-
ઈશ્વરે ધરતી કેમ બનાવી?પવિત્ર બાઇબલ શું શીખવે છે?
-
-
ત્રણ
ઈશ્વરે ધરતી કેમ બનાવી?
ઈશ્વરે માણસને કેમ બનાવ્યો?
ઈશ્વર સામે કોણ થયું અને કેવી રીતે?
ભવિષ્યમાં ધરતી પર કેવું જીવન હશે?
૧. ધરતી બનાવી ત્યારથી ઈશ્વરની તમન્ના શું હતી?
ઈશ્વર ચાહે છે કે આપણે સદા સુખ-શાંતિમાં રહીએ. ક્યારેય બીમાર ન પડીએ. ધરતી બનાવી ત્યારથી ઈશ્વરની એ જ તમન્ના છે. બાઇબલ કહે છે કે શરૂઆતમાં ‘ઈશ્વરે એદન નામની જગ્યાએ એક બાગ બનાવ્યો. તેમણે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં સુંદર અને સારાં ફળ આપનારા વૃક્ષ ઉગાવ્યાં.’ પછી યહોવાએ સૌથી પહેલો માણસ આદમ અને તેની પત્ની હવાને બનાવ્યા. તેઓનું ઘર એ પેલો સુંદર બાગ. યહોવાએ આશિષ આપતા કહ્યું: ‘સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો.’ (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૮, ૯, ૧૫) યહોવા પરમેશ્વરની તમન્ના એ જ હતી કે આદમ ને હવાનો પરિવાર ધીમે ધીમે વધે. આખી ધરતી પર વસે. એને સ્વર્ગ જેવી સુંદર બનાવે અને સર્વ પશુ-પંખીઓની સંભાળ રાખે.
૨. (ક) ધરતી માટે ઈશ્વરની તમન્ના પૂરી થશે જ, એવું આપણે કેમ માનીએ છીએ? (ખ) સદા માટેના જીવન વિશે બાઇબલ શું કહે છે?
૨ પરંતુ આજે દુનિયાની હાલત તો જુઓ. આપણાં દુઃખોનો કોઈ પાર નથી. ધરતીની રોનક જતી રહી છે. શું યહોવાની તમન્ના અધૂરી રહી જશે? ના! ઈશ્વર કહે છે કે “હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.” (યશાયા ૪૬:૯-૧૧; ૫૫:૧૧) ઈશ્વર જે ધારે છે, એ થશે જ! યહોવાએ ‘પૃથ્વીને બનાવી છે. તેમણે એને ઉજ્જડ રહેવા નહિ, પણ માણસોને રહેવા માટે બનાવી છે.’ (યશાયા ૪૫:૧૮) કેવા લોકો આ સુંદર ધરતી પર રહેશે? તેઓ કેટલું જીવશે? બાઇબલ જવાબ આપે છે: ‘ન્યાયીઓ ધરતીનો વારસો પામશે, અને તેઓ તેમાં સદા રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪.
૩. આજે દુનિયાની હાલત કેવી છે? એનાથી કયા સવાલો ઊભા થાય છે?
૩ તો પછી આજે દુનિયાની હાલત કેમ બગડેલી છે? જ્યાં જુઓ ત્યાં હિંસા અને ગુના કેમ જોવા મળે છે? લોકો શા માટે બીમાર પડે છે? શા માટે મરણ પામે છે? ઈશ્વરની તો આ મરજી હતી જ નહિ. તો પછી શા માટે આમ થયું? હજીયે તેમની મરજી કેમ પૂરી નથી થઈ? દુનિયામાં કોઈ એનો જવાબ આપી શકતું નથી. પણ ઈશ્વર જાણે છે, કેમ કે બધી મુશ્કેલીની શરૂઆત સ્વર્ગમાં થઈ હતી.
મુશ્કેલીની શરૂઆત ક્યારે થઈ?
૪, ૫. (ક) સર્પ દ્વારા કોણે હવા સાથે વાત કરી? (ખ) કોઈ ઇમાનદાર માણસ કઈ રીતે ચોર બને છે?
૪ ધરતી પર ઈશ્વરે માણસ બનાવ્યો એ પહેલાં, સ્વર્ગમાં લાખો-કરોડો સ્વર્ગદૂતો હતા. (અયૂબ ૩૮:૪, ૭) એમાંનો એક દૂત ઈશ્વરનો દુશ્મન બન્યો. બાઇબલનું પહેલું પુસ્તક જણાવે છે કે એ દુશ્મન એદન બાગમાં પહેલી વાર જોવા મળ્યો હતો. એને ‘સાપ’ કહેવામાં આવ્યો છે, પણ એ સાચે જ સાપ ન હતો. બાઇબલનું છેલ્લું પુસ્તક તેને ‘શેતાન કહે છે, જે આખા જગતને ભમાવે છે.’ (ઉત્પત્તિ ૩:૧; પ્રકટીકરણ ૧૨:૯) આ શેતાન શક્તિશાળી સ્વર્ગદૂત છે. તેણે ચાલાકીથી હવા સાથે વાત કરી. કઠપૂતળીના ખેલની જેમ, જાણે સાપ બોલતો હોય એમ શેતાન પડદા પાછળ રહીને બોલ્યો.
૫ યહોવાએ બનાવેલા બધા સ્વર્ગદૂતો તેમની જેમ પવિત્ર હતા. તેઓમાં જરાય બૂરાઈ ન હતી. તો પછી ‘શેતાનʼને કોણે બનાવ્યો? કોઈએ નહિ! સાદા શબ્દોમાં કહીએ તો એક સ્વર્ગદૂતની દાનત બગડી અને તે પોતે શેતાન બન્યો. ચાલો એક દાખલો લઈએ. સમાજમાં કોઈ ખાનદાન અને ઇમાનદાર માણસ છે. પણ તેને કંઈક ચીજ ગમી જાય છે. કોઈ પણ કિંમતે તેને એ જોઈએ છે. તે એના વિશે વિચાર કરતો રહે છે. એની ઇચ્છા વધતી જાય છે. છેવટે તક મળતા જ એ વસ્તુ ચોરી લે છે.—યાકૂબ ૧:૧૩-૧૫.
૬. કઈ રીતે એક સ્વર્ગદૂત શેતાન બન્યો?
૬ આ સ્વર્ગદૂતના કિસ્સામાં એવું જ થયું હતું. તેને ખબર હતી કે ઈશ્વરે આદમ અને હવાને આમ કહ્યું હતું: ‘સુખી થાઓ. તમારું ઘર બાલ-બચ્ચાંથી ભરેલું રહે. આખી ધરતી પર તમારું કુટુંબ વસે.’ (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮) હવે એ સ્વર્ગદૂત વિચારવા લાગ્યો, ‘આ બધા લોકો ઈશ્વરને બદલે મને ભજે તો કેવું સારું!’ તે મનમાં ને મનમાં એ વિચાર ઘૂંટવા લાગ્યો. આખરે તેણે ઈશ્વર વિશે જૂઠું બોલીને ચાલાકીથી હવાને છેતરી. (ઉત્પત્તિ ૩:૧-૫) તે શેતાન કે શયતાન નામથી ઓળખાયો, જેનો અર્થ થાય ઈશ્વરનો દુશ્મન કે વિરોધી.
૭. (ક) આદમ અને હવા શા માટે ઘરડા થઈને મરણ પામ્યા? (ખ) આપણે શા માટે ઘરડા થઈને મરણ પામીએ છીએ?
૭ આદમ ને હવા શેતાનની ચાલાકીમાં ફસાઈ ગયા. (ઉત્પત્તિ ૨:૧૭; ૩:૬) તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું. તેમની સાથેનો નાતો કાપી નાખ્યો. હવે ન તો તેઓ કાયમ માટે જીવી શકે. ન યહોવાના નિયમો પૂરેપૂરા પાળી શકે. ઈશ્વરે કહ્યું હતું તેમ, તેઓ પર ઘડપણ અને મોત આવી પડ્યું. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) જેમ કોઈ બાળકને જન્મથી જ તેની મા પાસેથી ખતરનાક બીમારીનો વારસો મળે છે, તેમ સર્વ મનુષ્યોને જન્મથી જ આદમ પાસેથી પાપ અને મરણનો વારસો મળ્યો છે. (રોમન ૫:૧૨) એટલે જ આપણે બધાય ઘરડા થઈને મરણ પામીએ છીએ.—રોમન ૩:૨૩.
૮, ૯. (ક) શેતાને યહોવા સામે કેવી રીતે અવાજ ઉઠાવ્યો? (ખ) યહોવાએ શા માટે શેતાન, આદમ અને હવાને તરત જ ખતમ ન કરી નાખ્યા?
૮ શેતાને આદમ અને હવાને લાલચમાં ફસાવીને પોતાની તરફ કરી લીધા. ત્યારથી શેતાન ઈશ્વરની સામે થયો. તે યહોવાની સત્તાનો વાંક કાઢવા લાગ્યો. તે મનુષ્યોને કહેવા લાગ્યો: ‘ઈશ્વર તો જરાય સારો નથી. તે ખોટું બોલે છે. તમને સુખી થવા નથી દેતો. અરે, તમે તમારા મનના માલિક છો. તમને ઈશ્વરની શી જરૂર? તેના વગર તમે આરામથી જીવી શકો. ભલું-બૂરું જાતે નક્કી કરી શકો. મારું સાંભળો, તો સુખી થશો!’ એ શેતાને યહોવાનું કેવું અપમાન કર્યું! કોઈ કહેશે, ‘યહોવાએ ત્યાં જ એ ત્રણેયને ખતમ કરી નાખ્યા હોત તો સારું થાત.’ પણ શું એનાથી શેતાને મૂકેલા આરોપો ખોટા સાબિત થયા હોત? શું એમ સાબિત થયું હોત કે યહોવાનું જ રાજ સારું છે? તમને શું લાગે છે?
૯ યહોવાનો ઇન્સાફ અદલ ઇન્સાફ છે. એટલે તેમણે આદમ, હવા અને શેતાનને તરત જ ખતમ કરી નાખ્યા નહિ. યહોવાએ નક્કી કર્યું કે શેતાનના આરોપો ખોટા સાબિત થવા જ જોઈએ. તેનું અસલી રૂપ ખુલ્લું પાડવું જ જોઈએ. તેથી તેમણે અમુક સમય માટે આ દુનિયા શેતાનના હાથમાં સોંપી. માણસોને પોતાની રીતે રાજ કરવા દીધું. ઈશ્વરે કેમ આમ કર્યું? તેમણે કેમ હજારો વર્ષો સુધી દુનિયાને આમ જ ચાલવા દીધી છે? એના વિશે આપણે અગિયારમા પ્રકરણમાં વધારે જોઈશું. પણ પહેલા આના પર વિચાર કરો: શેતાને આદમ અને હવાના ભલા માટે કંઈ જ કર્યું ન હતું, તોપણ તેઓએ તેનું માન્યું. એ શું બરાબર હતું? જીવનદાતા ઈશ્વરે તેઓને બસ એક પછી એક આશીર્વાદો આપ્યા હતા. તોપણ તેઓએ યહોવાને જૂઠા માની લીધા. શું તેઓ ખરા હતા? જો તમે આદમ કે હવા હોત તો શું કર્યું હોત?
૧૦. તમે પોતે કઈ રીતે શેતાનને જૂઠો સાબિત કરી શકો?
૧૦ એ સવાલો પર વિચાર કરવાની જરૂર છે, કેમ કે આપણે પણ એવા જ સંજોગોમાં છીએ. આપણે દરેકે નક્કી કરવાનું છે કે આપણે યહોવાને સાથ આપીશું કે શેતાનને. તમે યહોવાને સાથ આપીને શેતાને મૂકેલા આરોપોને ખોટા સાબિત કરી શકો. ફક્ત યહોવાને જ તમારા રાજા, તમારા ઈશ્વર માની લો. શેતાનને જૂઠો સાબિત કરી દો. (ગીતશાસ્ત્ર ૭૩:૨૮; નીતિવચનો ૨૭:૧૧) દુઃખની વાત છે કે આજે મોટા ભાગના લોકો શેતાનની પાછળ જાય છે. તેના ઇશારે નાચે છે. પણ શું શેતાન ખરેખર આ દુનિયાનો માલિક છે? બાઇબલ એ વિશે શું કહે છે?
આ દુનિયા પર કોણ રાજ કરે છે?
જો દુનિયાના રાજ્યો શેતાનના હાથમાં ન હોત, તો તે કઈ રીતે ઈસુને એનાથી લલચાવી શક્યો હોત?
૧૧, ૧૨. (ક) શેતાને ઈસુને કઈ લાલચ આપી અને એ શું સાબિત કરે છે? (ખ) શેતાન આ દુનિયાનો રાજા છે એની બીજી સાબિતી શું છે?
૧૧ ઈસુને એ વાતની કોઈ શંકા ન હતી કે શેતાન આ દુનિયા પર રાજ કરે છે. શેતાને એક વાર ઈસુને “દુનિયાનાં બધાં રાજ્યો અને તેમનો વૈભવ બતાવ્યા.” પછી તેમને લાલચ આપતા કહ્યું, “જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધું હું તને આપીશ.” (માથ્થી ૪:૮, ૯; લૂક ૪:૫, ૬) જો આ દુનિયાનાં રાજ્યો શેતાનના હાથમાં ન હોત, તો તે કઈ રીતે ઈસુને એની લાલચ આપી શક્યો હોત? આ દુનિયાનાં રાજ્યો શેતાનનાં ન હોત, તો ઈસુએ તરત જ એમ કહ્યું હોત.
૧૨ આખા વિશ્વના માલિક તો ફક્ત યહોવા છે. (પ્રકટીકરણ ૪:૧૧) પરંતુ ઈસુએ કહ્યું કે આ ‘દુનિયાનો શાસક’ કે રાજા તો શેતાન છે. (યોહાન ૧૨:૩૧; ૧૪:૩૦; ૧૬:૧૧) શેતાનને બાઇબલ ‘આ દુનિયાનો દેવ’ પણ કહે છે. (૨ કરિંથી ૪:૩, ૪) ઈશ્વરભક્ત યોહાને પણ શેતાન વિશે લખ્યું કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.”—૧ યોહાન ૫:૧૯.
દુષ્ટ દુનિયાનો અંત નજીક છે!
૧૩. આ દુનિયાનો અંત આવે એ કેમ જરૂરી છે?
૧૩ દિવસે દિવસે આ દુનિયા બગડતી જઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં લડાઈ-ઝગડા, ભ્રષ્ટ નેતાઓ, લોકોને છેતરતા ઢોંગી ધર્મગુરુઓ, ઠંડે કલેજે ગુના કરતા ગુનેગારો. ક્યાં સુધી આવું બધું ચાલશે? તોબા! તોબા! દુનિયા એટલી ખરાબ થઈ ગઈ છે કે સુધારો કરી કરીને પણ કેટલો કરો? બાઇબલ જણાવે છે કે હવે આ દુષ્ટ દુનિયાના દિવસો ગણાઈ રહ્યા છે. હાર-માગિદોન નામની લડાઈમાં ઈશ્વર જલદી જ એનો અંત લાવશે. પછી દુનિયામાં સોનેરી યુગ આવશે, જેમાં સારા લોકો જ રહેશે.—પ્રકટીકરણ ૧૬:૧૪-૧૬.
૧૪. યહોવાએ કોને રાજા બનાવ્યા છે? એના વિશે બાઇબલે વર્ષો પહેલાં શું કહ્યું હતું?
૧૪ નવો યુગ લાવવા માટે યહોવાએ સ્વર્ગમાં એક સરકાર બનાવી છે. યહોવાએ પોતે ઈસુને આ યુગ લાવવાની જવાબદારી સોંપી છે. ઈસુ વિશે બાઇબલે હજારો વર્ષો પહેલાં કહ્યું હતું: ‘આપણા માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજગાદી પર બેસશે. તેને શાંતિનો રાજકુમાર નામ આપવામાં આવશે. તેની સત્તા કાયમ વધતી જશે અને તેમાં કાયમ શાંતિ રહેશે.’ (યશાયા ૯:૬, ૭) એ સરકાર વિશે ઈશ્વરને આ રીતે પ્રાર્થના કરવા, ઈસુએ શિષ્યોને શીખવ્યું: “તમારું રાજ આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ્થી ૬:૧૦) આ પુસ્તકનું આઠમું પ્રકરણ સમજાવે છે કે ઈશ્વરની સરકાર કઈ રીતે દુનિયાની બધી સરકારોનો અંત લાવશે. (દાનિયેલ ૨:૪૪) પછી બધે ઈશ્વરનું જ રાજ ચાલશે. એ નવા યુગમાં આખી ધરતી સ્વર્ગ જેવી સુંદર બની જશે!
જલદી જ આવનાર સોનેરી યુગ!
૧૫. નવી પૃથ્વી એટલે શું?
૧૫ બાઇબલ જણાવે છે કે આપણે તો ઈશ્વરે આપેલા વચન પ્રમાણે નવું આકાશ ને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ. એ યુગમાં ધરતી પર ફક્ત ન્યાયી લોક હશે. (૨ પિતર ૩:૧૩; યશાયા ૬૫:૧૭) ‘નવી પૃથ્વી’ એટલે શું? એનો અર્થ એ થાય કે સચ્ચાઈથી જીવતા લોકોથી ભરેલી પૃથ્વી, જેઓ પર યહોવાની કૃપા હશે.
૧૬. યહોવા આપણને કેવો આશીર્વાદ આપવા તૈયાર છે? એ મેળવવા શું કરવું જોઈએ?
૧૬ ઈસુએ વચન આપ્યું હતું કે નવા યુગમાં જે લોકો ઈશ્વરની કૃપા મેળવશે, તેઓ કદી મરશે નહિ. તેઓને ‘અનંતજીવન’ મળશે. (માર્ક ૧૦:૩૦) પણ હંમેશાં જીવવા તમારે શું કરવું જોઈએ? તમારું બાઇબલ ખોલો. યોહાન ૩:૧૬ અને ૧૭:૩માં ઈસુએ શું કહ્યું એ વાંચો. નવા યુગમાં સદા માટે જીવનારા પર ઈશ્વર બીજા કેવા આશીર્વાદો વરસાવશે? ચાલો આપણે બાઇબલમાંથી જોઈએ.
૧૭, ૧૮. ધરતી પર લોકો સુખ-શાંતિમાં જીવશે એની કઈ ખાતરી મળે છે?
૧૭ નવા યુગમાં બૂરાઈ, લડાઈ, ગુના અને હિંસાનું નામનિશાન મટી જશે. બધે જ શાંતિ હશે, કેમ કે યહોવા ‘પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દેશે.’ (ગીતશાસ્ત્ર ૪૬:૯; યશાયા ૨:૪) ‘દુષ્ટો હતા ન હતા થઈ જશે. નમ્ર લોકો ધરતીનું વતન પામશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) એ ‘દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને શાંતિ પુષ્કળ થશે.’ નવા યુગમાં કદીયે કોઈ અશાંતિ ફેલાવશે નહિ!—ગીતશાસ્ત્ર ૭૨:૭.
૧૮ યહોવાના ભક્તો શાંતિમાં રહેશે, તેઓને કોઈ ડરાવશે નહિ. પહેલાના જમાનામાં યહોવાની ઇઝરાયલી પ્રજાએ તેમનું કહ્યું માન્યું ત્યાં સુધી સુખ-શાંતિમાં રહ્યા. (લેવીય ૨૫:૧૮, ૧૯) આવનાર નવા યુગમાં પણ એવું જ બનશે!—યશાયા ૩૨:૧૮; મીખાહ ૪:૪.
૧૯. ઈશ્વરની નવી દુનિયામાં ખોરાકની અછત કેમ નહિ હોય?
૧૯ ખોરાકની કોઈ અછત નહિ હોય. યહોવા પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપશે. તેમના આશીર્વાદથી ઉજ્જડ ભૂમિ પણ ખીલી ઊઠશે. (ગીતશાસ્ત્ર ૬૭:૬) બાઇબલના એક લેખકે કહ્યું કે ધરતી પર પુષ્કળ અનાજ પાકશે. અરે, પર્વતો પર પુષ્કળ અનાજ ઊગશે!—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.
૨૦. આપણને કેમ પૂરી ખાતરી છે કે ધરતી સ્વર્ગ જેવી સુંદર બનશે?
૨૦ ધરતીની સુંદરતા ખીલી ઊઠશે. માણસના લોભે ધરતીને લૂંટી લીધી છે. એનું સૌંદર્ય છીનવી લીધું છે. પણ જલદી જ ધરતીની રોનક પાછી આવશે. ફરીથી ધરતી સોળે શણગાર સજશે. (યશાયા ૬૫:૨૧-૨૪; પ્રકટીકરણ ૧૧:૧૮) જેમ એદન નામની જગ્યા સ્વર્ગ જેવી સુંદર હતી, તેમ ધીમે ધીમે આખી ધરતી સુંદર બની જશે. યહોવા વચન આપે છે કે તે ઉદાર દિલથી ‘સર્વની ઇચ્છા પૂરી કરશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.
૨૧. શું બતાવે છે કે આપણને જંગલી પ્રાણીઓનો ડર રહેશે નહીં?
૨૧ આપણને પ્રાણીઓનો કોઈ ડર રહેશે નહીં. વાઘ-સિંહ જેવા જંગલી જાનવરો ગાય સાથે ચરશે. અરે, તમારાં બાળકો સિંહ જેવા જાનવર સાથે ગમ્મત કરશે. સાપ સાથે રમશે!—યશાયા ૧૧:૬-૯; ૬૫:૨૫.
૨૨. બીમારીઓનું શું થશે?
૨૨ કોઈ બીમાર નહિ પડે. ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે અનેક બીમાર લોકોને સાજા કર્યા. તે આખી ધરતી પર રાજ કરશે ત્યારે, બધી જ બીમારીઓ મિટાવી દેશે. (માથ્થી ૯:૩૫; માર્ક ૧:૪૦-૪૨; યોહાન ૫:૫-૯) પછી કોઈ એમ નહિ કહે, “હું માંદો છું.”—યશાયા ૩૩:૨૪; ૩૫:૫, ૬.
૨૩. યહોવા આપણને બીજો કયો મોટો આશીર્વાદ આપશે?
૨૩ તમારાં જે સગાં-વહાલાં મોતની નીંદરમાં છે તેઓને ફરીથી જીવનદાન મળશે. તેઓને હંમેશ માટે જીવવાનો મોકો મળશે! જેઓ આજ સુધી ગુજરી ગયા છે અને ઈશ્વર ભૂલી ગયા નથી તેઓને જીવતા કરવામાં આવશે. ‘ન્યાયી અને અન્યાયી લોકો મરણમાંથી સજીવન થશે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫; યોહાન ૫:૨૮, ૨૯.
૨૪. યહોવાના આશીર્વાદો વિશે શીખીને તમને કેવું લાગે છે?
૨૪ આનાથી વધારે બીજું શું જોઈએ? જો તમને પણ આ આશીર્વાદો જોઈતા હોય, તો આપણા સરજનહાર યહોવા વિશે વધારે શીખો. પૂરા દિલથી તેમની ભક્તિ કરો! સાથે સાથે ઈસુ વિશે પણ વધારે શીખો. શા માટે? યહોવા તેમના દ્વારા જ આ બધા આશીર્વાદો વરસાવશે.
-
-
ઈશ્વરનું રાજ્ય શું છે?પવિત્ર બાઇબલ શું શીખવે છે?
-
-
આઠ
ઈશ્વરનું રાજ્ય શું છે?
ઈશ્વરના રાજ્ય વિશે બાઇબલ શું જણાવે છે?
ઈશ્વરની સરકાર શું કરશે?
ઈશ્વરની સરકાર ક્યારે બધું સુધારશે?
૧. આપણે કઈ જાણીતી પ્રાર્થના પર ધ્યાન આપીશું?
આખી દુનિયામાં કરોડો લોકો ‘પ્રભુની પ્રાર્થના’ જાણે છે. મહાન ગુરુ ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થનાનો આ એક નમૂનો આપ્યો હતો. ચાલો આપણે એની પહેલી ત્રણ વિનંતીઓ પર ધ્યાન આપીએ. એનાથી તમે બાઇબલનું મૂળ શિક્ષણ જાણી શકશો.
૨. ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થનામાં કઈ ત્રણ વિનંતીઓ વિશે શીખવ્યું?
૨ આ પ્રાર્થનાની શરૂઆતમાં ઈસુએ કહ્યું: ‘માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ્થી ૬:૯-૧૩) આ ત્રણ વિનંતીઓનો શું અર્થ થાય છે?
૩. ઈશ્વરના રાજ્ય વિશે શું શીખવું જોઈએ?
૩ પહેલી વિનંતી ઈશ્વરના નામ યહોવા વિશે છે. યહોવા વિશે આપણે ઘણું શીખી ગયા. બીજી વિનંતી યહોવાની ઇચ્છા વિશે છે. આપણે જોઈ ગયા કે યહોવાની ઇચ્છા શું છે, એ પૂરી કરવા તેમણે અત્યાર સુધી શું કર્યું છે અને હવે શું કરવાના છે. પ્રાર્થનામાં ઈસુની ત્રીજી વિનંતી આ હતી: ‘તમારું રાજ્ય આવો.’ એનો શું અર્થ થાય? ઈશ્વરનું રાજ્ય શું છે? એ રાજ્યથી કેવી રીતે ઈશ્વરનું નામ પવિત્ર મનાશે? આ રાજ્ય કેવી રીતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે?
ઈશ્વરના રાજ્ય વિશે બાઇબલ શું જણાવે છે?
૪. ઈશ્વરનું રાજ્ય શું છે અને એના રાજા કોણ છે?
૪ ઈશ્વરનું રાજ્ય એક સરકાર છે. યહોવાએ પોતે એ સરકાર બનાવી છે. તેમણે ઈસુ ખ્રિસ્તને એ રાજ્યના રાજા બનાવ્યા છે. ઈસુ બીજા રાજાઓ કે નેતાઓથી મહાન છે. એટલે જ બાઇબલ ઈસુને ‘રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ’ કહે છે. (૧ તિમોથી ૬:૧૫) અમુક સારા નેતાઓ અને રાજાઓ લોકોનું ભલું કરવા તો ચાહે છે, પણ કરી શકતા નથી. જ્યારે ઈસુ તો સર્વ લોકોનું ચોક્કસ ભલું કરશે.
૫. ઈશ્વરની સરકાર ક્યાંથી રાજ કરશે? એ કોના પર રાજ કરશે?
૫ ઈશ્વરની સરકાર ક્યાંથી રાજ કરશે? જરા વિચારો કે ઈસુ હમણાં ક્યાં છે. ઈસુને મારી નાખવામાં આવ્યા હતા, પણ ઈશ્વરે તેમને જીવતા કર્યા. થોડા સમય બાદ તે સ્વર્ગમાં ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૩) એટલે ઈશ્વરની સરકાર સ્વર્ગમાં છે. બાઇબલ એને ‘સ્વર્ગનું રાજ્ય’ કહે છે. (૨ તિમોથી ૪:૧૮) એ રાજ્ય સ્વર્ગમાંથી ધરતી પર રાજ કરશે.—પ્રકટીકરણ ૧૧:૧૫.
૬, ૭. દુનિયાના બધા રાજાઓથી ઈસુ કેમ મહાન છે?
૬ ઈસુ બીજા રાજાઓથી કેવી રીતે મહાન છે? એક તો ઈસુ અમર છે. બાઇબલ ઈસુ વિશે કહે છે કે ‘તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં તે રહે છે.’ (૧ તિમોથી ૬:૧૬) એટલે ઈસુ આપણા ભલા માટે જે કંઈ કરશે, એ કાયમ રહેશે. તે આપણું જીવન ખુશીઓથી ભરી દેશે.
૭ ઈસુ ધરતી પર આવ્યા એની સદીઓ પહેલાં, બાઇબલમાં તેમના વિશે આમ લખવામાં આવ્યું હતું: ‘યહોવાનો આશીર્વાદ ઈસુ પર રહેશે. તે સમજુ ને જ્ઞાની થશે. તે યહોવાનો ડર રાખશે. એમાં હરખાશે. પોતાની આંખે જોયા પ્રમાણે જ તે ઇન્સાફ કરશે નહિ. પોતાના કાને સાંભળ્યા પ્રમાણે જ તે નિર્ણય કરશે નહિ. પણ સચ્ચાઈથી તે ન્યાયી અને નમ્ર લોકોનો ઇન્સાફ કરશે. કોઈ ભેદભાવ વગર તે દેશના દીન-દુખિયાનો બેલી થશે.’ (યશાયા ૧૧:૨-૪) આ બતાવે છે કે ઈસુ પ્રજાના મનગમતા રાજા બનશે. ઇન્સાફથી રાજ કરતા હોય, એવા રાજા કોને ન ગમે?
૮. ઈસુ સાથે બીજા કોણ રાજ કરશે?
૮ ઈશ્વરની સરકારમાં ઈસુ એકલા જ નહિ હોય. તેમની સાથે બીજા સાથીઓ પણ હશે. ઈશ્વરભક્ત પાઉલે તિમોથીને કહ્યું: ‘જો આપણે અંત સુધી ટકી રહીએ, તો ઈસુની સાથે રાજ પણ કરીશું.’ (૨ તિમોથી ૨:૧૨) એ બતાવે છે કે યહોવાએ પાઉલ અને તિમોથી જેવા બીજા ઈશ્વરભક્તોને પણ પસંદ કર્યા છે. તેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. બધા મળીને કેટલા લોકો આ સરકારમાં હશે?
૯. ઈસુ સાથે બીજા કેટલા લોકો રાજ કરશે? યહોવાએ ક્યારથી તેઓની પસંદગી શરૂ કરી હતી?
૯ આપણે સાતમા પ્રકરણમાં જોઈ ગયા કે ઈશ્વરભક્ત યોહાનને એક દર્શન થયું હતું. એમાં તેમણે શું જોયું? “સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું.” એ સ્વર્ગમાં રાજગાદી પર બેઠેલા ઈસુ ખ્રિસ્ત હતા. ‘અને તેમની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર ઈશ્વરભક્તો હતા. તેઓનાં કપાળ પર તેમનું તથા તેમના પિતાનું નામ લખેલું હતું.’ આ ૧,૪૪,૦૦૦ કોણ છે? યોહાન જવાબ આપે છે: ‘ઈસુ જ્યાં જાય છે ત્યાં તેની પાછળ તેઓ ચાલે છે. તેઓ માણસોમાંથી પસંદ થયા છે.’ (પ્રકટીકરણ ૧૪:૧, ૪) આ ૧,૪૪,૦૦૦ ઈસુના વિશ્વાસુ શિષ્યો છે. તેઓને ઈસુ સાથે રાજ કરવા ખાસ પસંદ કરવામાં આવ્યા છે. તેઓ સજીવન થઈને સ્વર્ગમાં જીવનનું વરદાન પામે છે. ત્યાંથી તેઓ ઈસુ સાથે ‘પૃથ્વી પર રાજ કરશે.’ (પ્રકટીકરણ ૫:૧૦) આ ૧,૪૪,૦૦૦ની પસંદગી યહોવાએ ઈસુના પહેલી સદીના શિષ્યોથી શરૂ કરી હતી.
૧૦. યહોવાએ ઈસુ અને ૧,૪૪,૦૦૦થી બનેલી સરકારની ગોઠવણ કરી, એમાં કેવી રીતે તેમનો પ્રેમ દેખાય છે?
૧૦ ઈસુ અને તેમના ૧,૪૪,૦૦૦ સાથીઓ આપણા પર રાજ કરે, એ યહોવાની ગોઠવણ છે. એમાં તેમનો બેહદ પ્રેમ જોવા મળે છે. કેવી રીતે? એક તો ઈસુ પૃથ્વી પર જીવી ગયા. તે જાણે છે કે આપણે કેવી કેવી તકલીફોની ચક્કીમાં પીસાઈએ છીએ. ઈશ્વરભક્ત પાઉલે પૂરા ભરોસાથી કહ્યું: ‘ઈસુ આપણી નબળાઈઓ ન સમજે એવા નથી. પણ તે આપણી જેમ બધી કસોટીમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.’ (હિબ્રૂ ૪:૧૫; ૫:૮) ઈસુના ૧,૪૪,૦૦૦ સાથીઓ પણ પૃથ્વી પર જીવી ચૂક્યા છે, એટલે આપણી મજબૂરી, કમજોરી સારી રીતે સમજે છે. તેઓએ પોતે જીવનમાં દુઃખ-તકલીફો, નબળાઈઓ, બીમારીઓ અને બીજું ઘણું સહન કર્યું છે. તેઓની બનેલી સરકાર આપણાં સર્વ દુઃખ-તકલીફો સારી રીતે સમજી શકશે!
ઈશ્વરની સરકાર શું કરશે?
૧૧. ઈસુએ કેમ એવી વિનંતી કરવાનું કહ્યું કે સ્વર્ગમાં ઈશ્વરની ઇચ્છા પૂરી થાય?
૧૧ ઈસુએ શિષ્યોને ઈશ્વરના રાજ્ય માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. સાથે સાથે આ વિનંતી કરવાનું પણ કહ્યું: ‘જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ કેમ આવી વિનંતી કરવાની હતી? શું સ્વર્ગમાં યહોવાની ઇચ્છા પૂરી થતી ન હતી? હમણાં તો યહોવાની ઇચ્છા સ્વર્ગમાં પૂરી થાય છે. પણ ત્રીજા પ્રકરણમાં જોઈ ગયા તેમ, એવો સમય હતો જ્યારે એક સ્વર્ગદૂતે યહોવાનું કહેવું માન્યું નહિ. તેણે આદમ અને હવા પાસે પણ યહોવાની આજ્ઞા તોડાવી. આ દુષ્ટ દૂત શેતાન છે. તેના વિશે વધારે દસમા પ્રકરણમાં શીખીશું. શેતાન એકલો જ યહોવા સામે ન થયો. તે ધીમે ધીમે બીજા સ્વર્ગદૂતોને પણ ફસાવવા લાગ્યો. અરે, કેટલાક સ્વર્ગદૂતો શેતાનને ઇશારે નાચવા લાગ્યા. તેઓ ખરાબ કે દુષ્ટ દૂતો કહેવાય છે. તેઓને અમુક સમય સુધી સ્વર્ગમાં રહેવા દેવામાં આવ્યા હતા. એ સમયે સ્વર્ગમાં બધા જ યહોવાની ઇચ્છા પ્રમાણે ચાલતા ન હતા. પરંતુ, ઈશ્વરની સરકાર રાજ કરવા લાગી ત્યારે, સ્વર્ગમાં પાછું બધું બદલાઈ ગયું. ઈસુ રાજા બન્યા. પછી તેમણે સૌથી પહેલા શેતાન સામે લડાઈ કરી.—પ્રકટીકરણ ૧૨:૭-૯.
૧૨. પ્રકટીકરણ ૧૨:૧૦ કયા બે ખાસ બનાવોની વાત કરે છે?
૧૨ એ લડાઈ વિશે બાઇબલે પહેલેથી જણાવ્યું હતું: ‘સ્વર્ગમાંથી મેં એક મોટી વાણી સાંભળી કે હવે આપણા ઈશ્વરે વિજય મેળવ્યો છે, હવે ઈશ્વરનું રાજ આવ્યું છે. હવે તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે. કારણ, ઈશ્વરની સામે તેમના ભક્તો પર રાત-દિવસ દોષ મૂકનાર શેતાનને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે.’ (પ્રકટીકરણ ૧૨:૧૦) આ કલમ બે ખાસ બનાવો વિશે જણાવે છે. એક તો ઈશ્વરની સરકારે રાજ શરૂ કર્યું છે, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે. બીજું કે શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે.
૧૩. શેતાનને સ્વર્ગની બહાર ફેંકી દેવાથી સ્વર્ગમાં શું બન્યું?
૧૩ એ બે ખાસ બનાવોની શું અસર થાય છે? સ્વર્ગ વિશે બાઇબલ કહે છે: ‘તેથી ઓ સ્વર્ગ અને એમાં સર્વ રહેનારા, આનંદ કરો!’ (પ્રકટીકરણ ૧૨:૧૨) સર્વ દૂતો આનંદ આનંદ મનાવે છે, કેમ કે શેતાન અને તેના ચેલાઓને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા છે. હવે સ્વર્ગમાં ફક્ત સારા જ દૂતો છે, જેઓ દિલથી ઈશ્વરને ચાહે છે. તેઓ બધા હળી-મળીને તેમની સેવા કરે છે. સ્વર્ગમાં અપાર શાંતિ છે. બધી રીતે યહોવાની ઇચ્છા પૂરી થાય છે.
શેતાન અને તેના દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. એનાથી ધરતી પર લોકો ‘હાય હાય’ પોકારી ઊઠ્યા છે. જલદી જ આ બધી તકલીફોનો અંત આવશે
૧૪. શેતાનને પૃથ્વી પર ફેંકી દીધો હોવાથી શું થયું છે?
૧૪ હવે પૃથ્વીનું શું? બાઇબલ કહે છે કે ‘પૃથ્વી અને સમુદ્ર તમને હાય હાય! કારણ, રોષે ભરાયેલો શેતાન તમારે ત્યાં ઊતરી આવ્યો છે અને તેને ખબર છે કે તેનો સમય પૂરો થવા આવ્યો છે.’ (સંદર્શન ૧૨:૧૨) શેતાનને સ્વર્ગમાંથી કાઢી મૂક્યો હોવાથી, તેનો ક્રોધ ભડકી ઊઠ્યો છે. તેની પાસે થોડો જ સમય બચ્યો છે. એટલે ગુસ્સાથી લાલ-પીળો થઈને તે મનુષ્યો પર અનેક આફતો લાવે છે. એના લીધે લોકો ‘હાય હાય’ પોકારી ઊઠશે. નવમા પ્રકરણમાં આપણે આના વિશે વધારે જોઈશું. હવે સવાલ થાય કે ‘આવી હાલતમાં ઈશ્વરની સરકાર શું કરશે? ધરતી પર કેવી રીતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે?’
૧૫. ધરતી અને મનુષ્ય માટે હજુ પણ યહોવાની ઇચ્છા શું છે?
૧૫ તમને યાદ છે કે ધરતી માટે ઈશ્વરની ઇચ્છા શું છે? આપણે ત્રીજા પ્રકરણમાં એના વિશે શીખી ગયા. યહોવાએ આદમ અને હવાને આશીર્વાદ આપ્યા હતા કે ‘તમે અને તમારાં સંતાનો સદા સુખી રહો. આખી ધરતીને સ્વર્ગ જેવી સુંદર બનાવો.’ પણ શેતાને આદમ અને હવાને ખોટે રસ્તે ચડાવી દીધા. એટલે ધરતી અને મનુષ્ય માટેની ઈશ્વરની ઇચ્છા હમણાં તો પૂરી થતી નથી. પણ એવું નથી કે કદી એમ નહિ થાય. યહોવાની દિલની તમન્ના હજુ પણ છે કે ‘ભલા લોકો ધરતી પર સદા રહે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) ઈશ્વરની સરકાર એ વચન ચોક્કસ પૂરું કરશે. પણ કેવી રીતે?
૧૬, ૧૭. દાનિયેલ ૨:૪૪ યહોવાની સરકાર વિશે શું કહે છે?
૧૬ ઈશ્વરની સરકાર વિશે દાનિયેલ ૨:૪૪માં સદીઓ પહેલાં આમ લખવામાં આવ્યું હતું: ‘એ રાજાઓના સમયમાં સ્વર્ગમાં ઈશ્વર એક રાજ્ય શરૂ કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજ્યોનો વિનાશ કરશે અને તે સદા રહેશે.’ આ કલમ ઈશ્વરની સરકાર વિશે શું કહે છે?
૧૭ એક તો ઈશ્વરની સરકાર ‘એ રાજાઓના સમયમાં’ શરૂ થશે. એટલે કે ધરતી પર બીજી સરકારો રાજ કરતી હશે ત્યારે એ શરૂ થશે. બીજું કે ઈશ્વરની સરકાર આ દુનિયાની સરકારો સામે લડશે. ઈશ્વરની સરકાર જીતી જશે. ત્રીજું કે ઈશ્વરની સરકાર કાયમ રહેશે. એના પછી બીજી કોઈ સરકાર આવવાની નથી. મનુષ્યો પર ફક્ત એનું જ રાજ હશે. પછી તો કદીયે આથમે નહિ એવો સોનેરી યુગ ઊગશે!
૧૮. ઈશ્વરની સરકાર અને માનવ સરકારો વચ્ચે થનાર આખરી લડાઈનું નામ શું છે?
૧૮ બાઇબલ એ પણ જણાવે છે કે ઈશ્વરની સરકાર અને દુનિયાની સરકારો વચ્ચે આખરી લડાઈમાં શું થશે. દાખલા તરીકે, લડાઈનો સમય નજીક આવશે તેમ, દુષ્ટ દૂતો ‘આખા જગતના રાજાઓને’ છેતરવા અનેક જૂઠાણાં ફેલાવશે. શા માટે? ‘સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખી દુનિયાના રાજાઓને એકઠા કરવા.’ હિબ્રૂ ભાષામાં જેને ‘હાર-માગિદોન’ કહે છે તે સ્થળે આખી દુનિયાના રાજાઓ એકઠા થશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) આ બે કલમો બતાવે છે તેમ, એ લડાઈને હાર-માગિદોન કે આર્માગેદનની લડાઈ કહેવાય છે.
૧૯, ૨૦. બીજા કયાં કારણોને લીધે ધરતી પર યહોવાની ઇચ્છા પૂરી થઈ નથી?
૧૯ આર્માગેદનની લડાઈથી ઈશ્વરની સરકાર શું કરશે? યાદ કરો કે ધરતી અને મનુષ્ય માટે ઈશ્વરની ઇચ્છા શું છે. એ જ કે ધરતી સ્વર્ગ જેવી સુંદર બને. લોકો સદા સુખેથી રહે. તેમની એ ઇચ્છા હજુ કેમ અધૂરી રહી ગઈ છે? એનું કારણ, આદમે આપણને આપેલો વારસો છે. એટલે જ આપણે બીમાર પડીએ છીએ. મરણ પામીએ છીએ. પરંતુ પાંચમા પ્રકરણમાં શીખી ગયા તેમ, યહોવાએ આપણને એ પિંજરમાંથી છોડાવવા માટે ઈસુની કુરબાની આપી. એનાથી આપણને અમર જીવનનું વરદાન મળી શકે છે. બાઇબલ જણાવે છે: ‘ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો સૌથી પ્યારો દીકરો કુરબાન કરી દીધો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’—યોહાન ૩:૧૬.
૨૦ યહોવાની ઇચ્છા પૂરી થઈ નથી, એનું બીજું કારણ દુષ્ટ લોકો છે. જ્યાં જુઓ ત્યાં જૂઠ-કપટ, લૂંટફાટ અને વ્યભિચાર. લોકોને જાણે ઈશ્વરનો ડર જ નથી. દુષ્ટ લોકો ઈશ્વરના કહેવા પ્રમાણે જરાય ચાલવા માગતા નથી. પણ હવે તેઓની ઘડીઓ ગણાઈ રહી છે. તેઓનું આવી બન્યું સમજો. આર્માગેદનની લડાઈમાં તેઓ બચશે નહિ. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦) ઈશ્વરની ઇચ્છા પૂરી નથી થઈ, એનું ત્રીજું કારણ છે સરકારો. ન તો તેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે ચાલે છે, ન કોઈને એમ કરવાનું શીખવે છે. ઘણી સરકારો પોતે જ ભ્રષ્ટ, કમજોર ને જુલમી છે. બાઇબલ જણાવે છે કે “એક મનુષ્ય બીજા મનુષ્ય પર સત્તા જમાવી તેને નુકસાન પહોંચાડે છે.”—સભાશિક્ષક ૮:૯.
૨૧. ઈશ્વરની સરકાર કેવી રીતે તેમની ઇચ્છા પૂરી કરશે?
૨૧ આર્માગેદન પછી ફક્ત ઈશ્વરની સરકાર મનુષ્યો પર રાજ કરશે. આ સરકાર પૃથ્વી અને મનુષ્યો માટે યહોવાની ઇચ્છા પૂરી કરશે. સર્વ પર પુષ્કળ આશીર્વાદો વરસાવશે! પહેલા તો એ શેતાન અને તેના દુષ્ટ દૂતોને કેદ કરશે. (પ્રકટીકરણ ૨૦:૧-૩) પછી સર્વ ઈશ્વરભક્તોને ઈસુની કુરબાનીથી આવતા લાભો મળશે. ન કોઈ બીમાર થશે, ન કોઈ મરશે. ઈશ્વરના રાજમાં બધા સદા માટે જીવશે! (પ્રકટીકરણ ૨૨:૧-૩) આ ધરતી સ્વર્ગ જેવી સુંદર બનશે. આખરે, એ સરકાર ધરતી અને મનુષ્યો માટેની ઈશ્વરની તમન્ના પૂરી કરશે. તેમનું નામ પવિત્ર મનાવશે. એનો અર્થ એ થાય કે ઈશ્વરના રાજ્યમાં સર્વ લોકો યહોવાનો જયજયકાર કરશે. તેમનું નામ રોશન કરશે!
ઈશ્વરની સરકાર ક્યારે બધું સુધારશે?
૨૨. ઈસુ ધરતી પર હતા ત્યારે કે તે પાછા સ્વર્ગમાં ગયા ત્યારે ઈશ્વરનું રાજ્ય શરૂ થયું ન હતું. આપણે કેમ એમ કહીએ છીએ?
૨૨ ઈસુએ શિષ્યોને આ પ્રાર્થના કરવા કહ્યું કે ‘તમારું રાજ્ય આવો.’ એ સમયે ઈશ્વરનું રાજ્ય હજુ શરૂ થયું ન હતું. તો શું ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે શરૂ થયું? ના. પિતર અને પાઉલે કહ્યું કે ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે, ગીતશાસ્ત્ર ૧૧૦:૧ના શબ્દો તેમનામાં પૂરા થયા: ‘યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨-૩૫; હિબ્રૂ ૧૦:૧૨, ૧૩) એટલે ઈશ્વરના રાજ્યના રાજા બનવા, ઈસુએ અમુક સમય રાહ જોવાની હતી.
સ્વર્ગમાં થાય છે તેમ, ઈશ્વરની સરકાર પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી કરશે
૨૩. (ક) ઈશ્વરની સરકારે ક્યારથી રાજ શરૂ કર્યું છે? (ખ) નવમા પ્રકરણમાં શાની ચર્ચા કરીશું?
૨૩ ઈસુએ કેટલી રાહ જોવાની હતી? ૧૯૧૪ની સાલ સુધી. ૧૯ અને ૨૦મી સદીના સમયગાળામાં, યહોવાના અમુક ભક્તોએ બાઇબલમાં બહુ શોધ-ખોળ કરી. ધીરે ધીરે તેઓને સમજાયું કે ૧૯૧૪માં ઈસુ રાજા બનશે. (આ સમજણ વિશે વધારે જાણવા પાન ૨૧૫-૨૧૭ જુઓ.) ૧૯૧૪થી દુનિયામાં બનેલા બનાવોએ આ સમજણને સાચી સાબિત કરી. બાઇબલમાં એ સમય વિશે પહેલેથી જે જે કહેવામાં આવ્યું હતું, એ બધુંય પૂરું થયું. એનાથી સાબિત થઈ ગયું કે ઈસુ ૧૯૧૪માં ઈશ્વરની સરકારના રાજા બન્યા. એનો અર્થ એ થયો કે આપણે એ જ સમયમાં છીએ, જેમાં શેતાન માટે ‘થોડો જ વખત રહેલો છે.’ (પ્રકટીકરણ ૧૨:૧૨; ગીતશાસ્ત્ર ૧૧૦:૨) ઈશ્વરની સરકાર જલદી જ ધરતી પર તેમની તમન્ના પૂરી કરશે. આપણા પર ઈશ્વરના આશીર્વાદો વરસાવશે! શું તમને પણ એવો જ ભરોસો છે? નવમું પ્રકરણ બાઇબલના એ વચનમાં આપણી શ્રદ્ધા વધારશે.
-