વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૨/૧૩ પાન ૩-૪
  • ઍપાર્ટમેન્ટમાં પણ “સુવાર્તાની સાક્ષી” આપીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઍપાર્ટમેન્ટમાં પણ “સુવાર્તાની સાક્ષી” આપીએ
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૨/૧૩ પાન ૩-૪

ઍપાર્ટમેન્ટમાં પણ “સુવાર્તાની સાક્ષી” આપીએ

૧. બધે જ “સુવાર્તાની સાક્ષી” આપવામાં શાનો સમાવેશ થાય છે?

૧ પ્રેરિત પાઊલની જેમ આપણે બધે જ “સુવાર્તાની સાક્ષી” આપવા ચાહીએ છીએ. (પ્રે.કૃ. ૨૦:૨૪) એટલે જ આપણા વિસ્તારમાં બની શકે એટલા લોકો સુધી પહોંચવા મહેનત કરીએ છીએ. એમાં ઍપાર્ટમેન્ટ કે ફ્લૅટમાં રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે. અમુક વાર આવી જગ્યાઓએ પ્રવેશ મેળવવો અઘરો હોય છે. ફ્લૅટમાં ઘણા લોકો રહેતા હોવાથી સત્યની ખુશખબર ફેલાવવાની આપણી પાસે ઘણી તક રહેલી છે.

૨. ઍપાર્ટમેન્ટમાં પ્રચાર કરતી વખતે સમજી-વિચારીને વર્તવું કેમ જરૂરી છે?

૨ વધી રહેલા ગુના અને હિંસાને લીધે ઘણાં ઍપાર્ટમેન્ટના ઝાંપે તાળું અને ચોકીદાર કે પછી સી.સી.ટી.વી. કૅમેરા હોય છે. (૨ તીમો. ૩:૧, ૨) કદાચ સંચાલકનો નિયમ હોય કે અજાણી વ્યક્તિને અંદર ન આવવા દેવી. જો કોઈ ઘરમાલિક ફરિયાદ કરે, તો ચોકીદાર કે સંચાલક આપણને એ જગ્યા છોડવા પણ કહી શકે. એટલે આપણે સમજી-વિચારીને વર્તીએ એ ખૂબ જરૂરી છે.

૩. કયા સમયે ઍપાર્ટમેન્ટમાં પ્રચાર કરવો યોગ્ય હશે અને કેમ?

૩ ક્યારે પ્રચાર કરવો: બીજા વિસ્તારની જેમ ઍપાર્ટમેન્ટમાં પણ લોકો ઘરે હોય ત્યારે કામ કરી શકાય. ઘરમાલિક મોટા ભાગે ઘરે ન હોય એવા સમયે જઈશું તો લોકો શંકા કરશે. ઘણા પ્રકાશકોને સાંજના સમયે કે શનિ-રવિના બપોરે પ્રચારમાં જવાથી ઘણી સફળતા મળી છે. ખાસ કરીને શનિ-રવિના જો વહેલી સવારે પ્રચાર કરીશું, તો કદાચ ત્યાંના લોકો સંચાલકને ફરિયાદ કરશે.

૪, ૫. અમુક ઍપાર્ટમેન્ટમાં પ્રવેશ મેળવવા શું કરી શકીએ?

૪ પ્રવેશ માટે: ઍપાર્ટમેન્ટમાં પ્રચાર કરતાં પહેલા પ્રકાશકે સંચાલક કે બીજા કોઈ ઉપરી સાથે વાત કરવાની જરૂર નથી. જો ઇન્ટરકૉમ હોય તો એના દ્વારા એવી વ્યક્તિ શોધી શકાય જેને આપણું સાંભળવામાં રસ છે. ઍપાર્ટમેન્ટ પરથી નક્કી કરી શકાય કે, જે વ્યક્તિએ અંદર બોલાવ્યા છે તેની સાથે વાત કર્યા પછી બીજા ઘરે વાત કરીશું કે કેમ. કદાચ કોઈ કિસ્સામાં તમે બિલ્ડિંગની બહાર નીકળીને ફરીથી ઇન્ટરકૉમ દ્વારા બીજા કોઈ સાથે વાત કરી શકો. એક જ સમયે આપણે કેટલી વ્યક્તિઓને આ રીતે મળીશું એ સમજી વિચારીને નક્કી કરવું જોઈએ.

૫ અમુક ઘરમાલિક ચાહશે કે તમે તમારા આવવાનો હેતુ ઇન્ટરકૉમ પર જણાવો. એમ હોય તો, પ્રેમથી તમારી ઓળખ આપો. જો તેઓનું નામ ડિરેક્ટરી કે લિસ્ટમાં હોય, તો નામ લઈને તેઓ સાથે વાત કરો. ટૂંકમાં જણાવો કે તમે શું કહેવા આવ્યા છો.

૬. ચોકીદાર હોય એવા ઍપાર્ટમેન્ટમાં આપણે શું કરીશું?

૬ જો ચોકીદાર આપણને ઍપાર્ટમેન્ટમાં જવાની મના કરે, તો તેને સંદેશો જણાવી શકાય. ઘણા ચોકીદારને આપણું સાહિત્ય વાંચવાની મઝા આવે છે. તેઓ સાથે આપણે કદાચ બાઇબલ અભ્યાસ શરૂ કરી શકીએ છીએ. જો ચોકીદાર આપણને રસ ધરાવતા ઘરમાલિકને મળવાની પરવાનગી આપે, તો બીજા ઘરે જવાની છૂટ લેવી ન જોઈએ.

૭. ઍપાર્ટમેન્ટના સંચાલક પાસેથી મંજૂરી લેતી વખતે શું કહી શકાય?

૭ અમુક કિસ્સામાં ઍપાર્ટમેન્ટમાં પ્રચાર કરવા કદાચ ચોકીદાર આપણને સંચાલક પાસેથી રજા માંગવાનું કહે. સંચાલક કે સેક્રેટરીને તમે આમ કહી શકો: “મારું નામ ___________________________ છે. અમે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાઈએ છીએ. રોજિંદા જીવનમાં લાગુ પડતા હોય એવા વિષય પર લોકો સાથે વાત કરીએ છીએ. જેમ કે, કુટુંબ સુખી બનાવવું, બાળકોનો સારો ઉછેર, જીવનની ચિંતાઓનો સામનો કરવો અને ઉજ્જવળ ભાવિની આશા રાખવી. [યોગ્ય મૅગેઝિન કે સાહિત્ય બતાવો.] તમે રજા આપો તો, અમે ટૂંકમાં ઘરમાલિક સાથે વાત કરીશું. તેઓને રસ હોય તો સાહિત્ય આપીશું, અમે એના પૈસા માંગતા નથી. કોઈ વ્યસ્ત હશે કે વાત કરવા નહિ ચાહતા હોય તો, તેઓને અમે દબાણ નહિ કરીએ.” અથવા તમે વાતચીતને અંતે આમ પણ કહી શકો: “ઘરમાલિક સાથે વાત કરવાની રજા આપશો તો, અમે એની ખૂબ કદર કરીએ છીએ. જો તેઓને રસ હોય તો સાહિત્ય રાખી શકે, અમે એના પૈસા માંગતા નથી.”

૮. પ્રચારની બેગ વિશે આપણે શું ધ્યાન રાખવું જોઈએ?

૮ દેખાવ અને વર્તન: પ્રચારમાં મોટી બેગ લઈ જઈશું તો લોકોનું ધ્યાન ખેંચાશે. એટલે સમજી વિચારીને નાની બેગ અથવા કંઈ જ ન લઈ જઈએ. અમુક પ્રકાશકો પાતળા ફોલ્ડરમાં સાહિત્ય અને ખિસ્સામાં બાઇબલ રાખે છે.

૯. સારું વર્તન કેવી રીતે બતાવીશું અને એ કેમ જરૂરી છે?

૯ ઍપાર્ટમેન્ટમાં જતા પહેલાં પગલુછણિયાં પર બૂટ સાફ કરો. ધીમેથી દરવાજો બરાબર બંધ કરો. આમ કરવાથી ઘરમાલિકને ફરિયાદ કરવાનું કારણ નહિ આપીએ. અંદર ગયા પછી જે માળ પર પ્રચાર કરવાના હો ત્યાં લિફ્ટથી કે ચાલીને તરત જ જાઓ. ઍપાર્ટમેન્ટના દરવાજા પાસે ઊભા રહીને ગપ્પાં ન મારો. એનાથી લોકોને આપણા વિશે ખોટી શંકા થશે નહિ.

૧૦. લૉબીમાં અવાજ કરવાનું કેવી રીતે ટાળી શકીએ?

૧૦ ઘણાં ઍપાર્ટમેન્ટની લૉબીમાં અવાજના પડઘા પડતા હોય છે. એટલે ઘરમાલિક સાથે ઊંચા અવાજે વાત કરવાને બદલે તે સાંભળી શકે એ રીતે વાત કરો. બીજા પ્રકાશક સાથે ધીમા અવાજે વાત કરો. ગુસપુસ કરતા હોય એ રીતે પણ વાત કરવાનું ટાળો, જેથી બીજાઓને શંકા ન જાય. લોકોને ખલેલ ન પહોંચે માટે અમુક પ્રકાશકો આમ કરે છે: એક પછી એક ઘર કરવાને બદલે એક ઘર કરીને બીજે છેડે બીજું ઘર કરશે. આ રીતે તેઓ આખો માળ આવરે છે. વધુમાં, દરવાજો જોરથી ખખડાવવાથી ઘરના લોકો બી જઈ શકે.

૧૧. પીપ હૉલ હોય એવા દરવાજે શું કરશો?

૧૧ અમુક દરવાજામાં બહાર જોવાનું કાણું (પીપ હૉલ) હોય છે. એમ હોય તો, ઘરમાલિક તમને અને તમારા સાથીને જોઈ શકે એ રીતે ઊભા રહો. એવું લાગે કે કોઈ અંદરથી જોઈ રહ્યું છે તો, પ્રેમથી વાત શરૂ કરો અને તમારો સંદેશો જણાવો. જો વ્યક્તિ પૂછે કે ‘તમે કોણ છો?’ તો તમારું અને તમારા સાથીનું નામ જણાવો. એનાથી ઘરમાલિક દરવાજો ખોલતા અચકાશે નહિ. તેઓ દરવાજો ન ખોલે, તોપણ તમે તમારો સંદેશો જણાવી શકો.

૧૨. ઘરે ન મળે એવા લોકોના દરવાજે સાહિત્ય મૂકતી વખતે શું યાદ રાખીશું?

૧૨ લોકો ઘરે ન મળે ત્યારે: ઘણી વાર સંચાલકોની ફરિયાદ હોય છે કે, તેઓએ લૉબી કે જમીન પરથી સાહિત્ય ઉઠાવવું પડે છે. સાહિત્ય જો દરવાજા બહાર મૂકેલું હશે, તો એ સહેલાઈથી ઊડી જશે અને લોકોને કચરો લાગી શકે. એટલે તમે સાહિત્ય એવી રીતે મૂકો કે પસાર થતા લોકોને એ ન દેખાય.

૧૩. ઘરમાલિક ગુસ્સે થાય તો આપણે શું કરવું જોઈએ?

૧૩ ગુસ્સો કરતા ઘરમાલિકો: ઘરમાલિક ગુસ્સે થાય અને ચોકીદારને બોલાવવાની ધમકી આપે તો, એ માળ છોડી દેવો સારું રહેશે. પછી બીજા કોઈ સમયે આવી શકો. અમુક કિસ્સામાં કદાચ એ બિલ્ડિંગ છોડી દેવી પડે જેથી સંચાલક કે ચોકીદારનો સામનો ન કરવો પડે. ગુસ્સે થયેલા ઘરમાલિકે તમને ફરી આવવાની મના ન કરી હોય તોપણ, તેનું નામ અને ઘર નંબર નોંધ કરો. ટેરેટરી કાર્ડમાં લખી લો કે ફરી આવવાની મના કરી (ડુ-નૉટ-કૉલ) છે. જેમ ‘ડુ-નૉટ-કૉલʼની સમયથી સમય મુલાકાત લેવામાં આવે છે, તેમ આવા ઘરમાલિકને પણ મળીને તેમની ઇચ્છા જાણી શકાય.

૧૪, ૧૫. જવાબદાર વ્યક્તિ બિલ્ડિંગ છોડવાનું કહે તો શું ધ્યાનમાં રાખીશું?

૧૪ તમને બિલ્ડિંગ છોડવાનું કહે: પ્રચાર કરતી વખતે સંચાલક, ચોકીદાર કે કોઈ જવાબદાર વ્યક્તિ આપણને ત્યાંથી જવાનું કહે તો તરત નીકળી જઈએ. બની શકે ત્યાં સુધી આપણે કેસ કે પોલીસ ફરિયાદ ટાળવા માંગીએ છીએ. મોટા ભાગે સંચાલકો યહોવાના સાક્ષીઓને નફરત કરતા નથી, પણ ફક્ત પોતાનું કામ કરતા હોય છે.

૧૫ તેથી, તેઓ તમને ત્યાંથી નીકળી જવાનું કહે તો, સમજી વિચારીને અને પ્રેમથી તમારા આવવાનો હેતુ જણાવી શકો. (૧ પીત. ૩:૧૫) આપણે સમજીએ છીએ કે ઘરમાલિકને ખુશ રાખવા અને બિલ્ડિંગ સુરક્ષિત રાખવાની તેઓની જવાબદારી છે. કદાચ તેઓ તમને બિલ્ડિંગમાં પ્રચાર કરવાની પરવાનગી આપે. પણ ન આપે તોય દલીલ કર્યા વગર ત્યાંથી નીકળી જાઓ. જો શક્ય હોય તો ઘરમાલિકના લેટર બૉક્સમાં કોઈક વાર સાહિત્ય છોડી જવાની રજા માંગી શકો. (કોલો. ૪:૬) આવા કિસ્સાઓ વિશે સેવા નિરીક્ષકને બધી જ માહિતી જણાવવી જોઈએ.

૧૬. બિલ્ડિંગમાં પ્રચાર કરવાની મના હોય તો, શું કરી શકીએ?

૧૬ કદાચ અમુક સમય પછી પ્રકાશક ફરી એ જ બિલ્ડિંગમાં સમજી વિચારીને પ્રચાર કરી શકે. પણ પ્રચાર કરવાની મના કરવામાં આવે તો, ત્યાંના ઘરમાલિકને મળવા બીજી રીતો અપનાવી શકાય. જેમ કે, ટેલિફોન કે પત્ર દ્વારા. કદાચ ચોકીદાર પાસેથી ઘરમાલિકના નામ અને ટેલીફોન નંબર મેળવી શકીએ. પત્ર લખો ત્યારે બૅનિફિટ ફ્રોમ થીઓક્રેટિક મિનિસ્ટ્રી સ્કૂલ એજ્યુકેશન પુસ્તકના પાન ૭૧-૭૩માં આપેલાં સૂચનો ધ્યાનમાં રાખો. અમુક પ્રકાશકો સવારે કે સાંજે બિલ્ડિંગની સામે કે આસપાસના રસ્તા પર પ્રચાર કરે છે, જેથી કામે જતા કે ઘરે આવતા લોકોને મળી શકે.

૧૭. ઍપાર્ટમેન્ટમાં પ્રચાર કરવું કેમ મહત્ત્વનું છે?

૧૭ આ દુષ્ટ દુનિયાનો અંત ઝડપથી આવી રહ્યો છે. યહોવામાં ભરોસો રાખે છે તેઓ જ બચશે. પણ કદાચ સવાલ થાય: “જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેને વિશે તેઓએ સાંભળ્યું નથી, તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે?” (રોમ. ૧૦:૧૩, ૧૪) નમ્ર દિલના અને ઈશ્વરના માર્ગે ચાલવા ઇચ્છે છે એવા ઘણા લોકો ઍપાર્ટમેન્ટમાં રહે છે. સમજી-વિચારીને પ્રચાર કરવાથી એવા લોકોને સંદેશો જણાવી શકીશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો