વિશ્વાસમાં સંપૂર્ણ થઈને દૃઢ રહો
“તે હંમેશાં તમારે સારૂ આગ્રહથી પ્રાર્થના કરે છે, કે દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દૃઢ રહો.”—કોલોસી ૪:૧૨.
ઈસુના શિષ્યોને પોતાના ખ્રિસ્તી ભાઈઓમાં ખૂબ રસ હતો. ટર્ટૂલિયને (બીજી અને ત્રીજી સદીના એક લેખકે) જણાવ્યું કે તેઓએ અનાથો, ગરીબો અને ઘરડા લોકોને દયા બતાવી હતી. ખ્રિસ્તીઓમાં આવો પ્રેમ જોવાથી કેટલાક અવિશ્વાસી લોકોએ કહ્યું, ‘જુઓ, તેઓમાં કેવો પ્રેમ છે.’
૨ આવો જ પ્રેમ પ્રેષિત પાઊલ અને તેમના સાથી એપાફ્રાસે કોલોસી મંડળને બતાવ્યો હતો. એ આપણને તેમણે લખેલા પત્ર પરથી જોવા મળે છે. પાઊલે તેઓને લખ્યું: “તે હંમેશાં તમારે સારૂ આગ્રહથી પ્રાર્થના કરે છે, કે દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દૃઢ રહો.” યહોવાહના સાક્ષીઓનું વર્ષ ૨૦૦૧ માટેનું વાર્ષિક વચન પણ કોલોસી ૪:૧૨માંથી લેવામાં આવ્યું છે: “દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દૃઢ રહો.”
૩ એપાફ્રાસે પોતાના પ્રિય મિત્રો માટે કરેલી પ્રાર્થનામાં બે બાબતો જોવા મળે છે. પહેલી, તેઓ ‘સંપૂર્ણ થઈને દૃઢ રહે.’ બીજી, તેઓ “દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને” દૃઢ રહે. આપણા લાભ માટે બાઇબલમાં એ માહિતી લખવામાં આવી છે. તેથી પોતાને પૂછો, ‘દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ રહેવા શું કરવાની જરૂર છે? વળી એમ કરવાથી શું લાભ થશે?’ ચાલો આપણે જોઈએ.
‘સંપૂર્ણ થઈને દૃઢ રહો’
૪ એપાફ્રાસ ઇચ્છતા હતા કે કોલોસી મંડળના ભાઈબહેનો ‘સંપૂર્ણ થઈને દૃઢ ઊભા રહે.’ પાઊલે અહીં ગ્રીક ભાષામાં “સંપૂર્ણ” શબ્દનો ઉપયોગ કર્યો છે. એનો અર્થ અનુભવી કે પરિપક્વ થઈ શકે છે. (માત્થી ૧૯:૨૧; હેબ્રી ૫:૧૪; યાકૂબ ૧:૪, ૨૫) તમે જાણતા જ હશો કે બાપ્તિસ્મા લઈને યહોવાહના સાક્ષી બનવાથી કંઈ અનુભવી ખ્રિસ્તી બની જવાતું નથી. પશ્ચિમ કોલોસીમાં એફેસીના ભાઈઓ રહેતા હતા. તેઓને મદદ કરવા પાઊલે ત્યાંના વડીલો અને શિક્ષકોને પત્ર લખ્યો કે જેથી તેઓ ‘સહુ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરે, અને એમ પરિપક્વ માણસો બનીને ખ્રિસ્તની સંપૂર્ણતાની હદ સુધી પહોંચે.’ બીજા એક પત્રમાં પણ પાઊલે ખ્રિસ્તી ભાઈઓને સમજણમાં પરિપક્વ થવા ઉત્તેજન આપ્યું હતું.—એફેસી ૪:૮-૧૩; ૧ કોરીંથી ૧૪:૨૦.
૫ કોલોસી મંડળમાં કોઈ ભાઈબહેનો હજી સમજણમાં પરિપક્વ થયા ન હોય તો, તેઓએ ત્યાં સુધી પહોંચવાની જરૂર હતી. આજે આપણા વિષે શું? ભલે આપણે વર્ષોથી સત્યમાં હોય કે હમણાં જ બાપ્તિસ્મા લીધુ હોય, પરંતુ શું આપણી સમજણ અને વિચારોમાં વધારો થયો છે? કોઈ પણ નિર્ણય લેતા પહેલાં શું આપણે બાઇબલ સિદ્ધાંતોનો વિચાર કરીએ છીએ? યહોવાહની ભક્તિ અને મંડળને લગતી બાબતોને શું આપણે જીવનમાં પ્રથમ મૂકીએ છીએ? આપણે ક્યાં પ્રગતિ કરવી જોઈએ એની યાદી બનાવવી તો શક્ય નથી, પણ આ બે ઉદાહરણોનો વિચાર કરો.
૬ પ્રથમ ઉદાહરણ: ધારો કે આપણે એવા વિસ્તારમાં મોટા થયા હોઈએ જ્યાં બીજી જાતિ અને પરદેશી લોકો માટે વેરભાવ રાખવામાં આવે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે પરમેશ્વર પક્ષપાતી નથી. તેથી, આપણે પણ કોઈ ભેદભાવ રાખવો જોઈએ નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧૪, ૧૫, ૩૪, ૩૫) આપણા મંડળ કે સરકીટમાં પણ ઘણા પરદેશી ભાઈબહેનો છે. શું આપણે તેઓ વિષે ખોટું વિચારીએ છીએ? તેઓથી કોઈ ભૂલ થઈ જાય તો, શું આપણને તરત જ ખોટું લાગી જાય છે? યહોવાહ પક્ષપાતી નથી, તેથી તેમના જેવા બનવા આપણે કેવા વધારે સુધારા કરવાની જરૂર છે?—માત્થી ૫:૪૫-૪૮.
૭ બીજું ઉદાહરણ: ફિલિપી ૨:૩ પ્રમાણે આપણે ‘પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરીએ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા જોઈએ.’ શું એ વિષે આપણે સુધારો કરી રહ્યાં છીએ? દરેકમાં સારાં અને ખરાબ ગુણો હોય છે. કદાચ અગાઉ આપણે બીજાઓની ભૂલો તરત જ શોધી કાઢતા હતા. શું હવે આપણે એમાં સુધારો કર્યો છે, જેથી બીજાઓ પાસેથી ‘સંપૂર્ણતાની’ આશા ન રાખીએ? (યાકૂબ ૩:૨) શું આપણે બીજાઓમાં સારાં ગુણો જોઈને એમ સ્વીકારીએ છીએ કે તેઓ આપણા કરતાં ચઢિયાતા છે? દાખલા તરીકે, ‘ખરેખર એ બહેન મારા કરતાં ઘણી ધીરજવાન છે.’ ‘પેલી વ્યક્તિ મારા કરતાં ઘણી આશાવાદી છે.’ ‘તે મારા કરતાં ઘણો સારો શિક્ષક છે.’ ‘તેનો સ્વભાવ ખૂબ જ સારો છે.’ કોલોસી મંડળના અમુક ભાઈબહેનોને આવા ગુણો કેળવવાની જરૂર હતી. આપણા વિષે શું?
૮ એપાફ્રાસે પ્રાર્થના કરી કે કોલોસી મંડળના ભાઈબહેનો વિશ્વાસમાં ‘સંપૂર્ણ થઈને દૃઢ રહે.’ અહીં તેમના કહેવાનો અર્થ એ હતો કે તેઓ વિશ્વાસમાં અનુભવી, પરિપક્વ ખ્રિસ્તીઓ થાય અને ટકી રહે.
૯ પરંતુ એવું નથી કે બાપ્તિસ્મા પામેલી દરેક નવી વ્યક્તિ અથવા અનુભવી ખ્રિસ્તી કાયમ વિશ્વાસમાં દૃઢ રહેશે. ઈસુએ કહ્યું હતું કે પરમેશ્વરનો દૂત પણ “સત્યમાં સ્થિર રહ્યો નહિ.” (યોહાન ૮:૪૪) તેમ જ પાઊલે કોરીંથીઓને એવા ખ્રિસ્તી ભાઈઓની યાદ અપાવી કે જેઓએ યહોવાહની થોડા સમય માટે જ સેવા કરી હતી. પરમેશ્વરના પવિત્ર આત્માથી અભિષિક્ત થયેલા ભાઈઓને તેમણે ચેતવણી આપી: “કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.” (૧ કોરીંથી ૧૦:૧૨) તેથી, તેમણે કોલોસીના ભાઈબહેનો માટે પ્રાર્થના કરી કે તેઓ ‘સંપૂર્ણ થઈને દૃઢ રહે.’ તેઓએ વિશ્વાસમાં સંપૂર્ણ અને પરિપક્વ થયા પછી, પ્રગતિ કરવાની જરૂર હતી. (હેબ્રી ૨:૧; ૩:૧૨; ૬:૬; ૧૦:૩૯; ૧૨:૨૫) જેથી, તેઓ ન્યાયકરણના દિવસે “સંપૂર્ણ” થઈને દૃઢ રહી શકે.—૨ કોરીંથી ૫:૧૦; ૧ પીતર ૨:૧૨.
૧૦ આપણે અગાઉના લેખમાં શીખી ગયા કે ભાઈબહેનો માટે સ્પષ્ટ પ્રાર્થના કરવી કેટલી મહત્ત્વની છે. જેથી યહોવાહ તેઓને પવિત્ર આત્મા દ્વારા દિલાસો, મદદ અને આશીર્વાદ આપે. એપાફ્રાસે કોલોસી મંડળ માટે એવી જ પ્રાર્થના કરી હતી. આપણે પણ યહોવાહને પ્રાર્થના કરીએ ત્યારે એ સૂચનો લાગું પાડવા જોઈએ. ‘સંપૂર્ણ થઈને દૃઢ રહેવા’ માટે આપણે પ્રાર્થનામાં યહોવાહ પાસેથી મદદ માંગવી જોઈએ. શું તમે એમ કરો છો?
૧૧ કેમ નહિ કે યહોવાહને પ્રાર્થનામાં તમારા સંજોગો વિષે જણાવો? ખ્રિસ્તી સમજણમાં “સંપૂર્ણ” થવા તમે જે સુધારો કર્યો છે એ વિષે યહોવાહને જણાવો. તમારી પ્રાર્થનામાં મદદ માગો જેથી જ્યાં સુધારો કરવાની જરૂર છે એ તમે જાણી શકો. (ગીતશાસ્ત્ર ૧૭:૩; ૧૩૯:૨૩, ૨૪) ખરું કે, તમારે ઘણો સુધારો કરવાની જરૂર હશે. તેથી નિરાશ થવાને બદલે પરમેશ્વરને વિનંતી કરો કે તમને મદદ કરે. એ વિષે વારંવાર પ્રાર્થનામાં જણાવો. ‘સંપૂર્ણ થઈને દૃઢ થવા’ જલદી જ પૂરા દિલથી પ્રાર્થના કરવાનો નિર્ણય કરો. તમે વાર્ષિક વચન પર મનન કરો તેમ, તમારો ધ્યેય પૂરો કરવા ઘણો પ્રયત્ન કરો. પરમેશ્વરની સેવા કરવાથી તમને અટકાવે છે અને તેમના લોકોથી દૂર લઈ જાય છે, એવી નબળાઈઓ વિષે પ્રાર્થના કરો.—એફેસી ૬:૧૧, ૧૩, ૧૪, ૧૮.
દૃઢ રહેવા પ્રાર્થના કરો
૧૨ એપાફ્રાસે કોલોસી મંડળના ભાઈબહેનો માટે બીજી એક બાબત પણ પ્રાર્થનામાં જણાવી હતી કે જેથી તેઓ પરમેશ્વર આગળ દૃઢ રહી શકે. આજે એ આપણા માટે પણ એટલી જ જરૂરી છે. એ કઈ બાબત છે? તેમણે પ્રાર્થના કરી કે તેઓ ‘દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ રહે.’ તેઓ ખોટા શિક્ષણોથી અને ફિલસૂફીઓથી ઘેરાયેલા હતા. વળી કેટલાક તો સાચી ભક્તિ કરવાનો ઢોંગ કરતા હતા. દાખલા તરીકે, તેઓ યહુદી ધર્મ પ્રમાણે વિધિઓ અને ઉપવાસ કરવા માટે દબાણ કરતા હતા. જૂઠા શિક્ષકો એ દૂતોને મહત્ત્વ આપતા હતા, જેઓનો ઉપયોગ મુસાને નિયમો આપવા થયો હતો. આમ, ત્યાંના ભાઈઓમાં ઘણા મતભેદો હતા. જરા કલ્પના કરો કે એવા દબાણ હેઠળ તમે શું કરશો?—ગલાતી ૩:૧૯; કોલોસી ૨:૮, ૧૬-૧૮.
૧૩ ઈસુની ભૂમિકા પર ભાર મૂકીને પાઊલે આવા ખોટાં વિચારો અને શિક્ષણનો વિરોધ કર્યો. “તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે તેમ તેનામાં ચાલો, અને તેનામાં જડ ઘાલેલા તથા સ્થપાએલા થઈને, તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દૃઢ રહીને તેની વધારે ને વધારે ઉપકારસ્તુતિ કરો.” ખરેખર, યહોવાહના હેતુઓ અને આપણા જીવનમાં ખ્રિસ્તની જે ભૂમિકા છે, એ જાણ્યા પછી (કોલોસીના ભાઈબહેનો અને આપણને) પૂરી ખાતરી થવાની જરૂર છે. પાઊલે જણાવ્યું: “ખ્રિસ્તમાં દેવત્ત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે; અને તમે તેનામાં સંપૂર્ણ થયા છો; તે સર્વ રાજ્યનું તથા અધિકારનું શિર છે.”—કોલોસી ૨:૬-૧૦.
૧૪ કોલોસીના ભાઈબહેનો પરમેશ્વરના પવિત્ર આત્માથી અભિષિક્ત થએલા હતા. તેઓને સ્વર્ગીય જીવનની આશા હતી. તેથી તેઓની આશા જીવંત હતી એમાં કોઈ શંકા નથી. (કોલોસી ૧:૫) ‘દેવની ઇચ્છાથી’ તેઓને એ આશામાં પૂરો ભરોસો હતો. શું તેઓમાંના કોઈને પણ પોતાની આશામાં શંકા હતી? જરાય નહિ! આજે જેઓને પરમેશ્વર બગીચા જેવી નવી પૃથ્વી પર જીવવાની આશા આપે છે, તેઓને શું શંકા હોવી જોઈએ? ના, એ આશા ખરેખર ‘દેવની ઇચ્છાનો’ ભાગ છે. હવે આ પ્રશ્નોનો વિચાર કરો: તમે ‘મહાન વિપત્તિમાંથી’ બચી જનાર ‘મોટા સમુદાયનો’ ભાગ બનવા મહેનત કરતા હોવ તો, તમારી આશા કેટલી દૃઢ છે? (પ્રકટીકરણ ૭:૯, ૧૪) શું તમને ‘દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી’ છે?
૧૫ “આશા” રાખવાનો અર્થ એવો નથી કે ફક્ત કલ્પના કરવી કે સપના જોવા. પાઊલે અગાઉ રૂમી મંડળને એક પછી એક મુદ્દાઓ લખીને જણાવ્યા હતા એમાંથી આપણે એ જોઈ શકીએ છીએ. એ દરેક મુદ્દાઓ એક સાંકળની માફક એકબીજા સાથે જોડાએલા છે. પાઊલ “આશા” કઈ જગ્યાએ મૂકે છે એને ધ્યાન આપો: “આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમકે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે; અને આશા શરમાવતી નથી; કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.”—રૂમી ૫:૩-૫.
૧૬ તમે યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલ સંદેશો સાંભળ્યો ત્યારે, અમુક બાબતો વિષે નવાઈ લાગી હશે. જેમ કે મૂએલાઓ કેવી સ્થિતિમાં છે અથવા મૂએલાંને સજીવન કરવામાં આવશે. ઘણાએ સુંદર પૃથ્વી પર હંમેશ માટેના જીવન વિષે પ્રથમ વાર સાંભળ્યું હશે. શું તમને યાદ છે કે તમે એ વિષે પ્રથમ ક્યારે સાંભળ્યું હતું? એ કેવી ભવ્ય આશા છે કે માંદગી અને મરણ નહિ હોય, તમે મહેનતના ફળનો આનંદ માણી શકશો અને ત્યાં પ્રાણીઓ પણ શાંતિમાં રહેતા હશે! (સભાશિક્ષક ૯:૫, ૧૦; યશાયાહ ૬૫:૧૭-૨૫; યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) તમારી પાસે ખરેખર અદ્ભુત આશા છે!
૧૭ સમય જતાં, તમને સતાવણી કે વિરોધ પણ થયો હોય શકે. (માત્થી ૧૦:૩૪-૩૯; ૨૪:૯) આજે ઘણા દેશોમાં યહોવાહના લોકોના ઘરો લૂંટાઈ ગયાં હોવાથી તેઓ હવે ઘરબાર વિનાના થઈ ગયા છે. વળી અમુક ભાઈઓને ખૂબ મારવામાં આવ્યા છે. તેઓ પાસેથી બાઇબલ સાહિત્ય છીનવી લેવામાં આવ્યું છે તેમ જ ખોટી અફવા પણ ફેલાવવામાં આવી છે. રૂમી ૫:૩ પ્રમાણે, ગમે તેવી સતાવણી આવે તોપણ, તમે એમાં આનંદ માણી શકો કેમ કે એનું સારું પરિણામ આવશે. પાઊલે લખ્યું તેમ, કસોટીથી ધીરજ ઉત્પન્ન થાય છે. પછી ધીરજ પરમેશ્વરની પ્રશંસા લાવે છે. તમે પરમેશ્વરની ઇચ્છા પૂરી કરો છો તેથી તમને મનની શાંતિ મળે છે. પાઊલના શબ્દો પ્રમાણે તમે પરમેશ્વરની પ્રશંસા ‘અનુભવશો.’ પાઊલ કહેવાનું ચાલુ રાખે છે કે “અનુભવ આશાને ઉત્પન્ન કરે છે.” શા માટે પાઊલે “આશા” છેલ્લે મૂકી? પરમેશ્વરના રાજ્ય વિષે સાંભળ્યા પહેલાં, શું તમને એવી કોઈ આશા હતી?
૧૮ અહીં સંપૂર્ણ જીવનની આશા વિષે પહેલા આપણને કેવું લાગ્યું હતું એની પાઊલ વાત કરતા ન હતા. તેમણે જે સૂચવ્યું એમાં પ્રેરણા આપતો ઊંડો અર્થ રહેલો છે. ગમે તેવી મુશ્કેલીઓમાં પણ આપણે વિશ્વાસમાં ટકી રહીએ અને યહોવાહની પ્રશંસા અનુભવીએ, એનાથી આપણી આશા જીવંત થાય છે. આ રીતે આપણી આશા દિવસે દિવસે દૃઢ બનીને વધતી જ જશે. “આશા શરમાવતી નથી; કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.”
૧૯ એપાફ્રાસની પ્રાર્થના ખરા હૃદયની હતી કે કોલોસીઓના ભાઈબહેનોમાં પ્રેમ રહે અને તેઓ ‘દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામે.’ એ જ રીતે આપણે પણ પરમેશ્વરને આપણી આશા વિષે પ્રાર્થના કરવી જોઈએ. નવી દુનિયામાં જીવવાની આશા વિષે યહોવાહને પ્રાર્થનામાં જણાવો. એ પણ જણાવો કે તમે નવી દુનિયા વિષે લાંબા સમયથી રાહ જુઓ છો. વિશ્વાસમાં દૃઢ થવા તમને મદદ કરે એ માટે આજીજી કરો. એપાફ્રાસની જેમ ‘દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી’ પામવા પ્રાર્થના કરો.
૨૦ મોટા ભાગે બધા ભાઈબહેનો વિશ્વાસમાં દૃઢ રહે છે. પરંતુ, અમુક લોકો ન રહેતા હોય તો, એનાથી તમે નિરુત્સાહ ન થઈ જાઓ. અમુક લોકો વિશ્વાસમાં મંદ થઈ જશે, અવળા માર્ગે ચડી જશે અથવા પ્રગતિ કરવાનું છોડી દેશે. જોકે, ઈસુના પ્રેષિતોમાં પણ આવું થયું હતું. પરંતુ યહુદાએ વિશ્વાસઘાત કર્યો ત્યારે, શું બીજા પ્રેષિતો નિરુત્સાહ થઈ ગયા હતા? જરાય નહિ! પીતરે ગીતશાસ્ત્ર ૧૦૯:૮ લાગુ પાડીને બતાવ્યું કે બીજી વ્યક્તિ યહુદાની જગ્યા લેશે. તેની અવેજીમાં બીજાને પસંદ કરવામાં આવ્યો અને પરમેશ્વરના વફાદાર સેવકોએ હિંમતથી પ્રચાર કરવાનું ચાલું રાખ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૫-૨૬) તેઓએ સંપૂર્ણ વિશ્વાસથી દૃઢ રહેવાનો નિર્ણય કર્યો હતો.
૨૧ શું તમને એવું લાગે છે કે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાના અને વિશ્વાસમાં દૃઢ રહેવાના તમારા નિર્ણયની કોઈ નોંધ લેતું નથી? એમ ન માનશો. પરંતુ એની નોંધ લેવામાં આવે છે અને એની કદર પણ કરવામાં આવે છે. કોણ એની કદર કરે છે?
૨૨ આપણને ચાહનારા ખ્રિસ્તી ભાઈબહેનો એની નોંધ લેશે. તેઓ તમને ન જણાવે તોપણ, પાઊલે જે કહ્યું એનો તમે અનુભવ કરશો: “અમારી પ્રાર્થનાઓમાં તમારૂં સ્મરણ કરીને, અમે સદા તમો સર્વ વિષે દેવની ઉપકારસ્તુતિ કરીએ છીએ; કેમકે આપણા દેવ તથા બાપની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દૃઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ; . . . અમારી સુવાર્તા કેવળ શબ્દથી નહિ, પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક પણ તમારી પાસે આવી; . . . અને તમે . . . અમને તથા પ્રભુને અનુસરનારા થયા.” (૧ થેસ્સાલોનીકી ૧:૨-૬) તમે ‘દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ છો,’ એમ ખ્રિસ્તી ભાઈબહેનો પણ અનુભવશે.—કોલોસી ૧:૨૩.
૨૩ ખાસ મહત્ત્વનું એ છે કે યહોવાહ પરમેશ્વર ચોક્કસ એની નોંધ લેશે અને ખુશ થશે. એનું કારણ છે કે તમે પૂરા વિશ્વાસથી ‘દેવની સર્વ ઇચ્છામાં’ દૃઢ રહો છો. પાઊલે કોલોસીઓને ઉત્તેજન આપ્યું કે, “તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારૂ યોગ્ય રીતે” જીવી રહ્યાં છો. (કોલોસી ૧:૧૦) હા, અપૂર્ણ મનુષ્યો પણ યહોવાહને ખુશ કરી શકે છે. કોલોસીના ભાઈબહેનોએ પણ એમ જ કર્યું હતું. આજે આપણા ભાઈબહેનો પણ એમ જ કરે છે. તમે પણ એ પ્રમાણે કરી શકો છો. તેથી આ વર્ષે તમારી રોજની પ્રાર્થના અને વર્તન એ બતાવી આપશે કે, ‘દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ રહેવાનો’ તમે ધ્યેય બાંધ્યો છે.
શું તમને યાદ છે?
• ‘સંપૂર્ણ થઈને દૃઢ રહેવામાં’ શાનો સમાવેશ થાય છે?
• તમારે શાના વિષે પ્રાર્થના કરવી જોઈએ?
• રૂમી ૫:૪, ૫ પ્રમાણે, તમારે કેવી આશા રાખવી જોઈએ?
• આજનો અભ્યાસ તમને આ વર્ષે કયો ધ્યેય રાખવા ઉત્તેજન આપે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) લોકોએ અગાઉના ખ્રિસ્તીઓ વિષે શું નોંધ કરી? (ખ) કોલોસીઓના પત્રમાં કેવો પ્રેમ જોવા મળે છે?
૩. એપાફ્રાસે કઈ બે બાબતો માટે પ્રાર્થના કરી?
૪. કયા અર્થમાં કોલોસીના ભાઈઓને “સંપૂર્ણ” થવાની જરૂર હતી?
૫. કઈ રીતે સમજણમાં પરિપક્વ થવાનો ધ્યેય બનાવી શકીએ?
૬. યહોવાહ જેવા બનવા આપણે કેવા સુધારા કરવાની જરૂર છે?
૭. આપણે બીજાઓને કેવા ગણવા જોઈએ?
૮, ૯. (ક) કોલોસીના ભાઈબહેનો ‘સંપૂર્ણ થઈને દૃઢ રહે’ એવી એપાફ્રાસની પ્રાર્થનાનો શું અર્થ થાય છે? (ખ) શા માટે વિશ્વાસમાં દૃઢ રહેવાની જરૂર છે?
૧૦, ૧૧. (ક) એપાફ્રાસે પ્રાર્થના કરવા વિષે આપણા માટે કયું ઉદાહરણ બેસાડ્યું? (ખ) એપાફ્રાસની પ્રાર્થનાને ધ્યાનમાં રાખીને તમે શું કરશો?
૧૨. શા માટે કોલોસીઓને “દૃઢ” રહેવાની જરૂર હતી?
૧૩. કોલોસીઓને શામાંથી મદદ મળી અને એમાંથી આપણને કઈ રીતે મદદ મળી શકે?
૧૪. શા માટે કોલોસીના ભાઈબહેનોની આશા જીવંત હતી?
૧૫. પાઊલે કયા મુદ્દાઓ જણાવ્યા જેમાં આશાનો પણ સમાવેશ થાય છે?
૧૬. તમને બાઇબલમાંથી કેવી આશા મળી?
૧૭, ૧૮. (ક) પાઊલે રૂમીઓને જણાવેલા મુદાઓ કઈ રીતે “આશા” તરફ દોરી ગયા? (ખ) રૂમી ૫:૪, ૫ની આશાનો શું અર્થ થાય છે, અને શું તમે એવી આશા રાખો છો?
૧૯. તમારે શાના વિષે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ?
૨૦. અમુક વ્યક્તિ ખ્રિસ્તી માર્ગ છોડી દે તોપણ, આપણે શા માટે નિરુત્સાહ ન થવું જોઈએ?
૨૧, ૨૨. તમે વિશ્વાસમાં દૃઢ છો એ કઈ રીતે જણાશે?
૨૩. આ વર્ષે તમારો ધ્યેય શું છે?
[પાન ૨૦ પર ચિત્ર]
એપાફ્રાસે ભાઈબહેનો માટે પ્રાર્થના કરી કે તેઓ ખ્રિસ્ત અને તેઓની આશામાં સંપૂર્ણ રીતે દૃઢ રહે
[પાન ૨૩ પર ચિત્રો]
લાખો ભાઈબહેનો તમારી જેમ જ વિશ્વાસમાં દૃઢ છે