-
શેષભાગ પર યહોવાહની દયાયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
‘યહોવાહનો અંકુર’
૫, ૬. (ક) યશાયાહ આવનાર તોફાન પછીની શાંતિનું કઈ રીતે વર્ણન કરે છે? (ખ) ‘અંકુર’ એટલે શું અને એ યહુદાહ દેશ વિષે શું દર્શાવે છે?
૫ હવે, તોફાન પછી આવનાર પુષ્કળ શાંતિના સમય વિષે, યશાયાહ પ્રેમાળ સાદે જણાવે છે: “તે દિવસે ઈસ્રાએલનાં બચેલાંને સારૂ યહોવાહે ઉગાડેલો અંકૂર સુંદર તથા તેજસ્વી, ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે.”—યશાયાહ ૪:૨.
૬ યશાયાહ અહીં ફરીથી સ્થાપના થવા વિષે જણાવે છે. ‘અંકુર’ ભાષાંતર થતી હેબ્રી સંજ્ઞા ‘ફણગો કે મૂળ ફૂટવા’ વિષે સૂચવે છે. એ સમૃદ્ધિ, વૃદ્ધિ અને યહોવાહનો આશીર્વાદ દર્શાવે છે. આમ, યશાયાહ આશા બાંધે છે કે યહુદાહ કાયમ ઉજ્જડ રહેશે નહિ. યહોવાહના આશીર્વાદથી, એ અગાઉ હતું એવું જ ફળદ્રુપ બનશે.a—લેવીય ૨૬:૩-૫.
૭. કઈ રીતે યહોવાહનો અંકુર “સુંદર તથા તેજસ્વી” હશે?
૭ યશાયાહ આવનાર મોટા ફેરફારનું આબેહૂબ વર્ણન કરે છે. યહોવાહનો અંકુર “સુંદર તથા તેજસ્વી” હશે. “સુંદર” શબ્દ યહોવાહે સદીઓ પહેલાં, ઈસ્રાએલને આપેલા વચનના દેશની સુંદરતાની યાદ અપાવે છે. એ એટલો સુંદર હતો કે એને “સર્વ દેશોની શોભા” [“શિરોમણિ,” હિંદી ઓ.વી. બાઇબલ] ગણવામાં આવતો હતો. (હઝકીએલ ૨૦:૬) આમ, યશાયાહના શબ્દો લોકોને ભરોસો આપતા હતા કે, યહુદાહને ફરીથી એની સુંદરતા અને ગૌરવ જરૂર મળશે. ખરેખર, એ પૃથ્વી પર શિરોમણિ સમાન બનશે.
૮. દેશને મળેલી સુંદરતા કોણ માણશે, અને યશાયાહ એનું વર્ણન કઈ રીતે કરે છે?
૮ જો કે દેશને ફરીથી મળેલી સુંદરતાનો આનંદ કોણ માણશે? યશાયાહ લખે છે કે “ઈસ્રાએલનાં બચેલાં.” હા, ભવિષ્યવાણી પ્રમાણે મોટા વિનાશમાંથી કેટલાક જરૂર બચી જશે. (યશાયાહ ૩:૨૫, ૨૬) એ બચી ગયેલા લોકો યહુદાહ પાછા ફરીને એનું બાંધકામ કરશે. આ ‘બચી ગયેલા’ પાછા ફરનારા માટે, તેઓના દેશની અઢળક પેદાશ “ઉત્તમ તથા શોભાયમાન” બનશે. (યશાયાહ ૪:૨) હવે, વિનાશ ગઈ ગુજરી વાત બની જશે અને શરમને બદલે માન મળશે.
૯. (ક) યશાયાહના શબ્દો પ્રમાણે, ૫૩૭ બી.સી.ઈ.માં શું બન્યું? (ખ) ગુલામીમાં જન્મેલા અમુકને પણ શા માટે “બચેલાં” ગણવામાં આવ્યા? (નિમ્નનોંધ જુઓ.)
૯ યશાયાહના શબ્દો પ્રમાણે જ, ૬૦૭ બી.સી.ઈ.માં ન્યાયકરણનું તોફાન આવ્યું. એ સમયે, બાબેલોનીઓએ યરૂશાલેમ અને ઘણા ઈસ્રાએલી લોકોનો નાશ કર્યો. જેઓ બચ્યા, તેઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવાયા. પરંતુ, યહોવાહે દયા બતાવી ન હોત તો, કોઈ જ બચ્યું ન હોત. (નહેમ્યાહ ૯:૩૧) આખરે, યહુદાહ તદ્દન ઉજ્જડ થઈ ગયું. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૧) પછી, ૫૩૭ બી.સી.ઈ.માં, યહોવાહની દયાથી ‘બચી ગયેલા’ લોકો યહુદાહ પાછા આવ્યા, જેથી સાચી ઉપાસના ફરીથી સ્થાપન થાય.b (એઝરા ૧:૧-૪; ૨:૧) પાછા ફરેલા આ ગુલામોના સાચા પસ્તાવાનું વર્ણન, ગીતશાસ્ત્ર ૧૩૭માં સુંદર રીતે કરવામાં આવ્યું છે. મોટે ભાગે એ ગીત ગુલામીમાં અથવા એ પછી તરત જ લખવામાં આવ્યું હોય શકે. યહુદાહમાં, લોકોએ ખેતરો ખેડ્યા અને બી વાવ્યાં. દેશ ‘એદન વાડીની’ જેમ જ સુંદર દેખાવા લાગ્યો. જરા વિચારો કે યહોવાહ તેઓની મહેનતનાં ફળ આપી રહ્યા હતા, એ જોઈને લોકોને કેવું લાગ્યું હશે!—હઝકીએલ ૩૬:૩૪-૩૬.
૧૦, ૧૧. (ક) વીસમી સદીની શરૂઆતમાં, બાઇબલ વિદ્યાર્થીઓ કઈ રીતે ‘મહાન બાબેલોનના’ ગુલામ હતા? (ખ) યહોવાહે કઈ રીતે આત્મિક ઈસ્રાએલના શેષભાગને આશીર્વાદ આપ્યો?
૧૦ આપણા સમયમાં પણ એમ જ બન્યું છે. વીસમી સદીની શરૂઆતમાં યહોવાહના સાક્ષીઓ, બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા હતા. તેઓ જૂઠા ધર્મના જગત સામ્રાજ્ય, ‘મહાન બાબેલોનના’ ધાર્મિક ગુલામીમાં આવી પડ્યા. (પ્રકટીકરણ ૧૭:૫) બાઇબલ વિદ્યાર્થીઓએ ઘણાં જૂઠા ધાર્મિક શિક્ષણો છોડી દીધાં હોવા છતાં, હજુ પણ તેઓ બાબેલોનના અમુક વિચારો અને રિવાજોના રંગે રંગાયેલા હતા. પાદરીઓએ ઊભી કરેલી સતાવણીના કારણે, અમુક તો ખરેખર કેદમાં હતા. આમ, તેઓનો ધાર્મિક દેશ જાણે ઉજ્જડ થઈ ગયો હતો.
૧૧ જો કે ૧૯૧૯ની વસંત ઋતુમાં, યહોવાહે આ આત્મિક ઈસ્રાએલના શેષભાગને દયા બતાવી. (ગલાતી ૬:૧૬) તેમણે તેઓનો પસ્તાવો અને સત્યતાથી ભક્તિ કરવાની ઇચ્છા જોઈ. તેથી, તેમણે તેઓને કેદમાંથી અને ખાસ કરીને જૂઠા ધર્મોની ગુલામીમાંથી છોડાવ્યા. આ ‘બચી ગયેલા’ લોકો, યહોવાહે આપેલા આત્મિક દેશમાં પાછા સ્થાયી થયા, જેને તે પુષ્કળ વૃદ્ધિ આપે છે. આ દેશની આબાદીને કારણે, યહોવાહને ચાહનારા બીજા લાખો લોકો પણ શેષભાગ સાથે સાચી ભક્તિ કરવા આકર્ષાયા છે.
૧૨. યહોવાહે પોતાના લોકોને બતાવેલી દયાની કદર યશાયાહના શબ્દોમાં કઈ રીતે જોવા મળે છે?
૧૨ અહીં યશાયાહના શબ્દો કદર કરે છે કે યહોવાહે પોતાના લોકોને દયા બતાવી. જો કે રાષ્ટ્ર તરીકે ઈસ્રાએલ યહોવાહની વિરુદ્ધ ગયું છતાં, તેમણે પશ્ચાત્તાપી શેષભાગ પર દયા બતાવી. એમાંથી આપણને આશ્વાસન મળે છે કે, ગંભીર પાપીઓ પણ આશા સહિત યહોવાહ પાસે જઈ શકે છે. યહોવાહ પશ્ચાત્તાપીથી મોં ફેરવી લેતા નથી. તેથી, પસ્તાવો કરનાર ખાતરી રાખી શકે કે, યહોવાહ તેને જરૂર દયા બતાવશે. (ગીતશાસ્ત્ર ૫૧:૧૭) બાઇબલ આપણને જણાવે છે: “યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૧૩) આપણે આવા દયાળુ પરમેશ્વર યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ!
-
-
શેષભાગ પર યહોવાહની દયાયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
a અમુક તજજ્ઞોનું કહેવું છે કે ‘યહોવાહનો અંકુર’ શબ્દો મસીહને લાગુ પડે છે, જે યરૂશાલેમની ફરીથી સ્થાપના થઈ ગયા પછી, ભાવિમાં આવવાના હતા. અરામી લખાણોમાં, આ શબ્દોનો ઉલ્લેખ થાય છે: “યહોવાહના મસીહ [ખ્રિસ્ત].” એ જ હેબ્રી સંજ્ઞા (ત્સેમાક) પછીથી યિર્મેયાહે પણ વાપરી હતી, જ્યારે તે મસીહને દાઊદના વંશના “ન્યાયી અંકુર” તરીકે ઓળખાવે છે.—યિર્મેયાહ ૨૩:૫; ૩૩:૧૫.
b બંદીવાસમાં જન્મ્યા હતા, તેઓમાંના અમુકનો ‘બચી ગયેલા’ લોકોમાં સમાવેશ થાય છે. તેઓને “બચેલાં” ગણવામાં આવ્યા, કેમ કે તેઓના બાપદાદા વિનાશમાંથી બચ્યા ન હોત તો, તેઓ પણ જન્મ્યા ન હોત.—એઝરા ૯:૧૩-૧૫; સરખાવો હેબ્રી ૭: ૯, ૧૦.
-