ઉંમર ઢળે પણ ભક્તિનો રંગ ન છૂટે
ભૂમધ્ય સમુદ્રની પાસેના દેશોમાં રહેતા લોકો પોતાના આંગણાંમાં ખજૂરીઓ રોપે છે. ખજૂરીનાં ઝાડ દેખાવમાં સુંદર અને એનાં ફળ ખાવામાં મીઠાં હોય છે. એ ઝાડ સો કરતાં વધારે વર્ષો સુધી ફળ આપે છે.
પહેલાંના જમાનામાં ઈસ્રાએલી રાજા સુલેમાન થઈ ગયા. તેમણે એક કવિતામાં શૂલ્લામી નામની છોકરીને ખજૂરી સાથે સરખાવી છે. (ગીતોનું ગીત ૭:૭) બાઇબલના ઝાડછોડ નામનું અંગ્રેજી પુસ્તક કહે છે: ‘ખજૂરી માટે હેબ્રી શબ્દ “તામાર” વપરાય છે. યહુદી લોકોમાં એ શબ્દ ખૂબસૂરતી માટે વપરાતો હતો. ઘણી વાર તેઓ છોકરીનું નામ તામાર રાખતા.’ દાખલા તરીકે, સુલેમાનની સાવકી બહેનનું નામ તામાર હતું. તે દેખાવડી હતી. (૨ શમૂએલ ૧૩:૧) આજે પણ ઘણા દેશોમાં માબાપ પોતાની દીકરીનું નામ તામાર રાખે છે.
ફક્ત સુંદર સ્ત્રીઓની સરખામણી જ ખજૂરી કે તાડના ઝાડ સાથે થતી નથી. બાઇબલના એક લેખકે કહ્યું કે ‘ન્યાયી માણસ તાડની પેઠે ખીલશે; તે લબાનોનના દેવદારની પેઠે વધશે. જેઓને યહોવાહના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા ઈશ્વરનાં આંગણાંમાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે.’—ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૪.
ઘડપણમાં પણ પરમેશ્વરની ભક્તિ પૂરી શ્રદ્ધાથી કરનારા ભાઈ-બહેનો આ સુંદર ઝાડ જેવા છે. બાઇબલ જણાવે છે કે ‘સફેદ વાળ એ ગૌરવનો તાજ છે, સત્યને માર્ગે ચાલનારને એ મળે છે.’ (નીતિવચનો ૧૬:૩૧, ઇઝી ટુ રીડ વર્શન) ઘડપણને લીધે તેઓ કમજોર થતાં જાય છે. પરંતુ બાઇબલનું જ્ઞાન લેતા રહેવાથી તેઓ જાણે કે તાજા ને તાજા જ હોય છે. યહોવાહની ભક્તિમાં તેઓ ઘણી હોંશ બતાવે છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; યિર્મેયાહ ૧૭:૭, ૮) એવા ભાઈ-બહેનો આપણને ઉત્તેજન પૂરું પાડે છે, જેથી આપણે પણ પરમેશ્વરની ભક્તિ કરતા રહીએ. (તીતસ ૨:૨-૫; હેબ્રી ૧૩:૧૫, ૧૬) ખજૂરીનું ઝાડ વર્ષો સુધી ફળ આપતું રહે છે. એવી જ રીતે મોટી ઉંમરે પણ ભાઈ-બહેનો યહોવાહની ભક્તિમાં હર્યા-ભર્યા રહે છે. (w07 9/15)