વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૮૩ પાન ૧૯૪-પાન ૧૯૫ ફકરો ૨
  • ભોજનનું આમંત્રણ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભોજનનું આમંત્રણ
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • લગ્‍નની મિજબાનીમાં રાજા આમંત્રિત મહેમાનોને બોલાવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સ્વર્ગના રાજા વિશે શીખવતો એક પ્રસંગ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • ઈસુએ નમ્રતાનો દાખલો બેસાડ્યો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • “આવ, મારી પાછળ ચાલ”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૮૩ પાન ૧૯૪-પાન ૧૯૫ ફકરો ૨
ગરીબ, લૂલાં-લંગડાં અને આંધળાઓ સાંજના ભવ્ય ભોજન સમારંભમાં આવે છે

પ્રકરણ ૮૩

ભોજનનું આમંત્રણ

લુક ૧૪:૭-૨૪

  • નમ્રતાનો બોધપાઠ

  • આમંત્રિત મહેમાનો બહાનાં કાઢે છે

જલોદરની બીમારી થયેલા માણસને સાજો કર્યા પછી, ઈસુ હજુ ફરોશીના ઘરે જ હતા. તેમણે જોયું કે આમંત્રિત મહેમાનો મુખ્ય જગ્યાઓ શોધી રહ્યા છે. તેમણે આ તકનો લાભ ઉઠાવીને નમ્રતાનો બોધપાઠ શીખવ્યો.

ઈસુએ કહ્યું, “લગ્‍નની મિજબાની માટે તમને કોઈ આમંત્રણ આપે ત્યારે, મુખ્ય જગ્યા પર બેસશો નહિ. કદાચ તમારાથી વધારે મહત્ત્વની વ્યક્તિને પણ બોલાવવામાં આવી હોય. પછી, તમને બંનેને આમંત્રણ આપનાર આવશે અને તમને કહેશે, ‘આ માણસને તારી જગ્યા પર બેસવા દે.’ એટલે, તમારે શરમાઈને સૌથી નીચી જગ્યા લેવી પડશે.”—લુક ૧૪:૮, ૯.

ઈસુએ પછી કહ્યું, “જ્યારે કોઈ તમને આમંત્રણ આપે ત્યારે જાઓ અને સૌથી નીચી જગ્યા પર બેસો, જેથી જેણે તમને બોલાવ્યા હોય તે આવીને તમને કહેશે, ‘મિત્ર, ઊંચી જગ્યા પર બેસ.’ આમ, બધા સાથી મહેમાનો સામે તમને માન મળશે.” એમાં સારી રીત-ભાતથી પણ વધુ સમાયેલું હતું. ઈસુએ સમજાવ્યું: “જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.” (લુક ૧૪:૧૦, ૧૧) આમ, તેમણે પોતાના સાંભળનારાઓને નમ્રતા કેળવવાનું ઉત્તેજન આપ્યું.

જે ફરોશીએ ઈસુને આમંત્રણ આપ્યું હતું, તેને ઈસુએ બીજો એક બોધપાઠ શીખવ્યો. તેમણે સમજાવ્યું કે, ઈશ્વરને પસંદ પડે એવી મિજબાની આપવા શું કરવું. તેમણે કહ્યું: “દિવસનું કે સાંજનું જમણ તું ગોઠવે ત્યારે, તારા મિત્રો અથવા તારા ભાઈઓ અથવા તારા સગાઓ અથવા તારા ધનવાન પડોશીઓને બોલાવીશ નહિ. કદાચ તેઓ પણ તને બોલાવે અને તને બદલો વાળી આપે. પરંતુ, જ્યારે તું મિજબાની ગોઠવે ત્યારે ગરીબ, લૂલાં-લંગડાં અને આંધળાઓને આમંત્રણ આપ; અને તને આનંદ થશે, કારણ કે તને પાછું વાળી આપવા તેઓ પાસે કંઈ નથી.”—લુક ૧૪:૧૨-૧૪.

મિત્રો, સગાઓ કે પડોશીઓને જમવા બોલાવવા સામાન્ય રિવાજ છે અને ઈસુ એવું કહેવા માંગતા ન હતા કે એ ખોટું છે. પરંતુ, તે ભાર મૂકવા માંગતા હતા કે જેઓને ખોરાકની જરૂર છે, તેઓને બોલાવવા જોઈએ, જેમ કે ગરીબ, લૂલાં-લંગડાં કે આંધળા લોકો. એમ કરવાથી પુષ્કળ આશીર્વાદો મળે છે. ઈસુએ યજમાન ફરોશીને સમજાવ્યું, “ન્યાયીઓને મરણમાંથી જીવતા કરવામાં આવશે ત્યારે તને બદલો મળશે.” એક મહેમાને સહમત થતા કહ્યું: “ઈશ્વરના રાજ્યમાં જે જમશે તેને ધન્ય છે.” (લુક ૧૪:૧૫) એ મહેમાન એને મોટો લહાવો સમજતા હતા. જોકે, બધાએ એવી કદર બતાવી નહિ. ઈસુએ એ વિશે આગળ જણાવતા કહ્યું:

“એક માણસે સાંજનો ભોજન સમારંભ ગોઠવ્યો અને ઘણાને આમંત્રણ આપ્યું. . . . તેણે આમંત્રણ આપેલાઓને આમ કહેવા પોતાના ચાકરને મોકલ્યો: ‘ચાલો, કેમ કે હવે બધું તૈયાર છે.’ પણ, તેઓ બધા બહાનાં કાઢવાં લાગ્યાં. પહેલાએ તેને કહ્યું, ‘મેં ખેતર ખરીદ્યું છે અને મારે એ જઈને જોવાનું છે; મને માફ કર, હું આવી નહિ શકું.’ અને બીજાએ કહ્યું, ‘મેં પાંચ જોડી બળદ લીધા છે અને હું તેઓને તપાસવા જાઉં છું; મને માફ કર, હું આવી નહિ શકું.’ વળી, બીજા એકે કહ્યું, ‘મેં હમણાં જ લગ્‍ન કર્યા છે, એટલે હું આવી નથી શકતો.’”—લુક ૧૪:૧૬-૨૦.

એ બધાં ખોટાં બહાનાં હતાં! ખેતર કે જાનવર ખરીદતા પહેલાં માણસ એની તપાસ કરે છે, એટલે પછીથી એની તપાસ કરવાની જરૂર પડતી નથી. ત્રીજો માણસ કંઈ લગ્‍નની તૈયારી કરી રહ્યો ન હતો, તેના લગ્‍ન તો થઈ ગયા હતા. એટલે, મહત્ત્વનું આમંત્રણ સ્વીકારતા તેને કંઈ રોકતું ન હતું. આ બહાનાં સાંભળીને ગુસ્સે ભરાયેલા માલિકે પોતાના ચાકરને કહ્યું:

“શહેરના મુખ્ય રસ્તાઓ અને ગલીઓમાં જલદી જા અને ગરીબ તથા લૂલાં-લંગડાં તથા આંધળાઓને અહીં લઈ આવ.” ચાકરે એવું કર્યું પછી પણ જગ્યા હતી. એટલે, માલિકે ચાકરને કહ્યું, “રસ્તાઓ અને શેરીઓમાં જા અને તેઓને અહીં આવવા આગ્રહ કર, જેથી મારું ઘર ભરાય જાય. હું તને કહું છું, જેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેઓમાંથી કોઈ પણ મારું સાંજનું ભોજન ચાખશે નહિ.”—લુક ૧૪:૨૧-૨૪.

ઈસુએ ઉદાહરણથી સરસ રીતે બતાવી આપ્યું કે યહોવા ઈશ્વરે કઈ રીતે ઈસુ ખ્રિસ્ત દ્વારા સ્વર્ગના રાજ્ય માટે લોકોને આમંત્રણ આપ્યું હતું. યહુદીઓ, ખાસ કરીને યહુદી ધર્મગુરુઓને પ્રથમ આમંત્રણ મળ્યું હતું. તેઓમાંના મોટા ભાગના ધર્મગુરુઓએ ઈસુના સેવાકાર્ય દરમિયાન એ આમંત્રણ સ્વીકાર્યું નહિ. પણ, એ આમંત્રણ તેઓ પૂરતું જ ન હતું. ઈસુ સૂચવી રહ્યા હતા કે પછી એ આમંત્રણ સમાજના કચડાયેલા યહુદીઓને અને યહુદી બનેલા લોકોને ભાવિમાં આપવામાં આવશે. છેલ્લે, એ આમંત્રણ એવા લોકોને આપવામાં આવશે, જેઓને યહુદીઓ ઈશ્વર માટે અયોગ્ય ગણતા હતા.—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૨૮-૪૮.

ઈસુએ જે કહ્યું એ પેલા મહેમાનના આ શબ્દોને ટેકો આપે છે: “ઈશ્વરના રાજ્યમાં જે જમશે તેને ધન્ય છે.”

  • ઈસુએ કઈ રીતે નમ્રતાનો બોધપાઠ શીખવ્યો?

  • ઈશ્વરને પસંદ પડે એવી મિજબાની વ્યક્તિ કઈ રીતે આપી શકે? એનાથી વ્યક્તિને કેમ આનંદ મળશે?

  • સાંજના ભોજનનું ઉદાહરણ આપીને ઈસુએ શું શીખવ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો