વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • “અંત”—એનો શું અર્થ થાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • વિનાશ પછી ધુમાડા, આગ અને કાટમાળમાંથી લોકો ભાગી રહ્યા છે, એ જોઈને એક સ્ત્રી ડરી ગઈ છે

      મુખ્ય વિષય | અંત શું એ નજીક છે?

      “અંત”—એનો શું અર્થ થાય?

      “દુનિયાનો અંત નજીક છે!” શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે? ચોક્કસ સાંભળ્યું હશે. દુનિયાની બગડતી હાલત જોઈને ઘણા લોકો એ વિશે વાત કરે છે. વારંવાર ટીવી અથવા ન્યૂઝપેપરમાં જોવા મળે છે કે, ફલાણા દિવસે દુનિયાનો અંત આવશે. આ દુનિયાનો અંત કઈ રીતે આવશે, એ વિશે તમને શું લાગે છે? શું કોઈ કુદરતી આફત અથવા ત્રીજું વિશ્વયુદ્ધ આખી માણસજાતનો નાશ કરશે? અંતના વિચારથી જ ઘણા લોકો ચિંતામાં ડૂબી જાય છે. તો બીજા અમુક શંકા કરે છે.

      બાઇબલ પણ જણાવે છે કે, “અંત” ચોક્કસ આવશે. (માથ્થી ૨૪:૧૪) એને ‘ઈશ્વરના મહાન દિવસની લડાઈ’ અને ‘આર્માગેદન’ પણ કહેવામાં આવે છે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) ઘણા ધર્મો અંત વિશે જણાવે છે. પણ, એનાથી લોકો મૂંઝાઈ અને ડરી જાય છે. જોકે, દુનિયાના અંત વિશે બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે, એનો શું અર્થ થાય અને શું ન થાય. બાઇબલ એ પણ સમજવા મદદ કરે છે કે અંત કેટલો નજીક છે. સૌથી મહત્ત્વનું તો, એ બતાવે છે કે એમાંથી બચવા શું કરવું જોઈએ. સૌ પ્રથમ ચાલો, અંત વિશેની અમુક ગેરસમજ દૂર કરીએ અને ખરી સમજ મેળવીએ. પછી, બાઇબલ પ્રમાણે “અંત”નો શું અર્થ થાય એ સમજીએ.

      અંતનો અર્થ શું ન થાય?

      1. અગ્‍નિથી પૃથ્વીનો અંત આવશે નહિ.

        બાઇબલ જણાવે છે: ‘કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો ઈશ્વરે નાખ્યો છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૫) એ અને બીજાં વચનો ખાતરી આપે છે કે, ઈશ્વર ક્યારેય આ પૃથ્વીનો નાશ કરશે નહિ અથવા થવા દેશે પણ નહિ.—સભાશિક્ષક ૧:૪; યશાયા ૪૫:૧૮.

      2. અણધાર્યો અંત આવશે નહિ.

        ઈશ્વરે દુનિયાના અંતનો ચોક્કસ સમય નક્કી કર્યો છે. એ વિશે બાઇબલ જણાવે છે: ‘એ દિવસ તથા એ સમય સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના દૂતો નહિ અને દીકરો પણ નહિ. સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે એ તમે જાણતા નથી.’ (માર્ક ૧૩:૩૨, ૩૩) એ સ્પષ્ટ છે કે, નક્કી કરેલા ‘સમયે’ ઈશ્વર (‘પિતા’) અંત લાવશે.

      3. માણસો કે ઉલ્કાઓ અંત લાવશે નહિ.

        અંત કઈ રીતે થશે? પ્રકટીકરણ ૧૯:૧૧માં એક ઈશ્વરભક્ત કહે છે: ‘મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો, અને એના પર એક જણ બેઠેલો છે, તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે.’ ૧૯મી કલમ જણાવે છે: ‘મેં શ્વાપદને, પૃથ્વીના રાજાઓને અને તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠાં થયેલાં જોયાં.’ (પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧) જોકે, અહીં મોટા ભાગે સાંકેતિક ભાષા વાપરવામાં આવી છે. તેમ છતાં, આપણે એટલું તો સમજી શકીએ છીએ કે, દૂતોનું સૈન્ય મોકલીને ઈશ્વર પોતાના વિરોધીઓનો નાશ કરશે.

      વિનાશ પછી ધુમાડા, આગ અને કાટમાળમાંથી લોકો ભાગી રહ્યા છે, એ જોઈને એક સ્ત્રી ડરી ગઈ છે

      અંત વિશે બાઇબલનો સંદેશો ચિંતા નહિ પણ, રાહત આપનારો છે. એ સાચે જ ખુશખબર છે!

      અંતનો અર્થ શું થાય?

      1. નિષ્ફળ ગયેલી માનવીય સરકારોનો અંત.

        બાઇબલ જણાવે છે: ‘તે રાજાઓની કારકિર્દીમાં સ્વર્ગના ઈશ્વર એક સરકાર સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેમની હકૂમત બીજી પ્રજાને સોંપાશે નહિ; પણ તે આ સઘળી સરકારોને ભાંગીને ચૂરા કરીને એનો વિનાશ કરશે, ને એ કાયમ માટે ટકશે.’ (દાનીયેલ ૨:૪૪) ત્રીજા મુદ્દામાં જોઈ ગયા તેમ, ‘પૃથ્વીના રાજાઓ તથા તેઓનાં સૈન્યનો’ નાશ કરવામાં આવશે. તેઓને ‘ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને ભેગાં’ કરવામાં આવ્યાં હતાં.—પ્રકટીકરણ ૧૯:૧૯.

      2. લડાઈ, હિંસા અને અન્યાયનો અંત.

        બાઇબલ કહે છે: ‘ઈશ્વર પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.’ (ગીતશાસ્ત્ર ૪૬:૯) ‘સદાચારીઓ દેશમાં વસશે, અને ઈશ્વરના માર્ગે ચાલનારાઓ તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો પૃથ્વી પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓને તેમાંથી પૂરેપૂરા ઉખેડી નાખવામાં આવશે.’ (નીતિવચનો ૨:૨૧, ૨૨) ઈશ્વર કહે છે: “જુઓ, હું સઘળું નવું બનાવું છું.”—પ્રકટીકરણ ૨૧:૪, ૫.

      3. માણસો અને ઈશ્વરની નજરમાં નિષ્ફળ ગયેલા ધર્મોનો અંત.

        બાઇબલ જણાવે છે: ‘પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે, પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?’ (યિર્મેયા ૫:૩૧) ઈસુએ પણ કહ્યું હતું: ‘તે દિવસે ઘણા લોકો મને કહેશે કે, પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી? અને તારે નામે દુષ્ટ દૂતોને કાઢ્યાં નથી? અને તારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’—માથ્થી ૭:૨૧-૨૩.

      4. દુનિયાની હાલતને ટેકો અને પ્રોત્સાહન આપતા લોકોનો અંત.

        ઈસુએ કહ્યું હતું: “અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારૂં ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં.” (યોહાન ૩:૧૯) હજારો વર્ષ પહેલાં નુહ નામના ઈશ્વરભક્ત થઈ ગયા. બાઇબલ જણાવે છે કે, તેમના સમયમાં જગતનો વિનાશ થયો હતો. ‘તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું; પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયના દિવસ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.’—૨ પીતર ૩:૫-૭.

      ધ્યાન આપો કે, આવનાર ‘ન્યાય અને નાશના દિવસની’ સરખામણી નુહના સમયમાં થયેલા “જગત”ના વિનાશ સાથે કરવામાં આવી છે. એ સમયે કયા જગતનો વિનાશ થયો હતો? એ તો ઈશ્વરના દુશ્મનો એટલે કે ‘અધર્મી માણસોનો વિનાશ’ થયો હતો. જોકે, પૃથ્વીનો બચાવ થયો હતો. એવી જ રીતે, જાણીજોઈને ઈશ્વરનો વિરોધ કરતા લોકોનો આવનાર ‘ન્યાયના દિવસે’ નાશ થશે. પરંતુ, નુહ અને તેમના કુટુંબની જેમ ઈશ્વરના મિત્રોનો બચાવ થશે.—માથ્થી ૨૪:૩૭-૪૨.

      ઈશ્વર બધી જ દુષ્ટતા કાઢી નાખશે ત્યારે, ધરતી કેવી ખીલી ઊઠશે! એ બતાવે છે કે અંત વિશે બાઇબલનો સંદેશો ચિંતા નહિ પણ, રાહત આપનારો છે. એ સાચે જ ખુશખબર છે! તેમ છતાં, તમને કદાચ થાય કે, ‘અંત ક્યારે આવશે એ વિશે બાઇબલ શું જણાવે છે? શું અંત નજીક છે? હું કઈ રીતે બચી શકું?’ (w૧૫-E ૦૫/૦૧)

      અંત પછી

      શું બનશે? સુંદર ભાવિ વિશે બાઇબલમાં ઘણાં વચનો આપવામાં આવ્યા છે. દાખલા તરીકે, ‘ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે, મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી, પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું કે, જુઓ, હું સઘળું નવું બનાવું છું.’ (પ્રકટીકરણ ૨૧:૪, ૫) ધ્યાન આપો કે, અંત એટલે તમારા જીવનનો અંત નહિ. ઈશ્વર ચાહે છે કે આપણે બચી જઈએ. તેમણે બચવાનો માર્ગ પણ બતાવ્યો છે.

  • શું અંત નજીક છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • મુખ્ય વિષય

      શું અંત નજીક છે?

      શું ઈશ્વર કાયમ એવું ચાલવા દેશે કે, મનુષ્યો એકબીજા પર રાજ કરે અને આખી માણસજાતનું ભાવિ જોખમમાં મૂકાય? ના, એવું નહિ બને. આપણે જોઈ ગયા તેમ, સદીઓથી ચાલતાં દુઃખ અને અન્યાયનો અંત લાવવા ઈશ્વર પોતે પગલાં ભરશે. એમ કરવાનો તેમનો સમય નજીક આવી ગયો છે, એ વાત તમે જાણો એવી સરજનહારની ઇચ્છા છે. તે જણાવે છે કે પોતે કઈ રીતે એમ કરશે.

      આ ઉદાહરણનો વિચાર કરો. કોઈ અજાણી જગ્યાએ તમે પહેલી વાર જઈ રહ્યા છો. ત્યાં પહોંચવા તમારે કદાચ બસમાં જવાનું છે. મુસાફરી કરતા પહેલાં તમે કદાચ કોઈને પૂછશો: કઈ બસ લેવી અને ક્યાંથી લેવી. તેમ જ, તમે સાચે રસ્તે જઈ રહ્યા છો એ પારખવા રસ્તામાં કેવી નિશાનીઓ આવશે એ પૂછશો. પછી, એવી જ નિશાનીઓ કે ચિહ્‍નો જુઓ છો ત્યારે, તમને પૂરી ખાતરી થાય છે કે તમારી મંજિલ નજીક છે. એવી જ રીતે, ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે અંત આવતા પહેલાં આખી દુનિયામાં કેવા બનાવો બનશે. એ બનાવો કે નિશાનીઓ જોઈને પૂરી ખાતરી થાય છે કે, આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ.

      બાઇબલ જણાવે છે કે, અંતના સમયે આખી દુનિયામાં અજોડ અને મહત્ત્વનો સમયગાળો આવશે. એ સમયે એવી પરિસ્થિતિ આવશે અને એવા બનાવો બનશે જે માનવ ઇતિહાસમાં ક્યારેય બન્યા નથી. ચાલો, બાઇબલમાં આપેલા ચાર બનાવોનો વિચાર કરીએ.

      ૧. દુનિયામાં ઉથલપાથલ માથ્થીના ૨૪મા અધ્યાયમાં પૃથ્વી પર બનનાર ઘણા બનાવો વિશે જણાવવામાં આવ્યું છે. એ બનાવો અંતના સમયની નિશાની છે. એ સાબિતી આપે છે કે, આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ અને બહુ જલદી “અંત આવશે.” (કલમ ૧૪) એ બનાવોમાં આનો સમાવેશ થાય છે: મોટાં યુદ્ધો, ખોરાકની અછત, ઠેકાણે ઠેકાણે ધરતીકંપ, વધતો જતો અન્યાય, પ્રેમનો અભાવ અને લોકોને ગેરમાર્ગે દોરવાના ઢોંગી ધર્મગુરુઓના પ્રયત્નો. (કલમો ૬-૨૬) જોકે, આવા બનાવો અમુક હદે સદીઓથી ચાલતા આવ્યા છે. તેમ છતાં, અંત નજીક આવશે તેમ એ બધા બનાવો એક જ સમયગાળામાં બનશે. ચાલો, બીજા ત્રણ બનાવો વિશે જોઈએ.

      ૨. લોકોનું વલણ બાઇબલ જણાવે છે કે, “છેલ્લા સમયમાં” લોકોનું વલણ સાવ બગડી જશે. જેમ કે, ‘માણસો સ્વાર્થી, પૈસાના લોભી, બડાઈ મારનારા, અભિમાની, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, અહેસાન ન માનનારા, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, સારી વસ્તુને ધિક્કારનારા, વિશ્વાસઘાતી, ઉદ્ધત, ઘમંડથી ફૂલાયેલા, ઈશ્વર પર નહિ પણ ધનદોલત પર પ્રેમ રાખનારા’ થશે. (૨ તીમોથી ૩:૧-૪) સાચે જ, એમાં કોઈ નવાઈ નથી કે, લોકો એવું વલણ બતાવતા આવ્યા છે. પરંતુ, “છેલ્લા સમયમાં” લોકોનું વલણ ખૂબ જ બગડી જશે. તેથી, એ કેટલું યોગ્ય છે કે, એને “સંકટના વખતો” કહેવામાં આવ્યા છે, જેનો સામનો કરવો અઘરો હશે. શું તમે આવું ખરાબ વલણ લોકોમાં જોયું છે?

      ૩. પૃથ્વીનો નાશ બાઇબલ કહે છે કે, ઈશ્વર ‘પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ’ કરશે. (પ્રકટીકરણ ૧૧:૧૮) આજે, લોકો પૃથ્વીનો નાશ કઈ રીતે કરી રહ્યા છે? એનો જવાબ આપણને નુહના સમયના બનાવોમાંથી મળે છે. એ વિશે બાઇબલ જણાવે છે: “ઈશ્વરની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી.” એટલે, ઈશ્વરે તેવા અધર્મી માણસો વિશે કહ્યું હતું: ‘હું તેઓનો સંહાર કરીશ.’ (ઉત્પત્તિ ૬:૧૧-૧૩) તમે પણ સહમત થશો કે, આજે દુનિયા હિંસા અને દુષ્ટતાથી ભરાઈ ગઈ છે. એટલું જ નહિ, આજે માણસો પાસે એવાં જીવલેણ હથિયારો છે જેનાથી, તેઓ ચાહે તો આખી માનવજાતનું નામોનિશાન મિટાવી શકે છે. બીજી અમુક રીતોએ પણ માણસો પૃથ્વીનો નાશ કરી રહ્યા છે. જેમ કે, પોતાના સ્વાર્થને લીધે હવા, પ્રાણી, વૃક્ષો અને સમુદ્રને નુકસાન પહોંચાડી રહ્યા છે.

      જરા વિચારો, હજી સો વર્ષ પહેલાં જ માણસ પાસે આખી પૃથ્વીનો નાશ કરવાની શક્તિ ન હતી. પરંતુ, આજના આધુનિક હથિયારો અને વાતાવરણને પહોંચાડી રહેલા નુકસાનથી તેઓ પૃથ્વીનો નાશ કરી શકે છે. ટૅક્નોલૉજી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જોકે, એ ઘણી વધી જવાથી શું પરિણામ આવશે એ માણસો સમજી શકતા નથી તેમજ એને કાબૂમાં રાખી શકતા નથી. પૃથ્વીનું ભાવિ નક્કી કરવાનું કે એને કાબૂમાં રાખવાનું કામ માણસોનું નથી. પૃથ્વી પરથી દરેક જીવનો નાશ થઈ જાય એવું ઈશ્વર ક્યારેય નહિ થવા દે. ઈશ્વરે વચન આપ્યું છે કે, પૃથ્વીનો બગાડ કરતા લોકોનો પોતે નાશ કરશે.

      ૪. ખુશખબર ફેલાવવાનું કામ અંત વિશેની નિશાનીમાં ખુશખબર ફેલાવવાના કામનો પણ સમાવેશ થાય છે. એ વિશે બાઇબલ જણાવે છે: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં ફેલાવવામાં આવશે અને ત્યારે જ અંત આવશે.’ (માથ્થી ૨૪:૧૪) જોકે, સદીઓથી ઘણા ધર્મોએ પોતાની માન્યતાનો પ્રચાર કર્યો છે. પરંતુ, બાઇબલમાં જણાવેલું ખુશખબર ફેલાવવાનું કામ એ બધાથી સાવ જુદું છે. છેલ્લા દિવસોમાં ‘રાજ્યની ખુશખબર’ જોરશોરથી ફેલાવવામાં આવશે. શું કોઈ ધર્મના લોકો ‘પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ આ ખુશખબર’ ફેલાવે છે? એમ હોય તોપણ, શું તેઓ તેમના વિસ્તારમાં જ જણાવે છે? કે પછી ‘આખી દુનિયામાં’ જણાવે છે?

      યહોવાના બે સાક્ષીઓ દરિયાકિનારે પ્રચાર કરી રહ્યા છે, એક માણસને તેઓ બાઇબલમાંથી કલમ બતાવે છે

      ઈશ્વરના રાજ્યની ખુશખબર સેંકડો ભાષામાં જણાવવામાં આવી રહી છે

      www.pr418.com વેબ સાઇટ ‘રાજ્યની આ ખુશખબર’ પર ભાર મૂકે છે. એના પર ૭૦૦ કરતાં વધારે ભાષાઓમાં સાહિત્ય પ્રાપ્ય છે, જે એ સંદેશા વિશે વધારે માહિતી આપે છે. શું એ સંદેશાને આખી દુનિયામાં ફેલાવવા કોઈએ પહેલ કરી છે? ઇન્ટરનેટ ન હતું ત્યારે પણ, યહોવાના સાક્ષીઓ રાજ્યની ખુશખબર ફેલાવવા જાણીતા હતા. વર્ષ ૧૯૩૯થી ચોકીબુરજ મૅગેઝિનના મુખ્ય પાન પર “યહોવાના રાજ્યને જાહેર કરે છે” શબ્દો જોવા મળે છે. ધર્મો પર લખાયેલું એક પુસ્તક જણાવે છે કે, યહોવાના સાક્ષીઓનું પ્રચારકામ ‘એટલી હદ સુધી ફેલાયેલું છે કે એની સરખામણી બીજા કોઈ પ્રચારકામ સાથે ન થઈ શકે.’ ઈશ્વરનું રાજ્ય બહુ જલદી “અંત” લાવશે, એ ખુશખબર પર આ પ્રચારકામ ભાર મૂકે છે.

      દુનિયાનો કટોકટીનો સમય

      શું તમને લાગે છે કે, આ લેખમાં જણાવેલી બાઇબલની ચાર નિશાનીઓ આપણા સમયમાં દેખાઈ રહી છે? સો કરતાં વધારે વર્ષોથી આ મૅગેઝિન એના વાચકોને દુનિયાના બનાવો વિશે માહિતી આપી રહ્યું છે. એનાથી તેઓ પોતે પારખી શકે છે કે અંત નજીક છે. જોકે, શંકા કરનારાઓ અમુક એ વાત સાથે સહમત નથી. તેઓનું માનવું છે કે, હકીકત અને આંકડાને પોતાની રીતે રજૂ કરવામાં આવે છે. તેમ જ, દુનિયામાં વાતચીત વ્યવહાર વધી જવાને લીધે, પરિસ્થિતિ છે એના કરતાં વધારે બગડી ગઈ હોય એવું લાગે છે. હકીકતમાં, ઘણી સાબિતીઓ બતાવે છે કે, આપણે મહત્ત્વના સમયમાં જીવી રહ્યા છીએ.

      અમુક નિષ્ણાતો માને છે કે જલદી જ પૃથ્વી પર મોટા ફેરફારો થશે. દાખલા તરીકે, વર્ષ ૨૦૧૪માં અમુક વૈજ્ઞાનિકોએ માનવજાતનો નાશ કરી શકે એવા ખતરાઓ વિશે આ પ્રમાણે અહેવાલ આપ્યો: ‘અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, માનવજાતના અસ્તિત્વ પર અલગ અલગ ખતરા રહેલા છે. પરંતુ, સૌથી મોટો ખતરો માણસે પોતે ઊભો કર્યો છે.’ ઘણા લોકોને ખાતરી થઈ છે કે, આપણે માનવ ઇતિહાસના સૌથી કટોકટીના સમયમાં આવી પહોંચ્યા છીએ. આ મૅગેઝિનના પ્રકાશકો અને એના ઘણા વાચકોને પૂરી ખાતરી છે કે, આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ અને અંત ખૂબ નજીક છે. એ માટે, ભાવિથી ડરવાને બદલે ખુશ થાઓ. કેમ કે, તમે અંતમાંથી બચી શકો છો! (w૧૫-E ૦૫/૦૧)

      વિનાશનો સંદેશો જણાવનાર?

      યહોવાના સાક્ષીઓ વિનાશનો સંદેશો જણાવતા નથી. તેઓ સો કરતાં વધારે વર્ષોથી લોકોને ભાવિ વિશે ખુશખબર જણાવી રહ્યા છે. દાખલા તરીકે, ૧૯૫૮ના સંમેલનમાં એક પ્રવચન આપવામાં આવ્યું હતું. એનો વિષય હતો: “ઈશ્વરનું રાજ્ય રાજ કરે છે—શું દુનિયાનો અંત નજીક છે?” એમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વીનો નહિ પરંતુ, શેતાનની દુનિયાનો વિનાશ કરવા આવે છે. ઈશ્વરનું રાજ્ય પૃથ્વીને બાળી નાખવા નહિ પણ, સ્વર્ગમાં અને પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા આવે છે. ઈશ્વરે પોતે પૃથ્વી બનાવી છે. તેથી, તે એનો નાશ નહિ થવા દે પણ, કાયમ માટે ટકાવી રાખશે.’

  • અંતમાંથી ઘણા બચી જશે!—તમે પણ બચી શકો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • યહોવાના સાક્ષી એક યુવતી સાથે બાઇબલમાંથી ચર્ચા કરી રહ્યા છે

      મુખ્ય વિષય | અંત શું એ નજીક છે?

      અંતમાંથી ઘણા બચી જશે!—તમે પણ બચી શકો

      બાઇબલ જણાવે છે કે અંત વખતે મોટો વિનાશ થશે. એમાં જણાવ્યું છે: ‘એ સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે એના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી. અને જો એ દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત.’ (માથ્થી ૨૪:૨૧, ૨૨) પરંતુ, ઈશ્વર વચન આપે છે કે ઘણા માણસો બચી જશે. બાઇબલ કહે છે: ‘જગત જતું રહે છે; પણ ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે કાયમ રહે છે.’—૧ યોહાન ૨:૧૭.

      જો તમે જગતના અંતમાંથી બચીને ‘કાયમ’ જીવવા માંગતા હો, તો તમારે શું કરવું જોઈએ? શું તમારે ખોરાક-પાણી ભેગા કરવા જોઈએ? અથવા એવી બીજી તૈયારીઓ કરવી જોઈએ? ના. બાઇબલ તો આપણને એનાથી સાવ જુદું જ કરવાની અરજ કરે છે. એ જણાવે છે: ‘એ સર્વ નાશ પામનાર હોવાથી પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ એનો વિચાર કરો. ઈશ્વરના એ દિવસની આતુરતાથી રાહ જુઓ.’ (૨ પીતર ૩:૧૦-૧૨) આખો અહેવાલ બતાવે છે તેમ, નાશ થનાર “એ સર્વ” બાબતોમાં આનો પણ સમાવેશ થાય છે, દુનિયાની ભ્રષ્ટ સરકારો અને ઈશ્વરના રાજ્યને બદલે એ સરકારોને ટેકો આપતા લોકો. તેથી, સ્પષ્ટ છે કે, ભેગી કરેલી ચીજવસ્તુઓ આપણને વિનાશમાંથી બચાવી નહિ શકે.

      સાચે જ, આપણો બચાવ થાય માટે જરૂરી છે કે યહોવા ઈશ્વરની દિલથી ભક્તિ કરીએ. તેમ જ, તેમને ખુશી મળે એવાં વાણી-વર્તન કેળવીએ. (સફાન્યા ૨:૩) આજે દુનિયામાં મોટા ભાગના લોકો અંતના સમયની નિશાનીઓની અવગણના કરી રહ્યા છે. આપણે તેઓના પગલે ન ચાલવું જોઈએ. પણ, ‘યહોવાના દિવસની આતુરતાથી રાહ જોવી’ જોઈએ. તમે ઇચ્છો તો, યહોવાના સાક્ષીઓ તમને બાઇબલમાંથી બતાવી શકે કે તમે કઈ રીતે આવનાર અંતમાંથી બચી શકો. (w૧૫-E ૦૫/૦૧)

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો