શું તમે તમારી કલ્પનાશક્તિ યોગ્ય રીતે વાપરો છો?
એનું વજન આશરે ૧.૪ કિલોગ્રામ છે, છતાં માનવામાં આવે છે કે, “આપણા વિશ્વમાં મળી આવેલી બાબતોમાં એ સૌથી જટિલ છે.” એ છે માનવ મગજ. એ સાચે જ અજોડ છે. એના વિશે જેમ વધારે શીખીએ, તેમ યહોવાનાં “આશ્ચર્યકારક” કામો માટે કદર વધતી જશે. (ગીત. ૧૩૯:૧૪) ચાલો, આપણા મગજની એક જ આવડતનો વિચાર કરીએ—કલ્પનાશક્તિ.
કલ્પનાશક્તિ એટલે શું? એક શબ્દકોશ પ્રમાણે, “નવી અને મજા આવે એવી વાતો વિશે અથવા કદી અનુભવ ન કર્યો હોય એવી બાબતો વિશે મનમાં ચિત્ર ખડું કરવાની કે વિચારો ઘડવાની તમારી આવડત.” આ વ્યાખ્યા ધ્યાનમાં રાખતા, શું તમે સહમત નહિ થાઓ કે આપણે આપણી કલ્પનાશક્તિ નિયમિત રીતે વાપરીએ છીએ? દાખલા તરીકે, શું તમે કદી એવી જગ્યા વિશે વાંચ્યું કે સાંભળ્યું છે, જ્યાં તમે ગયા નથી? શું એ તમને એની કલ્પના કરતા રોકે છે? હકીકતમાં, જ્યારે આપણે એવી કોઈ બાબત વિશે વિચારીએ જેને આપણે જોઈ, સાંભળી, ચાખી, અડકી કે સૂંઘી શકતા નથી, ત્યારે આપણી કલ્પનાના ઘોડા દોડવા લાગે છે.
બાઇબલ આપણને એ સમજવા મદદ કરે છે કે આપણામાં ઈશ્વર જેવા ગુણો મૂકવામાં આવ્યા છે. (ઉત. ૧:૨૬, ૨૭) શું એ બતાવતું નથી કે અમુક રીતે યહોવા પણ પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરે છે? યહોવાએ આપણામાં એ આવડત મૂકી હોવાથી, તે ચાહે છે કે આપણે તેમની ઇચ્છાઓ સમજવામાં એને વાપરીએ. (સભા. ૩:૧૧) એમ કરવા આપણે આપણી કલ્પનાશક્તિનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને એનો અયોગ્ય ઉપયોગ કઈ રીતે ટાળી શકીએ?
કલ્પનાશક્તિનો અયોગ્ય ઉપયોગ
(૧) ખોટા સમયે અને ખોટી બાબતો વિશે ધોળે દહાડે સપનાં જોવા.
સપનાં જોવામાં કંઈ ખોટું નથી. હકીકતમાં, પુરાવો છે કે સપનાં જોવાથી ફાયદો થઈ શકે છે. જોકે, સભાશિક્ષક ૩:૧ આપણને એ જોવા મદદ કરે છે કે, ‘દરેક બાબતને માટે સમય હોય છે.’ શક્ય છે કે આપણે કોઈ કામો ખોટા સમયે કરવા લાગીએ. દાખલા તરીકે, જો મંડળની સભાઓ કે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ વખતે આપણે બેધ્યાન બની જઈએ, તો શું આપણી કલ્પનાઓ મદદ કરે છે કે નડતર બને છે? ઈસુએ ચેતવણી આપી હતી કે, ગંદા વિચારોને મનમાં ઘર કરવા ન દઈએ, જેમ કે, જાતીયતાને લગતાં સપનાંમાં રાચવું. (માથ. ૫:૨૮) આપણી અમુક કલ્પનાઓથી યહોવાને ખૂબ દુઃખ પહોંચી શકે. જાતીયતાને લગતાં સપનાં જોવા કદાચ જાતીય સંબંધ બાંધવા તરફ લઈ જતું પહેલું પગથિયું બની શકે. પાકો નિર્ણય કરો કે તમારી કલ્પનાઓ તમને યહોવાથી દૂર લઈ ન જાય!
(૨) માની લેવું કે ધનદોલત સાચી સલામતી આપશે.
માલમિલકત જરૂરી અને ઉપયોગી છે. પણ, જો આપણે એવું વિચારીશું કે એનાથી જ સાચી સલામતી અને સુખ-શાંતિ મળે છે, તો જરૂર આપણે નિરાશ થઈશું. બુદ્ધિશાળી રાજા સુલેમાને લખ્યું: “દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે, તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.” (નીતિ. ૧૮:૧૧) યાદ કરો કે સપ્ટેમ્બર ૨૦૦૯માં ફિલિપાઇન્સના મનીલા શહેરમાં શું બન્યું. ધોધમાર વરસાદને કારણે એ શહેરના ૮૦ ટકા કરતાં વધારે વિસ્તારમાં પૂર આવ્યું. શું પુષ્કળ ધનદોલતવાળા બચી ગયા? એમાં ઘણું ગુમાવનાર એક અમીર માણસે કહ્યું: ‘એ પૂરથી બધા લોકોને એક સરખી અસર થઈ. અમીર હોય કે ગરીબ બધા પર દુઃખ-તકલીફો આવી.’ એમ માની લેવું સહેલું છે કે ધનદોલત ખરું રક્ષણ અને સલામતી આપે છે. પણ, ધનદોલત એમ કરી શકતી નથી.
(૩) જે કદી બનવાનું ન હોય, એની ખોટી ચિંતા કરવી.
ઈસુએ સલાહ આપી કે આપણે વધારે પડતી “ચિંતા” ન કરીએ. (માથ. ૬:૩૪) જે વ્યક્તિ વધારે પડતી ચિંતાઓ કરે છે, તેનું મન વિચારોમાં ડૂબેલું રહે છે. આમ, તેની ઘણી શક્તિ વેડફાઈ જાય છે. અને એ પણ, એવી કાલ્પનિક મુશ્કેલીઓ પાછળ જે હજુ આવી નથી કે કદાચ આવવાની પણ નથી. શાસ્ત્ર જણાવે છે કે એવી ચિંતાઓ નિરાશા અને ડિપ્રેશન તરફ લઈ જઈ શકે. (નીતિ. ૧૨:૨૫) એ બહુ મહત્ત્વનું છે કે ઈસુએ આપેલી સલાહ લાગુ પાડીને વધારે પડતી ચિંતાઓ ન કરીએ અને રોજની ચિંતાઓ આવે તેમ એનો ઉકેલ લાવીએ.
કલ્પનાશક્તિનો યોગ્ય ઉપયોગ
(૧) પહેલેથી જોખમો પારખવાં અને એનાથી બચવું.
શાસ્ત્ર ઉત્તેજન આપે છે કે આપણે સમજુ બનીએ અને પહેલેથી વિચાર કરીએ. (નીતિ. ૨૨:૩) આપણે નિર્ણય લઈએ એ પહેલાં એનાં કેવાં પરિણામો આવશે એની કલ્પના કરી શકીએ છીએ. દાખલા તરીકે, જો તમને કોઈ પ્રસંગનું આમંત્રણ મળ્યું હોય, તો એમાં જવું કે નહિ એ નક્કી કરવા કઈ રીતે પોતાની કલ્પનાશક્તિ વાપરી શકો? પહેલા તો વિચારો કે કોને બોલાવવામાં આવ્યા છે, કેટલા લોકો આવશે, એ પ્રસંગ ક્યારે અને કઈ જગ્યાએ છે. પછી, વિચારો કે ત્યાં શું થશે? કલ્પના કરો કે શું ત્યાં બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે ઉત્તેજન આપનારી સંગત હશે? આવો વિચાર કરવાથી તમે મનમાં પ્રસંગના બનાવો ભજવી શકો છો. સારા નિર્ણય લેવા કલ્પનાશક્તિ વાપરીને તમે ભક્તિને નુકસાન પહોંચાડતા સંજોગોથી બચી શકશો.
(૨) મનમાં વિચારવું કે મુશ્કેલીઓનો ઉકેલ કઈ રીતે લાવવો.
કલ્પનાશક્તિમાં “મુશ્કેલીઓનો સામનો કરવાની અને એનો ઉકેલ લાવવાની આવડત” પણ સમાયેલી છે. ધારો કે મંડળમાં કોઈની સાથે તમારે ગેરસમજ થઈ છે. એ ભાઈ કે બહેન સાથે ફરીથી શાંતિ સ્થાપવા તમે કેવાં પગલાં ભરશો? એમાં ઘણાં પાસાંનો વિચાર કરવો પડે. તેમને કઈ રીતે વાતચીત કરવાનું ગમે છે? ગેરસમજ વિશે વાત કરવાનો સૌથી સારો સમય કયો હશે? કેવા શબ્દો અને કેવી લાગણીથી વાત કરવી સૌથી સારું રહેશે? આવા સંજોગોમાં શું કરવું, એની કલ્પના કરીને તમે અલગ અલગ રીતો વિચારી શકશો અને સૌથી સારા પરિણામ મળે એવી એક રીત પસંદ કરી શકશો. (નીતિ. ૧૫:૨૮) આવા મુશ્કેલ સંજોગોનો ઉકેલ લાવવા કલ્પના કરવાથી મંડળની શાંતિ વધશે. સાચે જ, આ કલ્પનાશક્તિનો સારો ઉપયોગ છે.
(૩) તમારા બાઇબલ વાંચન અને અભ્યાસને મજેદાર બનાવો.
રોજ બાઇબલ વાંચવું જરૂરી છે. પણ, ફક્ત એની માહિતી વાંચી જવી જ પૂરતી નથી. એમાંથી મળતા બોધપાઠ સમજવા મહત્ત્વના છે અને એને હોંશથી જીવનમાં લાગુ પાડવા જરૂરી છે. બાઇબલ વાંચનથી યહોવાના માર્ગો માટેની આપણી કદર હજુ વધવી જોઈએ. આપણી કલ્પનાશક્તિ એમ કરવા મદદ કરી શકે છે. કઈ રીતે? ઇમિટેટ ધેર ફેઇથ પુસ્તકનો વિચાર કરો. એ પુસ્તકમાંના અહેવાલો વાંચવાથી જાણે આપણી કલ્પનાશક્તિને પાંખો મળી જાય છે. એના લીધે આપણે કલ્પના કરી શકીએ છીએ કે બાઇબલના દરેક પાત્રના સંજોગો કેવા હતા અને તેમની પરિસ્થિતિ કેવી હતી. પરિણામે, આપણને બનાવો જોવા, અવાજો સાંભળવા, ખુશબૂ લેવા અને પાત્રોની લાગણી મહેસૂસ કરવા મદદ મળે છે. ભલે લાગે કે એ બાઇબલ અહેવાલો આપણે ઘણી સારી રીતે જાણીએ છીએ, છતાં એમાંથી જોરદાર બોધપાઠ અને ઉત્તેજન આપતા વિચારો શીખવા મળે છે. પોતાના બાઇબલ વાંચન અને અભ્યાસમાં આ રીતે કલ્પનાશક્તિ વાપરવાથી, એને મજેદાર બનાવી શકીશું.
(૪) સહાનુભૂતિ કેળવીએ અને બતાવીએ.
સહાનુભૂતિ એક સુંદર ગુણ છે, જેના લીધે આપણે બીજાઓની લાગણી પોતે અનુભવી શકીએ છીએ. યહોવા અને ઈસુ બંને એ ગુણ બતાવતા હોવાથી, આપણે પણ તેઓના પગલે ચાલીને એ ગુણ બતાવી શકીશું. (નિર્ગ. ૩:૭; ગીત. ૭૨:૧૩) આપણે આ ગુણ કઈ રીતે કેળવી શકીએ? સહાનુભૂતિ કેળવવાની એક સારી રીત છે, કલ્પનાશક્તિ વાપરવી. આપણા ભાઈ કે બહેન જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે, એમાંથી આપણે ક્યારેય પસાર થયા નહિ હોઈએ. છતાં, આપણે વિચારી શકીએ: ‘જો હું એ સંજોગોમાં હોત, તો મને કેવું લાગ્યું હોત? મને શાની જરૂર પડી હોત?’ આના જવાબ મેળવવા કલ્પનાશક્તિ વાપરીએ. આ રીતે આપણે બીજાઓની લાગણી વધારે સારી રીતે સમજી શકીશું. આમ કરવાથી આપણા જીવનના દરેક પાસામાં લાભ થશે, જેમાં પ્રચારકાર્ય અને ભાઈ-બહેનો સાથેના સંબંધનો પણ સમાવેશ થાય છે.
(૫) મનની આંખોથી જોવું કે નવી દુનિયા કેવી હશે.
ઈશ્વરે વચન આપેલી નવી દુનિયાની ઘણી બધી વિગતો બાઇબલમાં આપવામાં આવી છે. (યશા. ૩૫:૫-૭; ૬૫:૨૧-૨૫; પ્રકટી. ૨૧:૩, ૪) આપણું સાહિત્ય ઘણાં સુંદર ચિત્રો દ્વારા એ વિગતોમાં અનેક રંગો ભરી દે છે. શા માટે? ચિત્રો આપણી કલ્પનાઓને પાંખો આપે છે અને જે આશીર્વાદોનું વચન મળ્યું છે, એનો જાણે આનંદ માણતા હોઈએ એવો અનુભવ કરાવે છે. કલ્પનાશક્તિના રચનાર, યહોવા સૌથી સારી રીતે જાણે છે કે એ કેટલી અજાયબ છે. તેમણે આપેલાં વચનોની કલ્પના કરવાથી, એ જરૂર પૂરા થશે એવી ખાતરી થાય છે. ભલે જીવનમાં તકલીફો આવે તોપણ એનાથી આપણને વિશ્વાસુ રહેવા મદદ મળે છે.
યહોવાએ ઘણા પ્રેમથી આપણને કલ્પનાશક્તિની આવડત આપી છે. યહોવાની ભક્તિ સારી રીતે કરવા, એ આપણને રોજબરોજના જીવનમાં જરૂર મદદ કરી શકે છે. ચાલો, આ અજોડ ભેટ આપનારની કદર કરવા, આ ભેટને રોજ સમજી-વિચારીને વાપરીએ.