ભાગ ૧૫
દાનિયેલને ભાવિનું દર્શન મળે છે
ઈશ્વરનું રાજ્ય અને મસીહના આવવા વિષે દાનિયેલ અગાઉથી જણાવે છે. બાબિલોનનો નાશ થાય છે
યરુશાલેમના નાશ પહેલાં યુવાન દાનિયેલને બંદીવાન તરીકે બાબિલોન લઈ જવાયા. તેમની સાથે અમુક યહૂદીઓ પણ હતા. તેઓને બાબિલોનમાં પોતાની રીતે જીવવા અમુક છૂટ હતી. દાનિયેલે આખું જીવન ત્યાં જ ગુજાર્યું. તેમને નાનપણથી જ ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા. યહોવાએ તેમને ઘણા આશીર્વાદો આપ્યા. તેમને સિંહના મોંમાંથી બચાવ્યા. ભાવિમાં શું થશે એ વિષે ઘણાં દર્શન પણ આપ્યા. એમાંથી મસીહ અને તેમના રાજ વિષેનાં દર્શનો સૌથી મહત્ત્વનાં હતાં.
દાનિયેલને ખબર પડે છે કે મસીહ ક્યારે આવશે. દાનિયેલને યહોવાએ જણાવ્યું કે ‘અભિષિક્ત સરદાર’ એટલે મસીહ ૬૯ અઠવાડિયાં પછી આવશે. એ કિસ્સામાં દરેક અઠવાડિયું સાત દિવસનું નહિ, પણ સાત વર્ષનું હતું. એ પ્રમાણે ૬૯ અઠવાડિયાં એટલે ૪૮૩ વર્ષ. એની શરૂઆત ક્યારે થઈ? ઈ.સ. પૂર્વે ૪૫૫માં. એ વર્ષે યહૂદીઓને યરુશાલેમ પાછા જઈને શહેરની દીવાલો બાંધવાની રજા મળી હતી. આ ૬૯ અઠવાડિયાં ક્યારે પૂરાં થયાં? ઈસવીસન ૨૯માં. હવે પછીના પાન પર જોઈશું કે એ સાલમાં શું બન્યું. ઈશ્વરે દાનિયેલને એ પણ જણાવ્યું કે મસીહને “કાપી” કે મારી નાખવામાં આવશે, જેથી મનુષ્યને પાપોની માફી મળે.—દાનિયેલ ૯:૨૪-૨૬.
મસીહ સ્વર્ગમાં રાજા બનશે. દાનિયેલને સ્વર્ગ વિષે પણ દર્શન મળ્યું હતું. એમાં તેમણે “મનુષ્યપુત્રના જેવો એક પુરુષ” જોયો, જે મસીહને રજૂ કરે છે. એ પુરુષ યહોવાના રાજ્યાસન આગળ ગયા. યહોવાએ તેમને ‘સત્તા, મહિમા અને રાજ્ય આપ્યા.’ એ રાજ્ય હંમેશા ટકશે. મસીહના રાજ્ય વિષે દાનિયેલને એ પણ જાણવા મળ્યું કે મસીહ સાથે અમુક લોકો રાજ કરશે. બાઇબલ તેઓને ‘ઈશ્વરના પવિત્રજનો’ કહે છે.—દાનિયેલ ૭:૧૩, ૧૪, ૨૭.
મસીહનું રાજ્ય દુનિયાની સર્વ સરકારોને કાઢી નાખશે. બાબિલોનના રાજા નબૂખાદનેસ્સારને એક સપનું આવ્યું. એમાં તેણે એક મોટી મૂર્તિ જોઈ. મૂર્તિનું માથું સોનાનું હતું. છાતી અને હાથ ચાંદીના, પેટ અને જાંઘો પિત્તળના હતા. પગ લોઢાના અને પગના પંજા લોઢા ને માટીના બનેલા હતા. પછી નબૂખાદનેસ્સારે એક મોટો પર્વત જોયો. એમાંથી એક પથ્થર કાપવામાં આવ્યો. એ પથ્થર મૂર્તિના પગના પંજાઓ સાથે અથડાયો. મૂર્તિના ભૂક્કે-ભૂક્કા થઈ ગયા. દાનિયેલે એ સપનાનો અર્થ સમજાવતા કહ્યું: મૂર્તિના જુદા ભાગો એક પછી એક આવનાર જગત સત્તાઓ છે. સોનાનું માથું બાબિલોન છે. પછી દાનિયેલે એમ પણ કહ્યું કે છેલ્લી જગત સત્તાના સમયમાં ઈશ્વરનું રાજ્ય પગલાં ભરશે. દુનિયાની સર્વ સરકારોનો એ નાશ કરશે. પછી ઈશ્વરનું રાજ્ય કાયમ ટકશે.—દાનિયેલનો બીજો અધ્યાય.
દાનિયેલ ઘરડા થયા ત્યારે તેમણે બાબિલોનનો નાશ થતા જોયો. પ્રબોધકોએ અગાઉથી કહ્યું હતું તેમ, કોરેશ રાજાએ બાબિલોન જીતી લીધું. થોડા સમય બાદ કોરેશે યહૂદીઓને આઝાદ કર્યા. લખવામાં આવ્યું હતું તેમ, યહૂદીઓ બરાબર ૭૦ વર્ષના બંદીવાસ પછી વતન પાછા ગયા. યહૂદીઓએ મંત્રીઓ, યાજકો અને પ્રબોધકોના માર્ગદર્શન મુજબ યરુશાલેમ શહેર ફરી બાંધ્યું. યહોવાના મંદિરનું પણ સમારકામ કર્યું. પણ ૪૮૩ વર્ષના અંતે શું થયું?
—આ માહિતી દાનિયેલમાંથી છે.