વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lv પ્રકરણ ૧૧ પાન ૧૩૮-૧૫૧
  • ‘લગ્‍નને માનયોગ્ય ગણો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘લગ્‍નને માનયોગ્ય ગણો’
  • ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરની નજીક જશો તો લગ્‍નસાથીની નજીક આવશો
  • યહોવા માટેનો પ્રેમ તમને મદદ કરશે
  • લગ્‍નનું અપમાન કરે એવાં વાણી-વર્તન ન રાખો
  • ‘લગ્‍નનું બિછાનું નિર્મળ રહે’
  • લગ્‍નબંધન મજબૂત બનાવવા શું કરશો?
  • તમારું લગ્‍ન ટકી શકે છે!
    સજાગ બનો!—૨૦૦૧
  • તમારા લગ્‍નને ટકાવી રાખવા બનતું બધું કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ઈશ્વરની સલાહથી લગ્‍નજીવન સુખી થાય છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • આ જમાનામાં લગ્‍નજીવન સુખેથી ટકી શકે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
lv પ્રકરણ ૧૧ પાન ૧૩૮-૧૫૧
યુગલ સાથે બાઇબલ વાંચી રહ્યું છે

પ્રકરણ અગિયાર

‘લગ્‍નને માનયોગ્ય ગણો’

“તારી જુવાનીની પત્નીમાં આનંદ માન.”—નીતિવચનો ૫:૧૮.

૧, ૨. આપણે શાના પર વિચાર કરીશું અને શા માટે?

શું તમારું લગ્‍ન થઈ ગયું છે? શું તમે પતિ-પત્ની ખુશ છો? કે પછી તમારા બંને વચ્ચે ઘણી તકલીફો છે? શું તમારો એકબીજા માટેનો પ્રેમ ઠંડો પડી ગયો છે? જો તમારું લગ્‍નજીવન માંડ માંડ ટકી રહ્યું હોય, તો પહેલાના પ્રેમને કરમાઈ ગયેલો જોઈને ઘણું દુઃખ થતું હશે. ખરું કે તમે દિલથી યહોવાની ભક્તિ કરતા હોવાથી, એમ ચાહો છો કે તમારા લગ્‍નજીવનથી તેમને મહિમા મળે. પણ તમારી હાલની સ્થિતિ જોઈને ઘણી ચિંતા થતી હશે અને દિલ દુઃખી થતું હશે. પરંતુ, એવું ન માની લેતા કે હવે કોઈ જ ઉપાય નથી.

૨ આજે યહોવાના ભક્તોમાં એવાં અનેક સુખી યુગલો છે, જેઓના લગ્‍નજીવનમાં એક સમયે ઘણી તકલીફો હતી. તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહેતા હોવા છતાં, એકબીજા માટે અજાણ્યા બની ગયા હતા. પણ આજે તેઓ સુખી છે. તેઓ શીખ્યા છે કે કઈ રીતે લગ્‍નબંધનને મજબૂત કરી શકાય. તમે પણ તેઓની જેમ સુખી થઈ શકો છો. કઈ રીતે? ચાલો જોઈએ.

ઈશ્વરની નજીક જશો તો લગ્‍નસાથીની નજીક આવશો

૩, ૪. પતિ-પત્ની ઈશ્વરની નજીક જવા પ્રયત્ન કરે ત્યારે કઈ રીતે એકબીજાની નજીક આવે છે? ઉદાહરણ આપી સમજાવો.

૩ જો તમે અને તમારા લગ્‍નસાથી ઈશ્વરની નજીક જવા પૂરો પ્રયાસ કરશો, તો તમે બંને પણ એકબીજાની નજીક આવશો. કઈ રીતે? એ સમજવા ચાલો એક ઉદાહરણ લઈએ: એક પહાડ છે. એની એક તરફ પતિ ઊભો છે, જ્યારે બીજી તરફ પત્ની ઊભી છે. બંને જણા પહાડ પર ચઢવાનું શરૂ કરે છે. તેઓ નીચે છે ત્યારે બંને વચ્ચે ખાસ્સું અંતર છે. પણ જેમ જેમ તેઓ પહાડ ઉપર ચઢતા જાય છે, તેમ તેમ તેઓ વચ્ચેનું અંતર ઓછું થતું જાય છે.

૪ યહોવાની ભક્તિમાં તમે જે સખત મહેનત કરો છો, એને પહાડ ચઢવા સાથે સરખાવી શકાય. ખરું કે યહોવાને બહુ ચાહતા હોવાથી, તમે શરૂઆતથી જ તેમની સેવામાં ખૂબ મહેનત કરી રહ્યા છો. પરંતુ, કોઈક કારણથી તમે અને તમારા લગ્‍નસાથી વચ્ચે અંતર પડી ગયું હોય તો, તમે જાણે બે વિરુદ્ધ દિશામાંથી પહાડ ચઢી રહ્યા છો. શરૂઆતમાં કદાચ તમે બંને એકબીજાથી ઘણા દૂર છો. જેમ જેમ તમે ઉપર ચઢતા જશો, તેમ તેમ તમારા બંને વચ્ચેનું અંતર પણ ઘટતું જશે. બીજા શબ્દોમાં, ઈશ્વરની નજીક આવવા તમે બંને મહેનત કરશો તેમ તમારા સંબંધો સુધરતા જશે. આ બતાવે છે કે પતિ-પત્નીએ એકબીજાની નજીક આવવા, ઈશ્વરની નજીક જવું બહુ જરૂરી છે.

બાઇબલની સલાહ પ્રમાણે જીવવાથી લગ્‍નબંધન મજબૂત બને છે

૫. (ક) યહોવાની નજીક આવવાની એક રીત કઈ છે? (ખ) લગ્‍નને યહોવા કેવું ગણે છે?

૫ ઈશ્વરની નજીક આવવાની એક મહત્ત્વની રીત એ છે કે લગ્‍ન વિષે બાઇબલમાં આપેલી સલાહ પ્રમાણે પતિ-પત્ની ચાલે. (ગીતશાસ્ત્ર ૨૫:૪; યશાયા ૪૮:૧૭, ૧૮) પ્રેરિત પાઉલે આપેલી આ સલાહ પર વિચાર કરો: “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય.” (હિબ્રૂ ૧૩:૪) એનો શું અર્થ થાય? “માનયોગ્ય” એટલે કોઈ બાબતને ખૂબ મહત્ત્વની ગણવી, અનમોલ ગણવી. યહોવા લગ્‍નને માનયોગ્ય ગણે છે. તેમને મન લગ્‍નની ગોઠવણ અનમોલ છે.

યહોવા માટેનો પ્રેમ તમને મદદ કરશે

૬. લગ્‍ન વિષે પાઉલે આપેલી સલાહ શું બતાવે છે? એ સલાહ ધ્યાનમાં રાખવી કેમ મહત્ત્વનું છે?

૬ યહોવાના ભક્ત હોવાથી તમે પતિ-પત્ની જાણો છો કે લગ્‍ન અનમોલ અને પવિત્ર બંધન છે. કેમ નહિ, ખુદ યહોવાએ લગ્‍નની શરૂઆત કરી છે! (માથ્થી ૧૯:૪-૬) પરંતુ, તમારા લગ્‍ન-સંસારમાં તકલીફો હોય તો, એકબીજાને માન આપવું કે પ્રેમ બતાવવો મુશ્કેલ લાગતું હશે. એ કિસ્સામાં લગ્‍ન માનયોગ્ય છે એમ માનવાથી કંઈ મદદ નહિ મળે. તો પછી, એકબીજાને માન આપવા અને પ્રેમ બતાવવા તમને શું મદદ કરશે? ધ્યાન આપો કે પાઉલે માન આપવા વિષે શું કહ્યું હતું. તેમણે એમ કહ્યું ન હતું કે ‘લગ્‍ન માનયોગ્ય છે.’ પણ તેમણે એમ કહ્યું કે ‘લગ્‍નને માનયોગ્ય ગણો.’ પાઉલ એમ જણાવી રહ્યા ન હતા કે લગ્‍ન કેવું છે. પણ તે ઉત્તેજન આપી રહ્યા હતા કે લગ્‍નને કેવું ગણવું જોઈએ. આ ફરક ધ્યાનમાં રાખશો તો, તમારા લગ્‍નસાથી માટે ફરીથી પ્રેમ અને માન જગાડી શકશો. કેવી રીતે?

૭. (ક) તમે બાઇબલની કઈ આજ્ઞાઓ પાળો છો અને શા માટે? (ખ) એ આજ્ઞાઓ પાળવાથી કેવા આશીર્વાદ મળે છે?

૭ જરા વિચારો કે બાઇબલની બીજી આજ્ઞાઓ વિષે તમને કેવું લાગે છે. જેમ કે, પ્રચાર કરીને શિષ્યો બનાવવાની અને ભક્તિ માટે ભેગા મળવાની આજ્ઞા. (માથ્થી ૨૮:૧૯; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) ખરું કે અમુક વખતે એ આજ્ઞા પ્રમાણે કરવું મુશ્કેલ લાગી શકે. જેઓને યહોવાનો સંદેશો જણાવો છો, તેઓ કદાચ ન સાંભળે, વિરોધ પણ કરે. અથવા તો નોકરીધંધાએ તમે એટલા થાકી જાવ કે આપણી સભાઓમાં જવાની શક્તિ જ ન રહે. આવી અડચણો હોવા છતાં, લોકોને તમે ખુશખબર જણાવતા રહો છો. મંડળની બધી સભાઓમાં પણ જાવ છો. આમ કરતા તમને કોઈ રોકી શકતું નથી. અરે, શેતાન પણ નહિ! કારણ, તમે યહોવાને દિલથી ચાહતા હોવાથી તેમની આજ્ઞાઓ પાળો છો. (૧ યોહાન ૫:૩) તમને એનાથી કેવા આશીર્વાદ મળે છે? લોકોને ખુશખબરી જણાવવાથી અને સભાઓમાં જવાથી તમે ઈશ્વરની ઇચ્છા પૂરી કરી રહ્યા છો. એ જાણીને તમને મનની શાંતિ મળે છે, અનેરો આનંદ થાય છે. એનાથી ભક્તિમાં તમારી હોંશ વધે છે. (નહેમ્યા ૮:૧૦) આમાંથી શું શીખવા મળે છે?

૮, ૯. (ક) લગ્‍નને માનયોગ્ય ગણવાની આજ્ઞા પાળવા આપણને શામાંથી પ્રેરણા મળી શકે? (ખ) હવે આપણે કયા બે મુદ્દાઓ પર વાત કરીશું?

૮ ઈશ્વર માટેનો ઊંડો પ્રેમ તેમની આજ્ઞાઓ પાળવા તમને પ્રેરે છે. એટલે ગમે એવી અડચણો હોવા છતાં, તમે લોકોને ખુશખબર જણાવો છો અને સભાઓમાં જાવ છો. તો પછી ‘તમારું લગ્‍ન માનયોગ્ય ગણો,’ એ આજ્ઞા પાળવા વિષે શું? ભલે એ મુશ્કેલ લાગે, યહોવા માટેનો પ્રેમ એ આજ્ઞા પાળવા પણ તમને પ્રેરણા આપી શકે. (હિબ્રૂ ૧૩:૪; ગીતશાસ્ત્ર ૧૮:૨૯; સભાશિક્ષક ૫:૪) ખુશખબર જણાવવા અને સભાઓમાં જવા તમે જે પ્રયત્ન કરો છો, એના પર યહોવા ઘણા આશીર્વાદ આપે છે. લગ્‍નને માનયોગ્ય ગણવા તમે પ્રયત્ન કરશો તો, યહોવા એને પણ ધ્યાનમાં લેશે અને ચોક્કસ આશીર્વાદ આપશે.—૧ થેસ્સાલોનિકી ૧:૩; હિબ્રૂ ૬:૧૦.

૯ તમે કઈ રીતે પોતાના લગ્‍નજીવનને માનયોગ્ય બનાવી શકો? એક તો, તમારું લગ્‍નબંધન નબળું પડી જાય એ રીતે ન વર્તો. બીજું, એને મજબૂત કરવા અમુક પગલાં ભરો. ચાલો જોઈએ કે કઈ રીતે એમ કરી શકાય.

લગ્‍નનું અપમાન કરે એવાં વાણી-વર્તન ન રાખો

૧૦, ૧૧. (ક) કેવાં વાણી-વર્તનથી લગ્‍નને માન મળતું નથી? (ખ) પતિ-પત્નીએ સાથે મળીને કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

૧૦ અમુક સમય પહેલાં, આપણી એક બહેને આમ કહ્યું હતું: “હું યહોવાને પ્રાર્થના કરું છું કે મને સહનશક્તિ આપે.” તેમણે કેમ એવું કહ્યું એના વિષે સમજાવતા બહેન કહે છે, ‘મારા પતિના શબ્દો જાણે ચાબુકની જેમ વાગે છે. ભલે મારા શરીર પર કોઈ નિશાન નહિ દેખાય, પણ તેમના બોલ મારા દિલ પર જખમ છોડી જાય છે. “તું મારે માથે પડી છે” અને “તું તો સાવ નકામી છે!” એવાં કડવાં વેણ સાંભળી સાંભળીને મારા દિલ પર ઊંડા ઘા પડી ગયા છે.’ આ બહેને જે કહ્યું, એમાં એક મોટી તકલીફ નજર સામે આવે છે. એ છે, લગ્‍નસાથીને તોડી પાડતી ઝેર જેવી વાણી.

૧૧ યહોવાના ભક્તોમાં અમુક પતિ-પત્નીઓ પણ એકબીજા સાથે કડવાશથી બોલે, એ કેટલા દુઃખની વાત છે! તેઓ એકબીજાના દિલ પર એટલા ઊંડા ઘા કરે છે, જે સહેલાઈથી રુઝાતા નથી. જેઓ આ રીતે એકબીજાને ટોણા મારતા રહે છે, તેઓ લગ્‍નને માનયોગ્ય ગણતા નથી. તમારા લગ્‍નજીવન વિષે શું? એ જાણવા નમ્રતાથી તમારા સાથીને પૂછી શકો, “હું જે રીતે બોલું છું એનાથી તને કેવું લાગે છે?” જો તેમને લાગતું હોય કે તમારાં વાણી-વર્તનથી વારંવાર દિલને ચોટ પહોંચે છે, તો તમારે પરિસ્થિતિ સુધારવા પગલાં લેવાં જ પડશે.—ગલાતી ૫:૧૫; એફેસી ૪:૩૧.

૧૨. યહોવાની નજરે આપણી ભક્તિ કેવી રીતે નકામી બની શકે?

૧૨ હંમેશાં યાદ રાખો કે તમે પોતાના પતિ કે પત્ની સાથે જે રીતે વાત કરો છો, એની યહોવા સાથેના તમારા સંબંધ પર અસર પડે છે. બાઇબલ જણાવે છે: “જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે.” (યાકૂબ ૧:૨૬) આપણે જે કંઈ બોલીએ, એ યહોવાની ભક્તિને અસર કરે છે. પરંતુ, ઘણા માને છે કે ‘ઘરમાં બોલાચાલી તો થાય. જ્યાં સુધી ઈશ્વરને ભજતા રહીએ ત્યાં સુધી કંઈ વાંધો નથી.’ આવું વિચારીને પોતાને છેતરશો નહિ! આ બહુ ગંભીર બાબત છે. બાઇબલ આવા વિચારોને જરાય સાથ નથી આપતું. (૧ પિતર ૩:૭) કદાચ તમારી પાસે ઘણી આવડત હશે કે પછી યહોવાની ભક્તિમાં બહુ ઉત્સાહી હશો. પણ તમે જાણીજોઈને લગ્‍નસાથીને મહેણાં-ટોણા મારો અને દુઃખ પહોંચાડો તો, તમે લગ્‍નને માનયોગ્ય ગણતા નથી. યહોવા તમારી ભક્તિને નકામી ગણશે.

૧૩. પતિ કે પત્ની સાવચેત ન રહે તો તેમના સાથીની લાગણી કઈ રીતે દુભાઈ શકે?

૧૩ પતિ-પત્નીએ એ બાબતમાં પણ સાવચેત રહેવું જોઈએ કે અજાણતા પોતાનાં વાણી-વર્તનથી એકબીજાની લાગણીઓ ન દુભાવે. આ બે દાખલાઓ પર વિચાર કરો: એકલે હાથે કુટુંબ ઉછેરતી એક મા, મંડળના કોઈ પરિણીત ભાઈની સલાહ લેવા વારંવાર ફોન કરે છે. તેઓ લાંબો સમય ફોન પર વાત કરે છે. એક કુંવારો ભાઈ, દર અઠવાડિયે મંડળની કોઈ પરિણીત બહેન સાથે પ્રચારમાં કલાકો ગાળે છે. બંને દાખલામાં પરિણીત ભાઈ કે બહેનનો ઇરાદો સારો હશે, પણ તેઓના લગ્‍નસાથી પર એની કેવી અસર પડશે? આવી સ્થિતિમાંથી પસાર થતી એક પત્ની કહે છે: “મારા પતિ મંડળની એક બહેન માટે પુષ્કળ સમય આપે છે. તેમના પર વધારે ધ્યાન આપે છે. એ જોઈને મને ઘણું દુઃખ થાય છે, જાણે મારી તો કોઈ કિંમત જ નથી.”

એક સુખી યુગલ હાથમાં હાથ રાખીને બાગીચામાં ચાલે છે

૧૪. (ક) ઉત્પત્તિ ૨:૨૪ પ્રમાણે લગ્‍નસાથીએ સૌથી પહેલા કોનું ધ્યાન રાખવાનું છે? (ખ) લગ્‍નસાથીએ શાનો વિચાર કરવાની જરૂર છે?

૧૪ સમજી શકાય કે આ બહેન અને તેમના જેવા ઘણાને કેમ દુઃખ થાય છે. તેઓના લગ્‍નસાથી ઈશ્વરે આપેલી આ સલાહ ધ્યાન પર લેતા નથી: “માણસ પોતાનાં માતાપિતાને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે.” (ઉત્પત્તિ ૨:૨૪) ખરું કે લગ્‍ન પછી પણ સંતાનો પોતાનાં માબાપને માન આપે છે. પરંતુ, ઈશ્વરની ગોઠવણ પ્રમાણે લગ્‍ન પછી પતિ-પત્નીએ સૌથી પહેલા પોતાના લગ્‍નસાથીને ધ્યાન આપવાનું છે. એ જ રીતે, મંડળમાં ભાઈ-બહેનો એકબીજા પર ખૂબ પ્રેમ રાખે છે. પરંતુ, તેઓની સૌથી પહેલી જવાબદારી પોતાના લગ્‍નસાથીનું ધ્યાન રાખવાની છે. એટલે કોઈ પરિણીત ભાઈ મંડળમાં કોઈની સાથે, ખાસ કરીને કોઈ બહેન સાથે વધારે પડતા સંબંધો કેળવે કે પછી જરૂર કરતાં વધારે સમય વિતાવે, તો શું થઈ શકે? તેમના લગ્‍નજીવનમાં તકલીફ ઊભી થઈ શકે. તમારા લગ્‍નજીવનમાં તકલીફો ઊભી થઈ હોય તો, એનું કારણ પણ આવું જ કંઈ નથી ને? વિચારો કે ‘શું મારા લગ્‍નસાથીને હું પૂરતો સમય અને ધ્યાન આપું છું? તેમને જોઈતું વહાલ બતાવું છું?’

૧૫. માથ્થી ૫:૨૮ પ્રમાણે, પતિ-પત્નીએ લગ્‍નસાથી સિવાય બીજા કોઈને વધારે પડતી લાગણી કેમ ન બતાવવી જોઈએ?

૧૫ જો કોઈ પતિ પોતાની પત્ની સિવાય બીજી કોઈ બહેન માટે વધારે પડતી લાગણી બતાવે, તો તે જાણે અંગારા પર ચાલે છે. એ જ વાત પત્નીને પણ લાગુ પડે છે. દુઃખની વાત છે કે અમુક પરિણીત ભાઈ-બહેનોએ લગ્‍નસાથી સિવાય બીજા કોઈ સાથે વધારે પડતો સંબંધ રાખ્યો છે અને તેમના પ્રેમમાં પડ્યા છે. (માથ્થી ૫:૨૮) એકબીજા માટે એવી લાગણી ફૂટી નીકળી હોવાથી તેઓ અયોગ્ય રીતે વર્ત્યા છે. એનાથી લગ્‍નની ગોઠવણનું વધારે અપમાન થયું છે. ચાલો હવે જોઈએ કે આ વિષય પર પાઉલે શું કહ્યું હતું.

‘લગ્‍નનું બિછાનું નિર્મળ રહે’

૧૬. લગ્‍નસંબંધ વિષે પાઉલે કઈ ચેતવણી આપી?

૧૬ ‘લગ્‍નને માનયોગ્ય ગણવાનું’ ઉત્તેજન આપ્યા પછી, તરત જ પાઉલે આ ચેતવણી આપી: ‘લગ્‍નનું બિછાનું નિર્મળ રહે, કેમ કે ઈશ્વર લંપટોનો અને વ્યભિચારીઓનો ન્યાય કરશે.’ (હિબ્રૂ ૧૩:૪) ‘લગ્‍નનું બિછાનું’ શબ્દો દ્વારા પાઉલ શરીર સંબંધોની વાત કરતા હતા. એવા સંબંધો ફક્ત પોતાના લગ્‍નસાથી સાથે જ બાંધવામાં આવે ત્યારે, એ શુદ્ધ કે “નિર્મળ રહે” છે અને એને કોઈ ડાઘ લાગતો નથી. એટલે યહોવાના ભક્તો બાઇબલની આ સલાહ દિલમાં ઉતારે છે: “તારી જુવાનીની પત્નીમાં આનંદ માન.”—નીતિવચનો ૫:૧૮.

૧૭. (ક) વ્યભિચાર વિષે લોકો કેવું માને છે? આપણે શા માટે તેઓના રંગે રંગાવું ન જોઈએ? (ખ) આપણે કઈ રીતે અયૂબ જેવા બનવું જોઈએ?

૧૭ લગ્‍નસાથી સિવાય બીજા કોઈની સાથે જાતીય સંબંધ બાંધનારા યહોવાના નિયમોનું ઘોર અપમાન કરે છે. આજે વ્યભિચારને ઘણા લોકો સામાન્ય ગણે છે. દુનિયાના લોકો ભલે ગમે એમ કરે, પણ આપણે તેઓના રંગે રંગાવું ન જોઈએ. કદીયે ન ભૂલીએ કે આખરે તો માણસ નહિ, પણ “ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.” (હિબ્રૂ ૧૦:૩૧; ૧૨:૨૯) એટલે આપણે આ બાબતે યહોવાનાં ધોરણોને વળગી રહીએ છીએ. (રોમનો ૧૨:૯) અયૂબના આ શબ્દો યાદ રાખીએ: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે.” (અયૂબ ૩૧:૧) યહોવાના ભક્તો પણ પોતાની આંખોને કાબૂમાં રાખે છે અને કોઈને બૂરી નજરે જોતા નથી. તેઓ પોતાના લગ્‍નસાથીને વફાદાર રહે છે. વ્યભિચારની ખાઈ તરફ લઈ જતા માર્ગે તેઓ એક પગલું પણ ભરતા નથી.—વધારે માહિતીમાં “છૂટાછેડા અને પતિ-પત્નીના અલગ થવા વિશે બાઇબલ શું કહે છે” લેખ જુઓ.

૧૮. (ક) યહોવા વ્યભિચારને કેટલી હદે નફરત કરે છે? (ખ) વ્યભિચાર અને મૂર્તિપૂજા કઈ રીતે એકસરખાં પાપ છે?

૧૮ યહોવા વ્યભિચારને કેટલી હદે નફરત કરે છે? એ વિષે મૂસાના નિયમો જોવાથી યહોવાના વિચારો જાણી શકીએ. ઇઝરાયલમાં વ્યભિચાર કે મૂર્તિપૂજા કરનારને મોતની સજા થતી. (લેવીય ૨૦:૨, ૧૦) શું તમે જોઈ શકો છો કે એ બંને પાપ કઈ રીતે એકસરખાં છે? જે ઇઝરાયલી મૂર્તિપૂજા કરતો, તે યહોવા સાથેના કરારનો ભંગ કરતો હતો. એ જ રીતે, વ્યભિચાર કરનાર ઇઝરાયલી પોતાની પત્ની સાથેના કરારનો ભંગ કરતો હતો. બંને કિસ્સામાં તેઓ કપટથી વર્તતા હતા. (નિર્ગમન ૧૯:૫, ૬; પુનર્નિયમ ૫:૯; માલાખી ૨:૧૪) યહોવા તો વફાદાર અને ભરોસાપાત્ર છે. તેમની સામે વ્યભિચારી અને મૂર્તિપૂજક ગુનેગાર સાબિત થતા હતા.—ગીતશાસ્ત્ર ૩૩:૪.

૧૯. વ્યભિચારથી દૂર રહેવાના આપણા નિર્ણયમાં અડગ રહેવા શેમાંથી મદદ મળી શકે? કેવી રીતે?

૧૯ ખરું કે આજે યહોવાના ભક્તો મૂસાના નિયમોથી બંધાયેલા નથી. તોપણ, જૂના જમાનાના ઇઝરાયલમાં વ્યભિચારને યહોવા મોટું પાપ ગણતા, એ યાદ રાખવાથી મદદ મળે છે. એનાથી આપણે એવાં કામોથી દૂર રહેવાના આપણા નિર્ણયમાં અડગ બનીએ છીએ. એક દાખલો લો. શું તમે ચર્ચમાં જઈને, ઘૂંટણે પડી મૂર્તિ સામે નમશો? તમે કહેશો, ‘કદીયે નહિ!’ જો એમ કરવા કોઈ તમને ઘણા પૈસા આપે, તો શું તમે લલચાશો? તમે કહેશો, ‘અરે, સપનામાં પણ નહિ!’ યહોવાના સાચા ભક્તને મૂર્તિપૂજાના વિચારથી પણ નફરત છે. તે એમ કરીને યહોવાને બેવફા બનવાનું વિચારી પણ શકતો નથી. એવી જ રીતે, વ્યભિચારની જોરદાર લાલચ સામે આવે ત્યારે, યહોવાના ભક્તને એટલી જ સખત નફરત થવી જોઈએ. તેણે કદી ભૂલવું ન જોઈએ કે આવું મોટું પાપ કરીને તે યહોવાને અને પોતાના લગ્‍નસાથીને બેવફા બને છે. તેઓનો ગુનેગાર બને છે! (ગીતશાસ્ત્ર ૫૧:૧, ૪; કલોસી ૩:૫) આપણે એવું કંઈ કરવા માંગતા નથી, જેનાથી યહોવા અને લગ્‍નની પવિત્ર ગોઠવણનું અપમાન થાય. એનાથી તો ફક્ત શેતાન રાજી થશે.

લગ્‍નબંધન મજબૂત બનાવવા શું કરશો?

વૃદ્ધ યુગલે એકબીજાનો હાથ પકડ્‌યો છે

૨૦. અમુકના લગ્‍નજીવનમાં શું બન્યું છે? ઉદાહરણ આપી સમજાવો.

૨૦ આપણે જોયું કે લગ્‍નબંધનનું અપમાન કરે, એવી કોઈ પણ રીતે ન વર્તવું જોઈએ. એ ઉપરાંત, બીજાં કેવાં પગલાં ભરવાં જોઈએ, જેનાથી જીવનસાથી માટે ફરીથી માન અને પ્રેમ જાગી ઊઠે? એના જવાબ માટે લગ્‍નની ગોઠવણને એક ઘર સાથે સરખાવો. પતિ-પત્ની એકબીજાને માન આપે એવી મીઠી વાણી, પ્રેમભર્યું વર્તન અને વહાલ જાણે ઘરને સજાવવાની ચીજો છે. એ ઘરને સુંદર મજાનું બનાવે છે. જો તમે પતિ-પત્ની એકબીજાના સંગાથનો આનંદ માણતા હોવ, તો એ જાણે ઘરમાં રંગ ભરે છે અને એનો માહોલ પ્રેમાળ બનાવે છે. પણ એકબીજા માટેનો પ્રેમ ઓછો થઈ જાય તો, જાણે ઘરની સજાવટ ધીમે ધીમે દૂર થતી જાય છે. પછી તમારું લગ્‍નજીવન શણગાર વિનાના ઘર જેવું બની જાય છે. ‘લગ્‍નને માનયોગ્ય ગણવાની’ ઈશ્વરની આજ્ઞા પાળવા માગતા હોવાથી, તમે એવા સંજોગોમાં સુધારો કરવા માગશો, ખરું ને! તમારી નજરે લગ્‍ન અનમોલ અને માનયોગ્ય હોવાથી, તમે એને ફરીથી સુખી બનાવવા ચાહો છો. તમે શું કરી શકો? બાઇબલ જણાવે છે કે “જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિ વડે તે સ્થિર થાય છે; અને ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે.” (નીતિવચનો ૨૪:૩, ૪) એ શબ્દો લગ્‍નજીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય, એનો વિચાર કરો.

૨૧. લગ્‍નબંધનને મજબૂત બનાવવા શું કરવું જોઈએ? (“હું લગ્‍નજીવનમાં સુધારો કરવા શું કરી શકું?” બૉક્સ પણ જુઓ.)

૨૧ કુટુંબ સુખી થાય એવી “મૂલ્યવાન” ચીજોમાં સાચો પ્રેમ, ઈશ્વરનો ડર અને અડગ શ્રદ્ધા જેવા અનમોલ ગુણો આવી જાય છે. (નીતિવચનો ૧૫:૧૬, ૧૭; ૧ પિતર ૧:૭) એનાથી લગ્‍નબંધન મજબૂત બને છે. ઉપર જણાવેલા નીતિવચનમાં તમે નોંધ લીધી કે કઈ રીતે મૂલ્યવાન ચીજોથી ઓરડાઓ ભરવામાં આવે છે? “ડહાપણ” કે જ્ઞાન દ્વારા. બાઇબલના જ્ઞાન પ્રમાણે જીવવાથી, લોકોના વિચારોમાં સુધારો થાય છે. એ તેઓના લગ્‍નજીવનમાં પ્રેમની જ્યોત ફરીથી પ્રગટાવે છે. (રોમનો ૧૨:૨; ફિલિપી ૧:૯) તમે તમારા લગ્‍નસાથી સાથે બેસીને નિરાંતે બાઇબલમાંથી કંઈક વાંચતા હશો. જેમ કે દિવસનું વચન, અથવા તો ચોકીબુરજ કે સજાગ બનો! મૅગેઝિનમાંથી લગ્‍નને લગતો કોઈ લેખ. એમ કરો છો ત્યારે તમે જાણે તમારા ઘરને સુંદર બનાવવા માટે શણગારની ચીજો જોઈ રહ્યા છો. યહોવા પરના પ્રેમને લીધે, તમે એ સલાહ તમારા લગ્‍નજીવનમાં લાગુ પાડો ત્યારે જાણે કે શણગારની ચીજો તમારા ‘ઓરડાઓમાં’ લાવો છો. આમ, લગ્‍નજીવનમાં જે ખુશી અને પ્રેમ અગાઉ હતા, એ ધીમે ધીમે પાછા આવી શકે છે.

૨૨. પતિ અને પત્ની લગ્‍નબંધન મજબૂત બનાવવા પૂરો પ્રયત્ન કરતા રહેશે તો શું થશે?

૨૨ ઘરને શણગારીને સુંદર બનાવવા સારો એવો સમય અને મહેનત જરૂરી છે. લગ્‍નજીવનમાં પણ એવું જ છે. પણ તમે બંને પૂરો પ્રયત્ન કરતા રહેશો તો, એ જાણીને ખુશ થશો કે તમે બાઇબલની આ આજ્ઞા પાળો છો: “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” (રોમનો ૧૨:૧૦; ગીતશાસ્ત્ર ૧૪૭:૧૧) એટલું જ નહિ, લગ્‍નને માનયોગ્ય રાખવા તમે દિલથી જે પ્રયત્નો કરો છો, એ તમને ઈશ્વરના પ્રેમની છાયામાં રાખશે.

હું લગ્‍નજીવનમાં સુધારો કરવા શું કરી શકું?

એક પતિ પોતાની પત્નીને ચા બનાવી આપીને તેની કદર કરે છે

સિદ્ધાંત: “તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૩૩.

આ સવાલોનો વિચાર કરો

  • મારા જીવનસાથીમાં કયા સારા ગુણો છે અને હું એની કદર કરું છું એમ કઈ રીતે બતાવી શકું?—નીતિવચનો ૧૪:૧; ૩૧:૨૯; ૧ પિતર ૩:૧, ૬; ૪:૮.

  • શું હું મારા લગ્‍નસાથીના વિચારો અને લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરીને તેમને માન આપું છું?—ફિલિપી ૨:૪.

  • મારા સાથીની ભૂલોને ખુશીથી માફ કરવા હું તૈયાર રહું છું?—માથ્થી ૬:૧૪, ૧૫.

  • છેલ્લે મેં ક્યારે મારા જીવનસાથીને પ્રેમ બતાવ્યો હતો?—ગીતોનું ગીત ૨:૯-૧૪.

  • યહોવાની ભક્તિમાં કયા ધ્યેયો પૂરા કરવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ?—માથ્થી ૬:૩૩, ૩૪; ૧ કરિંથી ૯:૨૪-૨૭.

  • અમે ભેગા મળીને બાઇબલ વાંચીએ અને દિવસના વચન પર વિચાર કરીએ, એ માટે મારા સાથીને ઉત્તેજન આપવા હું શું કરી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો