-
મરણનો કારમો ઘાસજાગ બનો!—૨૦૧૮
-
-
શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન
મરણનો કારમો ઘા
‘હું ને મારી પત્ની સોફિયાનુંa જીવન ખુશીઓથી ભરેલું હતું. ૩૯ વર્ષના લગ્નજીવન પછી અમારા સંસારમાં વાવાઝોડું આવ્યું. અચાનક સોફિયા બીમાર પડી. તેની બીમારી લાંબો સમય ચાલી ને છેવટે તેને ભરખી ગઈ. એ કારમો ઘા સહેવા મિત્રોએ મને ઘણો સાથ આપ્યો. હું કામકાજમાં વ્યસ્ત રહેવા લાગ્યો. એ બનાવને એક વર્ષ વીતી ગયું તોય દિલના ઘા તાજાને તાજા હતા. મારા દિલમાં ઉથલપાથલ થતી રહેતી. આજે સોફિયાના મરણને ત્રણેક વર્ષ થવાં આવ્યાં છે, તોપણ અમુક વાર અચાનક લાગણીઓના વમળમાં ઘેરાઈ જાઉં છું અને તેની યાદોથી મન ઉદાસ થઈ જાય છે.’—કોસ્ટાસ.
શું તમારું પણ કોઈ ગુજરી ગયું છે? એમ હોય તો કદાચ તમે પણ કોસ્ટાસ જેવું અનુભવતા હશો. કદાચ તમે લગ્નસાથી, સગા-વહાલા કે મિત્રને ગુમાવ્યા હશે. એ દુઃખમાં તમારે બીજી ચિંતાઓ સાથે હતાશાનો પણ સામનો કરવો પડે. નિષ્ણાતો પણ આ વાત સાથે સહમત થાય છે. અમેરિકાનું એક સામયિક (ધી અમેરિકન જર્નલ ઓફ સાઇકાઅટ્રી) આમ જણાવે છે: ‘મોતમાં કોઈને ગુમાવવું એના જેવી આકરી અને કાયમી ખોટ બીજી કોઈ નથી.’ એ ખોટ સહેનાર દુઃખી વ્યક્તિને કદાચ થાય: ‘ક્યાં સુધી મારે આ ગમ સહેવો? શું મારા ચહેરા પર ફરી રોનક આવશે? આમાંથી બહાર આવવા હું શું કરું?’
એ સવાલોના જવાબ સજાગ બનો!ના આ અંકમાં જોવા મળશે. હવે પછીનો લેખ બતાવશે કે તમે હમણાં જ કોઈને ગુમાવ્યા હોય તો, તમારા પર કેવા પડકારો આવી શકે. એ પછીના લેખોમાં અમુક એવાં સૂચનો છે, જેનાથી તમારું દુઃખ હળવું થશે.
અમે દિલથી ચાહીએ છીએ કે મરણનો કારમો ઘા સહી રહેલા લોકોને હવે પછીની માહિતી આશ્વાસન અને મદદ આપે.
a આ લેખોમાં અમુક નામ બદલ્યાં છે.
-
-
કેવા પડકારો આવી શકે?સજાગ બનો!—૨૦૧૮
-
-
શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન
કેવા પડકારો આવી શકે?
અમુક નિષ્ણાતો કહે છે કે શોકમાં ડૂબેલી વ્યક્તિ લાગણીઓનો ઊભરો એકસાથે ન પણ ઠાલવે. દરેક જણ જુદી જુદી રીતે લાગણી વ્યક્ત કરે છે. શું એનો અર્થ એ થાય કે વ્યક્તિને ઓછું દુઃખ થયું છે? અથવા તે પોતાની લાગણીઓ ‘દબાવી’ રહી છે? ના, જરાય નહિ. ખરું કે, લાગણીઓનો ઊભરો ઠાલવવાથી મન હળવું થઈ જાય છે, પણ એ જ “એકમાત્ર અકસીર” ઇલાજ નથી. વ્યક્તિ કઈ રીતે દુઃખ વ્યક્ત કરે છે એનો આધાર આવી બાબતો પર રહેલો છે: વ્યક્તિ કયા સમાજમાંથી આવે છે, તે કેવા સ્વભાવની છે, તેણે જીવનમાં કેવાં ઉતાર-ચઢાવ જોયા છે અને તેનું સ્નેહીજન કઈ રીતે મરણ પામ્યું છે.
સંજોગો કેટલી હદે બગડી શકે?
શોકમાં ડૂબેલી વ્યક્તિ જાણતી નથી કે હવે તેણે કેવા સંજોગોનો સામનો કરવો પડશે. અમુક લાગણીઓ થવી કે પડકારો આવવા સામાન્ય છે. જો વ્યક્તિને એ વિશે ખબર હશે તો તે તૈયાર રહી શકશે. એટલે ચાલો એનો વિચાર કરીએ:
લાગણીઓનો આવેશ. શરૂઆતમાં કદાચ ધ્રાસકો લાગે કે વાત માનવામાં જ ન આવે. અવારનવાર રડવું, અવસાન પામેલી વ્યક્તિ માટે ઝૂરવું, અચાનક મૂડ બદલાઈ જવો, એ બધું થવું સામાન્ય છે. તેની મધુર યાદો કે તેના સપનાંઓને લીધે મન વધારે ભરાઈ આવે. ટીનાબહેનનો વિચાર કરો. તેમના પતિ ટીમો અચાનક ગુજરી ગયા ત્યારે, પોતે જે અનુભવ્યું એ વિશે તે જણાવે છે: ‘શરૂઆતમાં તો એવું લાગ્યું કે કાપો તો લોહી ન નીકળે. હું રડી પણ ન શકી. દિલ એટલું બેસી ગયું કે ગૂંગળામણ થવા લાગી. મારા તો માનવામાં જ ન આવ્યું.’
ચિંતા, ગુસ્સો અને દોષની લાગણી. ઈવાનભાઈ કહે છે ‘અમારા ૨૪ વર્ષના જુવાનજોધ દીકરા એરીકનું અવસાન થયું. એના થોડા સમય સુધી હું અને મારી પત્ની વાતે વાતે ગુસ્સે થઈ જતાં. એની અમને પણ નવાઈ લાગતી, કારણ કે પહેલા ક્યારેય એવું થતું ન હતું. અમને એમ પણ લાગતું કે તેના મોત માટે અમે જવાબદાર છીએ, તેને મદદ આપવામાં અમે કાચા પડ્યા.’ લાંબી બીમારીને કારણે પત્નીનું મરણ થયું ત્યારે, અલાહેન્ડ્રોભાઈ પણ પોતાને દોષી માનતા હતા. તે કહે છે: ‘શરૂશરૂમાં મને થતું કે હું જ ખરાબ છું, એટલે ભગવાને આવું થવા દીધું. પછી ભગવાનને દોષ આપવા બદલ મને અફસોસ પણ થતો.’ અગાઉના લેખમાં આપણે જે કોસ્ટાસભાઈ વિશે વાત કરી તેમનું કહેવું છે: ‘મને એકલો મૂકી ગઈ એવું વિચારીને અમુક વાર સોફિયા પર ગુસ્સો આવતો. પછી દુઃખ પણ થતું કે એમાં કંઈ તેનો વાંક થોડો કહેવાય!’
ખોટા વિચારો. અમુક વાર સાવ ધડ-માથા વગરના વિચારો મનમાં આવે. વ્યક્તિને ભાસ થયા કરે કે ગુજરી ગયેલા પ્રિયજનને તે સાંભળી, જોઈ અથવા મહેસૂસ કરી શકે છે. વ્યક્તિનું કશામાં ધ્યાન ન લાગે કે પછી કંઈ જ યાદ ન રહે. ટીનાબહેન કહે છે, ‘અમુક વાર વાત કરતાં કરતાં મન ચકરાવે ચઢી જતું. મારા પતિના મરણ વખતે બનેલા બનાવોમાં મન ભમ્યા કરતું. કશામાં મન ન લાગવાથી હું ચીડચીડી થઈ જતી.’
હળવું-મળવું ન ગમે. શોકમાં ડૂબેલી વ્યક્તિને કદાચ બીજાઓ સાથે હળવા-મળવામાં ચીડ ચઢે અથવા અતડું અતડું લાગે. કોસ્ટાસ કહે છે: ‘યુગલો વચ્ચે હોઉં ત્યારે મને પત્નીની ખોટ વધારે સાલતી. કુંવારા લોકો સાથે હોઉં ત્યારે પણ બહુ ફેર પડતો નહિ.’ ઈવાનની પત્ની યોલાન્ડા કહે છે: ‘પોતાની તકલીફો વિશે કોઈ ફરિયાદ કરતું ત્યારે એ સાંભળવું આકરું લાગતું. મને થતું, તેને ક્યાં મારા જેટલું મોટું દુઃખ છે! બીજા અમુક આવીને પોતાનાં બાળકોનાં વખાણ કરે ત્યારે મને ગમતું નહિ. એવું નથી કે હું તેઓ માટે ખુશ ન હતી, પણ એનાથી હું વધારે બેચેન થઈ જતી. હું અને મારા પતિ જાણતા હતા કે આવા બનાવોથી કંઈ જીવન રોકાતું નથી. પણ આવા સંજોગોનો સામનો કરવાની હવે અમારામાં ઇચ્છા કે ધીરજ રહી નથી.’
તબિયતને લગતી મુશ્કેલીઓ. ભૂખ ન લાગવી, વજન ઘટવું, ઊંઘ ન આવવા જેવી બાબતો બની શકે. ઍરનભાઈનો વિચાર કરો. તેમના પપ્પા ગુજરી ગયા એના એક વર્ષ પછી જે બન્યું એને યાદ કરતા તે કહે છે, ‘મારી રાતોની ઊંઘ ઊડી ગઈ હતી. રોજ રાતે પપ્પાના મરણના વિચારો આવે અને મારી આંખ ખૂલી જતી.’
અલાહેન્ડ્રોને એ સમય યાદ છે, જ્યારે ડોક્ટરથી તેમનો રોગ પકડાતો ન હતો. તે કહે છે: ‘ડોક્ટરે ઘણી વાર મને તપાસ્યો અને તેમને મારા નખમાંય રોગ ન મળ્યો. મને થતું કે મારા દુઃખની મારા શરીર પર અસર તો નથી થતીને.’ સમય જતાં બધું સારું થઈ ગયું. અલાહેન્ડ્રોએ ડોક્ટરની સલાહ લીધી, એ સારું કર્યું. કારણ કે અમુક વાર શોકને લીધે શરીર નબળું પડી જાય છે અને બીમારી સામે લડી શકતું નથી. એટલે જે બીમારી પહેલેથી હોય એ વધી શકે અથવા નવી ઊભી થઈ શકે.
જરૂરી કામકાજ કરવાં અઘરાં લાગે. ઈવાન યાદ કરે છે: ‘એરિકના અવસાન પછી, અમારે સગાં-વહાલાં, મિત્રો, તેના બોસ અને મકાન માલિક જેવા બીજા લોકોને પણ ખબર આપવાની હતી. કેટલાય કાગળિયાં ભરવાનાં હતાં. તેની વસ્તુઓનું શું કરવું એ નક્કી કરવાનું હતું. એ કામો ખાસ ધ્યાન માંગી લે એવાં હતાં. એ પણ એવા સમયે, જ્યારે અમે તન-મનથી ભાંગી પડ્યાં હતાં.’
કેટલાક લોકો સામે પડકારો ત્યારે આવે છે, જ્યારે તેઓએ એવાં કામ કરવા પડે જે એ વ્યક્તિ કરતી હતી. ટીનાબહેન સાથે એવું જ બન્યું. તે કહે છે: ‘અમારા ધંધાનું અને બેંકનું બીજું બધું કામ ટીમો જ સંભાળી લેતાં. હવે એ મારા પર આવી પડ્યું છે. એના લીધે મારી ચિંતાઓમાં વળી વધુ ઉમેરો થયો છે. મને થાય છે, શું હું બધું બરાબર કરી શકીશ? કોઈ ગરબડ તો નહિ થાય ને!’
તન-મનથી ભાંગી નાખે એવાં પડકારો વિશે સાંભળીને કદાચ કોઈને થાય, “આ દુઃખનો સામનો કરવો ખૂબ જ અઘરું છે!” હા, એ કાઠું તો છે. પણ આવા સંજોગોનો સામનો કરનાર વ્યક્તિએ આ પડકારો વિશે જાણ્યું હશે તો તેને મદદ મળશે. એ પણ યાદ રાખવું જોઈએ કે, દરેકની સામે આ બધા જ પડકારો આવશે એવું જરૂરી નથી. આવી લાગણીઓ થવી કંઈ ખોટી વાત નથી, એ જાણીને પણ વ્યક્તિની હિંમત બંધાઈ શકે.
શું મારા ચહેરા પર ફરી રોનક આવશે?
શું કોઈ આશાનું કિરણ છે? કોઈને ગુમાવવાનું દુઃખ હંમેશાં એટલું ને એટલું રહેતું નથી. એ ધીમે ધીમે ઓછું થાય છે. એનો અર્થ એમ નથી કે વ્યક્તિ શોકની લાગણીમાંથી પૂરેપૂરી બહાર આવી જશે કે પછી, તે પોતાના વહાલાને સાવ વીસરી જશે. સમયના વહેણમાં દુઃખનો ઊભરો પણ ઓસરતો જશે. અમુક વાર અચાનક અથવા કોઈ ખાસ તારીખોએ યાદો તાજી થઈ આવે અને વ્યક્તિને દુઃખી કરે. પરંતુ, મોટા ભાગના લોકો સમય જતાં પોતાની જાતને સંભાળી લેતા હોય છે અને રોજબરોજના જીવનમાં મન પરોવી શકે છે. એવું ત્યારે શક્ય બને, જ્યારે મિત્રો અને સગાંઓનો સાથ હોય અને દુઃખના વમળમાંથી બહાર નીકળવા વ્યક્તિ પોતે પ્રયત્ન કરે.
કેટલો સમય લાગી શકે? એમાંથી બહાર આવવા અમુકને મહિનાઓ લાગે તો અમુકને એક-બે વર્ષ. બીજા અમુકને એથી વધારે સમય લાગી શકે.a અલાહેન્ડ્રોભાઈ કહે છે, ‘મને લગભગ ત્રણ વર્ષ લાગ્યાં હતાં.’
ધીરજથી કામ લો. એક જ દિવસમાં બધું થાળે પડવાનું નથી. એક પછી એક બાબતો હાથ ધરો. ભૂલશો નહિ, દુઃખનું ઓસડ દહાડા છે, જતાં દિવસે એ ઘા રૂઝાશે. તમારું દુઃખ ઓછું થાય અને લાંબો સમય ન ચાલે એ માટે તમે શું કરી શકો?
શોકમાં ડૂબેલાઓ દુઃખના વમળમાં ઘેરાઈ જાય એ સ્વાભાવિક છે
a થોડાક લોકો શોકમાં એટલા ગરક થઈ જાય કે વર્ષો સુધી એમાંથી બહાર ન આવે. એવી હાલતને તબીબી ભાષામાં “કૉમ્પ્લિકેટેડ ગ્રીફ” અથવા “ક્રૉનિક ગ્રીફ” કહે છે. આવા લક્ષણો ધરાવતી વ્યક્તિ માનસિક રોગના ડોક્ટર પાસે સારવાર લે તો સારું રહેશે.
-
-
શોકના વમળમાંથી બહાર આવવા—તમે શું કરી શકો?સજાગ બનો!—૨૦૧૮
-
-
શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન
શોકના વમળમાંથી બહાર આવવા—તમે શું કરી શકો?
શોકમાંથી બહાર આવવા શું કરવું એ વિશે દુનિયામાં જાતજાતની તરકીબો મળી રહેશે. પણ એમાંની અમુકથી જ ફાયદો થાય છે. અગાઉ જોઈ ગયા તેમ દરેક વ્યક્તિની દુઃખ સહેવાની ક્ષમતા જુદી જુદી હોય છે. કોઈ સલાહ એકને કામ લાગે, તો બીજીને ન લાગે.
પણ અમુક સૂચનો એવાં છે જેનાથી ઘણાને ફાયદો થયો છે. સલાહકારો પણ એ સૂચનો વારંવાર વાપરે છે. એ સૂચનો પ્રાચીન ગ્રંથ બાઇબલના બોધમાંથી લીધા છે, જે આજે પણ એટલા જ ઉપયોગી છે.
૧: સગાં-વહાલાં અને મિત્રોનો સાથ લો
અમુક નિષ્ણાતો માને છે કે શોકમાંથી બહાર આવવાનું આ એક સૌથી મહત્ત્વનું પગલું છે. તોય કોઈ વાર તમને એકલાં એકલાં રહેવાનું મન થશે. એવું પણ બને કે કોઈ મદદ કરવા આવે ત્યારે તમે ચિડાઈ જાઓ. આવું થાય એ સામાન્ય છે.
એનો અર્થ એવો નથી કે તમે હંમેશાં લોકોથી ઘેરાયેલા રહો. હંમેશાં એકલા એકલા પણ ન રહો. તમને ભવિષ્યમાં બીજાઓની મદદની જરૂર પડી શકે. તેથી, લોકોને પ્રેમથી જણાવો કે તમને શાની જરૂર છે અને શાની નહિ.
સંજોગો પ્રમાણે જુઓ કે ક્યારે એકલા રહેવું અને ક્યારે નહિ.
બોધ: ‘એક કરતાં બે ભલા. જો તેઓમાંથી એક પડી જાય, તો બીજો સાથી તેને ઉઠાડશે.’—સભાશિક્ષક ૪:૯, ૧૦.
૨: ખાવા-પીવાનું ધ્યાન રાખો અને કસરત કરો
દુઃખને કારણે તણાવમાં હોઈએ ત્યારે, પૌષ્ટિક ખોરાક લેવો સારું રહે છે. જુદાં જુદાં ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળો ખોરાક લો.
પુષ્કળ પાણી અને શરીર માટે સારા હોય એવાં પીણાં પીઓ.
એકસાથે ન ખવાય તો સમયે સમયે થોડું થોડું ખાતા રહો. તમારે શું ખાવું એ વિશે ડૉક્ટરને પૂછી શકો.a
ચાલવા જવાથી અને બીજી કસરતો કરવાથી ખોટાં વિચારો ટાળવા મદદ મળે છે. એ સમયે વ્યક્તિને જીવનમાં આવેલા બદલાણ પર વિચાર કરવાની અથવા ધ્યાન બીજે દોરવાની તક મળે છે.
બોધ: “કોઈ માણસ કદી પોતાના શરીરનો ધિક્કાર કરતો નથી, પણ એનું પાલનપોષણ કરીને પ્રેમથી સંભાળ રાખે છે.”—એફેસીઓ ૫:૨૯.
૩: પૂરતી ઊંઘ લો
પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે. આવા કિસ્સામાં દુઃખને લીધે વ્યક્તિ વધારે થાકી જતી હોય છે. એટલે તે પૂરતી ઊંઘ લે તો સારું રહેશે.
તમારી ઊંઘ ઉડાવી દે એવાં પીણાંથી દૂર રહો, જેમ કે ચા, કોફી અથવા દારૂ.
બોધ: ‘વધારે પડતું કામ કરવું અને પવન પાછળ ભાગવું, એના કરતાં થોડોક આરામ લેવો સારું છે.’—સભાશિક્ષક ૪:૬, NW.
૪: સંજોગો પ્રમાણે વર્તો
પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે બધાને દુઃખ થાય છે. પણ તેઓ એને જુદી જુદી રીતે વ્યક્ત કરે છે. એ તમારા પર છે કે તમે પોતાનું દુઃખ કઈ રીતે વ્યક્ત કરશો.
કેટલાક લોકો બીજાઓ આગળ દિલ ઠાલવે છે, તો અમુકને એમ કરવું નથી ગમતું. બીજાઓ આગળ દિલ ઠાલવવાથી મદદ મળશે કે નહિ, એ વિશે નિષ્ણાતોનું પણ જુદું જુદું કહેવું છે. તમને કોઈની આગળ દિલ ઠાલવવું છે. પણ કદાચ અચકાવ છો, તો શું કરી શકો? કોઈ ખાસ મિત્રને તમારા દિલની અમુક વાતો જણાવીને શરૂઆત કરો.
અમુક માને છે કે પોક મૂકીને રડવાથી હૈયું હળવું થઈ જાય છે. જ્યારે કે બીજાઓ થોડાં આંસુ સારીને પણ હૈયું હળવું કરી શકે છે.
બોધ: ‘દરેક દિલ પોતાની વેદના જાણે છે.’—નીતિવચનો ૧૪:૧૦.
૫: નુકસાન કરતી ટેવોથી દૂર રહો
કેટલાક પોતાનો ગમ ભૂલાવવા દારૂ કે ડ્રગ્સને રવાડે ચઢી જાય છે. ગમથી પીછો છોડાવવા આવી લતના ગુલામ બનીને તેઓ પોતાને જ નુકસાન કરી બેસે છે. એ બધાથી ઘડીક રાહત તો મળે છે પણ સમય જતાં, વ્યક્તિ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે. ચિંતા અને દુઃખ હળવું કરવા તમે બીજી સારી ટેવો કેળવી શકો.
બોધ: “આપણે દરેક પ્રકારની ગંદકીથી પોતાને શુદ્ધ કરીએ.”—૨ કોરીંથીઓ ૭:૧.
૬: સમયનો સારો ઉપયોગ કરો
ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે બીજાં કામોમાં મન પરોવવાથી વ્યક્તિને દુઃખમાંથી બહાર આવવા મદદ મળી છે.
મિત્રો સાથે સંબંધ મજબૂત કરવાથી અથવા નવા નવા મિત્રો બનાવવાથી, નવી નવી બાબતો શીખવાથી કે આનંદપ્રમોદમાં થોડો સમય વિતાવવાથી અમુક હદે રાહત મળે છે.
સમયના વહેણ સાથે વ્યક્તિના વિચારોમાં ફેરફાર આવી શકે. શોકમાં ડૂબી રહેવાને બદલે તે હવે બીજાં કામોમાં મન લગાડવા લાગે. દિલના ઘા રૂઝાવવાની એ તો કુદરતી પ્રક્રિયા છે.
બોધ: ‘દરેક બાબતને માટે વખત હોય છે: રડવાનો વખત અને હસવાનો વખત; શોક કરવાનો વખત અને નૃત્ય કરવાનો વખત.’—સભાશિક્ષક ૩:૧, ૪.
૭: રોજબરોજના કામમાં પાછા લાગી જાઓ
બને એટલા જલદી રોજબરોજના કામમાં પાછા લાગી જાઓ.
નિયમિત ઊંઘ લેવાથી, નોકરીધંધો અને બીજાં કામમાં મન પરોવવાથી પહેલાંની જેમ રોજિંદુ જીવન જીવવા મદદ મળશે.
સારાં કામોમાં લાગુ રહેવાથી દુઃખ ભૂલવા મદદ મળશે.
બોધ: ‘જીવનભર આનંદ કરવો ને ભલું કરવું, એ કરતાં તેઓ માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.’—સભાશિક્ષક ૩:૧૨, ૧૩.
૮: ઉતાવળે મહત્ત્વના નિર્ણયો ન લો
પ્રિયજનને ગુમાવ્યા પછી જેઓએ ઉતાવળે મહત્ત્વના નિર્ણયો લીધા છે તેઓમાંના ઘણા હવે પસ્તાય છે.
બીજે રહેવા જવાનો, નોકરી બદલવાનો કે પછી પ્રિયજનની વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવાનો નિર્ણય લેતા પહેલા પૂરતો વિચાર કરો.
બોધ: ‘મહેનત કરનારના વિચારોને સફળતા મળે છે; પણ દરેક ઉતાવળિયો ફક્ત ગરીબ થાય છે.’—નીતિવચનો ૨૧:૫.
૯: ગુજરી ગયેલા પ્રિયજનને યાદ કરતા રહો
શોકમાં ડૂબેલા ઘણા લોકોને અમુક બાબતો કરવાથી પ્રિયજનની યાદ તાજી રાખવા મદદ મળે છે.
વ્યક્તિના ફોટા અથવા તેની સાથે જોડાયેલી કોઈ ખાસ વસ્તુ સાચવી રાખો. અમુક બનાવો યાદગીરી તરીકે નોંધી લો, એ બધું ઘા પર મલમ જેવું કામ કરે છે.
સમય જતાં તમારું મન હળવું થાય ત્યારે એ સારી યાદો સાથે જોડાયેલી વસ્તુઓને જુઓ.
બોધ: ‘પહેલાના દિવસો યાદ કરો.’—પુનર્નિયમ ૩૨:૭.
૧૦: એ માહોલમાંથી બહાર નીકળો
થોડા દિવસ ક્યાંક ફરવા જાઓ.
વધારે દિવસ ફરવા ન જઈ શકતા હો તો એક-બે દિવસ માટે જાઓ. બાગમાં, દરિયા કિનારે કે પછી મિત્રો સાથે ક્યાંક બીજે જાઓ.
રોજ જે કામ કરો છો, કોઈક વાર એનાથી કંઈક અલગ કરો.
બોધ: “તમે બધા મારી સાથે એકાંત જગ્યાએ ચાલો અને થોડો આરામ કરો.”—માર્ક ૬:૩૧.
૧૧: બીજાઓને મદદ કરો
યાદ રાખો કે બીજાઓને મદદ કરવાથી વ્યક્તિને પોતાને પણ સારું લાગે છે.
ગુજરી ગયેલી વ્યક્તિનાં મિત્રો અને સગાંઓ પણ તમારી જેમ દુઃખી હશે. તેઓ પણ ચાહતા હશે કે તેઓનું દુઃખ કોઈ સમજે અને દિલાસો આપે. તમે તેઓને મદદ કરો.
બીજાઓને સાથ અને આશ્વાસન આપવાથી તમે તાજગી અનુભવશો અને જીવવાનું કારણ મળશે.
બોધ: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.
૧૨: જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે એ પારખો
દુઃખનો પહાડ તૂટે ત્યારે સમજાય છે કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે.
જીવનની ભેટનો તમે કેવો ઉપયોગ કરો છો એનો વિચાર કરવાની આ સારી તક છે, એને ઝડપી લો.
હવેથી કઈ બાબતોને વધારે મહત્ત્વ આપશો એ નક્કી કરો.
બોધ: ‘ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે; કેમ કે બધા મનુષ્યોની જિંદગીનું પરિણામ એ જ છે. અને જીવતો માણસ એ વાત પોતાના દિલમાં ઠસાવી રાખશે.’—સભાશિક્ષક ૭:૨.
તમારું દુઃખ જડમૂળથી દૂર કરી શકે એવો કોઈ ઉપાય હાલમાં શક્ય નથી. છતાં, ઘણા કબૂલે છે કે અમુક સારી રીતો અજમાવવાથી દિલાસો મળ્યો છે. જેમ કે આ લેખમાં આપેલાં સૂચનો. ખરું કે દુઃખ હળવું કરવાનાં બધાં સૂચનો અહીં આપવામાં આવ્યાં નથી. તોપણ અહીં આપેલાં સૂચનોમાંથી અમુક અજમાવી જોવાથી તમને કેટલીક હદે રાહત મળશે.
a સજાગ બનો! કોઈ ખાસ સારવાર વિશે ભલામણ કરતું નથી.
-
-
શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસનસજાગ બનો!—૨૦૧૮
-
-
શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન
શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન
કોઈ વહાલી વ્યક્તિને ગુમાવવાનું દુઃખ કેવું હોય છે, એને લગતું ઘણું સંશોધન હાલમાં થઈ રહ્યું છે. અગાઉ જોઈ ગયા તેમ સૌથી સારા નિષ્ણાતોની સલાહ બાઇબલની સલાહ સાથે મેળ ખાય છે. બાઇબલનું માર્ગદર્શન આજના જમાનામાં પણ કામ લાગે છે. બાઇબલની સલાહ પર ભરોસો રાખી શકાય છે. એમાં આપેલી માહિતી બીજે ક્યાંય જોવા મળતી નથી. શોકમાં ડૂબેલાઓને એનાથી ઘણું આશ્વાસન મળી શકે.
ગુજરી ગયેલા આપણા સ્નેહીજનો કોઈ પીડા ભોગવતા નથી એવી ખાતરી મળે છે
બાઇબલમાં સભાશિક્ષક ૯:૫માં લખ્યું છે, ‘મરણ પામેલા લોકો કંઈ જાણતા નથી.’ તેઓના ‘વિચારો નાશ પામે છે.’ (ગીતશાસ્ત્ર ૧૪૬:૪) બાઇબલ એમ પણ જણાવે છે કે, ગુજરી ગયેલી વ્યક્તિ જાણે ગાઢ ઊંઘમાં છે.—યોહાન ૧૧:૧૧.
ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા રાખવાથી આશ્વાસન મળે છે
બાઇબલમાં ગીતશાસ્ત્ર ૩૪:૧૫માં લખ્યું છે, ‘ન્યાયીઓ પર યહોવાનીa કૃપા છે, તેઓની અરજને તે કાન ધરે છે.’ ઈશ્વર યહોવા આગળ પ્રાર્થનામાં દિલ ઠાલવવું, સારવાર જેવું કામ કરે છે અને ખોટા વિચારોમાં તણાઈ ન જવા મદદ કરે છે. એનાથી ભગવાન સાથે આપણો સંબંધ સારો થાય છે. તે દરેક રીતે શક્તિશાળી હોવાથી, આપણને અદ્ભુત રીતે આશ્વાસન આપે છે.
સોનેરી ભાવિની આશા
ઈશ્વરે બાઇબલમાં ઘણી વાર જણાવ્યું છે કે જેઓ ગુજરી ગયા છે, તેઓ ભાવિમાં જીવતા થશે. એ સમયે ધરતી ખીલી ઊઠશે. બાઇબલ જણાવે છે, ‘ઈશ્વર આપણી આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.’ (પ્રકટીકરણ ૨૧:૩, ૪) એ સમયે લોકોની આંખોમાં ખુશીના આંસુ હશે!
ઈશ્વર યહોવામાં ભરોસો રાખનારાઓને હિંમત અને આશા મળી છે. ઈશ્વરે વચન આપ્યું છે કે મોતની નીંદરમાં પોઢી ગયેલા આપણાં સ્નેહીજનોને તે ઉઠાડશે. તેઓને આપણે ફરી જોઈ શકીશું. ઍનબહેનનો વિચાર કરો. તેમનાં લગ્નને ૬૫ વર્ષ થયાં હતાં અને તેમનાં પતિ ગુજરી ગયા. બહેન જણાવે છે: ‘બાઇબલ વાંચવાથી મને ખાતરી મળી છે કે આપણાં સ્નેહીજનો ક્યાંય પીડા ભોગવતાં નથી. એમાંથી મને એવી આશા પણ મળી છે કે ઈશ્વર જેઓને યાદ રાખે છે તેઓને જીવતા કરશે. પતિની ખોટ સાલતી હોય ત્યારે, ઈશ્વરે બાઇબલમાં આપેલી આશા મનમાં તાજી થઈ જાય છે. મને પડેલી સૌથી આકરી ખોટને ખમવા હિંમત મળે છે.’
શરૂઆતના લેખમાં જેમના વિશે જોઈ ગયા એ ટીનાબહેન જણાવે છે: ‘મારા પતિ ટીમો ગુજરી ગયા ત્યારથી આજ દિન સુધી ઈશ્વરે ક્યારેય મારો સાથ છોડ્યો નથી. મેં અનુભવ્યું છે કે યહોવાએ મારી દુઃખ-તકલીફોમાં હંમેશાં મદદનો હાથ લંબાવ્યો છે. બાઇબલમાં ઈશ્વરે વચન આપ્યું છે કે મરણ પામેલા લોકોને તે જીવતા કરશે. મને પૂરો ભરોસો છે કે એ વચન હકીકતમાં પૂરું થશે. ટીમોને ફરી મળું ત્યાં સુધી જીવનના માર્ગ પર દોડતા રહેવા એ વચનથી મને હિંમત મળે છે.’
બાઇબલમાં ભરોસો રાખનારા લાખો લોકોને પણ ટીનાબહેન જેવું લાગે છે. પણ કદાચ તમને આ શિક્ષણમાં માનવું અઘરું લાગે. અથવા લાગે કે એવું શક્ય જ નથી. એ તો ખુલ્લી આંખે સપના જોવા જેવું છે. એમ હોય તો બાઇબલમાં આપેલાં વચનો કેટલાં ખાતરીભર્યાં છે, એ તમે પોતે તપાસી જુઓ. તમે પારખી શકશો કે શોકમાં ડૂબેલા લોકોને બાઇબલ સૌથી સારું આશ્વાસન આપે છે.
ગુજરી ગયેલા લોકો માટે શું કોઈ આશા છે એ વિશે વધુ જાણો
અમારી વેબસાઇટ jw.org/gu પર જાઓ
બાઇબલમાં વચન આપ્યું છે કે ગુજરી ગયેલાઓ ભાવિમાં જીવતા થશે અને આપણે તેઓને મળી શકીશું
ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે?
બાઇબલ એ સવાલનો સ્પષ્ટ જવાબ આપે છે, જેનાથી વ્યક્તિને આશ્વાસન મળે છે
લાઇબ્રેરી > વીડિયો વિભાગ જુઓ (વીડિયો પસંદ કરો: બાઇબલ > બાઇબલનું શિક્ષણ વિભાગમાં જુઓ)
શું તમારે ખુશખબર જાણવી છે?
a બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું નામ યહોવા છે.
-