વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૩/૧૫ પાન ૧૭-પાન ૧૮ ફકરો ૭
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સરખી માહિતી
  • અમે તારી સાથે આવીશું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • રાજ્ય માટે યોગ્ય ગણાયા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • ‘યહોવા, તમને એ સારું લાગ્યું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • “અમે તારી સાથે આવીશું”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૩/૧૫ પાન ૧૭-પાન ૧૮ ફકરો ૭

વાચકો તરફથી પ્રશ્નો

અગાઉ આપણાં સાહિત્યમાં ઘણી વાર પ્રતિછાયા અને એની પરિપૂર્ણતા વિશે જણાવવામાં આવતું. પરંતુ, હવે એવું ઓછું જોવા મળે છે. એનું શું કારણ છે?

સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૦ના ધ વૉચટાવરમાં “પ્રતિછાયા” અને એની “પરિપૂર્ણતા” કોને કહેવાય, એ જણાવવામાં આવ્યું હતું. એમાં સમજાવવામાં આવ્યું હતું કે બાઇબલમાં નોંધાયેલી કોઈ વ્યક્તિ, બનાવ કે વસ્તુ, ભાવિમાં મોટા પાયે થનાર કોઈ બાબતને અથવા વ્યક્તિને રજૂ કરે ત્યારે, એ પ્રતિછાયા કહેવાય. તેમજ, રજૂ થયેલી વ્યક્તિ, વસ્તુ કે બનાવ પરિપૂર્ણતા કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો પ્રતિછાયા એટલે પડછાયો અને પરિપૂર્ણતા એની હકીકત.

ઘણાં વર્ષો પહેલાં, આપણાં સાહિત્યમાં જણાવ્યું હતું કે દબોરાહ, અલીહૂ, યિફતા, અયૂબ, રાહાબ અને રિબકા જેવા વફાદાર ભક્તો, જાણે પ્રતિછાયા હતા. તેઓ ભાવિના અભિષિક્તોને અથવા “મોટી સભા”ને રજૂ કરતા હતાં. (પ્રકટી. ૭:૯) દાખલા તરીકે, યિફતા, અયૂબ અને રિબકા અભિષિક્તોને રજૂ કરતા. જ્યારે કે, દબોરાહ અને રાહાબ મોટી સભાને રજૂ કરતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી આપણાં સાહિત્યમાં એવી સરખામણી કરવામાં આવતી નથી. એવું શા માટે?

મેજ પર પાસ્ખાનું હલવાન વચ્ચે મૂકેલું છે અને ઈશ્વરભક્તો એની ફરતે ઊભા છે

પ્રતિછાયા

પ્રાચીન ઈસ્રાએલમાં પાસ્ખાના હલવાનનું બલિદાન.—ગણ. ૯:૨

ઈસુ વધસ્તંભે છે

પરિપૂર્ણતા

પાઊલે કહ્યું કે ‘ખ્રિસ્તનું બલિદાન આપણું પાસ્ખાયજ્ઞ’ છે.—૧ કોરીં. ૫:૭

ખરું કે, બાઇબલ અમુક પાત્રોને પ્રતિછાયા તરીકે દર્શાવે છે, જેઓ ભાવિમાં મોટા પાયે થનાર કોઈ બાબત કે વ્યક્તિને રજૂ કરે છે. જેમ કે, ગલાતી ૪:૨૧-૩૧માં પ્રેરિત પાઊલ બે સ્ત્રીઓને “ઉપમારૂપ” એટલે કે પ્રતિછાયા કહે છે. પહેલી સ્ત્રી હાગાર છે, જે ઈબ્રાહીમની દાસી હતી. પાઊલ સમજાવે છે કે હાગાર, ઈસ્રાએલ રાષ્ટ્રને રજૂ કરે છે, જે મુસાના નિયમોથી યહોવાને આધીન હતું. બીજી સ્ત્રી “સ્વતંત્ર સ્ત્રી” છે, જે ઈબ્રાહીમની પત્ની સારાહ છે. (ગલા. ૪:૨૨, કોમન લેંગ્વેજ) સારાહ તો ઈશ્વરના સંગઠનના સ્વર્ગમાંના ભાગને રજૂ કરે છે. એ સંગઠનનું વર્ણન ઈશ્વરની પત્ની તરીકે કરવામાં આવ્યું છે. ઉપરાંત, પાઊલે રાજા તેમજ યાજક મેલ્ખીસેદેક અને ઈસુ વચ્ચે ઘણી સરખામણીઓ બતાવી છે. (હિબ્રૂ ૬:૨૦; ૭:૧-૩) વધુમાં, પાઊલે પ્રબોધક યશાયા અને તેમના બે દીકરાની સરખામણી ઈસુ અને અભિષિક્તો સાથે કરી છે. (હિબ્રૂ ૨:૧૩, ૧૪) એ બધી સરખામણીઓ વિશે લખવા યહોવાએ પાઊલને પ્રેરણા આપી હતી. એટલે, એવી પ્રતિછાયા અને એની પરિપૂર્ણતા વિશે શંકાને કોઈ સ્થાન નથી.

જોકે, બાઇબલમાં કોઈ વ્યક્તિને પ્રતિછાયા તરીકે રજૂ કરવામાં આવી હોય તો, એનો અર્થ એમ નથી કે તેના જીવનની દરેક વિગત કે બનાવ ભાવિમાં થનાર મોટી બાબતને રજૂ કરશે જ. દાખલા તરીકે, પાઊલે સમજાવ્યું કે મેલ્ખીસેદેક ઈસુને રજૂ કરે છે. પરંતુ, ઈબ્રાહીમે ચાર રાજાઓને હરાવ્યા ત્યારે, મેલ્ખીસેદેક ઈબ્રાહીમ માટે દ્રાક્ષદારૂ અને રોટલી ક્યારે લાવ્યા હતા, એ પાઊલે જણાવ્યું નથી. તેથી, એ બનાવનો છૂપો અર્થ શોધવાનું બાઇબલ આધારિત કોઈ કારણ નથી.—ઉત. ૧૪:૧, ૧૮.

ઈસુના મરણ પછીની સદીઓમાં અમુક લેખકોએ મોટી ભૂલ કરી. તેઓ બાઇબલના દરેક અહેવાલને પ્રતિછાયા તરીકે લેતા. જેમ કે, લેખક ઓરીજેન, એમ્બ્રોસ અને જેરોમ. તેઓ વિશે એક જ્ઞાનકોશ આમ જણાવે છે: ‘તેઓ શાસ્ત્રવચનોમાં સાવ નજીવી ઘટનામાં પણ કોઈને કોઈ પ્રતિછાયા શોધતા. અને તેઓને એ મળી પણ જતી. એકદમ સામાન્ય સંજોગનો પણ કોઈ છૂપો અર્થ રહેલો છે એવું તેઓ ધારતા. અરે, તારણહાર જીવતા થયા એ રાત્રે પકડાયેલી માછલીઓની સંખ્યામાં પણ તેઓને ઊંડો અર્થ દેખાતો. એ ૧૫૩ માછલીઓના આંકડામાં શો અર્થ રહેલો છે, એ જાણવા અમુકે કેટલો બધો પ્રયત્ન કર્યો!’—ધી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બાઇબલ ઍન્સાઇક્લોપીડિયા.

હિપ્પોના ઑગસ્ટીન નામના એક લેખકે જણાવ્યું કે ઈસુએ ૫,૦૦૦ લોકોને જમાડ્યા, એ બનાવનો પણ સાંકેતિક અર્થ રહેલો છે. તેમણે કહ્યું કે જવની પાંચ રોટલી તો બાઇબલનાં પ્રથમ પાંચ પુસ્તકોને રજૂ કરે છે. તેમજ, જવ તો ઘઉં કરતાં હલકું ગણાતું હોવાથી “જૂના કરાર”ને દર્શાવે છે. એનો અર્થ થાય કે જૂના કરાર કરતાં નવો કરાર ચઢિયાતો છે. તેમણે એમ પણ સમજાવ્યું કે બે માછલીમાંથી એક માછલી, રાજાને અને બીજી યાજકને રજૂ કરે છે. બીજા એક નિષ્ણાંતે જણાવ્યું કે યાકૂબે લાલ શાક દ્વારા એસાવનું જયેષ્ઠપણું ખરીદ્યું, એ પણ એક પ્રતિછાયા છે. એ લાલ શાક તો ઈસુના લોહીને રજૂ કરે છે, જેનાથી તેમણે માણસજાત માટે સ્વર્ગની આશા ખરીદી છે!

એવી સમજણ માનવી અઘરી લાગતી હોય તો, તમે જોઈ શકો કે કેવી ગૂંચવણ ઊભી થઈ શકે! બાઇબલનો અહેવાલ પ્રતિછાયા છે કે નહિ, એ નક્કી કરવું મનુષ્યોના હાથમાં નથી. તો પછી, શામાં સમજદારી કહેવાશે? બાઇબલ જો જણાવે કે કોઈ અહેવાલ પ્રતિછાયા છે, તો એને સ્વીકારીએ. પરંતુ, બાઇબલ આધારિત કારણ ન હોય તો, એ અહેવાલને પ્રતિછાયા ગણવો ન જોઈએ.

તો પછી, બાઇબલમાં આપેલા બનાવો અને અહેવાલોમાંથી કઈ રીતે લાભ લઈ શકીએ? પ્રેરિત પાઊલે લખ્યું: “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રોમ. ૧૫:૪) પાઊલે પ્રથમ સદીના અભિષિક્તોને ધ્યાનમાં રાખીને એ લખ્યું હતું. તે સમજાવવા માંગતા હતા કે તેઓ બાઇબલના અહેવાલોમાંથી કઈ રીતે સારી બાબતો શીખી શકે. જોકે, ત્યારથી લઈને આજ સુધી, અભિષિક્તો હોય કે “બીજાં ઘેટાં,” તેઓ બધા જ બાઇબલમાંથી સારી બાબતો શીખી શક્યા છે.—યોહા. ૧૦:૧૬; ૨ તીમો. ૩:૧.

તેથી, બાઇબલના મોટા ભાગના અહેવાલો અમુક સમયગાળાના ઈશ્વરભક્તોને જ લાગુ પડતા નથી. તેમજ, એ સમયના અભિષિક્તો કે “બીજાં ઘેટાં” પૂરતાં જ નથી. એ તો પહેલાંના અને આજના, બધા જ ઈશ્વરભક્તોના ભલા માટે છે. દાખલા તરીકે, અયૂબે જે દુઃખ સહ્યું એ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અભિષિક્તોએ સહેલા દુઃખને જ દર્શાવતું નથી. અરે, ઈશ્વરના અભિષિક્તો અને “બીજાં ઘેટાં”માંના કેટલાક ભક્તોએ પણ અયૂબ જેવી તકલીફો સહી છે! તેઓને અયૂબ વિશેના અહેવાલનો અભ્યાસ કરવાથી ઘણી મદદ મળી છે. યહોવાની મદદથી ‘જે પરિણામ આવ્યું એ ઉપરથી તેઓ જોઈ શક્યા કે, યહોવા ઘણા દયાળુ અને કૃપાળુ છે.’—યાકૂ. ૫:૧૧.

આજે, આપણાં મંડળોમાં વૃદ્ધ બહેનો છે, જે દબોરાહની જેમ વફાદારી બતાવે છે. એ જ રીતે, એવા યુવાન વડીલો છે, જે અલીહૂની જેમ સમજદાર છે. મંડળોમાં એવા પાયોનિયર છે, જેઓ યિફતા જેવા ઉત્સાહી અને હિંમતવાન છે. અયૂબની જેમ ધીરજ બતાવનાર ભાઈઓ-બહેનો પણ જોવાં મળે છે. યહોવાએ ધ્યાન રાખ્યું છે કે “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું” એ બધું આજે આપણને મળી રહે. એ માટે કે “પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખી” શકીએ. એ ગોઠવણ માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ!

એ બધાં કારણોને લીધે આપણે બાઇબલના દરેક અહેવાલમાં પ્રતિછાયા અથવા એની ભાવિ પરિપૂર્ણતા શોધી કાઢવાનો પ્રયત્ન કરતા નથી. એના બદલે, હવે આપણું સાહિત્ય બાઇબલમાંથી મળતાં મહત્ત્વનાં શિક્ષણ પર વધુ ધ્યાન આપે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો