વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ચારેબાજુ ચિંતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • મુખ્ય વિષય | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?

      ચારેબાજુ ચિંતા

      “હું દુકાનમાં ખોરાક ખરીદવા ગયો, પરંતુ મને ફક્ત બિસ્કિટ મળ્યા. અને એની કિંમત ૧૦,૦૦૦ ગણી વધારે હતી. બીજા દિવસે તો, એ દુકાનોમાં ખાવા માટે કશું જ ન હતું.”—પૉલ, ઝિમ્બાબ્વે.

      “એક દિવસે મારા પતિએ કહ્યું કે, હું તને છોડીને જાઉં છું. મને થયું કે, હું એ વિશ્વાસઘાતને કઈ રીતે સહન કરી શકીશ? મારાં બાળકોનું શું થશે?”—જેનેટ, યૂનાઇટેડ સ્ટેટ્‌સ.

      “સાઇરન વાગે કે તરત હું બચાવ માટે અહીં તહીં દોડતી. બૉમ્બ ફૂટવાનો અવાજ આવતા જ હું જમીન પર સૂઈ જતી. કલાકો પછી પણ, મારા હાથ ધ્રૂજતા.”—એલોન, ઇઝરાયલ.

      એક માણસ યુદ્ધ, ગરીબી, બીમારી અને જીવનની બીજી મુશ્કેલીઓને લીધે ચિંતામાં છે

      આજે આપણે બધા લોકો ‘સંકટના વખતોમાં’ જીવતા હોવાથી ચિંતાથી ઘેરાયેલા છીએ. (૨ તીમોથી ૩:૧) ઘણા લોકો પૈસાની તંગી, કુટુંબમાં ભાગલા, યુદ્ધ, જીવલેણ બીમારીઓ અને કુદરતી અથવા માનવસર્જિત આફતોનો સામનો કરે છે. એ ઓછું હોય તેમ, વ્યક્તિને પોતાની અને કુટુંબની પણ ચિંતા હોય છે. જેમ કે, ‘મારા શરીરમાં જે ગુમડું થયું છે, શું એ કૅન્સરનું છે?’ ‘મારાં બાળકો મોટાં થશે અને તેઓનાં બાળકો થશે ત્યારે, દુનિયાની હાલત કેવી હશે?’

      અમુક હદે ચિંતા થાય એ સ્વાભાવિક છે. આપણે જ્યારે કોઈ પરીક્ષા આપવા, લોકો સામે કંઈ રજૂ કરવા અથવા નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈએ, ત્યારે થોડી ઘણી ચિંતા થાય એ સામાન્ય છે. અમુક હદે જોખમનો ડર આપણને નુકસાનથી દૂર રહેવા મદદ કરે છે. પરંતુ, વધુ પડતી અથવા સતત ચિંતા કરતા રહેવામાં જોખમ રહેલું છે. હાલમાં જ ૬૮,૦૦૦ કરતાં વધુ લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો. એનાથી જાણવા મળ્યું કે, થોડી ચિંતા કરવાથી પણ અકાળે મોતનું જોખમ રહેલું છે. એ કારણથી ઈસુએ પૂછ્યું હતું: “શું ચિંતા કરવાથી તમારા આયુષ્યમાં એકાદ ક્ષણનોય વધારો થઈ શકે?” સાચે જ, ચિંતા કરવાથી કોઈનું જીવન વધતું નથી. તેથી, ઈસુએ આ સલાહ આપી: “ચિંતા ન કરો.” (માથ્થી ૬:૨૫, ૨૭, IBSI) પરંતુ, સવાલ થાય કે શું એ શક્ય છે?

      એનો જવાબ આપણને વ્યવહારુ પગલાં ભરવાથી, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી અને ભાવિની સુંદર આશા રાખવાથી મળે છે. બની શકે કે, આપણે હાલમાં ખરાબ સંજોગોનો સામનો કરતા ન હોઈએ. પરંતુ, ભાવિમાં કદાચ એનો સામનો કરવો પડે. તેથી, ચાલો જોઈએ કે એ ત્રણ પગલાં ભરવાથી પૉલ, જેનેટ અને એલોનને કઈ રીતે ચિંતાનો સામનો કરવા મદદ મળી. (w૧૫-E ૦૭/૦૧)

  • પૈસાની ચિંતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • મુખ્ય વિષય | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?

      પૈસાની ચિંતા

      પૉલ એક પતિ અને બે બાળકોના પિતા છે. તે જણાવે છે: “અમારા દેશમાં મહામંદી આવી પડી ત્યારે, ખોરાકની અછત થવા માંડી અને એનો ભાવ આસમાને ચડી ગયો. ખોરાક લેવા અમે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા. પરંતુ, અમારો વારો આવતો ત્યાં સુધીમાં ખાવાનું મોટા ભાગે ખતમ થઈ જતું. ખોરાકની અછતને લીધે લોકો સખત કમજોર થઈ ગયા હતા. તેમ જ, અમુક લોકો તો રસ્તાઓ પર ઢળી પડતા. જીવન જરૂરી વસ્તુઓના ભાવ તો લાખો અને કરોડોમાં થઈ ગયા હતા. આખરે, અહીંના પૈસાની કોઈ કિંમત રહી નહિ. વીમા, પેન્શન અને બૅન્કના મારા બધા પૈસા ડૂબી ગયા.”

      દુકાનમાં કોઈ ખોરાક બચ્યો ન હોવાથી, પૉલ વિચારે છે કે તે પોતાના કુટુંબનું કઈ રીતે ભરણપોષણ કરશે

      પૉલ

      પૉલ જાણતા હતા કે, આવા ખરાબ સંજોગોમાં કુટુંબનું ભરણપોષણ કરવા ‘વિવેકબુદ્ધિથી’ કામ લેવું પડશે. (નીતિવચનો ૩:૨૧) તે જણાવે છે: ‘હું ઇલેક્ટ્રિશન હતો. તેમ છતાં, મને બીજું કોઈ પણ કામ મળતું તો એ હું કરી લેતો. અને એ પણ સાવ ઓછા પૈસામાં. અમુક લોકો મને ખોરાક તો, અમુક ઘરની વસ્તુઓ આપતા. મને જો કોઈ ચાર સાબુ આપે, તો એમાંથી હું બે વાપરતો અને બે વેચી નાખતો. સમય જતાં, મને મરઘીનાં ૪૦ બચ્ચાં મળ્યાં. એ બચ્ચાં મોટા થયાં ત્યારે, મેં એને વેચી નાખ્યાં. અને પછી, મરઘીનાં બીજા ૩૦૦ બચ્ચાં લીધાં. એ મોટા થયાં પછી મેં ૫૦ મરઘીના બદલે ૧૦૦ કિલો મકાઈનો લોટ લીધો. એનાથી, હું લાંબા સમય સુધી મારા કુટુંબનું અને કેટલાક સગાંઓનું પૂરું પાડી શક્યો.’

      પૉલ એ પણ જાણતા હતા કે, ઈશ્વરમાં ભરોસો મૂકવો એ સૌથી મહત્ત્વનું પગલું છે. આપણે જ્યારે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ, ત્યારે તે આપણને મદદ કરે છે. જીવન જરૂરી વસ્તુઓ વિશે ઈસુએ આ સલાહ આપી હતી: ‘ચિંતા ન કરો. તમારા પિતા જાણે છે કે તમારે એ વસ્તુઓની જરૂર છે.’—લુક ૧૨:૨૯-૩૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

      ઈશ્વરનો વિરોધી શેતાન મોટા ભાગના લોકોને ઘણી વસ્તુઓ મેળવવા છેતરે છે. તે ચાહે છે કે લોકો એની પાછળ મંડ્યા રહે. તેથી, એને મેળવવા લોકો વધારે પડતી ચિંતા કરે છે. ખરું કે, એમાંની અમુક ખરેખર જરૂરી છે. જ્યારે કે, બીજી તો વ્યક્તિને લાગે છે કે જરૂરી છે. પણ, હકીકતમાં એટલી જરૂરી નથી. એ કારણે, ઘણા લોકો દેવું કરે છે. સમય જતાં તેઓ આ કડવું સત્ય શીખે છે: “ઉધાર લે છે તે આપનારનો દાસ બને છે.”—નીતિવચનો ૨૨:૭, NW.

      અમુક લોકો ખોટા નિર્ણય લે છે. પૉલ કહે છે: “ઘણા લોકો પોતાના કુટુંબને અને દોસ્તોને છોડીને નોકરીની શોધમાં પરદેશ ગયા. અમુક તો ગેરકાનૂની રીતે ગયા અને ત્યાં તેઓ પાસે નોકરી નથી. તેઓ અવારનવાર પોલીસથી ભાગતા ફરે છે. અરે, તેઓને રસ્તા પર સૂઈ જવું પડે છે. એવા લોકો ઈશ્વરની મદદ લેતા નથી. પરંતુ, અમે કુટુંબ તરીકે નિર્ણય કર્યો હતો કે, પૈસાની તકલીફનો સામનો કરવા ઈશ્વરની મદદ લઈશું.”

      ઈસુની સલાહ પાળીએ

      પૉલ જણાવે છે: “ઈસુએ કહ્યું હતું કે, ‘આવતી કાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દહાડાને માટે તે દહાડાનું દુઃખ બસ છે.’ તેથી, હું ઈશ્વરને રોજ આમ પ્રાર્થના કરતો: ‘દિવસની અમારી રોટલી આજ અમને આપ.’ ઈસુએ આપેલા વચન પ્રમાણે ઈશ્વરે અમને મદદ પણ કરી. ખરું કે, અમને દરેક વખતે મનગમતી વસ્તુઓ ન મળતી. જેમ કે, એક વાર હું ખોરાક લેવા માટે લાઈનમાં ઊભો રહ્યો. પરંતુ, ત્યાં શું વેચાતું હતું એ મને ખબર ન હતી. મારો વારો આવ્યો ત્યારે, ખબર પડી કે એ દહીં હતું. જોકે, મને દહીં ભાવતું નથી. પરંતુ, એ ખોરાક છે એમ સમજીને રાત્રે અમે ખાઈ લીધું. આવા ખરાબ સંજોગોમાં પણ મારું કુટુંબ ક્યારેય ભૂખ્યા પેટે સૂઈ નથી ગયું. એ માટે હું ઈશ્વરનો દિલથી આભાર માનું છું.”a

      ઈશ્વરે વચન આપ્યું છે: “હું તને કદી મૂકી દઈશ નહિ અને તને તજીશ પણ નહિ.”—હિબ્રૂ ૧૩:૫

      “હાલમાં પૈસે-ટકે અમારી પરિસ્થિતિ સારી છે. પરંતુ, અનુભવથી હું શીખ્યો કે, ઈશ્વર પર ભરોસો રાખવો એ જ ચિંતા દૂર કરવાની દવા છે. આપણે યહોવાનીb ઇચ્છા પ્રમાણે કરતા રહીશું તો, તે ચોક્કસ આપણને મદદ કરે છે. અમારા જીવનમાં ગીતશાસ્ત્ર ૩૪:૮ના આ શબ્દો સાચા પાડ્યા છે, જે કહે છે: ‘અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે, જે માણસ તેમના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે.’ એ ભરોસાના લીધે, ગમે એટલા ખરાબ સંજોગોનો સામનો કરતા પણ અમે ડરીશું નહિ.

      સાદું ભોજન લેતા પહેલાં એક વ્યક્તિ પોતાની પત્ની અને દીકરી સાથે પ્રાર્થના કરે છે

      પોતાના ભક્તોને ‘દિવસની રોટલી’ મેળવવા ઈશ્વર મદદ કરે છે

      “અમને સમજાયું કે, માણસનું જીવન ટકાવી રાખવા નોકરી કે પૈસા કરતાં ખોરાક વધારે જરૂરી છે. અમે ખરેખર એ સમયની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે, ઈશ્વર પોતાનું આ વચન પૂરું કરશે: ‘પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ અનાજ પાકશે.’ એ વચન પૂરું થાય ત્યાં સુધી ‘આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે એનાથી આપણે સંતોષી’ રહેવું જોઈએ. બાઇબલના આ શબ્દોથી અમને હિંમત મળી: ‘તમારો સ્વભાવ લોભી ન થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો; કેમ કે તેણે કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ અને તને તજીશ પણ નહિ. તો આપણે ખાતરીથી કહી શકીએ છીએ કે, પ્રભુ મને સહાય કરનાર છે; હું બીહિશ નહિ.’”c

      ‘ઈશ્વર સાથે ચાલવા’ ઘણી શ્રદ્ધા જોઈએ. પૉલ અને તેમનું કુટુંબ એવું જ કરી રહ્યા છે. (ઉત્પત્તિ ૬:૯) બની શકે કે, તમને હમણાં પૈસાની તંગી હશે અથવા કદાચ ભાવિમાં એનો સામનો કરવો પડે. તોપણ, પૉલે જે રીતે શ્રદ્ધા બતાવી અને વ્યવહારુ પગલાં ભર્યા એમાંથી આપણને ઘણું શીખવા મળે છે.

      પરંતુ, કુટુંબની તકલીફોને લીધે આપણને ચિંતા થતી હોય તો શું? (w૧૫-E ૦૭/૦૧)

      a માથ્થી ૬:૧૧, ૩૪ જુઓ.

      b બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.

      c ગીતશાસ્ત્ર ૭૨:૧૬; ૧ તીમોથી ૬:૮; હિબ્રૂ ૧૩:૫, ૬ જુઓ.

  • કુટુંબની ચિંતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • મુખ્ય વિષય | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?

      કુટુંબની ચિંતા

      જેનેટ જણાવે છે: ‘મારા પિતાના મૃત્યુ પછી, થોડા સમયમાં મારા પતિએ કહ્યું કે, હું બીજી સ્ત્રીને પસંદ કરું છું. એટલું કહ્યા પછી, તરત તેણે પોતાનો સામાન લીધો અને મને મૂકીને જતો રહ્યો. તે અમારાં બે બાળકોને મળવા પણ રોકાયો નહિ.’ ખરું કે, જેનેટને નોકરી તો મળી ગઈ. પરંતુ, ઘરની લોન ચૂકવવા એ પગાર પૂરતો ન હતો. એ ઉપરાંત, જેનેટને બીજી પણ ચિંતાઓ હતી. તે કહે છે કે, “હવે મારે એકલા હાથે બધી જ જવાબદારીઓ ઉપાડવાની હતી. એના લીધે હું ચિંતાના ભારથી દબાઈ ગઈ હતી. બીજાં માબાપની જેમ મારાં બાળકોની જરૂરિયાતો પૂરી નથી પાડી રહી, એ જોઈને મારું મન કચવાતું. મને હજી પણ એ ચિંતા છે કે, લોકો મારા અને મારાં બાળકો વિશે શું વિચારતા હશે. શું તેઓ એવું વિચારતા હશે કે, મેં લગ્‍નને બચાવવા કોઈ જ કોશિશ કરી નથી?”

      પોતાના કુટુંબને સહેવી પડેલી તકલીફો વિશે જેનેટ વિચારે છે

      જેનેટ

      પ્રાર્થના કરવાથી જેનેટને પોતાની લાગણીઓ કાબૂમાં રાખવા અને ઈશ્વર સાથે સંબંધ મજબૂત કરવા મદદ મળી. તે જણાવે છે: ‘રાતનો સમય મારા માટે બહુ જ અઘરો હતો. ઘરનું બધું કામકાજ પતાવ્યા પછી જ્યારે હું એકલી પડી જતી ત્યારે, ચિંતાનાં વાદળો મને ઘેરી લેતા. પ્રાર્થના કરવાથી અને બાઇબલ વાંચવાથી હું નિરાંતે ઊંઘી શકતી. મારી મનગમતી કલમ ફિલિપી ૪:૬, ૭ છે, જે જણાવે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર માનતા તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” મેં ઘણી રાતો પ્રાર્થના કરવામાં કાઢી છે અને ઈશ્વરની શાંતિનો અનુભવ કર્યો છે.’

      પહાડ પરના ભાષણમાં ઈસુએ ખાતરી આપતા કહ્યું કે, ઈશ્વર આપણી દરેક ચિંતાઓ જાણે છે. તેમણે કહ્યું: ‘તમને અગત્ય છે, તે તમારા માંગ્યા અગાઉ પિતા જાણે છે.’ (માથ્થી ૬:૮) તેથી, તમારે પ્રાર્થનામાં પિતા પાસે મદદ માંગવી જોઈએ. પ્રાર્થના દ્વારા તમે ‘ઈશ્વરની પાસે જઈ’ શકો છો. એમ કરવાથી ‘ઈશ્વર પણ તમારી પાસે આવશે.’—યાકૂબ ૪:૮.

      ખરું કે, પ્રાર્થનામાં પોતાની ચિંતાઓ જણાવવાથી મન હળવું થાય છે. ઉપરાંત, જે કોઈ ઈશ્વર પર ભરોસો કરે છે તેઓ માટે તે પગલાં પણ ભરે છે. કેમ કે, યહોવા ઈશ્વર “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) એ કારણે જ ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું હતું કે, ‘હંમેશાં પ્રાર્થના કરો’ અને નિરાશ થશો નહિ. (લુક ૧૮:૧) આપણે હંમેશાં ઈશ્વર પાસે માર્ગદર્શન અને મદદ માંગતા રહેવું જોઈએ. તેમ જ, પૂરી ખાતરી રાખવી જોઈએ કે, વિશ્વાસથી કરેલી પ્રાર્થના ઈશ્વર ચોક્કસ સાંભળશે. ઈશ્વર આપણને મદદ કરશે કે નહિ એવી ક્યારેય શંકા ન કરીએ. ‘નિયમિત પ્રાર્થના કરીને’ બતાવીએ છીએ કે, ઈશ્વરમાં આપણને પૂરો વિશ્વાસ છે.—૧ થેસ્સાલોનીકી ૫:૧૭.

      વિશ્વાસ રાખવાનો શું અર્થ થાય?

      વિશ્વાસ રાખવાનો અર્થ થાય કે,ઈશ્વરને એક વ્યક્તિ તરીકે ‘ઓળખવા.’ (યોહાન ૧૭:૩) ઈશ્વરને ઓળખવા બાઇબલ આપણને મદદ કરે છે. એમાંથી આપણે તેમના વિચારો પારખી શકીએ છીએ. તેમ જ, જાણવા મળે છે કે, તે આપણા પર પ્રેમાળ નજર રાખે છે અને મદદ કરવા ચાહે છે. જોકે, ઈશ્વર વિશેનું જ્ઞાન મેળવવું જ પૂરતું નથી. વિશ્વાસ રાખવામાં ઈશ્વર સાથે મિત્રતા કેળવવાનો પણ સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે, કોઈના પાકા દોસ્ત રાતોરાત બની જવાતું નથી. એવી જ રીતે, ઈશ્વર સાથે સંબંધ કેળવવા મહેનત કરવી પડે છે. ઈશ્વર વિશે વધારે શીખવાથી, તેમને ‘જે કામો ગમે છે’ એ કરવાથી અને તેમની મદદ મેળવવાથી સમય જતાં આપણો “વિશ્વાસ વધશે.” (૨ કોરીંથી ૧૦:૧૫; યોહાન ૮:૨૯) એવો વિશ્વાસ રાખવાથી જેનેટને ચિંતાઓનો સામનો કરવા મદદ મળી.

      જેનેટ જણાવે છે: ‘યહોવાએ મારા જીવનમાં ડગલેને પગલે મદદ કરી છે. એનો અનુભવ કરવાથી મારો વિશ્વાસ મજબૂત બન્યો છે. અમે ઘણી વાર એવા અન્યાયનો સામનો કર્યો જે સહેવા અશક્ય લાગતા. પરંતુ, વારંવાર પ્રાર્થના કરવાથી એ મુશ્કેલીમાંથી બહાર આવવા યહોવાએ એવો રસ્તો બતાવ્યો જેનો મેં સપનામાંયે વિચાર કર્યો ન હતો. હું ઈશ્વરનો આભાર માનું છું ત્યારે, મારા ધ્યાનમાં આવે છે કે તેમણે મારી માટે કેટલું બધું કર્યું છે. તેમણે હંમેશાં ખરા સમયે અમને મદદ કરી છે. ઉપરાંત, મંડળમાં એવાં ભાઈ-બહેનો મળ્યાં છે જેઓ મારા સાચા દોસ્તો છે. તેઓ કાયમ મારી પડખે ઊભા રહ્યાં છે અને મારાં બાળકો માટે સારો દાખલો બેસાડ્યો છે.’a

      એક માતા પોતાનાં બાળકો સાથે સમય પસાર કરે છે

      “હવે હું સમજી શકું છું કે, શા માટે યહોવાએ માલાખી ૨:૧૬માં જણાવ્યું છે કે: ‘હું છૂટાછેડાને ધિક્કારું છું.’ (કોમન લેંગ્વેજ) નિર્દોષ સાથી માટે એ કેટલો મોટો વિશ્વાસઘાત! મારો પતિ મને છોડીને ગયો એને વર્ષો વીત્યાં છે. તેમ છતાં, હજી પણ હું એકલતા અનુભવું છું. બીજા લોકોને મદદ કરવા હું કંઈ કરું છું ત્યારે, મને પોતાને જ મદદ મળે છે.” બાઇબલ સલાહ આપે છે કે, પોતાને એકલા પાડી ન દો. એ સલાહને લાગુ પાળવાથી હું પોતાની ચિંતાઓ ઓછી કરી શકી છું.b—નીતિવચનો ૧૮:૧.

      ઈશ્વર “અનાથનો પિતા, અને વિધવાઓનો ન્યાયાધીશ” છે.—ગીતશાસ્ત્ર ૬૮:૫

      જેનેટ કહે છે: ‘ઈશ્વર “અનાથનો પિતા, અને વિધવાઓનો ન્યાયાધીશ” છે. એ જાણવાથી મને ઘણો દિલાસો મળ્યો છે. (ગીતશાસ્ત્ર ૬૮:૫) મારા પતિએ જેમ દગો કર્યો, તેમ ઈશ્વર ક્યારેય નહિ કરે.’ જેનેટ સારી રીતે જાણે છે કે, ઈશ્વર ક્યારેય “દુષ્ટતાથી” કોઈનું પરીક્ષણ કરતા નથી. એના બદલે તે “સર્વને ઉદારતાથી” જ્ઞાન આપે છે. તેમ જ, ચિંતાઓનો સામનો કરવા “પરાક્રમની અધિકતા” પણ આપે છે.—યાકૂબ ૧:૫, ૧૩; ૨ કોરીંથી ૪:૭.

      હવે ચાલો જોઈએ કે, જીવન જોખમમાં હોવાથી થતી ચિંતાનો સામનો કરવા શું કરીશું. (w૧૫-E ૦૭/૦૧)

      a ૧ કોરીંથી ૧૦:૧૩; હિબ્રૂ ૪:૧૬ જુઓ.

      b ચિંતાઓનો બીજી કઈ રીતોએ સામનો કરવો એ વિશે વધુ જાણવા જુલાઈ ૨૦૧૫ અંગ્રેજી સજાગ બનો! અંકનો મુખ્ય વિષય જુઓ. એ તમે www.pr418.com વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો.

  • જીવનના જોખમની ચિંતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • મુખ્ય વિષય | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?

      જીવનના જોખમની ચિંતા

      એલોન જણાવે છે કે, “સાઇરનનો અવાજ સાંભળતા જ મારા દિલના ધબકારા વધી જતા. હું સંતાવા માટે તરત ભોંયરામાં દોડી જતી. પરંતુ, મને ત્યાં પણ ચિંતા થતી. હું ઘરની બહાર હોઉં અને સંતાવાની કોઈ જગ્યા ન મળે ત્યારે, મને વધારે ચિંતા થતી. એકવાર, હું જ્યારે રસ્તે ચાલતી હતી, ત્યારે અચાનક સાઇરન વાગ્યું અને હું રડવા માંડી અને મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. મને શાંત થતા કલાકો લાગ્યા અને એટલામાં જ સાઇરન પાછું વાગ્યું.”

      બૉમ્બ ફૂટવાના ડરથી એલોન ઘણી ચિંતામાં છે

      એલોન

      યુદ્ધ સિવાય બીજા ઘણાં જોખમો રહેલાં છે. દાખલા તરીકે, તમને અથવા તમારા પ્રિયજનને કોઈ જીવલેણ બીમારી થાય. એની જાણ થતા જ જાણે તમારા પગ નીચેની જમીન ખસી જાય. બીજા અમુક લોકોને ભાવિની ચિંતા કોરી ખાતી હોય શકે. તેઓ એવી ચિંતા કરે છે ‘શું અમારાં દીકરા-દીકરીઓને અને તેઓનાં બાળકોને યુદ્ધ અને ગુનાઓથી ભરેલી દુનિયામાં જીવવું પડશે? શું તેઓએ પ્રદૂષણ, વાતાવરણમાં બદલાવ અને રોગચાળા વચ્ચે જીવન ગુજારવું પડશે?’ આવી બધી ચિંતાઓનો કઈ રીતે સામનો કરી શકીએ?

      ખરું કે, જીવનમાં ખરાબ બાબતો બને છે. પરંતુ, ‘સંકટ જોઈને સમજુ માણસ સંતાઈ જાય છે.’ (નીતિવચનો ૨૭:૧૨) આપણે તંદુરસ્ત રહેવા પ્રયત્નો કરીએ છીએ. એવી જ રીતે, માનસિક અને લાગણીમય રીતે તંદુરસ્ત રહેવા પગલાં ભરી શકીએ. હિંસક મનોરંજન અને ન્યૂઝ રિપોર્ટમાં ક્રૂરતાથી ભરેલાં ચિત્રો જોવાથી આપણી પોતાની અને બાળકોની ચિંતા વધશે. એ પણ ખરું છે કે, હિંસક બાબતો ન જોવાથી આપણે હકીકતને નકારી શકતા નથી. ઈશ્વરે આપણને એવું મન આપ્યું છે જેથી, ખરાબ બાબતો પર નહિ પરંતુ, સારી બાબતો પર વિચાર કરી શકીએ. એ માટે ‘જે કંઈ સત્ય, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર’ છે, એનાથી પોતાના મનને ભરી દેવું જોઈએ. એમ કરીશું તો, ‘શાંતિના ઈશ્વર’ આપણને મનની શાંતિ આપશે.—ફિલિપી ૪:૮, ૯.

      પ્રાર્થનાનું મહત્ત્વ

      ચિંતાનો સામનો કરવા આપણને વિશ્વાસની જરૂર પડે છે. બાઇબલ આપણને અરજ કરે છે કે, “પ્રાર્થના કરવા હંમેશાં તૈયાર રહો.” (૧ પીતર ૪:૭, NW) આપણા ખરાબ સંજોગોમાં ટકી રહેવા ઈશ્વર પાસે મદદ, માર્ગદર્શન અને હિંમત માંગી શકીએ. તેમ જ, ખાતરી રાખી શકીએ કે, ‘આપણે માંગીએ એ સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે.’—૧ યોહાન ૫:૧૫.

      અવિ અને એલોન મદદ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે

      તેના પતિ અવિ સાથે

      બાઇબલ જણાવે છે: ‘આ જગતનો અધિકારી’ ઈશ્વર નહિ પણ, શેતાન છે અને “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (યોહાન ૧૨:૩૧; ૧ યોહાન ૫:૧૯) ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે, તેમણે કહ્યું: ‘દુષ્ટથી અમારો છૂટકારો કરો.’ (માથ્થી ૬:૧૩) અહીં ઈસુ કહેવા માંગતા હતા કે, શેતાન સાચે જ એક દુષ્ટ વ્યક્તિ છે. જોકે, પોતાના ભક્તોને છોડાવવાનું ઈશ્વર જાણે છે. એલોન કહે છે: સાઇરન વાગે ત્યારે, હું પોતાની લાગણીઓને કાબૂમાં રાખવા યહોવાને પ્રાર્થના કરું છું. મારા પ્રેમાળ પતિ મને ફોન કરતા અને મારી સાથે પ્રાર્થના કરતા. પ્રાર્થનાથી ખરેખર બહુ જ મદદ મળી છે. બાઇબલ જણાવે છે કે, ‘જેઓ તેમને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮.

