વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • એક ભ્રષ્ટ પોલીસ અધિકારી પૈસાની લાંચ લઈ રહ્યા છે

      મુખ્ય વિષય | ભ્રષ્ટાચારથી મુક્ત એક સરકાર

      સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો

      સરકાર તરફથી મળેલી સત્તાનો પોતાના લાભ માટે દુરુપયોગ કરવો એટલે સરકારી ભ્રષ્ટાચાર. આવો ભ્રષ્ટાચાર સદીઓથી જોવા મળે છે. જેમ કે, બાઇબલમાં નિયમ હતો કે ન્યાયને લગતા કિસ્સાઓમાં પણ કોઈએ લાંચ ન લેવી. એ બતાવે છે કે ૩,૫૦૦ વર્ષ પહેલાં પણ ભ્રષ્ટાચાર હતો. (નિર્ગમન ૨૩:૮) જોકે, ભ્રષ્ટાચારમાં લાંચ લેવા ઉપરાંત બીજી બાબતોનો પણ સમાવેશ થાય છે. ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ અમુક વાર સરકારી વસ્તુઓની ચોરી કરે છે. તેમ જ, એવી સરકારી સેવાનો ફાયદો ઉઠાવે છે જેના તેઓ હકદાર નથી. અથવા સરકારી પૈસાની ચોરી કરે છે. તેઓ પોતાનાં મિત્રો અને સગાં-વહાલાઓ માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે.

      ભ્રષ્ટાચાર કોઈ પણ સંસ્થામાં હોય શકે છે. પણ, સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર પુષ્કળ જોવા મળે છે. ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલ સંસ્થાનું ૨૦૧૩નું મૅગેઝિન ગ્લોબલ કરપ્શન બેરોમીટર આમ અહેવાલ આપે છે: ‘દુનિયાભરના લોકોનું માનવું છે કે રાજકીય પક્ષો, પોલીસ વિભાગ, સરકારી કર્મચારીઓ, ધારાસભા અને ન્યાયસભા એવાં પાંચ ક્ષેત્રો છે જે સૌથી ભ્રષ્ટ છે.’ એ વિશેના અમુક અહેવાલો પર નજર નાખીએ.

      • આફ્રિકા: ૨૦૧૩માં દક્ષિણ આફ્રિકામાં ૨૨,૦૦૦ જેટલા સરકારી કર્મચારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

      • દક્ષિણ અમેરિકા: ૨૦૧૨માં બ્રાઝિલમાં ૨૫ લોકોને સજા કરવામાં આવી હતી. કારણ કે, તેઓએ રાજકીય ટેકો મેળવવા સરકારી પૈસાનો ઉપયોગ કર્યો હતો. એમાં અગાઉના વડાપ્રધાનના સ્ટાફના ઉપરીનો પણ સમાવેશ થતો હતો. તે દેશનો બીજા નંબરનો શક્તિશાળી વ્યક્તિ હતો.

      • એશિયા: ૧૯૯૫માં દક્ષિણ કોરિયાના સેઉલ શહેરમાં એક મોટી દુકાન પડી ભાંગી. એમાં ૫૦૨ લોકો મરણ પામ્યા. એની તપાસ કરવાથી જાણવા મળ્યું કે, એના કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષાનો માલ-સામાન વાપર્યો હતો અને સલામતીને લગતા નિયમો તોડ્યા હતા. એ માટે તેઓએ એ શહેરના અધિકારીઓને લાંચ આપી હતી.

      • યુરોપ: યુરોપિયન કમિશન હોમ અફૅર્સના કમિશનર સેસીલ્યા માલ્મસ્ટ્રોમ પ્રમાણે ‘યુરોપમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ જોઈને નવાઈ લાગે. પણ, ભ્રષ્ટાચારને જડમૂળથી કાઢી નાખવા રાજકીય પક્ષોએ કોઈ પગલાં ભર્યા નથી.’

      સરકારી ભ્રષ્ટાચારના મૂળ ખૂબ ઊંડે સુધી ઊતરેલા છે. પ્રોફેસર સુઝન રોઝએકરમેન ભ્રષ્ટાચાર દૂર કરવા વિશે આમ જણાવે છે: “સરકારી સંસ્થાઓની કામ કરવાની રીતમાં જડમૂળથી ફેરફારો કરવા પડશે.” જોકે, આમ થવું અશક્ય લાગે. પરંતુ, બાઇબલ ખાતરી આપે છે કે, આનાથી પણ મોટા ફેરફારો ચોક્કસ થશે. (w૧૫-E ૦૧/૦૧)

  • ઈશ્વરની સરકારમાં ભ્રષ્ટાચાર નહિ હોય
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • શેતાને જગતનાં સઘળાં રાજ્ય આપવાની ઈસુને લાંચ આપી પણ, ઈસુએ એને નકારી હતી

      મુખ્ય વિષય | ભ્રષ્ટાચારથી મુક્ત એક સરકાર

      ઈશ્વરની સરકારમાં ભ્રષ્ટાચાર નહિ હોય

      સરકારી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો કેમ અશક્ય છે એ સમજાવતા નિકારાગુઆના મુખ્ય ઑડિટરે આમ કહ્યું: “દરેક સરકારી અધિકારી પહેલા એક નાગરિક છે અને જો નાગરિકો ભ્રષ્ટ હશે, તો સરકારી અધિકારીઓ પણ ભ્રષ્ટ હશે.”

      સમાજ ભ્રષ્ટ હશે તો સરકાર પણ ભ્રષ્ટ બનશે. કારણ કે, સરકાર પણ સમાજનો ભાગ છે. એ વાત સાથે તમે પણ સહમત થશો. એમ હોય તો, ભ્રષ્ટાચારથી મુક્ત સરકાર આ સમાજમાંથી ન હોઈ શકે. એટલે, બાઇબલ એવી સરકાર વિશે જણાવે છે જે આ સમાજનો ભાગ નથી. એ સરકાર છે ઈશ્વરનું રાજ્ય, જેના વિશે ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું.—માથ્થી ૬:૯, ૧૦.

      ઈશ્વરનું રાજ્ય એક સરકાર છે જે સ્વર્ગમાંથી રાજ કરશે. એ માણસોની સરકારોને કાઢી નાંખશે. (ગીતશાસ્ત્ર ૨:૮, ૯; પ્રકટીકરણ ૧૬:૧૪; ૧૯:૧૯-૨૧) એ રાજ્ય માણસો માટે ઘણા આશીર્વાદો લાવશે. એક આશીર્વાદ છે કે, એ સરકારી ભ્રષ્ટાચારને નાબૂદ કરશે. ચાલો, આપણે છ મુદ્દા જોઈએ જેની ખાતરી ઈશ્વરનું રાજ્ય આપે છે.

      ૧. સત્તા

      મુશ્કેલી: માણસોની સરકાર નાગરિકોના પૈસાથી ચાલે છે. એ પૈસા કરવેરામાંથી મળે છે. એ પૈસા જોઈને અમુક અધિકારીઓ ચોરી કરવા લલચાય છે. બીજા અમુક અધિકારીઓ લાંચ લે છે. તેઓ એવા લોકો પાસેથી લાંચ લે છે જેઓને ટૅક્સ ઓછો ભરવો છે અથવા સરકારને ચૂકવવાના પૈસા ઓછા આપવા છે. તેથી, સરકારને નુકસાન થાય છે. એને પહોંચી વળવા સરકાર ટૅક્સ વધારે છે. ફરી લોકો એમાંથી બચવા ભ્રષ્ટાચાર કરે છે. આમ, ભ્રષ્ટાચાર વધે છે અને આ ચક્ર ચાલ્યા જ કરે છે. આવા સંજોગોમાં, ઈમાનદાર માણસોને વધારે સહન કરવું પડે છે.

      ઉપાય: સર્વશક્તિમાન ઈશ્વર યહોવા પોતાની સરકારને સત્તા આપે છે.a (પ્રકટીકરણ ૧૧:૧૫) તેથી, એ સરકારે કામ કરવાં કોઈ ટૅક્સ ઉઘરાવવાની જરૂર નથી. એને બદલે, ઈશ્વરની “મહાન શક્તિ” અને તેમની ઉદારતાથી ખાતરી મળે છે કે, એ સરકાર પોતાની પ્રજાની દરેક જરૂરિયાતો પૂરી કરશે.—યશાયા ૪૦:૨૬, IBSI; ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.

      ૨. શાસક

      મુશ્કેલી: અગાઉના લેખમાં જણાવેલા પ્રોફેસર સુઝન રોઝએકરમેન કહે છે કે, ભ્રષ્ટાચારને નાબૂદ કરવા “ઉપરથી શરૂઆત કરવી” પડે. પોલીસ અને કસ્ટમ અધિકારીઓમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો સરકાર પ્રયત્ન કરે છે. પણ, ઉચ્ચ અધિકારીઓનો ભ્રષ્ટાચાર ચલાવી લે છે. તેથી, સરકાર પરથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. ઉપરાંત, કોઈ નેતા ભલેને પ્રમાણિક હોય, આખરે તો તે માણસ જ છે. માણસ માત્ર ભૂલને પાત્ર. બાઇબલ પણ જણાવે છે કે, “જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.”—સભાશિક્ષક ૭:૨૦.

      દુનિયાની સૌથી મોટી લાંચ ઈસુએ નકારી હતી

      ઉપાય: ઈશ્વરે પોતાના રાજ્યના રાજા તરીકે ઈસુ ખ્રિસ્તને પસંદ કર્યા છે. તે માણસો જેવા નથી કે ખોટું કરવા લલચાય. આ જગતના શાસક શેતાને “જગતનાં સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા” આપવાની ઈસુને લાંચ આપી. એ માટે ઈસુએ ફક્ત એક વખત તેના પગે પડીને ભજન કરવાનું હતું. પરંતુ, તેમણે એમ કરવાની ના પાડી અને દુનિયાની સૌથી મોટી લાંચ નકારી દીધી. (માથ્થી ૪:૮-૧૦; યોહાન ૧૪:૩૦) અરે, ઈસુએ મરવાની અણીએ પણ મક્કમ વફાદારી બતાવી હતી. તેમણે કડવો રસ ભેળવેલો દ્રાક્ષારસ પીવાની ના પાડી. એ પીવાથી તેમનું દર્દ તો ઓછું થઈ જાત પણ, કદાચ તેમને ઘેન ચઢ્યું હોત અને તે સારી રીતે વિચારી શક્યા ન હોત. (માથ્થી ૨૭:૩૪) ઈશ્વરે તેમને સ્વર્ગમાં સજીવન કર્યા. આમ, તેમણે પુરવાર કર્યું કે તે રાજ કરવાને યોગ્ય છે.—ફિલિપી ૨:૮-૧૧.

      ૩. રાજકીય સ્થિરતા

      મુશ્કેલી: ઘણા દેશોમાં નિયમિત રીતે ચૂંટણી યોજવામાં આવે છે, જેથી લોકો ભ્રષ્ટ નેતાઓને દૂર કરી શકે. પરંતુ, ચૂંટણી અને ચૂંટણી પ્રચારમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અરે, વિકસિત દેશોમાં પણ એવું થાય છે. ચૂંટણી પ્રચાર અને બીજા કાર્ય માટે ફાળો આપીને પૈસાદાર લોકો અત્યારના અને ભાવિમાં થનાર નેતાઓને પોતાના દાબમાં રાખે છે.

      અમેરિકાના સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જોન પોલ સ્ટીવન આમ જણાવે છે: ‘પૈસાદાર લોકોના દબાણને કારણે સરકાર સારી રીતે કામ કરી શકતી નથી અને લોકોનો સરકાર પરથી ભરોસો ઊઠી જાય છે.’ તેથી, દુનિયા ફરતે લોકોનું માનવું છે કે બીજાં ક્ષેત્રો કરતાં રાજકીય પક્ષોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે.

      ઉપાય: ઈશ્વરની સરકાર કાયમ માટે ટકશે. એમાં ચૂંટણી કે ચૂંટણી પ્રચારમાં ભ્રષ્ટાચાર થશે નહિ. (દાનીયેલ ૭:૧૩, ૧૪) કેમ કે, ઈશ્વરે એના રાજા પસંદ કર્યા હોવાથી ભ્રષ્ટાચાર થવાની શક્યતા જ નથી. એ રાજ્ય કાયમ માટે ટકવાનું હોવાથી લોકોનું હંમેશાં ભલું કરશે.

      ૪. નિયમો

      ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં રાજ્યાસન પર બેઠા છે અને પૃથ્વી રાજ કરી રહ્યા છે

      ઈશ્વરનું રાજ્ય એક સરકાર છે, જે સ્વર્ગમાંથી રાજ કરશે

      મુશ્કેલી: તમને કદાચ લાગે કે નવા નિયમો બનાવવાથી બાબતો સુધરશે. જોકે, નિષ્ણાતોને જોવા મળ્યું છે કે, મોટા ભાગના કિસ્સાઓમાં નિયમો વધારવાથી ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયમો બનાવવા ઘણી મહેનત કરવામાં આવે છે પણ કંઈ હાંસલ થતું નથી.

      ઉપાય: ઈશ્વરની સરકારના નિયમો માણસોની સરકારના નિયમો કરતાં ઘણા સારા છે. દાખલા તરીકે, શું કરવું કે ન કરવું એનું લીસ્ટ આપવાને બદલે ઈસુએ આ સોનેરી નિયમ આપ્યો: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માથ્થી ૭:૧૨) આમ, ઈશ્વરની સરકારના નિયમો કાર્ય અને વલણ બંને પર ભાર મૂકે છે. ઈસુએ કહ્યું કે, “બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માથ્થી ૨૨:૩૯) જોકે, ઈશ્વર હૃદયને પારખનાર હોવાથી તે જ આવા નિયમો ઘડી શકે છે.—૧ શમૂએલ ૧૬:૭.

      ૫. વલણ

      મુશ્કેલી: ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ લોભ અને સ્વાર્થી ઇચ્છા છે. આવું ખરાબ વલણ સરકારી અધિકારીઓ અને નાગરિકોમાં ઘણી વાર જોવા મળે છે. અગાઉના લેખમાં જોયું તેમ, સેઉલ શહેરમાં એક મોટી દુકાન પડી ભાંગી. કેમ કે, ત્યાંના કોન્ટ્રાક્ટરોએ સારો માલસામાન વાપરવાને બદલે સરકારી અધિકારીઓને લાંચ આપી. કોન્ટ્રાક્ટરો જાણતા હતા કે લાંચ આપવી સસ્તી પડશે.

      ભ્રષ્ટાચારને દૂર કરવા જરૂરી છે કે, લોભ અને સ્વાર્થી ઇચ્છાને જડમૂળથી કઈ રીતે કાઢી નાખવું એ લોકોને શીખવવામાં આવે. જોકે, એ માટે માણસોની સરકારમાં એવી ઇચ્છા અને ક્ષમતા નથી.

      ઉપાય: ઈશ્વરનું રાજ્ય ભ્રષ્ટાચાર કાઢી નાખવાં લોકોને શીખવે છે કે, કઈ રીતે ખોટાં વલણને જડમૂળથી દૂર કરી શકાય.b આ શિક્ષણ તેઓને “વલણો અને વિચારોમાં સતત” નવા થવા મદદ કરે છે. (એફેસી ૪:૨૩, IBSI) તેઓ લોભ અને સ્વાર્થ બતાવવાને બદલે સંતોષ રાખવાનું અને બીજાઓનું ભલુ કરવાનું શીખે છે.—ફિલિપી ૨:૪; ૧ તીમોથી ૬:૬.

      ૬. પ્રજા

      મુશ્કેલી: સારા સંજોગો અને સારું શિક્ષણ હોવાં છતાં અમુક લોકો બેઇમાન અને ભ્રષ્ટ બને છે. નિષ્ણાતો કબૂલે છે કે, એના લીધે માણસોની સરકાર ભ્રષ્ટાચારને દૂર કરી શકતી નથી. તેઓ કદાચ ભ્રષ્ટાચાર અને એની ખરાબ અસરોને ઓછી કરી શકે.

      ઉપાય: યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન જણાવે છે કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા સરકારે “વફાદારી, પ્રમાણિકતા અને જવાબદારી” જેવા ગુણો વિકસાવવા ઉત્તેજન આપવું જોઈએ. આ એક સારો ધ્યેય છે. જોકે, ઈશ્વરની સરકાર પોતાની પ્રજાને આવા ગુણો વિકસાવવા ફક્ત ઉત્તેજન નથી આપતી પણ તેમના માટે એ ફરજિયાત છે. બાઇબલ જણાવે છે કે, “લોભીઓ” અને “જૂઠાઓ”ને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.—૧ કોરીંથી ૬:૯-૧૧; પ્રકટીકરણ ૨૧:૮.

      પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ લોકો ઉચ્ચ સિદ્ધાંતો પ્રમાણે ચાલવાનું શીખી શકે. દાખલા તરીકે, સીમોન નામના શિષ્યે પ્રેરિતો પાસેથી પવિત્ર શક્તિ ખરીદવાની કોશિશ કરી. પ્રેરિતોએ લાંચ લેવાની ના પાડી અને કહ્યું: “તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર.” સીમોને જોયું કે પોતાની ખોટી ઇચ્છાના ખરાબ પરિણામ આવશે ત્યારે, એ દૂર કરવા પ્રેરિતોને પ્રાર્થના કરવાનું કહ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૮-૨૪.

      ઈશ્વરના રાજ્યની પ્રજા બનવા શું કરવું જોઈએ?

      ભલે તમે કોઈ પણ દેશના હો, ઈશ્વરના રાજ્યની પ્રજા બનવાની તમારી પાસે તક છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) એ સરકાર આજે દુનિયા ફરતે શિક્ષણ આપી રહી છે. યહોવાના સાક્ષીઓ ખુશીથી તમારા ઘરે આવીને ફ્રીમાં બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવશે એ બતાવશે. એ માટે તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી દસ મિનિટ આપી શકો. તમે ઘણી બાબતોની સાથે સાથે ‘ઈશ્વરના રાજ્યની ખુશખબર’ વિશે વધુ જાણી શકશો. (લુક ૪:૪૩) તેમ જ, એ કઈ રીતે સરકારી ભ્રષ્ટાચાર દૂર કરશે એ પણ જાણી શકશો. તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરો અથવા અમારી વેબ સાઇટ jw.org પર જાઓ. (w૧૫-E ૦૧/૦૧)

      બાઇબલ અભ્યાસ ચાલી રહ્યો છે

      શું તમે ફ્રીમાં બાઇબલમાંથી શીખવા માંગો છો?

      a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.

      b દાખલા તરીકે, નવેમ્બર ૧, ૨૦૧૨ ચોકીબુરજનો “શું આ ભ્રષ્ટ દુનિયામાં પ્રમાણિક બનવું શક્ય છે?” લેખ જુઓ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો