વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૧
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • મમ્મી-પપ્પા સૂવાં જતાં પહેલાં પોતાની દીકરીની પ્રાર્થના સાંભળી રહ્યાં છે

      ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ ભાગ ૧

      ‘તમારું નામ પવિત્ર મનાઓ.’—માથ. ૬:૯.

      શું તમને યાદ છે?

      • ‘અમારા પિતા,’ એ શબ્દો પરથી આપણને શું શીખવા મળે છે?

      • ઈશ્વરનું નામ પવિત્ર મનાવાય એવી પ્રાર્થના શા માટે કરવી જોઈએ?

      • ઈશ્વરની ઇચ્છા પૂરી થાય, શું ફક્ત એવી પ્રાર્થના કરવી પૂરતી છે? સમજાવો.

      ૧. માથ્થી ૬:૯-૧૩માં ઈસુએ શીખવેલી પ્રાર્થનાને આપણે પ્રચારમાં કઈ રીતે વાપરી શકીએ?

      ઘણા લોકોને માથ્થી ૬:૯-૧૩ના શબ્દો મોઢે યાદ છે. પ્રચારમાં આપણે એ પ્રાર્થનાથી શીખવીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય એક સરકાર છે. એના દ્વારા તે આખી પૃથ્વીને સુંદર બાગમાં ફેરવી નાંખશે. ઉપરાંત, ‘તમારું નામ પવિત્ર મનાઓ’ શબ્દોનો ઉપયોગ કરીને આપણે બતાવીએ છીએ કે ઈશ્વરનું એક નામ છે, જેને આપણે હંમેશાં પવિત્ર ગણવું જોઈએ.—માથ. ૬:૯.

      ૨. પોતે શીખવેલી પ્રાર્થના વિશે ઈસુ શું ચાહતા ન હતા?

      ૨ આજે ઘણા લોકો એ પ્રાર્થનાના શબ્દોનું રટણ કર્યા કરે છે. પરંતુ, શું ઈસુ ચાહતા હતા કે ઈશ્વરભક્તો એમ કરે? ના. ઈસુએ કહ્યું હતું: ‘તમે પ્રાર્થના કરો ત્યારે અમથો લવારો ન કરો,’ એટલે કે એકનાએક શબ્દો પ્રાર્થનામાં બોલ્યા ન કરો. (માથ. ૬:૭) બીજા એક સમયે શિષ્યોને ઈસુ પ્રાર્થના શીખવતા હતા ત્યારે, તેમણે ફરી એ જ પ્રાર્થના જણાવી. પરંતુ, તેમણે એના એ જ શબ્દો વાપર્યા નહિ. (લુક ૧૧:૧-૪) એ બતાવે છે કે ઈસુએ તો પ્રાર્થનાનો નમૂનો આપ્યો હતો, જેથી કઈ બાબતો વિશે પ્રાર્થના કરવી એ આપણે શીખી શકીએ.

      ૩. ઈસુએ શીખવેલી પ્રાર્થનાના અભ્યાસ દરમિયાન તમે શાના પર વિચાર કરી શકો?

      ૩ આ અને આવતા લેખમાં આપણે ઈસુએ શીખવેલી પ્રાર્થનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. એમ કરીએ ત્યારે તમે આનો વિચાર કરી શકો: “એનાથી મને પ્રાર્થના વધારે સારી બનાવવા કઈ રીતે મદદ મળે છે?” ઉપરાંત, સૌથી મહત્ત્વનું કે “શું હું એ પ્રાર્થના પ્રમાણે જીવું છું?”

      ‘સ્વર્ગમાંના અમારા પિતા’

      ૪. ‘અમારા પિતા’ શબ્દો આપણને શું યાદ અપાવે છે? યહોવા કઈ રીતે આપણા પિતા છે?

      ૪ ‘અમારા પિતા’ એમ કહીને ઈસુએ પ્રાર્થના શરૂ કરી હતી. એ યાદ અપાવે છે કે યહોવા, દુનિયા ફરતેનાં બધાં જ ભાઈ-બહેનોના પિતા છે. (૧ પીત. ૨:૧૭) યહોવાએ જેઓને સ્વર્ગના જીવન માટે પસંદ કર્યા છે, તેઓને તેમણે દીકરાઓ તરીકે દત્તક લીધા છે. તેથી, એક ખાસ અર્થમાં યહોવા તેઓના પિતા છે. (રોમ. ૮:૧૫-૧૭) પૃથ્વીની આશા ધરાવનારા પણ યહોવાને ‘પિતા’ કહી શકે છે. કેમ કે, યહોવાએ તેઓને જીવન આપ્યું છે અને તે પ્રેમથી તેઓની જરૂરિયાતો પૂરી કરે છે. સંપૂર્ણ બની ગયા પછી, આખરી કસોટીમાં તેઓ યહોવાને વફાદાર બની રહેશે તો તેઓ “ઈશ્વરનાં છોકરાં” કહેવાશે.—રોમ. ૮:૨૧; પ્રકટી. ૨૦:૭, ૮.

      ૫, ૬. માબાપ પોતાનાં બાળકોને કઈ ઉત્તમ ભેટ આપી શકે છે? દરેક બાળકે એ ભેટનું શું કરવું જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

      ૫ યહોવા આપણા સ્વર્ગમાંના પિતા છે અને તેમને જ આપણે પ્રાર્થના કરવી જોઈએ. માબાપ એ વાત શીખવીને પોતાનાં બાળકોને જાણે એક સુંદર ભેટ આપે છે. દક્ષિણ આફ્રિકામાં સેવા આપતા એક સરકીટ નિરીક્ષક આમ કહે છે: ‘અમારી દીકરીઓ જન્મી એ દિવસથી જ હું તેઓ સાથે દરરોજ રાતે પ્રાર્થના કરતો. હું ઘરે ન હોઉં ફક્ત ત્યારે જ એમ ન બનતું. અમારી દીકરીઓ ઘણી વાર કહેતી હોય છે કે તેઓને રાતની એ પ્રાર્થનાના શબ્દો યાદ નથી. જોકે, તેઓને પિતા યહોવા સાથે વાત કરવાનો એ પવિત્ર માહોલ હજીયે યાદ છે. તેમજ, પ્રાર્થનાથી મળતી શાંતિ અને રક્ષણ તેઓ ભૂલી નથી. જ્યારે તેઓ બંને જાતે પ્રાર્થના કરતી થઈ ત્યારે હું તેઓને મોટેથી પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપતો. એમ કરવાથી, હું યહોવા માટેના તેઓનાં વિચારો અને લાગણી જાણી શકતો. એના લીધે મને તેઓનાં દિલમાં શું છે એની ઝલક મળતી. એ પછી હું તેઓને પોતાની પ્રાર્થનામાં એ મુદ્દા સામેલ કરવા પ્રેમથી જણાવતો, જે ઈસુએ શીખવ્યા છે. હું એમ એ માટે કરતો, જેથી સમય જતાં તેઓ સારી પ્રાર્થના કરતા શીખે.’

      ૬ તેમની દીકરીઓ મોટી થયા પછી પણ યહોવાની સાથે ગાઢ સંબંધ રાખી શકી છે. તેઓનાં લગ્‍ન થઈ ગયાં છે અને તેઓ પોતાના પતિ સાથે યહોવાની પૂરા સમયની સેવા કરી રહી છે. યહોવા સાથે બાળકોનો ગાઢ સંબંધ બનાવવો એ તો માબાપ તરફથી બાળકોને ઉત્તમ ભેટ છે. જોકે, દરેક બાળકે યહોવા સાથેની પોતાની દોસ્તી જાળવી રાખવા પ્રયત્નો કરતા રહેવાની જરૂર છે.—ગીત. ૫:૧૧, ૧૨; ૯૧:૧૪.

      ‘તમારું નામ પવિત્ર મનાઓ’

      ૭. આપણી પાસે કયો લહાવો છે અને આપણે શું કરવું જોઈએ?

      ૭ ઈશ્વરનું નામ જાણવાનો અને તેમના ‘નામ માટે એક પ્રજા’ બનવાનો આપણને અજોડ લહાવો મળ્યો છે. (પ્રે.કૃ. ૧૫:૧૪; યશા. ૪૩:૧૦) આપણે યહોવાને પ્રાર્થના કરીએ છીએ કે ‘તમારું નામ પવિત્ર મનાઓ.’ આપણે વાણી-વર્તનથી યહોવાના નામનું અપમાન ન કરી બેસીએ, એ માટે તેમને વિનંતી પણ કરીએ છીએ. આપણે પહેલી સદીના અમુક લોકો જેવા ન બનીએ. તેઓ બીજાને જે કહેતા એ પોતે કરતા નહિ. તેથી, પાઊલે તેઓને લખ્યું: “તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરના નામની નિંદા થાય છે.”—રોમ. ૨:૨૧-૨૪.

      ૮, ૯. યહોવાનું નામ પવિત્ર મનાવવા ચાહતી વ્યક્તિઓને તે કઈ રીતે મદદ કરે છે, એનો એક દાખલો આપો.

      ૮ આપણે યહોવાના નામને મહિમા આપવા બનતું બધું કરવા માંગીએ છીએ. નૉર્વેમાં રહેતાં આપણાં એક બહેનનો વિચાર કરો. તેમના પતિ ગુજરી ગયા પછી તે પોતાના બે વર્ષના બાળકને એકલા હાથે ઉછેરતાં હતાં. તે જણાવે છે: ‘એ ઘડી મારા જીવનની સૌથી કઠિન ઘડી હતી. હું દરરોજ પ્રાર્થના કરતી, લગભગ દર કલાકે પ્રાર્થના કરતી, જેથી લાગણીમય રીતે પોતાને સંભાળી શકું. હું મારા કોઈ ખોટા નિર્ણય કે બેવફાઈને લીધે યહોવાને મહેણાં મારવાનો મોકો શેતાનને આપવા ચાહતી ન હતી. યહોવાનું નામ હું પવિત્ર મનાવવા ઇચ્છું છું. તેમજ, ચાહું છું કે મારો દીકરો પોતાના પિતાને નવી દુનિયામાં ફરીથી મળી શકે.’—નીતિ. ૨૭:૧૧.

      ૯ શું યહોવાએ એ બહેનની પ્રાર્થના સાંભળી? હા. તેમને ભાઈ-બહેનોની સંગતમાં રહેવાથી ઘણું ઉત્તેજન મળ્યું. પાંચ વર્ષ પછી તેમણે એક વડીલ ભાઈ સાથે લગ્‍ન કર્યાં. તેમનો દીકરો હવે ૨૦ વર્ષનો છે અને બાપ્તિસ્મા પામેલો પ્રકાશક છે. બહેન જણાવે છે: ‘હું ઘણી ખુશ છું કે મારા પતિએ મારા બાળકને ઉછેરવામાં મને મદદ કરી.’

      ૧૦. યહોવા શું કરીને પોતાનું નામ પૂરી રીતે પવિત્ર મનાવશે?

      ૧૦ જેઓ યહોવાનું અપમાન કરે છે અને તેમની સત્તાને સ્વીકારતા નથી, તેઓને નાબૂદ કરીને તે પોતાનું નામ પૂરી રીતે પવિત્ર મનાવશે. (હઝકીએલ ૩૮:૨૨, ૨૩ વાંચો.) એ સમયે, મનુષ્યો સંપૂર્ણ બની ગયા હશે અને સ્વર્ગ તેમજ પૃથ્વી પર દરેક જણ યહોવાને ભજશે. તેમજ, તેઓ યહોવાના પવિત્ર નામને મહિમા આપશે. છેવટે, આપણા પ્રેમાળ પિતા “સર્વમાં સર્વ” થશે.—૧ કોરીં. ૧૫:૨૮.

      ‘તમારું રાજ્ય આવો’

      ૧૧, ૧૨. વર્ષ ૧૮૭૬માં યહોવાએ પોતાના ભક્તોને શું સમજવા મદદ આપી?

      ૧૧ ઈસુ સ્વર્ગમાં ગયા એ પહેલાં શિષ્યોએ તેમને પૂછ્યું: ‘પ્રભુ, શું તમે આ સમયે ઈસ્રાએલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો?’ જવાબમાં ઈસુએ જણાવ્યું કે ઈશ્વરનું રાજ્ય ક્યારે શરૂ થશે એ જાણવાનો હજી તેઓ માટે સમય આવ્યો નથી. ઈસુએ તેઓને વધુ મહત્ત્વના કામ એટલે કે, પ્રચાર કરવા પર ધ્યાન આપવા જણાવ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૬-૮ વાંચો.) ઉપરાંત, તેમણે શિષ્યોને ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરવાનું શીખવ્યું અને રાજ્યની રાહ જોવા જણાવ્યું. તેથી, આપણે પણ ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરીએ છીએ.

      ૧૨ ઈસુ માટે સ્વર્ગમાં રાજ કરવાનો સમય પાસે આવી ગયો ત્યારે શું બન્યું? યહોવાએ પોતાના લોકોને એ બનાવના સમય વિશે સમજવા મદદ કરી. વર્ષ ૧૮૭૬માં ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલે આ વિષય પર લેખ લખ્યો: ‘વિદેશીઓના સમયો: એ ક્યારે પૂરા થશે?’ એમાં સમજાવવામાં આવ્યું કે દાનીયેલના પુસ્તકમાં જણાવેલા “સાત કાળ” તો ઈસુની ભવિષ્યવાણીમાં જણાવેલા “વિદેશીઓના સમયો”ને દર્શાવે છે. એ લેખમાં સમજણ આપવામાં આવી કે એ સમયો ૧૯૧૪માં પૂરા થશે.a—દાની. ૪:૧૬; લુક ૨૧:૨૪.

      ૧૩. વર્ષ ૧૯૧૪માં શું બન્યું? દુનિયાભરમાં એ વર્ષથી થઈ રહેલા બનાવો શું સાબિત કરે છે?

      ૧૩ વર્ષ ૧૯૧૪માં યુરોપમાં યુદ્ધ ફાટી નીકળ્યું અને થોડા જ સમયમાં એ આખી દુનિયામાં ફેલાઈ ગયું. યુદ્ધને લીધે ઘણા ભયાનક દુકાળો પડ્યા. વર્ષ ૧૯૧૮માં એ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં તો, એક ઘાતક તાવને (ફ્લૂને) લીધે મોટી સંખ્યામાં લોકો મરણ પામ્યા. અરે, યુદ્ધમાં મરણ પામેલા લોકોની સંખ્યા કરતાં એ સંખ્યા વધારે હતી. એ બધા બનાવો તો ઈસુએ આપેલી “નિશાની”નો ભાગ હતા. એ નિશાનીથી સાબિત થયું કે ઈસુ ૧૯૧૪માં સ્વર્ગમાં રાજા બન્યા છે. (માથ. ૨૪:૩-૮; લુક ૨૧:૧૦, ૧૧) એ વર્ષમાં ઈસુ ‘જીતતા અને જીતવા માટે નીકળ્યા.’ (પ્રકટી. ૬:૨) ઈસુએ શેતાન અને તેના સાથી દૂતોને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધા. એ પછીથી, આ ભવિષ્યવાણી પૂરી થવા લાગી: “પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.”—પ્રકટી. ૧૨:૭-૧૨.

      ૧૪. (ક) આપણે ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના હજી પણ શા માટે કરીએ છીએ? (ખ) આજે આપણે કયું મહત્ત્વનું કામ કરવું જોઈએ?

      ૧૪ ઈસુ જ્યારથી સ્વર્ગમાં રાજા બન્યા છે, ત્યારથી શા માટે પૃથ્વી પર ભયાનક બાબતો બની રહી છે? એનો જવાબ સમજવા પ્રકટીકરણના અધ્યાય ૧૨ની એ ભવિષ્યવાણી મદદ કરે છે. ખરું કે, ઈસુ સ્વર્ગમાં રાજ કરે છે પણ પૃથ્વી પર તો હજીયે શેતાનનું રાજ છે. પરંતુ, ઈસુ બહુ જલદી આખી પૃથ્વી પરથી દરેક બૂરાઈ કાઢીને “જીતવા”નું પૂરું કરશે. ઈસુ એમ કરે ત્યાં સુધી આપણે ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરતા રહીએ. તેમજ, પ્રચારકાર્યમાં સતત લાગુ રહીએ. આપણું એ કામ ઈસુની આ ભવિષ્યવાણી પૂરી કરે છે: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે.’—માથ. ૨૪:૧૪.

      ‘પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ’

      ૧૫, ૧૬. ઈશ્વરની ઇચ્છા પૂરી થાય, શું ફક્ત એવી પ્રાર્થના કરવી પૂરતી છે? સમજાવો.

      ૧૫ લગભગ ૬,૦૦૦ વર્ષો પહેલાં ઈશ્વરની ઇચ્છા પૃથ્વી પર પૂરી થતી હતી. તેથી જ, ઈશ્વરે કહ્યું કે બધું જ “ઉત્તમોત્તમ” છે. (ઉત. ૧:૩૧) પછી, શેતાને બળવો કર્યો અને ત્યારથી મોટા ભાગના લોકોએ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કર્યું નથી. જોકે, આજે લગભગ ૮૦ લાખ લોકો એવા છે, જેઓ યહોવાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે. તેઓ પ્રાર્થના કરે છે કે ઈશ્વરની ઇચ્છા પૃથ્વી પર પૂરી થાય. તેમજ, તેઓ પોતે પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે. તેઓ એવી રીતે જીવે છે, જેનાથી ઈશ્વરને ખુશી મળે. ઉપરાંત, તેઓ ઉત્સાહથી ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવી રહ્યા છે.

      ૧. એક કુટુંબ પ્રચારમાં શું કહેશે એની તૈયારી કરી રહ્યું છે; ૨. પ્રચારમાં એક પિતા પોતાની દીકરી સાથે

      શું તમે પોતાનાં બાળકોને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું શીખવો છો? (ફકરો ૧૬ જુઓ)

      ૧૬ આફ્રિકામાં રહેતાં ૮૦ વર્ષના એક મિશનરી બહેનનો દાખલો લો. એ બહેન ૧૯૪૮માં બાપ્તિસ્મા પામ્યાં હતાં. તે આમ જણાવે છે: ‘હું કાયમ પ્રાર્થના કરું છું કે ઘેટાં જેવાં બધા નમ્ર લોકો સુધી ઈશ્વરની ખુશખબર પહોંચે. મોડું થાય એ પહેલાં તેઓ યહોવાને ઓળખે. જ્યારે હું કોઈને સાક્ષી આપું છું ત્યારે યહોવા પાસે સમજશક્તિ માગું છું, જેથી એ વ્યક્તિના દિલ સુધી પહોંચી શકું. ઉપરાંત, વિનંતી કરું છું કે ઘેટાં જેવા જે નમ્ર લોકો સત્યમાં આવ્યા છે, તેઓની સારી કાળજી લેવા યહોવા આપણને મદદ કરે.’ એ વૃદ્ધ બહેને ઘણી વ્યક્તિઓને યહોવા વિશે શીખવા મદદ કરી છે. શું તમે એવા કોઈ વૃદ્ધ ભાઈ-બહેનને ઓળખો છો, જેઓ ઉત્સાહથી યહોવાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે?—ફિલિપી ૨:૧૭ વાંચો.

      ૧૭. મનુષ્યો અને પૃથ્વી માટે યહોવા જે કરશે એના વિશે જાણીને તમને કેવું લાગે છે?

      ૧૭ યહોવા જલદી જ પોતાના દુશ્મનોનો પૃથ્વી પરથી નાશ કરશે. ત્યાં સુધી, આપણે તેમની ઇચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરતા રહીશું. પછી, આખી દુનિયા બાગ જેવી સુંદર બનાવવામાં આવશે અને અબજો લોકોને સજીવન કરવામાં આવશે. ઈસુએ કહ્યું હતું, ‘એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ મારી વાણી સાંભળશે અને નીકળી આવશે.’ (યોહા. ૫:૨૮, ૨૯) સજીવન થયેલાં આપણાં સ્નેહીજનોને આવકારવાનો એ કેટલો અદ્‍ભુત અનુભવ હશે! ઈશ્વર ત્યારે આપણી “આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.” (પ્રકટી. ૨૧:૪) સજીવન થનારા લોકોમાંથી મોટા ભાગના લોકો “અન્યાયીઓ” હશે, એટલે કે યહોવા અને ઈસુને જાણતા નહિ હોય. તેઓને ઈશ્વરની ઇચ્છા વિશે શીખવવાની કેટલી મજા આવશે! એ શિક્ષણથી તેઓ પણ “અનંતજીવન” મેળવી શકશે.—પ્રે.કૃ. ૨૪:૧૫; યોહા. ૧૭:૩.

      ૧૮. મનુષ્યોને સૌથી વધારે શાની જરૂર છે?

      ૧૮ જ્યારે ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે તેમનું નામ પવિત્ર મનાવવામાં આવશે. ત્યારે આખા વિશ્વમાં બધા જ લોકો એક થઈને યહોવાની ભક્તિ કરશે. હા, ઈસુએ શીખવેલી પ્રાર્થનાની પહેલી ત્રણ વિનંતીઓ પૂરી કરીને, ઈશ્વર બધા મનુષ્યોની સૌથી મોટી જરૂરિયાતો પૂરી કરશે. આવતા લેખમાં આપણે એ પ્રાર્થનાની બીજી મહત્ત્વની વિનંતીઓ વિશે શીખીશું.

      a સમયો વિશેની એ ભવિષ્યવાણી કઈ રીતે ૧૯૧૪માં પૂરી થઈ, એ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનાં પાન ૨૧૫-૨૧૭ જુઓ.

  • ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૨
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • યહોવાને વળગી રહેવા તે આપણને સમયસર શિક્ષણ આપે છે

      ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ ભાગ ૨

      ‘જેની તમને અગત્ય છે, એ તમારા પિતા જાણે છે.’—માથ. ૬:૮.

      શું તમને યાદ છે?

      • “દિવસની અમારી રોટલી” માંગવામાં શાનો સમાવેશ થાય છે?

      • યહોવા ‘આપણાં ઋણો માફ કરે’ એ માટે આપણે શું કરવાની જરૂર છે?

      • ‘અમને પરીક્ષણમાં ન લાવો,’ એ વિનંતીનો યહોવા કઈ રીતે જવાબ આપે છે?

      ૧-૩. એક બહેનને શા માટે ખાતરી છે કે યહોવા તેમની જરૂરિયાતો જાણે છે?

      લેઈના એક નિયમિત પાયોનિયર છે. ૨૦૧૨માં તે જર્મની ગયાં હતાં, ત્યારનો એક બનાવ તે કદીયે નહિ ભૂલે. તેમને ખાતરી છે કે યહોવાએ તેમની બે પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. એરપોર્ટ પહોંચવા એ બહેન ટ્રેનમાં જઈ રહ્યાં હતાં. મુસાફરી દરમિયાન તે કોઈને પ્રચાર કરી શકે એ માટે તેમણે પ્રાર્થના કરી. એરપોર્ટ પહોંચ્યાં પછી, તેમને જાણવા મળ્યું કે તેમનું વિમાન કોઈ કારણસર બીજા દિવસે ઊપડવાનું છે. તેમના મોટા ભાગના પૈસા ખર્ચાઈ ગયા હોવાથી, તેમણે રાત રોકાવાની જગ્યા માટે યહોવાને પ્રાર્થના કરી.

      ૨ લેઈનાની પ્રાર્થના પૂરી થઈ એટલામાં તેમણે કોઈકને કહેતા સાંભળ્યા: ‘અરે, લેઈના! કેમ છે? તું અહીંયા!’ એ યુવાન લેઈના સાથે સ્કૂલમાં ભણતો હતો. તે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો હતો. તેનાં મમ્મી અને દાદી પણ સાથે હતાં. તેઓ તેને એરપોર્ટ પર મૂકવાં આવ્યાં હતાં. લેઈનાએ તેઓને પોતાની મૂંઝવણ જણાવી ત્યારે એ યુવાનનાં મમ્મી અને દાદીએ લેઈનાને પોતાના ઘરે રોકાવા કહ્યું. તેઓએ લેઈનાને તેની માન્યતા અને પાયોનિયરીંગ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા.

      ૩ બીજા દિવસે, સવારનો ચા-નાસ્તો કર્યાં પછી લેઈનાએ બાઇબલ વિશે તેઓના બીજા પ્રશ્નોના પણ જવાબ આપ્યા. લેઈનાએ તેઓની જરૂરી વિગતો લઈ લીધી, જેથી તેઓની ફરી મુલાકાત માટે કોઈને મોકલી શકે. લેઈના સલામત રીતે ઘરે પહોંચી ગયાં અને હજીયે પાયોનિયરીંગ કરે છે. તેમને લાગે છે કે યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી, તે તેમની જરૂરિયાતો જાણતા હતા અને તેમણે તેમની મદદ કરી.—ગીત. ૬૫:૨.

      ૪. આપણે હવે શાની ચર્ચા કરીશું?

      ૪ આપણે અચાનક કોઈ મુશ્કેલીમાં મુકાઈ જઈએ ત્યારે, પ્રાર્થનામાં તરત યહોવાની મદદ માંગી શકીએ છીએ. તે આપણી એવી પ્રાર્થના પણ ખુશીથી સાંભળે છે. (ગીત. ૩૪:૧૫; નીતિ. ૧૫:૮) જોકે, ઈસુએ શીખવેલી પ્રાર્થના બતાવે છે કે અમુક બીજી અગત્યની બાબતો પણ છે, જેના વિશે આપણે પ્રાર્થના કરવી જ જોઈએ. આ લેખમાં આપણે એ પ્રાર્થનાના છેલ્લા ચાર મુદ્દાની ચર્ચા કરીશું. એનાથી યહોવાને વળગી રહેવા આપણને મદદ મળશે.—માથ્થી ૬:૧૧-૧૩ વાંચો.

      ‘દિવસની અમારી રોટલી આજ અમને આપો’

      ૫, ૬. પૂરતું ખાવાનું હોય તોપણ શા માટે “અમારી રોટલી” વિશે પ્રાર્થના કરવી જોઈએ?

      ૫ નોંધ કરો કે ઈસુએ “અમારી રોટલી” વિશે પ્રાર્થના કરવા કહ્યું, ફક્ત “મારી રોટલી” વિશે નહિ. આફ્રિકામાં સરકીટ નિરીક્ષકની સેવા આપતા ભાઈ વિક્ટર કહે છે: ‘હું અને મારી પત્ની યહોવાનો દિલથી આભાર માનીએ છીએ. કારણ કે, જમવાનું ક્યાંથી આવશે અથવા ઘરનું ભાડું કોણ ભરશે, એવી અમને ચિંતા કરવી પડતી નથી. ભાઈ-બહેનો અમારી જરૂરિયાતોની દેખભાળ રાખે છે. હું પણ તેઓ માટે પ્રાર્થના કરું છું, જેથી તેઓને પૈસેટકે મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ મળે.’

      ૬ આપણી પાસે પૂરતું ખાવાનું હોય શકે. પરંતુ, આપણાં ઘણાં ભાઈ-બહેનો ગરીબ છે. તેમજ, અમુક કુદરતી આફતોમાં સપડાયાં છે. આપણે તેઓને માટે પ્રાર્થના કરવાની સાથે સાથે બીજી રીતે પણ મદદનો હાથ લંબાવી શકીએ. દાખલા તરીકે, આપણી પાસે જે કંઈ હોય એમાંથી તેઓને આપી શકીએ. ઉપરાંત, દુનિયાભરમાં ચાલી રહેલાં આપણાં કામમાં મદદ કરવા નિયમિત પ્રદાનો આપી શકીએ. આપણે જાણીએ છીએ કે એ પ્રદાનોથી, જરૂરિયાતમાં હોય એવાં ભાઈ-બહેનોને મદદ મળે છે.—૧ યોહા. ૩:૧૭.

      ૭. કયો દાખલો આપીને ઈસુએ શીખવ્યું કે ‘આવતી કાલને માટે ચિંતા ન કરવી’ જોઈએ?

      ૭ પ્રાર્થના કરવાનું શીખવ્યા પછી, ઈસુએ આપણને ફક્ત રોજબરોજની જરૂરિયાતો પર ધ્યાન આપવા શીખવ્યું. તેમણે કહ્યું કે યહોવા જો રસ્તા પરનાં ફૂલોની કાળજી લેતા હોય, તો ‘ઓછી શ્રદ્ધાવાળાઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે? તેથી અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો.’ પછી તેમણે એ વિચાર પર ફરી ભાર આપતા કહ્યું: ‘આવતી કાલને માટે ચિંતા ન કરો.’ (માથ. ૬:૩૦-૩૪) આપણે ફક્ત આજની જરૂરિયાતનો વિચાર કરવો જોઈએ અને એ મેળવીને સંતોષ પામવો જોઈએ. દાખલા તરીકે, આપણે આવી જરૂરિયાતો માટે પ્રાર્થના કરી શકીએ: રહેવા માટે જગ્યા, કુટુંબની સંભાળ લેવા નોકરી-ધંધો તેમજ, તંદુરસ્ત રહેવા સારા નિર્ણયો લેવા મદદ. પરંતુ, એનાથી પણ મહત્ત્વનું કંઈક છે, જેના વિશે પ્રાર્થના કરવી બહુ જરૂરી છે.

      ૮. ઈસુના શબ્દો, “દિવસની અમારી રોટલી” આપણને શું યાદ અપાવે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

      ૮ ઈસુના શબ્દો, “દિવસની અમારી રોટલી” આપણને તેમની બીજી એક વાત યાદ પણ અપાવે છે. તેમણે કહ્યું હતું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માથ. ૪:૪) તેથી, આપણે પ્રાર્થના કરવી જોઈએ કે યહોવા આપણને શીખવતા રહે અને તેમને વળગી રહેવા જોઈતી મદદ આપે.

      ‘અમારાં ઋણો અમને માફ કરો’

      ૯. આપણું પાપ જાણે દેવું છે, એમ શા માટે કહી શકાય?

      ૯ ઈસુએ શીખવ્યું હતું: ‘અમારાં ઋણો અમને માફ કરો.’ બીજા એક પ્રસંગે તેમણે શીખવ્યું: ‘અમારાં પાપ અમને માફ કરો.’ (માથ. ૬:૧૨; લુક ૧૧:૪) તેમણે એવું શા માટે શીખવ્યું? કેમ કે આપણાં પાપ એ જાણે એક ઋણ કે દેવું છે. વર્ષ ૧૯૫૧માં ધ વૉચટાવરમાં સમજાવવામાં આવ્યું: ‘પાપ કરવાને લીધે આપણે જાણે યહોવાના દેવાદાર બનીએ છીએ. કયા અર્થમાં? યહોવા હંમેશાં આપણાં પ્રેમ અને આધીનતાના હક્કદાર છે. પરંતુ, પાપ કરીએ છીએ ત્યારે આપણે તેમને એ પ્રેમ અને આધીનતા બતાવવાનું ચૂકી જઈએ છીએ. એના લીધે યહોવા ચાહે તો આપણી સાથેનો સંબંધ તોડી શકે છે. પાપ કરવું એ તો યહોવાની દરકાર ન કરવા જેવું છે.’—૧ યોહા. ૫:૩.

      ૧૦. યહોવા આપણા પાપની માફી શાના આધારે આપે છે? એ માટે આપણને કેવું લાગવું જોઈએ?

      ૧૦ યહોવાએ ઈસુના બલિદાનથી આપણાં પાપની માફી માટે કિંમત ચૂકવી છે. એ માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ! આપણને દરરોજ યહોવા તરફથી માફીની જરૂર પડે છે. ખરું કે, ઈસુએ ૨,૦૦૦ વર્ષો પહેલાં એ બલિદાન આપ્યું હતું. છતાં, આજે પણ આપણને તેમના બલિદાનથી લાભ થાય છે. એ કીમતી ભેટ માટે આપણે હંમેશાં યહોવાનો આભાર માનવો જોઈએ. સાચે જ, પાપ અને મરણમાંથી આપણને છોડાવવા એ કિંમત આપણામાંથી બીજું કોઈ ચૂકવી શક્યું ન હોત! (ગીતશાસ્ત્ર ૪૯:૭-૯; ૧ પીતર ૧:૧૮, ૧૯ વાંચો.) ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં આ શબ્દો પણ હતા: ‘અમારાં પાપ અમને માફ કરો.’ નોંધ લો કે તેમણે એવા શબ્દો વાપર્યા નહિ કે ‘મારાં પાપ માફ કરો.’ એ શું બતાવે છે? એ જ કે માફી માટે ઈશ્વરની એ પ્રેમાળ ગોઠવણ, મંડળનાં બધાં ભાઈ-બહેનો માટે છે, ફક્ત આપણા માટે નહિ. યહોવા ચાહે છે કે આપણે તેઓનું હંમેશાં ભલું ઇચ્છીએ. તેમજ, યહોવા સાથેનો તેઓનો સંબંધ મજબૂત બને એવું ચાહીએ. ભાઈ-બહેનો આપણને ખોટું લગાડે ત્યારે, તરત માફ કરીએ. મોટા ભાગે તેઓની ભૂલો નજીવી હોય છે, તેથી માફ કરીને આપણે તેઓને પ્રેમ બતાવીએ છીએ. ઉપરાંત, યહોવા તરફથી મળતી માફી માટે આપણે તેમનો ઉપકાર માનીએ છીએ.—કોલો. ૩:૧૩.

      ૧. પત્ની પોતાના પતિથી નારાજ છે; ૨. પતિ તેની સાથે વાત કરીને માફી માગે છે; ૩. પત્ની તેમના પતિને માફ કરે છે

      જો તમે ચાહતા હો કે ઈશ્વર તમને માફ કરે, તો તમે બીજાઓને માફ કરો (ફકરો ૧૧ જુઓ)

      ૧૧. બીજાઓને માફી આપવી કેમ જરૂરી છે?

      ૧૧ બની શકે કે, અપૂર્ણતાને લીધે આપણને કોઈની ભૂલને માફ કરવી અઘરી લાગે. (લેવી. ૧૯:૧૮) કદાચ એ ભૂલ વિશે આપણે બીજાઓને કહેવા લાગીએ. એમ કરવાથી કદાચ મંડળના અમુક લોકો આપણા પક્ષે થવા લાગે. પરંતુ, એનાથી મંડળનો સંપ જોખમમાં મુકાઈ શકે. એવું ચાલવા દઈશું તો, યહોવાએ આપેલી ઈસુના બલિદાનની ભેટ માટે કદર બતાવવાનું ચૂકી જઈશું. અરે, એ ભેટના ફાયદા નહિ મળે! (માથ. ૧૮:૩૫) જો આપણે બીજાઓને માફ નહિ કરીએ, તો યહોવા આપણને માફ નહિ કરી શકે. (માથ્થી ૬:૧૪, ૧૫ વાંચો.) ઉપરાંત, જો આપણે ચાહીએ કે યહોવા આપણને માફ કરે, તો તે જે કામને ધિક્કારે છે એવાં કામ કરતા ન રહીએ.—૧ યોહા. ૩:૪, ૬.

      ‘અમને પરીક્ષણમાં ન લાવો’

      ૧૨, ૧૩. (ક) ઈસુના બાપ્તિસ્મા પછી શું થયું? (ખ) આપણે લલચાઈ જઈએ ત્યારે શા માટે બીજાને દોષ આપી શકીએ નહિ? (ગ) ઈસુએ છેક મરણ સુધી યહોવાને વફાદાર રહીને શું સાબિત કર્યું?

      ૧૨ ઈસુએ શીખવેલી પ્રાર્થનાના શબ્દો ‘અમને પરીક્ષણમાં ન લાવો’ આપણને શું યાદ અપાવે છે? એને સમજવા વિચાર કરો કે ઈસુના બાપ્તિસ્માના થોડા જ સમય પછી શું બન્યું હતું. ઈશ્વરની શક્તિ ઈસુને વેરાન પ્રદેશમાં દોરી ગઈ, જેથી “ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય.” (માથ. ૪:૧; ૬:૧૩) યહોવાએ ઈસુનું પરીક્ષણ શા માટે થવા દીધું? આદમ અને હવાએ યહોવાના રાજનો નકાર કર્યો હતો. એનાથી ઊભા થયેલા સવાલનો જવાબ આપવા યહોવાએ ઈસુને ધરતી પર મોકલ્યા. આદમ-હવાના બંડથી ઊઠેલા પ્રશ્નોના જવાબ સાબિત કરવામાં સમય લાગે એમ હતું. જેમ કે, યહોવાએ જે રીતે મનુષ્યોને બનાવ્યા એમાં શું કોઈ ખોટ હતી? ‘દુષ્ટ શેતાનથી’ પરીક્ષણ થાય ત્યારે શું એક સંપૂર્ણ વ્યક્તિ યહોવાને વફાદાર રહી શકે? મનુષ્યો જાતે રાજ કરે એ શું તેઓ માટે વધારે સારું કહેવાશે? (ઉત. ૩:૪, ૫) એ બધા પ્રશ્નોના જવાબ, યહોવા પોતાને સંતોષ થાય એ રીતે ભાવિમાં આપશે. એ સમયે, સ્વર્ગ અને પૃથ્વી પર બધા જાણશે કે રાજ કરવાની યહોવાની રીત જ સૌથી સારી છે.

      ૧૩ યહોવા પવિત્ર છે. તેથી, તે કોઈને ખોટું કરવા લલચાવતા નથી. એવું કામ તો ‘પરીક્ષણ કરનાર’ એટલે કે શેતાન કરે છે. (માથ. ૪:૩) શેતાન આપણને ઘણી રીતોએ લલચાવે છે. પરંતુ, પસંદગી આપણા હાથમાં છે. લાલચમાં પડવું કે એનાથી દૂર રહેવું, એનો નિર્ણય આપણે કરવાનો છે. (યાકૂબ ૧:૧૩-૧૫ વાંચો.) શેતાને લાલચ આપી ત્યારે ઈસુએ તરત જ શાસ્ત્રવચનો ટાંકીને એ લાલચને નકારી. એમ કરીને ઈસુએ ઈશ્વર પ્રત્યે વફાદારી બતાવી. જોકે, શેતાને ત્યાં જ હાર માની નહિ. તે “ફરી તક મળે ત્યાં સુધી” રાહ જોતો રહ્યો. (લુક ૪:૧૩, NW) શેતાને ભલે કોઈ પણ ચાલ અજમાવી, ઈસુએ હંમેશાં યહોવાને જ વિશ્વના રાજા ગણીને તેમની આજ્ઞા માની. તેમણે સાબિત કર્યું કે, એક સંપૂર્ણ મનુષ્ય આકરી કસોટીમાં પણ યહોવાને વફાદાર રહી શકે છે. તેમ છતાં, ઈસુના પગલે ચાલનાર લોકોને શેતાન હજીયે ફસાવવાનો પ્રયત્ન કરતો રહે છે. તે ચાહે છે કે યહોવાને તમે વફાદાર ન રહો.

      ૧૪. લાલચનો સામનો કરવા આપણે શું કરવાની જરૂર છે?

      ૧૪ યહોવાના રાજ સામે ઊઠેલા પ્રશ્નોનો હજી જવાબ આપવાનો બાકી છે. તેથી, શેતાન તરફથી આવતાં પરીક્ષણોને યહોવા ચાલવાં દે છે. યહોવા આપણને ‘પરીક્ષણમાં લાવતા નથી.’ આપણે તેમને વફાદાર રહી શકીએ છીએ એવો યહોવાને પૂરો ભરોસો છે. એ માટે તે આપણને મદદ પણ કરવા માંગે છે. જોકે, તે આપણને ખરું કરવા માટે દબાણ કરતા નથી. તે આપણી મરજીને માન આપે છે. તેમને વફાદાર રહેવું કે નહિ એની પસંદગી તેમણે આપણા પર છોડી છે. આપણે લલચાઈ ન જવા બે બાબતો કરવાની જરૂર છે: યહોવાની નજીક રહીએ અને પ્રાર્થનામાં તેમની મદદ માંગતા રહીએ. લાલચોને નકારવા યહોવા કઈ રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે?

      જાહેરના પ્રચાર કામમાં એક માતાની સાથે તેમનો દીકરો

      યહોવાની નજીક રહો અને પ્રચાર કરવામાં ઉત્સાહી બનો (ફકરો ૧૫ જુઓ)

      ૧૫, ૧૬. (ક) આપણે કઈ લાલચો નકારવાની જરૂર છે? (ખ) આપણે લાલચમાં પડી જઈએ તો એમાં દોષ કોનો કહેવાશે?

      ૧૫ શેતાનની લાલચોનો સામનો કરવા યહોવા આપણને પવિત્ર શક્તિ આપે છે. જોખમોથી આપણને સાવધ કરવા તેમણે બાઇબલ અને મંડળ આપ્યાં છે. યહોવા આપણને ચેતવે છે કે આપણે સમય, પૈસા અને શક્તિ નકામી બાબતોમાં ન વેડફીએ. એસ્પેન અને જેન યુરોપના એક અમીર દેશમાં રહે છે. ત્યાં પ્રકાશકોની વધુ જરૂરવાળા વિસ્તારમાં તેઓ વર્ષોથી નિયમિત પાયોનિયર તરીકે સેવા આપતા હતાં. પરંતુ, પછી તેઓને બાળક થયું હોવાથી તેઓએ પાયોનિયરીંગ બંધ કરવું પડ્યું. હાલમાં તેઓને બે બાળકો છે. એસ્પેન જણાવે છે: ‘પહેલાં કરતાં હાલમાં અમે ઈશ્વરભક્તિનાં કામોમાં વધુ સમય આપી શકતાં નથી. તેથી, અમે અવારનવાર યહોવાને પ્રાર્થના કરીએ છીએ કે અમને લાલચોમાં પડવા ન દે. અમારી ભક્તિ અને પ્રચારનો ઉત્સાહ જાળવી રાખવા પણ અમે યહોવાની મદદ માંગીએ છીએ.’

      ૧૬ આપણે બીજી એક લાલચમાં પડી જવાથી પણ બચવાનું છે. એ છે પોર્નોગ્રાફી જોવાની લાલચ. જો આપણે એ લાલચમાં પડી જઈશું, તો દોષનો ટોપલો શેતાન પર નહિ નાંખી શકીએ. શા માટે? કારણ કે, શેતાનનું જગત આપણને ખોટું કામ કરવાનું દબાણ કરી શકતું નથી. કેટલીક વ્યક્તિઓ ખોટાં વિચારોને તરત દૂર કરતી નથી માટે પોર્નોગ્રાફીમાં ફસાય છે. જ્યારે કે, આપણાં હજારો ભાઈ-બહેનો એવી લાલચને નકારી શક્યાં છે. આપણે પણ એમ કરી શકીએ છીએ.—૧ કોરીં. ૧૦:૧૨, ૧૩.

      ‘એ દુષ્ટથી અમારો છૂટકો કરો’

      ૧૭. (ક) યહોવા ‘એ દુષ્ટથી આપણો છૂટકો કરે’ એવું આપણે ચાહતા હોઈએ તો શું કરવું જોઈએ? (ખ) આપણને કઈ રાહત બહુ જલદી મળવાની છે?

      ૧૭ યહોવા ‘એ દુષ્ટથી આપણો છૂટકો કરે’ એવું ચાહતા હોઈએ તો શું કરવું જોઈએ? આપણે શેતાનના ‘જગતનો ભાગ ન’ બનીએ. તેમજ ‘જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખીએ.’ (યોહા. ૧૫:૧૯; ૧ યોહા. ૨:૧૫-૧૭) યહોવા જ્યારે શેતાન અને તેના જગતનો કાયમ માટે નાશ કરશે, ત્યારે આપણને કેટલી રાહત મળશે! એમ થાય ત્યાં સુધી, આપણે કદી ન ભૂલીએ કે શેતાન “ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” આપણને યહોવાની ભક્તિ કરવાથી રોકવા શેતાન પોતાનાથી બનતું બધું જ કરશે. તેથી, આપણે યહોવાને પ્રાર્થના કરવી જ જોઈએ કે શેતાનથી તે આપણું રક્ષણ કરે.—પ્રકટી. ૧૨:૧૨, ૧૭.

      ૧૮. શેતાનની દુનિયાના અંતમાંથી બચવા આપણે શું કરવું જોઈએ?

      ૧૮ શેતાન વગરની દુનિયામાં શું તમે રહેવા ચાહતા નથી? તો કેમ નહિ કે ઈશ્વરનું રાજ્ય આવે, તેમનું નામ પવિત્ર મનાવાય અને પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી થાય, એ માટે પ્રાર્થના કરતા રહીએ! હંમેશાં યહોવા પર આધાર રાખીએ! તે તમારી સંભાળ રાખશે અને વફાદાર બની રહેવામાં જોઈતી બધી મદદ પૂરી પાડશે. ચાલો, ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવવા આપણાથી બનતું બધું જ કરીએ!

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો