માથ્થી ૫:૩.

      વધુમાં, બાઇબલ જણાવે છે: “ધન્ય છે તેઓને, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!” (લુક ૧૧:૨૮) બાઇબલ આપણને ઈશ્વર વિશે શીખવા મદદ કરે છે. ફક્ત એટલું જ નહિ, એ આપણને ખુશહાલ જીવન જીવવા અને ભાવિની સુંદર આશા પણ આપે છે.

      બાઇબલના લેખક વિશે જાણવાથી તમને કેવું લાગે છે?

      પુરાવાઓ તપાસ્યા પછી, લાખો-કરોડો લોકો એ તારણ પર આવ્યા છે કે, બાઇબલ ફક્ત એક પ્રાચીન પુસ્તક જ નથી. તેઓને ખાતરી થઈ છે કે, બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. બાઇબલ દ્વારા ઈશ્વર તમારી સાથે વાત કરે છે, સર્વ મનુષ્યો સાથે વાત કરે છે. બાઇબલમાં ઈશ્વરે તેમની નજીક જવાનું અને તેમના મિત્ર બનવાનું આમંત્રણ આપ્યું છે. બાઇબલ જણાવે છે: “ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

      બાઇબલમાં રહેલો ખજાનો શોધવાથી તમારા વિચારોને એક નવી દિશા મળશે. કઈ રીતે? કોઈ પુસ્તક વાંચવાથી તમે એના લેખકના વિચારો જાણી શકો છો. એવી જ રીતે, બાઇબલ વાંચવાથી તમે એના લેખકના, એટલે કે ઈશ્વરનાં વિચારો અને લાગણીઓ જાણી શકો છો. જરા વિચારો, એની તમારા પર કેવી અસર પડે છે. તમે તમારા સર્જનહારની ભાવનાઓ અને લાગણીઓ જાણી શકો છો. વધુમાં, બાઇબલ આ વિશે પણ જણાવે છે:

      • ઈશ્વરનું નામ, તેમનો સ્વભાવ અને તેમના અદ્‍ભુત ગુણો

      • માણસજાત માટેનો તેમનો હેતુ

      • તમે કઈ રીતે ઈશ્વરની નજીક જઈ શકો

      શું તમને એ વિશે વધારે જાણવું ગમશે? યહોવાના સાક્ષીઓ તમને રાજીખુશીથી શીખવશે. વિનામૂલ્યે બાઇબલમાંથી શીખવવા તેઓ યોગ્ય ગોઠવણ કરશે. એનાથી તમને બાઇબલના લેખક, ઈશ્વર યહોવાની વધુ નજીક જવા મદદ મળશે.

      આ લેખમાં આપણે અમુક પુરાવા જોયા, જે બતાવે છે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૨ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. www.pr418.com/gu પર જુઓ અથવા આ કોડ સ્કેન કરો

      તમે www.pr418.com/gu પર આ વીડિયો પણ જોઈ શકો: બાઇબલના લેખક કોણ છે?

      સાહિત્ય > વીડિયો વિભાગ જુઓ

      a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો