વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bh પ્રકરણ ૧૩ પાન ૧૨૫-૧૩૩
  • જિંદગી, ઈશ્વરની અનમોલ ભેટ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જિંદગી, ઈશ્વરની અનમોલ ભેટ!
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • મથાળાં
  • સરખી માહિતી
  • જીવનને અનમોલ ગણીએ
  • ઈશ્વરની નજરે લોહી ને જીવન સરખા છે
  • યહોવાની ભક્તિમાં લોહીનું મહત્ત્વ
  • જીવન ઈશ્વરની ભેટ છે, એની કદર કરો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ઈશ્વરની જેમ તમે પણ જીવનને કીમતી ગણો
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
bh પ્રકરણ ૧૩ પાન ૧૨૫-૧૩૩

તેર

જિંદગી, ઈશ્વરની અનમોલ ભેટ!

  • ઈશ્વર જીવનને કેવું ગણે છે?

  • ગર્ભપાત વિશે ઈશ્વરને કેવું લાગે છે?

  • શું તમે જીવનને કીમતી ગણો છો?

૧. વિશ્વ અને એમાંના સર્વનું સર્જન કોણે કર્યું?

યર્મિયા નામના પયગંબરે કહ્યું: ‘યહોવા સત્ય ઈશ્વર છે. તે જ જીવતા-જાગતા ઈશ્વર છે.’ (યર્મિયા ૧૦:૧૦) યહોવાએ વિશ્વ બનાવ્યું. એમાંના જીવ-જંતુ, પશુ-પંખી, મનુષ્ય, સર્વના તે સર્જનહાર છે. એટલે જ સ્વર્ગદૂતોએ તેમની ભક્તિ કરતા કહ્યું: “તમે સર્વને ઉત્પન્‍ન કર્યાં, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.” (પ્રકટીકરણ ૪:૧૧) રાજા દાઉદે એક ભજનમાં યહોવાને કહ્યું: “જીવનનો ઝરો તમારી પાસે છે.” (ગીતશાસ્ત્ર ૩૬:૯) જીવન તો ઈશ્વરે આપેલું એક વરદાન છે.

૨. યહોવાએ કઈ રીતે આપણા જીવન માટે જરૂરી ચીજો આપી છે?

૨ યહોવા આપણા જીવન માટે જરૂરી બધું જ આપે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮) હવા, પાણી, ખોરાક અને રહેવા માટે સુંદર પૃથ્વી પણ આપી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૫-૧૭) જિંદગીની મજા માણવા, યહોવાએ આપણને જરૂર કરતાં વધારે આપ્યું છે. પણ જીવનમાં સાચું સુખ તો યહોવાની આજ્ઞાઓ પાળીને મળે છે.—યશાયા ૪૮:૧૭, ૧૮.

જીવનને અનમોલ ગણીએ

૩. હાબેલના ખૂનથી યહોવાને કેવું લાગ્યું?

૩ યહોવા ચાહે છે કે આપણે જીવનને કીમતી ગણીએ, પછી ભલે એ આપણું હોય કે બીજાનું. આદમ અને હવાનો દીકરો કાઈન, તેના નાના ભાઈ હાબેલ પર ગુસ્સે ભરાયો. યહોવાએ તરત જ કાઈનને ચેતવ્યો કે ‘ગુસ્સા પર કાબૂ રાખ. નહિ તો મોટું પાપ કરી બેસીશ.’ કાઈને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખ્યું. તેણે “પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.” (ઉત્પત્તિ ૪:૩-૮) યહોવાએ કાઈનને સજા કરી, કેમ કે તેણે પોતાના ભાઈનું ખૂન કર્યું હતું.—ઉત્પત્તિ ૪:૯-૧૧.

૪. મૂસાને આપેલા નિયમો પ્રમાણે યહોવા જીવનને કેવું ગણે છે?

૪ એ બનાવને કંઈક ૨,૪૦૦ વર્ષ બાદ, યહોવાએ મૂસા દ્વારા ઇઝરાયલી પ્રજાને કાયદા-કાનૂન આપ્યા. એને મૂસાનું નિયમશાસ્ત્ર પણ કહેવાય છે. એમાંનો એક નિયમ આ છે: ‘તું ખૂન ન કર.’ (પુનર્નિયમ ૫:૧૭) એનાથી લોકોએ જાણ્યું કે યહોવાની નજરે માણસનું જીવન બહુ કીમતી છે. એવી જ રીતે, તેઓએ પણ એકબીજાનું જીવન કીમતી ગણવાનું હતું.

૫. ગર્ભપાત વિશે આપણને કેવું લાગવું જોઈએ?

૫ જે બાળક હજુ માના પેટમાં હોય, એના વિશે શું? મૂસાના નિયમ પ્રમાણે માની કૂખમાંના બાળકનો જીવ લેવો, એ પાપ હતું! ‘જો કોઈ માણસો એકબીજા સાથે લડતાં-ઝઘડતાં હોય અને કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે ને સ્ત્રીએ બાળકને સમય પહેલાં જન્મ આપવો પડે, પણ મા કે બાળકનું કોઈ મોટું નુકસાન ન થાય, તો સ્ત્રીનો પતિ ઠરાવે અને ન્યાયાધીશો મંજૂરી આપે તેટલી નુકસાની ઈજા કરનારે ભરી આપવી પડશે. પરંતુ તે સ્ત્રી કે બાળકનું મોત થાય તો આ પ્રમાણે સજા કરવી: જીવને બદલે જીવ.’ (નિર્ગમન ૨૧:૨૨, ૨૩, ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન) યહોવાની નજરે માની કૂખમાંના બાળકનો જીવ પણ કીમતી છે! (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) એ બતાવે છે કે ગર્ભપાત કરવો કે કરાવવો ઘોર પાપ છે! હત્યા છે!

૬. આપણે કેમ કોઈની નફરત ન કરવી જોઈએ?

૬ આપણે જીવનને કીમતી ગણતા હોઈએ તો, કોઈની નફરત ન કરીએ. બાઇબલ કહે છે: ‘જે કોઈ પોતાના ભાઈનો ધિક્કાર કરે છે તે ખૂની છે અને તમે જાણો છો કે ખૂનીને કાયમ માટેનું જીવન મળશે નહિ.’ (૧ યોહાન ૩:૧૫) જો આપણે હંમેશ માટે જીવવું હોય, તો દિલમાંથી વેરભાવ કે નફરત સાવ કાઢી નાખીએ. એમાંથી જ લડાઈ-ઝગડા ફાટી નીકળે છે. (૧ યોહાન ૩:૧૧, ૧૨) એના બદલે આપણે એકબીજાને દિલથી પ્યાર કરીએ.

૭. કેવી આદતો જીવનને સસ્તું બનાવી દે છે?

૭ આપણા પોતાના જીવન વિશે શું? આપણે એને કીમતી ગણીએ છીએ? મોટા ભાગે કોઈને મરવાનું ગમતું નથી. પણ અમુક લોકો મોજશોખ માટે જીવ જોખમમાં મૂકે છે. જેમ કે, ઘણા પાન-સોપારી કે તમાકુ ખાય છે. બીડી-સિગારેટ પીએ છે. અમુક તો ડ્રગ્સના બંધાણી હોય છે. એ બધું શરીરને નુકસાન કરે છે. અરે, ઘણાને મોતના મોંમાં ધકેલી દે છે. કોઈને આવી બૂરી આદતો હોય તો, તેઓ શું જીવનને ઈશ્વર પાસેથી મળેલું વરદાન માને છે? ના. યહોવા આ બધી આદતોને સખત નફરત કરે છે, કેમ કે એનાથી આપણને જ નુકસાન છે! (રોમન ૬:૧૯; ૧૨:૧; ૨ કરિંથી ૭:૧) આપણે દિલથી ઈશ્વરની ભક્તિ કરવી હોય તો, એવી આદતો છોડવી જ જોઈએ. એમ કહેવું તો સહેલું છે, પણ કરવું બહુ મુશ્કેલ લાગશે. પણ તમે જીવનમાં સુધારો કરો તેમ યહોવા જોઈ શકશે કે તમે કીમતી જીવનની કદર કરો છો, એને સાચવવા માગો છો. એટલે તે તમને ચોક્કસ મદદ કરશે.

૮. આપણી અને બીજાની સલામતીની ચિંતા શા માટે કરવી જોઈએ?

૮ જીવનની કદર કરવા, આપણે પોતાની અને બીજાની સલામતીનો પણ વિચાર કરીશું. મોજમજા કે શોખ માટે પોતાનો કે બીજાનો જીવ જોખમમાં મૂકીશું નહિ. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખીશું. હાથ-પગ ભાંગે કે જીવ જોખમમાં મૂકે એવી રમતો રમીશું નહિ. (નીતિવચનો ૩:૩૧) પહેલાના જમાનામાં યહોવાએ ઇઝરાયલી પ્રજાને આ નિયમ આપ્યો હતો: ‘જ્યારે તમે નવું ઘર બાંધો ત્યારે ધાબાને ફરતે દીવાલ બાંધવી. એ માટે કે કોઈ માણસ ઉપરથી પડીને મૃત્યુ પામવાથી તમારા પર ખૂનનો દોષ ન આવે.’ (પુનર્નિયમ ૨૨:૮) એ નિયમમાંથી આપણે કયો સિદ્ધાંત શીખી શકીએ? આપણા ઘરના દાદર કે પગથિયાં સલામત રાખીએ, જેથી કોઈ ઠોકર ખાઈને પડી ન જાય. કાર કે સ્કૂટર હોય તો, ધ્યાન રાખીએ કે એ ચલાવવામાં કોઈ જોખમ તો નથી ને? આપણું ઘર કે વાહન કોઈના પણ માટે જોખમી ન હોવું જોઈએ.

૯. જીવનને મૂલ્યવાન ગણતા હોઈએ, તો પ્રાણીઓ સાથે પણ કેવી રીતે વર્તીશું?

૯ પશુ-પંખી કે જાનવર વિશે શું? ઈશ્વરની નજરમાં તેઓ પણ મૂલ્યવાન છે. ઈશ્વરના નિયમ પ્રમાણે, ખોરાક કે કપડાં માટે પ્રાણીઓને મારી શકાય. કોઈ પ્રાણી આપણા પર હુમલો કરે, જીવનું જોખમ હોય તો તેને મારી શકાય. (ઉત્પત્તિ ૩:૨૧; ૯:૩; નિર્ગમન ૨૧:૨૮) પરંતુ પ્રાણીઓ પર કદીયે જુલમ ન કરવો. શોખ ખાતર શિકાર કરવો પણ ખોટું છે. એમ કરીશું તો, આપણે જીવનને સસ્તું ગણીએ છીએ.—નીતિવચનો ૧૨:૧૦.

ઈશ્વરની નજરે લોહી ને જીવન સરખા છે

૧૦. જીવન અને લોહી વિશે યહોવાએ શું શીખવ્યું હતું?

૧૦ કાઈને પોતાના નાના ભાઈ હાબેલનું ખૂન કર્યું. પછી યહોવાએ કાઈનને કહ્યું, “તારા ભાઈનું રક્ત બદલો લેવા માટે મને ભૂમિમાંથી પોકારી રહ્યું છે.” (ઉત્પત્તિ ૪:૧૦) અહીં જોઈએ તો યહોવા હાબેલના રક્તને અને જીવનને સરખું જ ગણે છે. કાઈને હાબેલનું ખૂન કર્યું હતું. એટલે કાઈને એની સજા તો ભોગવવી જ પડે. હાબેલનું લોહી કે જીવ જાણે યહોવા પાસે ઇન્સાફ માગતો હતો. ઘણાં વર્ષો પછી યહોવાએ લોહી અને જીવનનો સંબંધ ફરીથી જણાવ્યો. એ નૂહનો જમાનો હતો. જળપ્રલય પહેલાં, લોકો ફક્ત શાકભાજી, ફળ, અનાજ અને સૂકો મેવો જેવો ખોરાક ખાતા. પરંતુ જળપ્રલય પછી યહોવાએ નૂહ અને તેના દીકરાઓને કહ્યું: “પહેલાં જેમ મેં તમને લીલાં શાકભાજી ખોરાક તરીકે આપ્યાં હતાં તેમ હવે પૃથ્વી પર હાલતાં-ચાલતાં બધાં પ્રાણી તમારો ખોરાક થશે.” પણ તેમણે આ મનાઈ કરી: “તમારે રક્તવાળું માંસ ખાવું નહિ, કારણ, રક્તમાં જીવ છે.” (ઉત્પત્તિ ૧:૨૯; ૯:૩, ૪) અહીં ફરીથી યહોવાએ બતાવ્યું કે તેમની નજરે લોહી અને જીવ સરખા જ છે.

૧૧. યહોવાએ નૂહના જમાનાથી લોહી વિશે કઈ આજ્ઞા આપી હતી?

૧૧ એટલે આપણે લોહીને જીવન જેટલું જ કીમતી ગણીએ છીએ. આપણે એ કોઈ પણ રીતે ખાઈશું નહિ. યહોવાએ લોહી ન ખાવાની આજ્ઞા પહેલા નૂહને આપી હતી. એનાં ૮૦૦ વર્ષ પછી એ જ આજ્ઞા ઇઝરાયલી લોકોને આપી. યહોવાએ કહ્યું: ‘જો કોઈ ખાવાલાયક પ્રાણી કે પક્ષીનો શિકાર કરે તો તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને માટીથી તેને ઢાંકી દેવું. મેં ઇઝરાયલી લોકોને રક્ત સહિત માંસ ન ખાવાની આજ્ઞા આપેલી છે.’ (લેવીય ૧૭:૧૩, ૧૪) યહોવાનો નિયમ બદલાયો ન હતો: તેમના લોકો માંસ ખાઈ શકતા, પણ લોહી નહિ. લોહી જમીન પર રેડી દેવાનું હતું. જાણે તેઓ એ પ્રાણીનું લોહી, એનું જીવન ઈશ્વરને પાછું આપી દેતા હતા.

૧૨. ઈશ્વરે પહેલી સદીમાં લોહી વિશે કઈ આજ્ઞા આપી હતી જે આજે પણ લાગુ પડે છે?

૧૨ પહેલી સદીમાં પણ યહોવાએ પોતાના ભક્તોને એવી જ આજ્ઞા આપી હતી. મંડળના જવાબદાર માણસોની એક સભા ભરાઈ હતી. એમાં એ નક્કી થયું કે બધા જ ઈશ્વરભક્તોએ કઈ કઈ આજ્ઞાઓ પાળવી જોઈએ. ઈશ્વરનો સંદેશો આપતા તેઓએ આમ લખ્યું: “અમને એ સારું લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી [જેનાથી માંસમાં લોહી રહી જાય છે], તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯; ૨૧:૨૫) એ જ આજ્ઞા આજે પણ યહોવાના ભક્તો પાળે છે. એટલે આપણે ‘લોહીથી દૂર રહેવું જોઈએ.’ યહોવાની એ આજ્ઞા તેમની બીજી આજ્ઞાઓ જેટલી જ મહત્ત્વની છે. જેમ કે, મૂર્તિપૂજા ન કરો કે વ્યભિચાર ન કરો.

એક માણસને દારૂની બોટલ નસ દ્વારા ચઢાવવામાં આવે છે

ડૉક્ટર દારૂ પીવાની ના પાડે તો, શું તમે એને શરીરમાં ચઢાવશો?

૧૩. ‘લોહીથી દૂર રહેવાનો’ અર્થ શું એમ થાય કે સારવારમાં પણ લોહી ન લેવું? ઉદાહરણથી સમજાવો.

૧૩ ‘લોહીથી દૂર રહેવાનો’ અર્થ શું એમ થાય કે સારવારમાં પણ લોહી ન લેવું? હા, ચોક્કસ. માનો કે ડૉક્ટર તમને દારૂ પીવાની ચોખ્ખી ના પાડે. શું તમે એમ કહેશો કે ‘મને દારૂ પીવાની ના પાડી છે, નસ દ્વારા શરીરમાં લેવાની તો ના પાડી નથી ને?’ તમે કદી એવું નહિ કહો! એ જ રીતે લોહીથી દૂર રહેવાનો અર્થ એ થાય કે કોઈ પણ રીતે લોહી આપણા શરીરમાં ન લેવું. આપણે ઈશ્વરની આજ્ઞા પાળવા માટે, કોઈને પણ આપણા શરીરમાં લોહી ચઢાવવા દઈશું નહિ.

૧૪, ૧૫. જો ડૉક્ટર દબાણ કરે કે લોહી લેવું જ પડશે, તો તમે શું કરશો? શા માટે?

૧૪ પણ ધારો કે આપણો ઍક્સિડન્ટ થાય. અથવા તો મોટા ઑપરેશનની જરૂર પડે. ડૉક્ટર કહે કે લોહી નહિ લો તો મરી જશો. ત્યારે આપણે શું કરીશું? આપણે મરવું તો નથી જ. જીવન તો ઈશ્વરે આપેલું વરદાન છે. એને બચાવવા આપણે એવી કોઈ પણ સારવાર લઈશું, જેમાં લોહી લેવાની જરૂર ન પડે. જરૂર પડે તો લોહી ચઢાવ્યા વગર સારવાર કરે એવા બીજા કોઈ ડૉક્ટરને શોધી શકીએ.

૧૫ આપણને કોઈને મરવું ગમતું નથી. પણ લોહી લઈએ તો, ઈશ્વરનો નિયમ તોડીશું. સદા માટે જીવવાનો મોકો ગુમાવી દઈશું. શું તમે આ દુનિયામાં થોડાં વર્ષો વધારે જીવવા, ઈશ્વરનો નિયમ તોડશો? ઈસુએ કહ્યું હતું: “જે કોઈ પોતાનું જીવન બચાવવા જશે તે તેને ગુમાવશે, પણ જે મારે લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે.” (માથ્થી ૧૬:૨૫) જો આપણે યહોવામાં પૂરી શ્રદ્ધા રાખીએ, તો એ વધારે સારું કહેવાય. તેમના નિયમો ખરા છે, આપણા ભલા માટે છે. ઈશ્વરના નિયમો પાળવાને લીધે મોત આવે તો? યહોવા જાણે છે કે આપણે જીવન કીમતી ગણીએ છીએ. તે આપણને જલદી જ જીવતા કરશે અને હંમેશાં જીવવાનું વરદાન આપશે!—યોહાન ૫:૨૮, ૨૯; હિબ્રૂ ૧૧:૬.

૧૬. લોહી વિશે ઈશ્વરભક્તોએ શું નિર્ણય લીધો છે?

૧૬ આજે યહોવાના ભક્તોએ મનમાં આ ગાંઠ વાળી છે: લોહી વિશે યહોવાની આજ્ઞા તેઓ પાળતા રહેશે. એટલે તેઓ કોઈ પણ રીતે લોહી ખાતા-પીતા નથી. કોઈ સારવારમાં પણ લોહી લેતા નથી.a લોહી બનાવનાર ઈશ્વર જાણે છે કે આપણા ભલા માટે સારું શું છે. યહોવાના ભક્તોને પણ તેમનામાં પૂરી શ્રદ્ધા છે. શું તમે પણ એવું માનો છો?

યહોવાની ભક્તિમાં લોહીનું મહત્ત્વ

૧૭. યહોવાએ ઇઝરાયલી પ્રજાને કઈ એક જ રીતે લોહી વાપરવાની રજા આપી હતી?

૧૭ યહોવાએ ઇઝરાયલી પ્રજાને પોતાની ભક્તિમાં જ લોહી વાપરવા જણાવ્યું હતું. તેમણે આ આજ્ઞા આપી: ‘દરેક સજીવ પ્રાણીનો જીવ તેના રક્તમાં છે. તેથી જ મેં પ્રભુએ લોકનાં પાપ દૂર કરવાને માટે યજ્ઞ-વેદી પર રક્ત રેડી પસ્તાવો કરવા આજ્ઞા આપી છે. કારણ, રક્તમાં જીવ હોવાને લીધે માત્ર રક્તથી જ પાપનો પસ્તાવો થાય છે.’ (લેવીય ૧૭:૧૧) ઇઝરાયલીઓ પાપ કરતા ત્યારે, તેઓ યહોવાના નિયમ પ્રમાણે જાનવરનું બલિદાન ચઢાવતા. એનું થોડું લોહી વેદી પર છાંટતા. આમ, તેઓ પાપનો પસ્તાવો કરતા, એની માફી મેળવી શકતા. એ વેદી પહેલાં ઈશ્વરના મંડપમાં હતી, અને પછી મંદિરમાં. યહોવાની આજ્ઞા પ્રમાણે, ફક્ત આ રીતે જ તેમની ભક્તિમાં લોહી વપરાતું હતું.

૧૮. ઈસુએ વહેવડાવેલા લોહીથી આપણને કયા આશીર્વાદો મળી શકે છે?

૧૮ આજે આપણે ઇઝરાયલી પ્રજાને આપેલા નિયમો પાળવા નથી પડતા. એટલે આપણે જાનવરનાં બલિદાનો ચઢાવતા નથી. મંદિરની વેદી પર એનું લોહી પણ છાંટતા નથી. (હિબ્રૂ ૧૦:૧) પણ એ જમાનામાં વેદી પર છાંટવામાં આવતું લોહી, ભાવિમાં ઈસુની કુરબાનીને બતાવતું હતું. આપણે પાંચમા પ્રકરણમાં યહોવાએ કરેલી એક ગોઠવણ વિશે શીખ્યા. સર્વને માફી મળે એ માટે ઈસુએ પોતાનું લોહી રેડી દઈને જીવન કુરબાન કરી દીધું. એ પછી યહોવાએ ઈસુને જીવતા કર્યા. ઈસુએ પાછા સ્વર્ગમાં જઈને જાણે પોતાનું લોહી યહોવાને ચરણે ધર્યું. તેમણે એક જ વાર એ કુરબાની આપી, પણ એના આશીર્વાદો સદાને માટે છે. (હિબ્રૂ ૯:૧૧, ૧૨) એ લોહીની કિંમતથી સર્વ માણસો હવે વારસામાં મળેલા પાપની માફી મેળવી શકે છે. તેઓને કાયમ માટે જીવવાનો મોકો પણ મળ્યો છે. (માથ્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬) ઈસુની કુરબાનીથી, તેમના લોહીથી આપણો ઉદ્ધાર થયો છે! (૧ પિતર ૧:૧૮, ૧૯) ઈસુની કુરબાનીમાં અતૂટ વિશ્વાસ મૂકીએ તો જ, આપણે પાપ અને મોતના પંજામાંથી આઝાદ થઈ શકીએ.

એક બહેન હૉસ્પિટલમાં ડૉક્ટરને સમજાવે છે કે લોહી વિશે બાઇબલ શું જણાવે છે

તમે જીવન અને લોહીને અમૂલ્ય ગણો છો એમ કેવી રીતે બતાવી શકો?

૧૯. ‘સર્વ માણસના લોહી વિશે નિર્દોષ’ રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૯ યહોવાએ આપણને જીવનનું વરદાન આપ્યું છે. એની આપણે દિલથી કદર કરીએ. ઈસુની કુરબાનીથી આપણને હંમેશ માટે જીવવાનો મોકો મળ્યો છે. આ જાણીને તમને કેવું લાગે છે? શું તમને નથી લાગતું કે આટલા સારા સમાચાર તો બધાએ જાણવા જોઈએ? યહોવાને લોકો પર બહુ પ્રેમ છે. તેમના જેવો પ્રેમ બતાવીને તમે પણ લોકોને પૂરા જોશથી એ આશીર્વાદો વિશે જણાવો. (હઝકિયેલ ૩:૧૭-૨૧) પછી તમે પણ ઈશ્વરભક્ત પાઉલની જેમ કહેશો: ‘સર્વ માણસના લોહી વિશે હું નિર્દોષ છું. કેમ કે ઈશ્વર જે જણાવવા ચાહતા હતા એ બધું જ મેં તમને કહ્યું છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૬, ૨૭) ચાલો આપણે ઈશ્વર અને તેમની ઇચ્છા વિશે લોકોને જોર-શોરથી જણાવીએ. એમ કરીને આપણે લોહીને, હા જીવનને હજુ પણ વધારે કીમતી ગણીએ!

તમે જીવનને કીમતી ગણો છો? તો પછી,

  • ગર્ભપાત ન કરો કે ન કરાવો

  • બીજાઓ માટે દિલમાં પણ નફરત ન કરો

  • શરીરને બગાડતી આદતો છોડી દો

    ૧. ગર્ભમાં રહેલું બાળક; ૨. એક વ્યક્તિ સિગારેટનું પેકેટ કચડે છે; ૩. જુદી જાતિમાંથી આવેલા બે મિત્રો

a સારવારમાં લોહી લેવાને બદલે બીજી કઈ કઈ સારવાર લઈ શકાય? એ વિશે જાણવા ચોકીબુરજ મૅગેઝિન જૂન ૧૫, ૨૦૦૪ પાન ૧૪-૨૪ અને ૨૯-૩૧ જુઓ. હાઉ કેન બ્લડ સેવ યોર લાઈફ? બ્રોશરમાં પાન ૧૩-૧૭ પણ જુઓ. આ સાહિત્ય યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

બાઇબલ આમ શીખવે છે

  • જીવન તો ઈશ્વરે આપેલું વરદાન છે.—ગીતશાસ્ત્ર ૩૬:૯; પ્રકટીકરણ ૪:૧૧.

  • ગર્ભપાત કરવો કે કરાવવો પાપ છે. માની કૂખમાંનો જીવ પણ યહોવાની નજરમાં કીમતી છે.—નિર્ગમન ૨૧:૨૨, ૨૩; ગીતશાસ્ત્ર ૧૨૭:૩.

  • પોતાનો કે બીજાનો જીવ જોખમમાં ન મૂકીએ. કોઈ પણ પ્રકારે લોહી ન લઈએ. એમ આપણે જીવનને અમૂલ્ય ગણીએ.—પુનર્નિયમ ૫:૧૭; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો