ઇન્ટરવ્યૂ | એન્ટોનિયો ડેલા ગાટા
એક પાદરીએ કેમ ચર્ચ છોડી દીધું?
એન્ટોનિયો ડેલા ગાટાએ પાદરી બનવા માટે રોમમાં નવ વર્ષ અભ્યાસ કર્યો. પછી ૧૯૬૯માં તે પાદરી બન્યા. સમય જતાં, તે પાદરી બનવાની શાળાના ઉપરી અધિકારી બન્યા, જે ઇટાલીમાં આવેલા નેપલ્સ શહેર નજીક હતી. ત્યાં રહીને તેમણે ઘણો અભ્યાસ અને વિચાર કર્યો. એનાથી તે સાફ સાફ જોઈ શક્યા કે કૅથલિક ધર્મ બાઇબલનું શિક્ષણ આપતો નથી. સજાગ બનો! સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે તે કઈ રીતે સાચા ભગવાનને ઓળખી શક્યા.
તમારા બાળપણ વિશે જણાવશો?
મારો જન્મ ઇટાલીમાં ૧૯૪૩માં થયો હતો. હું મારાં ભાઈ-બહેનો સાથે મોટો થયો. અમે નાના ગામમાં રહેતાં હતાં. મારા પપ્પા ખેતીવાડી અને સુથારીકામ કરતા. અમારાં મમ્મી-પપ્પાએ અમને કૅથલિક ધર્મ પાળવાનું શીખવ્યું.
તમારે કેમ પાદરી બનવું હતું?
નાનપણથી જ મને ચર્ચમાં પાદરીઓનું પ્રવચન સાંભળવાનું ખૂબ જ ગમતું. તેઓનાં પ્રવચનો સાંભળીને અને તેઓની ભપકાદાર વિધિઓ જોઈને હું દંગ રહી જતો. એટલે મેં નક્કી કર્યું કે એક દિવસ હું પણ પાદરી બનીશ. હું ૧૩ વર્ષનો થયો ત્યારે, મારાં મમ્મી મને બોર્ડિંગ સ્કૂલમાં લઈ ગયાં, જ્યાં છોકરાઓને પાદરી બનવા તાલીમ આપવામાં આવતી હતી.
શું એ તાલીમ દરમિયાન તમને બાઇબલમાંથી શીખવવામાં આવ્યું?
ના, એવું કહેવાય તો નહિ. હું ૧૫ વર્ષનો થયો ત્યારે મારા એક શિક્ષકે મને ખુશખબરનું એક પુસ્તક આપ્યું, જેમાં ઈસુના જીવન અને સેવાકાર્ય વિશેના અહેવાલો હતા. એ મેં અનેક વાર વાંચી નાખ્યું. હું ૧૮ વર્ષનો થયો ત્યારે બિશપ માટેની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા રોમ ગયો. એ યુનિવર્સિટી પોપના હાથ નીચે ચાલતી. ત્યાં હું લૅટિન અને ગ્રીક ભાષા, ઇતિહાસ, ફિલસૂફી, મનોવિજ્ઞાન અને ધર્મવિજ્ઞાન શીખ્યો. ભલે ત્યાં અમે બાઇબલની કલમો મોઢે કરી અને દર રવિવારે ચર્ચમાં બાઇબલ વાંચન સાંભળ્યું, પણ હકીકતમાં અમને બાઇબલમાંથી કંઈ શીખવા ન મળ્યું.
તમે ધર્મગુરુઓની સંસ્થાના પ્રમુખ બન્યા. હવે શું તમે બીજાઓને શીખવતા હતા?
મારું મોટા ભાગનું કામ ઑફિસમાં હતું. પણ હું સેકન્ડ વેટિકન કાઉન્સિલના નીતિ-નિયમો ક્લાસમાં શીખવતો.
તમને કેમ ચર્ચ વિશે શંકા થવા લાગી?
એનાં ત્રણ કારણ હતાં. એક તો ચર્ચ રાજકારણમાં ભાગ લેતું હતું. બીજું કે પાદરીઓ અને ચર્ચના લોકોનાં ખરાબ કામો ચલાવી લેવામાં આવતાં હતાં. ત્રીજું કે કૅથલિક ધર્મનું શિક્ષણ મારા ગળે ઊતરતું ન હતું. દાખલા તરીકે, ઈશ્વર તો લોકોને પ્રેમ કરે છે, તો પછી તે કઈ રીતે ગુજરી ગયેલાઓને રિબાવી શકે? શું ભગવાન એવું ચાહે છે કે માળા કે રોઝરી લઈને હજારો વખત એકની એક પ્રાર્થના કર્યા કરીએ?a
તમે શું કર્યું?
મેં પ્રાર્થનામાં રડતાં રડતાં ઈશ્વર પાસે મદદ માંગી. મેં કૅથલિક યરૂશાલેમ બાઇબલ વેચાતું લીધું, જે ઇટાલિયન ભાષામાં નવું નવું બહાર પડ્યું હતું. એ હું તરત જ વાંચવા લાગ્યો. એક રવિવારે હું ચર્ચમાંથી (મીસમાંથી) ઘરે આવ્યો, એવામાં બે માણસો ત્યાં આવ્યા. તેઓ યહોવાના સાક્ષીઓ હતા. અમે એક કલાકથી વધારે સમય બાઇબલમાંથી વાત કરી. બાઇબલ કઈ રીતે ઈસુના ખરા શિષ્યોની ઓળખ આપે છે, એના વિશે પણ વાત કરી.
એ બે ભાઈઓ વિશે તમને કેવું લાગ્યું?
તેઓની શ્રદ્ધા કહેવી પડે! તેઓ એકદમ આસાનીથી કૅથલિક બાઇબલમાંથી કલમો બતાવતા હતા. પછી બીજા એક યહોવાના સાક્ષી મારિયો નામના ભાઈ મને મળવા આવતા. તે બહુ જ ધીરજ બતાવતા. વરસાદ હોય કે તાપ, દર શનિવારે સવારે નવ વાગ્યે તે મારા ઘરનો બેલ વગાડતા.
એ ભાઈ તમને મળવા આવતા એ વિશે બીજા પાદરીઓને કેવું લાગ્યું?
મેં તેઓને પણ અમારી ચર્ચામાં જોડાવાનું કીધું. પણ કોઈને બાઇબલનો અભ્યાસ કરવાની પડી ન હતી. જોકે, મને તો ખૂબ જ મજા આવતી. હું ઘણી નવી નવી વાતો શીખ્યો. જેમ કે, ભગવાન કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે. એ વિશે લાંબા સમયથી મારા મનમાં ગડમથલ ચાલતી હતી.
શું તમારા ચર્ચના ઉપરીઓએ તમને બાઇબલમાંથી શીખતા રોક્યા?
હું ૧૯૭૫માં ઘણી વાર રોમ ગયો, જેથી બાઇબલમાંથી જે શીખ્યો હતો એ વિશે જણાવી શકું. મારા ઉપરીઓએ મારા વિચારો બદલવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ તેઓમાંના કોઈએ બાઇબલમાંથી કંઈ ન બતાવ્યું. પછી મેં જાન્યુઆરી ૯, ૧૯૭૬માં રોમના ચર્ચને પત્ર લખ્યો અને જણાવ્યું કે હવેથી હું પોતાને કૅથલિક ગણતો નથી. બે દિવસ પછી મેં ચર્ચનું ઘર છોડી દીધું અને ટ્રેન પકડીને હું પહેલી વાર યહોવાના સાક્ષીઓની સભામાં ગયો. એ એક સંમેલન હતું, જેમાં અલગ અલગ મંડળના સાક્ષીઓ ભેગા થયા હતા. એ એકદમ અલગ હતું. એમાં આવેલા દરેક જણ પાસે બાઇબલ હતું. પ્રવચન આપતા ભાઈઓ અલગ અલગ વિષયો પર વાત કરે તેમ, દરેક જણ પોતાનું બાઇબલ ખોલીને એમાંથી કલમો વાંચતા.
આના વિશે તમારા કુટુંબને કેવું લાગ્યું?
મોટા ભાગે બધાએ મારો સખત વિરોધ કર્યો. પણ મને ખબર પડી કે મારો નાનો ભાઈ યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખતો હતો. તે ઉત્તર ઇટાલીમાં આવેલા લોમ્બાર્ડીમાં રહેતો હતો. હું તેને મળવા ગયો. ત્યાંના યહોવાના સાક્ષીઓએ મને ઘણી મદદ કરી. તેઓએ રહેવા માટે ઘર અને કામ શોધવા મદદ કરી. પછી એ વર્ષે મેં બાપ્તિસ્મા લીધું અને યહોવાનો સાક્ષી બન્યો.
આખરે હું સાચા ભગવાનને ઓળખી શક્યો
શું તમે લીધેલા નિર્ણયનો કોઈ પસ્તાવો થાય છે?
ના, જરાય નહિ. આખરે હું સાચા ભગવાનને ઓળખી શક્યો. તેમના વિશે હું જે શીખ્યો, એ ફિલસૂફી કે ચર્ચની માન્યતાઓને આધારે નથી, પણ બાઇબલને આધારે છે. હવે હું બીજાઓને બાઇબલમાંથી પૂરી શ્રદ્ધા અને ખાતરી સાથે શીખવું છું.
a આ અને આના જેવા અનેક સવાલોના જવાબ બાઇબલ આપે છે. વધુ માહિતી માટે jw.org/gu પર શાસ્ત્રનું શિક્ષણ > સવાલોના શાસ્ત્રમાંથી જવાબ પર જાઓ.