      ભાવિની આશા

      પહાડ પરના ભાષણમાં ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું. એમાં તેમણે ‘ઈશ્વરનું રાજ્ય આવો’ એવું જણાવવા કહ્યું હતું. (માથ્થી ૬:૧૦) ઈશ્વરનું રાજ્ય દરેક પ્રકારની ચિંતા કાયમ માટે દૂર કરી દેશે. ‘શાંતિના સરદાર’ ઈસુ દ્વારા ઈશ્વર “પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી” દેશે. (યશાયા ૯:૬; ગીતશાસ્ત્ર ૪૬:૯) ‘ઈશ્વર ઘણી પ્રજાઓની વચ્ચે ન્યાય કરશે’ અને ‘પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ.’ તેમ જ, ‘કોઈ તેઓને બીવડાવશે નહિ.’ (મીખાહ ૪:૩, ૪) સુખી કુટુંબો પોતાનાં “ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.” (યશાયા ૬૫:૨૧) અને “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયા ૩૩:૨૪.

      ઘણી સાવચેતી રાખવા છતાં, આપણે “અણધાર્યા સંજોગોને” હર વખત ટાળી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે ખોટા સમયે અને ખોટી જગ્યાએ આવી જઈએ છીએ. (સભાશિક્ષક ૯:૧૧, NW) સદીઓથી યુદ્ધો, હિંસા અને બીમારીએ સારા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. શું આ નિર્દોષ લોકો પાસે કોઈ આશા છે?

      ઈશ્વર જ જાણે છે કે, કેટલા લોકોને ફરી જીવતા કરવામાં આવશે. ઈશ્વર એ લાખો લોકોને ભૂલી ગયા નથી અને તેમના નક્કી કરેલા દિવસે ‘જેઓ કબરમાં છે તેઓ સર્વ નીકળી આવશે.’ (યોહાન ૫:૨૮, ૨૯) સજીવન કરવા વિશે બાઇબલ ખાતરી આપે છે કે, ‘એ આશા આપણા માટે લંગર સરખી, સ્થિર અને અચળ છે.’ (હિબ્રૂ ૬:૧૯) અને ઈશ્વરે “તેને [ઈસુને] મૂએલાંમાંથી પાછો ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧.

      હાલ પૂરતું, ઈશ્વરને ખુશ કરતા લોકોને પણ ચિંતાઓનો સામનો કરવો પડશે. પરંતુ, યોગ્ય પગલાં ભરવાથી, પ્રાર્થનામાં ઈશ્વરની નજીક જવાથી અને બાઇબલમાં ભાવિ વિશે આપેલી શ્રદ્ધા મજબૂત કરવાથી ચિંતાઓનો સામનો કરી શકીએ છીએ. પૉલ, જેનેટ અને એલોનને એમ કરીને ચિંતાઓનો સામનો કરવા મદદ મળી છે. તેઓના કિસ્સામાં બન્યું તેમ, ‘ઈશ્વર, કે જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવા હર્ષ તથા શાંતિથી ભરપૂર કરશે.’—રોમનો ૧૫:૧૩. (w૧૫-E ૦૭/૦૧)

      શું ડૉક્ટરની મદદ લેવી જોઈએ?

      આ લેખમાં ચિંતાનો સામનો કરવા અમુક સૂચનો આપ્યાં છે. એ પ્રમાણે કરવા છતાં તમને રોજ ચિંતા સતાવતી હોય તો, સારું રહેશે કે તમે ડૉક્ટરની સલાહ લો. વ્યક્તિ જે મુશ્કેલીનો સામનો કરી રહી છે, એની ચિંતા હદબહાર થાય તો એ કોઈ ગંભીર તકલીફ કે બીમારી હોય શકે. ચિંતા અમુક વાર કોઈક બીમારીની નિશાની હોય છે. તેથી, ડૉક્ટર તમારી તપાસ કરશે. એ પછી, ડૉક્ટર તમને અમુક સારવાર લેવા જણાવશે.a

      a આ મૅગેઝિન જણાવતું નથી કે કેવો ઇલાજ કરવો જોઈએ. સારવાર લેવા વિશે યહોવાના ભક્તે કાળજી રાખવી જોઈએ, જેથી બાઇબલનો કોઈ સિદ્ધાંત ન તૂટે. “ચિંતાની બીમારીના દર્દીને કેવી રીતે મદદ કરવી?” જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૨નું સજાગ બનો! પણ જુઓ. એ તમે jw.org/gu વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો